Search This Blog

06/11/2015

'યહુદી' ('૫૮)

ફિલ્મ : 'યહુદી' ('૫૮)
નિર્માતા : સાવક વાચ્છા
દિગ્દર્શક : બિમલ રોય
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૭૩ મિનિટ્સ
કલાકારો : સોહરાબ મોદી, દિલીપકુમાર, મીના કુમારી, નિગાર સુલતાના, નઝીર હુસેન, મુરાદ, અનવર હુસેન, મીનુ મુમતાઝ, રામાયણ તિવારી, વિક્રમ કપૂર, બેબી નાઝ, રોમી, પિન્ચુ કપૂર, ઈંદિરા બિલ્લી, હેલન, કક્કુ અને કમલા લક્ષ્મણ.
ગીતો
૧. યે દુનિયા હાય દુનિયા હાય હમારી યે દુનિયા...... મુહમ્મદ રફી
૨. બેચેન દિલ ખોઈ સી નઝર તન્હાઈયોં મેં ...... લતા-ગીતા દત્ત
૩. મેરી જાં મેરી જાં, પ્યાર કિસી સે, હો ભી...... લતા મંગેશકર-કોરસ
૪. દિલ સે તુઝ કો... યે મેરા દીવાનાપન હૈ, યા મુહબ્બત કા...... મુકેશ
૫. આતે જાતે પહેલૂ મેં આયા કોઈ...... લતા મંગેશકર
૬. દિલ મેં પ્યાર કા તૂફાન, ના સમઝે કોઈ નાદાન...... લતા મંગેશકર
૭. આંસુ કી આગ લે કે તેરી યાદ આઈ...... લતા મંગેશકર

ચાલો, એક ભ્રમ તો ભાંગ્યો કે, બિમલ રોય કદી ય કચરાછાપ ફિલ્મ બનાવે જ નહિ. ફિલ્મ જોતા માથું ફરી જાય, એ તો બહુ સામાન્ય સજા છે, પણ આવો મહાન સર્જક આવી રદ્દી ફિલ્મ બનાવે, તો એમના અવસાન અને આ ફિલ્મ 'યહૂદી'ના આટલા વર્ષો પછી પણ કોઈ સજા કરવી જોઈએ. આવી થર્ડ-ક્લાસ ફિલ્મ બનાવીને આવા મહાન સર્જકે આપણને છેતર્યા છે. થેન્ક ગોડ, દિલીપકુમાર અને મીના કુમારી જેવા અત્યંત પ્રભાવશાળી કલાકારો અને શંકર-જયકિશનનું સંગીત છે,એટલે બાકીના ગુન્હા માફ કરી દેવાય.

એ હા, આપણે તો જન્મ્યા ય નહોતા, એટલે ૧૯૩૩ની સાલમાં કે.એલ. સાયગલ, પહાડી સન્યાલ અને રતનબાઈને લઈને બનાવાયેલી ફિલ્મ 'યહૂદી કી લડકી' ઉપરથી આ ફિલ્મ બની હતી. એ ય જોવામાંથી તો બચી ગયા ! ફિલ્મનો બેકડ્રોપ રોમનો છે, જ્યાં જ્યુ એટલે કે યહુદીઓ ઉપર રોમનોના જુલ્મોસિતમની વાતો છે. આમ દરેક ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર તરીકે આવતા સુધેન્દુ રોયે કોસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે. એટલે પુરુષોને લેડીઝ ફ્રોક પહેરાવી દીધા ને પાછળ પૂંઠાના થાંભલા લગાડી દીધા. એમાં આખું રોમ આવી ગયું.

ફિલ્મના સેટ્સ આપણા ગુજરાતી કોક મણિલાલ સોમાભાઈએ બનાવ્યા છે. (કોક એમના દીકરાનું નામ નથી. કોક એટલે, 'કોઈક')

યસ, ફિલ્મનું સૌથી ઊંચું પાસું ધી ગ્રેટ વજાહત મિર્ઝા (ચંગેઝી)ના સંવાદો હતા. મિર્ઝા બહુ ઉમદા લેખક હતા. આ ફિલ્મમાં સંવાદોના શહેનશાહ મનાતા સોહરાબ મોદીના મોંઢે બોલાયેલો 'તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની...?' સુપ્રસિદ્ધ સંવાદ એમણે લખ્યો હતો. ફિલ્મ 'મુગલ-એ-આઝમ' અને 'મધર ઈન્ડિયા' ઉપરાંત 'ગંગા જમુના'ના એમના સંવાદોએ એમને એવોર્ડ્સ અપાવ્યા હતા. શું એ માણસનો ઉર્દૂ પર કમાન્ડ હતો ! (બહુ ઓછાને ખબર હશે કે વલસાડ પાસે ઉતરેલી 'મધર ઈન્ડિયા'ની વાર્તા આપણા ગુજરાતી બાબુભાઈ મહેતાએ લખી હતી.) નસીબજોગે, એમના જાનદાર સંવાદો સોહરાબ મોદીને બોલવાના આવ્યા છે... અને 'મોદીઓ'નું તો તમે જાણો છો... બોલવામાં કોઈના ફાધરે ય એમને ન પહોંચે!

ફિલ્મની વાર્તા હાસ્યાસ્પદ છે, પણ હસવું ન આવે, પોતાની જાતને ગાળો દેવાનું મન થાય. રોમના સરમુખત્યાર ગવર્નર બ્રુટસ (નઝીર હુસેન)નો દીકરો માર્કસ (દિલીપકુમાર) રોમની ગાદીનો વારસદાર છે. શેહજાદી (ઓલિવીયા) નિગાર સુલતાના મનોમન દિલીપને ચાહે છે, પણ દિલીપનું એકાઉન્ટ લિડીયા ઉર્ફે હન્ના (મીનાકુમારી)માં પરોવાયેલું છે. આજે જેમ પાકિસ્તાન એમના જ દેશના બલુચિસ્તાનના લોકો ઉપર બેહદ જુલ્મ કરે છે, કૂમળા બાળકોના માથામાં ગોળી મારી હજારો બલુચ બાળકોને વીંધી નાંખ્યા છે, એમ રોમનો યહુદીઓ ઉપર જુલ્મ કરે છે. પોતાની શાનોશૌકત બતાવવા બ્રુટસ શહેરમાં સરઘસ કાઢે છે, એમાં બાલ્કનીમાં ઊભેલા ૮-૯ વર્ષના એલિઝાથી ભૂલમાં બાલ્કનીનો પથ્થર ખસી જઈ બ્રુટસના માથે પડે છે. જેની સજારૂપે એને ભૂખ્યા સિંહો પાસે ખવડાવી દે છે. એનો બાપ સોહરાબ બહુ કાકલુદીઓ કરે છે, પણ બ્રુટસ સાંભળતો નથી. એઝરાનો વફાદાર નોકર ઈમેન્યુઅલ (રામાયણ તિવારી) બ્રુટસની બાળકી (બેબી નાઝ)ને ઉઠાવી લાવે છે, જેને મારી નાંખવાને બદલે સોહરાબ એને બેટી તરીકે મોટી કરે છે. રોમન કાયદા અનુસાર કોઈ રોમન યહુદી સાથે પ્રેમ કે લગ્ન કરતો પકડાય તો એને સઝા-એ-મૌત આપવામાં આવે છે, જે દિલીપને મળે છે, પણ મીના કુમારી એને બચાવીને પોતે એ સઝા લઈ લે છે, એનો આઘાત લાગતા દિલીપ પોતાની આંખો ફોડી નાંખે છે. એઝરા (સોહરાબ મોદી)ને હાર્ટ-એટેક આવતા થીયેટરમાં બઠેલા ૭૦૦-૧૦૦૦ પ્રેક્ષકોનો જીવ બચી જાય છે ને ફિલ્મ પૂરી થાય છે.

શૈલેન્દ્રને 'યે મેરા દીવાનાપન હૈ' ગીત માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, પણ શંકર-જયકિશનનું સંગીત આવા બેહુદા વિષયને કારણે ખોવાઈ ગયું હતું.

'બેચેન દિલ ખોઈ સી નઝર' (લતા-ગીતા દત્ત) નૃત્યગીતમાં પ્રેક્ષકો નસીબદાર હતા કે હિન્દી ફિલ્મોની એ વખતની બંને સર્વોત્તમ નૃત્યાંગનાઓ હેલન અને કક્કુ સાથે ડાન્સ કરતી જોવા મળી.

તો જે ગીતની બેઠ્ઠી ચોરી (એઝ યુઝવલ...) બપ્પી લાહિરીએ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શરાબી'માં 'દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે દે...'માં કરી હતી તે અસલી ગીત શંકરના કમ્પોઝિશનમાં શૈલેન્દ્રએ લખેલું લતાએ ગાયેલું, 'ઓ દિલ મેં પ્યાર કા તૂફાન, ના સમઝે કોઈ નાદાન, ઝાલીમ ઘુરઘુર કે...' આ ફિલ્મ 'યહુદી'ના નૃત્યગીત સાઉથની અત્યંત સુંદર ડાન્સર કમલા લક્ષ્મણ ઉપર ફિલ્માયું છે. લતા અને જયકિશન એકબીજાની કેટલા નજીક હતા, એ તો આખું ગામ જાણે છે અને લતાને બંને સાથે (શંકર-જયકિશન) મીઠા ઝગડા પણ થતા કે, આ બંને લતાના ગીતો ઠીક ઠીક ઊંચા સૂરમાં જ ગવડાવતા. લતા કહેતી, 'ઊંચું ગાઈ ગાઈને થાકી ગઈ છું... ક્યારેક તો...' પણ લતા ગાયક હતી. સંગીતકાર નહિ. લતા પાસે એ બંનેએ કેવું મનોહર કામ લીધું છે, એ તો લતાએ સ્વીકારવું પડે !

ઈ.સ. ૧૯૩૩-માં જન્મેલી મીના કુમારી (સાચું નામ 'મેહજબી.')ની માં ફિલ્મોમાં એકસ્ટ્રા કલાકાર હતી, એની પત્ની જેમ. જે ક્યારેક હાર્મોનિયમ પણ વગાડી લેતો. પ્રેમ-બ્રેમના મામલે મીનાની લગભગ બધી બહેનો ઉદાર દિલવાળીઓ હતી. મોટી બેન ખુરશિદ અલ્તાફ નામના એક એક્ટર સાથે ભાગી ગઈ, પણ નાની બહેન મધુરી કોમેડિયન મહેમૂદ સાથે લગ્ન કરતા પહેલા બીજા એક છોકરા સાથે ભાગી જઈને લગ્ન કરવાનું રીહર્સલ કરી લીધું હતું. બહેનોનું જોઈને મીના કુમારીનો તો લફરાં ઉપર હાથે સારો ય બેસવા માંડયો અને સૌથી પહેલો ચાન્સ મળ્યો હોમી વાડીયાની ફિલ્મ 'મગરૂર' નામની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ કરતા કોઈ 'નસીમ' સાથે, પણ મીનાના ફાધર અલી બખ્શને અંદાજો આવી જતા એણે નસીમને ફિલ્મમાંથી કાઢી મૂકાવ્યો. પિતા ય જાણતા હતા કે મીના સોનાની મૂર્ગી છે... ગમે તેવો ઐરોગૈરોનથ્થુખૈરો ઉપાડી જાય તો લખપતિ ક્યાંથી બનાય ? (એ જમાનામાં લખપતિ એટલે આજનો અબજોપતિ)

પણ નસીમને એનો રસ્તો મળી ગયો. મીનાની કાર પૂનાથી મુંબઈ આવતા રસ્તામાં બ્રેકડાઉન થઈ ને ત્યાંથી પસાર થતી મોટી કાર ઊભી રહી હતી. જેનો માલિક અને ડ્રાયવર નસીમ હતો, પણ એ પેલો 'મગરૂર'વાળો નસીમ નહિ... આ તો બહુ મોટી કંપનીઓના માલિકનો દીકરો હતો. એ આ લોકોને પોતાની કારમાં મુંબઈ લઈ આવ્યો. બદલામાં અલી બખ્શે એને પોતાને ઘેર જમવા બોલાવ્યો. ફિર ક્યા...? મુહબ્બત, મુહબ્બત... મુહબ્બત ! પણ આ વખતે નસીમના ફાધર આવી કોઈ એક્ટ્રેસ-ફેક્ટ્રેસને ઘરમાં લાવવા માંગતા નહોતા. બાત ખતમ...!

પણ પાછળ પાછળ આપણો ભા.ભૂ. (ભારત ભૂષણ) આવતો જ હતો, ફિલ્મ 'બૈજુ બાવરા'માં બંને મળ્યા એ દિવસ નહિ, એ ક્ષણથી પ્રેમના બંધને બંધાઈ ગયા. આ ફિલ્મના સેટ પર બંનેને કદી જુદા બેઠેલા જોયા નથી. એમ ભેગા સૂતેલા ય જોયા નથી. પ્રેમ તો અસ્થમા જેવો છે... ક્યાં સુધી છુપાવી રાખો ? બસ, એટલી ખબર છે કે, બંને સેટ પર પોતપોતાના ટીફિનોમાંથી જમે. મીનાને ભા.ભૂ.નો સુંદર ચહેરો, સોફ્ટ ટોનમાં બોલવાની અદા, સાહિત્યનો મોટો જ્ઞાની અને ખાસ તો, મીનાના વખાણ પણ ધીમા છપછપ અવાજે કરે. એ મીનાને બહું ગમતું.

પણ ભા.ભૂ.નો પ્રોબ્લેમ મોટો એ હતો કે એ એવા પ્રસિદ્ધ અને આદરણીય પરિવારમાંથી આવતો હતો, જ્યાં લગ્ન બાબતે ધર્મ, જાતિ અને સામેવાળાનો પરિવાર પહેલો જોવાતો. ભા.ભૂ. કુછ કર નહિ સકા... બસ ! છોડી દીધી મીનાને !

અલી વખ્શે અશોકકુમાર-મધુબાલાની ફિલ્મ 'મહલ' બનાવતા કમાલ અમરોહીને જોયો હતો. એક તરફ કે. આસીફની 'મુગલ-એ-આઝમ' બની રહી હતી, પણ મુંબઈ કા ચપ્પા-ચપ્પા જાનતા થા કે, આસીફ જેવો આળસુ કદી આ ફિલ્મ પૂરી કરી શકશે નહીં. એટલે કમાલ અમરોહી ફિલ્મ 'અનારકલી' બનાવી રહ્યા હતા, જેમાં મીનાકુમારીના ધગધગતા સૌંદર્યથી આકર્ષાઈને અનારકલીનો રોલ આપી દીધો. પણ એ ફિલ્મ કદી બની નહિ, પણ 'અનારકલી'ની વાર્તા સંભળાવવાને બહાને મુંબઈના સેન્ટ્રલ સ્ટુડિયોનો પોતાની પોશ ઓફિસમાં કમાલ-મીના દિવસથી શરૂ કરીને મોડી રાત સુધી મળતા રહ્યા-રોજ ! અલી બખ્શે જાસૂસ તરીકે મધુરીને મૂકી હતી, પણ એ ય બહેન તો મીનાની ને ? બન્ને બહેનો એકબીજાનું ખૂબ 'સાચવતી' ! પણ આમાં મોટો લોચો એ વાગ્યો કે, જે પ્રોડક્શન હાઉસ 'ફિલ્મકાર'ના નેજા હેઠળ 'અનારકલી' બનતી હતી. એના મારવાડી માલિકના રૂ. ૪ લાખ તો ઓલરેડી હલવઈ ગયા હતા અને આ બંને ફિલ્મ આગળ જ વધારતા નહોતા, એમાં બંનેને કાઢી મૂકાયા... સેન્ટ્રલ સ્ટુડિયોની પોશ-ઓફિસની ય સીધા બહાર ! કમાલ અમરોહી અત્યંત પ્રભાવશાળી, ઉર્દૂ સાહિત્યનો શ્રેષ્ઠ જાણકાર, કપડાં ખૂબ મોંઘા પહેરે અને ખાસ તો વાત કરવાની એની અદાયગી, એ સમયના ય કોઈ પણ હીરો કરતા વધુ અનોખી, બંને વચ્ચે પ્રેમ ચાલુ રહ્યો.

૨૯ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ એક તરફ જામનગરમાં અશોક દવેનો જન્મ થઈ રહ્યો હતો. બીજી તરફ અલી બક્ષ મીનાની શોધખોળ કરી રહ્યો હતો, તે જ દિવસે ચાર બાળકોના પિતા કમાલ અમરોહી અને મીનાકુમારીએ છાનામાના લગ્ન કરી લીધા. એમ કહેવાય છે કે, મીના ગર્ભવતી થઈ હતી અને એ કૃત્યને પવિત્ર અંજામ આપવા અને અલી બખ્શને કહેવા થોડી રાહ જોવાની હતી. પ્રોડયુસર વી.એમ. વ્યાસ પાસેથી રૂ. ૩૦ હજારની લોન માટે મીના જામીન પણ થઈ. (એ સમયે તેલનો આખો ડબ્બો રૂ. ૪/-માં મળતો હતો, એ હિસાબે ડબ્બાના આજના ભાવે રૂ. ૩૦ હજારનું મૂલ્ય આંકી જુઓ) પણ એક વાર મીના પત્ની બની ગઈ, એટલે કમાલ સાહેબનો રસ પણ એનામાંથી ઊડી ગયો. મીનાના ઉઘાડે છોગ અપમાનો થવા માંડયા. મીનાનું નામ લેવા ય કમાલ રાજી નહોતો.

ઈસ મેં ક્યા...? પાછળ ફરીથી આપણો ભા.ભૂ. તૈયાર થઈ ગયો હતો. એ જ પ્રોડયૂસર વી.એમ. વ્યાસે એ બંનેને ફિલ્મ 'દાનાપાની'માં ચમકાવ્યા. ખુદ મીનાના મનમાં ય ફિટ થઈ ગયું કે, આજ સુધીના તમામ પ્રેમીઓમાં ભા.ભૂ. જેવો તો કોઈ નહિ. હી ઈઝ બેસ્ટ ! (દરમ્યાનમાં ભા.ભૂ. અને મધુબાલા તો પ્રેમની ગાંઠે કે'દીના બંધાઈ ચૂક્યા હતા.) બંનેએ મુંબઈના ખારમાં 'આશિયાના' નામનો બંગલો ભા.ભૂ.ના નાના ભાઈ આર. ચંદ્રા (ફિલ્મ 'નઈ ઉમ્ર કી નઈ ફસ્લ'નો નિર્માતા-દિગ્દર્શક) ના નામે લઈ લીધો. બંનેએ પોતપોતાના ડ્રાયવરોને છૂટ્ટી આપી દીધી અને મીનાને ડ્રાયવિંગ શીખવી દીધું. એમાં પાલી હિલના થાંભલા સાથે મીનાએ કારને ભટકાડી દીધી.

દરમ્યાનમાં કમાલ સા'બ મીનાને મળ્યા અને બંનેએ કરેલા છુપા લગ્નના જાહેર તલ્લાક લઈ લીધા. કમાલની વાત એ છે કે, આ તમામ ઘટનાઓ દરમ્યાન મીના એના પિતા અલી બખ્શ સાથે જ રહેતી હતી. અલીને જ્યારે ખબર બધી પડી ગઈ ત્યારે તપાવેલું તાંબુ થઈ ગયો અને ઉર્દૂના કોઈ પણ સાહિત્યકાર જેટલા જ વિદ્વાન કમાલ અમરોહીને મુંબઈના ધારાવીની ઝુંપડપટ્ટીઓમાં જ બોલાય એવી સતત સંભળાવે રાખી. અલબત્ત, મીના પોતે નફરત કરતી હોવા છતાં, કમાલ અમરોહીની અધૂરી ફિલ્મ 'દાયરા' (જેમાં મુબારક બેગમ-મુહમ્મદ રફીનું અપ્રતિમ ભજન 'દેવતા તુમ હો મેરા સહારા, મૈંને થામા હૈ દામન તુમ્હારા...' હતું) પૂરી કરી દેવા પિતા પાસે મંજૂરી માંગી. પેલાએ આપી પણ ખરી, પણ એને એ ખબર નહોતી કે એ પોતાના ડેથ-વોરન્ટ પર સહિ કરી રહ્યો છે... ઓહ, હું કાંઈ ફેંકતો-બેંકતો નથી. મીના-કમાલ ફરીથી પ્રેમમાં પડી ગયા... જે રીતે આઠેક વર્ષ પહેલા મધુબાલા અને કમાલ અમરોહી પ્રેમમાં પડેલા હતા. કમાલે એક જ કમાલ બતાવતા રહેવાનું હતું... મીના અને ભા.ભૂ. હવે મળવા ન જોઈએ.

આ બાજુ એક નવો ધમાકો થયો. મેહબૂબખાનની ફિલ્મ 'અમર'માં દિલીપકુમાર સાથે મીના કુમારી હિરોઈન હતી. બસ, કોઈ ૪-૫ દિવસના શૂટિંગ પછી મીનાએ ગંજાવર શરતો મૂકવા માંડી. અકળાયેલા મેહબૂબખાને હિન્દી ફિલ્મોના નિર્માતાઓના એસોસિએશન (IMPPA) માં ફરિયાદ કરી કે મીનાને કારણે મને રૂ. એક લાખનો ઘાટો પડયો છે. સામે મીનાએ ફટકો એવો માર્યો કે, મેહબૂબ એની સાથે બહુ ઉધ્ધત વર્તન કરે છે અને એના ''ઈરાદાઓ'' શંકાસ્પદ છે. વળતા હુમલા તરીકે મેહબૂબે મોટા નુકસાનો છતાં મીનાને ફિલ્મમાંથી કાઢી મૂકી અને મધુબાલાને લીધી. કમાલને સાબિતી મળી ગઈ કે, હવે મીના એને જ પ્રેમ કરે છે. કારણ કે, નિર્માતા વી.એમ. વ્યાસની ફિલ્મની ઘણી મોટી ઓફર મીનાએ ઠુકરાવી દીધી, જે ફિલ્મ 'નૂરજહાં'માં ભા.ભૂ. હીરો હતો. નિર્માતા આર. સી. તલવારની એક ફિલ્મ જેમાં દિલીપકુમાર હીરો હતો, તે પણ મીનાએ ઠુકરાવી દીધી. અલી બખ્શનો પિત્તો તો એવો ગયો કે, ઘરમાં રોજ ઝઘડા નહિ, મારામારીઓ થવા માંડી અને માર ખાય મીનાની માં ! આ વખતે મીનાએ પિતાનું ઘર કાયમ માટે છોડી દઈ કમાલ અમરોહીના સાયન ખાતેના બંગલામાં સ્વતંત્ર દિને (૧૫ ઓગસ્ટ, ૧૯૫૩) કાયમી રહેવા જતી રહી. મીના સ્વાતંત્ર્યની બહુ હિમાયતી ! એકલો પડી ગયેલો અલી બખ્શ એની નોકરાણી સાથે પરણી ગયો.

આ બાજાુ, મીના-કમાલના ઝગડાઓ ફરી ઊભા થયા અને આ વખતે મીના કુમારીએ શૂટિંગના અનેક માણસોના દેખતા કમાલ અમરોહીને મોઢે ચપ્પલ ફટકારી દીધી હતી. ત્યાંથી મીના સીધી દાદામોની અશોકકુમારના બંગલે રહેવા જતી રહી. આ ભલા માણસે મીના સમજાવીને કમાલ અમરોહીને પોતાને ઘેર બોલાવ્યો અને બંને વચ્ચે મીઠડું સમાધાન કરાવી દીધું. પણ એ પછી, ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઈ'ના શૂટિંગ વખતે મીના કુમારી ફિલ્મના હીરો રાજકુમારને બિનશરતી દિલ દઈ બેઠી, પણ આ એક જ હીરો એવો હતો, જેના નામે જીવનપર્યંત કોઈ લફરૂં નથી. નહિ તો એવી કેટલી હિરોઈનો હતી જે 'જાની'ને સામેથી ઓફર ન કરે ? રાજકુમારે વિનયપૂર્વક મીનાના પ્રેમનો- આઇ મીન, લફરાનો ઇન્કાર કરી દીધો.

'૬૦-પછીના દશકમાં મીનાના જીવનમાં ધર્મેન્દ્ર આવ્યો, સાવનકુમાર ટાંક (સંગીતકાર ઉષા ખન્નાનો પૂર્વ પતિ) અને ગુલઝાર છેલ્લો.

જીવો તો બળતા હશે ને કે આપણે આટલા મોડા કેમ જન્મ્યા ?

No comments: