Search This Blog

30/12/2015

પુરૂષો માટે

મસ્તુભ'ઈ ઉંમરને કારણે નહિ... સખ્ખત 'લાગી હતી', એટલે સીજી રોડ ઉપર આખા ગૂંચળું વળી જઈને-ઢીંચણથી ઢીંચણ અડાડીને ઊભા રહી ગયા હતા. આ 'લાગી' એટલે કોઈ રામ ભજનની રટણ-બટણ નહોતી લાગી... કોઈને કહેવાય નહિ, પણ પૂછી જોવાય એવી 'લાગી' હતી. આમાં હરિભક્તોનું કામ નહિ. આખા સીજી રોડ ઉપર એમને ક્યાંય શૌચાલય દેખાતું નહોતું. એમણે રાહુલ ગાંધીના સૌજન્યથી, એવું જરૂર સાંભળ્યું હતું કે, 'જહાં સોચ, વહાં શૌચાલય', પણ અત્યાર સુધી એ માનતા નહોતા. સોચ એટલે કે, વિચારવાને 'પુરૂષો માટે' સાથે શું સંબંધ ? અત્યારે એ સોચનો સઘળો હિસાબ-કિતાબ નજર સામે આવી ગયો હતો. પરમેશ્વરને પ્રાર્થના એટલી કે, એ વિચાર નજરની સામે રહે ત્યાં સુધી જ સારૂં છે. નજરમાંથી ઉતરીને હેઠે ગયો તો આખા સીજી રોડ ઉપર બૂમાબૂમ થઈ જશે. મસ્તુભ'ઈને 'સોચ' તો બેનમૂન આવી ગઈ હતી, પણ શૌચાલય આવતું નહોતું. 'સ' અને 'શ' વચ્ચેનો ફરક તો પોણા ગુજરાતને આવડતો નથી. રાહુલજીનો કોઈ વાંક નથી.

ગાડી તો ક્યાંય પાર્ક કરી હતી ને મોબાઈલનું ચાર્જર ખરીદવાનું હતું, એટલે ચાલતા નીકળવું પડે. ઈવન, ગાડીમાંથી ઉતર્યા ત્યારે મામલો આટલો હદ બહાર-કાબુ બહાર નહોતો. નહિ તો, ત્યાં જ કોઈ વ્યવસ્થા થઈ જાત. જોવાની વેદના એ છે કે, આખા સીજી રોડ ઉપર કોઈ ગપોલી કે ખૂણોખાંચો ય નહતો આવતો, જ્યાં જઈને મુખ પર સ્મિત સાથે દિવ્ય સંતોષનો આનંદ પ્રાપ્ત કરી શકાય. માંડ કોઈ ખૂણોખાંચરો આવતો હોય, ત્યાં પાણી-પુરીવાળા ઊભા હોય, ને ત્યાં તમે જાણો જ છો કે, ગુજરાતી મહિલાઓને પુરી નાની દેખાય ને ફરિયાદ કરે, પણ બાજુમાં પબ્લિક-ટોયલેટ હોય તો કોઈ વાંધો નહિ... મસાલા-પુરી તો ખાસ લેવાની !

રામ જાણે ગુજરાતમાં કાકાઓએ તો સમાજનું શું બગાડી નાંખ્યું છે કે, અમથા ય ભીંત પાસે ઊભા હોઈએ તો ય કોક બૂમ પાડે, ''એ કાકાઆઆઆ... અહીંયા નહિ.''

મનુષ્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ ભલે દિવસમાં ૪-૫ વાર આવતી હોય... કોઈને દસ-બાર વારે ય હોય, પણ આ સમસ્યાઓ પહેલેથી જાણ કરતી નથી પણ છેલ્લી ઘડીએ આપણને સીધા કરી નાંખે છે... સોરી, વાંકા કરી નાંખે છે. રણમાં ભૂલા પડેલા આરબને આખા જીવનકાળ દરમ્યાન આવી-સીજી રોડ સરીખી સમસ્યાઓ આવતી નથી... ત્યાં કશું ન હોવા છતાં, 'સારા જહાં હમારા'ને ધોરણે મન ફાવે ત્યાં ભૂમિપૂજન કરી શકાય. બહુ બહુ તો ઊંટ પાસે સારી છાપ ન પડે, પણ એમ તો ઊંટો ય ક્યાં કદી આપણી ઉપર સારી છાપો પાડવા આવ્યા છે ? એ લોકો ય કાંઈ, આપણે જરા આઘા ગયા હોઈએ ત્યારે જ પતાવતા નથી હોતા. ધ્યાન ન રાખીએ તો આપણી ઉપરે ય પતાવે. આ તો એક વાત થાય છે.

મસ્તુભ'ઈ સીજી રોડ પરનું પાટીયે-પાટીયું વાંચતા હતા કે ક્યાંય 'પુરૂષો માટે' લખ્યું છે ? એક જગ્યાએ લખ્યું હતું, 'પુરૂષો માટે... 'મરણજીત'ના ગંજી-બનિયાન આજે જ ખરીદો.'

તારી ભલી થાય ચમના. પ્રવર્તમાન હાલતમાં તો સીજી રોડ ઉપર શૂટ પહેરીને નીકળ્યા હો, એમાં ય ભરાઈ જવાય. અને ગામમાં છાપ અને મરણજીતનો માલ ગમે તેટલા સારા, મજબુત અને ટકાઉ હોય... એટલો જ માલ પહેરીને કાંઈ સીજી રોડ ઉપર થોડું નીકળાય છે ? વળી, આવા મામલાઓમાં કાયદો તો તમે સૂટ પહેર્યો હોય કે ગંજી-બનિયાન, સરખો જ લાગુ પડે છે. વાચકો, કોઈ મને ટેકો આપો... મારી વાત ઢીલી પડી રહી છે ! યસ, વડા પ્રધાનશ્રીના 'સ્વચ્છતા અભિયાન'ના પોસ્ટરો ઉપર એમની નજર ચોક્કસ પડી, પણ સગવડ તો એ પોસ્ટરની નીચે ય કશી કરવામાં આવી નહોતી. મસ્તુભ'ઈ એવા ખીજાયા કે, આવતી ચૂંટણીમાં મતદાન-કેન્દ્ર પબ્લિક-ટોયલેટોમાં રાખશો તો જ વોટ આપવા જઈશ... સાલું, જે આપવું હોય, એ આપતા તો અવાય !

આમ ટટ્ટાર ઊભા રાખો તો મસ્તુભ'ઈની હાઇટ ૫'-૭'' જેટલી થાય, પણ ન રહેવાય, ન સહેવાયવાળી આ દશામાં એમના આખા બોડીની હાઈટ દોઢેક ફૂટની થઈ ગઈ હતી, એટલી હદે એ વાંકા વળી જતા હતા. એ બોલી શકતા નહોતા. વેદના પહેલા તો કેવળ એમના ચેહરા સુધી દેખાતી હતી... હવે 'જાયેં તો જાયેં કહાં, સમઝેગા કૌન યહાં, દર્દભરે દિલ કી ઝૂબાં... હોઓઓઓ', એ મનમાં કાયમ રમતું ગીત હોવા છતાં, એનો એક અર્થ આવો ય થશે, એ કદી ય વિચાર્યું નહોતું.

વાતે ય સાચી હતી. આવી વેદના સમઝે ય કોણ ? સમઝે તો ય, આમાં મદદ કેટલી કરી શકે ? મસ્તુભ'ઈએ ગળામાંથી માંડમાંડ અવાજ કાઢીને, ખૂબ ટેન્શનમાં રસ્તો ક્રોસ કરવા જતા એક ભ'ઈને રોકીને પૂછ્યું, ''એક્સક્યૂઝ મી... અહીં ક્યાંય પબ્લિક-ટોયલેટ જેવું ખરૂં ?''

''અરે બાપા... હું ય અડધી કલાકથી એ જ ગોતી રહ્યો છું.'' આટલું તો એ છ તબક્કે બોલ્યો. આખા સીજી રોડ ઉપર એક માત્ર મસ્તુભ'ઈ એની વેદના સમજી શકતા હતા, પણ મદદ કરી શકે એમ નહોતા. મનુષ્ય જીવનની આ એક જ સમસ્યા એવી છે, જેમાં 'વિના સહકાર, નહિ ઉદ્ધાર' વાળો આદર્શ ન ચાલે. આમાં તો પેલો, 'કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...'ના નિયમોને આધિન બધું અબઘડી જ પતાવવું પડે. સુઉં કિયો છો ?

માઉન્ટ એવરેસ્ટની ટોચ કે ચીનની દિવાલ પર એરો બતાવીને 'ટોઈલેટ' લખ્યું હોય, એમ એક ઝાડની છાતીમાં ખિલ્લી મારેલું પતરાનું પાટીયું વાંચીને મસ્તુભ'ઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા, એ તાબડતોબ પાછા ખેંચી લીધા... અત્યારે આંખમાંથી પાણી વહેવડાવવાનો શો ફાયદો ? પ્રોબ્લેમ એટલો હતો કે, કોક અવળચંડાએ 'એરો' આકાશની દિશામાં કરી નાંખ્યો હતો. છતાં, 'પૂછતો નર પંડિત થાય', એ ધોરણે એ પાટીયાં નીચે ઊભેલા ચનાજોર ગરમવાળાને મસ્તુભ'ઈએ પૂછી જોયું, ''ભૈયાજી, યે તીર-કામઠાં ઉપર કી તરફ કિસને મારા હૈ ? મુઝે ટોયલેટ જાના હૈ...''
''વો મૈને હી મારા હૈ... જીતને લોગ મેરે પાસ ચના ખાને નહિ આતે, ઉતને ટોયલેટ કા પૂછને આતે હૈં... જાઓ ઉપર... જાના હો તો !''

હવે હદ થઈ રહી હતી. છેલ્લો સહારો ય ગયો. મસ્તુભ'ઈએ હિમ્મત કરીને એક શોપમાં ઘુસી જઈ, તદ્દન નવરા બેઠેલા માણસને પૂછ્યું, ''ભાઈ સા'બ... મને સખ્ખત લાગી છે... આટલામાં ક્યાંક... ?''

''એ ઘનશ્યામ... કાકા માટે રીક્ષા ઊભી રાખ તો...''

''એ ભ'ઈ, મેં ક્યાંય જવા માટે પૂછ્યું નથી... મને તો...''

''હા કાકા... હું ય તમને ટોયલેટનો જ રસ્તો કરી આપું છું. જુઓ. અહીંથી રીક્ષાવાળાને તમારે કહેવાનું, ''રેલ્વે સ્ટેશન લઈ લે... ત્યાં એક નંબરના પ્લેટફોર્મ ઉપર જે ટ્રેન ઊભી હોય એના ડબ્બામાં... અત્યારે જ ઉપડો.... ના સોરી, ગુજરાત મેલ તો રાત્રે...''

મસ્તુભ'ઈ પૂરો જવાબ સાંભળ્યા વિના નીકળી ગયા. એમને આ જગત ઉપરથી શ્રધ્ધા ઉઠી ગઈ. પણ અત્યારે શ્રધ્ધા ઉઠાડવાનો સમય નહતો. ચાલતા ચાલતા બે પગ વધુ ને વધુ સંકોચાતા ગયા. હવેનું એમનું ચાલવું, એ ચાલવું ન કહેવાય... એ દયાજનક અવસ્થામાં બાજુમાં જે ભીત મળી, એના ઉપર એક ઊંચો હાથ મૂકીને એના ટેકા ઉપર માથું ઢાળીને આંખો બંધ કરીને લાચારીમાં કેટલીક ક્ષણો ઊભા રહ્યા. ૪-૫ સેકન્ડે ભાનમાં આવ્યા ને અજાણતામાં એમની નજર એ હાથવાળી ભીંત ઉપર પડી, ત્યાં 'પબ્લિક-ટોયલેટ'નું આકર્ષક અને મનમોહક પાટીયું મારેલું હતું. કેટલાક વાચકો મારા આ બન્ને શબ્દોનો વિરોધ કરશે કે, આવા પાટીયાં માટે આવા ઊંચા વિશેષણો વાપરવાની ક્યાં જરૂર હતી ? આ શબ્દો તો અમે અમારી વાઈફો માટે વાપરીએ છીએ.મારો બચાવ એટલો જ કે, ઈશ્વર ન કરે ને તમે કોક'દિ મસ્તુભ'ઈ જેવી મુશ્કેલીમાં આવી પડો.

મસ્તુભ'ઈ મસ્તીમાં આવી ગયા. જગતમાં ઈશ્વર જેવું કાંઈ છે ખરૂં, એવું એમને પહેલીવાર સાચ્ચે જ લાગ્યું. આખો સીજી રોડ એમને ટોયલેટોથી હર્યોભર્યો લાગવા માંડયો. જ્યાં દ્રષ્ટિ પડે, ત્યાં ટોયલેટ દેખાવા માંડયું. ઉમંગ મ્હાતો નહતો. કાચી સેકન્ડમાં તો મસ્તુભ'ઈ મંઝિલે પહોંચી ગયા. મુખ પર મંદ મંદ મુસ્કાન સાથે આંખો બંધ કરીને તેઓ કોઈ ઉપાસના કરતા હોય, એવા છુટયા. એમણે જીવનમાં કંઈક પામ્યાનો આનંદ અનુભવ્યો, છેલ્લે જ્યારે 'હાઆઆઆ... શ' બોલાયું. ફરક એટલો હતો કે ટોયલેટ તો આગળના દરવાજે હતું... આ તો કોઈ દુકાનદાર ઘડી બે ઘડી હળવો થવા ટોયલેટ ગયો હશે ને દુકાન ખાલી પડી હતી અને મસ્તુભ'ઈ બસ... ઉતાવળવાળી ઈમર્જન્સીમાં એક દરવાજો વહેલો ચૂકી ગયા !

સિક્સર
- દિલ્હીમાં વાહનોની એકી-બેકી કરાવવાનો કોઈ ફાયદો ?
-... થાય કે ન થાય... પ્રદુષણ દૂર કરવાનો કમ-સે-કમ કોઈ પ્રયત્ન તો થયો !

No comments: