Search This Blog

06/03/2016

ઍનકાઉન્ટર : 06-03-2016

૧.તમારા મનપસંદ લેખક કોણ ?
- ગુજરાતીમાં મહાત્મા ગાંધી, ઇંગ્લિશમાં મારિયો પૂઝો (ધી ગૉડફાધર).
(અજય ચોવટીયા, જામનગર)

૨.આપણી કૉલમો વાંચ્યા પછી, આપને રૂબરૂ મળવાની ઇચ્છા થઇ છે. કોઇ ઉપાય ખરો ?
- મળવામાં હું બહુ બોરિંગ છું.
(રાજેશ દેલવાડીયા, નવસારી)

૩.આંખ મીચીને વિશ્વાસ મૂકી શકો, એવી કોઇ વ્યક્તિ ખરી ?
- અજીતસિંહ
(પૂર્ણા સાવંત, વડોદરા)

૪.આ તો અમને એમ કે, કોઇનું પેટીયું નીકળે, એટલે તમને સવાલો મોકલ્યા... પણ કમબખ્ત, કિસીને 'ઈનબોક્સ' ખોલા હી નહિ....
- આજ સુધી આપણે બે ય બચી જતા હતા...!
(મિલન પરમાર, ગાંધીનગર)

૫.બ્રહ્માંડમાં તો અસંખ્ય ગ્રહો હોય છે, તો પછી કુંડળીમાં ૯-જ કેમ ?
- જોશકાઓ ૯-માં ય પહોંચી વળતા નથી, ત્યાં -
(શૈલી ઠાકર, અમદાવાદ)

૬.તમને ભારતના રાજદુત તરીકે ચીન મોકલે તો ત્યાં શું કરો ?
- હું એ લોકોને યાદ અપાવું કે, 'મેહમાનો તો ઈશ્વર સ્વરૂપ હોય છે. મને ઠાઠમાઠથી રાખો.'
(મકસુદ બેલીમ, મુંબઈ)

૭.અમારે વડોદરામાં ગટરના ઢાંકણાનો પ્રોબ્લેમ ઉકેલાતો નથી, શું એને માટે ય ટૅકનોલોજી આયાત કરવી પડશે ?
- તમારા મેયશ્રીને પૂછી જુઓ. એ હા પાડતા હોય તો હું વગર ટેકનોલોજી લાવે પરદેશ જઈ આવીશ.
(રોહિત યૂ. બૂચ, વડોદરા)

૮.જ્યાં 'અહીં થૂંકવું નહિં' લખેલું હોય છે, ત્યાં જ લોકો થૂંકતા કેમ હોય છે ?
- આપણે જોયા કરીએ છીએ માટે. એક વખત બોચી પકડીને એની પાસે એનું થૂંકેલું ચટાવો.
(વિશાલ નગરવાડીયા, ભીંગરાડ-લાઠી)

૯.તમારી આજ સુધીની સર્વોત્તમ ઉપલબ્ધિ કઈ ?
- ભારત દેશમાં જન્મ
(નિધિપ પરમાર, ગાંધી આશ્રમ)

૧૦.કુશ્તીબાજનો રોલ કરવા આમિર ખાને આવનારી કોઇ ફિલ્મ માટે વજન વધાર્યું છે... સુઉં કિયો છો ?
- બસ. હવે એ, ઇથિયોપિયાના ભૂખે મરતા બાળકનો રોલ કરે.
(દીપક રાવલ, સુરત)

૧૧.દેશ માટે લડનાર વીરાંગના સંયુકતા પરાશર માટે આપણી મીડિયા પાસે સમય કેમ નથી ?
- એ મહિલા પાકિસ્તાની છે ? હોય તો બોલ, કાલના સમાચારમાં ચમકાવીએ.
(સંજય પાઠક, અમદાવાદ)

૧૨.ક્યારેક ગુજરાતી હોવાનો પસ્તાવો થાય છે....? બાકી બિહારીઓ માટે ફ્રી સ્કૂટી, ફ્રી પૅટ્રોલ (બે વર્ષ માટે) અને ફ્રી લૅપટોપ..!
- આવો પસ્તાવો મોદીને થવો જોઈએ.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

૧૩.ભાષણો પૂરતું નરેન્દ્ર મોદી અને લાલુપ્રસાદ યાદવ વચ્ચે કોઈ સામ્ય ખરૂં ?
- મોદી વિદ્વાન છે, લાલુ જોકર.
(ધવલ સોની, ગોધરા)

૧૪.હંમેશા ખુશ રહેવા શું કરવું ?
- અરીસામાં જોઇને રોજ હસવું.
(નિલેશ શાહ, ભાયંદર)

૧૫.સ્વાઇન-ફ્લ્યુ અટકાવવા જાહેર-સમજની જરૂર લાગે છે ખરી ?
- એ તો બેશક જરૂરી છે, પણ એ પહેલા જાહેરમાં થૂંકનારાઓને જાહેરમાં ફટકારવાનું (પ્રજા તરફથી) શરૂ થઈ જવું વધુ જરૂરી છે.
(વૃંદા જોશી, જૂનાગઢ)

૧૬.તમારા માટે એક વાક્યમાં કહેવું હોય તો શું કહેવાય ?
- કંજૂસ્સ...! કહેવું જ હોય તો ફક્ત એક જ વાક્યમાં શું કામ ? વાપરી નાખો હજાર-બે હજાર વાક્યો !
(યુસુફ કે. વાણીયા, જામનગર)

૧૭.તમે હમણાં બાયપાસ-સર્જરી કરાવી, એનું વાઇફ ઉપર કોઇ રીઍક્શન ?
- કહેતી હતી, 'પહેલા એમના દિલમાં મધુબાલા હતી. પછી ડિમ્પલ કાપડીયા આવી... હાઆશ, હવે મારા માટે જગ્યા થશે !'
(સંજય ત્રિવેદી, અમદાવાદ)

૧૮.આજની શિક્ષણ-પ્રણાલિ માટે શું માનો છો ?
- બસ... એમાંથી બધેબધું ધાર્મિક હટાવી દેવું જોઈએ.
(ધાર્મિક બાપોદરા, જૂનાગઢ)

૧૯.પ્રધાનમંત્રી જનધન યોજનામાં તમે રસ લો છો ?
- એ લોકો તો એવો રસ લેવાના પૈસા માંગે છે... !
(કિશોર યાજ્ઞિક, રાજકોટ)

૨૦.કરણ જોહર કૉમેડિયન આઈ.એસ. જૉહરનો પુત્ર થાય ?
- આપણે જોવા ગયા નથી. આઇ.એસ. જોહરના લક્ષણો અને કરણના ચેહરાના હાવભાવો જોયા પછી આ મામલે કાંઈ પણ કહેવું કઠિન છે.
(પ્રણવ કારીયા, મુંબઈ)

૨૧.બહાર જતી વખતે પત્ની કાયમ પૂછે છે, 'શું પહેરૂં ?' પણ મારી પસંદગીનું એ કદી ય પહેરતી નથી.
- તમે ફરિયાદ કરી રહ્યા છો કે, જીવ બાળી રહ્યા છો ?
(દીપક આશરા, ગાંધીનગર)

૨૨.લંકામાં ગાદી મળ્યા બાદ વિભિષણે શ્રીરામના મંદિરો કેમ ન બંધાવ્યા ?
- ટૅન્ડરો પાસ નહોતા થયા !
(મધુકર માંકડ, રાજકોટ)

૨૩.૨૪ કલાક ન્યુસનો દાવો કરતી હિંદી ચેનલો નેશનલ છે કે યુપી-બિહારની લોકલ ચેનલ્સ છે ?
- ભ'ઈ ઝપો ને છાનામાના...! આપણા ગુજરાતનું કાંઇ ન આવે, એમાં શાંતિ છે !
(ડૉ. મયૂર એમ. પટેલ, અમદાવાદ)

No comments: