Search This Blog

05/03/2016

- વ્હી. શાંતારામની આ હેતુલક્ષી ફિલ્મ માર ક્યાં ખાઈ ગઈ ?

ફિલ્મ :'તીન બત્તી, ચાર રસ્તા' ('૫૩)
નિર્માતા-નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : શિવરામકૃષ્ણ
ગીતો : પી.એલ.સંતોષી
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : સંધ્યા, કરણ દીવાન, નિરૂપા રૉય, શીલા રામાણી, શશીકલા, દીવાનશરર, પરશુરામ, સ્મૃતિ વિશ્વાસ, કે.દાતે, નિમ્બાલકર, મીનાક્ષી, વરણ, મીરાદેવી, વિકાસ, શકુંતલા, મોહન.




ગીતો
1. અંખીયાં હૈ, યે રૂપ કી પ્યાસી, અપની અદા પર મૈં હું ફિદા...લતા
2. હમ જહાં સે દૂર, કોઈ હમકો ન દેખે... લતા મંગેશકર-કોરસ
3. ઈશ્ક, પ્રિત, પ્યાર, હાં પ્યાર, તુમસે હૈ પ્યાર મૂઝે... તલત મેહમુદ
4. કિતના મીઠા હોતા હૈ, કિતના પ્યારા હોતા હૈ... લતા મંગેશકર
5. એક, દો, તીન, ચાર... ગીત-સંગીત : કનુ ઘોષ
6. અલ્લિ કુડતરૂગે... ગીત-સંગીત : નટરાજ
7. સિકમે ઓ સિકમે... ગીત : રામ પંજવાણી-સં :ગુલશન સૂફી
8. તુલસ પૂજીતે.. ગીત : જી. ડી. માલગુડકર સં. વસંત દેસાઈ ગાયિકા : લતા
9. છાનું રે છપનું કંઇ થાય... આશા ભોંસલે, ગીત-અવિનાશ વ્યાસ
10. યે સાસ-સસુર... (ગીત : સંતોષી : સં. શિવરામકૃષ્ણ)
11. સુણ સુણ ઓ... ગીત : ફીરોઝ : સં. શિવરામકૃષ્ણ

જેનો અવાજ આટલો સુરીલો હોય, એ પોતે દેખાવમાં કેવી (અથવા, કેવો) મંત્રમુગ્ધા હશે, એ ધોરણે રાજ કપૂરે વર્ષો પહેલા ફિલ્મ 'આગ' બનાવી. એ તો સુપરફ્લૉપ નિવડી, પણ એ વાર્તાબીજ એના મનમાંથી એક દોરો ય આઘું ન ખસ્યું અને વર્ષો પછી ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ્ 'બનાવીને, એક બાજુના બળેલા ચહેરા છતાં, સુમધુર કંઠમાં ગાતી ઝીનત અમાનના અવાજના પ્રેમમાં પડી જઈ હીરો શશી કપૂર, 'જીસ કી આવાઝ ઈતની મીઠી હૈ, વો ખુદ કિતની ખૂબસુરત હોગી?'ની ભ્રમણા પાછળ દોડે છે ને છેવટે પસ્તાય છે.

વ્હી. શાંતારામને ય આ આઇડિયો ગમી ગયો. એમણે તો સંધ્યાને કાલી કલૂટી બનાવી સીધી 'લતા મંગેશકર' જ બનાવી દીધી. માની ન શકાય એટલી હદે દેખાવમાં પણ સંધ્યા લતા મંગેશકર જ લાગે, એવું સામ્ય ઉપાડી લાવ્યા અને બનાવી ફિલ્મ 'તિન બત્તી, ચાર રસ્તા'. ફિલ્મના નામને અફ કૉર્સ, વાર્તા સાથે કોઈ સંબંધ ન હોય,

પણ ટાઈટલ વાંચીને, 'એટલે શું ?' જેવી કુતુહલતા પેદા કરવામાં અન્ના સાહેબ સફળ થયા. નજીકના લોકો એમને અન્ના સાહેબ કહેતા. એમ પછી રાજ કપૂરની 'આગ' કે 'સત્યમ શિવમ સુંદરમ્' સાથે આ ફિલ્મની વાર્તાને લેવાદેવા એટલી જ કે, આ ત્રણે ફિલ્મોનાં સેન્ટ્રલ આઈડિયા એક જ, 'સુંદરતાને મીઠા કંઠ સાથે કોઈ લેવા દેવા નથી.' ફિલ્મનો હીરો કરણ દીવાન સ્ત્રૈણ્ય દેખાવનો હોવા છતાં મૃદુ લાગતો હોવાને કારણે જોવામાં ખાસ કાંઈ નડતો નથી. વ્હી. શાંતારામની ફિલ્મ 'પરછાંઈ' તો ૧૯૫૨-માં આવી, એટલે એ વર્ષે તો મારા જન્મ સિવાય બીજો કોઈ સારો બનાવ બન્યો નહોતો,

પણ એ પછીનું વર્ષ એ ફિલ્મની હીરોઇન જયશ્રી માટે તોફાની નિવડયું. રાજ કપૂર હોય કે શાંતારામ, સ્ત્રીઓના શોખિનો તો ખરા જ ! ૧૯૫૩માં શાંતારામે બનાવેલી ફિલ્મ 'તીન બત્તી, ચાર રસ્તા' જયશ્રીના જીવનમાં ઝંઝાવાત સર્જતી ગઈ. ભલે સહુને એ ખબર હોય કે સંધ્યાનું અસલી નામ 'વિજયા દેશમુખ' હતું, પણ એ પાછી બધાને ખબર ન હોય કે, સંધ્યા આ જયશ્રીની બહેન હતી. પણ એ તો બેમાંથી એકાદ સાઇડના સગાવહાલાને ખબર હશે કે, વ્હી. શાંતારામની પહેલી પત્ની ગુજરાતણ હતી. (શરૂઆત શુકનિયાળ થઇ કહેવાય... !)

ભારતીય શાસ્ત્રીય ફિલ્મી સંગીતના જાણકારો એમ કહે છે કે, હિંદી ફિલમોમાં સાઉથની ઑલમોસ્ટ બધી હીરોઇનો સામે મુંબઇથી સંધ્યા અને હૅલન પરફૅક્ટ જવાબ હતા. શાંતારામે સંધ્યાની નૃત્યશક્તિ ઉપર જ મોટા ભાગની ફિલ્મો બનાવી અને પરફેક્ટ સફળ પણ થયા. પત્ની હોવાને નાતે સંધ્યાએ શાંતારામ સિવાય અન્ય કોઇની ફિલ્મમાં કદી કામ કર્યું નહિ. આવી બીજી બે હિરોઇનો હતી, કલ્પના કાર્તિક (દેવઆનંદની પત્ની) અને બીજી પ્રિયા રાજવંશ (ચેતન આનંદની 'કહેવાતી' પત્ની જેના બેરહેમ ખૂન બદલ ચેતનના બન્ને પુત્રો આજ સુધી જેલમાં બંધ છે) વ્હી. શાંતારામને એક સર્જક તરીકે ભાગ્યો જ કોઇને મળે, એવું બહુમાન વિશ્વવિખ્યાત ફિલ્મસર્જક ચાર્લી ચેપ્લિને શાંતારામે મરાઠીમાં બનાવેલી ફિલ્મ 'माणूस' જોઇને આપ્યું હતું.

મરાઠી 'માણુસ' ને શાંતારામે 'આદમી' તરીકે હિંદીમાં બનાવી, (જેના વિશે આ કૉલમના હમણાં બહાર પડેલા પુસ્તક 'ફિલ્મ ઇન્ડિયા'માં વિશેષ ઉલ્લેખ છે.) રાજેન્દ્ર-શર્મીલાનું 'તલાશ' (૧૯૬૯) જોયું હશે તો, મન્ના ડેનું મનોહર ક્લાસિક 'તેરે નયના તલાશ કરે જીસે...' ગીત ભરી મેહફીલમાં ખોળામાં સુરમંડલ નામનું વાદ્ય લઇને રાગ આસાવરીના આધારે, જે કલાકાર ગાય છે, તે જ શાહુ મોડક આ ફિલ્મ 'આદમી' (૧૯૩૯)નો હીરો હતો.

વ્હી. મારા મટે તો હંમેશા ઉત્તમોત્તમ સર્જક રહ્યા છે. એમણે કંઇક તો હરએક ફિલ્મે આપ્યું છે. ભલે આજની ફિલ્મ 'તીન બત્તી...' એક પિટાઈ ગયેલી ફિલ્મ હતી, મુખ્ય કારણ કૉમેડી એમનો જ નહિ, કોઇનો વિષય નહતો-આજે ય નથી કોઇને માટે. તો ય, અન્ય કોઈ પણ સર્જક કરતા વ્હી. પાસે આખેઆખું જૉનર જુદું પડયું રહેતું. વાર્તા કહેતા અને કૅમેરા ફેરવતા સરસ આવડતો હોવાથી, એની ફિલ્મ તમને ગમે કે ઓછી ગમે, એ તમારો વિષય છે. તદ્દન ન ગમે, એવું તે તદ્દન ન બનાવતા.હસવા જેવી વાત આપણે જ ઊભી કરી લઈએ કે, વ્હી. ને કોઈ ફિલ્મ બનાવતા એકાદો રૂપિયો ખર્ચાતો હશે કે કેમ, એ સવાલ છે. એ-જેને હીરોઇન બનાવતા, એની સાથે પરણી જતા.

બીજું, સંગીતકાર એવો ખોળતા જેને બજારમાં તો ઠીક, એને પોતાને ઘેરે ય કોઈ ન બોલાવે. (એ પૈસો, 'માંગે' ?) ત્રીજું, શૂટિંગ માટે સ્ટુડિયો પોતાનો હતો. પોતાની ફિલ્મોમાં લોકોને ગલગલીયાં કરાવે, એવું સૅક્સ એ રીતે ઉમેરાવે. જે દર્શકોને સૅક્સ લાગે અને સૅન્સર-બોર્ડમાં બેઠેલા માનનીય સભ્યશ્રીઓને 'કલા' લાગે. બહારથી અત્યંત શુધ્ધ અને પવિત્ર લાગતી વ્હી.ની ફિલ્મ 'ચાની' સૅક્સી યુવતીને જોઇને લપસી પડતા શિક્ષક ઉપર બનાવી હતી... વાઉ, પ્રેક્ષકો અને સૅન્સર સભ્યો બધા ખુશ !

તો બીજી બાજુ, એક તરફી ટીકા કરવાને બદલે એમ પણ કહી શકાય કે, વ્હી. શાંતારામ પૂર્ણપણે સંપૂર્ણ ફિલ્મ સર્જક હતા. આ ફિલ્મના હીરો કરણ દિવાનની જેમ એમની બાકીની ફિલ્મોના હીરો ય બાયલા છાપ લાગે એવા હતા. બધી વાર્તાઓ હીરોઇનો માટે લખાઈ હોય, છતાં એમના કાયમી કસબીઓ કે. દાતે કે બાબુરાવ પેંઢારકર જેવા ચરીત્ર અભિનેતાઓ પાસે વ્હી. હીરો જેવું કામ ફિલ્મોમાં કલા એટલે કે, આર્ટ ફક્ત સૅટિંગ્સ બનાવવા પૂરતી મર્યાદિત રહેતી. શાંતારામે ફિલ્મ 'નવરંગ' અને પછીની ફિલ્મોમાં સૅટ્સ 'ભવ્ય' ઉપરાંત પણ કેવા હોઈ શકે છે, તે બતાવી આપ્યું.

ફિલ્મનો હીરો પોતાના મોટા ભાઈ જેમિની દીવાનને કારણ નૌશાદની સુપરડૂપર હિટ ફિલ્મ 'રતન'નો હીરો બની ગયો ને ભાગ્ય ખૂલી ગયા. એક 'રતન'ને કારણે કરણને ૭૦ ફિલ્મોમાં ચમકવા મળ્યું. એને લીધાપછી નિર્માતાઓને ઘચરકો તો આવતો કે, આનો તો છોકરી જેવો પતલો અવાજ છે... આને શું કરવા લઇએ છીએ ?' ને તો ય ચાલ્યો. 'રતન'માં જ 'અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમે હૈં જાનાજાના...' ગાનાર ગાયિકા-અભિનેત્રી મંજુ સાથે કરણે પ્રેમલગ્ન કરી લીધા, ત્યારે ફક્ત અવાજ સાંભળનારાઓ એવું ચાલુ વરઘોડે બોલતા હતા કે, 'બે બહેનો પૈણી લાગે છે.'

યસ. જૂની ફિલ્મોના શોખિનોએ ક્યાંક ને ક્યાંક અછડતું દીવાન શરરનું નામ ઍકટર, ગીતકાર, લેખક કે સંવાદ લેખક તરીકે ય સાંભળ્યું હોય. ઠેઠ ૧૮૯૯માં 'દીન આત્મારામ શરર' તરીકે જન્મેલા આ કલાકારે શાંતારામની ફિલ્મો ઝનક ઝનક પાયર બાજે', 'પર્બત પે અપના ડેરા', 'ડૉ. કોટનીસ કી અમર કહાની' અને શંકુતલા ઉપરાંત બહારની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું. એમની અટક જ નહિ, શરીરનો ઠસ્સો ય એવો જ હતો કે, નિર્માતાઓ એમને સાચ્ચે જ કોઈ દિવાન કે રાયબહાદુર કે કોઈ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના જ કિરદારો આપે.

તો બીજી તરફ આ ફિલ્મમાં બીજીઓની માફક પોતે પણ સાઇડીનો રોલ કરતી હીરોઇન શીલા રામાણી દેવ આનંદની 'ટૅક્સી ડ્રાયવર', 'ફન્ટુશ' કે સુનિલ દત્તની પહેલી ફિલ્મ રેલવે પ્લૅટફોર્મ જેવી ગણીગાંઠી બસ કોઈ આઠ-દસ ફિલ્મોમાં કામ કરીને અમેરિકામાં રહેતા અબજોપતિ પારસીને પરણીને સુખી થઇ ગઇ. કોઈ ઉતાવળ વગર ૩૦- વર્ષ પહેલાં એણે વિધવા થવાનું કામ પતાવી દીધું. અને બે બાળકોની માતા બની. નિરૂપા રૉય આ ફિલ્મમાં ગુજરાતણ બને છે તો જયા ભાદુરીના પતિ અમિતાભ બચ્ચનને લગ્નની પહેલી રાત્રે જ, 'મૈં તુમ્હારી ફૅન બોલ રહી હૂં...' કહીને ચાળા કરતી અભિનેત્રી બંગાળણ લલિતા કુમારી છે. પુરૂષોને એના હર્યાભર્યા 'બક્સમ' રૂપથી વાંકા વાળી નાંખતી આ લલિતા કુમારીને તમે જુઓ તો ખ્યાલ આવે કે, એની એકલીને કારણે ફિલ્મ જોવી કે નહિ !

યસ... પણ આ કે અન્ય કોઈ પણ ફિલ્મનો હીરો ગણવો હોય તો એક માત્ર કેશવરાવ દાતે જ આવે. એનાથી વધુ સ્વાભાવિક અભિનય કરતો અન્ય અદાકાર તમે ભાગ્યે જ જોયો હશે.યાદ કરો, ફિલ્મ 'નવરંગ'માં કવિ નવરંગના પિતા તરીકેનો એમનો કિરદાર કેટકેટલા શૅડ્ઝવાળો છે ? ઘડીકમાં કવિપુત્ર ઉપર કાળઝાળ ગુસ્સો અને રાજદરબાર તરફથી એ જ કવિપુત્રને રાજસન્માન મળે છે. ત્યારે ડોહા કેવા બાળકની જેમ ગૅલમાં આવી જઇને હિંચકે ઝૂલવા માંડે છે! ફિલ્મના એક સરપ્રાઇઝ પૅકેટ તરીકે સંગીતકાર શિવરામકૃષ્ણની ઍન્ટ્રી તો શાંતારામની ફિલ્મ 'સુરંગ'થી થઇ ગઇ હતી, પણ એમાં તદ્દન કચરાછાપ સંગીત આપવાને કારણે આ ફિલ્મમાં શાંતારામે શિવરામને બીજો ચાન્સ આપ્યો.

શાંતારામે કદાચ પહેલા કરતા વધારે વેઠ ઉતારવાની શર્ત મુકી હશે. નહિ તો આટલા પરફૅકશનથી વેઠ ઉતારવાનું કામ ન થાય. બાકીની જીંદગીમાં શાંતારામ શિવરામનું નામ લેવાનું ભૂલી ગયા. બહારની ફિલ્મોમાં ય શિવરામ ક્યાંય ઝળક્યા નહિ, સિવાય કે, આખરે મહેન્દ્ર કપૂર કોક મંગળ પ્રભાતે ગમી ગયો હોય, તો 'તુમ નાચો રસ બરસે, બરસે...'એ ફિલ્મ 'સતિ નારી'નું એક ગીત લોકો સુધી પહોંચ્યું હતું ખરૂં. યસ. સુમન કલ્યાણપુરે એમનું એક ભજન ઢાંસુ ગાયું હતું.

'અપને પિયા કી મૈ તો બની રે જોગનીયા...' (ફિલ્મ 'કણ કણ મેં ભગવાન' ભરત વ્યાસ : અનિતા ગુહા-મહિપાલ) શિવરામ ન જામ્યા, એમાં મોટો વાંક એમની સર્જકતા અથવા માલ વેચવાની અણઆવડતનો હશે કારણે, એમના સર્જનના '૪૬-થી '૬૬ના બે દસકાઓમાં સાવ સામાન્ય સંગીતકારો ય ઝળહળતા ચાલ્યા છે. એક અવિનાશ વ્યાસ, ષણમુખબાબુ કે, આ શિવરામ જેવા નોંધ લેવડાવ્યા વિનાના હોલવાઈ ગયા. એ એમનું નસીબ, બીજું શું ? નહિ તો 'ઠહેરો જરા સી દેર કો આખિર ચલે હી જાઓગે' એ ગીતાદત્તનું ફિલ્મ 'સબેરા' સાથે મન્ના દા સાથેનું 'છુપ્પાછુપ્પી હો છુપ્પી હો આગડબાગડ જાઇ રે, ચૂહે મામા, ઓ મામા ભાગ બિલ્લી આઈ રે' જેવા સ્મરણીય ગીતો બે-ચાર તો બે-ચારે ય બનાવ્યા તો ખરા. આ ફિલ્મનું લતાનું, 'કિતના પ્યારા હોતા હૈ' એ દિવસોમાં જામ્યું હતું.

શાંતારામનો એ મોઆટો પ્રોબ્લેમ દેવ આનંદ જેવો જ હતો. બન્ને ઍક્ટર-દિગ્દર્શક હતા, એટલે પોતે પરદા ઉપર જે ઢબથી સંવાદો બોલે, એ જ ઢબથી ફિલ્મના તમામ કલાકારોએ સંવાદો બોલવાના, શાંતારામ તો પુરૂષ હતા. છતાં ય આંખ ઉપરની નેણો હલાવીને, થોડી સ્ત્રૈણ્ય શૈલીથી તમામ પાત્રો સંવાદો બોલે. દેવ આનંદની ઝડપ અને મુન્ડી હલાવીને બીજા પાત્રો ય ડાયલૉગ્સ બોલે. એ ઉપરાંત એ સમયની લગભગ બધી ફિલ્મોનો પ્રોબ્લેમ એકસરખો હતો - સંવાદો કાવ્યાત્મ શૈલીમાં બોલતા.

નાટકીય વધુ લાગે. શાંતારામની ફિલ્મોમાં એ તત્ત્વ વધુ જોવા મળતું. હીરો કરણ દીવાન સાથે પ્રેમનો એકરાર થઇ ગયા પછી મસ્તીમાં આવી ગયેલી સંધ્યા ઘેર આવીને એક ટૂંક ગાય છે, 'પિયા મિલન કી આસ, આસ રી સખી, દિનદિન બરસ હૈ જોબનવા...' તે લતા મંગેશકરના ચાહકોનો જીવ બળાવે એવી છે, કારણ કે એ એક જ ટુંક છે. એની રૅકર્ડ બની ન હોય ને લતાએ એટલી ટૂંક પણ ફ્રીમાં ન ગાઈ હોય ! શાંતારામ સાથેનો સંબંધ અલગ વાત છે, જે કમનસીબે વચમાં લાંબો સમય છિન્નભિન્ન થઇ ગયો હતો ને આશાને પ્રવેશ મળ્યો હતો.

એ કેવળ યોગાનુયોગ હશે પણ એક જમાનામાં કે.એલ.સાયગલની કક્ષાના સાવ નાનકડા કિશોર ગાયક માસ્ટર મદનને આકાશાવાણી રેડિયો સ્ટેશનમાં જ કોઈ ઝેર પિવડાવી દીધું હતું. એમ અહીં પણ નિમ્બાલકર સંધ્યાને ઝેર પિવડાવે છે.

મુંબઇમાં બિરલા બાલિકા વિદ્યા કેંદ્ર થઇને જતો, મલબાર હિલનો પવિત્ર બાણગંગા તળાવના ચાર રસ્તા આજે પણ 'તીનબત્તી'ને નામે ઓળખાય છે.

બનાવટી ડૉક્ટર બનીને કે. દાતે છેલ્લે કૉમિક રોલમાં આવે છે. સંધ્યાના અપંગ પિતાના રોલમાં પરશુરામ છે. સંધ્યાનો છાપાવાળો પ્રેમી બનતો કલાકાર નિમ્બાલકર છે. લલિતા કુમારીની આ પહેલી ફિલ્મ હતી, પણ સૅક્સી ફિગર અને સ્વભાવને કારણે બે-ચાર નહિ, અનેક ફિલ્મોમાં ચાલી. ઋષિકેષ મુકર્જીએ તો 'નમકહરામ, આનંદ, ચૂપકેચૂપકે અને અભિમાનમાં ય આ જ બ્રાન્ડના રોલ આપ્યા હતા. નહિ તો ૧૧૪-ફિલ્મોમાં કામણ પાથર્યા હતા બહેને ! સંધ્યાને ચામાં ઝેર પિવડાવનાર નિમ્બાલકર પકડે છે, ત્યારે જે પોલીસવાળો એની પૂછપરછ કરે છે, તે વ્હી. શાંતારામનો પુત્ર પ્રભાતકુમાર છે.'

ફિલ્મની વાર્તામાં ટાઈટલ 'તીન બત્તી ચાર રસ્તા' સીમ્બૉલિક હતું. આ ફિલ્મના લેખક દીવાન શરર મુખ્ય રોલ પંજાબી લાલા ગુલાબચંદનો કરે છે, જે ઉત્તર પ્રદેશની લાલીને પરણે છે. બન્નેને પાંચ પુત્રો થાય છે, જેમાંથી એક સિંધી (શીલા રામાણી), એક મરાઠી (શશીકલા), એક બંગાળી (સ્મૃતિ બિશ્વાસ)ને, એક ગુજરાતી (નિરૂપા રૉય)ને અને એક સાઉથ ઇન્ડિયન (લક્ષ્મી)ને પરણે છે. આમ કાંઈ પ્રાંતલક્ષી ઝગડા નથી થતા, છતાં ભારતમાં સૌથી શ્રેષ્ઠ અમે વાળી છલના તો રહે છે. સવારે ઘરમાં છાપું નાંખવા આવતી શ્યામા (સંધ્યા) છેલ્લા પુત્ર (કરણ દીવાન)ને ગમી જાય છે. રૅડિયો પર સારૂં ગાતી શ્યામા ઓળખાઈ ન જાય માટે 'કોકિલા' નામ રાખે છે.

ભારતના રાજ્યો દ્વારા ટુકડા થઇ ગયા પછી એક ભારતનું સપનું કોઇને આવતું ય નથી આપણે સહુ મરાઠી, પંજાબી કે રાજસ્થાની છીએ... ભારતીય કોઈ નહિ, એ કટાક્ષ માટે બનાવેલી આ ફિલ્મ થોડી ય સફળ થઇ શકી નહોતી. અલબત્ત, ખુબ સુઘડ ફોટોગ્રાફીને કારણે ફિલ્મ ક્યાંય કંટાળાજનક લાગતી નથી.

No comments: