Search This Blog

16/03/2016

એકલા ચોલો રે...

છોકરૂં સ્કૂલ રમતોત્સવના લાંબી દોડ વિભાગમાં હાંફતું-હાંફતું ફર્સ્ટ આવ્યું હોય, એમ બાયપાસ સર્જરી કરાવીને સહિસલામત ઘેર પાછા આવ્યા પછી એને મેરેથોન દોડવાની બાકી છે, એવી નોટિસ સ્કૂલવાળા ઘેર આવીને આપી જાય, ત્યારે કેટલું ખૂન્નસ ચઢે એ તો, હોસ્પિટલ-બાણ વાગ્યા હોય, એ જાણે !

આ મેરેથોન એટલે ઘર આવી ગયા પછી ય હખણા નહિ રહેવાનું... ખૂબ ચાલ ચાલ કરવાનું અને એ ય ઊંઘમાં નહિ, રૂંમમાં ને રૂંમમાં ! અહીં કવિવર ટાગોર ગમે તેટલા ગમતા હોય, તો પણ 'એકલા ચોલો રે' અમલમાં મૂકી શકાતું નથી. વાઈફ હાથ પકડી પકડીને રૂંમમાં ને રૂંમમાં આપણને એવી રીતે ફેરવે રાખે, જાણે મદારી દોરડે બાંધેલા રીંછને ફેરવતો હોય ! પાછળ કોઈ ન આવતું હોય, છતાં પણ ગાડીની આદત પડી ગઈ હોવાથી વાઈફ મને લઈને જેટલા યુ-ટર્ન મારે, એટલી વાર હાથ બતાવીને સાઈડ આપે છે.

અડોસપડોસમાં કોક પૂછતું હતું કે, 'પેલા જાડા બેન (મારી વાઇફ) રોજ કોક મંદબુદ્ધિના બાળકને ચકરચકર ફેરવે કેમ રાખે છે ?' જવાબ પણ મળે, ''એ જાડી સ્વભાવની તો બહુ સારી છે... પણ બચ્ચારીને જો ને... ગોરધન જ આવો મળ્યો, એમાં આપણે શું કરી શકીએ ?'' તો ખેર, જગતના મોંઢે તાળા થોડા મારી શકાય છે ? હું જેવો લાગતો હોઉં, એવું ઈ તો કિયે હવે... !

શ્વાસ કોક દિવસ દગો દઈ ન જાય, એ માટે ડૉક્ટરોએ મને બ્રીધિંગ-એક્સરસાઇઝ કરવા એક રમકડું આપી રાખ્યું છે- અઘરા શબ્દમાં એને 'સ્પાઈરોમીટર' કહે છે, જેમાં ત્રણ નળામાં ત્રણ લખોટીઓ હોય, એ આપણે પૂરજોશ શ્વાસ પાછો ખેંચીને ઉપર લાવવાની. આવું દિવસ-રાતમાં પચાસ વખત કરવાનું. (સુઇ ગયા પછી નહિ!)

પહેલે દિવસે જ પ્રોબ્લેમ થયો. ઊંડો ઉચ્છશ્વાસ લઈને લખોટીઓ અંદર ખેંચી, તો બહાર પાછી બે જ આવી. આજુબાજુ આખું ઘર ગોતી માર્યું, ન મળી. એ તો પહેલી હેડકી રાક્ષસી કદની આવી ત્યારે ખબર પડી કે, એક ગોટી હું ગળી ગયો હતો. ફૂલેલા ગળામાં લખોટીનો એક આકાર દેખાતો હતો, એટલે આજુબાજુ આંગળી દબાવીને મોં તરફ ધકેલવાનો પ્રયત્ન મારો આખો પરિવાર કરવા માંડયો. પણ 'બાય વન, ગેટ વન ફ્રી'ના ધોરણે એ જ દરમ્યાન એક મોટો હેડકો આવી જાય ને લખોટી હોય એનાથી ય અડધો ઈંચ નીચે ઉતરી જાય. પ્રોબ્લેમ એટલો થતો કે, રાત્રે સૂતી વખતે હું પડખું ફેરવું, એની કોર આ લખોટી ય ગરરર... કરતી રગડે. એ તો ભલું થજો, જુલાબના શોધકનું કે, વહેલી પરોઢે એક સુખદ ધડાકો થયો, એમાં બધું હેમખેમ પાર ઉતરી ગયું.

હોસ્પિટલના એ ગોઝારા દિવસો હજી ભૂલાતા નથી. ડૉક્ટરો, નર્સો, ફિઝીયો-થેરાપિસ્ટ, સપોર્ટ-સ્ટાફ... એ બધું મળીને આખા દિવસમાં ૫૦-૬૦ વિઝિટો મારે, પણ દરેકનો એક જ સવાલ, ''તમે કાંઈ ખાતા કેમ નથી ?'' થોડા દિવસો તો સજ્જન-દર્દીને છાજે એવા જવાબ આપ્યા, કે ''એક બાજુ તમે એન્ટી-બાયોટિક ઈન્જેકશનો ઠોકે રાખો, એમાં જીભ કડવી ઝેર જેવી થઈ જાય (ઈવન, ઝેર પણ મસ્તીથી ન પી શકાય !) માટે ખવાતું-પીવાતું નથી, તો લિક્વિડ-ડાયેટ આપો ને... !'' પણ દરેક મૂંઝવણનો ઉકેલ એક જ, ''તમે કાંઈ ખાતા કેમ નથી ?'' એક-બે વાર તો મેં પ્રામાણિક જવાબ આપ્યો કે, 'હું ગાન્ડો થઈ ગયો છું, માટે ખાતો નથી... પણ ખાવા દઉં છું ખરો... મારા બદલે તમે ખાઈ લો.'

બસ. હવે બાયપાસ પ્રકરણો પૂરા થયા. તમે તો ઠીક... મારે મૂડમાં આવવા માટે બેન્કની પેલી બ્રાન્ચમાં પાછા જઈશું... જ્યાં કદાચ... તિતિક્ષા પાછી આવી ગઈ છે !

સિક્સર
સાચા સહિષ્ણુ તો કોંગ્રેસીજનો છે, જે આટલા વર્ષોથી રાહુલ ગાંધીને બર્દાશ્ત કરી રહ્યા છે. 
- અનુપમ ખેર

No comments: