Search This Blog

26/04/2017

મારૂં મૉડેલિંગ

મારે મૉડેલિંગ કરવું છે. ટીવી, છાપા કે મૅગેઝીનોની જાહેર ખબરોમાં શૂટ–બૂટ પહેરેલા મોડેલોના ફોટા આવે છે, એવા હું ય પડાવી શકું તેમ છું. મૅરેજ વખતનો એક આકર્ષક શૂટ પડ્યો છે. હવે થતો નથી. મારી પાસે ‘માચો’ ફિગર ભલે ન હોય, પણ હું બન્ને બાજુથી આઠ–દસ ઇંચ પેટની ટમી ઉતારવા તૈયાર છું. મારૂં મોઢું જમણી બાજુ સહેજ ઊંચુ રખાવીને સ્માઇલ સાથે ઊંચુ જોવડાવો તો હૅન્ડસમ પણ લાગુ છું. સિગારેટ પીતો નથી, પણ મૉડેલિંગ કરવાનું હોય તો સિગારેટ તો શું, હું દિવેલ પણ પી શકું એમ છું.

મને ‘ચમૂલ’ના દૂધની જા.ખ.માં ચમકાવો તો ય તમારી પ્રોડક્ટ વેચાવા માંડે. એક કરૅક્શન : દૂધનું મૉડેલિંગ કરી શકું છું એનો મતલબ એ નહિ કે ખોળામાં કોઇ ૩–૪ મહિનાના ચીન્કુને સુવડાવીને એને બોટલમાં દૂધ પીવડાવતા ફોટાવાળું મૉડેલિંગ કરૂં ! ચિન્કુને દૂધુ પીવડાવતો ફોટો એવી રીતે પાડવાનો કે, હું દિવાલના ટેકે એક પગ ઊંચો કરીને હાથમાં ‘ચમૂલ’ની બોટલ પકડીને ઊભો હોઉં. બાળકને ખબર પડે છે કે, એ જે જુએ છે, એ બૉટલ દૂધની નહિ, ‘વૉડકા’ છે, એટલે ખીલખિલાટ હસતું ભાખોડીયા ભરતું પાછું જતું રહે, ત્યાં જ પાછળથી ‘વોઇસ–ઑવર’માં કોઇ ચાર્મિંગ છોકરીનો અવાજ સંભળાય, ‘જોઈ લો... દૂધ અને દારૂ વચ્ચેનો તફાવત નાનું છોકરૂં ય સમજી શકે છે... તમે ય સમજો. આજથી દારૂ ફગાવો, દૂધ અપનાવો’

મૉડેલિંગના ફિલ્ડના એક જાણકાર દોસ્તને મારી આ દૂધવાળી યોજના જણાવી તો એ એવું સમજ્યો કે, વહેલી પરોઢે હું દૂધની કેબિનમાં દૂધની કોથળીઓના વિતરણનું કામ કરતો હોઇશ.

મેં એને પૂછી જોયું, ‘યાર, મારે મૉડેલિંગ કરવું છે... અત્યારના આ બધા મૉડેલોને જોઇને મને મજા નથી આવતી !’

‘હા, પણ પછી તો કોઇને મઝા નહિ આવે... તું મૉડેલિંગ કરીશ તો....!’

‘તું તારે મને એટલું કહે ને કે, મારે મૉડેલિંગ કરવું હોય તો પહેલા શું કરવાનું ?’

‘પહેલા ફોટા પડાવો. પૉર્ટફોલિયો બનાવો અને ઍડ ઍજન્સીઓના ચક્કરો મારો... તો કોઇ મૉડેલિંગનો ચાન્સ આપશે.’
***
શહેરના એક જાણીતા મૉડેલ–ફોટોગ્રાફર પાસે હું ગયો.

‘કાકા... ફોટા શેના માટે પડાવવાના છે ? બેસણાંની ખુરશી ઉપર ફૂલ ચઢાઇને મૂકવા માટે ?’ ફોટોગ્રાફરે ઘણા દયાના ભાવ સાથે મને પૂછ્યું. મને એ ગમ્યું નહિ કારણ કે, ‘બેસણાં વખતે હું કાંઈ આટલો ખડખડાટ હસતો ફોટો થોડો મૂકવાનો હોઇશ...? ત્યાં તો કરૂણ પ્રસંગને છાજે એવો ઉદાસ ચહેરાવાળો ફોટો મૂકાય. આપણું મૃત્યુ દીપી ઉઠવું જોઇએ... લોકોને લાગવું જોઇએ કે ડોહો ટાઇમસર ગયો છે. સુઉં કિયો છો ? ‘જુઓ ભાઈ, આ ફોટા મારા બેસણાંમાં મૂકવા માટે પડાવવા નથી આયો... મારે થોડું ઘણું મૉડેલિંગ કરવું છે, એનો પૉર્ટફોલીયો બનાવવો છે...’’

મેં બેસણાંની ના પાડી એટલે એ સીધા મૃત્યુનું મૉડેલિંગ સમજ્યો.

‘સ્મશાનમાં મૉડેલિંગ...? મરવાના મૉડેલિંગનો તમને ઍક્સપીરિયન્સ છે, અન્કલ ? ચિતા ઉપર લાંબુ કોણ થવાનું છે ? કાકા, આમાં પડખું ફરીને નહિ સુવાય ! આની પહેલા એકે ય વાર અગ્નિદાહ લેવડાવ્યો છે ?’

‘એ શંખ...? મારે બેસણું કે મૃત્યુ – બેમાંથી એકે ય નો ફોટો પડાવવાનો નથી... આ તો–’

‘સૉરી કાકા... આ તો તમે આયા ત્યારની અવસાનોની વાતો કરતા’તા એટલે મે’કુ...’

‘મને આફ્ટર–શૅવ લોશનનું મૉડેલિંગ કરવાનું મન છે. દાઢી કરી લીધા પછી હીરોલોગ હસતા મોંઢે પોતાનો હાથ ગાલ ઉપર ફેરવે છે, એવો મારે ફેરવવો છે...’

‘પણ અન્કલ એવો હાથ તો કોઈ હીરો એના ગાલ ઉપર તમને ફેરવવા નહિ દે...’

કલાક બગાડ્યા પછી મને તો એ મૉડેલોનો નહિ, ડાઘુઓનો સ્પૅશિયાલિસ્ટ ફોટોગ્રાફર લાગ્યો. મને આવા આલ્બમો પણ બતાવ્યા, જેમાં એક ડાઘુ કૅમેરા સામે સ્માઇલ સાથે નનામી ઊંચકીને ચાલતો હોય, બીજો સળગતી ચિતાના લાકડાને અડાડીને સિગારેટ સળગાવતો હોય, ત્રીજો વળી મરનાર ડોહાના ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા સુપુત્રને પોતાની છાતીસરસો ચાંપીને કૅમેરા સામે અદ્ભુત સ્માઇલ આપતો હોય. જો કે, એક ફોટો અફલાતુન આવ્યો હતો. નવા વાડજનું ટ્રાફિક–સર્કલ ક્રોસ કરવા જતા બે સ્મશાનયાત્રાઓ એકબીજાને અથડાઈ, એમાં તો બન્ને પાર્ટીઓ બથ્થંબથ્થા ઉપર આવી ગઇ. બધું પત્યા પછી પહેલાવાળાને તો આ લોકો બાળી આવ્યા, પણ બીજો ક્યાં જતો રહ્યો એની આ ધમાલમાં કોઇને ખબર પડી નહિ. હુવડાવ્યો ત્યારે એ ફૂલટાઇમ મર્યો નહતો ને આ મારામારીને કારણે રોડ ઉપર ઠાઠડી સાથે એ પછડાયો, એમાં એને ભાન આવી ગયું કે, ‘હું હજી મર્યો નથી’ અને બન્ને પાર્ટીઓને લડતી જોઇને, ‘કંઇક થયું લાગે છે... !’ એવું બોલતો રીક્ષા કરીને ઘેર જતો રહ્યો.

મારે હમણાં આઠ–દસ વર્ષ સ્મશાનયાત્રાઓની જરૂર પડે એમ ન હોવાથી આવા અદ્ભુત ફોટોગ્રાફરને મેં હાલ પૂરતું કોઈ કામ ન સોંપ્યું.

મને યાદ આવ્યું કે, લાઈફ–ટાઈમના બૅસ્ટ પૉઝ તો હું ગાર્ડનના બાંકડે બેઠા બેઠા આપી શકું છું, તો પછી મૉડેલિંગનું એ જ લોકેશન શું ખોટું ? બાંકડાની એ ખૂબી છે કે, આપણે બેઠા પછી અડધો ખાલી રહે છે, જેની ઉપર ચાહો એને બેસવાનું આમંત્રણ આપી શકો. મારે અહીં ચ્યવનપ્રાશનું મૉડેલિંગ કરવું હતું. બૉટલમાં ચમચી બોળીને ચમચી મ્હોંમાં ચૂસતો ફોટો બહુ સરસ આવે. જોનારને લાગવું જોઇએ કે, આ ચ્યવનપ્રાશ ખાવાથી ઘેર નહિ તો ગાર્ડનના બાંકડે બેસવાની શક્તિ આવે છે. સફેદ ટાઈટ પૅન્ટ, સફેદ શૂઝ, સફેદ ટી–શર્ટ ને બાકીના શરીરનો રંગ કાળો એવી સુંદર યુવતી એની સખી સાથે ચાલવા આવી હશે, તે મેં સ્માઇલો સાથે બોલાવી કે, ‘આપણે બે નો ફોટો પાડી આપશો ?’

મોંઢાં બગાડીને – પાછા એવું બોલીને બન્ને જતી રહી, ‘ડોહો થઇ ગયો, પણ આદતો ના સુધરી...!’

મારી પાસે છેલ્લો ઉપાય રૅમ્પ–વૉકનો હતો. એમાં કહે છે કે, એક લાંબા સ્ટેજ પર આંટો મારીને પાછા આવતા રહેવાનું. અંદર જઇને તરત જ બીજા કપડાં પહેરીને પાછા રૅમ્પ ઉપર આવી જવાનું. પુરૂષ–મૉડેલોને વળી એટલું સારૂં છે કે, ચાલુ રૅમ્પ–વૉકે આજ સુધી એમના કપડા કદી નીકળી ગયા નથી. યુવતીઓને એક તો પહેરવાના નામના કપડાં અને એમાંય ‘માલ–ફંક્શન’ થાય એટલે કે નીકળી જાય.

તો આપણે તો જાણે પહેલી વાર રૅમ્પ–વૉક કરવા નીકળ્યા હોઈં, એમ પેલો મને શીખવાડે, ‘કાકા, આ રૅમ્પ–વૉક છે... અહીં વૉકર કે લાકડી લઇને ના ચલાય...! ના ફાવતું હોય તો રીક્ષા કરી લો...’

તારી ભલી થાય ચમના...

ખરા મૉડેલિંગની જરૂર અમે ૬૦–પછી વાળાઓને છે. એક પછી એક અમારા ૪૦–૫૦ વર્ષ જૂના દોસ્તો મૉડેલિંગ કરવા ક્યારના ઉપર પહોંચી ગયા છે. ઘરવાળા અમારૂં મૉડેલિંગ કરાવવા ગાર્ડનમાં મોકલે છે. રૅમ્પ–વૉક તો બહુ દૂરની વાત છે. અમારે તો રસ્તો ક્રોસ કરવો હોય તો ય રીક્ષા કરવી પડે છે અને એટલા માટે તો એ લોકો ય આવતા નથી. મૉડેલિંગના ફોટા તો દૂરની વાત છે પણ ઘરવાળા ગુસપુસ બધા કરતાં હોય છે કે, ‘ડોહાનો એકે ય રંગીન અને મોટો ફોટો ઘરમાં નથી. જશે ત્યારે આખા ઘરમાં ફેંદમફેંદી... એના કરતાં અત્યારથી પડાઈ રાખો... છેલ્લી ઘડીએ દોડાદોડ નહી !’

ઓ ભાઈઓ, કોઈ વટ મારવા માટે નહિ... ઘરવાળાના કામમાં આવવા મારે ફોટા પડાવવા હતા !

સિક્સર
કેવા આઘાતની વાત છે ! હજી એકે ય મહારાજની કથા કે ભજન–કીર્તનમાં ભારતનું રાષ્ટ્ર ગીત ગવડાવાતું નથી. દરેક શહેરના દરેક વિસ્તારમાંથી ફક્ત ૨૫–૨૫ યુવકો તિરંગા લઇને પહોંચી જાય અને આવી કથાઓમાં અને વિનંતીથી ન માને તો શાંતિપૂર્વક ધરણાં ધરીને હવે ફરજિયાત રાષ્ટ્રગીત ગવડાવે !

No comments: