Search This Blog

29/04/2017

‘‘નૌકર’’ (’૭૬)

ફિલ્મ : ‘‘નૌકર’’(’૭૬)
નિર્માતા – નિર્દેશક : ઈસ્માઈલ મેમન
સંગીતકાર : રાહુલદેવ બર્મન
ગીતકાર : મઝરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ, ૧૨૬ – મિનિટ્સ
થીયેટર : (ખબર નથી.)
કલાકારો : સંજીવ કુમાર, જયા ભાદુરી, મેહમુદ, લલિતા પવાર, મનમોહન કૃષ્ણા, મધુ માલિની, મીના ટી., સુંદર, જલાલ આગા, બૅબી નિશાત, સોની, મનમૌજી, પરવિન, પૉલ, અનવર હુસેન : મેહમાન કલાકારો – શૈલેન્દ્ર સિંઘ, યોગીતા બાલી, શમ્મી.

ગીતો
૧. અંખીયો મેં છોટે છોટે ચાંદની રે ઝૂમ.... કીશોર
૨. અંખીયો મેં છોટે છોટે સપને સજાય કે... ચાંદની રે ઝૂમ.... લતા
૩. પલ્લો લટકે રે મ્હારો પલ્લો લટકે... આશા ભોંસલે – કિશોર
૪. દેખી હજારોં મેહફીલેં પર યે ફિઝાં કુછ.... મુહમ્મદ રફી – આશા
૫. આયા ન કરો ગુડીયા મેરે પાસ, દુ:ખ મેરા સુનકર... આશા

ફિલ્મની સ્ટારકાસ્ટના નામો વાંચતા તમે કેવા અંજાઇ જાઓ ! સંજીવ કુમાર, જયા ભાદુરી, મેહમુદ...! આ ત્રણે જ કાફી છે, ફિલ્મને હિટ બનાવવા માટે ! આપણે તો આંખ મીંચીને ફિલ્મની ડીવીડી મંગાવી લેવાના ને ? અને જુઓ ત્યારે ખબર પડે કે, દર વર્ષે સરેરાશ ૧૦૦ની ગણત્રીએ ભારતમાં હિંદી ફિલ્મો ઉતરતા હોય તો બાકીની ૯૯–તો આના કરતાં સારી હશે ! પછી પસ્તાવો ય થાય કે, આના કરતા તો પડોસીના છોકરાઓને લઇને ગુજરાત યુનિવર્સિટીના પટમાં તંબૂવાળું સર્કસ જોવા ગયા હોત તો સારૂં થાત ! આમ તો દિગ્દર્શક ઈસ્માઈલ મર્ચન્ટ પણ ગૂજરી જતા પહેલા બે–ચાર સારી ફિલ્મો બનાવીને ગયો હતો, પણ આવી કચરો ફિલ્મ બનાવીને માણસ લાંબુ જીવે ય ક્યાંથી ?

સંજીવ કુમાર ગ્રેટ ઍક્ટર હતો, પણ ગ્રેટ હીરો નહતો. એવું જયાબેન માટે કહી શકાય કે, ઍક્ટ્રેસ તો એ નૂતન–મીના કુમારી કક્ષાની, પણ હીરોઇનમાં બેન બહુ ના ચાલે. મેહમુદ કોઇ કૉમેડિયનનું નામ છે, એટલે હસવાની મોટી આશાઓ લઇને ફિલ્મ જોવા બેસીએ, ત્યાં એ પોતે હાસ્યનો નહિ, કરૂણતાનો કેવો મોટો અવતાર છે, એ બતાવવા બેસે અને જોનારાને ખીજ ચઢે એવા રોતડાં મોંઢા બનાવે ! આપણે રાહુલદેવ બર્મનના ચાહક તો એની ૨૦ – ૨૫ ફિલ્મો સુધી, પછી દુકાન બંધ કરતી વખતે કોઇ મોટો ઘરાક આવી જાય ને પૈસો ઘણો કમાવવાનો છે, એ ઇરાદે દાળવડાંવાળો ઇંટો ખવડાવતો હોય એવા દાળવડાં ખવડાવે, એવી હાલત આર.ડી.એ આપણી કરી નાંખી હતી. લક્ષ્મી – પ્યારેના વાદેવાદે છેલ્લે છેલ્લે તો આ ભ’ઇ પણ એક વર્ષની ૨૦–૨૫ ફિલ્મો લેવા માંડ્યા હતા. કંટાળો ના આવતો હોય તો નાનકડું ગણિત માંડો. એક ફિલ્મમાં સરેરાશ ૬–ગીતો હોય, એટલે એક વર્ષમાં ભ’ઇએ સમજોને, ૧૦૦–ગીતો બનાવવાના. એક ગીત પાછળ ફિલ્મના દિગ્દર્શક સાથે વાટાઘાટો કેટલી કરવાની, રીહર્સલો કેટલા, રોજ જુદા જુદા રૅકોર્ડિંગ સ્ટુડિયોઝ જવાનું, પાછું રૅકોર્ડિંગ... અર્થાત, રોજેરોજ એક એક નવું ગીત બનાવવાનું, વાદકો, ગીતકારો કે સાઉન્ડ–રૅકોર્ડિસ્ટ્સ સાથે રોજની લમણાફોડ... આ બધામાં ગીતની ક્વૉલિટી ક્યાંથી આવે ? બીજી બાજુ, એના જ લૅજન્ડરી પિતા કુમાર શોચિનદેબો વર્મણ પાસે પોતાની ફિલ્મનું સંગીત મેળવવા માટે નિર્માતાઓને ઘૂંટણીયે પડવું પડતું, ફિલ્મની વાર્તા સંભળાવવી પડતી અને આ બધા મરી–મસાલા પછી દાદા કન્વિન્સ થાય તો સંગીત આપવાની હા પાડે. જ્યારે, પોતાના દિવસો પૂરા થયા પછી... રોજ વહેલી પરોઢે કેડે ટોપલો ભરાવીને કાગળના ડૂચા વીણનારી સફાઇ–બાઇઓ હાથમાં જે આવ્યો, એ ડૂચો વીણતી જાય, એમ લક્ષ્મી–પ્યારે અને આર.ડી.બર્મન હાથમાં જે ફિલ્મ આવી તે ‘માઇ બાપ’ બોલતા બોલતા લઇ જ લેતા હતા. જયકિશનના ગયા પછી ઍક્ઝેક્ટ આવી હાલત શંકરની પણ હતી. શંકરની (માઇનસ જયકિશન) પાછળની (સંન્યાસી) જેવી રડીખડી ફિલ્મને બાદ કરતા તમામ ફિલ્મોમાં સંગીત ‘શંકર–જયકિશન’નું હતું, એ કહેતા ય શરમ આવે ! સુભાષઘાઈની ફિલ્મ ‘રામ–લખન’માં આર.ડી.બર્મનને સંગીત આપવાનું હતું ને છેલ્લી ઘડીએ નામ લક્ષ્મી–પ્યારેનું મૂકાઈ ગયું અને પછી તો આવું અનેક ફિલ્મોમાં બનવા માંડ્યું, એમાં આર.ડી.ને હાર્ટ–ઍટેક આવી ગયો.

આઘાત તો રાજસ્થાની મધુરા લોકગીત પરથી ઉઠાંતરી કરીને બનાવેલા ‘પલ્લો લટકે રે મ્હારો પલ્લો લટકે...’ ગીત ફિલ્મમાં જોઇને થાય કે, કોઇ સંદર્ભ મળતો નથી આ ગીતને આ ફિલ્મમાં મૂકવાનો ! ફિલ્મની વાર્તાને કોઇ જરૂરત હોય તો એ તો વિચારવાનું જ નહિ, પણ હીરો–હીરોઇન બેમાંથી એકે ય નું બૅકગ્રાઉન્ડ રાજસ્થાની નથી. બેમાંથી એકે ય ને રાજસ્થાની તો જાવા દિયો, રાંદલ માં નો ગરબો ગાતા ય આવડતો નથી ને શું જોઇને આ ગીત મૂક્યું હશે ? પછી તો વાર આગળ ચાલે કે, એકે ય ગીતની ફિલ્મમાં ક્યાં જરૂરત હતી ? (આમ તો આવી ફિલ્મની જ ક્યાં જરૂરત હતી !) દારાસિંઘ અને ચિત્રાવાળી ફિલ્મ હોય તો સમજ્યા કે, આવા ગીતો મૂકવા પડે, પણ તો પછી ઈસ્માઈલ મેમણ સાબિત ક્યાંથી કરી શકે કે, હું દારાસિંઘવાળી ફિલ્મો કરતાં ય વધુ કચરો ઉતારી શકું છું...!

સંજીવ કુમાર આપણા સુરતનો હરિભાઈ જરીવાળા છે, એ હિસાબે એનું જરા હેઠું ન પડવા દઇએ, પણ સંજીવ કે આ કે એ સમયના કોઇ પણ ગુજરાતી કલાકારે પોતે ગુજરાતી હોવાનું ગર્વ તો જવા દો, સ્વીકાર પણ નહતો કર્યો ! સુરતના લોકોને સંજીવ પોતાના શહેરનો હતો, એ ગૌરવ ઉપર ગુજરાતનો કદાચ સર્વોત્તમ ટાઉન હૉલ સંજીવ કુમારના નામ ઉપર બનાવ્યો, પણ લતા, ગાવસકર, તેન્ડુલકર કે અન્ય કોઈ પણ મરાઠી પોતે મહારાષ્ટ્રીયન હોવાનું ગર્વ જાહેરમાં દર્શાવે છે, એવું સંજીવ તો ઠીક, આશા પારેખો, દેવેન વર્માઓ, જયકિશનો, બિંદુઓ કે અરૂણા ઈરાનીઓ એકે ય વાર દર્શાવ્યું હોય તો પ્રણામ છે એમને ! સિવાય કે રોકડા પૈસા આપીને ગુજરાતમાં બોલાવીને એમનું તમે જાહેર સન્માન કરો, ત્યારે, ‘હું તો ગુજરાતનો દીકરો છું...’વાળો ધાપો મારે. તારી ભલી થાય ચમના.... મુંબઇમાં તો ગુજરાતી તરીકે તું આટલો બધો હડધૂત થાય છે ને સાલાઓએ મુંબઇના લોકલ રેલવે સ્ટેશનો ઉપરથી ગુજરાતી નામો ય કઢાવી નાંખ્યા છે, એના વળતા હૂમલા તરીકે ગુજરાતમાં રહેતા મરાઠીઓ ભલે આપણે સવાયા ગુજરાતીઓ ગણીને સગા ભાઇ જેવું વર્તન કરીએ, પણ મુંબઇમાં રહ્યો રહ્યો તું તો ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવ...! થૅન્ક ગૉડ કે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ જેવી ટીવી–સીરિયલોએ ગુજરાત અને ગુજરાતીઓનું નામ આખા વિશ્વના ઇન્ડિયનોમાં ગાજતું કરી દીધું છે. લતા મંગેશકર, સુનિલ ગાવસકર, સચિન તેન્ડુલકર કે રાજ ઠાકરે જેવાઓ પહેલા મહારાષ્ટ્રીયન ને પછી ભારતીય હોવાનું સ્વીકારે છે. ગુજરાતીઓને તો એ પણ ખબર નથી કે, ગુજરાતી હોવું શરમજનક કહેવાય કે છાનુંમાનું સહન કરી લેવાય?

બીજી એક નવાઇ તો નહિ, પણ છાતી બળી જાય, ‘૮૦–ના દશકની ફિલ્મોના હીરો–હીરોઇનોની હૅરસ્ટાઇલો જોઇએ ! એ વખતે હૅરકટિંગ પાર્લરોને ય કમાતા આવડતું નહોતું ને હીરોલોગ માથાના જે તરફ વાળ વધતા હોય, ત્યાં થોડી કાતર મરાવી લે. એમાં કોઇ સ્ટાઇલ જોવા ન મળે. મેહમુદને તો બને એટલા કદરૂપા દેખાવાનું ઝનૂન હરકોઇ ફિલ્મમાં હતું એ જોતા આ ફિલ્મમાં એના માથે ગાયનો પોદરો પડ્યો હોય ને સુકાવા દીધા પછી મહિનાઓ સુધી કાઢ્યો ન હોય, એને આ ભ’ઇ હૅરસ્ટાઇલ કહેતા હશે ! લમણાં ઉપરના બન્ને ખૂણીયા ખાલી થઇ ગયા હોવાથી બન્નેને ઢાંકવા મેહમુદ કાન પાસે પાંથી પાડીને લાંબા જટીયાં કપાળ નીચેની બન્ને ભ્રમરો ઢાંકીને એને હૅરસ્ટાઇલ કહેતો. જયા ભાદુરીના મમ્મી–પપ્પાની કૃપાથી વાળ એને લાંબા મળ્યા હતા, પણ એ એની ઘણી મોટી સિદ્ધિ હોય એમ અવારનવાર ચોટલો પ્રેક્ષકો તરફ રાખીને સંવાદો બોલે. આપણે હજી કેશકર્તનનો વ્યવસાય હાથમાં લીધો ન હોવાથી એ જોઇને આપણને ફાયદો શું ? વળી ફિલ્મની નોકરાણી રોજ શૅમ્પૂ કરેલા વાળ અને સરસ મઝાના સાડલા પહેરે, પાવડર – ચાંદલા પરફૅક્ટ કરે, એ બધું જોયે રાખો. જયા ભાદુરીની ફિલ્મ ‘કોરા કાગઝ’ આવી, ત્યારે એ જમાનાની છોકરીઓ આડેધડ એની કૉપી કરીને કૉટનનો બોર્ડરવાળો સફેદ કે ઑફ–વ્હાઇટ સાડલો, કોરા વાળનો અંબોડો, કાળી ફ્રેમના ચશ્મા અને હાથમાં એકાદ–બે પુસ્તકો સાથે બહુ ‘સૌમ્ય ઢબે’ નીચે જોઇને ચાલવાની ફેશન પડી ગઇ હતી.

પણ મોટો ત્રાસ મેહમુદ એના કહેવાતા અભિનય થી જ નહિ, અત્યંત ક્રૂર દેખાવથી આપે છે. છોકરૂં જ નહિ, આપણે ય બી પડીએ, એવી ‘માણસો ન રાખે એવી’ હૅર–સ્ટાઇલો આખી ફિલ્મમાં રાખે છે, એના કરતાં એવા જોનારને વૉમિટ કરાવી નાંખી એવા કપડાં પહેરે છે. કાંઇ બાકી રહી જતું હોય એમ બારમાસી રોતડ ક્લબના પ્રમુખ શ્રી. મનમોહનકૃષ્ણને જોય રાખવાના. આવા નામવાળા બધા એકસરખા જ હશે ?

અહીં જરા વાંચવામાં મજો પડે એમ છે. મેહમુદ વિશે આ કૉલમમાં અઢળક લખાયું છે. યાદ રહ્યું હોય તો ઠીક છે, નહિ તો રીપિટ વાંચવામાં કંટાળો નહિ આવે કે, આ ફિલ્મ ‘નૌકર’ના નિર્માતા–દિગ્દર્શક ઈસ્માઈલ મેમણ મેહમુદની બહેન શાનો (ઉર્ફે ખૈરૂન્નિસા)ને પરણ્યો હતો. આ શાનો સાથે અગાઉ હસરત જયપુરીની મા વિશે ખરીખોટી વાતો એવી ઉડી કે, એ સગાઇ તોડવી પડી. એશાનો એટલે કે ખૈરૂ ઇસ્માઇલ મેમણની પત્ની હોવાના નાતે આ ફિલ્મી સહનિર્માત્રી તરીકે ઇસ્માઇલે ખૈરૂનું નામ ટાઇટલ્સમાં ચમકાવ્યું છે. સગાઇ થઇ ત્યારે હસરત કૂંવારો હતો. રાજ કપૂરની ‘આહ’ના થોડાં ગીતો હસરતે પણ લખ્યા હતા. તાજી તાજી સગાઇ થઇ હોવાને કારણે હસરતે રાજ કપૂર પાસેથી ‘આહ’ના પ્રીમિયર શોના સ્પેશિયલ પાસની ગોઠવણ કરાવીને મેહમુદની મા લતિફૂન્નિસા, પિતા મુમતાઝઅલી અને દીકરી ખૈરૂન્નિસાને ‘આહ’ જોવા લઇ ગયો હતો. ઈસ્માઈલ પરણેલો અને એક દીકરાનનો બાપ પણ હતો. ઈસ્માઈલ એક જમાનામાં મેહબૂબ ખાનનો આસિસ્ટન્ટ હોવાને નાતે ભક્ત પણ હતો અને ગુરૂદક્ષિણા કાજે પોતાના દીકરાનું નામ ‘મેહબૂબ’ રાખ્યું હતું.

આજ ફિલ્મ ‘નૌકર’ના શૂટિંગ વખતે ઈસ્માઈલનું મૃત્યુ થયા પછી શાનો ઊર્ફે ખૈરૂન્નિસા ફિલ્મ ‘પડોસન’ના દિગ્દર્શક જ્યોતિ સ્વરૂપને પરણી હતી. જ્યોતિ અને મેહમુદની પહેલી મુલાકાત મહેશ કૌલની ફિલ્મ ‘અભિમાન’ (‘૫૭)ના સૅટ પર થઇ હતી. જ્યોતિ સ્વરૂપ મહેશ કૌલનો ભત્રીજો થાય. આ જ્યોતિ સ્વરૂપનો આસિસ્ટન્ટ દિગ્દર્શક સઇદ અલી અક્બર મેહમુદના ફેમિલીનો દોસ્ત બનીને પોતાની અત્યંત વિવેકી વર્તણૂંકને કારણે બધામાં લોકપ્રિય થઇ પડ્યો હતો, એનો લાભ લઇને પહેલા મેહમૂદની ઍક્ટ્રૅસ–બહેન મૂનુ મુમતાઝના પ્રેમમાં પડ્યો. મીનુ મુમતાઝને તો એ પરણી પણ ગયો હતો, પણ અક્બરનું લફરૂં મીનુ મુમતાઝની બીજી બહેન ઝૂબૈદા સાથે ચાલતું હતું. મીનુનું લફરૂં અમિતા–મેહબુબની ફિલ્મ ‘હમ, તુમ ઔર વો’ના પબ્લિસિસ્ટ મુબિન અન્સારી સાથે ચાલતું હતું, એ પૂરૂં થાય એ પહેલા મીનુ મુમતાઝ અબ્દુલ ગફાર નડિયાદવાલાના પ્રેમમાં પડી ગઇ હતી. જ્યોતિસ્વરૂપનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર સઇદ અલી અક્બર તો મુંબઇની ભેંડીબજારની ભાષામાં કહીએ તો ‘બો’ત હરામ કા પિલ્લા થા.... મેહમુદની બન્ને બહેનો ઝૂબૈદા અને મીનુ મુમતાઝને પોતાના પ્રેમમાં ફસાવીને ઝૂબીની છેવટે ટાઢે પાણીએ ખસ કાઢી હતી. આ ફિલ્મના નિર્માતા–દિગ્દર્શક ઈસ્માઈલ મેમણના મૃત્યુ પછી ખૈરૂ સાથે જ્યોતિ પરણ્યો હતો ને એ બન્નેને જે દીકરો થયો, ‘‘નૌશાદ,’’ તે ગુરુદત્તની દીકરી નીના સાથે પરણ્યો છે. યેન કેન પ્રકારેણ મેમુદ સાથે ‘માન ન માન, મૈં તેરા મેહમાન’ની જીદ ઉપર પરણવા માંગતી અરૂણા ઇરાની મેહમુદના ઘેર જ રહેવા આવી ગઇ હતી, પણ એક કહાની મુજબ, મેહમુદે ઐને દારૂ પીવાની ના પાડી હોવા છતાં એ સદા ય ઢીંચતી રહી, એમાં મેહમુદે ઐને કાયમ માટે કાઢી મૂકી હતી, જ્યારે વાર્તાનો દૂસરો કિસ્સો એવું કહે છે કે, શરાબ–ફરાબ નહિ, મેહમુદ અચાનક ઘેર પાછો આવ્યો, ત્યારે અરૂણા ઇરાની કોઇ બીજા પુરુષ સાથે હતી, એમાં કૅસ આખો ખલાસ થઇ ગયો. મેહમુદને ફિલ્મ ‘સી.આઇ.ડી.’ અને ‘શ્રીમાન સત્યવાદી’ની હીરોઇન શકીલા સાથે વન–સાઇડેડ પ્રેમ થઇ ગયો હતો, ત્યારે શકીલા એને ધિક્કારતી હતી અને રાજ કપૂરે મેહમુદને બધાની વચ્ચે ખૂબ ખખડાવ્યો ત્યારે પીછો છૂટ્યો હતો. પણ મુમતાઝ પાગલની માફક મેહમુદના પ્રેમમાં હતી... તો મેહમુદને એનામાં કોઇ ઇન્ટરેસ્ટ નહતો.

આ ફિલ્મના ટાઈટલ જેવી એક બીજી ફિલ્મ ‘‘નૌકર’’ ૧૯૪૩–માં આવી હતી, જેના લેખક હતા પાકિસ્તાનથી ત્રાસીને ઇન્ડિયામાં વસેલા તોફાની લેખક સઆદત હસન  મન્ટો. ફિલ્મના કલાકારો ભૂરી અને તેજસ્વી આંખોવાળો હીરો ચંદ્રમોહન, નૂતન–તનૂજાની મમ્મી શોભના સમર્થ, મિર્ઝા મુશર્રફ, બલવંતસિંઘ અને યાકુબ. હીરોઇન સૂરિલી અને સુંદર નૂરજહાં, જેના પતિ શૌકત હૂસેન રિઝવીએ આ ફિલ્મ બનાવી
હતી. (નૂરજહાંના બે–ચાર પૈકીનો આ એક પતિ શૌકત એ જ માણસ જેની ગેરહાજરીમાં પાકિસ્તાની ક્રિકેટર મુદસ્સર નઝરના ક્રિકેટર પિતા નઝર મહમ્મદ નૂરજહાંના ગેરકાયદેસર લફરામાં હતા અને શૌકતના ગયા પછી છાનોમાનો શૌકત નૂરી પાસે આવે, એમાં એક દિવસ પેલો વહેલો આવી ગયો, એમાં નઝર મહમ્મદને સીમેન્ટની પાઇપ પરથી લસરીને નીચે આવવામાં ભ’ઇ લપસી પડ્યા. આ પગ ભાંગવાની જીંદગીભર ખોટ રહી ગઇ.)

આ ફિલ્મે જયા ભાદુરી (જન્મ તા. ૯ ઍપ્રિલ, ૧૯૪૭ – જન્મસ્થળ : જબલપુર – મ.પ્ર.)ને ‘ફિલ્મફૅર’નો ‘બેસ્ટ ઍક્ટ્રેસ’નો ઍવોર્ડ જીતી આપ્યો હતો, પણ તમે ફિલ્મ જો તો મહીંથી જયાને ઍવોર્ડ તો શું, ઈનામમાં પચ્ચા ગ્રામ વટાણા આપવા જેવો ય અભિનય ન લાગે ! એને આપવો જ હતો તો બીજી પચ્ચાસ ફિલ્મો હતી, ‘ગુડ્ડી’, પિયા કા ઘર, અનામિકા, પરિચય, કોશિષ, બાવર્ચી, દૂસરી સીતા, ઉપહાર, અભિમાન અને આજની ફિલ્મમાં તો એને આ ઍવોર્ડ મલ્યો હતો, પણ ‘ફિલ્મફૅર’ના એ વર્ષો શરૂ થઇ ગયા હતા જ્યાં (થૅન્ક્સ ટુ મનોજ કુમાર) આવા ઍવોર્ડ્સ મૅનેજ થવા માંડ્યા હતા. ‘ફિલ્મ ઈન્ડિયા’નો સરળ વાચક સમજી શકે, એટલા માટે ‘ફિલ્મફૅર’ના ઍવોર્ડ્સ કેવી રીતે મૅનેજ થતા હતા, એ સમજાવું.

મુંબઈથી બહાર પડતાં ફિલ્મઉદ્યોગના સૌથી વધુ સન્માનપાત્ર ફિલ્મી મૅગેઝીન ‘ફિલ્મફૅર’ના વાર્ષિક ઍવોર્ડ્સ બહાર પડવાના હોય ત્યારે આગલા અંકમાં વાંચકો પોતાની પસંદગી મુજબ, એ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ હીરો, હીરોઇન, સંગીતકાર, ગાયક, ગાયિકા... અને એવી અનેક કૅટેગરીમાં તમારી પસંદગીના નામો લખીને એ ફૉર્મ કાપીને મુંબઇ મોકલવાનું હોય છે, એ મુજબ સૌથી વધુ મતો મેળવનાર હીરો–હીરોઇન કે ગાયક–સંગીતકારને ઍવોર્ડ મળે. આજની કિંમત મુજબ ગણવા જઇએ તો ‘ફિલ્મફૅર’નો એક અંક
૧૦૦/–માં પડે. તમને રાજેશ ખન્ના ગમતો હોય ને ઍવોર્ડ એ જ જીતે, એવી ઇચ્છા હોય તો ય લઇ લઇને કેટલા અંકો તમે ખરીદી શકો ?

મનોજ કુમાર જેટલા અંકો બહાર પડે, તે આગલી રાત્રે ‘ફિલ્મફૅર’ની ઑફિસેથી જ તમામ અંકો ખરીદી લે. આ ગોઠવણમાં ‘ફિલ્મફૅર’ના માલિકો કે અધિકારીઓ પણ શામેલ હોય, એ સમજી શકાય એવું છે. ફિર ક્યા...? મનોજ બે દહાડા માટે નોકરી શોધતા કોઇ ૨૦૦–૪૦૦ યુવકોનો સ્ટાફ ભાડે રાખી લે અને બધા જ અંકોમાં પોતાની જે ફિલ્મ આવતી હોય (માની લો, ‘‘બેઇમાન’’!) એને જ વર્ષની સર્વોત્તમ ફિલ્મ, બેસ્ટ હીરો પોતે, દિગ્દર્શક, સંગીતકાર, ગીતકાર, ગાયક મૂકેશ ને સપૉર્ટિંગ ઍક્ટર તરીકે પ્રાણનું નામ ‘ફિલ્મફૅર’ના
ફંક્શનમાં જાહેર થયું હતું, જે મનોજ કુમારનો અગંત મિત્ર હોવા છતાં બેઇમાની સમજી ગયો અને પોતાને મળેલો ઍવોર્ડ સ્વીકારવાની ના પાડી. એનો ગુસ્સો હતો કે, ‘બેઇમાન’ના સંગીતમાં કોઇ ભલીવાર ન હતો... અસલી સંગીત ફિલ્મ ‘પાકીઝા’નું હતું, છતાં ઍવોર્ડ ‘પાકીઝા’ને બદલે ‘બેઇમાન’ને મળ્યો. પ્રાણે પોતાનો જ ઍવોર્ડ ન સ્વીકાર્યો.

એટલું જ સમજી લેવાનું કે, ભારત દેશમાં મળતા મોટા ભાગના ઍવોર્ડ્સ ‘મૅનેજ’ થાય છે.

No comments: