Search This Blog

25/11/2017

'અંકુશ' ('૮૬)

ફિલ્મ : 'અંકુશ' ('૮૬)
નિર્માતા-દિગ્દર્શક : એન. ચંદ્રા
સંગીત : કુલદીપસિંઘ
ગીતકાર : અભિલાષ
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ : ૧૪૯ મિનિટ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : નાના પાટેકર, નિશા સિંઘ, અર્જુન ચક્રવર્તી, મદન જૈન, સુહાસ પળશીકરમહાવીર શાહ, રાજા બુંદેલા, દિનેશ કૌશિક, ગજાનન બંગેરા, આશાલતા વાબગાંવકર અને રાબિયા અમીન.

ગીતો
(
૧)ઇતની શક્તિ હમે દેના દાતા.............સુષ્મા શ્રેષ્ઠા- પુષ્પા પગધરે
(૨)આયા મજા દિલદારા, દિલ હમારા.......મુરલીધર ઘોડે- અશોક કે.
(૩)હે ઉપરવાલા ક્યા માંગેગા................મુરલીધર ઘોડે- અશોક કે.
(૪)ઈતની શક્તિ હમેં દેના દાતાના..........................પુરૂષ- કોરસ

ફિલ્મ 'અંકુશ'નો એક ડાયલોગ એ વખતના અમારી ઉંમરના યુવાનોને બહુ ગલગલીયા કરાવતો હતો. મુંબઈ પોળ નહિ પણ ગલી કે વાડી કલ્ચર છે... પાંઉ ગલી, સાયકલ વાડી, હનુમાન ગલી, ખેતવાડી કે નાનાભાઉ ગલી... એમાંની એક ગલીમાંથી રાત્રે ફિલ્મ જોઈને નીકળતી લોઅર- મિડલ ક્લાસની ચાર- પાંચ કૉલેજ કન્યાઓ 'હાહાહિહિ' કરતી વાતો કરતી હોય છે, એમાંની એક કહે છે, 'આજ તો એક બદમાશને મેરા પર્સ માર લિયા ઔર ભાગ ગયા.

' પેલી બધીઓ અકળાઈને પૂછે છે, 'આટલું મોટું પર્સ હાથમાંથી ખેંચી કેવી રીતે જાય ?' જવાબમાં પેલી કહે છે, 'એ તો બ્લાઉઝની પાછળ રાખવાનું નાનકડું પર્સ હતું.' તો મજાક ઉડાવતી સખીઓ પૂછે છે, 'આટલું મોટું પર્સ પેલાએ અંદરથી ખેંચી લીધું ને તને ખબરે ય ના પડી ?' 'અરે મુઝે, ક્યા માલુમ વો 'પર્સ' નીકાલનેવાલા હૈ ?'

આજે આવી હ્યુમર બિલકુલ ઘટિયા અને છીછરી લાગે છેપણ આવી બસ્તીના લોકોનું કલ્ચર અને મુંબઈની લાઇફ જોતાં આજે એ જ કલ્ચર મુંબઈની વાસ્તવિકતા પણ લાગે છે. મુંબઈ અને આપણા ગુજરાતની રોડ- ગલીઓ પરથી લાઇફો એકબીજાથી તદ્દન જુદી છે. આખું અમદાવાદ ફરો, ક્યાંય તમને ઝુંપડપટ્ટી દેખાય છે ? બહુ દૂરના મિલ- વિસ્તારોમાં હોઈ શકે, તો પણ મુંબઈની ટ્રેનમાં જતા રેલ્વે- ટ્રેકની આજુબાજુમાં જે કહેવાતા ઘરો દેખાય છે, તેને 'ઘર' કહેવા પડે, 'મકાન' નહિ.

લોકો એમાં રહે છે, એમ ન કહેવાય... પડયા રહે છે, એમ કહેવાય. પરમેશ્વરનો આખા જમીન પર લેટી જઈને આભાર માનવો જોઈએ કે, આપણામાંથી કોઈને આવી જીંદગીનો નાનો અણસારો ય આવવા દીધો નથી. મુંબઈની ધૂમધામ રાક્ષસી વસ્તીને કારણે ત્યાંની ઝુંપડપટ્ટીમાં માણસો રહે છે ને ઘરના દરવાજાની બહાર કોઈ સંડાસ કરવા બેઠું હોય તો એ સાહજીક છે.

અંદર બેઠેલાને ય એમાં કશું આઘાત જેવું ન લાગે, કારણ કે, એ ય બીજા કોઈના ઝૂંપડા પાસે 'બેસતો' હોય ! એ વખતે ઇંગ્લિશમાં 'ડેબોનેર' નામનું તોફાની મેગેઝિન નીકળતું. પુરૂષ વાચકો માટે મોટું આકર્ષણ એનું સેન્ટર સ્પ્રેડ (એટલે કે બરોબર વચ્ચેના બે પાના) ઉપર એક નગ્ન અને સેક્સી છોકરીનો ફોટો છપાતો એ જમાનામાં આજની જેમ કમ્પ્યુટર ઉપર પોર્નોગ્રાફી જોવાની કલ્પના પણ નહોતી, ત્યારે પુરૂષો પાગલ હતા 'ડૅબોનેર' પાછળ... બાકીનું મેગેઝીન વાંચવું જરૂરી નહોતું.

એક તોફાની સ્ત્રી- વાચકે આ મેગેઝિનના ફાયર-બ્રાન્ડ તંત્રી અનિલ ધારકરને પત્ર લખ્યો, (જે અનિલે છાપ્યો પણ ખરો, જવાબ સાથે) કે, 'તમારા મેગેઝીનમાં પુરુષ વાચકોને ખુશ કરવા આવો ફોટો છાપો છો, પણ સ્ત્રી વાચકોનું શું ?' જવાબમાં અનિલે લખ્યું, 'તમે મુંબઈમાં જ રહો છો. જે નજીક હોય એ રેલ્વે-ટ્રેક પાસે વહેલી સવારે જઈને ઊભા રહો... પાટાની આજુબાજુ આવું જે કાંઈ જોવા જેવું હશે, તે બધું જોવા મળશે.'

અલબત્ત, આવી વાસ્તવિકતાઓ સ્વીકારવી કે ધિક્કારવી કે પછી જમાના પ્રમાણે સાહજીકતાથી લઈ લેવી, એ વ્યક્તિગત અભિપ્રાય છે. નાના પાટેકરની આ ફિલ્મ 'અંકુશ'માં દર્શાવાયેલી વાસ્તવિકતા સાથે આપણે જીવ્યા ન હોઈએ, પણ બેકારી અને તેની સામે ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રની નાગડદાઈનો વાસ્તવિક ચિતાર આ ફિલ્મમાં એના સર્જક એન. ચંદ્રાએ આપ્યો છે.

શિક્ષિત છતાં... કામધંધા માટે પ્રામાણિક પ્રયત્નો છતાં બેકાર બનીને દરદર ભટકવું પડે, એવા યુવાનો મવાલીગીરીના રસ્તે ચઢી જાય છે પણ સાચી રાહ બતાવનારું કોક મળી જાય તો એ જ યુવાનો આવી બદબોઈઓ ઉપર 'અંકુશ' મૂકવાના સપના જુએ છે, એ વિષય પર ફિલ્મ બનેલી છે.

કોઈ સટ્ટાક દેતો સાચો નિર્ણય લેવાઈ ગયો હોય ત્યારે આવી દમદાર ફિલ્મ જોવાનો અવસર મળે. નાના પાટેકરની આ 'અંકુશ' આવી ત્યારે તો ૩૧ વર્ષ પહેલાં જોઈ હોય અને જોઈ હોય એટલે બધું આઘેનું આજે થોડું કાંઈ યાદ હોય ? શિક્ષિત છતાં ફૂલટાઇમ બેકાર યુવાનો લૂંટફાટ અને મારામારીઓ ઉપર ચઢી ગયા હોય. વાતવાતમાં ખીજાઈ જતા હોય... અને ખાસ તો ખિસ્સામાં ફદીયો ય પડયો ન હોય, એટલે લારીઓ ઉપર વડાપાઉં કે મિસળ ખાવા જેટલું તો ન લૂટયું હોય, પણ લૂંટના માલમાંથી સિગારેટનું એકાદું પેકેટ જરૂર આવે અને એ ય, ચારેય હીરોએ ભાગે પડતું પીવાનું.

હતાશા એટલે ફ્રસ્ટ્રેશન એ હદનું આવી ગયું હોય કે નાની નાની વાતમાં એકબીજા કે નાના ખુમચા જેવી પાન- સિગારેટની દુકાનવાળાઓ સાથે મારામારીઓ ઉપર આવી જાય. સિવિલ એન્જીનીયરિંગની ડીગ્રી સુધી ભણેલા છતાં નોકરી ન મળે અને મુંબઈની ટાઇગર વાડી જેવી લોઅર મીડલ ક્લાસ ખોલીમાં પરિવાર સાથે રહેવાનું.

મુંબઈની ગલીઓમાં ભાઇલોગ સિવાય પણ છૂટકમુટક ગુંડામવાલીઓનું સામ્રાજ્ય કહો કે કૂલબ્લડેડ દાદાગીરી મેં તો નરી આંખે જોઈ છે. એ વાત જુદી છે કે, એમાં હું બેમાંથી એકે ય પાર્ટીમાં નહોતો, એટલે અત્યારે આખા બે હાથે અને ટેબલ નીચે પગ લટકાવીને સેવમમરા ખાતો ખાતો'નો-ટેન્શન' લખી રહ્યો છું.

અમદાવાદના ખાડીયામાં '૬૦ અને '૭૦ના દાયકાઓમાં પણ પોળને નાકે ઊભા રહેતા ઘણા ભાગના બેકાર યુવાનો હતા, પણ મુંબઈની ગલીઓની જેમ અહીં સામસામી ટોળીઓ હાથમાં સાયકલની ચૅઇનો, પાઇપ કે હૉકીઓ લઈને ફરતી જોઈ નથી... મુંબઈમાં આવા દ્રશ્યો આજે ય કોમન છે. અહીં રાત્રે પીધેલી હાલતમાં લવારી કરતો જતો શરાબી જોવા કોઈ 'હેંએએએ...

રવિ (નાના), અર્જુન (અર્જુન ચક્રવર્તી), શશી (મદન જૈન) અને લાલીયા (સુહાસ પળશીકર) રખડેલ અને બેકાર યુવાનો પોતાની ગલીના ગુંડાઓ છે. ઉઘારી ચઢાવતા જઈ સિગારેટો પીવાની અને બાજુની ગલીની ગૅન્ગ સાથે મારામારી કરવાની, એ જ એમનું જીવન. એમની ગલીમાં મકાન ભાડે રાખવા એક વિધવા મા (આશાલતા વાબગાંવકર) અને યુવાન અને સુંદર પુત્રી અનિતા (નિશા સિંઘ) આવે છે, પણ કોઈને મકાન ભાડે કે વેચાતું નહિ આપવા દેવાના આ ચારેયને પૈસા મળ્યા હોવાથી મા-દીકરીને આ લોકો વધુ પડતા હેરાન કરે છે.

સારા સંસ્કારની આ મા-દીકરી પેલા ચારેયના હૃદયમાં પવિત્ર સ્થાન મેળવે છે અને લૂંટખસૌટ છોડીને મેહનતમજૂરી કરવા પ્રેરે છે. એ દરમ્યાન અનિતા જ્યાં નોકરી કરે છે, તે સકસેના (રાજા બુંદેલા), એનો દોસ્ત ગુપ્તા (મહાવીર શાહ), ફાર્મ હાઉસનો માલિક દવે (દિનેશ કૌશિક) અને આ લોકોએ પાળેલો ભાડુતી ગુંડો (સૈયદ) અનિતા ઉપર બળાત્કાર કરે છે.

તાબડતોબ બદલો લેવાના ઝનૂનમાં આવી ગયેલા નાના અને સાથીઓ પેલા બદમાશોને પતાવી નાંખવા ઉતાવળા થાય છે, ત્યાં અનિતાને કાનૂન પર ભરોસો છે અને કાનૂની રાહે જ ન્યાય મેળવવાની જીદ પકડે છે.

અદાલતમાં બળાત્કારના કેસો તો આમે ય પીડિતાની તરફેણમાં આવતા નથી, એ મુજબ પેલા નિર્દોષ છૂટી જાય છે અને અનિતા આપઘાત કરે છે. આનો બદલો લેવા આ ચારેય હીરો પેલા બદમાશોના ખૂન એક જ રાતમાં કરી દે છે અને ફાંસીએ લટકી જાય છે.

ફિલ્મનું સૌથી ઉજળું પાસું એનું નાનકડું છતાં પવિત્ર સંગીત છે ખાસ કરીને ભજન, 'ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના...'

ઇશ્વરમાં જેને શ્રદ્ધા છે, એની આંખમાંથી પાણી લાવી દે, એવા ભાવવાહક શબ્દો ગીતકાર અભિલાષે લખ્યા છે. પણ શબ્દો કેવા હૃદયદ્રાવક, ખાસ કરીને આજના આતંક અને યુદ્ધના ભણકારા વગાડતી દુનિયાના સંદર્ભમાં કેવા અર્થપૂર્ણ લખાયા છે, ' ફિલ્મના ટાઇટલ્સમાં તો ગીતની ક્રેડિટ અભિલાષને આપવામાં આવી છે, પણ આ ભજનના રચનાકાર તરીકે સાધુ વાસવાણીનું નામ પણ અદબથી લેવાય છે. શક્ય છે, ભજનનું મુખડું વાસવાણી દાદાએ લખ્યું હોય, ને બાકીનું અભિલાષે ! આ કૉલમના કોઈ સિંધી વાચક હોય તો આ વાતે કોઈ જાણકારી આપી શકે છે.

સંગીતકાર કુલદીપસિંઘ પણ પછીની ફિલ્મોમાં દેખાયા... આઇ મીન, સંભળાયા નહિ. બસ, ૧૯૮૨-માં આવેલી દીપ્તી નવલ - ફારૂક શેખની ફિલ્મ 'સાથસાથ'માં એમણે સંગીત આપ્યું હતું. (આ ફિલ્મમાં કિશોર કુમારે બંગાળની ભટીયાલી ધૂન પર આધારિત બપ્પી લાહિરીનું મીઠડું ગીત 'કિતને રાંઝે તુઝે દેખ કે, બૈરાગી બન ગયે...' ગાઇને એમના ગળાની રસઝરતી મીઠાશનો ફરી પરિચય આપ્યો હતો. આ જ ગીત, એના નવા હીરો પરવેઝને બદલે કોઈ જાણીતા સ્ટારના ચેહરે ગવાયું હોત તો લાઇફ- ટાઇમનું ગીત બની જાય, એવું સુંદર ગીત હતું. આ ફિલ્મ 'સાથસાથ'ની હીરોઈન દીના, '૪૦ના દાયકામાં દેવ આનંદની હીરોઈન રહી ચૂકેલી રમોલાની દીકરી હતી.)

નાના બજેટની ફિલ્મ બની હોવાથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ વિશે ઝાઝી ચર્ચા કરી શકાય એવું નથી. કેમેરા વર્કથી માંડીને નાનાને બાદ કરતા અન્ય તમામ પાત્રોની મામૂલી અભિનય, મોટા ભાગે તો આઉટડોરનું શુટિંગ જાહેર રસ્તાઓ અને મુંબઈની મચ્છીમાર કોલોની (માહિમ) અને બાંદ્રાના ચેપલ રોડ પર થયું છે, પણ જે કાંઈ સેટ બન્યા છે, તે ફિલ્મી લાગે છે. વધુ કંટાળો હદ ઉપરાંતની મારામારીઓમાં આવે છે. ઇનફેક્ટ, એ સમયની કે આજની ફિલ્મોના ફાઇટ- માસ્ટરોને વાસ્તવિકતા સાથે લેવાદેવા જ હોતી નથી.

તમારામાંથી બધાએ સાયકલની ચેઇન, હોકી કે બેઝબોલના બેટ જોયા હોય . જસ્ટ થિન્ક ઓફ ઇટ... આમાંના એકેનોય પૂરજોશ ફટકો બરડામાં પડે તો આવનારા વર્ષ સુધી ખાટલામાંથી ઊભા થવાય ખરું ? આ અને આવી તમામ ફિલ્મોમાં હીરો, વીલન, ગુંડાઓ આવા હથિયારો એકબીજાને એવા જોશોજનૂનથી ફટકારતા હોય છે કે, બીજો ફટકો મારવાની ય જરૂર ન પડે... એને બદલે તમે જોયું હશે કે ફટકો બેઝબોલનો કે હૉકીનો નહિ, ભીના ટુવાલનું ગુંચળું વાળીને ઝૂડે, એમ બધા આવા ફટકાય ખાતા હોય ને પૂરી ફિલ્મ સુધી એમના તનબદન પર એક ઉઝરડો ય ન પડયો હોય !

સોલ્લિડ જન્મ તારીખ લઈને આવેલો નાના પાટેકર ૧ જાન્યુઆરી ૧૯૫૧માં જન્મ્યો હતો. ટોટલ રૃા. ૧૨ લાખના જ ખર્ચે બની ગયેલી આ ફિલ્મ માટે નાનાને રૃા. ૧૦ હજાર મહેનતાણું મળ્યું હતું. આ રોલ એની પર્સનાલિટી અને રીતભાતના કારણે એટલો સફળ થયો કે, આજ સુધી નાનાને આવા સખ્ત મિજાજીના કિરદારો જ મળે રાખે છે. એક્ટિંગ કરવાની એની રીતભાત બીજા બધાથી અનોખી હોવાથી આ પ્રકારના રોલમાં આજે પણ નાનાનો કોઈ સાની નથી.

ફિલ્મનો સર્જક એન. ચંદ્રા મૂળ તો ગુલઝારનો આસિસ્ટન્ટ અને ગુલઝારની આવા જ વિષય પર અગાઉ બનેલી ફિલ્મ 'મેરે અપને' પરથી સીધી પ્રેરણા લઈ એન. ચંદ્રાએ આ ફિલ્મ બનાવી હતી. ચંદ્રાને 'મેરે અપને'માં વિનોદ ખન્નાવાળું કેરેક્ટર ખૂબ ગમી ગયું હતું, એટલે અંકુશમાં નાનાને મળેલો રોલ તો મરાઠી ફિલ્મોના એ વખતના સુપરસ્ટાર રવિન્દ્ર મહાજનીને ધ્યાનમાં રાખીને લખાયો હતો, પણ રવિન્દ્રએ વધારે પડતા પૈસા માગતા ચંદ્રાએ એને પડતો મૂકવો પડયો હતો.  

ફિલ્મની હીરોઇન નિશા સિંઘ ઇંગ્લિશમાં જેને કહે છે ને કે, ધ્રી યૈનિ હીટા ર્ર્ગિ એવી આપણી બાજુના મકાનમાં રહેતી છોકરી જેવી નિર્દોષ અને સૌમ્ય લાગે છે. આશ્ચર્ય છે કે, આ ફિલ્મ પછી નિશા તો ઠીક, નાના સિવાયના બાકીના લગભગ તમામ પાત્રો ફરી ફિલ્મોમાં ભાગ્યે જ દેખાયા છે.

મહાવીર શાહ ગુજરાતી તખ્તા અને હિંદી ફિલ્મોનો મજેલો એક્ટર હતો. એનું મૃત્યુ બહુ વિકટ અકસ્માતમાં અમેરિકાના શિકાગો શહેરમાં થયું હતું. ત્યાંના હાઇ-વે પર એમની કાર બીજા વાહન સાથે મોટા ધડાકા સાથે અથડાઈ પણ એ સહી સલામત પોતાની ગાડીમાંથી બહાર નીકળી ગયા, ત્યાં જ પાછળ આવતી બીજી કારે કાચી સેકંડમાં એમને ઝપટમાં લઈ લીધા.

હાઇ-વે પર તાત્કાલીક હેલિકોપ્ટર બોલાવાયું, પણ હોસ્પિટલ સુધી એમનો જીવિત દેહ ન પહોંચી શક્યો. મુંબઈના ગુજરાતી નાટકોમાં 'સખારામ બાઇન્ડર', 'ખેલ', 'જન્મદાતા', 'સાથી' અને એમણે જ દિગ્દર્શિત કરેલું 'હું જ તારો ઇશ્વર' મુખ્ય હતા. એમણે ૮૦થી વધુ હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. માંજરી આંખો, હૅન્ડસમ ચેહરો અને રઇસ પર્સનાલિટી સાથે અભિનયમાં સાહજીકતા મહાવીર શાહને વરેલા હતા. નિશાસિંઘની ફેક્ટરીનો માલિક બનતો એક્ટર રાજા બુંદેલા છે.

યુ.પી. અને એમ.પી. જેવા બે રાજ્યો વચ્ચેથી બુંદેલખંડને સ્વતંત્ર રાજ્ય બનાવવાની માંગમાં. મૂળ રાજા રાજેશ્વરપ્રતાપસિંઘ જુદેવ એટલે કે રાજા બુંદેલાએ રાજકીય પાર્ટી સ્થાપી હતી. અકકલ થોડી ઓછી હશે કે, ઇ.સ. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ભ'ઇ ઊભા રહ્યા હતા... કોંગ્રેસમાંથી ! (કોંગ્રેસમાંથી ઊભો હતો એટલે કેટલા મત મળ્યા, જાણવું છે ? અન્ય ઉમેદવારોને મળ્યા એના ૧૨.૭૬ ટકા.)

જો કે એના કરતા જાણવાની ગમ્મત પડે એવી ઘટના એ છે કે, રાજા બુંદેલા કોમેડિયન કેષ્ટો મુકર્જીનો જમાઈ થાય. બહુ વર્ષો પહેલાં આવેલી પંકજ કપૂરની પેલી ગાજરવાળી કૉમેડી સિરીયલ 'કરમચંદ'માં કેષ્ટ દાની દીકરી સુસ્મિતા મુકર્જી બુંદેલાની પત્ની થાય. ફાર્મ-હાઉસનો માલિક બનતો દવે (દિનેશ કૌશિક) હવે બુઢ્ઢાના રોલમાં ક્યારેક કોક રડીખડી ટી.વી. સિરિયલમાં દેખાય છે.

'અંકુશ'ના ચારે હીરોમાંથી વધુ દેખાવડો ચોકલેટી હીરો અર્જુન ચક્રવર્તી 'જરા સી ઝીંદગી'માં સામાન્ય કિરદારમાં દેખાયા પછી આ 'અંકુશ'માં નોંધપાત્ર કામ કરી ગયો, પણ હિંદી ફિલ્મોમાં એનો કોઈ લેવાલ નહતો, એટલે એ પોતાની બાંગ્લા ફિલ્મોમાં પાછો જતો રહ્યો.

ફિલ્મની બીજી સો-કોલ્ડ હીરોઇન રાબિયા અમીન, લાલીયા બનતો સુહાસ પળશીકર, શશીનો રોલ કરનાર મદન જૈન કે એનાથી દુ:ખી બનતો મોટો ભાઈ ગજાનન બંગેરા આ ફિલ્મ પછી ક્યાં ખોવાઈ ગયા, તેનો કોઈ અતોપતો નથી. ફિલ્મમાં નિશાની વિધવા મા બને છે તે આશાલતા વાબગાંવકરે ચરિત્ર અભિનેત્રીઓના રોલ તો ઘણા કર્યા પણ એકેયમાં ઊડીને આંખે વળગે એવો કોઈ રોલ નહિ.


આજકાલ છોકરાઓ નવું શીખ્યા છે. આજની કોઈ નવી ફિલ્મ આવે અને પોતાને બહુ સમજ ન પડી હોય (કે વધુ પડતી પડી ગઈ હોય) ને તમે એને પૂછો, 'કેવી છે ફિલ્મ... ?' તો જવાબમાં જરા મૂંઝાઈને કહેશે, 'એક વાર જોવા ય...!' તારી ભલી થાય ચમના... તો શું બીજી બધી ફિલ્મો ૨૦- ૨૫ વખત જોવાની હોય ? પણ નાના પાટેકરની આ ફિલ્મ 'અંકુશ' એકવાર તો જોવા જેવી જ છે.

3 comments:

Unknown said...

અશોકભાઈ,
કિતને રાંઝે તુઝે દેખ કે, બૈરાગી બન ગયે...' મા પરવેઝ દિના અને ભપ્પી લહેરી વાળી માહિતી સાચી છે પણ એ ગીત સાથ સાથ નું નહીં પણ 1979 માં રિલીઝ થયેલી "અહેસાસ' નું છે.

Anonymous said...

Susmita was earlier married to Sudhir Misra and divorced.
Mukesh Joshi

Ashok Dave said...

You are absolutely right. In fact, I failed to verify the article in hurry which caused that mistake. I really am thankful to you for reading the article so carefully.