Search This Blog

14/11/2014

'અંદાઝ' ('૪૯)

(PART 1)

ફિલ્મ : 'અંદાઝ' ('૪૯)
નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સ
દિગ્દર્શક : મેહબૂબખાન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૪૩-મિનિટ્સ (ઍડિટેડ)
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, નરગીસ, દિલીપ કુમાર, વી.એચ.દેસાઈ, કક્કુ, મુરાદ, અનવરીબાઈ, અમીરબાનો, જમશેદજી, અબ્બાસ અને વાસકર.




ગીત
૧. હમ આજ કહીં દિલ ખો બૈઠે, યું સમઝો કિસી... મૂકેશ
૨. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના... મૂકેશ
૩. તૂ કહે અગર જીવનભર મૈં ગીત સુનાતા જાઉં... મૂકેશ
૪. ઝૂમઝૂમ કે નાચો આજ, નાચો આજ, ગાઓ... મૂકેશ
૫. સુનાઉં ક્યા મૈં ગમ અપના ઝૂબાં પર લા નહિ સકતા... મૂકેશ
૬. ડર ના મુહબ્બત કર લે, ડર ના મુહબ્બત કર લે... લતા-શમશાદ
૭. ઉઠાએ જા ઉનકે સિતમ, ઔર જીયે જા... લતા મંગેશકર
૮. યૂં તો આપસ મેં બિગડતે હૈં, ખફા હોતે હૈં... લતા-રફી
૯. દા દિર દારા... મેરી લાડલી રી બની હૈ, તારોં કી... લતા મંગેશકર
૧૦. તોડ દિયા દિલ મેરા, તૂને અરે બેવફા... લતા મંગેશકર
૧૧. કોઈ મેરે દિલ મેં ખૂશી બન કે આયા, અંધેરા છાકર... લતા મંગેશકર

ગીત નં. ૫ આ ફિલ્મ માટે રેકોર્ડ થયું હતું. પણ ફિલ્મની લંબાઈ વધી જવાથી એને કાઢી નાંખવું પડયું હતું.

એટ લીસ્ટ, આજની ફિલ્મ 'અંદાઝ'નો આ લેખ તમને મસ્તી કરાવી દેવાનો છે, એની મને ધારણા ૧૦૦ ટકા અને ખાત્રી બે ત્રણ ટકા છે. આપણને વાંચવી ગમે, એ બધી માહિતીઓથી છલકાશે. એક તો ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો રાજ-નરગીસ-દિલીપ આપણા સહુના માનિતા, બીજું, મેહબૂબખાન જેવો મજેલો ડાયરેકટર, ત્રીજું ધી ગ્રેટ નૌશાદ સાહેબનું 'ક્યા બ્બાત હૈ' સંગીત, મૂકેશના અને પાછા લતા મંગેશકરના એવા ગીતો, જે આજે ફિલ્મ રજૂ થવાના ૬૫ વર્ષો પછી ય આપણા સહુના ફેવરિટ છે. આ બધા ફેકટરોની દિલચશ્પ માહિતીઓ અને એમાં ય, હમણાં મેં પૂરી કરેલી મુહમ્મદ યુસુફ સરવરખાન પઠાણ એટલે કે દિલીપ કુમાર (જન્મ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨)ની આત્મકથા, The substance and the shadow : An autobiography. બધામાં ખૂબ ગેલમાં આવ્યો છું અને એ ગેલગમ્મત તમને કરાવવી છે.

પણ એ પહેલા આ ફિલ્મ 'અંદાઝ'ની વાત :

જસ્ટ થિન્ક ઑફ ઇટ... ફિલ્મ ૧૯૪૯માં બની હતી અને છતાં આજદિન સુધી એની અસરો ફિલ્મનગરી તેમજ રાજ-દિલીપ-નરગીસના ચાહકો સુધી યથાવત રહી છે. ૨૭ વર્ષનો દિલીપકુમાર, ૨૫ વર્ષનો રાજ કપૂર (તા. ૧૪ ડીસેમ્બર ૧૯૨૪) અને બિલકુલ ૨૦ વર્ષની નરગીસ (જન્મ તા. ૧ જૂન ૧૯૨૯)... આઈ મીન, ભરચક જવાનીની ફિલ્મ અને મેહબૂબ ખાતે ભારે હિમ્મતપૂર્વક એ જમાનામાં સહેજે ન ચાલે, એવા સબ્જેક્ટ ઉપર આ ફિલ્મ બનાવી, જેમાં સમજો ને, પહેલીવાર લવ-ટ્રાયન્ગલ (પ્રણય ત્રિકોણ)ની સનસનાટીભરી વાર્તા આવી. આવા ટ્રાયન્ગલની ફિલ્મો અગાઉ પણ આવી હતી, પણ કોઈ ફિલ્મને દર્શકોએ સ્વીકારી નહોતી. વાર્તા આજે તો તદ્દન ચીલાચાલુ લાગે અને એના અંશો વાંચવા ય બોરિંગ લાગે, પણ આજે છ દશક પછી ય ફિલ્મ પ્રસ્તૂત લાગે છે, એમાં સઘળી કમાલ મેહબૂબ ખાનની. ટુંકાણમાં અંશો જોઇ લઇએ.

નીના (નરગીસ) બહુ મોટા બીઝનેસમેનની મોડર્ન ખયાલાતની દીકરી છે. સિમલામાં પોતાના બંગલેથી તોફાની ઘોડા ઉપર સવાર થઇને બહાર નીકળતા જ ઘોડો ભાગે છે. જગતનો નિયમ છે, હીરોઇનના ઘોડા કરતા હીરોવાળો ઘોડો વધુ ફાસ્ટ ભાગતો હોય, એટલે દિલીપ (દિલીપ કુમાર) બીજા ઘોડા ઉપરથી નીનાને બચાવી લે છે.

દિલીપને નીના ગમી જાય છે અને પૈણવાના સપના શરૂ કરે છે. નીના પણ દિલીપને અંતરંગ દોસ્ત બનાવી પેલાને આગળ વધવાની અજાણતામાં તકો આપે છે. એની બા ગુજરી ગઇ હોવાથી એ નથી ખીજાતી, પણ ફાધર (મુરાદ) ખીજાય છે, જેમને આ બન્નેની દોસ્તી પસંદ નથી. 'જમાના ક્યા કહેગા...?' નીનાની સખી શીલા (કક્કુ) દિલીપને પ્રેમ કરવા લાગે છે, પણ એકતરફો. દિલીપે નીનાનો જીવ બચાવ્યો, એમાં ખરી કમાલ તો ઘોડાની હતી, છતાં ફાધરના બેસણાં પછી નીના પોતાની અડધી મિલ્કતનો ભાગીદાર ઘોડાને બદલે દિલીપને બનાવી, તમામ કારોબાર સોંપી દઇ પોતે ચારધામની યાત્રાએ નથી જતી, ઘડીક નવરી પડે એટલે દિલીપને બોલાવી એની પાસે સ્વ. મૂકેશના ચાર ગીતો ગવડાવે છે. ઇન્ટરવલ સુધી આપણએ રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઈએ, પણ દિલીપ નીનાને કહી શક્તો નથી કે, હું તારા પ્રેમમાં છું. દરમ્યાનમાં નીનાનો ખરો પ્રેમી રાજન (રાજ કપૂર) લંડનથી પાછો આવે છે અને બન્ને ઘર-ઘર રમવા લાગે છે, ત્યારે દિલીપને જાણ થાય છે કે, નીના તો રાજનની છે. રાજન-નીનાના લગ્ન થઇ જાય છે. અહીં દીકરી વળાવવાના કરૂણ ગીતો ગાવાને બદલે દિલીપ ભગ્નહૃદયી પ્રેમીના મરશીયા ગાય છે. 'તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છૂટે ના...' આવી તોડફોડના ગીતો આવા પ્રસંગે ગાવાથી નીનાને બહુ ખોટું લાગે છે, એટલે વળતા હૂમલા તરીકે એ પાછું બીજું એક ગીત બેન લતા મંગેશકરના અવાજમાં ગાય છે.

આ વખતે બાજી ફિટાઉન્સ કરવાનો દિલીપ ટ્રાય કરે છે, પણ એ તો વાર્તા લેખક જ જાણે કે, દિલીપ જતો રહેવા માંગતો હોવા છતાં નીના જવા દેતી નથી, પરિણામે એક દિવસ તો રાજનને ખબર પડે ને ?... પડી ને જોરદાર પડી. એમાં રાજન પત્નીને તરછોડી દે છે, જેથી નીના કોઈ રસ્તો કાઢવાને બદલે લતા મંગેશકરના કંઠમાં બબ્બે-તત્તણ ગીતો ગાઈ નાંખે છે. એક બાજુ, દિલીપ પિયાનો ઉપર બબ્બે દહાડે મંડયો હોય ને નવરી નીના ઘેર બેઠી લતાના ગીતો તાણતી હોય, એમાં રાજીયો બગડે કે નહીં ?

દિલીપ નીનાની 'બેગૂનાહી કા સબૂત' પેશ કરને રાજનના ઘેર આવે છે, જ્યાં રાજને એના માથામાં ટેનીસનું રેકેટ ફટકારે છે. એ મરતો નથી, પણ પોતાને નિર્દોષ સાબિત કરાવી શકાય, એ માટે નીના એને જીવતો રાખવા ડોક્ટરને કાલાવાલા કરે છે. દિલીપ બચી જાય છે એમાં હવે એ રાજનનું ખૂન કરીને નીનાનો પ્રેમ મેળવવા રીવૉલ્વર લઇને નીકળી પડે છે. રાજનને મારતા પહેલા એ નીનાની પાછળ પડીને પરાણે પ્રેમ સ્વીકારવા આજીજીઓ કરે છે. આજીજી હુક્મ બની જાય એ પહેલા નીના એને ઠાર મારીને જેલમાં જાય છે. અદાલતમાં રાજન નીનાની વિરૂધ્ધ જબાની આપે છે. પણ દિલીપે પોતાની નિર્દોષતા પૂરવાર કરવા અગાઉ લખી રાખેલો પત્ર હવે પસ્તાયેલા રાજનના હાથમાં આવતા એ નીનાને મળવા જેલમાં જાય છે, પણ ત્યાં સુધીમાં તો નીનાને કાલાપાનીની સજા થઇ ચૂકી હોય છે.

ફિલ્મ એ જમાનામાં ભલે ચાલી હોય અને ભરચક પ્રચારને આધારે આ ફિલ્મને ભલે કોઈએ 'ક્લાસિક' ગણી હોય, પણ નો...! ફિલ્મ ઘણી નબળી હતી, ખાસ કરીને એની ગળે ન ઉતરે એવી વાર્તા. વિદેશ વસેલા રાજ કપૂરની પ્રેમિકા ગમે તેટલી મોર્ડન જમાનાની હોય, ફાધર ઉપરાંત સમાજના સખ્ત વિરોધ છતાં શું કામ દિલીપને આટલો નજીક આવવા દે કે, પોતાની મિલ્કતનો અડધો ભાગ એને આપી પૂરો કારોબાર ચલાવવા આપે ! અને એ ય, ફિલ્મોની ભાષામાં કહીએ, તો 'દિલીપ કા ન જાત કા પતા થા, ન પાત કા' ! એક બાજુ લેખક પેલીને સતી સાવિત્રી ચીતરે છે તો ભારતની સાવિત્રીઓ આટલી ગીરેલી હોતી નથી કે, દોસ્ત દિલીપથી પોતાના પ્રેમી રાજ કપૂરની આખી વાત જ છૂપાવે. છૂપાવવાનું કોઈ કારણ દિલીપને ભલે ન આપે, પ્રેક્ષકોને કેમ નથી અપાતું ? નરગીસની ખુલ્લમખુલ્લી દોસ્તી જોઇએ દિલીપ તો શું, શહેર કોંગ્રેસ સમિતીનો કાર્યકર પણ માની લે કે, નીનકી આપણા પ્રેમમાં છે. એક વાર ઘોડા ઉપરથી પડતી બચાવવાનો ચાર્જ આટલો મોંઘો અપાતો હોય, તો હિંદુસ્તાનનો બચ્ચેબચ્ચો ઘોડા પાળવા માંડશે.

સખ્ત વિરોધ કરવો પડે એવો મુદ્દો તો એ છે કે, રાજ કપૂર આટલો હસમુખો અને નિખાલસ હોવા છતાં, નરગીસ સાવ આસાનીથી કહી શકી હોત કે, મારી દોસ્તીને દિલીપ લેવાદેવા વગરનો પ્રેમ સમજી બેઠો છે.

વાર્તા ઉપરાંત, મેહબૂબ ખાનની ફિલ્મ આવી તો ન જ હોય, એવા ય કારણો મળી આવે છે. ફિલ્મોમાં દસ ગીતો છે... પચ્ચી પણ હોય, પણ આ મેહબૂબ ખાનની ફિલ્મ છે અને એમની ફિલ્મમાં વાર્તાને આગળ ચલાવવા ગીતો જ હોય, માત્ર સંગીતને પ્રમોટ કરવા ન હોય! અહીં તો, દાવા સાથે ફિલ્મમાં એક પણ ગીત રહેવા ન દો, તો પણ વાર્તા અકબંધ રહે છે. ફિલ્મનું કોઈપણ ગીત જરૂરી નથી. ફિલ્મનું કોઈપણ પુરૂષપાત્ર ઈંગ્લિશ શૂટ-બૂટ સિવાય ઘરમાં ય ફરતું નથી, એ ગળે ન ઉતરે એવી વાત છે. આપણે તો મેહબૂબની 'આન', 'મધર ઈન્ડિયા' કે 'સન ઓફ ઈન્ડિયા' પણ જોઈ છે. એની ફિલ્મોમાં એકેય પાત્ર બિનજરૂરી કે વધારાનું ન હોય. અહીં તો કહેવાતી કોમેડીના નામે સર્કસ કરાવવા આપણા ગુજરાતી કૉમેડીયન વી.એચ. દેસાઈને વેડફી નાંખ્યો છે. ફિલ્મની વાર્તામાં શીલા (કક્કુ)ની કોઈ જરૂરત જ નથી, છતાં વચ્ચે લેવાદેવા વગરની ઘુસાડીને, કોઈ રેફરન્સ વિના દિલીપના એકતરફા પ્રેમમાં પડાવી દીધી છે. ધૅટ્સ ફાઈન, પણ પછી વાર્તામાં જાણે એનું કોઈ મહત્ત્વ જ નહિ, એમ કોઈ સ્પષ્ટતા વગર કક્કુને હાંસીયામાં ધકેલી દીધી છે. નરગીસનું વર્તન જોઈને નાનું છોકરૂં ય કહી શકે, કે એકતરફા પ્રેમ માટે દિલીપનો કોઈ વાંક નથી. પણ પતિને કન્વિન્સ કરવા, ''મૈંને દિલીપ કો મારા હૈ...'' કહેનાર નરગીસ પોતાને નિર્દોષ સાબિત કરવા દિલીપનું ખૂન શું કામ કરે?

તો બીજી બાજુ, આ ફિલ્મની ઉજળી બાજુઓ એટલી બધી છે કે, 'અંદાઝ'ને નીગ્લૅક્ટ પણ કરાય એવી નથી. ખાસ તો, એનું બેનમૂન સંગીત. ધી ગ્રેટ નૌશાદ સાહેબને એક આ જ ફિલ્મ માટે નહિ, એ જમાનાની એમની તમામ ફિલ્મોના મધુર ગીતોના સાતત્ય (Consistency) માટે શત શત પ્રમાણ કરવા પડે! એ વર્ષમાં એક જ ફિલ્મ કરતા હોવાથી રીઝલ્ટ્સ તો જુઓ એમની એકોએક ફિલ્મના સંગીતના! મેહબૂબની તો (ફિલ્મ 'ઔરત' જેવી એકાદીને બાદ કરતા) તમામ ફિલ્મોનું સંગીત નૌશાદઅલીએ આપ્યું છે. પછી તો મુહમ્મદ રફી કાયમ માટે નૌશાદ સાથે પ્રતિબધ્ધ રહ્યા, પણ 'અનોખા પ્યાર', 'મેલા' અને 'અંદાઝ' જેવી નૌશાદીયન ફિલ્મોમાં મૂકેશને લેવાયા પછી ખુદ દિલીપ કુમારે પોતાના પ્લેબૅક માટે મૂકેશની ભલામણો કરી હતી. સહુ જાણે છે કે, મૂકેશ સંગીતની શાસ્ત્રોક્તતાથી કોસો દૂર હતો. તેની લતા-રફી-આશા જેવા ગાયકોને એક-બે વાર રીહર્સલ સમજાવવું પડે, ત્યારે મૂકેશ માટે ૧૦-૧૫ રીહર્સલો તો મિનિમમ થઈ જતા, કોઈ પણ સંગીતકાર માટે.

મૂકેશ વર્લી-'સી ફેસ' પર રહે ને નૌશાદ બાંદરા. 'અંદાઝ'ના ચાર (એક પાંચમું ગીત પણ હતું, જે કાઢી નંખાયું હતું.) ગીતોના એક એક રીહર્સલ માટે મૂકેશ લોકલ ટ્રેન પકડીને રોજ સવારે નૌશાદના ઘેર જતો. એક ગીત માટે એણે સરેરાશ પચ્ચીસ ધક્કા ખાધા છે. એ વાત પણ સાચી હશે કે, નૌશાદને મૂકેશમાં મૂકેશને બદલે કે.એલ. સાયગલ વધુ સંભળાતો હશે, એટલે શરૂઆતમાં આટલા ઓળઘોળ હતા. સહુ જાણે છે કે, સાયગલનો ડીટ્ટો અવાજ લાગતો હોવાને કારણે મૂકેશને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો હતો. 'અંદાઝ'માં લતાના ગીતો ય... જસ્ટ આઉટ ઑફ ધ વર્લ્ડ છે, છતાં સદીના અંતે તો ફક્ત મૂકેશના ગીતો જ પ્રજાને યાદ રહી ગયા.

મૂકેશની આ જ તો ખૂબી હતી. ફિલ્મના અન્ય ગાયકો ભલે ને લતા, આશા કે રફી હોય, આખી ફિલ્મમાં મૂકેશનું કેવળ એક જ ગીત હોય તો સૌથી વધુ મશહૂર એ જ થયું હોય. વિશ્વાસ ન આવતો હોય તો જાતે એવી યાદી ચકાસવા માંડો.

નવાઈ નહિ, આઘાતની વાત છે કે, દેવ આનંદની પૂરી ફિલ્મોના સંગીતમાં મેજર શૅર રફીનો છે, છતાં દેવ આનંદે પોતાની આત્મકથા Romancing with Lifeમાં એક જગ્યાએ રફીનો ઉલ્લેખ માત્ર કર્યો નથી. કારણ એ હતું કે, '૬૯ પછી કિશોર કુમારનું વાવાઝોડું આવ્યું, એમાં દેવ આનંદે ઉઘાડેછોગ રફીને જાકારો દઈ દીધો, તો દિલીપ કુમાર અને રફી તો દર રવિવારે બેડમિન્ટન રમવા વર્ષોથી નૌશાદના ઘેર ભેગા થતાં, પણ કોઈ વાતે દિલીપને વાંકું પડયું, એમાં રફીને સીધા કરવા દિલીપે, દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત હોતા હૈ, એ કપટ કરીને રફીના મુખ્ય હરિફ કિશોર કુમારને 'સગીના'માં પોતાના પ્લેબેક માટે લેવડાવ્યો. એ તો સહુને ખબર છે કે, દિલીપની પ્રેમિકા મધુબાલા સાથે કિશોર પરણ્યો હતો, એમાં દિલીપ કિશોર ઉપર ખીજાયો પણ હતો. અલ્લાહના નેક બંદા જેવા રફી સાહેબની ગરજ હતી, ત્યાં સુધી સંગીતકારો કે હીરોલોગે લાભ લીધો ને એવા જ કારણોએ ખૂબ વહેલી ઉંમરે હાર્ટ-એટેક આવી ગયો.

'૪૯માં 'અંદાઝ' રીલિઝ થયું, ત્યાં સુધી એ બૉક્સ-ઑફિસ ઉપર સર્વશ્રેષ્ઠ વકરો કરાવતી ફિલ્મ હતી, પણ એ જ વર્ષે રાજ કપૂરનું 'બરસાત' આવ્યું, એમાં 'અંદાઝ'ના બધા રેકોર્ડસ ધોવાઈ ગયા. બદલો મેહબૂબે બરોબરીનો લીધો. '૫૨-માં આવેલી 'આન'માં મેહબૂબે ટિકીટબારી ઉપર એવો સપાટો બોલાવ્યો કે, એ પછી ઘણા વર્ષો સુધી 'આન'ના વિક્રમને કોઈ તોડી શક્યું નહિ ને મેહબૂબની ગણત્રી હોલીવૂડના મશહૂર દિગ્દર્શક સૅસિલ બી ડી'મેલો સાથે થવા લાગી.

(વધુ આવતા અંકે)
Go to Part II

ફલાઈટમાં ગુજરાતીઓ

'૬૦-ના દાયકામાં અમારી ઉંમર ધોધમાર હિંદી ફિલ્મો જોવાની હતી. અમદાવાદની રીલિફ, કૃષ્ણ, રીગલ, મોડેલ, સિનેમા-દ-ફ્રાન્સ, અશોક, રૂપમ, અલંકાર, પ્રતાપ, સેન્ટ્રલ, ઈંગ્લિશ ટોકીઝ અને ઘીકાંટા ઉપર તો નશો જ નશો. નોવેલ્ટી, લક્ષ્મી, એલ.એન., લાઈટ હાઉસ, પ્રકાશ અને છેલ્લે મધુરમ... બસ, પતી ગયું. એ જમાનામાં અમારી પાસે ટોકીઝોનો આટલો જ સ્ટોક પડેલો હતો. બહારના પરાંમાં હોય નાનીમોટી ટોકીઝો, પણ કોઈ જઈએ નહિ. ત્યાંના લોકલીયાઓ જાય! આ તમારી રૂપાલી-બુપાલી કે નટરાજ-બટરાજ તો પછી આવી.

આખા અમદાવાદ શહેરમાં આમે ય, હાર્ડલી કોઈ ૨૦-૨૫ જણા પાસે ગાડીઓ હતી. (આજે એક એક એપાર્ટમેન્ટમાં દસ-દસ કે સો-બસ્સો ગાડીઓ હોય છે.) સ્કૂટર છ-છ વર્ષે નોંધાવો ત્યારે માંડ આવે, એટલે એ ય બહુ ઓછાની પાસે. અમારી પાસે સાયકલ...

પણ સાયકલ પર બેસીને સિનેમા જોવા જવું, એ મુંબઈની તાજમહલ હોટેલમાં સ્વિમિંગ-કોસ્ચ્યૂમ પહેરીને જવા જેટલું શરમજનક લાગતું. વળી, ત્યાં પહોંચ્યા પછી લોઅર-સ્ટોલ્સની (એક રૂપીયાવાળી) ટિકીટની તોફાની લાઈનમાં ઊભા રહેવાનું. માથે અઢી રૂપિયાવાળી ટોપી પહેરી રાખવાની, જેથી ઓળખાઈ ન જવાય અને જાલીમ-જમાનાને એવું ન લાગે કે, 'ચંદુભ'ઈનો છોકરો રૂપીયવાળીમાં ઊભો છે ?' એ તો ઠીક, 'રૂપીયાવાળી'માં બેસી ગયા પછી, હજી સ્લાઈડ-શો કે એડવર્ટાઈઝના રીલ્સ ચાલતા હોય, ત્યાં સુધી થીયેટરમાં ઠીકઠીક અજવાળું હોય. મેઇન પિક્ચર શરૂ થાય પછી અંધારૂં થાય, ત્યારે જ સ્વ. મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈની માફક બન્ને જોડેલા હાથ લટકતા રાખીને સિનેમા-પ્રવેશ કરવાનો. એમાં આપણી ફાવટ ખરી. (કહે છે કે, હિતુભાઈ નહાતી વખતે ય હાથ આવા જોડેલા જ રાખતા... !) માથે ટોપી સાથે શર્ટના કોલર ઊંચા કરી અંધારામાં રૂપીયાવાળીમાં ઘુસવાનું એવી રીતે કે અપર-સ્ટોલ્સમાં બેઠેલું કોક ઓળખીતું જોઈ ન જાય. ઈન્ટરવલ પડવાની એકાદ મિનિટ પહેલા ફિલ્મ છોડી દઈને જમ્પ મારતા મારતા ઉપર બાલ્કનીના ગેટ પર પહોંચી જવાનું. જેવા પ્રેક્ષકો એમાંથી બહાર નીકળે, ત્યારે આપણે ય ટોળાની ભેગાભેગા બહાર નીકળવાનું. સમાજ તરત જ નામ બદલી નાંખે, ''ઓહો... અશોકભાઈ બાલ્કનીમાં ફિલ્મો જુએ છે... ! જરૂર કોઈનું કરી નાંખ્યું લાગે છે !'' (બાય ધ વે, એ જમાનામાં બાલ્કનીના રૂ. ૧.૬૦ હતા... એક રૂપીયો ને ૬૦ પૈસા !)

પણ ભાઈ રે ભાઈ... કોક રાત્રે ફાધર-મધર સાથે સિનેમા જોવાનું થાય, તો એ જમાનામાં ય બહુ મોંઘી ગણાતી રીક્ષામાં બેસીને જવાનું. સિનેમાના ઝાંપે ઉતરતી વખતે એવી ભાવના જોરદાર થાય કે, લોકો આપણને રીક્ષામાંથી ઉતરતા જુએ. ''શું વાત છે... ? અસોક રીક્સામાં ફરતો થઈ ગયો ?''

આપણને ગમ્મે તેવી ભાવના થતી હોય, પણ રીક્ષામાંથી ઉતરતી વખતે અમારા જ કલાસની ભાવના ભટ્ટ સાલી બાજુમાં ઊભી હોય, તો બી એનું ધ્યાન ન પડે ! ઝનૂનો તો એવા ચઢે કે, રીક્ષા પાછી લેવડાઈને ફરીથી ભાવની પાસે જ ઊભી રાખું, પણ એમ કરવામાં એનો ફાધર મને રીક્ષાવાળો સમજી બેસે, તો આપણે પરણ્યા પહેલા વિધૂર થવાના દહાડા આવે. (હવે કોઈ પંખો ચાલુ કરો !)

પણ એ વખતની ક્વોલિટી, નિરોઝ, કે કામા જેવી મોટી હોટલોમાં ભલે જઈ ન શકતા, ઊભા રહેવાનું તો એના ગેટ પાસે જ. જોનારને લાગવું જોઈએ કે, 'દવે સાહેબ તો રોજ તમને અહીં જ મળે.'

આપણે ક્ષણભરનો વૈભવ લેવા ગયા હોઈએ અને કોક આપણને જુએ, એવી લાલચ આજે તો શરમજનક લાગે છે કે, આવા દેખાડા કરવાની જરૂર શી હતી ? પણ ગોરધન ગાડી ચલાવતો હોય ને બાજુમાંથી સડસડાટ કોઈ 'આઉડી' કે 'મર્સીડીઝ' નીકળી જાય તો ગોરૂની વાઈફનું ગોરૂ ઉપરથી માન ઉતરી જાય છે. ''આપણે આ ખટારો હવે ક્યારે કાઢશું... ?''

પણ આજે એરપોર્ટ્સ પર કે ફલાઈટોમાં આપણા લોકોને જોઉં છું, તો શરમ દૂર થતી લાગે છે કે, અમે તો ગરીબ હતા ને રાજી થવા આવો દેખાડો કરતા. પણ જેમની પાસે પૈસો છે, એ લોકો તો આજે ય આવા (રૂપીયાવાળીવાળા) કારનામા કરે છે, પણ ઊલટી રીતે. એમની વાતોમાં, ''હજી ગયા મહિને જ હું સિંગાપુરમાં હતો... ત્યાંની ફાઈવ-સ્ટાર હોટલના સ્વીટ્સ (ડબલ રૂમ) સિવાય તો ઓર્ડિનરી રૂમોમાં ઉતરાય જ નહિ... ! મચ્છરો કઇડે.'' એર ઈન્ડિયાના ઈકનોમી કલાસમાં તો જવાય જ નહિ. એરહોસ્ટેસો ધોળીયાઓની સરખામણીમાં આપણને તો ચણા ય ના આલે. હું તો બિઝનેસ-કલાસમાં જ જતો હોઉં છું.''

તારી ભલી થાય ચમના... તારી બા રોજ હેંડતી હેંડતી મંદિરે જાય છે. ત્યાં દાનની રકમ લખાવવામાં ય ભાવતાલ કરે છે ને ડિસકાઉન્ટો માંગે છે... ને તું ક્યાં મેળનો વિમાનોમાં ફરતો થઈ ગયો ?

આવા નમૂનાઓ ફલાઈટમાં છે, એ સિદ્ધિની જાણ હરકોઈને થવી જોઈએ.

જુઓ. કેવી રીતે !

અમદાવાદીઓને રીક્ષા પકડવા અને ફલાઈટ પકડવામાં ખાસ કોઈ ફરક પડતો નથી. પડે તો એટલો પડે કે, એમને રીક્ષામાં બેસતા કોઈ જોઈ ન જાય ને એરપોર્ટ પર કે ફલાઈટમાં જેટલા ઓળખીતા હોય, એ કમ-સે-કમ એમને જુએ, તો પૈસા વસૂલ ! હજી વાર હોય ત્યારે એરપોર્ટના લાઉન્જમાં કોઈ એવી જગ્યાએ બેસવાનું, જ્યાં બહારથી આવતો હરએક મુસાફર એમને જોઈ શકે. અફ કોર્સ, ફલાઈટનો ગુજ્જુ મુસાફર કાંઈ એસ.ટી. બસના મુસાફર જેવો રૉલો ન હોય કે, જે મળ્યું, એ બધું જુએ રાખે. અહીં તો પોતાને ખૂબ બિઝી બતાવવા ખોળામાં લેપટોપ લઈને બેસવાનું. મશગુલ થઈ જવાનું. જોનારને લાગવું જોઈએ, ''ઓહો... પંડયા સાહેબ હવે ફલાઈટોમાં ફરવા માંડયા... ? એ તો કાયમ બિઝી જ હોય !''

લાઉન્જમાં આવી રીતે બેઠા હો ત્યારે ગમ્મે તે ના હોય... છાનુંમાનું એની સામે જોઈ લેવાનું, પણ સામેથી બોલાવવાનો નહિ... આપણે ફલાઇટમાં જવાના છીએ... છપ્પનના ભાવમાં જવાના નથી. જોઈ લીધા પછી પાછા બિઝી થઈ જવાનું ને એક્સપેક્ટ કરવાનું કે, એ આપણને જુએ પણ એ નહિ જુએ... એરપોર્ટ પર સારૂં સારૂં જોવાનું મૂકીને તમારા જેવા બુંદિયાળને શું કામ જુએ ? પણ સમો એવો બાંધવાનો કે, એ આપણને જુએ. એરપોર્ટો ઉપર આમે ય, નાનકડા રૅક ઉપર બિઝનેસ મેગેઝિનો પડયા હોય છે, જે મફતમાં મળે. ફિલ્મો-બિલ્મોનું મેગેઝિન મળે તો ય નહિ લેવાનું... જોનારને લાગવું જોઈએ કે, 'સાહેબ કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ લાગે છે.'

બસ. મેગેઝિન ઠોકી લાવીને વાંચતા વાંચતા પેલાની પાસેથી પસાર થવાનું અથવા સ્ત્રી હોય તો અથડાવાનું નહિ. પેલાના કમનસીબે, એ તમને મળવા આવે, તો બોલો ફક્ત ઈંગ્લિશમાં. ફાઇવ-સ્ટાર હોટલ કે એરપોર્ટો ઉપર તમારી ચરોતરની કે કાઠીયાવાડી નહિ ચાલે... (સુરતવાળી તો સહેજ બી નહિ ચાલે!!!)

ફલાઈટમાં દાખલ થતી વખતે એરહોસ્ટેસ સાવ લેવા-દેવા વગરના સ્માઇલો બધાને નવરાત્રીના પ્રસાદની જેમ આપતી રહે છે. આપણે એ પ્રસાદ લેવાનો નહિ. ''ઓહો ઓહો... કેમ છો મંગળાબેન... તમે ઈન્ડિયન એરલાઈન્સમાં જોડાયા ને કંઈ... ?'' એવા અહોભાવો ફલાઈટમાં પહેલી વાર બેસનારો આપે.

આમ ઈંગ્લિશ સરખું ન આવડતું હોય તો પણ એકલું, ''એકસક્યુઝ મી'' તો ગોખી જ મારો. તમારી સીટ સુધી જતા જતા પચ્ચા વખત બોલવાનું આવશે.

શરૂઆત એમના ચડ્ડાથી થાય. આપણા ઘાટીઓ પહેરે એવું ઝભલું (એમની લિન્ગોમાં, ''બ્રાન્ડેડ જર્સી''!) અને નીચે ચડ્ડો પહેરીને ફલાઈટમાં આવવાનું. ફલાઈટ ઉપડતા પહેલા બહેરા-મૂંગાની શાળામાંથી સીધી નોકરી અહીં મળી હોય એવી બોબડી એરહોસ્ટેસો સેફટી અંગે ઊભી ઊભી જે કાંઈ સમજાવતી હોય, એ 'જોવાનું જ' નહિ. આવા અલિપ્ત રહેવાથી ''ઓહ શીટ... અમે તો લાખો વાર ફલાઈટમાં બેસી ચૂક્યા છીએ. અમારે તો આ રોજનું થયું'' એવું સાબિત કરી શકાય. અને ખાસ ધ્યાન રાખો. ફલાઇટો પકડયા પછી બાજુવાળા સાથે એક શબ્દ પણ બોલ્યા છો, તો તમારી માં ના સમ છે. ન બોલાય. આ એસ.ટી.ની બસ નથી, તે ખારી સિંગનું પડીકું ખોલીને બાજુવાળાને સ્માઈલો સાથે ધરાય... ! બાજુવાળો ય તમારી સામું નહિ જુએ. એને ઉઠાડવો હોય તો ભરચક ડૂંગળી ચાવીને ફલાઈટ પકડો. કોઈ નામ નહિ લે.

બસ. મુંબઈ એરપોર્ટ પહોંચ્યા પછી (તમને ય ખબર છે કે, તમને લેવા કોઈ ડ્રાયવર આવ્યો નથી, પણ રેલિંગ પકડીને આવા ડ્રાયવરો તમારા નામના પાટીયાં પકડીને ઊભા હોય છે, એ બધાને ધરાઈ ધરાઈને જોવા ઊભા રહી જવાનું. ચેહરા પર ટેન્શનથી અવારનવાર ઘડીયાળ સામે જોવાનું (ડ્રાયવરની નહિ... આપણી ઘડીયાળ... !)ને એક વાર ડ્રાયવરોની સામે જોવાનું. પાછળથી આવતા પેસેન્જરોને લાગવું જોઈએ કે, ''સાહેબને લેવા ડ્રાયવરો આયા લાગે છે... !''

બહુ નહિ ઊભા રહેવાનું... ડ્રાયવરોને એવું લાગવું ન જોઈએ કે, ''આપણાવાળો અંદર કેવી રીતે ઘુસી ગયો ?''

સિક્સર

સ્વચ્છતા અભિયાન... ? શહેરના માર્ગો ઉપર મ્યુનિસિપાલિટીએ એક પણ જગ્યાએ કચરાનું કૂંડું મૂકાવેલું જોયું ?

09/11/2014

ઍનકાઉન્ટર : 09-11-2014

* આતંકવાદીઓની બાઓ ખીજાતી હશે કે નહિ?
- માહિતી તો હોવી જોઇએ ને કે, 'આ મારી બા છે!'
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'ઈન્ડિયા'નું નામ બદલીને 'ભારત' ક્યારે થશે?
- 'ઈન્ડિયા' દુનિયાનું સર્વોત્તમ નામ છે.
(સંદીપ ઘોલે, નવસારી)

* 'વૉટ્સઍપ' કે 'ફૅસબૂક'ના નામો કોઇ ગુજરાતીએ આપ્યા હોત તો શું નામો રાખત?
- 'જે શી ક્રસ્ણ' અને 'બકા'.
(વિક્રમસિંહ ચંપાવત, વિજયનગર-સાબરકાંઠા)

* ૬૦-૬૦ વર્ષોથી મુહમ્મદ રફીએ ગાયેલા ગીતો આજે પણ સ્પંદનો પેદા કરે છે. આપ શું માનો છો?
- એ જ કે, એમાં મારો નંબર કેટલા જન્મો પછી લાગશે? હું ય આમ પાછું ગાઉં છું !
(રોહિત યુ. બુચ, વડોદરા)

* ઉત્તરાખંડ, બિહાર ને કાશ્મીર... બધે પૂરનો પ્રકોપ! શું કિયો છો?
- જે ડૂબવા જોઇતા હતા... એ તરી રહ્યા છે! આજકાલ તો સાલા પૂરોનો ય ભરોસો નથી!
(જીતેન્દ્ર હમીરાણી, વડોદરા)

* જો હું તીખું ખાઉં, તો મીઠું ખાવાની ઈચ્છા થાય છે ને મીઠા વખતે તીખાની...! આમને આમ મારૂં શરીર ઉતરતું નથી... શું કરવું?
- બન્ને ભેગું કરીને ખાઓ.
(ફરઝાના સિવાણી, પોરબંદર)

* તમારા જીવનની મોટામાં મોટી ભૂલ કઇ છે?
- મને એક વાંદરૂં બચકું ભરીને ભાગી ગયું'તું... સામું બચકું ભરવા હું એની પાછળ દોડયો... નાલાયકે બીજું ભર્યું!
(નિખિલ ઘોડાસરા, મોરબી)

* તમે અમેરિકામાં વૅજીટૅરીયન જમતા... કે પછી?
- હું તો વ્હિસ્કી ય વૅજીટૅરીયન પીતો...
(સતીષ ટર્નર, મુંબઇ)

* તમે અમુક લોકોના જવાબો વારંવાર કેમ આપો છો?
- એ લોકો વારંવાર પૂછે છે.
(પ્રકાશ ચૌહાણ, મહુવા)

* કૉલમ્બસે અમેરિકા ખંડ શોધી કાઢ્યો... તમે?
- કૉલમ્બસને કોણે શોધ્યો હતો, એ તપાસ કરી જોજો.
(નસરૂદ્દીન પિરાણી, તળાજા-ભાવનગર)

* જે દેશમાં પાણીની પરબે ગ્લાસ સાંકળથી બાંધી રાખવી પડે... એ દેશનું શું થશે?
- એ બતાવે છે કે, દેશના અનેક લોકો પાસે પીવાનું પાણી તો છે... ગ્લાસ નથી!
(વિશાલ જોશી, અમદાવાદ)

* અશોક દવે, એક સવાલ તમે પૂછો. 'ઍનકાઉન્ટર' વાચકો કરશે.
- સવાલ પૂછાવીને તો બધા જવાબ આપે... અમારી માફક વગર પૂછે જવાબ આપો. રોજ સાંજે ઘેર જઉં છું, ને વગર પૂછે પોપટની માફક બધું બોલી જઉં છું.
(ડૉ. ભૂપેશ પટેલ, અમદાવાદ)

* અડવાણીને ભાવિ રાષ્ટ્રપતિ તો બનાવો...
- મોદીએ કાકાને જે બનાવી નાંખ્યા છે, એ પછી બીજા ૫૦ અડવાણીઓ ઘેર બેઠા ફફડે છે.
(દીક્ષિત ત્રિવેદી, રાજુલા)

* તમારા ઉપરે ય અનિચ્છિત ઈ-મૅઈલો આવે છે ખરા?
- કયો પ્રેમ ઉભરાઇ આવતો હશે કે, 'કન્ટ્રોલ રૂમ, વડોદરા-રૂરલ'થી રોજ મને ઈ-મૅઈલ પર રામ જાણે શું મોકલાવે રાખે છે... અર, પગાર નહિ તો હપ્તો મોકલો, ભ'ઇ!
(સુનિલ ગઢિયા, રાજકોટ)

* તમારૂં 'ઍનકાઉન્ટર' વાંચીને ડીપ્રેશન જતું રહે છે...
- સ્પષ્ટતા કરશો. ''કોનું'' વાંચીને ડીપ્રેશન આવતું હતું?
(રતિલાલ ડી. પટેલ, મુંબઇ)

* આ સ્માર્ટ-ફોનો લોકોની જીંદગી બગાડી નાંખે છે.. સુઉં કિયો છો?
- ફિકર નૉટ...! હવેના બાળકો ગળામાં ભરાવેલા મોબાઇલ સાથે જન્મશે.
(આશિષ જોશી, હાલોલ)

* આજના સૌથી વધુ આદરપાત્ર હાસ્યલેખક કોણ છે?
- મને અંગત રીતે 'મીર્ચી મુર્ગા' ખૂબ હસાવે છે.
(રાજુ સરવૈયા, અમદાવાદ)

* વાચકોના સવાલો વાંચીને જવાબો આપવા સહેલા છે... એક વાર રૅપિડ-ફાયરમાં લાઇવ જવાબો આપી બતાવો!
- આમાં તમારૂં કામ નહિ, બેન ! એક વાર 'પતિ' બની બતાવો... બધા રૅપિડ-ફાયરો આવડી જશે.
(રૂપલ મિસ્ત્રી, સુરત)

* આજકાલ વડિલો યુવાનોને કઇ સલાહ આપે જાય છે?
- કોઇનો 'વડિલ' ન બનતો.
(હર્ષવર્ધન પંડયા, સાવરકુંડલા)

* આજકાલ ફેશન બનેલી પેલી 'આઇસ-બકેટ' ચૅલેન્જ આપવા માટે તમે કોને પસંદ કરો?
- 'મોર્ગ'વાળા સિવાય બધાને! ('મોર્ગ' એટલે બરફની પાટોમાં મૃતદેહને સાચવવામાં આવે છે, એ રૂમ)
(અર્પિત પટેલ, અમદાવાદ)

* તમારૂં અપહરણ કરીને રામગોપાલ વર્મા એની 'આરજીવી કી આગ' અને સાજીદખાન એની ફિલ્મ 'હમશકલ્સ' બતાવે તો છટ્કો ક વી રીતે?
- એમની હિમ્મત ના ચાલે. એ મના પહેલા આપણે એમને 'બુધવારની બપોરે' પુસ્તકોનો સૅટ મોકલી દેવાનો ને...!
(રવિ એસ. ચૌધરી, મેહસાણા)

* 'સંબંધો સ્વાર્થના ને પ્રેમ પૈસાનો...' એવું કેમ ગુરૂજી?
- તારી ભલી થાય ચમના... સ્વાર્થ અને પૈસો આયો, એટલે ગુરૂજી યાદ આયા...?
(કરીમ ધોળકીયા, મોટા દેવળીયા-અમરેલી)

* 'અંધશ્રધ્ધા'.... એક લાઇનમાં....?
- સોનિયા ગાંધી.
(ચેતન પરમાર, વિરમગામ)

* સ્મશાનમાં બધું પતાઇને બહાર નીકળતાં હોઇએ ને, ત્યાંનો સ્ટાફ 'આવજો' કહે તો?
- જઇ આવવાનું...! ક્યાં આપણે પોતાને માટે જવાનું છે?
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* લોકો હોમિયોપેથીને સમજતા કેમ નથી?
- અનેક હોમિયોપેથ ડૉકટરો પ્રેકટીસ ઍલોપથીની કરે છે, માટે?!
(ડૉ. વૃંદા જોશી, જૂનાગઢ)

07/11/2014

'દિલ દે કે દેખો' (૫૯)

દિલ દે કે દેખો : મુહમ્મોદ રફીના ખુશનૂમા ગીતો

ફિલ્મ : 'દિલ દે કે દેખો' (૫૯)
નિર્માતા : શશધર મુકર્જી (ફિલ્માલય)
દિગ્દર્શક : નાસિર હુસેન
સંગીત : ઉષા ખન્ના
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૯-રીલ્સ : ૧૮૭-મિનિટ્સ
થીયેટર : અમદાવાદ
કલાકારો : શમ્મી કપૂર, આશા પારેખ, રાજેન્દ્રનાથ, સુલોચના, લટકાર, રાજ મેહરા, રણધીર, સિધ્ધુ, મલિકા, તાહિર ખાન, વાસ્તી, સુરેન્દ્ર, ઇન્દિરા, 'બિલ્લી,' મુમતાઝ અલી (મેહમુદના પિતા), કેવલ કપૂર.


ગીત
૧. રાહી મિલ ગયે રાહોં મેં, બાતેં હુઇ નિગાહોં મેં....મુહમ્મદ રફી
૨. દિલ દે કે દેખો (૩), દિલ લેને વાલોં દિલ દેના...મુહમ્મદ રફી
૩. પ્યાર કી કસમ હૈ, ન દેખ ઐસે પ્યાર સે....આશા-રફી
૪. મેઘા રે બોલે ઝનનન ઝનનન, પવન ચલે....મુહમ્મદ રફી
૫. કૌન યે આયા મેહફીલ મેં, બીજલી સી ચમકી દિલ મેં....આશા-રફી
૬. હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા નશા સા હૈ.....મુહમ્મદ રફી
૭. યાર ચુલબુલા હૈ, હસિન દિલરૂબા હૈ, જૂઠ બોલતા હૈ...આશા-રફી
૮. બડે હૈં દિલ કે કાલે, હાં વો હી, નીલી આંખોંવાલે.....આશા-રફી
૯. દો એકમ દો, દો દૂની ચાર.....આશા-રફી
૧૦. બોલો બોલો, કુછ તો બોલો, ઠોકર લગે ના સમ્હાલો......મુહમ્મદ રફી.

બીજા ય કાંઇ ઓછા ઉલ્લુ બનાવતા નથી, પણ ફક્ત હિંદી ફિલ્મો જ નહિ, જગતભરની કોઇપણ ભાષાની ફિલ્મોમાં જો કોઇ નિર્માતા-દિગ્દર્શકે પ્રજાને મૅક્સિમમ ઉલ્લુ બનાવે રાખી હોય તો તે એક માત્ર નાસિર હુસેને ! તમે તો એની એક ફિલ્મ જોયા પછી એની આગળની ભૂલી ગયા હો, એટલે ખબર ન પડે કે, આ જોઇ, એ ફિલ્મની વાર્તા ડીટ્ટૉ આગલી ફિલ્મની જ હતી ! માય ગૉડ....એ પછીની ફિલ્મ આવે, એની સ્ટોરી પણ આગળની ફિલ્મની જેમ એની એ જ ડીટ્ટો હોય.

નહિ માનવામાં આવે જલ્દી...હું યાદ કરાવું. નાસિર હુસેનની પહેલી ફિલ્મ 'દિલ દે કે દેખો' (ભલે એનો નિર્માતા જૉય મુકર્જીના ફાધર શશ્ધર મુકર્જી હતા, પણ લેખક-ફેખક દિગ્દર્શક-ફિગ્દર્શક નાસિરભાઇ હતા...)ની ઍક્ઝૅક્ટ સ્ટોરી એણે 'તુમ સા નહિ દેખા'માં વાપરી. એ પછી દેવ આનંદની 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'ની સ્ટોરી યાદ કરો. જૉય મુકર્જીની 'ફિર વો હી દિલ લાયા હૂં' કે શશી કપૂરની 'પ્યાર કા મૌસમ' યાદ કરો...બધામાં સ્ટોરી એકની એક જ. હું હજી '૭૦-ની સાલ સુધી તો ગાંડો થઈ ગયો નહતો, એટલે એ પછી આ ભાઇએ બનાવેલી ફિલ્મ જોવાની બંધ કરી, પણ સવાલ એ ઊભો થાય કે, નાસિરે એકની એક વાર્તા ઉપર આટલી બધી ફિલ્મો બનાવી ને બધી બૉક્સ ઑફિસ ઉપર સુપરહિટ કે સુપર ફિટ થઇ, તો પછી નાસિરનો વાંક કેટલો ? પ્રેક્ષકોને પોતાને ખબર નહિ પડતી હોય ?

એવો ય કોઇ સવાલ નહતો આ બેવકૂફી અને બદમાશી પાછળ ! હિસાબ ચોખ્ખો હતો કે, નાસિરને અન્ય નિર્માતાઓ કરતા વહેલી ખબર પડી ગઇ હતી કે, ઇન્ડિયન પબ્લિકને વાર્તા-ફાર્તામાં કોઇ રસ નથી, એમને હીરોઇન સુંદર આપો અને ગીતો જશ્ને બહાર આપો...પચ્ચી વીક્સ તો આઆઆ...મ ચપટી વગાડતા થઇ જશે ! વિશ્વાસ ન આવતો હોય તો એ જમાનાની સારી વાર્તા ઉપરથી બનેલી કેટલી ફિલ્મો દસ અઠવાડીયા ય ચાલી હતી ? રાજ કપૂરની 'જાગતે રહો' કોઇ ૪-૫ વીકમાં આપણે ઊડાડી મારી હતી. 'ફિર સુબહા હોગી'ને તમે ત્રણ વીકે ય ચાલવા દીધી નહતી ને એવી તો કેટલી કલાસિક ફિલ્મોનો ડૂચો થઇ ગયો ? નાસિર સાચો આજે ય પડે છે કે, આજની સાલી ફિલ્મો તો જુઓ...! બે-ચાર અપવાદોને બાદ કરતા હદ વિનાની ફાલતુ ફિલ્મો બને છે ને છતાં...રૂ. ૧૦૦ કરોડ...રૂ. ૨૦૦ કરોડ...! હજી બે-ચાર વર્ષ જવા દો...જે ફિલ્મે ૧૦૦-૨૦૦ કરોડનો ધંધો કર્યો હશે, એને તો લોકો ભિખારી સમજશે.

નાસિર હુસેનની તમામ ફિલ્મોની વાર્તાઓ જ નહિ, એના પાત્રોનો ગૅટ-અપ પણ સરખો. આશા પારેખ તો સમજ્યા કે નાસિરની ફુલ-ટાઇમ પ્રેમિકા હતી ને હીરોઇનમાંથી એ બા ની ઉંમરની થઇ ત્યાં સુધી નાસિરની તમામ ફિલ્મોની હીરોઇન એ જ બદલાતા રહે બે જણા. ગમે તેવું સારૂં કામ આપ્યું હોય, સંગીતકાર અને હીરો બદલાય જ. ઉષા ખન્નાએ એની કરિયરનું સર્વોત્તમ સંગીત આ ફિલ્મમાં આપ્યું હતું ને ? ગઇ કામથી ને ઓપી નૈયર આવ્યા. 'કોઇ કહી શકે,' 'તુમ સા નહિ દેખા'નું એકે ય ગીત યાદ નથી કે ગમ્યું નથી ? તો ય શમ્મી ને ભેગાભેગો ઓપી ય ગયો ને દેવ આનંદ અને શંકર-જયકિશન આવ્યા. ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' સુપરડૂપર હિટ છતાં એ બન્નેને કાઢી મૂકીને ફિલ્મ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં ફરી ઓપી નૈયર અને જૉય મુકર્જી આવ્યા. એ બન્ને ય ગયા ને 'પ્યાર કા મૌસમ'માં શશી કપૂર અને આર.ડી. બર્મન આવ્યા. કારણમાં તો 'લૉ-બજેટની એક ફિલ્મ જલ્દી જલ્દી બનાવી લેવાની હતી એટલે નવાનવા રાજેશ ખન્નાને લઈને 'બહારોં કે સપને' બનાવી. આર.ડી. પર્મેનૅન્ટ જામી ગયો...છેક સુધી.'

પણ નાસિરની હરએક ફિલ્મમાં મૌજુદ રહ્યા હોય તો ગીતકાર મજરૂહ સુલતાનપુરી, કૉમેડિયન રાજેન્દ્રનાથ અને ચરીત્ર અભિનેતા વાસ્તી. બાકી નાસિરની તમામ ફિલ્મો 'લૉસ્ટ-ઍન્ડ-ફાઉન્ડ' ફૉર્મ્યુલા ઉપર હોય. હીરો પોતાની માં સાથે શહેરથી દૂર કોઇ મોટા કમ્પાઉન્ડવાળા ''ઝૂંપડા''માં રહેતો હોય. એની માં પાસે હાથથી કપડાં સિવવાનો એક સંચો હોય, જે એણે ફક્ત હીરો બહારથી આવતો હોય ત્યારે જ ચલાવવાનો હોય. દરેક ફિલ્મનો હીરો આંખનો બહુ ખરાબ જ હોય, જે ખભે ગીટાર પકડીને છોકરીઓને ઝાંખવા ગાર્ડનોમાં નીકળી પડીને એક ગીત ગાય, 'જવાનીયાં યે મસ્ત મસ્ત બીન પિયે,' 'બિન દેખે ઔર બિન પહેચાને તુમ પર હમ કુર્બાન' (જબ પ્યાર...), 'લાખોં હૈં નિગાહ મેં, જીંદગી કી રાહ મેં....' (ફિર વો હી...) 'ચે ખુશ નઝારે, કે ખુદ પુકારે....' (પ્યાર કા મૌસમ).

રામ જાણે નાસિરની ફિલ્મોના હીરાઓએ ગળામાં ક્યા લાઉડસ્પીકરો નંખાવ્યા હશે કે, એની દરેક ફિલ્મોના હીરો, હીરોઇનને ઈમ્પ્રેસ કરવા કોઇ પહાડ પર ઊભા રહીને નીચે ઠેઠ ખીણના ખેતરોમાં કામ કરતી યુવાન સ્ત્રીઓને પોતાનો ઘાંટો મોકલાવીને નાચતી-ગાતી ઉપર બોલાવીને હીરોઇન સાથેની શરત જીતી જાય....તારી ભલી થાય ચમના....અમારા ઘેર છેલ્લા બબ્બે મહિનાથી કામવાળી પાછી આવતી નથી ને હું બાલ્કનીમાં ઊભો ઊભો રોજ શમ્મી કપૂર કે શશી કપૂર જેવા રાગડા તાણું છું, છતાં કોઇ આવતી નથી ને તું....!

મનમોહન દેસાઈએ પણ જીવનભર 'લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ' ફૉર્મ્યૂલા ઉપર ફિલ્મો બનાવી, પણ વાર્તા તો દરેકની અલગ રહેતી, જ્યારે નાસિર હુસેનની આ બધી ફિલ્મોની વાર્તા કંઈક આવી હોય : નાનપણમાં કરોડપતિ યુગલના નાના બાળકને વિલન ઉઠાવી જાય, જેથી બાળક મોટું થાય, ત્યારે વિલન પોતાના કપુત્રને પેલા યુગલનો વારસદાર બનાવીને 'જાયદાદ' હડપી શકે. એ તો ભલે ફિલ્મો છે, પણ એમ કાંઇ બાપાનો માલ છે તે, ફિલ્મ પૂરી થતા સુધીમાં અસલી પુત્ર (જે હીરો જ હોય ને?)ને પોતાના સાચા માં-બાપ અને મિલ્કત મળે....!

'ફિલ્માલય' શશધર મુકર્જીની પ્રોડકશન કંપની હતી ને સાથે સાથે નવા કલાકારો તૈયાર કરવા એમાં એક ઍક્ટિંગ-સ્કૂલ પણ ચલાવતા. સાધના અને આશા પારેખ એક સાથે તૈયાર થયેલા. જૉય મુકર્જી તો દીકરો હતો, પણ આ ફિલ્મનો હૅન્ડસમ વિલન સિધ્ધુ પણ 'ફિલ્માલય'ની દેન. મેં જૉયના સૌથી નાના ભાઇ શુબિર મુકર્જીને પૂછ્યું ય હતું કે, મને આ સિધ્ધુ ગમતો...ક્યાં છ અત્યારે ? તો એને ય સિધ્ધુના વ્હૅરઍબાઉટ્સની ખબર નહિ. 'એક મુસાફિર એક હસિના' અને 'મુઝે જીને દો'માં સિધ્ધુ છવાઈ ગ યો હતો. ખાસ કરીને એના ખતરનાક ચેહરા પર એથી ય વધુ ખતરનાક મસલ્સને કારણે. આપણી મુમતાઝની સગી બહેન મલિકા પણ 'ફિલ્માલય'ની ભેટ, જે દારા સિંઘના ભાઇ સ્વ. રણધાવાને પરણી હતી. શમ્મી કપૂરનો અંધ પિતા બનતો સુરેન્દ્ર '૪૦-ના દાયકામાં હીરો હતો અને મુંબઇના ગરીબ નિર્માતાઓ માટે એ સાયગલ હતો. એ જમાનામાં સુરેન્દ્ર પોતાની નામની પાછળ બી.એ. ડીગ્રી લગાવતો. આ ફિલ્મમાં સુરેન્દ્રની સતત સાથે રહેતા એના દોસ્તના રોલમાં કૉમેડીયન મેહમુદના પિતા મુમતાઝ અલી છે, જેને છેલ્લે તમે 'કુંવારા બાપ'માં 'સજ રહી ગલી મેરી માં, સુનહરી ગોટે મેં' વ્યંઢળ-ગીતમાં જોયો હતો. આ ફિલ્મમાં શશધરે સંગીતકાર સોનિકને પણ પહેલો ચાન્સ આપ્યો હતો, ઉષાના આસિસ્ટન્ટ તરીકે. ફિલ્મના ટાઇટલ્સમાં ગર્વ લેવાયું છે, ''અંધ સંગીતકાર સોનિક''ના નામે.

એ તો અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે, શશધરે ઉષા ખન્નાને આ ફિલ્મમાં સંગીત આપવા બિંગ ક્રોસબીની રેકર્ડો આપી દીધી હતી કે, આના ઉપરથી આપણા ગીતો બનાવવાના છે, તારે મગજ દોડાવવાની જરૂર નથી. પણ એ બધું જોયા-સાંભળ્યાનું ઝેર છે, બાકી આ ફિલ્મ બની ત્યારે ઉષા ખન્નાની ઉંમર ફક્ત ૧૮-વર્ષની હતી ને આશા પારેખ કેવળ ૧૭-વર્ષની. અલબત્ત, જે રીતે ઉષાએ આશા અને રફી પાસે અણમોલ કામ લીધું છે, તે ખૂબ છે.

શમ્મી કપૂર અને મુહમ્મદ રફી એકબીજાના આત્મા હતા, એવું જો તમે સાંભળ્યું હોય તો તમે સાચા હતા. આ બન્ને એવી હસ્તિઓ હતી કે, એમના ફૅન્સ તો બધા હોય, પણ બન્ને ય એકબીજાના ફક્ત ફૅન્સ જ નહિ, અંતરંગ દોસ્તો ય હતા, એની સાબિતી એ વાત પર કે, રફી સાહેબ ગૂજરી ગયા ત્યારે આંખમાં આંસુ સાથે જો કોઇની શ્રધ્ધાંજલી આપણને જૅન્યુઇન લાગી હોય, તો એ શમ્મી કપૂરની. દુઃખી તો આપણે સહુ થયા હતા, પણ શમ્મી-રફી તો સગા ભાઇઓથી ય વિશેષ હતા. રફીએ પણ જાહેરમાં કબુલ્યું હતું કે, એમની ગાયકીમાં સુંદર મઝાનો 'ટર્ન' ફક્ત શમ્મી કપૂરને કારણે આવ્યો. આ ફિલ્મ પહેલા ય શમ્મી માટે રફીએ અનેક ગીતો ગાયા હતા, પણ એ વખતનો શમ્મી પણ તલવારબાજ અને ઑર્ડિનરી હીરો હતો. એ માર્ક્સ નાસિર હૂસેનને આપવા પડે, શમ્મીના ચેહરા પરથી (એ જમાનામાં કાયમી રહેતી) મૂછો સફાચટ કરાવી એને હૉલીવૂડના ઍલ્વિસ પ્રેસલીનો નવો અવતાર ધારણ કરાવ્યો. અર્થાત્, શમ્મીને 'મારી મારીને મુ...નહિ, ઍલ્વિસ' બનાવ્યો. આ ફેરફારની સાથે મોટો ફાયદો મુહમ્મદ રફીને થયો, નહિ તો અત્યાર સુધી એમના ય તમામ ગીતો રોતડાં અને મસ્તી વગરના જ હતા. બદલાયેલા જમાના પ્રમાણે રફીના અવાજમાં ય હૉલીવૂડની છાંટ શમ્મીને કારણે આવી. અત્યાર સુધીની ફિલ્મોમાં વૅસ્ટર્ન ડાન્સ ફક્ત હેલન કે કક્કુ જ કરી શકતી. કદાચ પહેલી વાર શમ્મી કપૂરે આ મોડ તોડયો અને એ પછી તો 'આઇ આઇયા દરૂં મૈં ક્યા સુકુસુકુ' બ્રાન્ડના ડાન્સ-સૉંગ્સની પરંપરા બની ગઈ. બહુ ઓછાને ખબર હશે કે, શમ્મી કપૂરના પહેલા તો વાંકડીયા વાળ હતા, એ ય અહીં બદલાઇને રૉક-સ્ટાર જેવા થયા. શમ્મીનો નાનો ભાઈ શશી કપૂર રેડિયો વિવિધ ભારતી પર ફૌજી ભાઇયોં કી વિશેષ જયમાલા કાર્યક્રમમાં આવ્યો, ત્યારે બહુ ફખ્રથી કીધું હતું કે, 'શમ્મી ભાઇસા'બની બરોબરીએ તો કોઇ નહિ આવી શકે. એમને કોરિયોગ્રાફર (નૃત્ય-દિગ્દર્શક)ની કદી ય જરૂર પડી નથી. કોઇપણ ગીતમાં નૃત્યનો એમણે જે કોઇ સ્ટેપ લીધું હોય, તે કૅન્સલ થાય ને ફરીવાર કરવો પડે તો, તદ્દન નવા સ્ટૅપથી એ ડાન્સ કરી શકતા. શમ્મી ભાઇસા'બ ગીતના ચિત્રાંકન દરમ્યાન કૅમેરાની ફ્રેમની બિલકુલ વચ્ચે રહી શકતા. શરીર ભારે દેખાતું હશે, પણ એ રબ્બરની જેમ વાળી શકતા. આ મહાન કલાકારને આજે ય અંજલી એ રીતે મળે છે કે, આજના નવા હીરોઝ કોઇ દિલીપ કુમાર, રાજ કપૂર કે દેવ આનંદની નકલ નથી કરતા....શમ્મી કપૂરની કરે છે.

શમ્મી કપૂર અને રાજેન્દ્રનાથ રીતસરના નાનપણના દોસ્ત. બન્ને હજી ફિલ્મોમાં નહોતા આવ્યા અને બન્નેના ભાઇઓ-રાજ કપૂર અને પ્રેમનાથ - એ સમયના મોટા સ્ટાર્સ હતા. બન્ને કરોડપતિ ખાનદાનના...ઓકે, પણ બન્નેના પિતાશ્રીઓએ છોકરાઓને માથે ચઢાવ્યા નહોતા. પૉકેટ-મની તરીકે બન્નેને આખા મહિનાના બબ્બે રૂપિયા વાપરવા મળતા....ચોખ્ખી કડકાઇ થઇ ને ? પરિણામે આ બન્ને મુંબઇના ફૉર્ટ વિસ્તારની ઇરાની રેસ્ટોરામાં મસ્કા-બન ખાવા જતા, જ્યાં જ્યુક-બૉક્સ નિયમિત વાગતું. પૈસા ચૂકવવા ન પડે, એ માટે બન્ને ચાલબાજી (એ જમાનાથી ખાંટુ....) કરવા હૉટેલમાં બેઠેલા બીજા ગ્રાહકોને ઇમ્પ્રેસ કરવા મોટેથી પોતાના ભાઇઓની વાતો કરે. આમે ય, ખબર તો પડી જાય એવું હતું બન્નેના ચેહરાઓથી, જે એમના લૅજન્ડરી ભાઇઓને બખૂબી મળતા આવતા હતા. ગ્રાહકોને ખબર પડે કે, આ તો રાજ કપૂર અને પ્રેમનાથના ભાઇઓ છે, પછી કોઇ બિલ આપવા દે એમને ? ફિર ક્યા....? મુંબઇમાં તો બહુ ઇરાની હૉટેલો હતી. દર વખતે જુદી જુદીમાં જવાનું...મસ્કા-બન મફત !

05/11/2014

શું થયું.....? શું થયું.....?

સ્વસ્તિક ચાર રસ્તે ટોળું ભેગું થઇ ગયું હતું. પહેલા ટોળું દસ-વીસનું હતું, એમાંથી પચાસ ને છેવટે બસ્સો તો હશે. રસ્તો ક્રોસ કરવા જતા હું ય રોકાયો. બધા પગની એડી ઉપર ઊંચા થઇને એક બિલ્ડિંગ તરફ જોતા હતા. મને એમ કે, બિલ્ડિંગ વેચવા-બેચવાનું હશે, કોક કપડાં બદલતું હશે અથવા તો કોઇ હીરોઇન આવી હશે, નહિ તો આટલા બધા લોકો આમ ઊભા ન રહે. મેં ય ઊંચા થઇને જોયું તો ખરૂં, પણ એવું કંઇ દેખાયું નહિ. તડકામાં ઝીણી આંખે જોતા બાજુવાળાને પૂછ્યું, ''શું થયું છે?''

મારૂં તો કોઇ અસ્તિત્વ જ ન હોય, એમ પેલાએ મારી સામે પણ જોયા વગર બેફિકરાઇથી જવાબ આપ્યો, ''કોને ખબર...?''

''કોને ખબર?..... યૂ મીન, તમને ખબર નથી... તો જોવા કેમ ઊભા છો?''

''ખબર તો તમને ય નથી ને? તો ય ઊભા રહી ગયા છો ને? બસ, હું ય-''

એનો જવાબ કાપીને હું થોડો આઘો ખસ્યો. પડીકામાં ખારી સિંગ ખાતા એક જાડીયાને પૂછ્યું, ''શું થયું છે?''

''ખબર નહિ.... કોક મરી ગયું લાગે છે...''

''તમારા સગામાં થાય છે?'' મારાથી પૂછાઇ ગયું. એ કોઇ પણ રીઍકશન આપે એ પહેલા મેં અંદાજ તો બાંધી લીધો હતો કે, એ મને મારશે નહિ તો ગાળો તો બોલશે જ.... બોલ્યો, જે અહીં લખાય એમ નથી.

હું કદી ભયજનક અને સામનો કરી ન શકું, એવા અનુક્રમે સ્થળે અને એવા માણસો સાથે બહુ ઊભો રહેતો નથી. બીજા વીસેક ફૂટ આઘો ખસીને એક પ્રૌઢ મહિલા પાસે જઇને ઊભો રહી ગયો. દેખાવમાં એ બહેન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મીંયાદાદ જેવા દેખાતા હતા. મારાથી બિલ્ડિંગ તરફ આંગળીને બદલે હાથ લંબાવાઇ ગયો, એમાં તો એમણે મારી હથેળીમાં રૂપિયાનો સિક્કો મૂકીને તિરસ્કારથી કહી દીધું, ''છુટ્ટા નથી.... આગળ જાઓ, બાબા...!''

હું કોક જુદી જ રીતે મૂલવાઇ રહ્યો હતો ને તો ય, આટલું ઊભેલું બેકાર ન જાય, એ માટે વધુ હિમ્મત ભેગી કરીને એક પોલીસવાળાને પૂછી જોયું, ''ઑફિસર... શું થયું છે?'' (કોઇ પણ જમાદારને ખુશ કરવો હોય તો એને 'ઑફિસર' કહો.)

એણે ઘણી નમ્રતાથી જવાબ આપ્યો, ''મને ખબર નથી, સાહેબ.''

બસ. અમદાવાદ અને મુંબઇ વચ્ચે આટલો ફરક. મુંબઇવાળાઓ રોડ પર ગમે તે બનાવ બન્યો હોય...કાચી સેકંડ માટે ય ઊભા ન રહે. લોકલ ટ્રેનમાં એમની નજર સામે કોઇ બહાર ફેંકાઇ જાય, તોય એમના માટે રોજનું છે....જુએ ય નહિં, જ્યારે અમદાવાદના નેહરૂ બ્રીજ ઉપર દર અઠવાડીયે એકાદું દ્રશ્ય હરકોઇને જોવા મળે છે. ટ્રાફિક સડસડાટ જતો હોય ને નેહરૂબ્રીજની ફૂટપાથ પરથી કોઇ નીચે નદીમાં જોવા ઊભું હોય, તો થોડી મિનિટોમાં 'તમે લઇ ગયા ને અમે રહી ગયા'ના ધોરણે ગાડીઓ રોકી રોકીને માણસો ફૂટપાથ પર આવી જશે ને નીચે જોયા પછી કાંઇ ન દેખાય, એટલે એના જેવા જ બાજુવાળાને પૂછશે, ''શું હતું?'' પેલો ય ગરીબ ગાય જેવો થઇને જવાબ આપશે, ''મને ખબર નથી.... હું તો મારી બાના ફૂલ પધરાવવા આયો છું...!''

તારી ભલી થાય ચમના... તું સાલા આખો ઉચકાય એવો નથી, નહિ તો તને પધરાવી દેવો જોઇએ. મૂળ પ્રશ્ન સામાન્ય જ્ઞાનનો હતો કે, ભ'ઇ, શું થયું છે? તને ખબર હોય તો તારે કહેવું જોઇએ, પણ આ તે કાંઇ તારો જવાબ છે, ''મારી બાના ફૂલ પધરાવવા આયો છું...!'' તને કે તારી બાને નદીમાં પધરાવવાની હોય તો અમે કંઇક મદદમાં ય આઇએ.... આ તો એક વાત થાય છે...!

નૉર્મલી, આમ ઊભા રહી જનારાઓના બે કારણો હોય. એક તો, આવા માણસોને દરેક વાતમાં ટાંગ અડાડવાની આદત હોય... બધાનું બધું જાણવા જોઇએ. લેવા-દેવા હોય કે ના હોય ને બીજા.... ''હાળું, આપણું કોઇ ઓળખતું તો નદીમાં પડયું નથી ને?'' એ ચૅક કરવા ઊભા રહી જાય છે. પછી ખબર પડે કે, વાઇફ તો ઘેર સલામત બેઠી છે, એટલે ''પૈસા પડી ગયા...!'' વાળું મોંઢું કરીને-નિરાશ થઇને પાછા ગાડીમાં બેસી જાય.

બધામાં ટાંગ અડાડવાની આદતનો કોઇ અંત નથી. પેલા સ્વસ્તિક ચાર રસ્તાવાળા પ્રસંગ કે નેહરૂ બ્રીજ જેવી ઘટનાઓમાં ખરેખર શું થયું હતું, એની ખબર પણ પડે, પછી કોઇ ઊભું રહે છે? રસ્તે સ્કૂટરવાળો લપસ્યો ને.... કમ-સે-કમ એને ઊભો કરીને બાજુ પર ખસેડવાની મદદ માટે લથબથ લોહીમાં એ આજીજીઓ કરતો હોય, તો જોયા બધા કરશે, પણ હાથ લંબાવીને કોઇ એને બાજુ પર ખસેડવા કે હૉસ્પિટલ લઇ જવાની અદબ જાળવતું નથી. યસ. '૧૦૮'ને ફોન કરી દેવામાં આપણું નામ વચ્ચે આવતું નથી, એટલે એટલા પૂરતા ય ભલા માણસો '૧૦૮'ને ફોન તો કરી દે છે. થૅન્ક ગૉડ, '૧૦૮'વાળાઓ ફોન કરનારનું નામ, સરનામું, બર્થ-સર્ટિફિકેટ કે આવકનો પુરાવો માંગતા નથી, નહિ તો આજથી બબ્બે વર્ષ પહેલા પડેલાઓ હજી લોહીથી લથબથ ત્યાં જ પડયા હોત. આપણી પ્રજા એટલી તો નાલાયક નથી કે, પડેલાને ઊભો ય ન કરે, પણ દેશના વિચિત્ર કાયદાઓ કોઇને આવી સેવા ય કરવા દે એમ નથી. કોઇ પેલા નિઃસહાયને ઊભો કરવા કે હૉસ્પિટલ લઇ જવા તૈયાર થાય ને પોલીસ આવી ગઇ, તો પેલાએ લાઇફની કોઇ જબરદસ્ત ભૂલ કરી નાંખી હોય, એમ ઘટના અંગે એની પૂછપરછો થાય, એને પોલીસ-સ્ટેશને બોલાવવામાં આવે, બોલવામાં 'તપતપ' થઇ ગયો, તો રામ જાણે પોલીસ એની શી વલે કરે?

કબુલ કે, કદાચ પોલીસ આટલી બદી કનડગત હવે નહિ કરતી હોય, પણ નહિ કરે, એની કોને ખબર છે? ખાત્રી ક્યાં છે? માત્ર પોલીસ જ શું કામ, ઈજાગ્રસ્તને કોઇ ભલો માણસ પોતાના ખર્ચે અને જોખમે હૉસ્પિટલ લઇ પણ ગયો, તો હૉસ્પિટલવાળા આવા દેવતાનું ફૂલોથી સ્વાગત કરીને પેપ્સી-બેપ્સી મંગાવતા નથી, પણ ધૂળ કાઢી નાંખે છે. એક તો, ઈમરજન્સીની લાઇનમાં એના આ અજાણ્યા ઈજાગ્રસ્તને લઇને ઊભા રહેવાનું, નર્સો કે સ્ટાફની બેશરમીભરી બેરૂખી સહન કરવાની, નંબર આવે ત્યારે કાગળીયા કરવાના ને પોતાની સહિઓ કરી આપવાની. પેલો ભાનમાં આવે પછી એના ઘરનો ફોન નંબર માંગીને ઘેર ફોન કરવાના, કોઇ આવે નહિ ત્યાં સુધી ચોંટાઇ રહેવાનું. મારા-તમારા જેવાને ફિકર ન હોય, પણ કોઇ લૉઅર મિડલ ક્લાસનો સેવાભાવી હોય તો એણે ચૂકવેલું રીક્ષાભાડું એના માટે તો મોટો ખર્ચો છે, એ ન માંગી શકે, ન પેલાના સગાઓને આવું કંઇ ચૂકવવાનું યાદ આવે!

....અને એમાં ય, સેવાભાવીની જાણ બહાર એ અકસ્માત નહિ, કોઇ ગૂન્હાની ઘટના હોય તો કેવો ફસાઇ જાય? એક તરફ, પોલીસ એની ધૂળ કાઢી નાંખે ને બીજી તરફ, પેલાને મારનારાઓ આને ય ન છોડે.

તો પછી કોઇ શું કામ દોઢું થવા જાય? વર્ષો પહેલા બી.આર. ચોપરાની ખૂબ અસરકારક ફિલ્મ આવી હતી, 'આજ કી આવાઝ' કે સમથિંગ-સમથિંગ' જેવું કોઇ નામ હતું. (સ્મિતા પાટિલ, રાજ બબ્બર અને નાના પાટેકર) જેમાં નજરે ખૂન જોનાર રાજ બબ્બર એક આદર્શ નાગરિકની ફરજ બતાવી પોલીસને જાણ કરવા જતાં, કેવો બર્બાદ થઇ જાય છે, એની એ સુંદર ફિલ્મ હતી.

હકીકતમાં તો, ચાર રસ્તે કે નેહરૂ બ્રીજ પર, ''શું થયું?''ની ખબર પડી જાય, પછી પતલી ગલીથી છટકવાનું હોય, એવી ફરજ આપણો કાયદો પાડે છે. આ લેખ વાંચનારને આમાં કોઇ ગમ્મત કે ભલીવાર નહિ લાગે... ''બૉસ, આ વખતે હસવું-બસવું તો જરા ય ના આયું...!'' પણ ઈશ્વર કરે ને આપણે એક વખત રસ્તા ઉપર લથબથ પડયા હોઇએ ને કોઇ ઊભું કરવા ય ન આવે, ત્યારે બધા હિસાબોની ખબર પડી જાય કે, લોહીની ટશરો કરતા ય આપણી લાચારી અને પ્રજાની બેશરમીનું દુઃખ કેટલું વધારે હોય છે!

દેશમાં ભણેલાગણેલા અબજો લોકો છે... આ મામલે કાયદાનો કાન ખેંચવાનું કોઇને સૂઝતું નહિ હોય?

(અશોક દવે..... તમને સૂઝ્યું ને...? તમે શું કર્યું?)

02/11/2014

એનકાઉન્ટર : 02-11-2014

* મહેશ ભટ્ટની બુધ્ધિ...! અને હવે એની દીકરીની બુધ્ધિ...!!
- કૂવામાં હોય તો હવાડામાં આવે.
(મધુકર મેહતા, વિસનગર)

* પરણવા માટે હિમ્મત પણ જોઇએ...?
- ના. એક કન્યા જોઇએ.
(નીરજ પુરોહિત, ઊના- ગીરસોમનાથ)

* શિક્ષક બનવા માટે શું કરવું ?
- અરજી પ્રિન્સિપાલ બનવાની કરવી.
(જગદીશ દુધાત, અમદાવાદ)

* તમને પડોસી બદલવાનું મન નથી થતું ?
- એક સાથે સાત ફેમિલીઓને તો કેવી રીતે કાઢી મૂકાય.. !
(કુમાર દવે, પૂણે- મહારાષ્ટ્ર)

* માણસે બનાવેલા મંદિરમાં ભગવાન બિરાજે છે. તો મોટું કોણ ? માણસ કે ભગવાન ?
- અનેક મંદિરો- દેરાસરોની દિવાલો ઉપર દાતાઓના નામની તખ્તીઓ ચોંટેલી જોયા પછી કોણ શક્તિમાન, એ પૂછવાનું ક્યાં રહે છે ?
(રમેશ સુતરીયા- ટ્રોવા, મુંબઇ)

* તમારા મતે હવે અરવિંદ કેજરીવાલે શું કરવું જોઇએ ?
- એના પક્ષનું પ્રતિક 'ઝાડુ'ને બદલે 'ટુવાલ' રાખવું જોઇએ.
(મુકેશ ડો.ઠક્કર, રાજકોટ)

* સરકારી નોકરી કરીએ છીએ, છતાં આનંદ જેવું કેમ નહિ લાગતું હોય ?
- તમે પોતાના બલબૂતા ઉપર નોકરીએ લાગ્યા લાગો છો...!
(સચિન, ઇશાન, ગુર્જર, બગસરા- અમરેલી)

* 'બુધવારની બપોર'માં પહેલા 'સિક્સર' વાંચવી કે લેખ...? કાયમી મૂંઝવણ છે...!
- મતલબ કે, તમે બેમાંથી એકે ય વાંચતા નથી.
(યશ મેહતા, અમદાવાદ)

* તમે અમેરિકાથી પત્ની માટે રૂ.દોઢ લાખનું પર્સ લાવ્યા, તે મજાક જ હતી ને ?
- હા, પણ પૈસાની બાબતે ધોળીયાઓ મજાકમસ્તી નથી ચલાવી લેતા..!
(વિશાલ અજીતસિંહ પરમાર, જૂનાપુંગમ, તા.ભરૂચ)

* તમે 'નૅટ'ની દૂનિયામાં આટલા 'લૅટ' કેમ આવ્યા ?
- જીવ બાળો છો કે ધમકાવો છો ?
(રહેમાન બોગલ, ગોધરા)

* અમેરિકા જઇ આવ્યા પછી હવે તમે વર્લ્ડ ટૂર પર જશો ?
- ના. એકની એક જગ્યાએ વારે ઘડીએ જવું ન ગમે
(કુણાલ પંડયા, વડોદરા)

* 'પહેલા મરઘી કે પહેલા ઇંડુ...'માં લોકો મરઘાને કેમ ભૂલી જાય છે ?
- હા... આપણે મરઘાઓએ આ અન્યાય પણ સહેવો રહ્યો...!
(આસિફ પટેલ, ભાવનગર)

* મોદીજી જાપાન-અમેરિકા જઇ આવ્યા... હવે ?
- હવે ગાંધીનગર બાજુ જવાનું વિચારતા'તા ખરા...!
(કુંજલ દેસાઇ, નવસારી)

* જીવનનો ઉદ્દેશ્ય જાણવા શું કરવું જોઇએ ?
- રોજ રાત્રે હિંગાષ્ટકની ફાકી લેવી જોઇએ.
(ડૉ.પવન ગોર, ભૂજ-કચ્છ)

* કઇ હીરોઇન સાથે તમને લગ્ન કરવા ફાવે ?
- આજકાલ રીસેપ્શન માટે હૉલ ક્યાં મળે છે, ભ'ઇ ?
(મહેન્દ્ર દરજી, અમદાવાદ)

* મારે એક સ્ત્રીને ખુશ કરવી છે, તો શું કરવું ?
- એ સ્ત્રી જો તમારી મા હોય તો બસ... ચરણસ્પર્શ કરી લો.
(પરમેશ્વર છાયા, મુંબઇ)

* તમને જોયા...હૅન્ડસમ છો, પણ સ્માર્ટ નથી...!
- ઓ મમ્મી...દીકરાનું એકાદું અપલખ્ખણ ચલાવી લેજો.
(નંદીની મો.દેસાઇ, અમદાવાદ)

* આ બૉલીવૂડવાળા સાઉથની ફિલ્મોની રીમૅઇક જ બનાવે છે... કોઇ નવી સ્ટોરી નથી મળતી ?
- પાકિસ્તાનવાળાઓ તો આપણી ગુજરાતી ફિલ્મોની રીમેઇક બનાવે છે. બોલો, બાત મેં કુછ દમ હૈ, ના ?
(હરિસિંહ પરમાર, વલ્લભ વિદ્યાનગર)

* જમવામાં જાપાનીઝ 'સુશી'નો વધતો જતો ક્રેઝ આપણા કાઠીયાવાડી ભોજનની ડીમાન્ડ ઓછી તો નહિ કરે ને ?
- સુધીબેનને એકવાર અમદાવાદ આવવા દો...પછી જુઓ અમારી હોટલોના ભડાકા... 'જાપાનીઝ ઢોંસા, જાપાનીઝ દાળઢોકળી, જાપાનીઝ જુલાબ..!'
(લાલજીભાઇ કૂકડીયા, લંડન-યુકે)

* લોકો 'ધંધા-પાણી'નું પૂછે છે... ધંધાને પાણી સાથે શી લેવા દેવા ?
- મારા કાઠીયાવાડમાં વધારે ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછાય છે...''ધંધા-ધાપા કેવા હાલે છે ?'' ધાપા એટલે ખાલીપીલી 'ફેંકવી'! સમજ્યાં ? હવે 'ખાલી'નો અર્થ આવડતો હોય તો 'પીલી'નો ના પૂછશો.
(મિહિર કોઠારી, અમદાવાદ)

* ફિલ્મ 'મૅરી કોમ'જોયા પછી આપણી સરકાર માટે કોઇ અભિપ્રાય ?
- આપણા દેશમાં ખેલકૂદને કોઇ પ્રોત્સાહન જ નથી. 'મૅરી કોમ' જેવી હાલત અમારી 'તીનપત્તી'માં થાય છે... સાલું સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન જ નહિ... ! ખેલાડીઓ તે કાંઇ મરે...? સુઉં કિયો છો ?
(કૈલાશ ભટ્ટ, અમદાવાદ)

* તમે કૉલમનું નામ 'એનકાઉન્ટર' કેમ રાખ્યું ?
- 'શૌકત' વખતે મેં પૂછયું હતું ?
(શૌકત પઠાણ, ગીરમાલા- ખેડા)

* વિકાસવાદી અને વિસ્તારવાદી દેશોની જેમ વિનાશવાદી દેશો પણ છે, એનું શું કરવું ?
- આપણે બન્ને તો કેમ જાણે નૌકાદળ અને ભૂમિદળના સરસેનાપતિઓ હોઇએ, એમ મને પૂછો છો...!
(યશેષ મણીયાર, મુંબઇ)

* લોકો કહે છે, 'અપેક્ષા નહિ રાખવી જોઇએ.' પણ મારી તો પત્નીનું નામ જ 'અપેક્ષા' છે. શું કરવું ?
- આટલો વખત રાખી લીધા પછી હવે મને પૂછવા આવો છો..? મારાવાળીનું નામ 'અપેક્ષા' નથી... આગળ જાઓ, બાબા...!
(વિરલ ડી.મહેતા, સુરત)

* આજના યુવાનોએ મિલ્ખાસિંઘ અને મૅરી કોમ પાસેથી શું શીખવું જોઇએ ?
- પોતાના ઉપરથી ફિલ્મ બને છે કે નહિ, એનું ધ્યાન રાખવું જોઇએ.
(વિશાલ શ્રીધરાણી, મીરા રોડ ઇસ્ટ)

* સર, તમે પૈદાઇશી હાજરજવાબી છો કે તમારે ય પ્રૅક્ટીસ કરવી પડે છે ?
- વિચારીને કહું.
(નિક્કી/કૃણાલ બારડ, સિંધજ- ગીરસોમનાથ)

31/10/2014

'ઉપકાર' ('૬૭) - Part 02


(ગયા અંકથી ચાલુ)


એક તરફ અમદાવાદના લાઇટ હાઉસ થીયેટરમાં જીતેન્દ્ર- બબિતાની ફિલ્મ 'ફર્ઝ'ના ૫૨- અઠવાડીયા પૂરા થયા ને બીજી તરફ રૂપમ ટૉકીઝમાં મનોજ કુમારની ફિલ્મ 'ઉપકારે' પણ એક વર્ષ પૂરૂં કર્યું. એ બન્ને ઘટના કોઇ એકાદ અઠવાડીયાના ગૅપથી સાથે બની. થીયેટરોમાં ભીડ જમા કરાવતું ૧૯૬૭નું આ સોલ્લિડ વર્ષ હતું. લાલ દરવાજે નવું નવું ખુલેલું રૂપાલી સિનેમા ભારતની પહેલી ૭૦ એમ.એમ.ની રાજ કપૂરની ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ' શરૂઆતમાં તો ભીડ જમાવી ગયું, પણ એ ફિલ્મના કૅમેરામેન જી.સિંઘથી કોઇ ભૂલ થઇ હોય કે હજી આ થીયેટર ૭૦ એમ.એમ.ની ફિલ્મ પ્રોજૅક્ટ કરવા અપરિપક્વ હોય, પણ ફિલ્મ જોતી વખતે ફિલ્મના કલાકારોના કપાળ કપાતા હતા, એટલે કે, રાજ કપૂર કે રાજશ્રીના કપાળથી ઊંચે કૅમેરો જતો ન દેખાય, એમાં પ્રેક્ષકો ખીજાયા. વળી ફિલ્મ પણ ઢંગધડા વગરની હતી, એટલે બહુ ન ચાલી. આ ફિલ્મની માફક પરદેશના (જાપાનના) દ્રષ્યો બતાવતી સાયરા બાનુ- રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન' રેલ્વે સ્ટેશન સામેની અલંકાર ટૉકીઝમાં આવી, છતાં ફિલ્મ ધાર્યા કરતા ય વધુ ફાલતુ નીકળી. પણ એ પછી દિલીપ કુમારની ફિલ્મ 'રામ ઓર શ્યામ' ત્યાં જ રીલિઝ થઇ ને બોક્સ ઓફિસની જાહોજલાલી દેખાવા માંડી. રાજેશ ખન્નો કબૂલ નહતો કરતો કે, ફિલ્મ 'ઔરત' એની પહેલી ફિલ્મ હતી, તેને બદલે એ પોતે ચેતન આનંદની ફિલ્મ 'આખરી ખત'ને પોતાની પહેલી ફિલ્મ કહેવડાવતો. હકીકતમાં રીગલ ટૉકીઝમાં રજુ થયેલી ફિલ્મ 'રાઝ' પહેલા રીલિઝ થઇ હોવાથી લોકો તો એને જ ખન્નાની પહેલી ફિલ્મ માને ને ? એ 'ઔરત' ફિલ્મ રીલિફ ટૉકીઝમાં આવી ને પિટાઇ ગઇ. એને જલ્દી જલ્દી એટલે ઉતારી લેવાઇ કે દેવ આનંદની ઑલટાઇમ ગ્રેટ ફિલ્મ 'જ્વેલ થીફ'' રીલિફમાં રજુ કરી શકાય. નવાઇ લાગે, પણ એ જ અરસામાં અશોક ટૉકીઝમાં ફિરોઝ ખાન- મુમતાઝની ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ઓપી નૈયરના 'તોડી તબલાં ને ફોડી નાંખ પેટી' બ્રાન્ડના અલમસ્ત સંગીતને કારણે સારો બિઝનેસ કરાવતી હતી. રીગલમાં શશી કપૂર- રાજશ્રી- સંજય ખાનની ફિલ્મ 'દિલને પુકારા' મૂકેશના નવબહાર ગીત, 'વક્ત કરતા જો વફા, આપ હમારે હોતે..' છતાં કોઇ વકરો કરી ન શકી. લાઇટ હાઉસમાં ફિલ્મ 'ફર્ઝ'ની ૩૦-૩૫માં સપ્તાહમાં ય ટિકીટો નહોતી મળતી, ત્યાં એની સામે આવેલા લક્ષ્મી સિનેમામાં શશી કપૂર- શર્મીલા ટાગોરની 'આમને-સામને'માં કાગડા ઊડતા હતા. યસ. રૂપમ ટૉકીઝમાં મનોજની ફિલ્મ 'ઉપકારે' તો સિનેમાની બહાર 'હાઉસ ફૂલ'ને બદલે 'ભરચક'નું પાટીયું કાયમ લટકતું રાખ્યું હતું.

અમદાવાદમાં 'ઉપકાર' એક વર્ષ ચાલી, એ બધું બરોબર પણ એ કોઇ ગ્રેટ કે ક્લાસિક કહી શકાય એવી ફિલ્મ નહોતી, તો ફાલતુ ય નહોતી. આપણે એ વખતે જોઇ ત્યારે આપણને ગમી જ હતી, પણ આજે ૪૭- વર્ષ પછી આ ફિલ્મને ફરી જોઇ, ત્યારે આંચકો નહિ પણ એક નાનકડું આંચકુ જરૂર લાગી ગયું કે, શું જોઇને આ ફિલ્મ અમદાવાદીઓએ એક વર્ષ સુધી જોયે રાખી હશે ? અફ કૉર્સ, એ સમયની મોટા ભાગની ફિલ્મો કરતાં તો 'ઉપકાર' ઘણી સારી હતી અને પહેલી વાર દિગ્દર્શન હાથમાં લેનાર મનોજ કુમારનો ખભો થાબડવો પડે, એટલી (એ જમાના પ્રમાણે) 'હટકે' ફિલ્મ જરૂર બની હતી. હિંદી ફિલ્મોમાં, ખાસ કરીને ગીતોના 'ટૅકિંગ' (ફિલ્માંકન)માં વિજય આનંદ, રાજ કપૂર, ગુરૂદત્ત અને રાજ ખોસલાએ ગજબના કૌવત બતાવ્યા છે. ગીત તો રાબેતા મુજબ, માની લો કે, 'મેરે દેશ કી ધરતી, સોના ઊગલે...' ફિલ્માવાનું સોંપ્યું હોય તો સામાન્ય દિગ્દર્શક સામાન્ય રીતે જ એનું 'ટૅકિંગ' કરે, પણ મનોજ કુમારે એક પછી એક અદ્ભુત ઍન્ગલ્સથી પોતાની તમામ ફિલ્મોના ટૅકિંગ્સમાં પેલા માંધાતાઓની બરોબરી કરી છે.

'શોર' સુધી તો આલા કામો થયા છે, પણ પછી પ્રયોગો કરવામાં એના ફ્રૅમિંગ્સ બહુ લાઉડ થવા માંડયા. આપણને ય ખબર પડે કે, જસ્ટ... કોઇ અલગ શૉટ લેવા માટે મનોજે જરા વધુ પડતી 'નોંધાવી' છે.

'ઉપકાર' ખૂબ ચાલી, એના મુખ્ય કારણો પૈકીનું એક ખલનાયક પ્રાણનો બદલાયેલો રોલ પણ હતો. પ્રેક્ષકોએ એને હરદમ ગુંડા-મવાલી તરીકે જ જોયો હતો ને આ ફિલ્મમાં ય ગૅટ-અપ હલકટથી કમ નથી. પણ પ્રેક્ષકો દંગ રહી ગયા કે, પહેલી વાર આ ફિલ્મમાં પ્રાણ 'સારો માણસ' બન્યો છે અને હવે પછીની બધી ફિલ્મોમાં એ સારો જ રહેશે. 'મલંગ ચાચા'નું એનું પાત્ર મનોજ કુમારે સુંદર ઢબે ઉપસાવ્યું હતું. લોકો હજી આઘાતમાંથી બહાર નહોતા આવ્યા, એટલે હજી ફિલ્મ પૂરી થતાં સુધીમાં પ્રાણ જરૂર કોઇ બદમાશી કરશે, એવી શંકાએ પ્રાણના કૅરેક્ટરને વધુ ફૅમસ બનાવ્યું. બેશક એ ઑલટાઇમ ગ્રૅટ ઍક્ટર તો હતો જ ને એમાં 'સજ્જન બનવાની' પહેલી તક મનોજ કુમારે આપી, એમાં પ્રાણ છવાઇ ગયો. અમે તો આ ફિલ્મ વખતે માંડ કોઇ ૧૫ વર્ષના એટલે પોળને નાકે યાદ છે કે, 'ઉપકાર' જોઇને આવેલા દોસ્તોને શંકાભરી નજરથી પૂછીએ પણ ખરા કે, ''ના બે ના... હજી તું રૂપમમાં પાછો જા... પ્રાણીયાનો કોઇ ભરોસો નહિ.. ફિલ્મ પૂરી થયા પછી ય હીરોઇન ઉપર બળાત્કાર કરે એવો છે.''

અલબત્ત, પ્રાણને પહેલી વાર સજ્જનનો રોલ આપનાર મનોજ કુમાર નહિ, રાજ કપૂર હતો, ફિલ્મ 'આહ'માં એ રાજના દોસ્ત તરીકે બિલકુલ જૅન્ટલમૅન બની જાય છે ને ફિલ્મ પૂરી થયા પછી પણ બગડતો નથી. એક પગે લંગડા ફકીર મલંગ ચાચાના મુખે મન્ના ડે પાસે 'કસમે વાદે પ્યાર વફા સબ, બાતે હૈ બાતોં કા ક્યા ?' પ્રજાને આજ સુધી યાદ રહી ગયું છે. મન્ના ડે ના એ વખતે જુહુ ખાતેના 'આનંદન' બંગલામાં બે કલાક બેઠા પછી મેં એમને પૂછ્યું હતું કે, ''તમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોનું આજ સુધીનું સર્વોત્તમ ગીત ક્યું ?' તો કાચી સેકન્ડમાં દાદાએ કહી દીધું, ''સવાલ હી પૈદા નહિ હોતા... લતા-રફી કા 'જો વાદા કિયા વો નિભાના પડેગા...'' થી વધુ સારૂં બીજુ કોઇ ગીત મને તો નથી લાગતું.'' એમણે વળતો હુમલો મારી ઉપર ય કર્યો કે, મને ક્યું ગીત સર્વોત્તમ લાગે છે ? તો મેં ય ક્ષણ બગાડયા વિના કહ્યું, ''દાદા, મારી હૈસીયત નથી કે, આવો જવાબ હું આપું, પણ મેં પૂછ્યું ત્યારે તમે 'કસમે વાદે પ્યાર વફા સબ...'ને પહેલું ગણશો, એવી મારી ગણત્રી હતી. જવાબમાં દાદાએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, ''હા... I have tried to generate pathos with melody in that Song... do you think I succeeded? અગેઇન... મારા માટે એ કૉર્સ અને હૈસીયત બહારનો સવાલ હતો, પણ અત્યારે આપણા કામની વાતમાં, ઢોલ એ વખતે ઠોકાયું હતું ને પડઘો અત્યારે ય પડે છે કે, આ ગીતમાં દાદાએ માત્ર વેદના જ નહિ, ગીતની મૅલડી ય બરકરાર રાખી છે. એ વાત જુદી છે કે, આ ગીતમાં ગીતકાર ઇન્દિવરે ગ્રામરની આટલી મોટી ભૂલ કરી હોવા છતાં હજી સુધી કોઇનું ધ્યાન કેમ નથી ગયું ? ''... આસમાન પે ઊડનેવાલે મિટ્ટી મેં મિલ જાયેગા..''

તમને કાંઇ ખ્યાલ આવ્યો ? મને આવ્યો. 'ઊડનેવાલે' બહુવચનમાં વપરાયેલો શબ્દ છે, એ હિસાબે મિટ્ટી મેં મિલ જાયેગા' ન આવે. 'મિલ જાયેંગે' આવે તો ગીતનું મીટર સૅટ નથી થતું. અથવા તો, 'આસમાન મેં ઊડને ''વાલા''... લખો તો 'મિટ્ટી મેં મિલ જાયેગા' બંધ બેસતું આવે !

યસ. મલંગ ચાચાના રોલને વધુ પડતો ચગાવવાના મોહમાં મનોજ વ્યાવહારિકતા ભૂલી ગયો છે. યુધ્ધમાં સખ્ત જખ્મી થઇને લોહીલુહાણ મનોજ પાછો આવે છે ત્યારે એને સારવારમાં લઇ જવાને બદલે મલંગ ચાચા શેર-શાયરીઓની રમઝટ જેમ એક પછી ડાયલૉગ્સ ફટકારવા માંડે છે. થીયૅટરમાં ડાયલૉગ્સ દ્વારા તાળીઓ પડાવવાના ધખારામાં મનોજે વાત આખી લાઉડ બનાવી દીધી. નહિ તો એ જ મલંગ ચાચા પાસે આ ફિલ્મના કેટલાક સાહિત્યિક કક્ષાના સુંદર સંવાદો બોલાવ્યા છે. ફિલ્મના હીરોનું નામ 'ભારત' છે ને પ્રાણ એને સલાહ આપે છે, (૧) ''ભારત, જી ભર કે ઉપકાર કર લે, લેકીન પહેલે અપની સોચ...'' (૨) રામને હર યુગ મેં જનમ લિયા, મગર લક્ષ્મણ ફિર પૈદા નહિ હુઆ...' (૩) ગાંવવાલે જૂતે મારેંગે ઔર ગીનેંગે ભી નહિ (૪) ઇસ દેશ મેં રાશન પર ભાશન (ભાષણ) બહોત હૈ, પર ભાશન પર રાશન કોઇ નહિ.

આ સિવાય ઇન્દિવરે મુહમ્મદ રફીના ગીતમાં એક ટુકડો સરસ મૂક્યો છે, ''જીસ દેશ કા બચપન ભૂખા હો, ફિર ઉસકી જવાની ક્યાં હોગી ?''

પ્રેમ ચોપરા આજીવન ખલનાયક રહ્યો. એ જમાનામાં પર્સનાલિટી તો હીરો જેવી હતી, છતાં એ હીરો બન્યો જ નહિ, પણ આ ફિલ્મમાં મનોજે એને ઍક્ટિંગ બતાવી દેવાનો મોકો આપ્યો ને ચોપરો છવાઇ પણ ગયો. ૭૯ વર્ષના પ્રેમ ચોપરા (તા.૨૩ સપ્ટૅમ્બર, ૧૯૩૫) એ હમણાં જ પોતાની આત્મકથા બહાર પાડી છે, જેનું ટાઇટલ છે, 'પ્રેમ નામ હૈ મેરા.. પ્રેમ ચોપરા' વિલન હોવા છતાં સૉફ્ટ-વૉઇસમાં સંવાદો બોલવા એની આગવી સ્ટાઇલ છે. બહુ ઓછાને ખબર હશે કે, પ્રેમ ચોપરા રાજ કપૂરનો સગો સાળો થાય. તેમ જ મુંબઇના સ્ટેજ કલાકાર અરવિંદ જોશીના, હવે મોટું નામ ધરાવતા-પુત્ર અને હીરો શર્મન જોશીના પ્રેમ ચોપરા સસુરજી થાય. મુંબઇ બહાર હિંદી ફિલ્મના કલાકારોને જોવા ટોળા વળે છે, પણ મુંબઇમાં એ લોકો સામાન્ય નાગરિકોની જેમ ફરતા હોય છે. લોકોને ખબરે ય હોય છે કે, 'આ શત્રુધ્ન સિન્હા છે કે આ અક્ષય કુમાર છે.' તો ય કોઇ એમને ઊભું રાખતું નથી, નહિ તો પ્રેમ ચોપરા વર્ષોથી વહેલી સવારે ગાર્ડનમાં એના દોસ્તો સાથે ચાલવા જાય છે ને ભાગ્યે જ કોઇ નોંધ લે છે.

યસ, આ ફિલ્મ આટલી બધી સફળ થઇ, એના એક કારણમાં વી.એન.રેડ્ડીની મનોરમ્ય ફોટોગ્રાફી પણ છે. મોટા ભાગે આઉટડોર અને તે ય ખેતરોમાં શૂટિંગ થયું હોવાથી 'ઉપકાર' નું હરએક દ્રષ્ય રેડ્ડીએ જી-જાનથી ઉતાર્યું છે. કૅમેરા ક્યાં મૂકવો અને શોટ કેવો લેવો, એ ચોક્કસ મનોજ નક્કી કરે, પણ રેડ્ડી પણ મજેલો ટૅકનિશીયન હતો.

ફિલ્મમાં એવી કોઇ ફાઇટ છે પણ નહિ ને જેટલી છે, એ ફાઇટ- માસ્ટર રવિ ખન્ના અને બી.એમ.શેટ્ટીને કોઇ ગૌરવ અપાવે એવી નથી. એ જમાનાની ફિલ્મોની ફાઇટ્સ બહુ રદ્દી- ઘરાણાની રહેતી. આપણે નરી આંખે જોઇ શકીએ કે, મોંઢાથી અડધો ફૂટ દૂરથી મુક્કો ગયો છે ને કોઇ ઢીશુમ બોલે છે, એમાં માર ખાનારો ૨૦ ફૂટ દૂર જઇને કેવી રીતે પડે ?

મનોજને અપેક્ષિત ન હોય, એવા ય કેટલાક કૉમેડી દ્રષ્યો ભૂલમાં ભજવાઇ ગયા છે. ઘાયલ મનોજને લશ્કરી હૉસ્પિટલમાં લોહીની જરૂર પડે છે ને એની સાવકી પણ પ્રેમાળ માં કામિની કૌશલ દરેક ફિલ્મી માંવરોની માફક ડૉક્ટરને કહી દે છે, ''ડૉક્સાબ... જીતના ભી ખૂન લેના હો, લે લિજીયે મગર મેરે ભારત કો બચા લીજીયે'' ડૉક્ટર ના પાડે છે કે, 'બેન, તારૂં બ્લડ- ગ્રૂપ મનોજને મૅચ નથી થતું.' તો પેલી આંસુઓના ધધૂડા વહાવતી નવી ઓફર મૂકે છે, ''... તો ક્યાં...? મેરે આંસુઓ કી કોઇ કિંમત નહિ...?''

તારી ભલી થાય ચમની... ઘાયલ દર્દીને લોહીના બાટલા જ ચઢાવવા પડે, આંસુઓના નહિ. વળી, મનોજ કાંઇ નહિ ને સિપાહીના રોલમાં તો જાવા દો ભઇ' સા'બ... કેવો લાગે ? આપણને ખીલખીલાટ હસવું જ આવે- બીજું કાંઇ ન આવે એવી રીતે એ મોરચા ઉપર બંદૂક પકડે છે ને, વહેલી પરોઢના છાપાનો ફેરીયો સાયકલ પર બેઠો બેઠો આપણી બાલ્કનીમાં છાપું ફેંકે, એ ઢબથી મનોજ દુશ્મન છાવણી ઉપર હૅન્ડ- ગ્રેનેડ ફેંકે છે. બાકીના માણસો ય એના જ ને ? એટલે મનોજના બન્ને હાથ કાપવાનું હૉસ્પિટલમાં આશા પારેખ ઓપરેશન કરે છે, પણ બિલકુલ વહેલી સવારે તો એ તદ્દન ફ્રેશ થઇ ખેતરમાં ખબે હળ નાંખીને અધૂરૂં રહી ગયેલું ગીત, ''મેરે દેશ કી ધરતીઇઇઇ...'' પૂરૂં કરે છે.

એક વાતની કેવળ મને જ નહિ, તમને બધાને ય સમજ નહિ પડે કે, હિંદી ફિલ્મોના હીરાઓની માંવરો વિધવા જ કેમ હોય છે ? ધોરણ- ૬-બ ના બાળકોની જેમ એનો યુનિફોર્મ પણ નક્કી જ હોય, સફેદ સાડલો. આપણે એમ નથી કહેતા કે હીરોલોગની વિધવા માતાઓને રેડ- ટી શર્ટની નીચે સ્પોર્ટ્સ શૂઝ સાથે જીન્સ પહેરાવો, પણ વાસ્તવમાં કેટલી વિધવાઓ હવે ધોળા હાડલા પહેરે છે ? હસવું સાલું એ વાતનું આવે કે, પરદા ઉપર આવે ત્યારથી હીરોલોગની માંવરો રોતી જ હોય. નીસરણી ઉપરથી ય એ જ પડે પણ પાટો કપાળમાં જમણી બાજુએ લાલ ડાઘવાળો જ હોય.

આ બધી માંવરોને એક ડાયલોગ ફરજીયાત આપી દેવામાં આવે છે, ''આ ગયા મેરા લાલ..?'' પણ ડોસી, પેલો નજર સામે થાંભલા જેવો ઊભો છે તે આખો દેખાતો નથી તે પૂછે છે, ''આ ગયા મેરા લાલ...?'' પેલો ય હા પાડે છે, એમ નથી કહેતો કે, ''ના... હું નથી આયો.. હું તો હજી નીચે ઊભો છું.''

29/10/2014

મિ. બુચ

મારા ખાનદાનમાં એક વિસુભ'ઈ હતા. આજે નથી. નથી એટલા માટે કે, ભલભલા ઢાંકણાં દાંતોથી તોડવામાં એમની માસ્ટરી હતી. છેલ્લું ઢાંકણું તોડયું, એ ગળી ગયા. એમણે દેહ છોડી દીધો, પણ ઢાંકણું છોડયું નહિં. એ ગળાની વચ્ચોવચ ભરાઈ ગયું, એ દરમ્યાન એમણે શ્વાસના અનેક પ્રકારના અવાજો કાઢ્યા. બધાએ ભેગા મળીને એમનું ગળું હચમચાવ્યું. કોઈકે વળી ગળામાં સળીયો નાંખી જોયો, તો કોકે ગરમ દિવેલ રેડી જોયું, પણ ઢાંકણું ખસ્યું નહિં. એમાં કારણ તો ગુરૂત્વાકર્ષણનું હશે, પણ ઢાંકણું પેટ તરફ સરક્યું. પેટમાંથી પેલા ગળા જેવા અવાજો નહોતા આવતા... છેલ્લી એક હેડકીનો અવાજ આવ્યો અને અમારે રજાને દિવસે સ્મશાનનો ધક્કો પડયો. વાઈફ તો બહુ ખીજાણી કે, આવા ઢાંકણાં રવિવારોએ તે ગળાતા હશે? ''માણસું બીજાનો તો વિચાર જ નથી કરતા.''

પણ વિસુભ'ઈનું સમગ્ર જીવન ઢાંકણા તોડવામાં ગયું. રામ જાણે, એ જન્મ્યા ત્યારે એમની બા કઇ ફેક્ટરીમાં વિસુભ'ઈનાં દાંત બનાવી લાવ્યા હશે કે, ગમે તેવી શીશી લઇ આવો, ખુલતી ન હોય તો વિસુભ'ઇના દાંત ભલભલા બુલંદ દરવાજાઓ તોડી શકે, ત્યાં નાનકડું આવડૂં અમથું શીશું તો વિસુભ'ઈના ડાબા દાંતનો ખેલ કહેવાય! લોકવાયકા તો એવું ય કહે છે કે, વિસુભ'ઈએ એમની લોખંડી કરિયરમાં અનેક ગૅરેજોના તાળા કેવળ દાંતથી તોડયા હતા. અમુક નાજુક તાળાઓ ઉપર તો એમને દાંત બેસાડવા ય નહોતા પડતા. આરોપી તાળાં સામે જોઈને વિસુભ'ઈ હોઠ ખુલેલું સ્માઈલ આપે, એમાં ય એ તૂટી જતા.

ને આવી પ્રતિષ્ઠાત્મક કરિયર હોવા છતાં વિસુભ'ઈ ઘરમાં ફેઈલ જતા. થયો હશે કોઈ નાનકડો ઝગડો-બગડો ને ધાંય ધાંય થયેલા વિસુભ'ઈએ ગુસ્સામાં આવીને એમની સગ્ગી વાઇફના બાવડે બચકું ભર્યું. મને યાદ છે ને કે, લોકો ભેગા બી થઈ ગયેલા. નક્કી ગુણીબેનના બાવડે ત્રણ કાણાં પડી ગયા હશે. પણ એ ય વિસુભ'ઈની વાઇફ હતી. આવા તો બહુ બધા બચકાં જોઈ લીધેલા. સરવાળે રીઝલ્ટ એ હતું કે, બચકું ભર્યા પછી વિસુભ'ઈના દાંત અંદરની તરફ વળી ગયેલા ને ગુણીબેને તો બાવડાને ખાલી ખંખેર્યું જ હતું. સાલી આવી વાઈફ હોય તો એના પેટે છોકરાંછૈયાને બદલે લોખંડનું પીપડું જ બહાર નીકળે ! નીકળ્યું એ તો...! કહે છે કે, આવી ઢમઢોલ છોકરીને પરણવા માટે ત્રણેક મૂરતીયા જોઈએ... તો પ્રદક્ષિણા ફરીને એને પૂરી જોઈ શકે. એક-બેનું કામ નહિ.

મારા ઘરમાં ટોમેટો-કૅચઅપની બૉટલનું ઢાંકણું જામ થઈ ગયું. વિસુભ'ઈ તો વર્ષો પહેલા દેવ થઈ ગયેલા, એટલે એમને પાછા બોલાઈએ... એક ઢાંકણું ખોલવા, એ સમાજમાં સારું ન દેખાય, એટલે વાઇફે મને 'વિસુ-અવતાર' લેવાની પ્રપોઝલ કરી. ''અસોક, આ ઢાંકણું કે'દિ નું ખુલતું નથ્થી. જામ થઈ ગીયું લાગે છે. તમે જરા દાંત બેસાડો ને... કદાચ ખુલી જાય!'' મને સીતામાતાવાળો એ પ્રસંદ યાદ આવ્યો કે, સુવર્ણમૃગ લઈ આવવા એમણે ય શ્રી રામચંદ્રજીને આમ જ દોડાવ્યા હતા. પણ રામ આદર્શ પતિ હતા ને હું નહતો. કહે છે કે, રામ થવા માટે સીતા સમાન પત્ની જોઈએ. મારે તો સસુરજીનું ગોડાઉન ખાલી થયું, એમાં વધેલો છેલ્લો તાકો ઘેર લઈ આવવાનો હતો. નહિ તો વાઇફ જેવી બીજી તઈણ હતી ને ત્રણે ત્રણ પત્ની કરતાં પડકાર વધુ હતી. મને કહેવામાં આવ્યું હતું કે, મારા ત્રણેય સાઢુઓ એમને ભાગે આવેલી એક એક પત્નીને મિનિમમ ત્રણ-ત્રણ વખત પરણ્યા, ત્યારે એક લગન પૂરું થયું હતું. અમે તો હાળા રીસૅપ્શનોમાં ત્રણ-ત્રણ વખત ચાંદલા કરીને તુટી ગયેલા.

આ ચોથી હતી-મારાવાળી. મારામાં પાછી એ નૈતિક હિંમત નહિ કે, ઢાંકણું ખોલવાની એને ના પાડું. કહે છે ને કે, બધું અહીં ને અહીં ભોગવવાનું છે... ઉપર સ્વર્ગ કે નરક જેવું કાંઈ નથી... અને હોય તો ય, જે અહીં આવું જીવન ભોગવી ચૂક્યા હોય, એનું તો નર્કવાળા ય શું તોડી લેવાના છે? પાછું, આપણા મેરેજ થયા ત્યારે ડિમ્પલ તો ઝભલું પહેરીને ફરતી'તી, એટલે કોઈ ઉજળો વિકલ્પ પણ નહિ... આ તો એક વાત થાય છે!

મેં બૉટલ હાથમાં લીધી. મમતાભરી નજરે એના ઢાંકણા સામે જોયું. અંદર જઈને અરીસામાં જડબું પહોળું કરીને મારા દાંત પણ જોઈ લીધા. હું સખ્ખત હૅન્ડસમ લાગતો હતો... હવે નહિ લાગું. બોખા થઈ ગયા પછી સ્માઈલો આલવાની લઝ્ઝત ન મળે. હજી પૂરા બોખા થઈ જઈએ, તો ડૅન્ચરે ય કરાવી લઈએ, પણ આમાં તો ઉપરના ચાર ને નીચેના ત્રણેક દાંતો જ જવાના હતા. હજી દાઢો પડાવીએ ને અંદર ખોખું ખાલી હોય તો જાલીમ જમાનાની બુરી નજરોથી બચી શકાય છે, પણ આગળના સાત દાંત જવાથી જૂના જમાનાની ટપાલપેટી જેવું મોઢું લાગે. કોઈને બી અંદર આંગળી ફેરવવાનું ઝનૂન ઉપડે. મારે તો ઉપરથી જ મોંઢાની ડિઝાઈન ડીફૅક્ટિવ આવી છે. લોકોના મોઢાં આડી આંગળી મૂકી હોય, એવા આડા હોય છે. મારે ટોમેટો-કેચઅપની બૉટલના ઢાંકણા સરીખું ગોળ કુંડાળું આવ્યું છે. હસું ત્યારે પણ એ ગોળ આકૃતિમાં ખુલે છે. સ્માઈલોમાં બહુ પડતો નથી, કારણ કે, જગતભરના મનુષ્યો સ્માઈલ આપે, ત્યારે હોઠ પહોળા થાય છે... મારા હોઠના બન્ને ખૂણા એકબીજા તરફ આકર્ષાય છે ને ઉપરનો હોઠ વધુ ઉપર અને નીચેનો વધુ નીચે જાય છે. ચુંબનની તો એકે ય આકૃતિ પકડાતી નથી. ભૂતકાળમાં કોઈને કરવા ગયો છું, ત્યારે સ્ટીલની વાડકીમાં સોપારી ફરતી હોય, એવું પેલીને લાગતું.

''અસોક... આટલી બધી વારૂં કરવાની ઢાંકણા સામે જોવામાં? તોડતા કેટલા 'દિ કરશો?''

''આપણે નવી બૉટલ લઈ આવીએ તો? આને જવા દઈએ.''

''આના કરતા તો....''

મેં એને વચ્ચે જ અટકાવી દીધી. એટલા માટે કે, આના કરતા તો વિસુભ'ઈને પરણી હોત તો સારું થાત, એવું બોલી ન જાય...! ભલે એમાં મરત તો વિસીયો જ, પણ આપણને એમ કે, વાત ક્યાં આગળ વધારવી? મેં બોટલનું ઢાંકણું મોંઢામાં નાંખ્યું. કહે છે કે આમ કર્યા પછી, બન્ને હાથે બૉટલને જોરપૂર્વક પકડી રાખીને જમણી તરફ ફેરવવાની હોય છે, ડાબી તરફ નહિ. મારી લાઈફમાં મેં પહેલેથી જ ડાબા-જમણા વચ્ચે ભેદભાવ રાખ્યો નથી, પણ આમાં રાખવા જેવો હતો, કારણ કે, આમાં તો ઢાંકણું વધારે ટાઇટ થઈ ગયું. દવે-ખાનદાનના તમામ સભ્યો મુછમાં હસતા હતા. (ફક્ત પુરૂષ સભ્યો!)

''ડૅડ... આના કરતા તમે બૉટલનું તળીયું મોંઢામાં રાખીને ગોળગોળ ફેરવો. જલ્દી પાર આવશે.'' હવે છોકરાઓ ય મશ્કરી ઉપર ચઢ્યા હતા.

દેસી ઉપાય પણ આપણી પાસે હતો. બૉટલને વચ્ચેથી પકડીને બીજા હાથમાં ઢાંકણું પૂરજોશ ફેરવવાનું, પણ એ ઉપાય મારે વાપરવો નહતો. આદતના જોરે મારાથી રોજ સવારે ટુથપેસ્ટ પણ એવી જ રીતે પકડાઈ જાય છે. આખી પેસ્ટ ઉપર કચ્ચીને દબાવેલી મુઠ્ઠીનું જોર આવે, પછી ઢાંકણું ના ખુલે? બધું ય ખૂલે, પણ ટયુબમાંથી લિસોટો સીધો નીચે આવતો. નવસારી અને ભૂજ-કચ્છ બાજુ તો કહે છે, જામ થઈ ગયેલા ઢાંકણાંને એ લોકો બોટલને ઢાંકણા સાથે જમીન પર પછાડે છે. ખુલ્યું તો ઠીક છે, નહિ તો બૉટલ બીજી...!

બે-અઢી કલાક ટ્રાય મારવામાં નીકળી ગયા હતા. હવે તો આ લોકો સૅન્ડવીચ ઉપર કૅચઅપને બદલે ગોળનું પાણી ચોપડીને ખાવા માંડશે, એ બીકે પરાજય સ્વીકારીને બૉટલ વાઇફને આપી, ''આને ફેંકી દઈએ.''

એણે બહુ ઝેર ભરેલા સ્માઇલ સાથે બૉટલ હાથમાં પકડી. વૉશ-બેસિનનો નળ ખોલતી હોય એટલી આસાનીથી કાચી સેકંડમાં ઢાંકણું ખોલી નાંખ્યું. મને એ ન આવડયું કે, આવી બૉટલોના ઢાંકણાં ઉપર લૉકનું કામ કરતી પ્લાસ્ટિકની પટ્ટી ખેંચી કાઢવાની હોય છે.

સિક્સર

- કોઈપણ પ્રકારના ઝગડા, ધર્મ, રાજકારણ કે સમજ ભૂલીને આજે સમય આવ્યો છે, કેવળ દેશના સંરક્ષણનો...

ત્યારે પેલું નાનકડું બચોળીયું હજી ધરખમ પડેલા મારને ભૂલતું નથી ને એ જ જૂની પીપુડી વગાડે રાખે છે... એની બા ય ખીજાતા નથી... કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

27/10/2014

ઍનકાઉન્ટર : 26-10-2014

* ઘણા લોકો પોતાની લાઇફ કરતા બીજાની લાઇફમાં વધારે દખલગીરી કરે છે...કારણ ?
- ઘણા તો વાઇફમાં ય કરતા હોય છે.
(ડૉ. રોહિત વેકરીયા, વિદ્યાનગર)

* માણસો પાપ એકાંતમાં કરે છે અને પૂણ્યો ઢોલ વગાડીને કેમ કરે છે ?
- જરા વિચારી જુઓ, એનાથી ઊલટું કરવા જાય તો હાલત આપણી શું થાય?
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* આજની યુવાપેઢીને દેશપ્રેમ ફક્ત 'વૉટ્સઍપ' અને 'ફેસબૂક' પૂરતો જ છે?
- એનાથી ય કમ સે કમ, દેશભક્તિનો પ્રચાર તો થાય છે. આપણા ખરા દુશ્મનો સરહદ પર નથી, ધર્મ-સંપ્રદાયોમાં છે, ધર્મના ગુરૂઓ, સ્વામીઓ અને મહારાજ સાહેબોમાં છે, જ્ઞાતિચુસ્તોમાં છે. આ દેશને કોઇ બચાવે એમ નથી. ધરમ-બરમને તડકે મૂકી દેશભક્તિમાં લાગી જવાનો સળગતો સમય આવી ગયો છે.
(દીપેન ગોહેલ, રાજકોટ)

* તમને કેવું 'ફલર્ટ' ફાવે છે ?
- છટકાય એવું.
(ધુ્રવ પંચાસરા, વીરમગામ)

* જો તમે લેખક ન બન્યા હોત તો શું બન્યા હોત ?
- મૂરખ.
(જયમીન ઠક્કર, અમદાવાદ)

* તમને ડૉ. મનમોહનની ખુરશી ઉપર બેસાડવામાં આવે તો પહેલું કામ કયું કરો?
- સીટ સાફ કરી લઉં.
(પ્રણાલિ ગૌતમ શાહ, મુંબઇ)

* પત્ની અને ઘડીયાળ વચ્ચે શું તફાવત ?
- એ તો ખબર નથી, પણ તમે એ બંને બદલવાના ઝનૂનમાં આવી ગયા લાગો છો.
(જે. બી. સરવૈયા, વલાર-તળાજા)

* સીઝેરીયન ઓપરેશનને તમે કમાવાનું સાધન ગણાવ્યું છે, જેના દ્વારા કેટલાક ગાયનૅક ડૉક્ટરો પૈસા બનાવતા પણ હશે, પણ બધા ડૉક્ટરો એવા નથી હોતા...
- જ્યાં જૅન્યુઇન સીઝેરિયન કરવું પડે, એ સર આંખો પર... પણ નૉર્મલ ડીલિવરી થઇ જ શકતી હોય, છતાં પૅશન્ટસ્ને બીવડાવીને સીઝેરિયન કરતા ડૉક્ટરો માટે દુઃખ થાય જ. પૅશન્ટ ગરીબ હોય કે અમીર, જૅન્યુઇન નૉર્મલ ડીલિવરી કરાવતા બાકીના સેવાભાવી ડૉક્ટરો કેવળ સન્માનને નહિ, પ્રણામને પાત્ર છે.
(ડૉ. સોનલ શ્રોફ-ડૉ. વસંત શ્રોફ, બાજવા)

* 'રામનામ સત્ય હૈ,' તો 'રાવણ નામ...' ?
- મંદોદરીને ખબર.
(ધ્રુવ બી. પટેલ, આણંદ)

* રોબિન વિલિયમ્સે આપઘાત કર્યો. શું દુનિયાને હસાવનારને કોઇ હસાવનાર ન મળ્યો ?
- યોગાનુયોગ આજે 'મૅન્ટલ-હૅલ્થ ડે'ના રોજ આ જવાબ આપવા બેઠો છું. રોબિનની પુત્રી 'ઝેલ્ડા' એ જગતને અપીલ કરતા કહ્યું છે, માનસિક દર્દથી પીડાતા દર્દીઓની ખૂબ નજીક રહેજો. એમને એકલા પાડી ન દેશો.
(જીનેશ મહેતા, જામનગર)

* રોહિત શેટ્ટી 'સિંઘમ-૩'માં તમને રોલ ઑફર કરે તો કયો પસંદ કરો ?
- અજય દેવગણના બાબલાનો.
(દેવેન્દ્ર જાની, પેથાપુર)

* બે રૂપીયાના સિક્કા ઉપર બે આંગળીની છાપ શું સૂચવે છે ?
- ....કે, આ બે રૂપીયા છે.
(મયૂર બારૈયા, ભાવનગર)

* સવાલને 'એટેચમેન્ટ'માં ન પૂછાય, તો શેમાં પૂછાય ?
- 'ઍટેચી'માં....! સમજ પડી ને ?
(વિવેક મોનાણી, પોરબંદર)

* પાકિસ્તાન વિશે તમારે શું કહેવું છે ?
- 'જો લોગ અચ્છે વક્ત મેં, 'બડા ભાવ' ખાતે હૈં, વો બુરે વક્ત મેં 'વડા પાંવ' ખાતે હૈ...'
(જુગ્નૂ પટેલ, મેહસાણા)

* 'ઍનકાઉન્ટર' સૌથી છેલ્લે જ કેમ મૂકાય છે ?
- ભ'ઇ, જેનો અંતસારો, એનું સૌ સારૂં.'
(નીલેસ પાનસુરીયા, બાંટવા-દેવલી, અમરેલી)

* વર્ષોથી તમારા લેખો વાંચીને તમને મળવાની તીવ્ર ઇચ્છા થઇ છે. કોઇ ઉપાય?
- બસ... 'યૂ ટયુબ' પર જાઓ.. સર્ચમાં મારું નામ લખો. ઈચ્છો ત્યાં સુધી મળી શકશો.
(દીપેશ રાજ્યગુરૂ, સુરત)

* વર્તમાન વિષયો ઉપર પૂછાયેલા સવાલોને અગ્રીમતા આપો તો ?
- એક સપ્તાહમાં ૨૫-૨૬ સવાલો માંડ લઇ શકાય. વર્તમાન વિષય બીજે દિવસે તો પ્રાચીન થઇ જતો હોય છે.
(પ્રમોદ સિંઘલ, આબુ રોડ-રાજસ્થાન)

* બીજાને હસાવનારા પોતે દુઃખી કેમ હોય છે ?
.... ને તો ય, કોઇ રૂપીયો ય આલે છે, ભ'ઇ ?
(ભાર્ગવ માણેક, રાજકોટ)

* આજકાલ તો બધી ફિલ્મો રૂ. ૧૦૦-૨૦૦ કરોડનો ધંધો કરે છે... શું વિચાર છે, એકાદી ફિલ્મ બનાવવાનો ?
- જુઓ, કોઇ સારી હીરોઇન નજરમાં હોય તો કહેવડાવજો.
(ચિરાગ ઠકરાર, પૂણે-મહારાષ્ટ્ર)

* શું આખી જીંદગી ટેન્શનોથી ભરેલી છે ?
- ઊંઝામાં રહીને ટૅન્શનો ભરનારો પહેલો પટેલ જોયો.
(જીનલ પટેલ, ઊંઝા)

* સ્કૂલ અને કૉલેજ વચ્ચે શું તફાવત ?
- ચડ્ડી પહેરવાનો.
(પ્રીતેશ ચૌહાણ, કાલોલ)

* હું ઘણા સમયથી 'ઍનકાઉન્ટર' વાંચું છું. આટલા બધા હાસ્યસભર જવાબો વાઇફની મદદ વગર કેવી રીતે આપી શકો છો ?
- બસ.. વાઇફના કામો હું કરી આપું !
(પ્રિયંકા એમ.મોદી, અમદાવાદ)

* તમે વારેઘડીયે પંખો ચાલુ કરવાનું કહો છો, તો લાઇટ બિલનું શું ?
- એ મારે ભરવાનું હોત તો હું કદી પંખો ચાલુ કરવાનું કહેત ?
(શ્રુતિ એ. ગજ્જર, નડીયાદ)

* શું હવે પ્રિયંકા ચોપરા તમારી ફેવરિટ હીરોઇન બની ગઇ છે ?
- વૉટ ડુ યૂ મીન, 'હવે ?' આઇ મીન, તમે ફિલ્મ 'બોબી'ની હીરોઇનની જ વાત કરો છો ને ?
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

* હાસ્યલેખક સિવાય ફરી બીજો જન્મ મળે તો શું બનો ?
- અરે હાસ્યલેખક બનવા મળતું હોય તો ય આવતા જન્મે હું સાધુબાવો જ બનું. આમાં દસ હજાર લેખો લખું ને વંત્યાકે મળતું નથી... પેલામાં, 'જા બેટા, તેરા કલ્યાન હોગા...' કહેવાના કરોડ-બે કરોડ મળે !
(ચિંતન વ્યાસ, ધોરાજી-ધરની)