Search This Blog

31/10/2014

'ઉપકાર' ('૬૭) - Part 02


(ગયા અંકથી ચાલુ)


એક તરફ અમદાવાદના લાઇટ હાઉસ થીયેટરમાં જીતેન્દ્ર- બબિતાની ફિલ્મ 'ફર્ઝ'ના ૫૨- અઠવાડીયા પૂરા થયા ને બીજી તરફ રૂપમ ટૉકીઝમાં મનોજ કુમારની ફિલ્મ 'ઉપકારે' પણ એક વર્ષ પૂરૂં કર્યું. એ બન્ને ઘટના કોઇ એકાદ અઠવાડીયાના ગૅપથી સાથે બની. થીયેટરોમાં ભીડ જમા કરાવતું ૧૯૬૭નું આ સોલ્લિડ વર્ષ હતું. લાલ દરવાજે નવું નવું ખુલેલું રૂપાલી સિનેમા ભારતની પહેલી ૭૦ એમ.એમ.ની રાજ કપૂરની ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ' શરૂઆતમાં તો ભીડ જમાવી ગયું, પણ એ ફિલ્મના કૅમેરામેન જી.સિંઘથી કોઇ ભૂલ થઇ હોય કે હજી આ થીયેટર ૭૦ એમ.એમ.ની ફિલ્મ પ્રોજૅક્ટ કરવા અપરિપક્વ હોય, પણ ફિલ્મ જોતી વખતે ફિલ્મના કલાકારોના કપાળ કપાતા હતા, એટલે કે, રાજ કપૂર કે રાજશ્રીના કપાળથી ઊંચે કૅમેરો જતો ન દેખાય, એમાં પ્રેક્ષકો ખીજાયા. વળી ફિલ્મ પણ ઢંગધડા વગરની હતી, એટલે બહુ ન ચાલી. આ ફિલ્મની માફક પરદેશના (જાપાનના) દ્રષ્યો બતાવતી સાયરા બાનુ- રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન' રેલ્વે સ્ટેશન સામેની અલંકાર ટૉકીઝમાં આવી, છતાં ફિલ્મ ધાર્યા કરતા ય વધુ ફાલતુ નીકળી. પણ એ પછી દિલીપ કુમારની ફિલ્મ 'રામ ઓર શ્યામ' ત્યાં જ રીલિઝ થઇ ને બોક્સ ઓફિસની જાહોજલાલી દેખાવા માંડી. રાજેશ ખન્નો કબૂલ નહતો કરતો કે, ફિલ્મ 'ઔરત' એની પહેલી ફિલ્મ હતી, તેને બદલે એ પોતે ચેતન આનંદની ફિલ્મ 'આખરી ખત'ને પોતાની પહેલી ફિલ્મ કહેવડાવતો. હકીકતમાં રીગલ ટૉકીઝમાં રજુ થયેલી ફિલ્મ 'રાઝ' પહેલા રીલિઝ થઇ હોવાથી લોકો તો એને જ ખન્નાની પહેલી ફિલ્મ માને ને ? એ 'ઔરત' ફિલ્મ રીલિફ ટૉકીઝમાં આવી ને પિટાઇ ગઇ. એને જલ્દી જલ્દી એટલે ઉતારી લેવાઇ કે દેવ આનંદની ઑલટાઇમ ગ્રેટ ફિલ્મ 'જ્વેલ થીફ'' રીલિફમાં રજુ કરી શકાય. નવાઇ લાગે, પણ એ જ અરસામાં અશોક ટૉકીઝમાં ફિરોઝ ખાન- મુમતાઝની ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ઓપી નૈયરના 'તોડી તબલાં ને ફોડી નાંખ પેટી' બ્રાન્ડના અલમસ્ત સંગીતને કારણે સારો બિઝનેસ કરાવતી હતી. રીગલમાં શશી કપૂર- રાજશ્રી- સંજય ખાનની ફિલ્મ 'દિલને પુકારા' મૂકેશના નવબહાર ગીત, 'વક્ત કરતા જો વફા, આપ હમારે હોતે..' છતાં કોઇ વકરો કરી ન શકી. લાઇટ હાઉસમાં ફિલ્મ 'ફર્ઝ'ની ૩૦-૩૫માં સપ્તાહમાં ય ટિકીટો નહોતી મળતી, ત્યાં એની સામે આવેલા લક્ષ્મી સિનેમામાં શશી કપૂર- શર્મીલા ટાગોરની 'આમને-સામને'માં કાગડા ઊડતા હતા. યસ. રૂપમ ટૉકીઝમાં મનોજની ફિલ્મ 'ઉપકારે' તો સિનેમાની બહાર 'હાઉસ ફૂલ'ને બદલે 'ભરચક'નું પાટીયું કાયમ લટકતું રાખ્યું હતું.

અમદાવાદમાં 'ઉપકાર' એક વર્ષ ચાલી, એ બધું બરોબર પણ એ કોઇ ગ્રેટ કે ક્લાસિક કહી શકાય એવી ફિલ્મ નહોતી, તો ફાલતુ ય નહોતી. આપણે એ વખતે જોઇ ત્યારે આપણને ગમી જ હતી, પણ આજે ૪૭- વર્ષ પછી આ ફિલ્મને ફરી જોઇ, ત્યારે આંચકો નહિ પણ એક નાનકડું આંચકુ જરૂર લાગી ગયું કે, શું જોઇને આ ફિલ્મ અમદાવાદીઓએ એક વર્ષ સુધી જોયે રાખી હશે ? અફ કૉર્સ, એ સમયની મોટા ભાગની ફિલ્મો કરતાં તો 'ઉપકાર' ઘણી સારી હતી અને પહેલી વાર દિગ્દર્શન હાથમાં લેનાર મનોજ કુમારનો ખભો થાબડવો પડે, એટલી (એ જમાના પ્રમાણે) 'હટકે' ફિલ્મ જરૂર બની હતી. હિંદી ફિલ્મોમાં, ખાસ કરીને ગીતોના 'ટૅકિંગ' (ફિલ્માંકન)માં વિજય આનંદ, રાજ કપૂર, ગુરૂદત્ત અને રાજ ખોસલાએ ગજબના કૌવત બતાવ્યા છે. ગીત તો રાબેતા મુજબ, માની લો કે, 'મેરે દેશ કી ધરતી, સોના ઊગલે...' ફિલ્માવાનું સોંપ્યું હોય તો સામાન્ય દિગ્દર્શક સામાન્ય રીતે જ એનું 'ટૅકિંગ' કરે, પણ મનોજ કુમારે એક પછી એક અદ્ભુત ઍન્ગલ્સથી પોતાની તમામ ફિલ્મોના ટૅકિંગ્સમાં પેલા માંધાતાઓની બરોબરી કરી છે.

'શોર' સુધી તો આલા કામો થયા છે, પણ પછી પ્રયોગો કરવામાં એના ફ્રૅમિંગ્સ બહુ લાઉડ થવા માંડયા. આપણને ય ખબર પડે કે, જસ્ટ... કોઇ અલગ શૉટ લેવા માટે મનોજે જરા વધુ પડતી 'નોંધાવી' છે.

'ઉપકાર' ખૂબ ચાલી, એના મુખ્ય કારણો પૈકીનું એક ખલનાયક પ્રાણનો બદલાયેલો રોલ પણ હતો. પ્રેક્ષકોએ એને હરદમ ગુંડા-મવાલી તરીકે જ જોયો હતો ને આ ફિલ્મમાં ય ગૅટ-અપ હલકટથી કમ નથી. પણ પ્રેક્ષકો દંગ રહી ગયા કે, પહેલી વાર આ ફિલ્મમાં પ્રાણ 'સારો માણસ' બન્યો છે અને હવે પછીની બધી ફિલ્મોમાં એ સારો જ રહેશે. 'મલંગ ચાચા'નું એનું પાત્ર મનોજ કુમારે સુંદર ઢબે ઉપસાવ્યું હતું. લોકો હજી આઘાતમાંથી બહાર નહોતા આવ્યા, એટલે હજી ફિલ્મ પૂરી થતાં સુધીમાં પ્રાણ જરૂર કોઇ બદમાશી કરશે, એવી શંકાએ પ્રાણના કૅરેક્ટરને વધુ ફૅમસ બનાવ્યું. બેશક એ ઑલટાઇમ ગ્રૅટ ઍક્ટર તો હતો જ ને એમાં 'સજ્જન બનવાની' પહેલી તક મનોજ કુમારે આપી, એમાં પ્રાણ છવાઇ ગયો. અમે તો આ ફિલ્મ વખતે માંડ કોઇ ૧૫ વર્ષના એટલે પોળને નાકે યાદ છે કે, 'ઉપકાર' જોઇને આવેલા દોસ્તોને શંકાભરી નજરથી પૂછીએ પણ ખરા કે, ''ના બે ના... હજી તું રૂપમમાં પાછો જા... પ્રાણીયાનો કોઇ ભરોસો નહિ.. ફિલ્મ પૂરી થયા પછી ય હીરોઇન ઉપર બળાત્કાર કરે એવો છે.''

અલબત્ત, પ્રાણને પહેલી વાર સજ્જનનો રોલ આપનાર મનોજ કુમાર નહિ, રાજ કપૂર હતો, ફિલ્મ 'આહ'માં એ રાજના દોસ્ત તરીકે બિલકુલ જૅન્ટલમૅન બની જાય છે ને ફિલ્મ પૂરી થયા પછી પણ બગડતો નથી. એક પગે લંગડા ફકીર મલંગ ચાચાના મુખે મન્ના ડે પાસે 'કસમે વાદે પ્યાર વફા સબ, બાતે હૈ બાતોં કા ક્યા ?' પ્રજાને આજ સુધી યાદ રહી ગયું છે. મન્ના ડે ના એ વખતે જુહુ ખાતેના 'આનંદન' બંગલામાં બે કલાક બેઠા પછી મેં એમને પૂછ્યું હતું કે, ''તમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોનું આજ સુધીનું સર્વોત્તમ ગીત ક્યું ?' તો કાચી સેકન્ડમાં દાદાએ કહી દીધું, ''સવાલ હી પૈદા નહિ હોતા... લતા-રફી કા 'જો વાદા કિયા વો નિભાના પડેગા...'' થી વધુ સારૂં બીજુ કોઇ ગીત મને તો નથી લાગતું.'' એમણે વળતો હુમલો મારી ઉપર ય કર્યો કે, મને ક્યું ગીત સર્વોત્તમ લાગે છે ? તો મેં ય ક્ષણ બગાડયા વિના કહ્યું, ''દાદા, મારી હૈસીયત નથી કે, આવો જવાબ હું આપું, પણ મેં પૂછ્યું ત્યારે તમે 'કસમે વાદે પ્યાર વફા સબ...'ને પહેલું ગણશો, એવી મારી ગણત્રી હતી. જવાબમાં દાદાએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, ''હા... I have tried to generate pathos with melody in that Song... do you think I succeeded? અગેઇન... મારા માટે એ કૉર્સ અને હૈસીયત બહારનો સવાલ હતો, પણ અત્યારે આપણા કામની વાતમાં, ઢોલ એ વખતે ઠોકાયું હતું ને પડઘો અત્યારે ય પડે છે કે, આ ગીતમાં દાદાએ માત્ર વેદના જ નહિ, ગીતની મૅલડી ય બરકરાર રાખી છે. એ વાત જુદી છે કે, આ ગીતમાં ગીતકાર ઇન્દિવરે ગ્રામરની આટલી મોટી ભૂલ કરી હોવા છતાં હજી સુધી કોઇનું ધ્યાન કેમ નથી ગયું ? ''... આસમાન પે ઊડનેવાલે મિટ્ટી મેં મિલ જાયેગા..''

તમને કાંઇ ખ્યાલ આવ્યો ? મને આવ્યો. 'ઊડનેવાલે' બહુવચનમાં વપરાયેલો શબ્દ છે, એ હિસાબે મિટ્ટી મેં મિલ જાયેગા' ન આવે. 'મિલ જાયેંગે' આવે તો ગીતનું મીટર સૅટ નથી થતું. અથવા તો, 'આસમાન મેં ઊડને ''વાલા''... લખો તો 'મિટ્ટી મેં મિલ જાયેગા' બંધ બેસતું આવે !

યસ. મલંગ ચાચાના રોલને વધુ પડતો ચગાવવાના મોહમાં મનોજ વ્યાવહારિકતા ભૂલી ગયો છે. યુધ્ધમાં સખ્ત જખ્મી થઇને લોહીલુહાણ મનોજ પાછો આવે છે ત્યારે એને સારવારમાં લઇ જવાને બદલે મલંગ ચાચા શેર-શાયરીઓની રમઝટ જેમ એક પછી ડાયલૉગ્સ ફટકારવા માંડે છે. થીયૅટરમાં ડાયલૉગ્સ દ્વારા તાળીઓ પડાવવાના ધખારામાં મનોજે વાત આખી લાઉડ બનાવી દીધી. નહિ તો એ જ મલંગ ચાચા પાસે આ ફિલ્મના કેટલાક સાહિત્યિક કક્ષાના સુંદર સંવાદો બોલાવ્યા છે. ફિલ્મના હીરોનું નામ 'ભારત' છે ને પ્રાણ એને સલાહ આપે છે, (૧) ''ભારત, જી ભર કે ઉપકાર કર લે, લેકીન પહેલે અપની સોચ...'' (૨) રામને હર યુગ મેં જનમ લિયા, મગર લક્ષ્મણ ફિર પૈદા નહિ હુઆ...' (૩) ગાંવવાલે જૂતે મારેંગે ઔર ગીનેંગે ભી નહિ (૪) ઇસ દેશ મેં રાશન પર ભાશન (ભાષણ) બહોત હૈ, પર ભાશન પર રાશન કોઇ નહિ.

આ સિવાય ઇન્દિવરે મુહમ્મદ રફીના ગીતમાં એક ટુકડો સરસ મૂક્યો છે, ''જીસ દેશ કા બચપન ભૂખા હો, ફિર ઉસકી જવાની ક્યાં હોગી ?''

પ્રેમ ચોપરા આજીવન ખલનાયક રહ્યો. એ જમાનામાં પર્સનાલિટી તો હીરો જેવી હતી, છતાં એ હીરો બન્યો જ નહિ, પણ આ ફિલ્મમાં મનોજે એને ઍક્ટિંગ બતાવી દેવાનો મોકો આપ્યો ને ચોપરો છવાઇ પણ ગયો. ૭૯ વર્ષના પ્રેમ ચોપરા (તા.૨૩ સપ્ટૅમ્બર, ૧૯૩૫) એ હમણાં જ પોતાની આત્મકથા બહાર પાડી છે, જેનું ટાઇટલ છે, 'પ્રેમ નામ હૈ મેરા.. પ્રેમ ચોપરા' વિલન હોવા છતાં સૉફ્ટ-વૉઇસમાં સંવાદો બોલવા એની આગવી સ્ટાઇલ છે. બહુ ઓછાને ખબર હશે કે, પ્રેમ ચોપરા રાજ કપૂરનો સગો સાળો થાય. તેમ જ મુંબઇના સ્ટેજ કલાકાર અરવિંદ જોશીના, હવે મોટું નામ ધરાવતા-પુત્ર અને હીરો શર્મન જોશીના પ્રેમ ચોપરા સસુરજી થાય. મુંબઇ બહાર હિંદી ફિલ્મના કલાકારોને જોવા ટોળા વળે છે, પણ મુંબઇમાં એ લોકો સામાન્ય નાગરિકોની જેમ ફરતા હોય છે. લોકોને ખબરે ય હોય છે કે, 'આ શત્રુધ્ન સિન્હા છે કે આ અક્ષય કુમાર છે.' તો ય કોઇ એમને ઊભું રાખતું નથી, નહિ તો પ્રેમ ચોપરા વર્ષોથી વહેલી સવારે ગાર્ડનમાં એના દોસ્તો સાથે ચાલવા જાય છે ને ભાગ્યે જ કોઇ નોંધ લે છે.

યસ, આ ફિલ્મ આટલી બધી સફળ થઇ, એના એક કારણમાં વી.એન.રેડ્ડીની મનોરમ્ય ફોટોગ્રાફી પણ છે. મોટા ભાગે આઉટડોર અને તે ય ખેતરોમાં શૂટિંગ થયું હોવાથી 'ઉપકાર' નું હરએક દ્રષ્ય રેડ્ડીએ જી-જાનથી ઉતાર્યું છે. કૅમેરા ક્યાં મૂકવો અને શોટ કેવો લેવો, એ ચોક્કસ મનોજ નક્કી કરે, પણ રેડ્ડી પણ મજેલો ટૅકનિશીયન હતો.

ફિલ્મમાં એવી કોઇ ફાઇટ છે પણ નહિ ને જેટલી છે, એ ફાઇટ- માસ્ટર રવિ ખન્ના અને બી.એમ.શેટ્ટીને કોઇ ગૌરવ અપાવે એવી નથી. એ જમાનાની ફિલ્મોની ફાઇટ્સ બહુ રદ્દી- ઘરાણાની રહેતી. આપણે નરી આંખે જોઇ શકીએ કે, મોંઢાથી અડધો ફૂટ દૂરથી મુક્કો ગયો છે ને કોઇ ઢીશુમ બોલે છે, એમાં માર ખાનારો ૨૦ ફૂટ દૂર જઇને કેવી રીતે પડે ?

મનોજને અપેક્ષિત ન હોય, એવા ય કેટલાક કૉમેડી દ્રષ્યો ભૂલમાં ભજવાઇ ગયા છે. ઘાયલ મનોજને લશ્કરી હૉસ્પિટલમાં લોહીની જરૂર પડે છે ને એની સાવકી પણ પ્રેમાળ માં કામિની કૌશલ દરેક ફિલ્મી માંવરોની માફક ડૉક્ટરને કહી દે છે, ''ડૉક્સાબ... જીતના ભી ખૂન લેના હો, લે લિજીયે મગર મેરે ભારત કો બચા લીજીયે'' ડૉક્ટર ના પાડે છે કે, 'બેન, તારૂં બ્લડ- ગ્રૂપ મનોજને મૅચ નથી થતું.' તો પેલી આંસુઓના ધધૂડા વહાવતી નવી ઓફર મૂકે છે, ''... તો ક્યાં...? મેરે આંસુઓ કી કોઇ કિંમત નહિ...?''

તારી ભલી થાય ચમની... ઘાયલ દર્દીને લોહીના બાટલા જ ચઢાવવા પડે, આંસુઓના નહિ. વળી, મનોજ કાંઇ નહિ ને સિપાહીના રોલમાં તો જાવા દો ભઇ' સા'બ... કેવો લાગે ? આપણને ખીલખીલાટ હસવું જ આવે- બીજું કાંઇ ન આવે એવી રીતે એ મોરચા ઉપર બંદૂક પકડે છે ને, વહેલી પરોઢના છાપાનો ફેરીયો સાયકલ પર બેઠો બેઠો આપણી બાલ્કનીમાં છાપું ફેંકે, એ ઢબથી મનોજ દુશ્મન છાવણી ઉપર હૅન્ડ- ગ્રેનેડ ફેંકે છે. બાકીના માણસો ય એના જ ને ? એટલે મનોજના બન્ને હાથ કાપવાનું હૉસ્પિટલમાં આશા પારેખ ઓપરેશન કરે છે, પણ બિલકુલ વહેલી સવારે તો એ તદ્દન ફ્રેશ થઇ ખેતરમાં ખબે હળ નાંખીને અધૂરૂં રહી ગયેલું ગીત, ''મેરે દેશ કી ધરતીઇઇઇ...'' પૂરૂં કરે છે.

એક વાતની કેવળ મને જ નહિ, તમને બધાને ય સમજ નહિ પડે કે, હિંદી ફિલ્મોના હીરાઓની માંવરો વિધવા જ કેમ હોય છે ? ધોરણ- ૬-બ ના બાળકોની જેમ એનો યુનિફોર્મ પણ નક્કી જ હોય, સફેદ સાડલો. આપણે એમ નથી કહેતા કે હીરોલોગની વિધવા માતાઓને રેડ- ટી શર્ટની નીચે સ્પોર્ટ્સ શૂઝ સાથે જીન્સ પહેરાવો, પણ વાસ્તવમાં કેટલી વિધવાઓ હવે ધોળા હાડલા પહેરે છે ? હસવું સાલું એ વાતનું આવે કે, પરદા ઉપર આવે ત્યારથી હીરોલોગની માંવરો રોતી જ હોય. નીસરણી ઉપરથી ય એ જ પડે પણ પાટો કપાળમાં જમણી બાજુએ લાલ ડાઘવાળો જ હોય.

આ બધી માંવરોને એક ડાયલોગ ફરજીયાત આપી દેવામાં આવે છે, ''આ ગયા મેરા લાલ..?'' પણ ડોસી, પેલો નજર સામે થાંભલા જેવો ઊભો છે તે આખો દેખાતો નથી તે પૂછે છે, ''આ ગયા મેરા લાલ...?'' પેલો ય હા પાડે છે, એમ નથી કહેતો કે, ''ના... હું નથી આયો.. હું તો હજી નીચે ઊભો છું.''

No comments: