Search This Blog

29/10/2014

મિ. બુચ

મારા ખાનદાનમાં એક વિસુભ'ઈ હતા. આજે નથી. નથી એટલા માટે કે, ભલભલા ઢાંકણાં દાંતોથી તોડવામાં એમની માસ્ટરી હતી. છેલ્લું ઢાંકણું તોડયું, એ ગળી ગયા. એમણે દેહ છોડી દીધો, પણ ઢાંકણું છોડયું નહિં. એ ગળાની વચ્ચોવચ ભરાઈ ગયું, એ દરમ્યાન એમણે શ્વાસના અનેક પ્રકારના અવાજો કાઢ્યા. બધાએ ભેગા મળીને એમનું ગળું હચમચાવ્યું. કોઈકે વળી ગળામાં સળીયો નાંખી જોયો, તો કોકે ગરમ દિવેલ રેડી જોયું, પણ ઢાંકણું ખસ્યું નહિં. એમાં કારણ તો ગુરૂત્વાકર્ષણનું હશે, પણ ઢાંકણું પેટ તરફ સરક્યું. પેટમાંથી પેલા ગળા જેવા અવાજો નહોતા આવતા... છેલ્લી એક હેડકીનો અવાજ આવ્યો અને અમારે રજાને દિવસે સ્મશાનનો ધક્કો પડયો. વાઈફ તો બહુ ખીજાણી કે, આવા ઢાંકણાં રવિવારોએ તે ગળાતા હશે? ''માણસું બીજાનો તો વિચાર જ નથી કરતા.''

પણ વિસુભ'ઈનું સમગ્ર જીવન ઢાંકણા તોડવામાં ગયું. રામ જાણે, એ જન્મ્યા ત્યારે એમની બા કઇ ફેક્ટરીમાં વિસુભ'ઈનાં દાંત બનાવી લાવ્યા હશે કે, ગમે તેવી શીશી લઇ આવો, ખુલતી ન હોય તો વિસુભ'ઇના દાંત ભલભલા બુલંદ દરવાજાઓ તોડી શકે, ત્યાં નાનકડું આવડૂં અમથું શીશું તો વિસુભ'ઈના ડાબા દાંતનો ખેલ કહેવાય! લોકવાયકા તો એવું ય કહે છે કે, વિસુભ'ઈએ એમની લોખંડી કરિયરમાં અનેક ગૅરેજોના તાળા કેવળ દાંતથી તોડયા હતા. અમુક નાજુક તાળાઓ ઉપર તો એમને દાંત બેસાડવા ય નહોતા પડતા. આરોપી તાળાં સામે જોઈને વિસુભ'ઈ હોઠ ખુલેલું સ્માઈલ આપે, એમાં ય એ તૂટી જતા.

ને આવી પ્રતિષ્ઠાત્મક કરિયર હોવા છતાં વિસુભ'ઈ ઘરમાં ફેઈલ જતા. થયો હશે કોઈ નાનકડો ઝગડો-બગડો ને ધાંય ધાંય થયેલા વિસુભ'ઈએ ગુસ્સામાં આવીને એમની સગ્ગી વાઇફના બાવડે બચકું ભર્યું. મને યાદ છે ને કે, લોકો ભેગા બી થઈ ગયેલા. નક્કી ગુણીબેનના બાવડે ત્રણ કાણાં પડી ગયા હશે. પણ એ ય વિસુભ'ઈની વાઇફ હતી. આવા તો બહુ બધા બચકાં જોઈ લીધેલા. સરવાળે રીઝલ્ટ એ હતું કે, બચકું ભર્યા પછી વિસુભ'ઈના દાંત અંદરની તરફ વળી ગયેલા ને ગુણીબેને તો બાવડાને ખાલી ખંખેર્યું જ હતું. સાલી આવી વાઈફ હોય તો એના પેટે છોકરાંછૈયાને બદલે લોખંડનું પીપડું જ બહાર નીકળે ! નીકળ્યું એ તો...! કહે છે કે, આવી ઢમઢોલ છોકરીને પરણવા માટે ત્રણેક મૂરતીયા જોઈએ... તો પ્રદક્ષિણા ફરીને એને પૂરી જોઈ શકે. એક-બેનું કામ નહિ.

મારા ઘરમાં ટોમેટો-કૅચઅપની બૉટલનું ઢાંકણું જામ થઈ ગયું. વિસુભ'ઈ તો વર્ષો પહેલા દેવ થઈ ગયેલા, એટલે એમને પાછા બોલાઈએ... એક ઢાંકણું ખોલવા, એ સમાજમાં સારું ન દેખાય, એટલે વાઇફે મને 'વિસુ-અવતાર' લેવાની પ્રપોઝલ કરી. ''અસોક, આ ઢાંકણું કે'દિ નું ખુલતું નથ્થી. જામ થઈ ગીયું લાગે છે. તમે જરા દાંત બેસાડો ને... કદાચ ખુલી જાય!'' મને સીતામાતાવાળો એ પ્રસંદ યાદ આવ્યો કે, સુવર્ણમૃગ લઈ આવવા એમણે ય શ્રી રામચંદ્રજીને આમ જ દોડાવ્યા હતા. પણ રામ આદર્શ પતિ હતા ને હું નહતો. કહે છે કે, રામ થવા માટે સીતા સમાન પત્ની જોઈએ. મારે તો સસુરજીનું ગોડાઉન ખાલી થયું, એમાં વધેલો છેલ્લો તાકો ઘેર લઈ આવવાનો હતો. નહિ તો વાઇફ જેવી બીજી તઈણ હતી ને ત્રણે ત્રણ પત્ની કરતાં પડકાર વધુ હતી. મને કહેવામાં આવ્યું હતું કે, મારા ત્રણેય સાઢુઓ એમને ભાગે આવેલી એક એક પત્નીને મિનિમમ ત્રણ-ત્રણ વખત પરણ્યા, ત્યારે એક લગન પૂરું થયું હતું. અમે તો હાળા રીસૅપ્શનોમાં ત્રણ-ત્રણ વખત ચાંદલા કરીને તુટી ગયેલા.

આ ચોથી હતી-મારાવાળી. મારામાં પાછી એ નૈતિક હિંમત નહિ કે, ઢાંકણું ખોલવાની એને ના પાડું. કહે છે ને કે, બધું અહીં ને અહીં ભોગવવાનું છે... ઉપર સ્વર્ગ કે નરક જેવું કાંઈ નથી... અને હોય તો ય, જે અહીં આવું જીવન ભોગવી ચૂક્યા હોય, એનું તો નર્કવાળા ય શું તોડી લેવાના છે? પાછું, આપણા મેરેજ થયા ત્યારે ડિમ્પલ તો ઝભલું પહેરીને ફરતી'તી, એટલે કોઈ ઉજળો વિકલ્પ પણ નહિ... આ તો એક વાત થાય છે!

મેં બૉટલ હાથમાં લીધી. મમતાભરી નજરે એના ઢાંકણા સામે જોયું. અંદર જઈને અરીસામાં જડબું પહોળું કરીને મારા દાંત પણ જોઈ લીધા. હું સખ્ખત હૅન્ડસમ લાગતો હતો... હવે નહિ લાગું. બોખા થઈ ગયા પછી સ્માઈલો આલવાની લઝ્ઝત ન મળે. હજી પૂરા બોખા થઈ જઈએ, તો ડૅન્ચરે ય કરાવી લઈએ, પણ આમાં તો ઉપરના ચાર ને નીચેના ત્રણેક દાંતો જ જવાના હતા. હજી દાઢો પડાવીએ ને અંદર ખોખું ખાલી હોય તો જાલીમ જમાનાની બુરી નજરોથી બચી શકાય છે, પણ આગળના સાત દાંત જવાથી જૂના જમાનાની ટપાલપેટી જેવું મોઢું લાગે. કોઈને બી અંદર આંગળી ફેરવવાનું ઝનૂન ઉપડે. મારે તો ઉપરથી જ મોંઢાની ડિઝાઈન ડીફૅક્ટિવ આવી છે. લોકોના મોઢાં આડી આંગળી મૂકી હોય, એવા આડા હોય છે. મારે ટોમેટો-કેચઅપની બૉટલના ઢાંકણા સરીખું ગોળ કુંડાળું આવ્યું છે. હસું ત્યારે પણ એ ગોળ આકૃતિમાં ખુલે છે. સ્માઈલોમાં બહુ પડતો નથી, કારણ કે, જગતભરના મનુષ્યો સ્માઈલ આપે, ત્યારે હોઠ પહોળા થાય છે... મારા હોઠના બન્ને ખૂણા એકબીજા તરફ આકર્ષાય છે ને ઉપરનો હોઠ વધુ ઉપર અને નીચેનો વધુ નીચે જાય છે. ચુંબનની તો એકે ય આકૃતિ પકડાતી નથી. ભૂતકાળમાં કોઈને કરવા ગયો છું, ત્યારે સ્ટીલની વાડકીમાં સોપારી ફરતી હોય, એવું પેલીને લાગતું.

''અસોક... આટલી બધી વારૂં કરવાની ઢાંકણા સામે જોવામાં? તોડતા કેટલા 'દિ કરશો?''

''આપણે નવી બૉટલ લઈ આવીએ તો? આને જવા દઈએ.''

''આના કરતા તો....''

મેં એને વચ્ચે જ અટકાવી દીધી. એટલા માટે કે, આના કરતા તો વિસુભ'ઈને પરણી હોત તો સારું થાત, એવું બોલી ન જાય...! ભલે એમાં મરત તો વિસીયો જ, પણ આપણને એમ કે, વાત ક્યાં આગળ વધારવી? મેં બોટલનું ઢાંકણું મોંઢામાં નાંખ્યું. કહે છે કે આમ કર્યા પછી, બન્ને હાથે બૉટલને જોરપૂર્વક પકડી રાખીને જમણી તરફ ફેરવવાની હોય છે, ડાબી તરફ નહિ. મારી લાઈફમાં મેં પહેલેથી જ ડાબા-જમણા વચ્ચે ભેદભાવ રાખ્યો નથી, પણ આમાં રાખવા જેવો હતો, કારણ કે, આમાં તો ઢાંકણું વધારે ટાઇટ થઈ ગયું. દવે-ખાનદાનના તમામ સભ્યો મુછમાં હસતા હતા. (ફક્ત પુરૂષ સભ્યો!)

''ડૅડ... આના કરતા તમે બૉટલનું તળીયું મોંઢામાં રાખીને ગોળગોળ ફેરવો. જલ્દી પાર આવશે.'' હવે છોકરાઓ ય મશ્કરી ઉપર ચઢ્યા હતા.

દેસી ઉપાય પણ આપણી પાસે હતો. બૉટલને વચ્ચેથી પકડીને બીજા હાથમાં ઢાંકણું પૂરજોશ ફેરવવાનું, પણ એ ઉપાય મારે વાપરવો નહતો. આદતના જોરે મારાથી રોજ સવારે ટુથપેસ્ટ પણ એવી જ રીતે પકડાઈ જાય છે. આખી પેસ્ટ ઉપર કચ્ચીને દબાવેલી મુઠ્ઠીનું જોર આવે, પછી ઢાંકણું ના ખુલે? બધું ય ખૂલે, પણ ટયુબમાંથી લિસોટો સીધો નીચે આવતો. નવસારી અને ભૂજ-કચ્છ બાજુ તો કહે છે, જામ થઈ ગયેલા ઢાંકણાંને એ લોકો બોટલને ઢાંકણા સાથે જમીન પર પછાડે છે. ખુલ્યું તો ઠીક છે, નહિ તો બૉટલ બીજી...!

બે-અઢી કલાક ટ્રાય મારવામાં નીકળી ગયા હતા. હવે તો આ લોકો સૅન્ડવીચ ઉપર કૅચઅપને બદલે ગોળનું પાણી ચોપડીને ખાવા માંડશે, એ બીકે પરાજય સ્વીકારીને બૉટલ વાઇફને આપી, ''આને ફેંકી દઈએ.''

એણે બહુ ઝેર ભરેલા સ્માઇલ સાથે બૉટલ હાથમાં પકડી. વૉશ-બેસિનનો નળ ખોલતી હોય એટલી આસાનીથી કાચી સેકંડમાં ઢાંકણું ખોલી નાંખ્યું. મને એ ન આવડયું કે, આવી બૉટલોના ઢાંકણાં ઉપર લૉકનું કામ કરતી પ્લાસ્ટિકની પટ્ટી ખેંચી કાઢવાની હોય છે.

સિક્સર

- કોઈપણ પ્રકારના ઝગડા, ધર્મ, રાજકારણ કે સમજ ભૂલીને આજે સમય આવ્યો છે, કેવળ દેશના સંરક્ષણનો...

ત્યારે પેલું નાનકડું બચોળીયું હજી ધરખમ પડેલા મારને ભૂલતું નથી ને એ જ જૂની પીપુડી વગાડે રાખે છે... એની બા ય ખીજાતા નથી... કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

No comments: