Search This Blog

12/02/2014

યેન્નકે તમિલ તેરીયાદુ....

મદ્રાસ કહેવાતું પહેલા તો. હવે 'ચૅન્નઇ' કહેવાય છે. કામ કર્યું હોત તો 'કર્ણાવતી' માટે પણ આવું જ કહેવાત કે, પહેલા 'અમદાવાદ' કહેવાતું.

ને એટલે જ, હજી મારા મોંઢે ચૅન્નઇ નહિ, મદ્રાસ જ નીકળે છે. છેલ્લે તો હું ૧૨મી જાન્યુઆરી- ૧૯૮૨માં ગયો ત્યારે ચોખ્ખુંચટ્ટ મદ્રાસ કહેવાતું. કીથ ફ્લૅચરની ઇંગ્લિશ ટીમ સામેની ટેસ્ટ-સીરિઝમાં ભારતનો કૅપ્ટન સુનિલ મનોહર ગાવસકર આપણા 'ગુજરાત સમાચાર'માં ટેસ્ટ મૅચનો રોજેરોજનો રીપૉર્ટ મને લખાવે. હું ગુજરાતીમાં અનુવાદ કરીને અમદાવાદ મોકલાવું. અગાઉની કોલકાતા...(સૉરી, એ વખતે તો એ કલકત્તા જ કહેવાતું !) ટેસ્ટથી હું એની સાથે. હ્યૂમરથી તો એ કેવો ભરેલો હતો અને આજે ય છે કે, એક જ દાખલો કાફી છે, આ લૅજન્ડની હાસ્ય ઉપરની પક્કડ બતાવવા માટે. વાતવાતમાં અમે બન્ને મજાકો ખૂબ કરતા, પણ મેં એને કહ્યું, ''સુનિલ, તારી હ્યૂમર જોયા પછી મને ચિંતા મારી 'બુધવારની બપોરે'ની થાય છે...''

''અશોક...ક્રિકેટ વિશે તારૂં નૉલેજ જોયા પછી મને ચિંતા દેશના ક્રિકેટની થાય છે...!... અને અમારામાં તો રીટાયર થવાનું ય હોય..!''

૩૩ વર્ષ પછી હવે ચૅન્નઇ જતો હતો. બધું બદલાઇ ગયું છે. સિવાય લૂંગી. અફ કૉર્સ, જે લોકોને મેં ૩૩ વર્ષો પહેલા લૂંગીમાં જોયા હતા, એ પછી એ લોકોએ એની એ લૂંગીઓ નહોતી પહેરી... વચમાં હજારો લૂંગીઓ બદલાવી હશે. પણ ન બદલાઇ લૂંગી ઊંચે લેવાની ફૅશન. એ જ, નીચે લટકતી લૂંગી પલભરમાં ઢીંચણ સુધી ઉપર ખેંચી લઇને ગાંઠ મારી દેવાની. મને ત્યારે પણ એ સવાલ થતો કે, દરજીઓ પહેલેથી જ ઢીંચણ સુધીની લૂંગી કેમ સિવતા નહિ હોય ? એવું નથી કે, માત્ર ગરીબ વર્ગના મદ્રાસીઓ લૂંગી પહેરે... શિક્ષિતો પણ પહેરે. ઉપર પાછું દસ હજારનું બ્લૅઝર કે બ્રાન્ડેડ-શર્ટ પહેર્યું હોય ! આપણા ચિદમ્બરમ પાર્લામૅન્ટમાં પણ લૂંગી પહેરીને આવે છે... એ વાત જુદી છે કે, મોદી એને ખેંચ ખેંચ કરીને ચિદુને પજવે છે. એવું નથી કે, સામાન્ય મદ્રાસીઓ જ લૂંગી પહેરે ને ઊંચી ચઢાવે. ત્યાં તો કરોડપતિ પણ આમ જ હોય, છતાં એ લોકોની બાઓ ના ખીજાતી હોય !

ફ્લાઇટમાં મારી બાજુમાં ઢીંચણ સુધીની લૂંગી બેઠી હતી. જો કે, એમાં મારા બાપનું શું જતું'તું...પણ આપણને ડર રહે કે, આપણે આવું પાટલૂન ઊંચુ કરી શકતા નથી ને આને કોઇ રોકતું નથી. ઍર હૉસ્ટેસો તો આપણી મા. બહેન કહેવાય ને એ આવું જુએ તો એને તો એવું જ લાગે ને કે, અમે બન્ને સગામાં હોઇશું ? આ તો એક વાત થાય છે !

યૂ સી...એ લોકો લૂંગી પહેરે, એ તો એમનો પોષાક છે, આપણો સવાલ લૂંગીના ઉપર જવા સુધીનો છે. એ શું કામ ? ગુજરાતમાં આપણા કાકાઓ પણ ધોતીયાધારીઓ હતા.. એ કોઇ 'દિ અડધું ધોતીયું ઊંચુ લેતા'તા ? (જવાબ ઃ નહોતા લેતા. જવાબ પૂરો)

મારી સીટ વિન્ડો પાસે હતી, એટલે મેં ઘણું જોર કરી કરીને પણ, મારૂં ૩૦ સેકન્ડમાં પતે એવું સપનું પતાવીને પાછા આવવાનું ય માંડી વાળ્યું.. એમાં તો એને પગ વધારે ઊંચા લેવા પડે ! આપણો પહેલેથી સ્વભાવ. સહન થાય એટલું કરી લેવાનું, પણ રાજ્યમાં બળવો ફાટવા નહિ દેવાનો ! સુઉં કિયો છો ?

હશે એ તો... આપણે ક્યાં કોઇનામાં ઊંડા ઉતરવું હોય, એટલે પ્લેનમાં બેઠા બેઠા મેં પૅન્ટની બાંયો ઉપર વાળે રાખી... ન વળાઇ ! જગતમાં હરકોઇની ઉન્નતિ મળતી નથી, પણ ઇર્ષા કરવાનો આપણો સ્વભાવ એ તો !

મારે લૂંગીનું નામ પૂછવું હતું. એની સાથે સુખ દુઃખની વાતો કરવી હતી. પણ ફ્લાઇટોમાં તમને ય ખબર છે કે, કોઇ કોઇની સાથે બોલતું નથી. આજુબાજુની સીટની આ જ બેઠક- વ્યવસ્થા હૅર-કટિંગ સલૂનોમાં ય હોય છે. પણ જરીક પેલાનો અસ્ત્રો આઘો થયો કે, બે અજાણ્યા ગ્રાહકો એકબીજાને પૂછી લે છે, ''શું લાગે છે મોદીનું ?'' જવાબમાં પેલો નમ્રતાપૂર્વક કહે પણ ખરો, ''ના... મોદીને આપણા જેટલો દાઢીનો ખર્ચો નહિ આવતો હોય !''

લૂંગી સાડા છ ફૂટ ઊંચો થાંભલો હતો. સાયન્સ વચમાં ન આવ્યું હોત તો, એ જન્મ્યો ત્યારે પણ આટલો લાંબો હોત ! તેલ નાંખેલા વાંકડીયા કાળા-ધોળા વાળમાં વચ્ચે પાંથી પાડી હતી. સફેદ કાચના કાળી ફ્રેમના ચશ્માની પાછળ સામાન્ય રીતે ગાયને હોય, એટલી મોટી આંખો હતી. કપાળ ઉપર પવિત્ર તિલક કર્યું હતું ! પરમેશ્વર ચામડીના રંગની વહેંચણી કરતી વખતે આને કૂપન આલવાનું ભૂલી ગયો હશે, નહિ તો આવો કલર પકડાય નહિ ! એ તો પાછો કાનના વાળ માટે ય કાંસકો ફેરવતો હતો. સાઉથ ઇન્ડિયામાં મૂછો ઉપર પેટ્રોલ મળતું હોય, એમ મોટા ભાગના બધા મૂછો રાખે છે- સ્ત્રીઓ સિવાય ! આણે મૂછો રાખી છે, એમ કહેવાને બદલે ગમે ત્યાંથી આને મૂછો ચીપકી ગઇ હશે, એવું વાચકોએ માનવું. મૂછો ઉપર એનો ગજબનો કન્ટ્રોલ હતો, મૂછનો એક દોરો ય વેડફાયો નહતો કે વપરાયા વગરનો પડી રહ્યો ન હતો. કારણ કે, ઊગી ત્યારથી મૂછો વાપરવા કાઢયા પછી સલૂનમાં કપાયેલા મૂછના વાળ પાછા ચોંટાડી દેતો હશે, નહિ તો આવો જથ્થો ના આવે, ભ'ઇ !

એ મારી સામે જોતો જ નહતો. વાસ્તવિકતા ઊલટી હોવી જોઇએ, પણ મને એવા ગૂમાન નહિ. મેં એને સ્માઇલ સાથે કહ્યું, 'હેલ્લો'.

જડબું ખુલ્યું. એ પછી એ જે કાંઇ બોલ્યો, એને તમિલ કહેવાતી હશે, એમ માનીને મેં એક ગોખેલું વાક્ય બોલી દીધું, ''યૅન્નકે તમિલ તેરીયાદુ''...એટલે કે, મને તમિલ આવડતું નથી. એ બીજુ કાંઇ બોલ્યો એના જવાબમાં. હું ઇંગ્લિશમાં એક જ શબ્દ વિનમ્રતાથી બોલ્યો, ''ગુજરાત''. એને મારા ઇંગ્લિશ ઉપર માન ઉપજ્યું હશે, એટલે સંબંધ વધારવા એણે તમિલ ચાલુ કર્યું, ''ગુજરાત..? આશા પારેખ તેરી મા ?''સીટ-બૅલ્ટ બાંધ્યો હોવા છતાં હું ઊંચો થઇ ગયો.

મને સમજાયું નહિ, કે ક્યા ઍન્ગલથી હું આને આશા પારેખના બાબા જેવો લાગતો હોઇશ ? વળી એની ઇન્કવાયરીમાં ટૅકનિકલ ભૂલ હતી કે, આશા પારેખ તો ફૂલટાઇમ કૂંવારી હીરોઇન છે, તો એ મારા 'મૉમ' કેવી રીતે થાય ? વળી, મારા પોતાના ઘરે તો એક માં પડી જ છે. મેં... હું કાંઇ સમજ્યો નથી, એવા ઇશારે મોંઢુ મચડયું. એણે ફરીથી પૂછે રાખ્યું, ''આશા પારેખ તેરી મા..?''

છેવટે ચીડાઇને મેં કહી દીધું, ''આશા પારેખ મેરી માં, તો માયાવતિ તેરી માં...!'' તુ સમજે છે શું, એનો મને તમિલ કે ઇંગ્લિશ અનુવાદ આવડતો નહતો, એટલે બોલ્યો નહિ.

એ ભોળો તમિલમાં મને એટલું જ પૂછતો હતો કે, 'તમે આશા પારેખને ઓળખો છો ?' પણ આ તો શું કે, આમ આપણને કોઇના પર્સનલ રીલેશનમાં જવાની ટેવ નહિ !... કોઇ પંખો ચાલુ કરો.. બે મહિનાથી બંધ જ રાખ્યો છે તે..!

ઇન ફૅક્ટ, સંબંધોમાં ઉષ્મા ભરવાનું કારણ એ હતું કે, જો એને હું સમજાવી શકું તો મારે એની લૂંગી નીચે લેવડાવવી હતી. ન લે તો ભલે ન લે, પણ લૂંગી ઊંચી રાખવાનું કારણ પણ મળી જાય તો આપણે ગંગા નહાયા. મને ટૅન્શન થયે જતું હતું. પણ પૂછવું કઇ રીતે ? ફ્લાઇટમાં બધાની વચ્ચે મને મારે તો ?

એક વિચાર આવ્યો કે, કોઇ સારા માયલી ઍર હૉસ્ટેલ પાસે પાણી માંગવાના બહાને જઇને એની પાસે ફરિયાદ કરવી કે, મારાથી આ ઊંચી લૂંગી જોવાતી નથી. પાસે બોલાવીએ તો લૂંગી સાંભળી જાય. જો કે, આવું તો એને ય મારાથી કેમ કહેવાય ? આમ પાછો હું સ્ત્રી-દાક્ષિણ્યનો સમર્થક ખરો. ના પૂછ્યું. કોઇને ના પૂછ્યું.

ચૅન્નઇ આવ્યું. ફ્લાઇટોમાં આપણી એસ.ટી.ની બસો કરતા વધુ શિસ્ત હોતી નથી. કેમ જાણે પ્લેન ઊભુ રહેતા જ નીચે ભૂસકો મારવાનો હોય, એમ બધા દરવાજા પાસે લાઇનમાં ઊભા રહી જાય છે. એમને એ ભાન પણ ન હોય કે, આટલી બધી ઉતાવળ કર્યા પછી, સામાન લેવા માટે કન્વેયર- બૅલ્ટ પાસે તો અડધો કલાક ઊભા રહેવું પડે છે..!

લૂંગી પણ મારી જેમ બેસી રહી... મેં એને સ્માઇલ આપ્યું. આ વખતે પહેલી વાર એ ચોખ્ખા ઇંગ્લિશમાં જે કાંઇ બોલ્યો, એનો અર્થ એટલો થતો હતો કે, મારે પોતાને કાચી સેકન્ડમાં ગભરાઇને નીચે જોવું પડયું... હું બહુ મોટી ભૂલ સાથે ફ્લાઇટમાં ચઢ્યો હતો...!

અશોક કુમાર... 'અન્યનું તો એક વાંકું, આપણા અઢાર છે !'

સિક્સર

- કોઇ માની ન શકે, એટલા ચીરફાડ ભાવ મલ્ટિપ્લૅક્સ થીયેટરોવાળા પોપ-કૉર્ન, સમોસા કે ચા-કોફીના પડાવે છે ?
- દયાળુ છે... હાઉસમાં બેઠા પછી સીટ પર માથું મૂકવાના કે કાર્પેટ પર પગ મૂકવાના પૈસા નથી લેતા.

09/02/2014

ઍન્કાઉન્ટર: 09-02-2014

* ધર્મસ્થાનોમાં મહિમા ત્યાગ અને દાનનો જ કેમ ગવાય છે ?
- ભક્તો માટે જ, ગુરૂઓ માટે નહિ !
(કનૈયાલાલ ભાવસાર, વડનગર)

* 'ઍન્કાઉન્ટર'માં તમારો ફોટો કેમ નથી મૂકતા ?
- નૅગેટીવ છાપવી પડે !
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* 'જીનકે સર હો ઈશ્ક કી છાંવ... પાંવ કે નીચે જન્નત હોગી..' આપનો અનુભવ ?
- અમારામાં બહારના ઑર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપી શકાતું નથી એટલે ડામરની સડક ઉપર જ રહીએ છીએ.
(દિપક આશરા, ગાંધીનગર)

* પિતૃઓ માટે મૂકેલ શ્રાધ્ધ એમના સુધી પહોંચતું હશે ખરૂં ?
- ના, પણ જીવતા હોય ત્યાં સુધી ઘરમાં જ જમાડો ને !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* અન્ના હજારે જેવા દેશપ્રેમી સરકાર સામે ઝૂકી કેમ ગયા ?
- પબ્લિસિટીની જેટલી ભૂખ હતી ને તુલના મહાત્મા ગાંધી સાથે કરાવવી હતી... એ બધી વાસનાઓ સંતોષાઇ ગઇ !
(ભાસ્કર સોલંકી, પાટણ)

* વસ્ત્રાહરણના કૅસમાં દ્રૌપદીને બદલે મલ્લિકા શેરાવત હોત તો ?
- કોણ મલ્લિકા શેરાવત... ? અરે, એ હવે બુઢ્ઢી થઇ ગઈ...! હવે સની લિયોનની વાત કરો, સેઠજી !
(પુષ્ટિ ધવલ શાહ, વડોદરા)

* સમાજ વિધવાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવે, પણ વિધૂરોની અદેખાઇ કરે. એવું કેમ ?
- વિધવા કોક 'દિ કામમાં આવે....વિધૂરો પાસેથી શું લાટા લેવાના ?
(ભુપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

* 'કરવા ચોથ'ની રાત્રે ગૃહિણીઓ ચાળણીના કાણાઓમાંથી ચંદ્ર જુએ છે...એમના ગોરધનો પાસે ચાળણી ન હોય ?
- આજુબાજુના ઘરની બારીઓના કાણા કે તિરાડોમાંથી જોઇ લેવું વધુ સલાહભર્યું છે.
(ડૉ. પ્રફૂલ્લ કાચા, મોરબી)

* દવાની સાથે જ દારૂ કેમ બોલાય છે ?
- ડૉક્ટરની સાથે દર્દી જ બોલાય....દરજી નહિ !
(સલમા મણીયાર, વિરમગામ)

* માણસ જીવનના ઉત્તરાર્ધમાં સાચું બોલતો હોય છે....તમારે કેમનું છે ?
- એવું કાંઇ નથી. હું ય ઘણી વાર સાચું બોલતો હોઉં છું.
(કરસન મોઢવાડીયા, પોરબંદર)

* બ્રાહ્મણો દર વર્ષે જનોઇ કેમ બદલાવે છે ?
- જનોઇ બ્રાહ્મણો માટે અતિ પવિત્ર ચીજ છે. એ ચોખ્ખી હોવી જરૂરી છે...મૂળ કારણ આ.
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

* 'હિંદુ-મુસ્લિમ ભાઇ-ભાઇ' એટલે શું ?
- ગમ્મત.
(કોકિલા પંડયા, ભાવનગર)

* શું ગીરનાર પર્વત પર રોપ-વે નાંખવો હિતાવહ છે ?
- પ્રૅક્ટીસ પાડવી સારી. રોજેરોજ જામ થતા ટ્રાફિકને જોયા પછી રસ્તો પાર કરવા ય રોપ-વેની જરૂર પડશે.
(રાજેન્દ્ર જ. ઠાકર, જૂનાગઢ)

* એક સરકારી મહિલા કર્મચારી અને બીજી બોલીવૂડની હીરોઇન...બંનેમાંથી કોણ વહેલી ડોસી થઇ જાય છે ?
- સમજું છું, ભાઇ બધું સમજું છું. તમારા માટે પણ આવો આઘાત સહન કરવો સહેલો તો ન હોય ને ?
(મધુકર માંકડ, જામનગર)

અશોકજી, તમારે પ્રેમમાં H ની સાથે વધારે બને કે D ની સાથે ?
- A, B, C, D માં કેટલા અક્ષરો હોય ?
(કરન/સીમા/પ્રકાશ, અમદાવાદ)

* મુંબઇમાં ઑટો-કાર શો થયો, એમાં નવીનક્કોર ગાડીની બાજુમાં એક સુંદર મોડેલ ઊભી રાખવામાં આવી. એક ગુજરાતી ગ્રાહક તરીકે આપનું મંતવ્ય શું ?
- જરા... 'ગ્રાહક' શબ્દ બદલી નાંખોને, ભ'ઇ !
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* દિવસે દિવસે નરેન્દ્ર મોદીના દુશ્મનો કેમ વધતા જાય છે ?
- એ બધા ટ્રકોવાળા છે. ટ્રકની પાછળ પેલું સુવાક્ય લખેલું એમને યાદ હોય છે, 'ઇર્ષાળુને આશીર્વાદ.'
(અજય મુંજપરા, લીમડી)

* ઉત્તરાખંડની કુદરતી આફત વખતે દાઉદી વ્હોરા ધર્મગુરૂ ડૉ. સૈયદના સાહેબે રૂ. ૧૪-કરોડ ૨૧-લાખની સહાય કરી હતી. સુંઉ કિયો છો ?
- આવા પૂજનીય ભારતીયો હંમેશા સલામને પાત્ર હોય.
(સાદીકઅલી માકડા, ગારીયાધાર)

* 'સાઠે બુધ્ધિ નાઠે'. તમારે કેમનું છે ?
- હું તો ત્રણ વર્ષ પહેલા એને ભગાડી ચૂક્યો છું.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આપની કૉલમને પ્રતાપે અનેકનો ડાયાબીટીસ દૂર થયો... તમને નથી લાગતું, એમાં વાંચકોની દુઆ પણ કામ કરી ગઇ છે ?
- બસ... આવી કોઇ કૅન્સરની દવા નીકળે !
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* તમે એકવાર જવાબ આપો છો, એમાં અડધું ગામ અમને અહોભાવથી પૂછે છે, 'હેં... અશોક દવે તમને ખરેખર ઓળખે છે ?' પ્રસિધ્ધિ તમને કેવી લાગે છે ?
-'સાલા, મૈં તો સાહબ બન ગયા...!'
(પૂર્વા મોહન પટેલ, સુરત)

* 'સુખ'ની વ્યાખ્યા શું ?
- આ ક્ષણે તમે એ વ્યાખ્યા વાંચી રહ્યા છો.
(બબુ દફતરી, રાજકોટ)

* આપણા નિરાધાર દેશના નાગિરકોને આધાર-કાર્ડની શી જરૂર ?
- ડાયનિંગ-ટૅબલ પર ચા-પાણી માટે નીચે મૂકવાના કામમાં આવે.
(કનુ ભાવસાર, વડનગર)

* દુનિયામાં સૌથી મધુર શું ?
- કોણ ખવડાવે/પીવડાવે છે, એના ઉપર આધાર છે.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* તમે જૂની પ્રેમિકાને યાદ કરો ખરા ?
એટલી એની હૈસિયત હોય તો કરીએ ય ખરા...!
(સુજ્ઞા ચી. પલવણકર, મુંબઇ)

* 'અ-શોક'નાં નૅગેટીવ છે. આપનું નામ તો 'આનંદ દવે' હોવું જોઇએ. સુઉં કિયો છો ?
આનંદ દવે મારો સાળો થાય.. હવે કહો, મને કઇ કમાણી ઉપર આનંદ થાય ?
(ભૈરવી અંજારીયા, રાજકોટ)

07/02/2014

'કુંવારા બાપ' ('૭૪)

ફિલ્મ : 'કુંવારા બાપ' ('૭૪)
નિર્માતા : અમરલાલ છાબરીયા
દિગ્દર્શક : મેહમુદ
સંગીત : રાજેશ રોશન
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૩૭-મિનિટ્સ
થીયેટર : પ્રકાશ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : મેહમુદ, ભારતી, સંજીવ કુમાર, મનોરમા, ભૂષણ તિવારી, મૅકી, નાઝીર હુસેન, મુમતાઝ અલી, અબ્બાસ અલી, મુકરી, મારૂતિ, અસિત સેન, સુંદર, નૌશિર ખટાઉ અને લકી અલી.
મેહમાન કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, વિનોદ મેહરા, યોગીતા બાલી, હેમા માલિની, દારા સિંઘ, અસિત સેન, મારૂતિ અને લલિતા પવાર. અને હબીબ.



ગીતો :

૧. સજ રહી ગલી મેરી અમ્મા, સુનેહરી ગોઠે મેં... મુહમ્મદ રફી-મેહમુદ
૨. મૈં હૂં ઘોડા, યે હૈં ગાડી, મેરી રીક્ષા સબ સે નિરાલી... કિશોર કુમાર
૩. જય ભોલેનાથ, જય હો પ્રભુ, સબ સે જગત મેં ઊંચા હૈ તુ... કિશોર-લતા
૪. આ રી આજા, નીંદિયા તુ લે ચલ કહીં, ઊડન ખટૌલે મેં... કિશોર કુમાર

સૅન્સિટીવ હો તો કોઈપણ હિસાબે આ ફિલ્મ તમારે જોવી જોઈએ. માસ્ટરક્લાસ ફિલ્મ છે. કૉમેડિયન મેહમુદે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મ 'કૂંવારા બાપ' આ મહાન અભિનેતાને સલામ કરાવે એવી ઉત્તમ બની છે. આમે ય, કોઈ હાસ્યકાર કરૂણા ઉપર ઉતરી આવે, તો એ કરૂણા પણ સહન ન થાય એવી જલદ હોય. એક ફિલ્મ ઍક્ટર તરીકે તો મેહમુદ દેવઆનંદ, દિલીપ કુમાર કે રાજ કપૂરોથી લગ્ગીરેય ઉતરતો નહતો, પણ આપણા દેશમાં હાસ્યકારોને જોકરથી ઊંચો મોભો મળતો નથી, એટલે કૉમેડિયન જે કરે, એ વિદુષકવેડામાં ખપી જાય. અહીં તો એક 'કૉઝ' સાથે મેહમુદે ફિલ્મ બનાવી છે. દેશ પૂરેપૂરો પોલિયોમુક્ત થઈ ગયો હોવાની જાહેરાતો તો હવે જોરશોરથી થવા માંડી છે, પણ પોલિયો જેવા દુષ્ટ રોગને કારણે હજી કેટલા યુવાનો કે વડિલો સબડે છે, એ તો આજુબાજુમાં કોઈ કેસ જોઈ શકો તો ખ્યાલ આવે.

મેહમુદને જેટલા બાળકો છે, એમાંથી એક મૅકીને વાસ્તવિકતામાં પોલિયો થયો હતો, એ કારણથી મેહમુદને આવા વેદનાસભર વિષય ઉપર ફિલ્મ બનાવવાનું મન થયું. અઝીઝ કૈસી પાસે સુંદર વાર્તા લખાવી, એની ઉપરથી અર્થસભર ફિલ્મ બનાવી અને દેશમાં એકેય બાળકને કદી પોલિયો ન થાય, એ માટે ફિલ્મના માધ્યમ દ્વારા અસરકારક સંદેશ પણ આપ્યો.

પગરીક્ષા ચલાવીને પોતાનું માંડ પુરૂં કરતા મહેશ (મેહમુદ)ને ઉઘાડેછોગ શીલા (મનોરમા) ચાહે છે. શીલાનો બાપ (મુમતાઝ અલી-મેહમુદના વાસ્તવિક પિતા) દારૂડીયો છે, એનો લાભ ઉઠાવી બસ્તીનો ગુંડો કાલુ દાદા (સ્વ. ભૂષણ તિવારી) શીલા સાથે લગ્ન કરવા માંગે છે. મેહમુદ શીલાને કે કાલુદાદાને શરણે જતો નથી. દરમ્યાનમાં, અકસ્માત એક મંદિરના પગથીયેથી મેહમુદને લાવારીસ બાળક મળી આવે છે. કુદરતનું કરવું, પણ 'માન ન માન, મૈં તેરા મહેમાન'ને ધોરણે એ બાળક મેહમુદને જ કાયમ માટે સાચવવાનું આવે છે. બાળક, ઐયાશીના આલમમાં ડૂબેલા વિનોદ મેહરાએ ફિલ્મની હીરોઇન ભારતીને પ્રેગનન્ટ બનાવવાને કારણે થયું હોય છે. પોલીયોગ્રસ્ત બાળકના ઓપરેશન માટે હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા મેહમુદ દિલ લગાવીને રાત-દિવસ મહેનત કરે છે. પણ બાળકના અસલી મા-બાપ વિનોદ મેહરા અને ભારતીને આ બાપ-દીકરાની ભાળ મળી જતા બેટાને લેવા આવે છે, એ દરમ્યાન કાલુ દાદા સાથેની ઝપાઝપીમાં મેહમુદ મૃત્યુ પામે છે ને દીકરો ભારે હૈયે અસલી માં-બાપ સાથે જાય છે. પણ ફિલ્મના આખરી દ્રષ્યમાં મરતો મેહમુદ પ્રેક્ષકોને કહે છે, ''ફિલ્મમાં તો હું કેમેરા સામે મરૂં છું, પણ દેશના તમામ માં-બાપોએ પોતાના બાળકોને પોલિયોની રસી બેશક મૂકાવવી જોઈએ.''

મેહમુદના આ સુંદર હેતુને સપોર્ટ કરવા હિંદી ફિલ્મ જગતના એ સમયના અનેક મોટા કલાકારોએ મેહમાન-કલાકારો બનીને સેવાનું કામ કર્યું છે.

સારું બનવાનું હોય ત્યાં બધું સારું બને છે, એનો દાખલો પોતાની આ પહેલી જ ફિલ્મમાં રાજેશ રોશને બેનમૂન સંગીત આપ્યું. ગીતો ચાર જ છે, પણ રાજેશ રોશન છવાઈ ગયો છે. શંકર-જયકિશન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ પછી વૉયલિનનો શ્રેષ્ઠ ઉપયોગ આ સંગીતકારે તેની તમામ ફિલ્મોમાં કર્યો છે. મેહમુદે પહેલી વાર હિંદી ફિલ્મમાં સાચા હિજડાઓને પેલા ''હાં જી.. હાં જી'' ગીતમાં રજુ કર્યા, એ પછી તો હિજડાઓને ફિલ્મમાં ચમકાવનારા દૌર પર દૌર ચલતા રહા! આ ફિલ્મ રીલિઝ થવાના કેવળ ૧૫-જ દિવસમાં સંગીતકાર રાજેશ રોશનને બીજી ૨૦-ફિલ્મો મળી ગઈ. ગીત શરૂ થવાના પ્રારંભે જ અમુક વાજીંત્રો વાગે, કે તરત એના સંગીતકાર કોણ હશે, એ આપણા જમાનાના ચાહકોને તરત અણસાર આવી જતો ને આવો અણસાર આપી શકતો રાજેશ રોશન છેલ્લો સંગીતકાર હતો.

સાવ જૂની ફિલ્મોના વડિલ વાચકોને હજી યાદ હશે, હીરો-દિગ્દર્શક કિશોર સાહુએ પણ '૪૨ની સાલમાં ફિલ્મ 'કૂંવારા બાપ' બનાવી હતી. હીરોઈન પ્રતિમા દાસગુપ્તા હતી. આ ફિલ્મમાં પીઢ ચરિત્ર અભિનેતા નાના પળશીકર અને ફિલ્મ 'સુવર્ણ સુંદરી'વાળી અંજલિદેવી પણ હતા.

'૪૦-ના દાયકામાં ડાન્સ-ડાયરેક્ટર અને અભિનેતા મુમતાઝ અલીની બૉમ્બે ટૉકીઝના જમાનામાં બોલબાલા હતી. સમજો ને, દરેક ફિલ્મમાં હોય જ! એની પત્ની લતીફૂન્નિસાથી મુમતાઝ અલીને ટોટલ આઠ બાળકો થયા, એમાંનો એક મેહમુદ. આ મુમતાઝ અલી ઉપર જ મેહમુદે ફિલ્મ 'કૂંવારા બાપ'નું હિજડાઓ સાથેનું અતિપ્રસિધ્ધ ગીત, 'સજ રહી ગલી મેરી માં, સુનેહરી ગોઠે મેં...' ફિલ્માવ્યું હતું. બહુ મોડે મોડે હિંદી ફિલ્મોનો શોખ જાગ્યો હોય, એવા ચાહકોને ખબર ન હોય કે, મેહમુદની મોટી બહેન મીનુ મુમતાઝ સુવિખ્યાત અભિનેત્રી અને ડાન્સર હતી ને સૌથી નાનો ભાઈ અનવર અલી (જે ફિલ્મ 'બૉમ્બે ટુ ગોવા'માં મેહમુદની બસનો ડ્રાઈવર બને છે. (એનું નામ રાજેશ, મેહમુદનું ખન્ના) આ અનવર અલીને ઘેર જ પોતાની શરૂઆતની કરિયર અને સંઘર્ષના દિવસોમાં અમિતાભ બચ્ચન રહેતો હતો. અનવરે ફિલ્મ 'ખુદ્દાર' અને 'કાશ' બનાવી હતી.

મેહમુદે પણ ગરીબી એના તળીયેથી જોઈ છે. રાજકુમાર સંતોષીના પિતા અને મશહૂર દિગ્દર્શક-ગીતકાર પી.એલ. સંતોષીના ડ્રાયવર તરીકે મેહમુદ નોકરી કરતો હતો. યોગાનુયોગ, જૂના જમાનાની હીરોઈન રેહાના પાછળ પાગલ બનેલા સંતોષીએ પૂરી મિલ્કત અને પૈસો રેહાના પાછળ ઉડાવી માર્યા અને એ ભિખારીની અવસ્થામાં આવી ગયો ત્યારે રેહાનાએ સાચા અર્થમાં ધક્કા મારીને સંતોષીને તગેડી મૂક્યો હતો. પોતે જ ગિફ્ટમાં આપેલા મરિન-ડ્રાઈવ પરના ફ્લૅટનો દરવાજો રેહાનાએ આખી રાત ન ખોલ્યો અને સંતોષીએ એ જ ફ્લૅટના પગથીયા ઉપર આખી રાત વિતાવી, એ ગમમાં એને જે ગીત સૂઝ્યું, તે 'તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં, હમ કિતના રોયેં... રૈન ગૂઝારી તારેં ગીનગીન, ચૈન સે જબ તુમ સોયે...' આ કરૂણ ગીત સંતોષીને આખી રાત પગથીયા પર વિતાવીને સૂઝ્યું હતું, જ્યારે ચૈનથી રેહાના અંદર સુઈ રહી હતી.

વર્ષો પછી મેહમુદ કરોડપતિ બની ગયો અને આ સંતોષી મુંબઈના તારદેવના બસ સ્ટોપ પર ઊભો હતો, તેને જોઈને મેહમુદે ગાડી થોભાવી અને આગ્રહપૂર્વક લિફ્ટ આપી. આ સંતોષીનો છોકરો રાજકુમાર સંતોષી પણ પિતાના માર્ગે જતો જતો બચી ગયો. મીનાક્ષી શેશાદ્રી નામની હીરોઈન પાછળ એ ય એવો પાગલ બની ચૂક્યો હતો, પણ મીનાક્ષીએ એના પૈસા લૂંટયા વગર પાછો કાઢી મૂક્યો, એમાં રાજુભ'ઈ બચી ગયા. અલબત્ત, પિતા ઉપરના ઉપકારનું ઋણ ચૂકવવા રાજકુમાર સંતોષીએ મેહમુદને ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં ખાસ રોલ આપ્યો હતો.

ગરીબીના દિવસોમાં મેહમુદ બે પૈસા કમાવવા મીના કુમારીને ટૅબલ-ટૅનિસ શીખવવા પણ જતો હતો, એમાં જ મીનાની બહેન મધુ સાથે એ પરણી ગયો હતો. પોતાની મોટા ભાગની ફિલ્મોમાં મેહમુદ ભગવાન શંકરનું નામ 'મહેશ' રાખતો. એ ગુજરાત આવે ત્યારે મોટા અંબાજીના દર્શને ખાસ જતો. પોતાની પ્રોડક્શન સંસ્થાનું નામ પણ એણે શ્રી.બાલાજી ફિલ્મ્સ રાખ્યું હતું. પાછલી ઉંમરમાં મેહમુદ કરાચીના ડોન દાઉદ ઈબ્રાહિમનો દલાલ બની ગયો હતો અને ક્રિકેટરોની ઓળખાણ દાઉદ સાથે કરાવતો હોવાનું કહેવાય છે. ૧૯૮૬-માં કપિલદેવના રૂમમાં દાઉદને લઈ આવેલા મેહમુદને જોઈને ચોંકી ઉઠેલા કપિલદેવે દાઉદને રૂમની બહાર કાઢી મૂક્યો હતો.

૨૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ જન્મેલા મેહમુદનું અવસાન જ્યાં ગુજરાતીઓની અઢળક વસ્તી છે, તે અમેરિકાના પૅન્સિલવેનિયામાં ૨૩ જુલાઈ, ૨૦૦૪માં હૃદયરોગથી મૃત્યુ થયું. મેહમુદની બહેન મીનુ મુમતાઝ (મલિકુન્નિસા અલી) અમેરિકા રહે છે. છેલ્લે છેલ્લે માલા સિન્હા-વિશ્વજીતની ફિલ્મ 'દો કલીયાં'માં એ દેખાઈ હતી. બલરાજ સાહની સાથે ફિલ્મ 'બ્લૅક-કૅટ'ની હોરીઇન હતી. લતા-રફીનું 'મૈં તુમ્હી સે પૂછતી હૂં, મૂઝે તુમ સે પ્યાર ક્યું હૈ, કભી તુમ દગા ન દોગે, મુઝે એતબાર ક્યું હૈ...' મીનુએ પરદા પર ગાયું હતું. મેહમુદની અમેરિકન પત્ની ટ્રેસીથી થયેલી દિકરી ફિલ્મ 'જીની ઔર જ્હૉની'માં ચમકી હતી. મેહમુદે એનું નામ પોતાની માં ઉપરથી, 'લતિફૂન્નિસા અલી' રાખ્યું હતું.

મેહમુદે દિગ્દર્શક તરીકે તો પહેલી ફિલ્મ 'ભૂત બંગલા' બનાવી હતી. મને યાદ છે, મારી ઉંમર ૧૩-વર્ષની. એ જમાનામાં રીગલ સિનેમા, અશોક સિનેમા અને પ્રતાપ સિનેમાની ગલીઓમાં ફિલ્મોના ફોટા અને ગીતોની 'ચોપડી' બબ્બે આનામાં મળે. એમાંથી મેહમુદનું એડ્રેસ શોધીને મેં પત્ર લખ્યો હતો, તો એના ઓટોગ્રાફ સાથે 'ભૂત બંગલા'નો પોતાનો બ્લેક-એન્ડ વ્હાઈટ ફોટો એણે મોકલાવવા ઉપરાંત, એની આગામી ફિલ્મના નામ પણ પત્રમાં લખ્યા હતા. આવો જ ફોટો (રંગીન) શશી કપૂરનો પણ મળ્યો હતો, જેમાં એના ફૅવરિટ વ્હાઈટ શૂટમાં એ ઝાડ નીચે બેઠો છે. આ એટલા માટે લખ્યું કે, આજે મારી ઉંમરના નવજવાનોમાંથી ઘણાની પાસે આવા જ ફોટા આવ્યા હશે.

ફિલ્મની હીરોઈન ભારતીને તમે 'વ્હી. શાંતારામના 'ગીત ગાયા પથ્થરોં ને', મનોજ કુમારના 'પૂરબ ઔર પશ્ચિમ'માં કે દિલીપ કુમારના 'ઈજ્જતદાર'માં જોઈ છે. દો કલીયાં, મસ્તાના, સૂરજ, મેહરબાન, સીમા કે ઘર ઘર કી કહાનીમાં જોઈ છે. એ ઘણી શિક્ષિત છે, ડૉ. ભારતી વિષ્ણુવર્ધન તરીકે સાઉથમાં ઓળખાય છે. વિષ્ણુવર્ધનનું સાઉથના ઘણા મોટા હીરોમાં નામ છે. જોવાની ખૂબી છે કે રજનીકાંત પણ મૂળ સાઉથ ઈન્ડિયન નથી, મરાઠી છે, તેમ ભારતી પણ જન્મે મરાઠી છે.

મુહમ્મદ રફીનું અકાળે અને ઘણી નાની ઉંમરે અવસાન થયું, તેના એક કારણમાં કિશોર કુમાર સહેજ પણ નથી. રફી સાહેબ અને કિશોર કુમાર વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હતો. '૬૯-માં 'આરાધના' સ્વરૂપે કિશોર ઢોલનગારા સાથે આખા ફિલ્મ ઉદ્યોગ પર ફરી વળ્યો, એમાં એક પછી એક તમામ સંગીતકારો રફીને પડતા મૂકીને કિશોરને લેવા માંડયા, એટલે સુધી કે રફીના અનેક એહસાનો નીચે દબાયેલા સંગીતકારોએ પણ એમને પડતા મૂકવા માંડયા-એક માત્ર લક્ષ્મીકાંત-પ્યારેલાલે છેવટ સુધી સાથ ન છોડયો. પછી તો હાલત એ થઈ કે, મુહમ્મદ રફી જેવા લૅજન્ડને પણ મહિને એકેક-બબ્બે ગીત પણ માંડ મળતા... ''આજ ઈતની ભી મયસ્સર નહિ મયખાને મેં, જીતની હમ છોડ દિયા કરતે થે પયમાને મેં...'' (મયસ્સર એટલે પ્રાપ્ય... મળવાપાત્ર... અવૅઈલેબલ) એ આઘાત સહન ન થવાથી જ રફી સાહેબ કદાચ વહેલા જતા રહ્યા. રાહુલદેવ બર્મન પણ આવા જ આઘાતથી ગયા. કાયમી નિર્માતાઓ બીજા સંગીતકારોને લેવા માંડયા. મહેમુદની હીરોઈન બનતી અભિનેત્રી મનોરમા ગીનેસ બૂક ઑફ વર્લ્ડ-રૅકોર્ડ હૉલ્ડર છે, ૧૦૦૦-થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હોય, તેવી એ એક માત્ર હીરોઈન છે. સાઉથમાં આજે ય એનો દબદબો છે.

ગોપીશાન્તા કસી કિલાકુડૈયાર એનું મૂળ નામ. ૧૦૦૦-ફિલ્મો ઉપરાંત ૧૦૦૦-સ્ટેજ શૉ તો જુદા, ટીવી સીરિયલો ય જુદી. મૂળ તમિલ અભિનેત્રી મનોરમાએ તેલગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ વટ માર્યો છે.

ફિલ્મમાં નાની મોટી ઘણી ભૂલો રહી ગઈ છે. એક જ દાખલો લઈએ તો, નાનો મૅકી જમણા હાથે લખે છે ને મોટો થઈને એ ડાબા હાથે લખે છે.

(સીડી સૌજન્ય : શ્રી. દીપક આશરા)

06/02/2014

બાબાભ'ઈનો ઈન્ટર્વ્યૂ

રાહુલ ગાંધી ઉપર દયા આવી જાય એવું એમની સાથે બની રહ્યું છે. બહારના તો ઠીક, પોતાની પાર્ટીમાં પણ અંદરખાને એમનું માન એક 'બાબાભ'ઈ'થી વિશેષ નથી. બીજી બાજુ, મોદી જેવી તોતિંગ ઈમારત ભસ્મીભૂત કરવાનું એ કેવળ દિવાસ્વપ્ન જોઈ શકે છે ને કાંઈ બાકી રહી જતું હોય, તેમ ટીવી સામે બફાટ ઉપર બફાટો કરતા જાય છે. અર્ણવ (એ લોકોનો બંગાળી ઉચ્ચાર, ''ઓર્નોબ''!) ગોસ્વામીએ બાબલાની ધૂળ કાઢી નાંખી, છતાં એ કોઈ સામો પ્રભાવ પાડી ન શક્યા. કેવા કેવા જોક્સ અને એસએમએસ આવવા માંડયા છે? કઈ ગોળી ખઈને બાબાભ'ઈએ ઈન્ટરવ્યૂ આપ્યો હશે કે, દરેક વાતમાં ત્રણ શબ્દોમાં એમની પિન ચોંટી જતી હતી, વીમેન્સ ઍમ્પાવરમૅન્ટ (સ્ત્રીઓને સત્તા આપો), બીજું, સીસ્ટમ બદલવી પડશે, ત્રીજું (RTI) રાઈટ ટુ ઈન્ફોર્મેશન એટલે કે માહિતી માંગવાનો અધિકાર. જુઓ. સામાન્ય પ્રજાએ રાહુલ બાબાને કેવા ચીતર્યા છે!

(૧) ''બાળક સાથે ગંદી હરકતો કરવા બદલ અર્ણવ ગોસ્વામીની ધરપકડ'' (Child Molestation)

(૨) સોનિયા રાહુલને પૂછે છે, ''બેટા, ઈન્ટરવ્યૂ કેવો રહ્યો?'' ''મોમ, હું ઈતિહાસની તૈયારીઓ કરીને ગયો હતો ને અર્ણવે ગણીતના દાખલા પૂછ્યા.''

(૩) રાહુલ બાબાએ દસ મિનીટમાં સો વખત પ્રજાને સત્તા આપવાની માળા જપી (Empowering People) અને એ પોતાના વડાપ્રધાનને દસ વર્ષથી સત્તા સોંપી શક્યા નથી.

(૪) બાબાભ'ઈની ફરિયાદ હતી કે, અર્ણવે કૉર્સ બહારના જ સવાલો પૂછ્યા.

(૫) અર્ણવના એ ઈન્ટરવ્યૂની મોટી ગોલમાલ એ હતી કે, રાહુલ બાબા હજી પહેલો સવાલ 'સમજે', તે પહેલા અર્ણવ ત્રીજા સવાલે પહોંચ્યો હોય!

(૬) મૂર્ખતાનું માપ ઇંટોથી કાઢવાનું હોત તો રાહુલ ગાંધી આજે ચીનની દિવાલ હોત !

(૭) કોંગ્રેસ દર વખતે નરેન્દ્ર મોદીની કબર ખોદે છે ને રાહુલ એમાં કૂદી પડે છે!

(૮) ટીવી પર તમે રાહુલ ગાંધીનો ઈન્ટરવ્યૂ જોવાનું ચૂકી ગયા હોત, તો એ 'પોગો' (બાળકોની ચૅનલ) પર રીપિટ થવાનો જ છે.

(૯) કોંગ્રેસ હવે પોતાની સિધ્ધિઓમાં એક ઉમેરો કરી શકશે, ''અર્ણવને બે કલાક સુધી ચૂપ કરી દીધો''.

(૧૦) પેટ પકડીને હસાવવા માટે હવે કોઈ કપિલ શર્માનો ય બાપ નીકળ્યો હોય, તો એ રાહુલબાબા છે.

(૧૧) રાહુલે સહેજ પણ ગભરાયા વિના સાબિત કરી દીધું કે, એ ગાંધીનગરના ચા-વાળાથી ખૂબ ફફડે છે.

(૧૨) કોંગ્રેસથી ત્રાસેલા સહુએ રાહુલનો આભાર માનવો જોઈએ કે, કોંગ્રેસને જડમૂળથી સાફ કરી નાંખવા માટે એ એકલા કાફી છે.

(૧૩) અર્ણવ સાથે રાહુલનો ઈન્ટરવ્યૂ પત્યા બાદ કોંગ્રેસીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

(૧૪) ચૂંટણી પ્રચારની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું, ''હમારી સરકાર આયેગી, તો વિકાસ હોગા...'' એનાથી છંછેડાયેલી ગામડાની એક મહિલાએ બૂમ પાડી, ''ગઈ વખતે ય આવું જ કીધું હતું... મારે વિકાસને બદલે 'પિન્કી' જન્મી.''

(૧૫) હવે પછી ''પહેલી એપ્રિલ''ને 'રાહુલ ગાંધી દિન' તરીકે ઉજવવામાં આવશે.

(૧૬) બાળકના ફોટા સાથે જાહેરખબરનું હાર્ડિંગ : 'અમુલ' બટર, 'ધી ટેસ્ટ આફ ઈન્ડિયા'...રાહુલ ગાંધી, ધ વેસ્ટ (waste) ઑફ ઈન્ડિયા'.

(૧૭) ૨૦૧૪ની ચૂંટણી પછી નવી ટીવી સીરિયલ આવશે, 'વિક્રમ ઔર વેતાળ', જેમાં વેતાળ દિગ્વિજયના ખભા ઉપર લટકેલા રાહુલ બાબા વિક્રમ બનશે.

(૧૮) બાબાભ'ઈનો અર્ણવ ગોસ્વામીએ લીધેલા ઈન્ટરવ્યૂ જોયા પછી હવે ખબર પડી કે, ડૉ. મનમોહનસિંઘ છેલ્લા દસ વર્ષથી મૌન કેમ રહ્યા!

(૧૯) ન્યુઝીલન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમના ધબડકા અંગે શું કરવું જોઈએ? રાહુલ બાબાએ કાચી સેકન્ડમાં કહી દીધું, ''મહિલાઓને સત્તા આપો.''

(૨૦) સલમાન ખાનની ફિલ્મ 'જય હો' ફ્લૉપ કેમ ગઈ? જવાબમાં બાબાભ'ઈ બે કારણ આપે છે, ''એક તો આ ફિલ્મમાં સ્ત્રીઓને સત્તા આપવામાં આવી નથી અને બીજું, એની સીસ્ટમ્સમાં જ કોઈ ગડબડ છે.''

(૨૧) ''ડૉક્ટર સાહેબ, મારો કબજીયાત મટતો કેમ નથી?''...''ભાઈ, તમારી સીસ્ટમમાં ગરબડ છે.''

(૨૨) અર્ણવે બાબાભ'ઈને પૂછ્યું, ''હવે તો 'સિટે' પોતે અમદાવાદના ગુલબર્ગ કાંડમાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા છે, છતાં તમે હજી મોદીને કેમ દોષિત માનો છો?'' એના જવાબમાં પણ બાબા ભ'ઈએ સ્ત્રીઓને સત્તા આપવાની વાત દોહરાવી હતી.

(૨૩) મોદીથી ડરો છો, એના જવાબમાં બાબાભાઈએ વિચિત્ર જવાબ આપ્યો, ''મારા દાદી અને પિતા બન્નેને મેં મરતા જોયા છે, એટલે કોઈનાથી ડરતો નથી... સીસ્ટમનો દોષ હતો. ઈંદિરા અને રાજીવની હત્યા થઈ, એમાં કઈ સીસ્ટમ બદલવાની હોય?''

ઉપરના બધા તો દેશના પ્રજાજનોએ લખેલા ટ્વિટર્સ હતા.

એક વાત તો સ્પષ્ટ છે. જેને ભાજપ કે કોંગ્રેસ કઈ ચીડીયાના નામ છે, એની ય ખબર નથી, એ અબુધ નાગરિક પણ જાણે છે કે, ૨૦૧૪-ની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી શરમજનક હાર ભોગવવાની છે! કોઈ ચમત્કાર પણ કોંગ્રેસને બેશરમ પરાજયથી બચાવી શકવાની નથી, એ જાણવા છતાં હજી ગુજરાત કોંગ્રેસના લીડરો, દેશના વિકાસ કે ભલા માટેની એક પણ વાત કરવાને બદલે, માત્ર મોદીને ગાળો આપવા સિવાય બીજું કાંઈ બોલી પણ શકતા નથી? ગુજરાત કોંગ્રેસ કેટલી બેવકૂફ સાબિત થઈ રહી છે, એની એને પોતાને ખબર પણ નહિ પડતી હોય? રાવણ સીતાને ઉઠાવી ગયો, કે ભારતમાં ત્સુનામી વાવાઝોડું આવ્યું, એમાંય નરેન્દ્ર મોદીનો હાથ હતો, એવી બેહૂદી વાતો કરવામાં ય ગુજરાત કોંગ્રેસને કોઈ શરમ પણ નહિ આવે? રાહુલ બાબાના બેવકૂફીભર્યા ઈન્ટરવ્યૂ પછી એક માં તરીકે સોનિયા ગાંધી કેવા ઢીલા થઈ ગયા હશે, એ ચર્ચા તો જવા દો, પણ આ જ કોંગીજનો સોનિયા પાસે રાહુલ બાબાના અફલાતૂન ઈન્ટર્વ્યૂ માટે પેંડાના પકેટો લઈ જવામાં કેવું ગૌરવ અનુભવતા હશે, જ્યારે દેશ આખો રાહુલની મશ્કરી કરી રહ્યો છે! પોતાના દીકરાની આખો દેશ મશ્કરી કરતો હોય, એ મમ્મીનું હૈયું કેવું ચીરાઈ જતું હશે, ને છતાં ય કોંગીજનો સોનિયાની કેવી ચમચાગીરી કરતા હશે?

'ધૂમકેતુ'ની વાર્તા 'વિનિપાત'માં એક જાણિતી ઉક્તિ આવે છે, ''પડે છે ત્યારે સઘળું પડે છે... વિનિપાત થઈ જાય છે.'' આ બાજુ ગાંધીનગરમાં શંકરસિંહ બાપૂ અને મોઢવાડીયા વચ્ચે સાતનો આંકડો શરૂ થયો ને પેલી બાજુ રાહુલ ગાંધી સાથે સાતનો આંકડો પાડવાની તમામ કોંગ્રેસજનો રાહ જોઈને બેઠા છે. આ એક જ બાળક આખી કોંગ્રેસને ખાઈ ગયું! કોંગ્રેસ પાસે બફાટ કરનારાઓની ફોજ છે. શું રાજુ શ્રીવાસ્તવ કે કપિલ શર્મા કોંગ્રેસના દિગ્વિજયસિંઘ કરતા મોટા કોમેડિયનો છે? દયા આવે છે, હજી કોંગ્રેસના ઝાડ ઉપર લટકી રહેલા છોટેમોટે નેતાઓ અને કાર્યકરો કઈ લાલચ ઉપર કોંગ્રેસમાં બેસી રહ્યા છે? મોદી વડાપ્રધાન થાય કે ન થાય, કેજરીવાલ લોકસભાની ચૂંટણીઓમાં ગમે તેટલા ઉમેદવારો ઊભા રાખે, બહુ નફ્ફટ 'હન્ગ-પાર્લામૅન્ટ' આવે, પણ એક વાત ચોખ્ખી છે કે, કોંગ્રેસ બહુ બુરે હાલ હારવાની છે, છતાં ય બાના સાડલાનો છેડો પકડી રાખતા નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યની જ પડી નથી, ત્યાં દેશની તો શું પરવાહ કરવાના છે?

સિક્સર

ગયા બુધવારે બ્રાહ્મણોને લઘુમતિમાં આવી જવાનું આહ્વાન આપ્યું હતું... જોવાની ખૂબ એ છે કે, અભિનંદનના મોટા ભાગના ફોન કે એસએમએસ શિક્ષિત જૈનોના આવ્યા, જેઓ દ્રઢપણે માને છે કે, જૈનોને અનામત હોય જ નહિ... પણ બ્રાહ્મણોનો ફોન એકે ય નહિ!

02/02/2014

ઍનકાઉન્ટર: 02-02-2014

* કેજરીવાલ...?
- લાંબુ નહિ ટકે! અત્યાર સુધી તો એ માણસ ચોખ્ખો લાગે છે, પણ એની ગૅન્ગના ફોલ્ડરો ભાજપ કે કોંગ્રેસના માણસોથી સહેજ પણ જુદા નથી લાગતા!
(ચેતન કે. મીરાણી, જૂનાગઢ)

* કેળવણી અને અભ્યાસ વચ્ચે કેટલો તફાવત?
- ગુરૂ અને માસ્તર જેટલો.
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* દેશ આખો સટોડીયો થઇ ગયો છે. કઇ વાતમાં સટ્ટો રમાતો નથી?
- તમારી વાત ખોટી છે. બોલો, લાગી હજાર-હજારની?
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* ડિમ્પલ સાથે એકતરફા પ્રેમથી તમને ઠેસ નથી પહોંચતી?
- બહુ પહોંચે છે. હું એને ઘણી વાર સમજાવું છું કે, તું રહેવા દે... આપણું પતે એવું નથી.... એટલે એને ઠેસ પહોંચે છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* કેજરીવાલ પોતાના ઝાડુથી દિલ્હીની સફાઇ કરી શકશે?
- શીલા દિલ્હી આખું સાફ કરતી ગઇ છે... હવે જે કાંઇ બચ્યું હશે, એ કેજરીના માણસો સાફ કરી નાંખશે.
(રમણિક જોટાણીયા, રાજકોટ)

* તમને હમણાં એક પાર્ટીમાં જોયા. સરસ પર્સનાલિટી છે, છતાં ય તમારા લેખોમાં તમારી જાતને કેમ ઉતારી પાડો છો?
- હું મારી કે મારી પત્નીની ફિલમ ઉતારૂં, એમાં લોકો રાજી થાય છે. એમની ઉતારૂ કે મારા વખાણ કરૂં, તો કોને ગમે ? મારી કૉલમો બંધ કરવી પડે!
(ઝરણા સી. મેહતા, અમદાવાદ)

* આપ લૅડીઝના સવાલોના જવાબો વહેલા આપો છો...!
- ઓહ... સૉરી, મને ખબર નહિ કે તમે-----
(હસમુખ રાજાણી, રાજકોટ)

* અમારા હળવદના બ્રાહ્મણો ખાવામાં વિશ્વવિખ્યાત છે. આપ કેટલા લાડુ ખાઇ શકો?
- ઘેર એક.
(દીપક એ. રાવલ, હળવદ)

* સંગીતકારોની જોડી હોય છે, એમ હાસ્યલેખકોની જોડી કેમ નથી હોતી?
- હાસ્યલેખકો, હોય એને ય તોડવામાં વ્યસ્ત છે, જોડવામાં નહિ!
(અલીઅસગર સાઇગર,  માંડવી-કચ્છ)

* સાંભળ્યું છે કે, તમે મૅન્ટલ હૉસ્પિટલમાં ગાંડાઓને સાજા કરવા 'માનદ' સેવાઓ પણ આપો છો!
- તમને હવે કેમ છે?
(કિશોર વ્યાસ, ઘોઘા)

* તમારા જામનગરના વિશ્વવિખ્યાત સ્મશાનને તમારૂં નામ આપીને વધુ વિખ્યાત કરવાનું ત્યાંની પ્રજા વિચારે છે...!
- (કાનમાં સાંભળજો).... કોઇ પ્રસૂતિગૃહનું નામ જોડાય એવું નથી?

* આસા(રામ)ની મદદે કળીયુગના લાલ(કૃષ્ણ) કેમ નથી આવતા?
- હાલમાં આ કૃષ્ણ પોતે ગોથા ખાય છે કે હું લાલ ક્યારે થઇશ!
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા)

* તમે અને ડિમ્પલ હોટેલમાં ડિનર લેતા હો ને અચાનક તમારા વાઇફ આવી જાય તો શું થાય?
- એટલો ટાઇમ મળે તો શું અમે ''જમવામાં'' વેડફીએ?
(ફેસલ છીપા રેશમવાલા, અમદાવાદ)

* દરેક 'ઍનકાઉન્ટર'માં શ્રેષ્ઠ સવાલને ઇનામ આપવાનું રાખો તો હાલમાં પૂછાય છે, એના કરતા વધુ મોટી સંખ્યામાં સવાલો મળે!
- આજના 'ઍનકાઉન્ટર'નું તમારૂં ઇનામ તમે ગુમાવ્યું.
(કુત્બુદ્દીન ગુલામઅલીવાલા, દાહોદ)

* 'તારી ભલી થાય, ચમના' કહીને આશીર્વાદ આપો છો, પણ મારા દોસ્ત 'ચમન'નું ક્યારે ગોઠવાશે?
- આવી ઠંડીમાં એને 'પંખો ચાલુ કરવાનું' કોણે કીધું'તું...???
(મથુર ચુનીલાલ વાઘેલા, રાજકોટ)

* માર્ચમાં તમે અમેરિકા જઇ રહ્યા છો, પછી 'ઍનકાઉન્ટર' કોણ સંભાળશે?
- નરેન્દ્ર મોદી માને તો કહીશું એમને!
(ઓ.વી. સાગર, રાજકોટ)

* સગાઇની આગળ પાછળ વાગ્દત્તાનો હાથ પકડવો અને હવે આ ઉંમરે પત્નીનો હાથ પકડવામાં શું ફેર હોય?
- પહેલામાં પકડવાની હોય... બીજામાં ખસેડવાની હોય!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ચમનાને તમે આટલા બધા આશીર્વાદો આપો છો, 'તારી ભલી થાય ચમના...' પણ એકે ય ચમનાને તમારા આશીર્વાદ ફળ્યા ખરા?
- હા. એક ચમનાનો ફોન આવ્યો હતો... એને છુટાછેડા મળી ગયા... ખૂબ આભાર માનતો'તો!
(રીવા-ઈવા કનખરા, જામનગર)

* સાધુઓએ તો બ્રહ્મચર્ય પાળવાનું હોય, છતાં એ લોકો આવું કેમ કરે છે?
- પૂરી જવાબદારીપૂર્વક કહું છું. સાધુઓનો વાંક નથી. પોતાની પત્ની કે માં-બહેનોને પરપુરૂષો પાસે જવા દેતા કહેવાતા હરિભક્તો અને ખુદ આવી સ્ત્રીઓનો વાંક છે.
(અસગરઅલી નોમાન અલી, બારીયા)

* નરેન્દ્ર મોદી અને ડૉ. મનમોહનસિંઘ વચ્ચે શું તફાવત છે?
- એ તો મોદી સાહેબ પાઘડી પહેરે તો ખબર પડે!
(હનીફ વૈયલ નૉડે, લુડીયા-કચ્છ)

* તમને કોઇ મહિલા બ્લૅકમૅઇલ કરીને મોટી રકમ આપવાની ધમકી આપે તો શું કરો?
- પહેલા તો જે મુદ્દા ઉપર બ્લૅકમૅઇલ કરતી હોય, એ મુદ્દો ઠાઠથી પહેલીવાર ભોગવી લઉં... ને પછી એને સીધી મારી વાઇફ પાસે મોકલી આપું... બ્લૅકમૅઇલ જેટલા પૈસા અમને એ સામેથી આપીને જતી રહેશે!
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* તમને જીવનમાં કોઇ ઍવૉર્ડ મળ્યો છે ખરો?
- રોજ મળે છે. મારા પુત્ર-પુત્રી કહેતા હોય છે, ''યૂ આર ધ બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ.'' (આનું આ જ વાક્ય સાલી વાઇફ પણ કહી દે છે!.... કોઇ પંખો ચાલુ કરો!)
(અ.રહેમાન બોગલ, ગોધરા)

* વર્ષો પહેલા આપના પુસ્તક 'પેટ છુટી વાત'માં આપની પસંદગીની દસ-સ્ત્રીઓમાં સોનિયા ગાંધીને તમે પ્રથમ નંબર આપ્યો છે. હાલમાં પરદા પાછળ રહી મૌન પૂતળાંને નચાવતા સોનિયાજી હજી આપની પ્રથમ પસંદગીમાં આવે છે?
- હા-હા... હવે યાદ આવ્યું...! એ જમાનામાં હું દારૂ પીતો હતો!
(રાજેશ જોષી, રાજકોટ)

* સુંદર સ્ત્રીઓ હંમેશા ઢંગધડા વગરના પતિ કેમ પસંદ કરે છે?
- હવે એમાં આપણાથી કોઇ ફેરફાર ન થાય... સાલો બધે પેલીનો હાથ પકડીને જ ઊભો હોય છે!
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

31/01/2014

'આંધીયાં' ('૫૨)

ફિલ્મ - 'આંધીયાં' ('૫૨)
નિર્માતા - નવકેતન ફિલ્મસ
દિગ્દર્શક - ચેતન આનંદ
સંગીતકાર - ઉસ્તાદ અલીઅકબરખાન
ગીતકાર - પંડિત નરેન્દ્ર શર્મા
રનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ : ૯૬ મિનિટ્સ
થીયેટર - લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો - દેવ આનંદ, કલ્પના કાર્તિક, નિમ્મી, ર્જ્હાની ર્વાકર, કે. એન. સિંઘ, પ્રતિમાદેવી, લીલા મીશ્રા, દુર્ગા ખોટે, ભગવાન સિન્હા, એમ. એ. લતિફ



ગીતો

૧. હૈ કહીં પે શાદમાની ઔર કહીં નાશાદીયાં (૩ ભાગમાં) - લતા મંગેશકર
૨. ઘનશ્યામ કો હૈ... નૈન મન મોર બના મોર - લક્ષ્મીશંકર
૩. વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા - આશા ભોંસલે-હેમંત કુમાર
૪. દિલકા ખઝાના ખોલ દિયા, દિલ લૂટાને આઈ હૂં - આશા-કોરસ
૫. દર્દ બંટ રહા હૈ, કિસે દર્દ ચાહિયે - આશા-કોરસ
૬. મૈં મુબારકબાદ દેને આઈ હૂં - સુરિન્દ્રર કૌર

બૅક ગ્રાઉન્ડ મ્યુઝિક
૧. સરોદ - ઉસ્તાદ અલીઅકબરખાન
૨. સિતાર-સૂરબહાર - પંડિત રવિશંકર
૩. સારંગી - રામનારાયણજી
૪. બાંસૂરી - પન્નાલાલ ઘોષ
૫. સૂર મંડલ - જયદેવ વર્મા
૬. તબલા - સુદર્શન અધિકારી

વિશ્વવિભૂતિ સિતારવાદક પંડિત રવિશંકરે ભલે કોઈ બે-ચાર હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું કે છેલ્લે છેલ્લે બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસીયા અને સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માએ થોડી ઘણી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું, પણ ભારતીય શાસ્ત્રીય સંગીતના વર્લ્ડ-ક્લાસ વાદકો હોવા છતાં 'ફિલ્મો જેવા' છિછરા માધ્યમમાં વગાડે... એ પ્રબુદ્ધોને માન્ય નહોતું. છતાં ઉસ્તાદ અલી અકબરખાને દેવ આનંદને તેની ફિલ્મ 'આંધીયા'માં સંગીત આપવાની હા કહી. એવું કોઈ જોરદાર અને સદીઓ સુધી યાદ રહી જાય એવું સંગીત તો બેશક નહોતું. સિવાય કે, ફક્ત જાણકારો માટે લતા મંગેશકરનું 'હૈ કહીં પે શાદમાની, ઔર કહીં નાશાદીયાં...' અને ખાસ તો હેમંત કુમારના ચાહક હો તો, આ ફિલ્મનું 'વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા...' આશા ભોંસલે સાથે યુગલમાં હેમંત કુમારે ગાયું હતું, બસ એટલું (... અને મોટા ભાગની ડીવીડીઓમાં બનતું હોય છે તેમ, 'આંધીયાં'ની ડીવીડીમાં પણ એનું સૌથી વધુ પ્રસિદ્ધ ગીત 'વો ચાંદ નહિ હૈ, દિલ હૈ કિસી દીવાને કા...' આશા-હેમંત) ગાયબ છે.

પંડિત શિવકુમાર શર્માએ તો ફિલ્મ 'ગાઈડ'ના 'પિયા તોસે નૈના લાગે રે...' ગીતમાં જાતે તબલાં વગાડયા છે, ભલે એ તો સંતૂરવાદક હતા, પણ પંચમ, એટલે કે રાહુલદેવ બર્મન સાથેની દોસ્તીને કારણે અવારનવાર મળવા રેકોર્ડિંગ વખતે જઈ ચઢતા. આ ગીતમાં જે કોઈ તબલચી હતો, તે શિવકુમારની દ્રષ્ટિએ પરફેક્શન લાવી શકતો નહતો. પંચમે તરત જ દોસ્તી વટાવી લીધી, 'પંડિતજી... આપ હી તબલે બજાઈયે, ના...!' અને એમ વાત બની.

મૈહર ઘરાણાના પદ્મવિભૂષણ ઉસ્તાદ અલીઅકબરખાન સાહેબ આજના મશહૂર સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાનની જેમ સરોદના વિશ્વવિખ્યાત સંગીતકાર હતા. પંડિત રવિશંકરના પત્ની અન્નપૂર્ણાદેવી અલીઅકબરખાનના સગા બહેન થાય. અન્નપૂર્ણાદેવી સુરબહાર વગાડવામાં પૂરબહાર પ્રસિદ્ધ હતા. એ તો બધા જાણે જ છે કે, પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલીઅકબરખાનની અનુક્રમે સિતાર અને સરોદની જુગલબંદીએ અનેક વખત દુનિયાને મંત્રમુગ્ધ કરી હતી.

તમને શંકર-જયકિશનની ફિલ્મ 'સીમા'માં લતા મંગેશકરે ગાયેલું, 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની...' યાદ હોય તો ગીતના પ્રારંભથી જ જે સરોદ વાગે છે, તે ઉસ્તાદ અલીઅકબરખાને વગાડી છે. એમને નામે એક અનોખી સિદ્ધિ પ્રમાણિત થયેલી છે. રાગ ચંદ્રનંદન એમની શોધ છે, જેમાં એમણે સાંજના રાગો માલકૌંસ, ચંદ્રકૌંસ, નંદકૌંસ અને કૌશી કાનડાનું મિશ્રણ કરીને રાગ ચંદ્રનંદન બનાવ્યો હતો. આ અનોખા પ્રયોગની રેકોર્ડ પણ બહાર પડેલી છે. આ લાઈનની થોડી જાણકારી હોય તો 'યૂ ટયૂબ' પર ઉસ્તાદજીએ પંડીત શંકર ઘોષની તબલાંસંગત સાથે વગાડેલો રાગ માંજ ખમાજ સાંભળવા જેવો છે. પ્રસન્નતા... પ્રસન્નતા... ને બસ, નકરી પ્રસન્નતા આવી જશે!

મૂળભૂત કુંડળીમાં શાસ્ત્રીય સંગીતકાર તરીકે પંકાયેલા ગુરુઓ ફિલ્મી સંગીતમાં જામ્યા નહિ (ફિલ્મ 'અનુરાધા'નો એક અપવાદ બાદ કરતા) તેના કારણો દેખિતા છે. એકલા વિલંબિતમાં જ દસ-વીસ મિનિટો ખર્ચતા આ મહાન સંગીતકારો કે ગાયકોને ફિલ્મી ગીત કેવળ ત્રણ મિનિટમાં પતાવવું પડે. 'આંધીયા'નો ય અંજામ કોઈ જુદો નહોતો. આમ તો ચેતન આનંદ કોઈ ફિલ્મ હાથમાં લે, એટલે એનું સત્યાનાશ વાળી નાંખવાનો કસબ પહેલેથી ઘડાઈ ચૂક્યો હોય. દા.ત. દેવ આનંદને લઈને પહેલી ફિલ્મ 'અફસર' બનાવી, એમાં જ (સુરૈયાના ગીતો સિવાય) કોઈ ઠેકાણા નહોતાં, ત્યાં રહી ગયા હોય એમ બન્ને ભાઈઓ વચ્ચે અનેક વર્ષો પછી સમાધાન થયું, એટલે એ જ 'અફસર'ને ફરી બનાવીને ફિલ્મ 'સાહિબ બહાદુર' નામ આપ્યું. કહે છે કે, આનાથી વધુ ભંગાર ફિલ્મ તો ઉત્તર ધ્રૂવના ટુન્ડ્ર પ્રદેશમાં ય નથી બની. આપણને દેવ આનંદના ચાહકોએ એ વાત પર ખુશ થવાનું કે, આ ફિલ્મની હીરોઈન કલ્પના કાર્તિક સાથે દેવને આ ફિલ્મથી પ્રેમસંબંધ બંધાયો અને બન્નેએ લગ્ન કર્યા.

કલ્પના કાર્તિકને દેવ 'મોના' કહીને બોલાવતો, એમાં તથ્ય ખરું. કલ્પના તો ફિલ્મી નામ હતું. અસલી નામ 'મોહના સિંઘા'હતું, એ 'મોહના'નો નાનકડો અપભ્રંશ કરીને દેવે જ ઈંગ્લિશ જેવું 'મોના' કરી નાંખ્યું. મોના પણ દેવ આનંદની જેમ પાકિસ્તાનના લાહૌરમાં ઉછરી હતી. જન્મ પણ ત્યાં જ, જીતેન્દ્રકુમારના ઘેર તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ. મોના આજે હયાત છે અને હિંદી ઉપરાંત ઉર્દુ, ફ્રેન્ચ, પંજાબી અને ઈંગ્લિશ પરફેક્ટ અને ફલ્યૂઍન્ટલી બોલી શકે છે. સુરૈયા સાથે દેવના પ્રેમપ્રકરણને કલ્પનાએ જીંદગીભર પચાવ્યું, પણ એ બહુ અઘરું ન પડયુ કારણ કે, દેવ આનંદ માટે રોજ એક નવી સુરૈયા તૈયાર જ હતી. દેવે પોતાની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઈફ'માં મોનાની હાસ્યવૃત્તિ વિશે લખ્યું છે. દેવ બાથરૂમમાં નહાતા નહાતા લપસી પડયો. ધબાકો થયો, તે સાંભળીને મોનાએ બૂમ પાડી, 'શું થયું?' દેવે કહ્યું, 'પડી ગયો...!' મોનાએ તરત પૂછ્યું, 'ફરી એક વાર...?? 'આપણે તો કલ્પના કાર્તિક એટલે કે મોનાને ફિલ્મ 'બાઝી', આંધીયાં 'હમસફર', 'ટેક્સી ડ્રાઈવર', 'ઘર નં. ૪૪' કે 'નૌ, દો, ગ્યારહ'માં જોઈ હોય, પણ એ પછી આજે એ હયાત છે. છતાં એ કદી જાહેરમાં દેખાઈ જ નહિ. ક્યારેક કોઈ ફિલ્મી પાર્ટીમાં એ દેવની સાથે આવી હોય તો મોટા ગોગલ્સ અને પરિધાનને કારણે કોઈ એને ઓળખી ન શકતું. એ તો બહુ ઓછાને ખબર હોય કે મોના જન્મે ક્રિશ્ચિયન હતી. ફિલ્મ 'આંધીયાં' અમૃતસરમાં બનેલી સત્યઘટના પર આધારિત ફિલ્મ છે.દેવ આનંદ એક મિડલકલાસ વસ્તીમાં રહેતો પ્રામાણિક વકીલ છે. એમ. એ. લતીફ નામના સામાન્ય વેપારીની દીકરી કલ્પના કાર્તિક સાથે પ્રેમમાં છે. દેવ લતીફનો લીગલ ઍડવાઈઝર પણ છે. બન્નેના પ્રેમનો એમ.એ. લતીફ કે દેવ આનંદના ઘરમાં કોઈને વિરોધ નથી અને આ ભવ્ય જોડાણની પાર્ટીથી ખુશ મોહલ્લાવાળાઓ ય જશ્ન મનાવે છે. (આ લતીફ ફિલ્મ 'કાલાપાની'માં દેવ આનંદનો કાલાપાનીની સજા પામેલો બાપ બને છે.) આ જશ્નમાં ફક્ત બે જણાને આનંદ નથી. એક સૅકન્ડ હીરોઈન નિમ્મી, જે નાનપણથી દેવના પ્રેમમાં છે, પણ આજ સુધી કહી ન શકી, એમાં લટકી ગઈ. દેવ આનંદના મુન્શીની ગરીબ ભત્રીજી હોવાને કારણે આવા હૅન્ડસમ અને શિક્ષિત દેવ આનંદ સાથે તો પોતાનો ટાંકો કેવી રીતે ભીડી શકે, એ ખૌફથી મનમાં ને મનમાં નિમ્મી રાજીનામું જ આપી દઈ, દેવ-કલ્પનાના સુખે સુખી રહેવાનો મનસુબો ઘડે છે. બીજો નારાજ છે કે. એન. સિંઘ, જે દેવ આનંદની મંગેતર કલ્પનાના ફાધરની ઉંમરનો હોવા છતાં કલ્પના સાથે પરણવાના મનસૂબાઓ ઘડતો રહે છે ને એમાં સફળ પણ થાય છે. એમ.એ. લતીફની પત્ની લીલા મીશ્રા ગંભીર બિમારીમાં પટકાય છે અને દીકરીના લગ્ન માટે બચાવેલી તમામ માલ-મિલ્કત બિમારીમાં ખર્ચાઈ જાય છે. એમ.એ. લતીફ મદદ માટે કે.એન.સિંઘ પાસે જાય છે, જે પૈસા આપવાની તો ચોખ્ખી ના જ પાડે છે, પણ જૂનું કરજ બાકી છે, તે તાબડતોબ વસૂલ કરવા ધમકીઓ આપે છે. કાં તો દીનદયાલે એટલે કે, લતીફે પોતાનું બધું વેચીને દેવું ભરવું અને કાં તો કલ્પના કાર્તિક સાથે પોતાના લગ્ન કરાવવા. કલ્પના પોતાના વહાલા માં-બાપના પૈસા અને આબરૂ બચાવવા કે.એન.સિંઘ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. બીજી બાજુ, આવા નફ્ફટ લગ્ન રોકવા માટે મોહલ્લાવાળાઓ નિમ્મી, દેવ આનંદ અને તેની માં (દુર્ગા ખોટે)ની આગેવાની હેઠળ કે.એન.સિંઘનું દેવું ચૂકવવા તનતોડ મહેનત કરીને પૂરા પૈસા ભેગા કરી લે છે, પણ મોડા પડે છે. લગ્નના છેલ્લા ફેરા ફેરવાઈ ગયા હોય છે. કલ્પનાને કે.એન.સિંઘ સાથે પરણવું જ પડે છે.પછી, ફિલ્મનો અંત તો સુખદ લાવવો જ પડે! નિમ્મી એવો પ્લોટ ઘડી કાઢે છે કે, કે.એન.સિંઘનું સઘળું જે સી ક્રસ્ણ થઈ જાય અને દેવ-કલ્પના ભેગા થઈ જાય. એ પોતે કે.એન.સિંઘનું ખુન કરી આવે છે ને ફિલ્મનું સત્તરમું રીલ પૂરું થવા આવ્યું હોવાથી અદાલતમાં જ કાયમ માટે ઢળી પડે છે, જેથી કલ્પના-દેવનો મારગડો મોકળો થાય.

ફિલ્મની વાર્તા ચેતન આનંદે પોતે લખી હતી. સ્વયં દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમૅન્સિંગ વિથ લાઈફ'ના ૧૨૭માં પાના ઉપર લખ્યું છે તેમ, ફિલ્મ કંટાળાજનક બની હતી અને આખા દેશમાં પિટાઈ ગઈ હતી. આખી ફિલ્મમાં છેલ્લે છેલ્લે અદાલતના દ્રષ્યોને બાદ કરતા દેવ આનંદનો કોઈ રોલ જ અર્થપૂર્ણ નથી. બે ભાઈઓ વચ્ચે જુદા પડવાનું તય હોય એમ દિગ્દર્શક ચેતન આનંદે જેમાં દેવની અદાકારી હતી, તે અદાલતના ૯૫ ટકા દ્રષ્યો કાપી નાંખ્યા. ચેતનની હકાલપટ્ટી નિશ્ચિત બની.

નાનપણથી હીરોને પ્રેમ કરતી હોવા છતાં ફક્ત કહી ન શકવાને કારણે પર્મેનેન્ટ લટકી જવાનું નિમ્મીને તો ફિલ્મે ફિલ્મે ફાવી ગયું હતું. એના લગભગ બધા રોલ આવા જ હોય! નિમ્મી રાજ કપૂરની શોધ હતી અને નામ 'નિમ્મી' પણ રાજે આપ્યું હતું, એટલા માટે કે, રાજને આ નામ પાછળ પાગલપન પહેલેથી હતું. નિમ્મી છેલ્લે છેલ્લે બે-ત્રણવાર ગુજરાત આવી ગઈ. એ હિન્દીમાં નહિ, દિલીપકુમારની જેમ ઉર્દુ-અરબી-ફારસીમાં જ બોલે છે. પોતાની કરિયર બનાવવાનો પૂરો યશ તે રાજ કપૂરને આપે છે. આજે આટલી ઉંમરે પણ તેના વાળ ઢીંચણ સુધી લાંબા છે. યાદશક્તિ હજી ય ૨૪ વર્ષની છોકરી જેવી પાવરફૂલ છે. વર્ષો પહેલાં અમદાવાદની 'ગ્રામોફોન કલબ' હું ચલાવતો, ત્યારે અમે પૂરજોશ મળેલા. મેં એનો ઈન્ટરવ્યૂ લીધો હતો, એ બધી વાતો વર્ષો પછી એ જામનગરમાં શ્રી ચંદુભાઈ બારદાનવાલાની પાર્ટીમાં મળી ત્યારે એને મારૂં જ નહિ, મારી પત્નીના નામ સાથે સઘળું યાદ હતું. લક્ષ્મીશંકરનું નામ આમ તો ગાયિકા તરીકે મશહૂર છે, પણ આ ફિલ્મમાં નૃત્ય નિર્દેશન પણ એમનું છે. સુરિન્દર કૌરને ગાયિકા તરીકે બહુ ઓછા ચાહકો જાણતા હોય, કારણ કે એમાં જાણવા જેવું કાંઈ હતું પણ નહિ. આ ફિલ્મમાં લક્ષ્મીશંકરની જેમ એને પણ એક ગીત ગાવા મળ્યું છે.

દેવ આનંદની તમામ ફિલ્મોમાં એની પર્મેનેન્ટ ટીમ તો હોય જ. પ્રતિમાદેવી ફિલ્મ 'જ્વેલ થીફ'માં એની માં બને છે, તે અહીં કે.એન.સિંઘની પહેલી પત્ની બને છે. બહુ કદરૂપા ચેહરાવાળો હબીબ અહીં પહેલવાનના રોલમાં છે. દેવ આનંદનો બનેવી (શેખર કપૂરના પિતા) પણ આ ફિલ્મમાં કે.એન.સિંઘના ડ્રાયવર-કમ-મુન્શીના રોલમાં છે. ભગવાન સિંહા પણ સરકારી વકીલ છે. દેવના બીજા બે પર્મેનેન્ટ દોસ્તો જગદીશ રાજ અને રાશિદ ખાન પછી આવ્યા. બહુ ઉતરતી કક્ષાની ફિલ્મ તો ખુદ દેવે જ કીધી છે, છતાં ય તમારે જોવી હોય તો ભોગ તમારા...! (સીડી સૌજન્ય : શ્રી ભરત દવે, સુરત.)

29/01/2014

બ્રાહ્મણો... લઘુમતિ બની જાઓ...!

જૈનોને લઘુમતિનો દરજ્જો કોંગ્રેસ સરકારે અપાવ્યો, એનાથી સૌથી મોટો આનંદ એક બ્રાહ્મણ તરીકે મને થયો છે કે, ચલો... આ સરકાર ગરીબોનું ધ્યાન રાખવા માંડી છે. મને તો આજ સુધી એમ જ હતું કે, પૈસેટકે જૈનોની પાસે બ્રાહ્મણોના કોઇ ચણા ય ના આલે. આજે ખબર પડી કે, આ એક ભ્રમ હતો. બ્રાહ્મણોની સરખામણીમાં જૈનો તો ખૂબ દુઃખી પ્રજા છે. પારસી, સિંધી, પટેલ કે વૈષ્ણવોની સરખામણીમાં જૈનો આ દેશમાં આવી કફોડી હાલતમાં જીવતા હતા કે, મુસલમાન અને હરિજનોની જેમ એમને ય લઘુમતિનો દરજ્જો મળવા લાગ્યો. કોંગ્રેસ સરકારે આ એક સ્તૃત્ય પગલું ભર્યું છે. જે લાભો મુસલમાનો અને હરિજનોને મળશે, એ હવે જૈનોને ય મળશે. ત્રણે ય આર્થિક દ્રષ્ટિએ કેવી કફોડી હાલતમાં જીવે છે ! એ તો કેટલાક જૈનોએ કીધું કે, અમારે એવા કોઇ આર્થિક લાભો માટે લઘુમતિનો બિલ્લો લટકાવવો નથી. અમને ધાર્મિક દ્રષ્ટિએ લઘુમતિને મળવા પાત્ર હક્કો મળે, માટે આ અભિયાન ચલાવતા હતા.....! જૈનોમાં હાસ્યનવૃત્તિ ઘણી તગડી !

થૅન્ક ગૉડ... આવું જે બે-ચાર જૈનોએ કીધું હોય, એટલા પૂરતો મતલબ એ થયો કે, કાલ ઉઠીને જૈન બાળકને શિક્ષણ કે નોકરીમાં લઘુમતિના લાભો જોઇતા હશે, તો એવા લાભો મળતા હશે તો ય નહિ લે. અનુસૂચિત જાતિ/ જનજાતિના ''સમૃધ્ધ'' નાગરિકો ય આવો લાભ નહિ જ લેતા હોય, એમ જૈનો પણ ૫૯ ટકે ઍડમિશન અટક્યું હોય પણ હવે લઘુમતિનો દરજ્જો મળી ગયા પછી સ્વમાન ખાતર પણ પેલો લાભ નહિ લે અને ૫૯ ટકે ય વગર ઍડમિશને પાછા આવશે.

સાચું ખોટું તો ભગવાન મહાવીરજી જાણે, પણ હમણાં કોઇ જૈન શ્રેષ્ઠીએ એક, બે, ત્રણ નહિ... પૂરા રૂ.૧૦૦/- કરોડનું દાન કોઇ જૈન ધર્મસ્થાનમાં આપ્યું, જેથી ભક્તોને રહેવા-જમવાની કોઇ મુશ્કેલી ન પડે.

સો કરોડ...!! કેવી સુંદર જ્ઞાતિભક્તિ ? અમારા તો સંખ્યામાં ૧૦૦ કરોડ બ્રાહ્મણો ભેગા થઇને એક-એક રૂપિયો ઉઘરાવે, તો ય આંકડો ૧૦૦ કરોડ ઉપર ન પહોચે..એક કહેશે અમે ઔદિચ્ય, બીજો કહેશે અમે બાજ ખેડાવાળ, ત્રીજો કહેશે અમે મોઢ... ચોથો કહેશે અમે નાગર... અમે સૌથી ઊંચા બ્રાહ્મણ... લઘુમતિનો પહેલો લાભ અમને મળવો જોઇએ. અમે તો અંદરોઅંદર પતી જવા માટે ય સમર્થ છીએ.

પણ આ શ્રેષ્ઠીએ જૈનો માટે જ ૧૦૦ કરોડ ખર્ચીને જૈનોની કેવી ઉમદા સેવા કરી છે...! કેટલાક વાંકદેખાઓ કહે છે, સેવા ભલે જૈનોની જ કરવી હતી તો આટલા પૈસામાં તો એક ઇન્ડસ્ટ્રી સ્થાપી શકાય ને ભલે એમાં નોકરી જરૂરમંદ ગરીબ જૈનોને જ આપો, તો કમ-સે-કમ દેશના વિકાસમાં તો કોઇ ફાળો આપી શકાયો હોત ! પણ એ લલ્લુઓને ખબર નથી કે, ધર્મ નામની બી કોઇ ચીજ છે. પોતાનો પરિવાર, શહેર કે દેશ... સહુ પહેલા ધર્મ આવે ને તો જ દેશનો વિકાસ થાય. બીજા કયા ધર્મો દેશના વિકાસમાં એક રીંગણું ય આપે છે ?

પણ હવે સવાલ ઊભો થવાનો બાકીની લઘુમતિઓનો, પારસીઓનો ! પારસીઓના આમ તો કોઇ દુશ્મન હોય નહિ, એવી સન્માન્નીય કૌમ છે, છતાં એમના દુશ્મનોએ પણ કબુલ કરવું પડે કે, બધી જ રીતે જરૂરતમંદ કોમ પારસીઓની છે. લઘુમતિના લાભો એમને મળવા જોઇએ. સિંધીઓ તો એથી ય વધુ ખરાબ હાલતમાં છે. જૈનોની જેમ એમનામાં ય હશે કોઇ દસ-બાર ટકા અબજોપતિઓ, પણ બાકીના કૂચે મરે છે. બ્રાહ્મણોની જેમ ! વૈષ્ણવો તો બિચારી કેવી શાંત પ્રજા છે. જે કાંઇ હોય, ''અમારો શામળીયો સંભાળી લેશે.'' એ લોકો ડૉ.મનમોહનને શામળીયો સમજતા હશે.

છતાં સ્વમાન અને ખુમારી ખાતર અથવા તો ભીખના ટુકડાઓ ઉપર જીવવાનું પસંદ ન હોવાથી આ લોકોએ તો કદી પોતાને લઘુમતિમાં મૂકવાનો અણસારો સુધ્ધા આપ્યો નથી. જે કાંઇ છે, તે અમારી પોતાની મેહનતનું છે !

બેવકૂફો છે..! અરે બેવકૂફો, વિચાર તો કરો... જે કાંઇ જાહેજલાલી છે, એ બધી લોકસભાની ચૂંટણીઓ સુધી જ છે. વૈષ્ણવો પોતાનો હક્ક નહિ માંગે તો અમે બ્રાહ્મણો, પારસીઓ, લોહાણાઓ, સિંધીઓ અને પટેલો તો લઘુમતિનો દરજ્જો લઇને જ રહેવાના...હે વૈષ્ણવો... તમારે એકલાએ સવર્ણ ગણાઇને ક્યા લાટા લેવાના ? પછી તો અમે બધા બીસીઓ (બૅકવર્ડ ક્લાસીયાઓ) તમારી સાથે પૈણવા-પૈણાવવાનો વ્યવહારે ય નહિ રાખીએ. જાગો વાણીયાઓ જાગો...! એક વાણીયો તો ધમાચકડી સાથે જાગીને સુખી થઇ ગયો છે. તું વૈષ્ણવ થઇને 'વણજોતું નવ સંઘરવુ..'ની લ્હાયમાં ક્યાંય ખોવાઇ જઇશ, એ ખબરે ય નહિ પડે, ભ'ઇ !

અને પોતાની કૌમને લઘુમતિમાં મૂકાવવી, એ કાંઇ ખોટું ય નથી. ક્યા રાહુલ ગાંધીને એના ખિસ્સામાંથી આપવાના છે ! જૈનો ખૂબ મોટી સંખ્યામાં છે, એમના સડેડાટ બધા વૉટ હવે કોંગ્રેસની ઝોળીમાં આવી જવાના ? તો બ્રાહ્મણો ય આખા દેશમાં કોઇ નાની સંખ્યામાં નથી. સમય આ જ છે, લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવાનો ! ચૂંટણી પહેલા માંગો એ મળશે, તો શા માટે આપણે પણ ભારતના તમામ બ્રાહ્મણો ભેગા થઇને માત્ર કોંગ્રેસ પાસે જ જઇએ ? ભીખ જ માંગવાની છે તો દાનવીર ભાજપ છે કે કોંગ્રેસ શું ફરક પડે છે ? સોનાના તાંસળામાં ભીખ માંગો તો ય મળે છે ને ફાટેલા કપડાંની ઝોળીમાં ય મળશે.. પણ એ તો કોંગ્રેસ માઇ-બાપ છે ત્યાં સુધી..બોલો, જયહિંદ.

આ કૉલમ રૅગ્યુલર વાંચનારાઓ ભભૂકી ઉઠશે કે, હું કોંગ્રેસનો (કે ભાજપનો) પ્રખર ટીકાકાર છું, છતાં લઘુમતિની વાત આવી, એમાં રાતોરાત તમે કોંગ્રેસની વાહવાહી કરવા માંડયા...? થૂ...થૂ... થૂ...!!

યસ. આખિર, મૈં ભી એક ઇન્સાન હૂં. મારે ય બાલબચ્ચાઓ છે. નોકરી કે શિક્ષણમાં ઍડમિશનો મારે ય અલાવવાના છે. વૉટોની સંખ્યાને ધ્યાનમાં લઇને કોંગ્રેસે લઘુમતિ દરજ્જાની છૂટા હાથે લ્હાણી કરવા માંડી છે તો, અમે બ્રાહ્મણો કોઇ બિલ ગૅટ્સ કે અંબાણીઓ જેટલું કમાતા નથી. મફતનું મળે તો ઓહીયા કરી નાંખવાની ટેવ હવે અમારે ય પાડવી પડશે અને એ ય ચૂંટણી પહેલા. પછી તો, આપણે ય જાણીએ છીએ કે કોંગ્રેસ જીતવાની નથી ને સરકાર કોઇ પણ આવે, એ લઘુમતિના આપેલા દરજ્જાઓ પાછા ખેંચવાની નથી કે નવા આપવાની નથી.

એમની તો ખુદની મોટી સરકારો છે, એટલે માની લઇએ કે સ્વામીનારાયણવાળા ભક્તોને લઘુમતિ દરજ્જો મેળવવાની જરૂર નહિ પડે, પણ ધર્મને આધારે જ સરકાર લ્હાણી લૂંટાવવા બેઠી હોય તો હજી ગરીબ રહી ગયેલા સ્વામીનારાયણ ભક્તોને લાભ લેવા દો ને ! આવા પંથ જેવા કેવળ ધર્મને આધારે આપણા દેશમાં તો કેટલા બધા પંથો છે... અત્યારે સમય છે, ''નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !''

રહી વાત અસલના લઘુમતિઓની...એટલે કે, મુસલમાનો અને અનુસૂચિત જાતિ/ જનજાતિઓની.

અરે દોસ્તો, તૂટી જ પડવા જેવું છે નવો દરજ્જો માંગવા માટે ! એમને 'સુપર લઘુમતિ'નો દરજ્જો આપો. જૈનો અમારી સમકક્ષ ગણાય, એ અમને અન્યાયકર્તા છે. અમે એમના કરતા વધારે જરૂરમંદ છીએ. હવે અમને સો એ સો ટકા અનામત આપો. અમારામાંથી વધતું ઘટતું જો કાંઇ હોય તો બાકીની લઘુમતિઓને આપો. મહાત્મા ગાંધી કેવળ અમને બન્નેને 'જરૂરતમંદ' કહેતા ગયા છે, બીજાઓને નહિ ! જૂની વાર્તાઓમાં, 'એક ગરીબ બ્રાહ્મણ હતો...' એવું આવે છે....'એક ગરીબ જૈન હતો' એવું ક્યાંય સાંભળ્યું ?

હવે એવું રોજ સાંભળવા મળશે.

ઓહ...પછી તો કેવા નિર્મળ ભારતનું દ્રષ્ય હશે ? કોઇ પણ ઑફિસમાં કોઇ પણ પોસ્ટ ઉપર...એક હરિજન હશે, એક મુસલમાન, એક જૈન, એક બ્રાહ્મણ.....

બસ, ભારતવાસી કોઇ નહિ હોય !

સિક્સર

- જોયું ને ? ઇન્ડિયા ઘરમાં જ સિંહ.. બહાર બકરી !! વન-ડેમાં નંબર વન ગયો !!

- જસ્ટ શટ અપ !... આ જ ટીમ વિદેશોમાં પણ ખૂબ જીતી છે, ત્યારે નંબર વન બની હતી, ભારતીય બનો અને દેશની ટીમનો લિહાજ કરો !

27/01/2014

ઍનકાઉન્ટર : 26-01-2014

* તમે બધાના ઍનકાઉન્ટરો કરો છો, પણ તમારું ઍનકાઉન્ટર એક કૂતરૂં કરી ગયું...? (કૂતરાવાળા લેખમાં ખૂબ હસ્યા.)
- ના. માણસ ધારે છે કંઈક... પણ કૂતરા કરે એમ જ થાય છે. નાલાયક કૂતરૂં વાઈફને કઈડયા વગર જતું રહ્યું...! આજકાલ તો કૂતરાઓ ઉપરે ય કાંઈ ભરોસા થાય છે, ભાઈ?
(પરેશ પટેલ, ગાંધીનગર)

* ચૂંટણી પ્રચારમાં નેતાઓ એકબીજાને ખુલ્લા કેમ પાડે છે?
- બેવકૂફો છે. એક નાગાને એક ઇંચ પણ વધારે નાગો કરી શકાતો નથી.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* તમને 'તારક મેહતા કા ઊલટા ચશ્મા'માં અભિનય માટે બોલાવે તો જશો ખરા?
- શું કામ આટલી સુંદર સીરિયલને ગ્રહણ લગાડો છો?
(વત્સલ કલ્પેશભાઈ, સુરત)

* કૌભાંડીઓ પકડાય, એ સાથે જ એમને છાતીમાં દુઃખાવો કેમ ઉપડે છે?
- મને એ બન્નેમાંથી એકે ય નો અનુભવ નથી.
(જયેશ અંતાણી, ભાવનગર)

* રેલ્વે સ્ટેશન માટે પ્લૅટફોર્મ પાસ લેવો પડે... બસ સ્ટેશન માટે કેમ નહિ?
- અચ્છા અચ્છા... મતલબ કે, રેલ્વે સ્ટેશનમાં પ્લૅટફોર્મ પાસ લઈને જવાનું હોય છે, એમ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* એસ.ટી. બસોમાં અગાઉ તો સ્વાતંત્ર્ય-સેનાનીઓ માટે અનામત બેઠકો રખાતી... હવે કેમ નહિ?
- મોટા ભાગનાઓ પતી ગયા છે... જે બાકી છે, એમના ઘરમાં એમની બેઠક અનામત રહે, એ ઈશ્વરની કૃપા.
(સલમા મણિયાર, વિરમગામ)

* આજના બાળકોના મગજ તેજ કેમ હોય છે?
- ફાધર ઠંડા હોય ત્યાં આવું રહેવાનું!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* દેશમાં આટલો ભ્રષ્ટાચાર હોવા છતાં... 'મેરા ભારત મહાન' કઈ રીતે?
- દેશ તો બેશક મહાન છે જ... મુઠ્ઠીભર બદમાશોને લઈને દેશ આખો મૂલ્યાંકિત ન થાય.
(ભાવિન પડિયા, ગોંડલ)

* ઈન્કમટેક્સના રીટર્ન્સ પણ ન ભરનારા કે 'પાનકાર્ડ' પણ ન કઢાવનારા નેતાઓને ત્યાં સરકારના કોઈ દરોડા પડતા નથી... અન્ય ધંધાર્થીઓની પાછળ ટૅક્સવાળાઓ કેમ પડી જાય છે?
- સરકારી અધિકારીઓના ઘેરે ય છોકરાછૈયા તો હોય ને?
(નેહા પી. પ્રજાપતિ, અમદાવાદ)

* આપને નથી લાગતું કે દેશમાં કરોડો રૂપિયાના વહિવટી ખર્ચા બચાવવા રાષ્ટ્રપતિની પોસ્ટ જ નાબુદ કરી દેવી જોઈએ?
- મારાથી જવાબ અપાય એમ નથી. હવે પછીના રાષ્ટ્રપતિ બનવા માટે મને આમંત્રણો મળી રહ્યા છે.
(અરવિંદ ટી. પટેલ, ભાવનગર)

* આજની યુવતી 'હાય'નો જવાબ 'બાય'માં કેમ આપે છે?
- હું તમારો ખભો પંપાળવા તૈયાર છું.
(મધુકર પી. માંકડ, જામનગર)

* આપ વાચકોના મોબાઈલ નંબરનો આગ્રહ રાખો છો, પણ જે લખે છે, તે સાચા છે, તેની ખરાઈ કરવા એમને ફોન કરી જુઓ તો?
- અમારૂં ડીપાર્ટમૅન્ટ એ કામ કરે જ છે. એક જ વખત ખોટો મોબાઈલ નંબર કે ઍડ્રેસ જણાશે તો કાયમ માટે 'ઍનકાઉન્ટર'માં સ્થાન નહિ મળે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* દેશના પ્રશ્નોના ઉકેલ માટે સાધુસંતો પાસેથી અપેક્ષા રાખી ન શકાય?
- એકેય સાધુસંતને દેશની વાત કરતા સાંભળ્યો?
(કોકિલા બી. પંડયા, ભાવનગર)

* આતંકવાદધારા હેઠળ પત્નીઓને આવરી ન લેવાય?
- અબળાઓ... આતંકવાદી...??? હે પ્રભુ, આના કરતા તો મારૂં કૂંવારાપણું પાછું આપ...!
(ડૉ. મિલિન્દ સહસ્ત્રબુધ્ધે, વડોદરા)

* રામને નામે પથ્થરો તરી ગયા... દેશના નેતાઓ કોના નામે તરી ગયા?
- રામ(દેવ), આસા(રામ) અને છેલ્લે 'હે રામ' તો કામમાં આવે જ છે!
(મૂકેશ ચંદારાણા, મીઠાપુર)

* 'ઍનકાઉન્ટર'માં સવાલો પૂછનારાઓના નામો તમને યાદ રહે છે ખરા?
- મારી યાદશક્તિમાં પડવા જેવું નથી. એક વાર પત્નીને પૂછાઈ ગયું હતું, 'બેન, તમને ક્યાંય જોયા હોય એવું લાગે છે...!'
(પન્ના સી. પરીખ, સુરત)

* લગ્નમાં સાસુ નાક ખેંચે ને સાળી બૂટ સંતાડે, છતાં ય દુલ્હો મલકાતો કેમ રહે છે?
- ના મલકાય તો પેલા લોકો માથે બૂટ પછાડે...!
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

* ન્યાયતંત્ર કમજોર માનવીને જ કેમ મારે છે?
- ના ભ'ઈ ના... મને હમણાં જ ટ્રાફિક પોલીસે રૂ. ૧૦૦/-નો દંડ ફટકાર્યો હતો!
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

* કોકવાર અઘરા સવાલમાં ફસાઈ જાઓ તો લાઈફ લાઈન કઈ વાપરો છો?...પત્નીને પૂછી જુઓ છો?
- મારા માટે એ જ એક અઘરો સવાલ છે.
(હુસેન હુઝેફા મર્ચન્ટ, નાસિક)

* 'કોઈ પથ્થર સે ન મારે મેરે દીવાને કો...' અર્થાત્, લાકડી-બાકડીથી મારે તો વાંધો નહિ?
- એ મહિલાનું ખસી ગયું છે. એક તો પેલાને ગાંડો કહે છે ને બીજી બાજુ બચાવવાની અપીલ કરે છે. આપણા જેવાને ગણે ડાહ્યા ને પછી ટીચાઈ નાંખે છે...!
(અનિલ પોપટ, વડોદરા)

* આપને ક્યારેય પસ્તાવો થાય છે ખરો?
- હમણાં જ થયો... દુશ્મનને દોસ્ત ગણી લેવાનો! હું એ ધારણાથી જીવું છું કે, ઉપર જવાનો સમય નજીક આવતો જાય, એમ માથા પરથી ભાર ઓછો કરવો. ઉપર ગયા પછી નીચેવાળા કોઈને સીધા કરી શકાય એમ નથી, તો જતા પહેલા બધા સાથે પ્રેમ-આદર રાખવો... પણ દુશ્મન આખરે દુશ્મન જ રહે છે.
(કેશવ બી. કક્કડ, અમદાવાદ)

* 'કાળા માથાનો માનવી ધારે તે કરી શકે.' એટલે?
- વેસ્ટ ઈન્ડિયનોની વાત થાય છે.
(નિલેશ પ્રજાપતિ, માણસા)

* અમે દસ પોસ્ટકાર્ડસ લખીએ, એમાંથી જવાબ એકનો જ આવે છે...
- એક દિવસના દસ લખો તો એવું થાય. દસ દિવસના દસ લખો તો કદાચ દસ જવાબો મળે!
(પરાગી પટેલ, અમદાવાદ)

* છોકરી જોવા જઈએ ત્યારે ધ્યાન શું રાખવાનું?
- એ છોકરી છે કે નહિ, એ જોઈ લેવાનું.
(તાહા કુશલગઢ, દાહોદ)

24/01/2014

'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)

ફિલ્મ : 'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)
નિર્માતા : પર્વત ફિલ્મ્સ
નિર્દેશક : ભપ્પી સોની
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : પ્રકાશ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો : સુનિલ દત્ત, વહિદા રહેમાન, જ્હોની વૉકર, ધુમાલ, ડેવિડ અબ્રાહમ, રાશિદ ખાન, વીર સખૂજા, મુમતાઝ બેગમ, ટુનટુન, મોહન ચોટી, કૃષ્ણ ધવન, કન્હૈયાલાલ, ઈકબાલસિંઘ.


ગીતો
૧. સમ્હલ કે કરના, જો ભી કરના પાંવ લચક ના જાયે... - મુકેશ
૨. બનવારી રે જીને કા સહારા તેરે નામ રે, મુઝે... - લતા મંગેશકર
૩. તીરછી નજર સે યૂં ન દેખ પલટ કે... - મુહમ્મદ રફી
૪. ઓ બોમ્બે શૅલ... ઓ બેબી ઓફ બોમ્બે... - ઈકબાલ સિંઘ
૫. દિલ એ દિલ બહારોં સે મિલ, સિતારોં સે... - લતા-તલત મેહમૂદ
૬. મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય, ઇન કદમોં પે... - મૂકેશ
૭. ઓ મેરી બેબી ડોલ, હાં યા ના કર... - મુહમ્મદ રફી
૮. સોચ રહી થી કહું ન કહું, પર આજ કહુંગી... - લતા મંગેશકર
૯. આંખો મેં રંગ ક્યું આયા, બોલો નશા સા... - લતા મંગેશકર-મૂકેશ

૧૯૬૦માં સફળતાપૂર્વક બનેલી આ ફિલ્મ 'એક ફૂલ ચાર કાંટે'ની બેઠી નકલ આપણા ડેવિડ ધવને સલમાન ખાન અને કરિશ્માકપૂરને લઇને 'દુલ્હન હમ લે જાયેંગે' બનાવીને પોતાનો મોક્ષ કર્યો. અહીંના ચાર કાંટાઓ જહૉની વૉકર, ડેવિડ, રાશિદખાન અને ધુમાલને બદલે આ લોકોએ અનુપમ ખેર, ઓમપુરી અને પરેશ રાવલને લીધા હતા. પેલી આજે ૫૩ વર્ષો પછી ય ગીતો સાથે સહુને યાદ છે, જ્યારે ડેવિડ ધવનવાળી ફિલ્મ કોઇને યાદ પણ રહી નથી. (ડેવિડ ધવન જૂના ફિલ્મ હીરો અનિલ ધવન ('ચેતના'વાળા)નો સગો ભાઈ થાય.)

ખાસ વાત એ હતી કે, 'એક ફૂલ ચાર કાંટે'ની સ્ટાર કાસ્ટ ઉપરાંત દિગ્દર્શક ભપ્પી સોનીની માવજત મોટું કામ કરી ગઈ, (આ ભપ્પી સોની એટલે ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે, તે માધવીનો પતિ) પણ સરીયામ તમામ ગીતો સુપરહિટ આપવા માટે મશહૂર શંકર-જયકિશન અહીં ૨૦ ટકા જ સફળ થયા હોવા છતાં બે ગીતો એવા બનાવતા ગયા કે, ફિલ્મ આજે પણ શંકર-જયકિશનના નામથી ઓળખાય છે. કેટલાક નિરાશોએ આ ફિલ્મને શંકર-જયકિશનના પતનની શરૂઆત ગણાવી હતી, એ ગલત છે. કબુલ કે, આ ફિલ્મમાં બે જ ગીતો એમના નામને લાયક હતા, 'બનવારી રે' અને 'મતવાલી નાર'. મૂકેશ બહુ ગમતો હોય એવાને જ લતા સાથેનું 'આંખો મેં રંગ ક્યુ. આયા...' યાદ હોય, પણ આ બન્ને ગ્રેટ મ્યુઝિક-ડાયરેકટરોની '૬૦ પછીની ફિલ્મોગ્રાફી તપાસો તો ચોંકી જવાય એવું છે કે, '૭૦ના અંત સુધી આ લોકોએ સાતત્ય જાળવી રાખ્યું હતું.

મૂકેશનું 'મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય...' બે-ત્રણ વાતે ધ્યાન ખેંચે છે. એક તો મૂકેશના બહુ ઓછા ગીતો આલાપ સાથે શરૂ થાય છે, એમાંનું એક આ. બીજું એક યાદ આવે છે, ઉષા ખન્નાના સંગીતમાં, 'ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...' આવા આલાપથી શરૂ થતા ત્રીજા, આઠમાં કે ૫૦-મા ગીત માટે વાચકો જાતે મેહનત કરી લે એવા છે, પણ આ ગીત રાગ મારૂ બિહા પર આધારિત છે, એમાં આ રાગની વિશિષ્ટતા માટે વડોદરાના હિંદી ફિલ્મી ગીતોના શાસ્ત્રીય રાગો અંગેના એનસાયક્લોપીડિયા ગણાતા શ્રી રશ્મિકાંત બી. શેઠના દાવા અનુસાર મારૂ બિહાગ દુઃખ ભૂલાવવાનો રાગ છે. એમાં એ અસર છે, જે સાંભળીને દર્દ ઓછું લાગે. યાદ હોય તો 'ચમન કે ફૂલ ભી તુઝકો ગુલાબ કહેતે હૈ' કે, મુકેશનું જ પેલી કઇ ફિલ્મ...? હા, 'હમ મતવાલે નૌજવાન'નું 'બનકે ચકોરી ગોરી ઝુમઝુમ નાચોરી,'ફિલ્મ 'સેહરા'નું 'તુમ તો પ્યાર હો સજના, મુઝે તુમસે પ્યારા ઓર ન કોઈ...' મારૂ બિહાગની રચના છે. આ 'મતવાલી નાર...' ગીતના ફિલ્માંકનમાં વહિદાનો ઉત્કૃષ્ટ ડાન્સ મદ્રાસના નૃત્યગુરૂ કૃષ્ણ કુટ્ટી કરાવ્યો છે.

ગુજરાતના બહુ ઊંચા સંગીતજ્ઞોમાં જેમનું નામ છે, છતાં બને ત્યાં સુધી અજ્ઞાત રહેતા શ્રી મનિષ કાપડીયાના જણાવ્યા મુજબ, લતા મંગેશકરનું 'બનવારી રે જીને કા સહારા તેરે નામ રે...' રાગ પિલુની રચના છે. નૌશાદના આ પ્રિય રાગમાં 'ચંદન કા પલના, રેશમ કી ડોરી, ઝૂલા ઝુલાયે નીંદિયા કો તોરી...', 'મોરે સૈયાજી ઉતરેંગે પાર હો નદીયા ધીરે બહો...' કે રાજેશ રોશનનું 'કા કરૂં સજની આયે ન બાલમ...' પણ પિલુની મહેરબાનીઓ છે. આમ નૌશાદના નામ પર ચઢેલા ફિલ્મ 'ગંગા જમના'ના લતાના બે ગીતો 'દો હંસો કા જોડા બિછડ ગયો રે...' અને 'ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો, કાન કા બાલા...' વાસ્તવમાં નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ મુહમ્મદ શફીએ બનાવ્યા છે. ફિલ્મ 'આદમી'નું 'કારી બદરીયા, મારે લહેરીયા' પણ શફીની જ ધૂન.'મુગલ-એ-આઝમ' જેવી નૌશાદની અનેક ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શફીએ આપ્યું હતું. ફિલ્મ 'સોહની મહિવાલ'ના તો તમામ ગીતો નૌશાદે નહિ, મુહમ્મદ શફીએ બનાવ્યા હતા. બિમારીને કારણે નૌશાદ કામ કરી શકે એમ નહોતા. મશહૂર સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાનના એ સગા ભાઈ થાય. આ શફી ગુમનામીમાં ગુજરી ગયા.

આ કોલમ નિયમિત વાચનારાઓ અગાઉ પણ જાણી ચૂક્યા છે કે, જયકિશન સાથે લતા મંગેશકરના સૂરો ઘણા માધુર્યથી મળ્યા હતા. બન્ને વચ્ચે કાયમની નોંકઝોંક એ વાતે કે, જય લતા માટે હાઈપિચની (તારસપ્તકની) ધૂનો બનાવતો, એમાં લતા મીઠાશથી ખીજાતી પણ ખરી. આ ફિલ્મમાં એનું 'સોચ રહી થી કહું ન કહું...' આવા જ ઊંચા સૂરનું ગીત છે.

ઓકે. ફિલ્મની વાર્તા ય રસ પડે એવી હતી. કોઈ ગ્રેટ વાર્તાઓ તો અમથી ય આપણે ત્યાં કયાં બની છે, પણ જે કાંઈ માલ પડયો હતો એમાંથી 'એક ફૂલ ચાર કાંટે' માણવી ગમે એવી હતી.

માં-બાપ ગુમાવી ચૂકેલી યુવાન વહિદા રહેમાનને તેના ચાર કાકાઓ ઉછેરે છે અને એની માવજતમાં કોઈ કમી રહી ન જાય, માટે ચારે લગ્ન પણ નથી કરતા. વહિદા સુનિલ દત્તના પ્રેમમાં પડે છે, પણ ચારે ય કાકાઓની આકરી પરીક્ષામાંએ નાપાસ થાય છે. ધુમાલ ધાર્મિક સંત જેવો કાકો છે, જે વહિદાને આધ્યાત્મિક જ્ઞાન આપતો રહે છે. મતલબ, એને પરણનારને રામાયણ-મહાભારત આવડવા જોઇએ. ડેવિડ પોતાને મહાન અભિનેતા માને છે ને જમાઈબાબુ પણ નાટય-કલાકાર જ જોઇએ. જ્હૉની વોકર આમ કૂંવારો છે પણ ક્લબમાં નાચગાના ઉપરાંત છોકરીઓનો શોખિન છે, એટલે રોક-એન-રોલ આવડે એવો જ જમાઈ જોઇએ, જ્યારે રાશિદખાન યોગાચાર્ય છે. જમાઈને યોગાસનો બધા આવડવા જોઇએ. પાછું, એના પોતાના બૉડીના કોઈ ઠેકાણા નહિ. માંડમાંડ પોતાના વકીલ સુપુત્રને વહિદા સાથે પરણાવવા તૈયાર થઈ ગયેલા ફાધર (બીર સખૂજા) અને પહેલેથી તૈયાર મધર (મુમતાઝ બેગમ) પણ ચોંકી જાય છે, પોતાના દીકરાને જમાઈ બનાવવા માટે આવી જરૂરિયાતોથી. પણ આ બાજુ સુનિલ દત્ત આ ચારે ય કલાઓ વારાફરતી શીખી લઇને ચારે ય કાકા-સસરાઓને ખુશ કરી વહિદાને પરણે છે.

એક પણ વિલન વગરની ફિલ્મો એ જમાનામાં ય બહુ કમ બનતી. આવી ફિલ્મો જોવાની મોકળાશ બહુ રહે. આ ફિલ્મમાં ય કોઈ વિલન નથી અને ૨૧ વર્ષની વહિદા પૂરબહાર યુવાન અને સુંદર લાગે છે. સુનિલ દત્ત આ ફિલ્મ વખતે ૩૧ વર્ષનો હતો. બન્નેએ સાથે બહુ ઓછી પણ મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું છે. 'રેશ્મા ઔર શેરા', 'મેરી ભાભી', 'મુઝે જીને દો.' અને બહુ ઓછાએ જોયેલી 'જીંદગી જીંદગી' મારી પસંદગીની સર્વોત્તમ ૨૫ ફિલ્મોમાં આવે છે. બર્મન દાદાએ આ ફિલ્મના બનાવેલા ગીતો સાલા લોકોમાં ઉપડયા નહિ, નહિ તો ક્યું ગીત ક્ષણભર પણ વિસરાય એવું હતું ? સ્વયં મન્ના ડે દાદાએ મને ઓન રેકોર્ડ કહ્યું હતું, એમની પસંદગીના સર્વોત્તમ ૧૦ ગીતોમાં આ ફિલ્મનું 'મેરા સબ કુછ મેરે ગીત રે, ગીત બીના કૌન મેરા મિત રે...' બર્મનદાદાના પોતાના બે ગીતો, 'જીંદગી ઓ જીંદગી, તેરે હૈ દો રૂપ' અને 'પિયા તૂને ક્યા કિયા...' કિશોરનું 'તુને હમેં ક્યા દિયા રી જીંદગી' ઘણું ભાવુક ગીત હતું.સુનિલ અને વહિદાની ફિલ્મ 'મુઝે જીને દો'નો સમયગાળો ગુરૂદત્ત અને વહિદા વચ્ચેના ડીઝાસ્ટર પછીનો હતો. શરાબ પીને એક વાર ગુરૂદત્ત વહિદાને મનાવવા આ ફિલ્મના સેટ પર આવી ચઢ્યો હતો અને રાડો મચાવ્યો. સુનિલે એક સીનિયર આર્ટિસ્ટને અપાય એટલું સૌજન્ય જાળવી જોયું પણ ગુરૂ ન માન્યો, એટલે બધાની વચ્ચે સુનિલે ગુરૂદત્તને લાફો મારીને સેટની બહાર કાઢી મૂક્યો હતો. યસ. વહિદા પાછળ સર્વસ્વ હોમી ચૂકેલા ગુરૂદત્તને વહિદાએ પૂરો નવડાવીને નિચોવી નાંખ્યો હતો. વહિદા જેના પ્રેમમાં પડતી, એની સામે એક જ શરત હોય, 'તું ઇસ્લામ અંગીકાર કરી લે, તો જ પરણું' ગુરૂદત્ત પછી વિજય આનંદે પણ આ માંગણી ન સ્વીકારી, એટલે એને પડતો મૂક્યો. શશી રેખી દિલ્હીનો બિગ શોટ વેપારી હતો. એ ફિલ્મોમાં હીરો તરીકે પણ આવતો. ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'નું લતા રફીનું 'દિલ તોડનેવાલ, તુઝે દિલ ઢુંઢ રહા હૈ' આ કમલજીત અને કુમકુમ ઉપર ફિલ્માયું હતું. શશી બદલીને ફિલ્મો માટે નવા કમલજીત રાખ્યું, પણ વહિદાએ તેને મુસ્લિમ બનાવ્યો. એ તો પરણ્યાના થોડા જ વખતમાં એને ભૂલ સમજાઈ ને પાછો હિંદુ ધર્મ સ્વીકારી લીધો, એમાં બન્ને વચ્ચે મોટી તિરાડ પડી. પછી તો શશી ગૂજરી પણ ગયો. વહિદાની એક દીકરી કાશ્વી અમેરિકાના સિયાટલ શહેરમાં રહે છે.આમ તો 'એક ફૂલ ચાર કાંટે' ફિલ્મમાં કામ કરવાનો સુનિલ-વહિદા બન્નેનો હેતુ એક જ હતો. ફિલ્મોમાં આવ્યા ત્યારના બન્ને રોતડી ફિલ્મો જ કરતા હતા... બધા હીરો-હીરોઇનોની માફક. આ ફિલ્મમાં કોમેડી હતી અને કામ પણ હળવાશથી કરવાનું હતું.
ફિલ્મોવાળાઓની અનેક વાતો સામાન્ય ચાહકની સમજની બહાર હોય છે. સુનિલ દત્તની છાપ આમ તો જેન્ટલમેનની હતી, પણ એક જમાનામાં પોતાનાભાઈ સોમ દત્તને લીના ચંદાવરકરની જેમ પહેલી વાર ચાન્સ આપીને ફિલ્મ 'મન કા મિત' બનાવ્યા પછી બે ભાઈઓ વચ્ચે જે કાંઈ થયુંહોય... આજ દિન સુધી આ સોમ દત્તનો કોઈ પત્તો નથી. નરગીસના મૃત્યુ કે સંજયદત્તના જેલ-પ્રકરણ જેવી ઘટનાઓમાં સોમ દત્ત ક્યાંય દેખાયો નથી. આવું જ, અમિતાભના ભાઈ અજીતાભનું પણ છે.

'૬૦ની સાલમાં સુનિલ દત્તની ચાર ફિલ્મો આવી હતી, 'ઉસને કહા થા' (નંદા), એક ફૂલ ચાર કાંટે (વહિદા) અને દુનિયા ઝુકતી હૈ (શ્યામા), જ્યારે વહિદા રહેમાનની આ ઉપરાંત 'ચૌદહવી કા ચાંદ' (ગુરૂદત્ત) આવી હતી. વહિદા તો હજી ફિલ્મોમાં આવતી રહે છે. શું લેવાનું હજી બાકી રહી જતું હશે કે, ચેહરો કરમાઈ ગયો હોવા છતાં ફિલ્મોનો મોહ છુટતો નથી. એના જ સમયની નંદા, સિન્હા કે સાધનાની જેમ ગ્રેસફૂલી નિવૃત્તિ કેમ લઇ લેતી નહિ હોય ?