Search This Blog

07/02/2014

'કુંવારા બાપ' ('૭૪)

ફિલ્મ : 'કુંવારા બાપ' ('૭૪)
નિર્માતા : અમરલાલ છાબરીયા
દિગ્દર્શક : મેહમુદ
સંગીત : રાજેશ રોશન
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૩૭-મિનિટ્સ
થીયેટર : પ્રકાશ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : મેહમુદ, ભારતી, સંજીવ કુમાર, મનોરમા, ભૂષણ તિવારી, મૅકી, નાઝીર હુસેન, મુમતાઝ અલી, અબ્બાસ અલી, મુકરી, મારૂતિ, અસિત સેન, સુંદર, નૌશિર ખટાઉ અને લકી અલી.
મેહમાન કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, વિનોદ મેહરા, યોગીતા બાલી, હેમા માલિની, દારા સિંઘ, અસિત સેન, મારૂતિ અને લલિતા પવાર. અને હબીબ.



ગીતો :

૧. સજ રહી ગલી મેરી અમ્મા, સુનેહરી ગોઠે મેં... મુહમ્મદ રફી-મેહમુદ
૨. મૈં હૂં ઘોડા, યે હૈં ગાડી, મેરી રીક્ષા સબ સે નિરાલી... કિશોર કુમાર
૩. જય ભોલેનાથ, જય હો પ્રભુ, સબ સે જગત મેં ઊંચા હૈ તુ... કિશોર-લતા
૪. આ રી આજા, નીંદિયા તુ લે ચલ કહીં, ઊડન ખટૌલે મેં... કિશોર કુમાર

સૅન્સિટીવ હો તો કોઈપણ હિસાબે આ ફિલ્મ તમારે જોવી જોઈએ. માસ્ટરક્લાસ ફિલ્મ છે. કૉમેડિયન મેહમુદે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મ 'કૂંવારા બાપ' આ મહાન અભિનેતાને સલામ કરાવે એવી ઉત્તમ બની છે. આમે ય, કોઈ હાસ્યકાર કરૂણા ઉપર ઉતરી આવે, તો એ કરૂણા પણ સહન ન થાય એવી જલદ હોય. એક ફિલ્મ ઍક્ટર તરીકે તો મેહમુદ દેવઆનંદ, દિલીપ કુમાર કે રાજ કપૂરોથી લગ્ગીરેય ઉતરતો નહતો, પણ આપણા દેશમાં હાસ્યકારોને જોકરથી ઊંચો મોભો મળતો નથી, એટલે કૉમેડિયન જે કરે, એ વિદુષકવેડામાં ખપી જાય. અહીં તો એક 'કૉઝ' સાથે મેહમુદે ફિલ્મ બનાવી છે. દેશ પૂરેપૂરો પોલિયોમુક્ત થઈ ગયો હોવાની જાહેરાતો તો હવે જોરશોરથી થવા માંડી છે, પણ પોલિયો જેવા દુષ્ટ રોગને કારણે હજી કેટલા યુવાનો કે વડિલો સબડે છે, એ તો આજુબાજુમાં કોઈ કેસ જોઈ શકો તો ખ્યાલ આવે.

મેહમુદને જેટલા બાળકો છે, એમાંથી એક મૅકીને વાસ્તવિકતામાં પોલિયો થયો હતો, એ કારણથી મેહમુદને આવા વેદનાસભર વિષય ઉપર ફિલ્મ બનાવવાનું મન થયું. અઝીઝ કૈસી પાસે સુંદર વાર્તા લખાવી, એની ઉપરથી અર્થસભર ફિલ્મ બનાવી અને દેશમાં એકેય બાળકને કદી પોલિયો ન થાય, એ માટે ફિલ્મના માધ્યમ દ્વારા અસરકારક સંદેશ પણ આપ્યો.

પગરીક્ષા ચલાવીને પોતાનું માંડ પુરૂં કરતા મહેશ (મેહમુદ)ને ઉઘાડેછોગ શીલા (મનોરમા) ચાહે છે. શીલાનો બાપ (મુમતાઝ અલી-મેહમુદના વાસ્તવિક પિતા) દારૂડીયો છે, એનો લાભ ઉઠાવી બસ્તીનો ગુંડો કાલુ દાદા (સ્વ. ભૂષણ તિવારી) શીલા સાથે લગ્ન કરવા માંગે છે. મેહમુદ શીલાને કે કાલુદાદાને શરણે જતો નથી. દરમ્યાનમાં, અકસ્માત એક મંદિરના પગથીયેથી મેહમુદને લાવારીસ બાળક મળી આવે છે. કુદરતનું કરવું, પણ 'માન ન માન, મૈં તેરા મહેમાન'ને ધોરણે એ બાળક મેહમુદને જ કાયમ માટે સાચવવાનું આવે છે. બાળક, ઐયાશીના આલમમાં ડૂબેલા વિનોદ મેહરાએ ફિલ્મની હીરોઇન ભારતીને પ્રેગનન્ટ બનાવવાને કારણે થયું હોય છે. પોલીયોગ્રસ્ત બાળકના ઓપરેશન માટે હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા મેહમુદ દિલ લગાવીને રાત-દિવસ મહેનત કરે છે. પણ બાળકના અસલી મા-બાપ વિનોદ મેહરા અને ભારતીને આ બાપ-દીકરાની ભાળ મળી જતા બેટાને લેવા આવે છે, એ દરમ્યાન કાલુ દાદા સાથેની ઝપાઝપીમાં મેહમુદ મૃત્યુ પામે છે ને દીકરો ભારે હૈયે અસલી માં-બાપ સાથે જાય છે. પણ ફિલ્મના આખરી દ્રષ્યમાં મરતો મેહમુદ પ્રેક્ષકોને કહે છે, ''ફિલ્મમાં તો હું કેમેરા સામે મરૂં છું, પણ દેશના તમામ માં-બાપોએ પોતાના બાળકોને પોલિયોની રસી બેશક મૂકાવવી જોઈએ.''

મેહમુદના આ સુંદર હેતુને સપોર્ટ કરવા હિંદી ફિલ્મ જગતના એ સમયના અનેક મોટા કલાકારોએ મેહમાન-કલાકારો બનીને સેવાનું કામ કર્યું છે.

સારું બનવાનું હોય ત્યાં બધું સારું બને છે, એનો દાખલો પોતાની આ પહેલી જ ફિલ્મમાં રાજેશ રોશને બેનમૂન સંગીત આપ્યું. ગીતો ચાર જ છે, પણ રાજેશ રોશન છવાઈ ગયો છે. શંકર-જયકિશન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ પછી વૉયલિનનો શ્રેષ્ઠ ઉપયોગ આ સંગીતકારે તેની તમામ ફિલ્મોમાં કર્યો છે. મેહમુદે પહેલી વાર હિંદી ફિલ્મમાં સાચા હિજડાઓને પેલા ''હાં જી.. હાં જી'' ગીતમાં રજુ કર્યા, એ પછી તો હિજડાઓને ફિલ્મમાં ચમકાવનારા દૌર પર દૌર ચલતા રહા! આ ફિલ્મ રીલિઝ થવાના કેવળ ૧૫-જ દિવસમાં સંગીતકાર રાજેશ રોશનને બીજી ૨૦-ફિલ્મો મળી ગઈ. ગીત શરૂ થવાના પ્રારંભે જ અમુક વાજીંત્રો વાગે, કે તરત એના સંગીતકાર કોણ હશે, એ આપણા જમાનાના ચાહકોને તરત અણસાર આવી જતો ને આવો અણસાર આપી શકતો રાજેશ રોશન છેલ્લો સંગીતકાર હતો.

સાવ જૂની ફિલ્મોના વડિલ વાચકોને હજી યાદ હશે, હીરો-દિગ્દર્શક કિશોર સાહુએ પણ '૪૨ની સાલમાં ફિલ્મ 'કૂંવારા બાપ' બનાવી હતી. હીરોઈન પ્રતિમા દાસગુપ્તા હતી. આ ફિલ્મમાં પીઢ ચરિત્ર અભિનેતા નાના પળશીકર અને ફિલ્મ 'સુવર્ણ સુંદરી'વાળી અંજલિદેવી પણ હતા.

'૪૦-ના દાયકામાં ડાન્સ-ડાયરેક્ટર અને અભિનેતા મુમતાઝ અલીની બૉમ્બે ટૉકીઝના જમાનામાં બોલબાલા હતી. સમજો ને, દરેક ફિલ્મમાં હોય જ! એની પત્ની લતીફૂન્નિસાથી મુમતાઝ અલીને ટોટલ આઠ બાળકો થયા, એમાંનો એક મેહમુદ. આ મુમતાઝ અલી ઉપર જ મેહમુદે ફિલ્મ 'કૂંવારા બાપ'નું હિજડાઓ સાથેનું અતિપ્રસિધ્ધ ગીત, 'સજ રહી ગલી મેરી માં, સુનેહરી ગોઠે મેં...' ફિલ્માવ્યું હતું. બહુ મોડે મોડે હિંદી ફિલ્મોનો શોખ જાગ્યો હોય, એવા ચાહકોને ખબર ન હોય કે, મેહમુદની મોટી બહેન મીનુ મુમતાઝ સુવિખ્યાત અભિનેત્રી અને ડાન્સર હતી ને સૌથી નાનો ભાઈ અનવર અલી (જે ફિલ્મ 'બૉમ્બે ટુ ગોવા'માં મેહમુદની બસનો ડ્રાઈવર બને છે. (એનું નામ રાજેશ, મેહમુદનું ખન્ના) આ અનવર અલીને ઘેર જ પોતાની શરૂઆતની કરિયર અને સંઘર્ષના દિવસોમાં અમિતાભ બચ્ચન રહેતો હતો. અનવરે ફિલ્મ 'ખુદ્દાર' અને 'કાશ' બનાવી હતી.

મેહમુદે પણ ગરીબી એના તળીયેથી જોઈ છે. રાજકુમાર સંતોષીના પિતા અને મશહૂર દિગ્દર્શક-ગીતકાર પી.એલ. સંતોષીના ડ્રાયવર તરીકે મેહમુદ નોકરી કરતો હતો. યોગાનુયોગ, જૂના જમાનાની હીરોઈન રેહાના પાછળ પાગલ બનેલા સંતોષીએ પૂરી મિલ્કત અને પૈસો રેહાના પાછળ ઉડાવી માર્યા અને એ ભિખારીની અવસ્થામાં આવી ગયો ત્યારે રેહાનાએ સાચા અર્થમાં ધક્કા મારીને સંતોષીને તગેડી મૂક્યો હતો. પોતે જ ગિફ્ટમાં આપેલા મરિન-ડ્રાઈવ પરના ફ્લૅટનો દરવાજો રેહાનાએ આખી રાત ન ખોલ્યો અને સંતોષીએ એ જ ફ્લૅટના પગથીયા ઉપર આખી રાત વિતાવી, એ ગમમાં એને જે ગીત સૂઝ્યું, તે 'તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં, હમ કિતના રોયેં... રૈન ગૂઝારી તારેં ગીનગીન, ચૈન સે જબ તુમ સોયે...' આ કરૂણ ગીત સંતોષીને આખી રાત પગથીયા પર વિતાવીને સૂઝ્યું હતું, જ્યારે ચૈનથી રેહાના અંદર સુઈ રહી હતી.

વર્ષો પછી મેહમુદ કરોડપતિ બની ગયો અને આ સંતોષી મુંબઈના તારદેવના બસ સ્ટોપ પર ઊભો હતો, તેને જોઈને મેહમુદે ગાડી થોભાવી અને આગ્રહપૂર્વક લિફ્ટ આપી. આ સંતોષીનો છોકરો રાજકુમાર સંતોષી પણ પિતાના માર્ગે જતો જતો બચી ગયો. મીનાક્ષી શેશાદ્રી નામની હીરોઈન પાછળ એ ય એવો પાગલ બની ચૂક્યો હતો, પણ મીનાક્ષીએ એના પૈસા લૂંટયા વગર પાછો કાઢી મૂક્યો, એમાં રાજુભ'ઈ બચી ગયા. અલબત્ત, પિતા ઉપરના ઉપકારનું ઋણ ચૂકવવા રાજકુમાર સંતોષીએ મેહમુદને ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં ખાસ રોલ આપ્યો હતો.

ગરીબીના દિવસોમાં મેહમુદ બે પૈસા કમાવવા મીના કુમારીને ટૅબલ-ટૅનિસ શીખવવા પણ જતો હતો, એમાં જ મીનાની બહેન મધુ સાથે એ પરણી ગયો હતો. પોતાની મોટા ભાગની ફિલ્મોમાં મેહમુદ ભગવાન શંકરનું નામ 'મહેશ' રાખતો. એ ગુજરાત આવે ત્યારે મોટા અંબાજીના દર્શને ખાસ જતો. પોતાની પ્રોડક્શન સંસ્થાનું નામ પણ એણે શ્રી.બાલાજી ફિલ્મ્સ રાખ્યું હતું. પાછલી ઉંમરમાં મેહમુદ કરાચીના ડોન દાઉદ ઈબ્રાહિમનો દલાલ બની ગયો હતો અને ક્રિકેટરોની ઓળખાણ દાઉદ સાથે કરાવતો હોવાનું કહેવાય છે. ૧૯૮૬-માં કપિલદેવના રૂમમાં દાઉદને લઈ આવેલા મેહમુદને જોઈને ચોંકી ઉઠેલા કપિલદેવે દાઉદને રૂમની બહાર કાઢી મૂક્યો હતો.

૨૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ જન્મેલા મેહમુદનું અવસાન જ્યાં ગુજરાતીઓની અઢળક વસ્તી છે, તે અમેરિકાના પૅન્સિલવેનિયામાં ૨૩ જુલાઈ, ૨૦૦૪માં હૃદયરોગથી મૃત્યુ થયું. મેહમુદની બહેન મીનુ મુમતાઝ (મલિકુન્નિસા અલી) અમેરિકા રહે છે. છેલ્લે છેલ્લે માલા સિન્હા-વિશ્વજીતની ફિલ્મ 'દો કલીયાં'માં એ દેખાઈ હતી. બલરાજ સાહની સાથે ફિલ્મ 'બ્લૅક-કૅટ'ની હોરીઇન હતી. લતા-રફીનું 'મૈં તુમ્હી સે પૂછતી હૂં, મૂઝે તુમ સે પ્યાર ક્યું હૈ, કભી તુમ દગા ન દોગે, મુઝે એતબાર ક્યું હૈ...' મીનુએ પરદા પર ગાયું હતું. મેહમુદની અમેરિકન પત્ની ટ્રેસીથી થયેલી દિકરી ફિલ્મ 'જીની ઔર જ્હૉની'માં ચમકી હતી. મેહમુદે એનું નામ પોતાની માં ઉપરથી, 'લતિફૂન્નિસા અલી' રાખ્યું હતું.

મેહમુદે દિગ્દર્શક તરીકે તો પહેલી ફિલ્મ 'ભૂત બંગલા' બનાવી હતી. મને યાદ છે, મારી ઉંમર ૧૩-વર્ષની. એ જમાનામાં રીગલ સિનેમા, અશોક સિનેમા અને પ્રતાપ સિનેમાની ગલીઓમાં ફિલ્મોના ફોટા અને ગીતોની 'ચોપડી' બબ્બે આનામાં મળે. એમાંથી મેહમુદનું એડ્રેસ શોધીને મેં પત્ર લખ્યો હતો, તો એના ઓટોગ્રાફ સાથે 'ભૂત બંગલા'નો પોતાનો બ્લેક-એન્ડ વ્હાઈટ ફોટો એણે મોકલાવવા ઉપરાંત, એની આગામી ફિલ્મના નામ પણ પત્રમાં લખ્યા હતા. આવો જ ફોટો (રંગીન) શશી કપૂરનો પણ મળ્યો હતો, જેમાં એના ફૅવરિટ વ્હાઈટ શૂટમાં એ ઝાડ નીચે બેઠો છે. આ એટલા માટે લખ્યું કે, આજે મારી ઉંમરના નવજવાનોમાંથી ઘણાની પાસે આવા જ ફોટા આવ્યા હશે.

ફિલ્મની હીરોઈન ભારતીને તમે 'વ્હી. શાંતારામના 'ગીત ગાયા પથ્થરોં ને', મનોજ કુમારના 'પૂરબ ઔર પશ્ચિમ'માં કે દિલીપ કુમારના 'ઈજ્જતદાર'માં જોઈ છે. દો કલીયાં, મસ્તાના, સૂરજ, મેહરબાન, સીમા કે ઘર ઘર કી કહાનીમાં જોઈ છે. એ ઘણી શિક્ષિત છે, ડૉ. ભારતી વિષ્ણુવર્ધન તરીકે સાઉથમાં ઓળખાય છે. વિષ્ણુવર્ધનનું સાઉથના ઘણા મોટા હીરોમાં નામ છે. જોવાની ખૂબી છે કે રજનીકાંત પણ મૂળ સાઉથ ઈન્ડિયન નથી, મરાઠી છે, તેમ ભારતી પણ જન્મે મરાઠી છે.

મુહમ્મદ રફીનું અકાળે અને ઘણી નાની ઉંમરે અવસાન થયું, તેના એક કારણમાં કિશોર કુમાર સહેજ પણ નથી. રફી સાહેબ અને કિશોર કુમાર વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હતો. '૬૯-માં 'આરાધના' સ્વરૂપે કિશોર ઢોલનગારા સાથે આખા ફિલ્મ ઉદ્યોગ પર ફરી વળ્યો, એમાં એક પછી એક તમામ સંગીતકારો રફીને પડતા મૂકીને કિશોરને લેવા માંડયા, એટલે સુધી કે રફીના અનેક એહસાનો નીચે દબાયેલા સંગીતકારોએ પણ એમને પડતા મૂકવા માંડયા-એક માત્ર લક્ષ્મીકાંત-પ્યારેલાલે છેવટ સુધી સાથ ન છોડયો. પછી તો હાલત એ થઈ કે, મુહમ્મદ રફી જેવા લૅજન્ડને પણ મહિને એકેક-બબ્બે ગીત પણ માંડ મળતા... ''આજ ઈતની ભી મયસ્સર નહિ મયખાને મેં, જીતની હમ છોડ દિયા કરતે થે પયમાને મેં...'' (મયસ્સર એટલે પ્રાપ્ય... મળવાપાત્ર... અવૅઈલેબલ) એ આઘાત સહન ન થવાથી જ રફી સાહેબ કદાચ વહેલા જતા રહ્યા. રાહુલદેવ બર્મન પણ આવા જ આઘાતથી ગયા. કાયમી નિર્માતાઓ બીજા સંગીતકારોને લેવા માંડયા. મહેમુદની હીરોઈન બનતી અભિનેત્રી મનોરમા ગીનેસ બૂક ઑફ વર્લ્ડ-રૅકોર્ડ હૉલ્ડર છે, ૧૦૦૦-થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હોય, તેવી એ એક માત્ર હીરોઈન છે. સાઉથમાં આજે ય એનો દબદબો છે.

ગોપીશાન્તા કસી કિલાકુડૈયાર એનું મૂળ નામ. ૧૦૦૦-ફિલ્મો ઉપરાંત ૧૦૦૦-સ્ટેજ શૉ તો જુદા, ટીવી સીરિયલો ય જુદી. મૂળ તમિલ અભિનેત્રી મનોરમાએ તેલગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ વટ માર્યો છે.

ફિલ્મમાં નાની મોટી ઘણી ભૂલો રહી ગઈ છે. એક જ દાખલો લઈએ તો, નાનો મૅકી જમણા હાથે લખે છે ને મોટો થઈને એ ડાબા હાથે લખે છે.

(સીડી સૌજન્ય : શ્રી. દીપક આશરા)

No comments: