Search This Blog

29/01/2014

બ્રાહ્મણો... લઘુમતિ બની જાઓ...!

જૈનોને લઘુમતિનો દરજ્જો કોંગ્રેસ સરકારે અપાવ્યો, એનાથી સૌથી મોટો આનંદ એક બ્રાહ્મણ તરીકે મને થયો છે કે, ચલો... આ સરકાર ગરીબોનું ધ્યાન રાખવા માંડી છે. મને તો આજ સુધી એમ જ હતું કે, પૈસેટકે જૈનોની પાસે બ્રાહ્મણોના કોઇ ચણા ય ના આલે. આજે ખબર પડી કે, આ એક ભ્રમ હતો. બ્રાહ્મણોની સરખામણીમાં જૈનો તો ખૂબ દુઃખી પ્રજા છે. પારસી, સિંધી, પટેલ કે વૈષ્ણવોની સરખામણીમાં જૈનો આ દેશમાં આવી કફોડી હાલતમાં જીવતા હતા કે, મુસલમાન અને હરિજનોની જેમ એમને ય લઘુમતિનો દરજ્જો મળવા લાગ્યો. કોંગ્રેસ સરકારે આ એક સ્તૃત્ય પગલું ભર્યું છે. જે લાભો મુસલમાનો અને હરિજનોને મળશે, એ હવે જૈનોને ય મળશે. ત્રણે ય આર્થિક દ્રષ્ટિએ કેવી કફોડી હાલતમાં જીવે છે ! એ તો કેટલાક જૈનોએ કીધું કે, અમારે એવા કોઇ આર્થિક લાભો માટે લઘુમતિનો બિલ્લો લટકાવવો નથી. અમને ધાર્મિક દ્રષ્ટિએ લઘુમતિને મળવા પાત્ર હક્કો મળે, માટે આ અભિયાન ચલાવતા હતા.....! જૈનોમાં હાસ્યનવૃત્તિ ઘણી તગડી !

થૅન્ક ગૉડ... આવું જે બે-ચાર જૈનોએ કીધું હોય, એટલા પૂરતો મતલબ એ થયો કે, કાલ ઉઠીને જૈન બાળકને શિક્ષણ કે નોકરીમાં લઘુમતિના લાભો જોઇતા હશે, તો એવા લાભો મળતા હશે તો ય નહિ લે. અનુસૂચિત જાતિ/ જનજાતિના ''સમૃધ્ધ'' નાગરિકો ય આવો લાભ નહિ જ લેતા હોય, એમ જૈનો પણ ૫૯ ટકે ઍડમિશન અટક્યું હોય પણ હવે લઘુમતિનો દરજ્જો મળી ગયા પછી સ્વમાન ખાતર પણ પેલો લાભ નહિ લે અને ૫૯ ટકે ય વગર ઍડમિશને પાછા આવશે.

સાચું ખોટું તો ભગવાન મહાવીરજી જાણે, પણ હમણાં કોઇ જૈન શ્રેષ્ઠીએ એક, બે, ત્રણ નહિ... પૂરા રૂ.૧૦૦/- કરોડનું દાન કોઇ જૈન ધર્મસ્થાનમાં આપ્યું, જેથી ભક્તોને રહેવા-જમવાની કોઇ મુશ્કેલી ન પડે.

સો કરોડ...!! કેવી સુંદર જ્ઞાતિભક્તિ ? અમારા તો સંખ્યામાં ૧૦૦ કરોડ બ્રાહ્મણો ભેગા થઇને એક-એક રૂપિયો ઉઘરાવે, તો ય આંકડો ૧૦૦ કરોડ ઉપર ન પહોચે..એક કહેશે અમે ઔદિચ્ય, બીજો કહેશે અમે બાજ ખેડાવાળ, ત્રીજો કહેશે અમે મોઢ... ચોથો કહેશે અમે નાગર... અમે સૌથી ઊંચા બ્રાહ્મણ... લઘુમતિનો પહેલો લાભ અમને મળવો જોઇએ. અમે તો અંદરોઅંદર પતી જવા માટે ય સમર્થ છીએ.

પણ આ શ્રેષ્ઠીએ જૈનો માટે જ ૧૦૦ કરોડ ખર્ચીને જૈનોની કેવી ઉમદા સેવા કરી છે...! કેટલાક વાંકદેખાઓ કહે છે, સેવા ભલે જૈનોની જ કરવી હતી તો આટલા પૈસામાં તો એક ઇન્ડસ્ટ્રી સ્થાપી શકાય ને ભલે એમાં નોકરી જરૂરમંદ ગરીબ જૈનોને જ આપો, તો કમ-સે-કમ દેશના વિકાસમાં તો કોઇ ફાળો આપી શકાયો હોત ! પણ એ લલ્લુઓને ખબર નથી કે, ધર્મ નામની બી કોઇ ચીજ છે. પોતાનો પરિવાર, શહેર કે દેશ... સહુ પહેલા ધર્મ આવે ને તો જ દેશનો વિકાસ થાય. બીજા કયા ધર્મો દેશના વિકાસમાં એક રીંગણું ય આપે છે ?

પણ હવે સવાલ ઊભો થવાનો બાકીની લઘુમતિઓનો, પારસીઓનો ! પારસીઓના આમ તો કોઇ દુશ્મન હોય નહિ, એવી સન્માન્નીય કૌમ છે, છતાં એમના દુશ્મનોએ પણ કબુલ કરવું પડે કે, બધી જ રીતે જરૂરતમંદ કોમ પારસીઓની છે. લઘુમતિના લાભો એમને મળવા જોઇએ. સિંધીઓ તો એથી ય વધુ ખરાબ હાલતમાં છે. જૈનોની જેમ એમનામાં ય હશે કોઇ દસ-બાર ટકા અબજોપતિઓ, પણ બાકીના કૂચે મરે છે. બ્રાહ્મણોની જેમ ! વૈષ્ણવો તો બિચારી કેવી શાંત પ્રજા છે. જે કાંઇ હોય, ''અમારો શામળીયો સંભાળી લેશે.'' એ લોકો ડૉ.મનમોહનને શામળીયો સમજતા હશે.

છતાં સ્વમાન અને ખુમારી ખાતર અથવા તો ભીખના ટુકડાઓ ઉપર જીવવાનું પસંદ ન હોવાથી આ લોકોએ તો કદી પોતાને લઘુમતિમાં મૂકવાનો અણસારો સુધ્ધા આપ્યો નથી. જે કાંઇ છે, તે અમારી પોતાની મેહનતનું છે !

બેવકૂફો છે..! અરે બેવકૂફો, વિચાર તો કરો... જે કાંઇ જાહેજલાલી છે, એ બધી લોકસભાની ચૂંટણીઓ સુધી જ છે. વૈષ્ણવો પોતાનો હક્ક નહિ માંગે તો અમે બ્રાહ્મણો, પારસીઓ, લોહાણાઓ, સિંધીઓ અને પટેલો તો લઘુમતિનો દરજ્જો લઇને જ રહેવાના...હે વૈષ્ણવો... તમારે એકલાએ સવર્ણ ગણાઇને ક્યા લાટા લેવાના ? પછી તો અમે બધા બીસીઓ (બૅકવર્ડ ક્લાસીયાઓ) તમારી સાથે પૈણવા-પૈણાવવાનો વ્યવહારે ય નહિ રાખીએ. જાગો વાણીયાઓ જાગો...! એક વાણીયો તો ધમાચકડી સાથે જાગીને સુખી થઇ ગયો છે. તું વૈષ્ણવ થઇને 'વણજોતું નવ સંઘરવુ..'ની લ્હાયમાં ક્યાંય ખોવાઇ જઇશ, એ ખબરે ય નહિ પડે, ભ'ઇ !

અને પોતાની કૌમને લઘુમતિમાં મૂકાવવી, એ કાંઇ ખોટું ય નથી. ક્યા રાહુલ ગાંધીને એના ખિસ્સામાંથી આપવાના છે ! જૈનો ખૂબ મોટી સંખ્યામાં છે, એમના સડેડાટ બધા વૉટ હવે કોંગ્રેસની ઝોળીમાં આવી જવાના ? તો બ્રાહ્મણો ય આખા દેશમાં કોઇ નાની સંખ્યામાં નથી. સમય આ જ છે, લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવાનો ! ચૂંટણી પહેલા માંગો એ મળશે, તો શા માટે આપણે પણ ભારતના તમામ બ્રાહ્મણો ભેગા થઇને માત્ર કોંગ્રેસ પાસે જ જઇએ ? ભીખ જ માંગવાની છે તો દાનવીર ભાજપ છે કે કોંગ્રેસ શું ફરક પડે છે ? સોનાના તાંસળામાં ભીખ માંગો તો ય મળે છે ને ફાટેલા કપડાંની ઝોળીમાં ય મળશે.. પણ એ તો કોંગ્રેસ માઇ-બાપ છે ત્યાં સુધી..બોલો, જયહિંદ.

આ કૉલમ રૅગ્યુલર વાંચનારાઓ ભભૂકી ઉઠશે કે, હું કોંગ્રેસનો (કે ભાજપનો) પ્રખર ટીકાકાર છું, છતાં લઘુમતિની વાત આવી, એમાં રાતોરાત તમે કોંગ્રેસની વાહવાહી કરવા માંડયા...? થૂ...થૂ... થૂ...!!

યસ. આખિર, મૈં ભી એક ઇન્સાન હૂં. મારે ય બાલબચ્ચાઓ છે. નોકરી કે શિક્ષણમાં ઍડમિશનો મારે ય અલાવવાના છે. વૉટોની સંખ્યાને ધ્યાનમાં લઇને કોંગ્રેસે લઘુમતિ દરજ્જાની છૂટા હાથે લ્હાણી કરવા માંડી છે તો, અમે બ્રાહ્મણો કોઇ બિલ ગૅટ્સ કે અંબાણીઓ જેટલું કમાતા નથી. મફતનું મળે તો ઓહીયા કરી નાંખવાની ટેવ હવે અમારે ય પાડવી પડશે અને એ ય ચૂંટણી પહેલા. પછી તો, આપણે ય જાણીએ છીએ કે કોંગ્રેસ જીતવાની નથી ને સરકાર કોઇ પણ આવે, એ લઘુમતિના આપેલા દરજ્જાઓ પાછા ખેંચવાની નથી કે નવા આપવાની નથી.

એમની તો ખુદની મોટી સરકારો છે, એટલે માની લઇએ કે સ્વામીનારાયણવાળા ભક્તોને લઘુમતિ દરજ્જો મેળવવાની જરૂર નહિ પડે, પણ ધર્મને આધારે જ સરકાર લ્હાણી લૂંટાવવા બેઠી હોય તો હજી ગરીબ રહી ગયેલા સ્વામીનારાયણ ભક્તોને લાભ લેવા દો ને ! આવા પંથ જેવા કેવળ ધર્મને આધારે આપણા દેશમાં તો કેટલા બધા પંથો છે... અત્યારે સમય છે, ''નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !''

રહી વાત અસલના લઘુમતિઓની...એટલે કે, મુસલમાનો અને અનુસૂચિત જાતિ/ જનજાતિઓની.

અરે દોસ્તો, તૂટી જ પડવા જેવું છે નવો દરજ્જો માંગવા માટે ! એમને 'સુપર લઘુમતિ'નો દરજ્જો આપો. જૈનો અમારી સમકક્ષ ગણાય, એ અમને અન્યાયકર્તા છે. અમે એમના કરતા વધારે જરૂરમંદ છીએ. હવે અમને સો એ સો ટકા અનામત આપો. અમારામાંથી વધતું ઘટતું જો કાંઇ હોય તો બાકીની લઘુમતિઓને આપો. મહાત્મા ગાંધી કેવળ અમને બન્નેને 'જરૂરતમંદ' કહેતા ગયા છે, બીજાઓને નહિ ! જૂની વાર્તાઓમાં, 'એક ગરીબ બ્રાહ્મણ હતો...' એવું આવે છે....'એક ગરીબ જૈન હતો' એવું ક્યાંય સાંભળ્યું ?

હવે એવું રોજ સાંભળવા મળશે.

ઓહ...પછી તો કેવા નિર્મળ ભારતનું દ્રષ્ય હશે ? કોઇ પણ ઑફિસમાં કોઇ પણ પોસ્ટ ઉપર...એક હરિજન હશે, એક મુસલમાન, એક જૈન, એક બ્રાહ્મણ.....

બસ, ભારતવાસી કોઇ નહિ હોય !

સિક્સર

- જોયું ને ? ઇન્ડિયા ઘરમાં જ સિંહ.. બહાર બકરી !! વન-ડેમાં નંબર વન ગયો !!

- જસ્ટ શટ અપ !... આ જ ટીમ વિદેશોમાં પણ ખૂબ જીતી છે, ત્યારે નંબર વન બની હતી, ભારતીય બનો અને દેશની ટીમનો લિહાજ કરો !

No comments: