Search This Blog

29/08/2015

‘પતંગા’ (’૪૯)

ફિલ્મ : ‘પતંગા’ (’૪૯)
નિર્માતા : ભગવાનદાસ વર્મા
દિગ્દર્શક : એચ. એસ. રવૈલ
સંગીત : સી. રામચંદ્ર
ગીત–સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૪૩ મિનિટ્સ
રીલ્સ : ૧૪
થીયેટર : ખબર નથી (અમદાવાદ)
કલાકારો : નિગાર સુલતાના, શ્યામ, ગોપ, યાકુબ, પૂર્ણિમા, મોહના, ઇફ્તેખાર, રણધીર, રમેશ સિન્હા, રાજકિશર, શ્યામા, કક્કુ, રાજ મેહરા, સાધુસિંઘ અને ‘‘રાજેન્દ્ર કુમાર’’


ગીતો:
૧. ગોરે ગોરે મુખડે પે ગેસુ જો છા ગયે...... શમશાદ બેગામ
૨. દુનિયા કો પ્યારે ફૂલ ઔર સિતારે...... શમશાદ બેગામ
૩. ઓ દિલવાલો દિલ કા લગાના અચ્છા હૈ...... શમશાદ–ચિતલકર
૪. મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે...... શમશાદ–ચિતલકર
૫. પ્યાર કે જહાન કી નિરાલી સરકાર હૈ...... લતા, શમશાદ, કોરસ
૬. નમસ્તે – ૪, પહેલે તો હો ગઇ નમસ્તે...... રફી, મોહનતારા, શમશાદ, ચિતલકર, કોરસ
૭. બોલો જી દિલ લાગે, તો ક્યાં ક્યાં દોગો...... શમશાદ, મુહમ્મદ રફી
૮. દિલ સે ભૂલા દો તુમ હમે, હમ ન તુમ્હે...... લતા મંગેશકર
૯. ઠૂકરા કે મુઝે.... ઓ જાનેવાલે તુને અરમાનો કી...... લતા મંગેશકર
૧૦. કભી ખામોશ હો જાના, કભી ફરિયાદ ના કરના...... લતા મંગેશકર

કોઈ પણ જાતની ગેરન્ટી વગર એમ કહી શકાય કે, ૧૯૪૯માં આવેલી આ કોમિક ફિલ્મ ‘પતંગા’ ફક્ત ‘મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે ટેલીફૂન.....’ ને કારણે ચાલી હતી.

હવે આ વાતમાંથી ‘ફક્ત’ કાઢી નાંખો અને લતા મંગેશકરના જન્મજાત ચાહકોને વચમાં લાવીએ, તો એ ય કબૂલવું પડે કે, આ ફિલ્મમાં લતાના ત્રણ સોલો ગીતો ‘દિલ સે ભૂલા દો તુમ હમે, હમ ન તુમ્હે ભૂલાયેંગે’, ‘ઠૂકરા કે મુઝે.... ઓ જાનેવાલે તુને અરમાનો કી’ અને ‘કભી ખામોશ હો જાના, કભી ફરિયાદ ના કરના’ને કારણે ચાલી હોય કે ન ચાલી હોય, અમે લતાના ચાહકો આજ દિન સુધી આ ત્રણે ગીતો ઉપર ચાલી ગયા છીએ. અન્ના એટલે કે, સી. રામચંદ્ર અને લતાની પ્રેમ કહાણીને કારણે બન્ને વચ્ચે કોમ્બિનેશનને કારણે જે કોઇ ગીતો બન્યા, એ બધા આ સૃષ્ટિના અંત સુધી તો ભૂલાય એમ નથી. મારી પર્સનલ રિક્વૅસ્ટ લતા–અન્નાને ભેગી છે.. ‘આંખો મેં સમા જાઓ, ઇસ દિલ મેં રહા કરના...’ (પાછી એ વાત જુદી છે કે, એકલી લતાને વળગી રહેવામાં અન્નાની એ હાલત થઇ કે એમની સમગ્ર કેરિયરમાંથી લતા મંગેશકરને કાઢી નાંખો તો શેષમાં શકોરૂ ય વધતું નથી.... સિવાય કે, ‘નવરંગ’ જેવી એકાદ–બે ફિલ્મોના ગીતો. પુરૂષ સ્વરોને અન્નાએ ખાસ મહત્વ જ ના આપ્યું એટલે એક વાર લતાએ એમને છોડી દીધા પછી, અન્ના સંગીત જગતમાં રીતસર ફૂટપાથ પર આવી ગયા!’)... સોરી સરજી.... આમ તો આવું નિરીક્ષણ મદન મોહન ને નૌશાદ માટે ય કહી શકાય!

પણ ત્રીજું ક કારણ, એ પણ હતું કે, શમશાદ બેગમના તપાવેલા તાંબા જેવા અવાજને કારણે એણે ગાયેલા મોટા ભાગના ગીતો એની પહેલી ફિલ્મ ‘ખજાનચી’થી ઉપડવા માંડ્યા હતા. ખૂબ મજેલા સંગીતકારો માસ્ટર ગુલામ હૈદર, નૌશાદ, ઓ પી નૈયર, કે સી રામચંદ્રને જો ધૂમધામ સફળતા કોઇએ અપાવી હોય, તો શમશાદબાઇએ પણ બધા સંગીતમારોએ આ ભલી ગાયિકાનો ગરજ પૂરતો જ લાભ લઇને છોડી મૂકી હતી.

યસ. આ જ ફિલ્મની આખી ટીમ ૧૯૫૧માં બનેલી ફિલ્મ ‘સગાઇ’માં.... ઓલમોસ્ટ પૂરેપૂરી રીપિટ થઇ, પણ પહેલી ફિલ્મ સફળ થયા પછી બીજી એવી જ બનાવનારાઓ બેવકૂફ બન્યા છે. બે વર્ષ પછી બનેલી ‘સગાઇ’માં નિગાર સુલતાના અને હીરો શ્યામને કાઢી મુકાયા. ‘સગાઇ’ પિટાઇ ગયેલી, પણ આ ફિલ્મ ‘પતંગા’ એ બોક્સ ઓફિસો છલકાવી દીધી હતી. આજે જુઓ તો આપણને થોડી ય ન ગમે, પણ એ જમાનામાં આવી નોનસેન્સ ફિલ્મને પણ આઉટરાઇટ કોમેડી ફિલ્મ ગણાવાઇ હતી. ગોપ–યાકુબે એઝ યુઝવલ, લોરેલ–હાર્ડીની નકલનો ધંધો સંભાળ્યો હતો, પણ રાજીન્દર કિશનના સંવાદોમાં ભાગ્યે જ ક્યાંક હ્યુમર દેખાય છે. બાકી ગીતોની જેમ સંવાદોમાં ય એમણે વેઠ ઉતારી છે. યાકુબ જન્મે છે, ત્યારે જ્યોતિષી આગાહી કરે છે કે, એક દિવસ આ છોકરાની આગળ–પાછળ મોટરગાડીઓ ફરતી હશે... અને યાકુબ ટ્રાફિક–પોલિસ બને છે. બીજા એક સંવાદમાં ય ચમત્કૃતિ છે. મફલીસ યાકુબ મોટી રેસ્ટરાંમાં જમવા જાય છે, ત્યાં બિલ ચૂકવી નહી શકતા એક ગ્રાહક (રામઅવતાર... ફિલ્મ ‘તીસરી મંઝિલ’માં ટ્રેનમાં આશા પારેખને જોઇને શમ્મી સાથે ખડખડાટ હસતો જાડિયો)ને વેઇટરો અધમૂવો કરીને હોટેલને દરવાજે ફેંકી દે છે. યાકુબ એને ઊભો કરતા પૂછે છે, ‘અંદર ખાના કૈસે મિલેગા?’ ત્યારે રામઅવતાર કહે છે, કોઇ બાત નહિ... ખાના ખાને કે બાદ ઇસી તરહ તશરીફ લે આના, જીસ તરહ મૈં આયા હૂં...!’ મેહમુદ યાકુબનો ભક્ત હોવાથી, યાદ હોય તો લીના ચંદાવરકર–વિશ્વજીતની ફિલ્મ ‘મેં સુંદર હું’માં મેહમુદ હોટલમાં જમવાની આ જ સિકવન્સની બેઠી ઉઠાંતરી કરી હોવા છતાં, યાકુબ કરતા હજાર દરજ્જે ઉત્તમ કોમેડી કરી હતી.

સ્થૂળ હાસ્ય છતાં વાંચીને હસવું આવી જાય, ત્યારે ફિલ્મની હિરોઇન નિગાર સુલતાના અને યાકુબ ફૂટપાથો પર ખાંસીની ગોળીઓ વેચે છે, જેના પાટીયા ઉપર લખ્યું જ છે, ‘ગલા ખોલ દવાઇ’

યાકુબ વિશે ફિલ્મ ‘સગાઇ’ના લેખમાં લખ્યું જ છે. ફિલ્મ ‘પાકીઝા’નું વર્લ્ડ–ફેમસ ‘ઇન્હી લોગોને લે લિના દુપટ્ટા મેરા...’ યાકુબે માથે ઘુંઘટ ઓઢીને મુજરા નૃત્ય કરતા ગાયું હતું. આ જ ઢાળ આ જ શબ્દો ૧૯૪૧માં બનેલી ફિલ્મ ‘હિમ્મત’માં શમશાદ બેગમે પંડિત ગોવિંદરામના સંગીતમાં ગાયું હતું. મજરૂહ સુલતાનપુરીએ શબ્દો પોતાને નામે અને ગુલામ મુહમ્મદે ધૂન પોતાના નામે ઠઠાડી દીધી હતી, એ વાત આપણે અગાઉ લખી ગયા છીએ.

જો કે, વાચકોને વધુ રસ પડશે, આ ફિલ્મની હીરોઇન નિગાર સુલતાનાની વાતોમાં.

એ તો બધા જાણે છે કે, નિગાર ‘મુઘલ–એ–આઝમ’ના સર્જક કે. આસીફની (વન ઓફ ધ’) પત્ની હતી. આસીફે અગાઉ સિતારાદેવી સાથે અને છેલ્લે દિલીપ કુમારની સગી બહેન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. વચમાં, હવાફેર માટે નિગાર સુલતાના સાથે ય લગ્ન કરી લીધાં!... એક ચેઇન્જ મળે! જેને પરિણામે દિલીપે જીવનભર આસીફ–અખ્તરને માફ કર્યા નથી. બીજી વાત તમે એ પણ જાણો છો કે, નિગાર સુલતાનાની દીકરી હિના કૌસર (ફિલ્મ ‘મૈં તુલસી તેરે આંગન કી’ની તવાયફ) બે–પાંચ ફિલ્મોમાં કામ કરીને દાઉદ ઇબ્રાહિમના જમણા હાથસમા લંડન સ્થિત ડ્રગ માફિયા ઇકબાલ મિર્ચીને પરણી હતી. મીર્ચી હમણાં બે–ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયો.

(હવે પછીની પૂરી માહિતી તમને સૌથી પહેલી વાર મળી રહી છે.) મૂળ હૈદ્રાબાદના એક શરાબી ટેક્સી ડ્રાયવર સાથે તલ્લાક લઇને નિગાર મુંબઇ આવી. એ સમયના ખૂબ જાણીતા નિર્માતા–દિગ્દર્શક અને એક્ટર જગદીશ સેઠીએ એને ફિલ્મ ‘રંગભૂમિ’માં હીરોઇન બનાવી. પણ મૂળ અભણ આ છોકરીના મનમાં ઠસી ગયું હતું કે, રૂપનો ગમે તેવો ઉપયોગ કરીને સફળ થઇ શકાય છે. પહેલી જ ફિલ્મના શૂટિંગ વખતે એ કલાકારો તો ઠીક, કોઇ પણ પુરૂષના મનમાં ઠસાવી શકતી, કે એ એના પ્રેમમાં છે. સ્ત્રી હોવા છતાં કોઇ પણ પુરૂષ સાથે એવો શૅક–હેન્ડ કરતી અને હાથ છોડતી નહિ એમાં, પેલો તરત સમજી જાય કે, આમાં આગળ વધાય એવું છે. વધુ આગળ વધવા મુંબઇથી પૂના જઇને નિર્માતા–દિગ્દર્શક શાહિદ લતિફ (પ્રસિદ્ધ લેખિકા ઇસ્મત ચુગતાઇનો પતિ)ની ફિલ્મ ‘શિકાયત’માં કામ કરવાની સાથે વાત લગ્ન સુધી લઇ ગઇ. પેલો તૈયાર તો હતો પણ સ્વભાવનો સહેજ ઢીલો નીકળ્યો પણ ત્યાં સુધીમાં એનું લગ્નજીવન બર્બાદ થઇ ચૂક્યું હતું. ફિલ્મ ‘શિકાયત’ની હીરોઇન તો કિશોર સાહુની પૂર્વપત્ની સ્નેહપ્રભા પ્રધાન હતી અને ગીતકાર જે. નખ્શબના નફ્ફટ લફરાંની વાત અગાઉ આપણે કરી ચૂક્યા છીએ.

મુખ્ય કારણ આજની આપણી ફિલ્મનો હીરો શ્યામ, જે ‘શિકાયત’નો પણ હીરો હતો. હોલિવૂડના એ સમયના હીરો એરોલ ફ્લિન જેવી મૂછો રાખતો શ્યામ સવા છ ફૂટ ઊંચો અને ભારે હેન્ડસમ હતો. એને પૈસા કે ફિલ્મો કરતા ય મોટો શોખ છોકરીઓ અને શરાબનો. આઘાત લાગી શકે, પણ એ નફ્ફટાઇપૂર્વક બધાના દેખતા કહેતો પણ ખરો કે, યુવતીઓ સાથે ફક્ત પ્રેમમાં ટાઇમ ના બગાડાય... એની સાથે શરીર–સંબંધ પણ બંધાવવો જોઇએ. અર્થાત્, નિગાર સુલતાનાને ભાવતું’તુ, એ શ્યામે આપ્યું. બન્ને એક ટી–પાર્ટીાં પહેલી વાર મળ્યાની આઠમી મિનિટે બન્ને પ્રેમમાં હતા, એમાં શાહિદ લતિફ લટકી ગયો. આપણા લાડલા અને સ્વર્ગસ્થ ખલનાયક પ્રાણનું એક માત્ર લફરૂં કુલદીપ કૌર સાથેનું. એ કુલદીપ સાથે શ્યામ પણ અડકો–દડકો ખુલ્લેઆમ રમવા લાગ્યો. ‘‘એક નજરે જોનારને’’ મતે, શ્યામ અને કુલદીપ મુંબઇના પરાની ચાલુ ટ્રેનમાં ખુલ્લેઆમ ‘બધુ જ’ કરતા જોવામાં આવ્યા હતા. એ ‘આઇ–વિટનેસ’ કોણ હતો, જાણો છે? લાખો વાચકોનો લાડકો ઉર્દુ વાર્તાકાર સઆદત હસન મન્ટો. મન્ટો શ્યામની જેમ અશોક કુમાર અને એની ફિલ્મ ‘કિસ્મત’ના ગુજરાતી કોમેડિયન વી. એચ. દેસાઇનો જીગરી દોસ્ત હતો. મન્ટોએ પોતે લખેલી વાત મુજબ, ફર્સ્ટ ક્લાસના એ ડબ્બામાં એ ત્રણ જ જણા હતા. પહેલી વાર કુલદીપને મળતો હોવા છતાં શ્યામે કુલદીપને સીધું જ ‘આઇ લવ યૂ’ કહેને ઉમેર્યું પણ ખરૂં. ‘‘પેલા હરામી બચ્ચા પ્રાણને છોડી દે... ભલે મારો ય દોસ્ત રહ્યો પણ તું એને છોડીને મારી બની જા, જાનેમન. એને સીધો કરતા મને આવડે છે.’’ (કુલદીપ પ્રાણના એ હદના પ્રેમમાં હતી કે, ભાગલા વખતે પ્રાણ અને પરિવારને બધુ લાહૌર મૂકીને મુંબઇ આવતા રહેવું પડ્યું, ત્યારે પ્રાણની પ્રિય મોટર કારને આ કુલદીપ કૌર લાહોરથી મુંબઇ એકલી જાતે ચલાવીને ગાડી આપવા આવી હતી.) મરિન લાઇન્સ પર આવેલી હોટેલ સી–ગ્રીનમાં, ‘‘રાબેતા મુજબનનો કોર્સ’’ પતાવીને પોતાના રૂમમાં ગ્રેનાઇટની દિવાલને અડીને ઊભેલા શ્યામ અને કુલદીપ વચ્ચે અચાનક જ ઝગડો નહિ, મારામારી થઇ ગઇ. પાવરફૂલ શ્યામે કુલદીપના મોંઢા ઉપર રાક્ષસી મુક્કો માર્યો. કુલદીપ પણ ખલનાયિકા હતી. એ ખસી ગઇ ને તરત ભાગી પણ ગઇ.શ્યામનો હાથ પૂરજોશ ભીંતને અથડાયો. હાથે ફ્રેક્ચર ઘણું મોટું આવ્યું હતું. એ પછી શ્યામ તાજી નામની સ્ત્રીને પરણ્યો અને નિગાર સુલતાના અનેક ફિલ્મોના દિગ્દર્શક એસ. એમ. યુસુફને પરણી. એ તો બધાને ખબર છે કે, ફિલ્મ ‘શબિસ્તાન’ (જેમાં ડાન્સર હૅલને પહેલી વાર કામ કર્યું હતું.)ના શૂટિંગ વખતે ઘોડા ઉપર બેઠેલા શ્યામને ઘોડાએ ઉછળીને પાડી દીધો અને પાછલા બન્ને પગે શ્યામના મોંઢા ઉપર અનરાધાર લાતો મારીને ત્યાં જ મારી નાંખ્યો હતો.) શ્યામના મૃત્યુ વખતે પતિદેવ એસ. એમ. યુસુફને પોતાની પત્ની નિગાર સુલતાનાને ઘરમાં રીતસર બંધ કરી દેવી પડી હતી, જેથી ગામમાં પાછો ભવાડો ન થાય. નિગાર શ્યામનું મૌત બર્દાશ્ત કરી શકી નહોતી. કહે છે, નવી બિલ્લી મળી જતા નિગાર શ્યામ માટે રસકસ વિનાની થઇ ગઇ, પણ નિગારે તો એને પ્રેમપત્રો અઢળક સંખ્યામાં લખે રાખ્યા. એ પત્રોને શ્યામ દોસ્તોની મહેફીલોમાં ખડખડાટ હસતા હસતા ઉઘાડેછોગ મોટેથી વાંચી સંભળાવતો... નિગારે લખેલા સેક્સના વર્ણનો સાથે! બધેથી ભાંગી પડેલી નિગાર સુલતાના ફિલ્મોમાં કામ ચાલુ રાખવા, તમે માંગો એ આપવા ફક્ત તૈયાર જ નહોતી... આપતી પણ હતી. એમાં ફિલ્મી પત્રકારો જેની મશ્કરી કરવા ‘મહાકવિ’ કહીને ઉડાવતા, એ ગીતકાર ડી. એન. (દીનાનાથ) મધોક સાથે નિગારે નવેસરથી લફરૂં માંડ્યું. મધોકે ય શોખિન જીવ હતો. કોઇ અત્યારે તો નહિ જ માને, પણ દેશના ભાગલાના પેલા સ્ત્રીઓના ગંજાવર શોખિન આ મધોક એક ડાન્સરમાંથી એક્ટ્રેસ બનેલી ‘ઇર્શાદ’ નામની છોકરી પાછળ મહિને રૂ. ૧૦ હજાર લૂટવતો. પોતાના લાહૌરમાં એણે રાવિ નદીને કિનારે એક આલીશાન બંગલો ઇર્શાદને ભેટ કરી દીધો હતો. 

અર્થાત, આ ફિલ્મના હીરો–હીરોઇન શ્યામ અને નિગાર સુલતાના બન્નેને પોતાને આંકડો યાદનહિ હોય, એટલી માતબર સંખ્યામાં પ્રેમ (!) કર્યા છે. નિગાર સુલતાના પાછળે ય પૈસોનો ધૂમાડો કર્યા બાદ ‘મહાકવિ’ એરણજીત સ્ટુડિયોની ફિલ્મ ‘બેલા’માં નિગારને હીરોઇનનો રોલ અપાવ્યો. બન્ને એકબીજામાં મસ્ત હોય ત્યારે નિગાર કહેતી, ‘‘ડાર્લિંગ... હવે જઉં... ?’’ એટલું બોલીને મધોકના ખિસ્સામાંથી રૂ. ૧૦૦/–ની નોટો કાઢીને ફ્લોર પર વેરાયેલી નોટો વીણી લેવામાં ય શરમ અનુભવતી નહોતી. ફિલ્મ ‘બેલા’ અધોગતિને જઇને વરી. મધોક ખેદાનમેદાન થઇ ગયો, પણ નિગારની જ કાર લઇને ભાગી ગયો... ક્યાં? એ તો એ એકલો જ જાણે! આ બાજુ, પિતાની ઉંમરના બુઢ્ઢા મધોક સાથેના લફરાંની વાતો એ જમાનાના ફિલ્મી પત્રોએ ખૂબ ચગાવી, એમાં બદનામ નિગારને ફિલ્મો મળતી ય બંધ થઇ ગઇ. માહિતીના શોખિન વાચકો માટે રેકોર્ડ પૂરતી બે વાત કે આ ફિલ્મ ‘બેલા’માં સંગીત બુલો સી રાનીનું હોવા છતાં તત્સમયના બીજા ગ્રેટ સંગીતકાર શ્રીનાથ ત્રિપાઠીએ સેકન્ડ હીરોનો રોલ કર્યો હતો અને બીજું... આ ફિલ્મના દસેદસ ગીતો જોહરાજાન અંબાલેવાલીએ ગાયા હતા.

અત્યંત ગંદાગોબરા રહેતો દિગ્દર્શક કે. આસીફ સ્ત્રીઓના મામલે શ્યામ કે મધોકથી ય ચઢે એવો હતો, એટલે નિગારને ગમી ગયો. લગ્ન યે કર્યા ને તરત તોડી ય નાંખ્યા. પછી પાકિસ્તાનનો અને પોતાને દિલીપ કુમાર માનતો ઇશરત નામનો સોહામણો યુવાન નિગારને ગમી ગયો. પોતાનાથી ઉંમરમાં ઘણો નાનો હોવા છતાં નિગાર ઇશરતની સાથે એ જ્યાં ઉતરતો હતો, તે હોટેલ એસ્ટોરિયામાં જ રાતદિન પડી પાથરી રહેતી. કહે છે કે, ઇશરતમાં એને શ્યામ દેખાતો હતો. પેલાએ પણ જેટલું લૂંટવાનું હતું, એ લૂંટીને પાછો પાકિસ્તાન ભેગો થઇ ગયો.

‘મુગલ–એ–આઝમ’માં મધુબાલાની સાથે ‘તેરી મેહફીલ મેં કિસ્મત આઝમા કર હમ ભી દેખેંગે...’ કવ્વાલી ગાનાર નિગાર સુલતાના છેલ્લે માલા સિન્હા–વિશ્વજીતની ફિલ્મ ‘દો કલીયાં’માં માલાની મોમના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મની બીજી હીરોઇન પૂર્ણિમા આ જ ફિલ્મના નિર્માતા ભગવાનદાસ વર્માને પરણી હતી. પૂર્ણિમા મુસ્લિમ હતી અને એની દીકરીનો દીકરો એટલે આજનો હીરો ઇમરાન હાશમી.

...’૬૦ના દશક પછી તો જે ‘જ્યુબિલી સ્ટાર’ કહેવાયો, એ પહેલા ઠેઠ ૧૯૫૭માં પોતાની પહેલી ફિલ્મ ‘વચન’માં ગીતા બાલી સાથે આવ્યો, તે રાજેન્દ્ર કુમાર આ ’૪૯માં બનેલી ફિલ્મ ‘પતંગા’ન ફક્ત એક દ્રશ્ય માટે એક એકસ્ટ્રા તરીકે ફિલ્મના પ્રારંભમાં જ આવે છે. રાજેન્દ્ર અગાઉ મોતીલાલની ફિલ્મ ‘મિસ્ટર સંપત’ અને દિલીપ કુમારની ફિલ્મ ‘જોગન’માં ય એકસ્ટ્રા તરીકે આવી ચૂક્યો હતો. એ બતાવે છે કે, ફિલ્મોમાં નસીબ અજમાવવા કેટલું અને કેટલા વર્ષો સુધી ઝઝૂમવું પડે છે!

No comments: