Search This Blog

26/08/2015

સાયકલના એ દિવસો....

દેવ આનંદ ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'માં નૂતનને સાયકલના ડાંડા ઉપર (ડબલ સવારી) બેસાડીને ગીત ગાય છે, 'માના જનાબને પુકારા નહિ' અમે નાનપણમાં એ ગીત દેવ-નૂતનની ડબલ સવારીમાં જોયેલું. એ પણ યાદ છે કે, દેવ જેની સાયકલ લઇને ભાગે છે. એ બે જણ પૈકીનો એક પતલો દિગ્દર્શક સુબોધ મુકર્જી હતો. એ દ્રશ્ય એ વખતના ભારતના માહિતી-પ્રસારણ મંત્રી શ્રી.કેસકરને અત્યંત બિભત્સ લાગ્યું હોવાથી આખું ગીત ફિલ્મમાંથી કાઢી નાંખ્યું હતું. દિગ્દર્શક વિજય આનંદ (ગોલ્ડી)એ બુધ્ધિ વાપરીને એનું એ જ ગીત પણ સાયકલ બે-કરીને નવેસરથી શૂટ કર્યું હતું. અત્યારે તમે એ ગીત જુઓ તો બન્નેને અલગ અલગ સાયકલો આપવામાં આવી છે.

બહુ નાનકડી ઉંમરમાં આ ગીત જોયું. એમાં દેવ આનંદ અને સાયકલ-બન્ને યાદ રહી ગયા હતા, ફક્ત આગળ બેસે, એવી નૂતન લાવવાની બાકી હતી. (એ વાત જુદી છે કે, એ જમાનામાં સાયકલ તો ભાડે મળતી! ...આ તો એક વાત થાય છે.) પણ પહેલી વાર પ્રેમમાં પડયો (બન્ને તરફી), ત્યારે પેલીને કેમ્પના હનુમાન દર્શન કરવા સાયકલ પર બેસાડીને લઈ જવાની મેં હઠ પકડી હતી. એને બે વાતો સમજાતી નહોતી કે, 'પ્રેમમાં મેક્સિમમ શ્રીકૃષ્ણના દર્શને જવાય... હનુમાનજી ક્યાંથી આવ્યા? અને એની બીજી મૂંઝવણ એ હતી કે, આ મને સાયકલના કેરિયર ઉપર બેસાડવાને બદલે આગળના ડાંડા ઉપર કેમ બેસાડવા માંગે છે?' એ ભોળીને ક્યાં ખબર હતી કે, 'બેન, તું નૂતન હોય કે નિરૂપા રૉય... સાયકલ ચલાવનારો તો દેવ આનંદ છે!'

દેવ આનંદ ગાંડો નહોતો થઈ ગયો કે, બીજી વખત સાયકલ લઈને ફિલ્મ 'તેરે મેરે સપને'માં નૂતનને બદલે મુમતાઝને બેસાડીને ગાય છે, ''હે મૈંને કસમ લીઈઈઈ... હે તૂને કસમ લીઈઈઈ'' યાદ રાખો દોસ્તો, દેવની સાયકલ ઉપર આગળ બેઠેલું પાત્ર બદલાયું હતું, સાયકલ નહિ! દેવે પાછી 'સ્પેર'માં એક તઇણ પૈડાંવાળી ત્રીજી સાયકલ (હેમા માલિની) રાખી હતી 'જાગો ગ્રાહક જાગો...'

કબુલ કરું છું કે, હજી એટલી ચલાવતા નહોતી આવડતી કે, આવી ડબલ-સવારી કરવી હોય તો પહેલા આપણે બેસી જવાનું કે એને બેસાડવાની, એની ખબર પડે! પણ મારા સંસ્કારોએ શીખવ્યું હતું કે, પહેલું માન હંમેશા સ્ત્રીને (અથવા સ્ત્રીઓને) આપવું. એટલે સૌજન્યપૂર્વક મેં કહ્યું, 'બહેન, પહેલા તમે બેસી જાઓ.' (પહેલા ગોળીબાર વખતે તો પ્રારંભ 'બહેન'થી જ કરવો પડે... ભારતભરમાં એમ જ થાય છે. આ કોઈ મારી એકલાની શોધ નથી. આપણે એટલું ધ્યાન રાખ્યું કે, બદલામાં એણે મને ''સારું, ભાઈ...'' નથી કીધું ને?

વૈષ્ણોદેવીનો ગઢ ચઢવાનો હોય, એમ એ મને કહે, ''ઘોઑડાવાળો નંઇ આવે?'' હું ચમક્યો. શહેરભરના ઘોડાગાડીઓવાળાઓને હું ઓળખતો હતો, પણ મારાથી વધુ હેન્ડસમ એકેય નહોતો. તો આ નવો ક્યાંથી આવ્યો? પણ એણે તરત ખુલાસો કર્યો, ''એવું કાંય નથ્થી. શાયકલ જરી ઊંચી છે ને તે મેં 'કૂ... બાજુમાં ઘોઑડો ઊભો રાઇખા પછી શાયકલ પર ઠેકડો મારી દઉં.'' (સૌરાષ્ટ્રબાજુ સીધેસીધો 'ઘોડો' બોલવાને બદલે એ લોકો વચમાં એક 'ઑ' ઉમેરે છે.)

પ્રેમોમાં પહેલો ચાન્સ કદી ઘોડાને ન દેવાય... આપણે લેવો પડે, એટલે મેં કીધું, ''સિલુ... હું તમને તમારી કમરેથી પકડીને ઊંચી કરીને સાયકલના ડાંડા ઉપર બેસાડી દઉં..? સાયકલ પર તમારો રાજ્યાભિષેક થઈ જાય, પછી હું સીટ પર બેસીશ.'' હજી એને 'આપ' કે 'તમને' સંબોધનને બદલે તુંકારાથી બોલાવવાની વાર હતી... આવામાં ઉતાવળો ન કરાય... છતાં 'બહેન' છેકી નાંખીને એને 'સિલુ' કહીને બોલાવી. ગ્રામરની દ્રષ્ટીએ આમ તો મારે શિલ્પાનું 'શીલું' કરવું જોઈએ, પણ એના I.Q. અને એના જનરલ નૉલેજ મુજબ Seilla શબ્દનું ટુંકુ નામ 'સિલુ' વધારે ફિટ બેસે... ને એને એમ થાય કે, 'આ લે લ્લે... વાલમો તો મને ઇંગ્લિસ નામથી બોલાવે છે.'

રોમાન્સમાં પહેલી ભૂલ તો બધાને થાય વળી. મને એટલી તો ખબર કે સાયકલ ચલાવતી વખતે પગના પેંડલ આગળની તરફ મારવાના - પાછળ નહિ. સિલુને મારા તરફ માન થયું. એની 'હા' પછી મેં એને ઉચકીને મારી બાહોંમાં લીધી. ફિલ્મ 'પાકીઝા'માં રાજકુમાર મીના કુમારીને ઉચકતો હોય, એવું મને એકલાને લાગતું હતું. પ્રેમોમાં આવા તબક્કે ધ્યાન સાયકલ ઉપર ન રખાય... સિલુ એટલે કે, સનમની આંખોમાં રખાય! પ્રણયનો એ સૌથી ઉચ્ચતમ તબક્કો હતો ને સાયકલ નિમિત્ત બનવાની હતી... બની. મેં સિલુને ઉપરથી ડાંડા ઉપર છોડી દીધી, તો નીચે સાયકલ જ ન હતી. સાયકલ આ બાજુ હતી. કહે છે કે, આવા અકસ્માતોમાં પાછળના બન્ને કૂલાઓ એકસાથે જમીન પર પછડાયા હોય તો વધારે વાગે છે. વારાફરતી એક પછી એક કૂલો પછડાયો હોય તો સૌથી વધારે વાગે છે. પણ ખબર નહિ... કઇ ફેક્ટરીમાં એ બન્ને કૂલાનો સેટ બનાવી લાવી હતી કે, અવાજના ધડાકાની બરોબરીનું એને કાંઈ વાગ્યું નહિ! એ તો ખંખેરીને ઊભી થઈ ગઈ... આપણને મ્યુનિ. ઉપર આવા રસ્તાઓ બનાવવા બદલ સખ્ખત ખીજો ચઢે...! પુરાણોમાં ય કીધું છે કે, દરેકને દરેક વખતે દરેક મેહનતનું ફળ મળે, એ જરૂરી નથી. મને ય ન મળ્યું. સિલુડીનો વાળ બી વાંકો ન થયો. (સૉરી કરેક્શન :સિલુડીનો કૂલો ય વાંકો ન થયો! બોલ શ્રી અંબે માત કીઇઇઇઇ...?)

એ નિશ્ચય હતો કે, મારે એને બેસાડવી તો ડંડા ઉપર જ હતી... ભલે પછી હું સીટ ઉપર બેઠો હોઉં કે ન હોઉં! ફ્રેન્કલી... ગાડીમાં આપણી બાજુમાં બેઠેલી કે સ્કૂટર ઉપર આપણી પાછળ બેઠેલી વાઇફ કરતા સાયકલના ડાંડા ઉપર બેઠેલી વાઈફમાં મને ભરચક રોમાન્સ લાગે છે. વારાફરતી, આ ત્રણે ચાન્સો કોઇને મળતા નથી. 'કભી કિસી કો મુકમ્મલ જહાં મહિ મીલતા !...હોઓઓઓ ! ગાડીઓમાં આગળના બૉનેટ ઉપર બેસાડો, તો શું ઘંટડી રોમાન્સ આવવાનો છે? વૉર્ડ-બોય વૃધ્ધ પેશન્ટને સ્ટ્રેચર પર સુવાડીને O.T.માં લઈ જતો હોય એવું લાગે. ('ઓટી' એટલે ઑપરેશન થીયેટર) ગલીપચી એટલે કે રોમાન્સની મઝા તો સ્કૂટરોમાં ય નથી. હજી સુધી વર્લ્ડમાં એક સ્કૂટરવાળો પોદા થયો નથી, જે બંધ પડેલા સ્કૂટરની કીકો વાઇફ પાસે મરાવે! સ્કૂટરમાં - ભલે આપણી સીટની આગળ એક નાનકડી બેબી સીટ નંખાવો, પણ ત્યાં સગ્ગી વાઇફને બેસાડી શકાતી નથી. નારીયેળ નીચે ફૂલ મૂક્યું હોય તેવું લાગે !

તો બીજી બાજુ સનમને સાયકલ પર બેસાડવાનો આ મજો લૂંટી તો જુઓ. એ દિવસ પૂરતી ક્લિન-શેવ કરેલી આપણી દાઢી ગમ્મતમાં એના ભોડાં ઉપર અડાડ-અડાડ કરવાની. એક હાથે ફાવતી હોય (પ્રેમિકા નહિ, સાયકલ એક હાથે ફાવતી હોય) તો બીજા છૂટ્ટો હાથે આપણા પોતાના બરડામાં ખંજવાળ આવતી હોય તો ખણી પણ શકાય અને હાથ ખાલી હોય તો, ''સિલુ... તારા ખભા કેવા મજબુત છે!'' એમ કહીને એના ખભાને એક વાર અડી લેવાય. આમાં કોઈ ના ન પાડે. અસલી રોમાન્સ હવે શરૂ થયો કહેવાય. ફાયદો એ કે, મજબુત ખભાવાળી છેવટે ઘરમાં લાવવાની હોય તો ધૂળજીને રાખવાની જરૂર નહિ ને બા ય ના ખીજાય! સુઉં કિયો છો?

સાયકલના ડાંડા ઉપર બેઠેલી પ્રેમિકા ઝીણકું-ઝીણકું હસતી હસતી ડોકી ઊંચી કરતી આપણી સામે જોતી હોય, એની ઊડતી/લહેરાતી/ઝૂમતી ઝૂલ્ફો (માથે ડબલું રેડીને તેલ ન નાંખ્યું હોય તો) આપણા ચેહરા ઉપર અથડાઉ-અથડાઉ કરતી હોય, એના બે હાથ સાયકલના ગવર્નર ઉપર હોય ને આપણા બ્રેક ઉપર! બસ, જરૂર પડે ત્યારે સમયસર એ બ્રેકો મારી ન શકીએ, ને બન્ને જણા ભમ્મ થઈ જઇએ, એ જુદી વાત છે!

પણ આ બધું રોમેન્ટિસિઝમ હજી વિચારો પૂરતું મર્યાદિત હતું-વાસ્તવિક નહિ. સાયકલ અને મુમતાઝ બન્ને મળી ગયા હતા પાછળની સાઇડથી મારા બન્ને કાન જુઓ તો હું દેવ આનંદ જેવો લાગું પણ ખરો... આખેઆખો નહિ, બે કાન પૂરતી વાત થાય છે... અને મને ચાલુ સાયકલે ગાતા પણ આવડતું હતું, ''સાંસ તેરી મદિર-મદિર, જૈસે રજનીગંધા... હોઓઓઓ!'' ''અસોક, તી હું કઉ છું કે, શાયકલને માથે બેસવાને બદલે બાજુમાં શાયકલ પકડીને હાલતા-હાલતા શાયકલ હલાવીએ તો?''

(આ આખા વાક્યમાં ત્રણ-ત્રણ વખત 'સાયકલ' શબ્દનો પ્રયોગ કરવાની ક્યાં જરૂર હતી? શિક્ષકો અને સાહિત્યકારો પ્રેમોમાં પડે, ત્યારે શૈક્ષણિક સમસ્યાઓ આવી ઊભી થાય છે. આતો એક વાત થાય છે.) મેં કીધું, ''એવી અદાઓથી તો વહેલી પરોઢે ઘરમાં છાપું નાંખવા આવતા ફેરીયાઓ સાયકલ પકડીને આવતા નથી. સિલુ, એટલું યાદ રાખ કે, સમાજને એવું ન લાગવું જોઈએ કે, આ બહેન સાયકલને અને મને-બન્નેને ભાડે ફેરવે છે.''

''તો તમે કિયો એમ...! બોલો, પહેલા તમે બેસો છો કે હું હબડીક કરતી બેસી જાઉં?''

એની વાતમાં દમ હતો, સાયન્સ હતું... પણ લૉજીક નહોતું. સાયકલ પાસે જરાક અમથી સ્પીડ પકડાવીને એ ઠેકડો મારીને આગળના ડાંડા ઉપર બેસવા ગઇ... મોટો ભમ્મઅવાજ સાયકલની કઇ બાજુથી આવ્યો હતો, તે યાદ નથી.

બસ. સૌથી સલામત અને સર્વોત્તમ પ્રવાસ એટલે અ.મ્યુ.કો.ની બસમાં બેસવાનું અમે નક્કી કર્યું. દેવ આનંદ નહિ તો અમોલ પાલેકર તો બસોમાં જ હીરોઇનો સાથે મુસાફરી કરતો'તો ને?

સિક્સર 

- કેવો સડસડાટ સાચો પડી રહ્યો છું હું...? કે દેશમાં અનામત વગરની એક જ કૌમ બાકી રહેશે-બ્રાહ્મણોની. મારો પેલો લેખ વાંચ્યા પછી ય બે-ચાર જણા પૂછવા આવ્યા, ''દવે એટલે તમે કયા બ્રાહ્મણ?''

No comments: