Search This Blog

07/08/2015

સાંજ ઔર સવેરા

ફિલ્મ : 'સાંજ ઔર સવેરા' ('૬૪)
નિર્માતા : સેવન્તીલાલ શાહ
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : હસરત-શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : ગુરૂદત્ત, મીના કુમારી, મેહમુદ, શોભા ખોટે, મનમોહનકૃષ્ણ, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, કેસ્ટો, પદ્માદેવી, જગદેવ, બ્રહ્મ ભારદ્વાજ, કનુ રૉય, રાશિદ ખાન, પરવિન પૉલ અને ઝેબ રહેમાન.
ગીતો
૧. મનમોહનક્રિશ્ન મુરારી, તેરે ચરનોં કી બલિહારી... લતા મંગેશકર
૨. યે હી હૈ વો સાંજ ઔર સવેરા, જીસ કે લિયે... આશા ભોંસલે
૩. ઓ સજના, મોરે ઘર અંગના, મુસ્કાયે ના, મન ભાતે ના... લતા મંગેશકર
૪. અજહૂ ન આયે, બાલમા, સાવન બીતા જાય... સુમન કલ્યાણપુર-રફી
૫. જીંદગી મુઝકો દિખા દે રાસ્તા, તુઝકો મેરી હસરતોં કા વાસ્તા...મુહમ્મદ રફી
૬. તકદીર કહાં લે જાયેગી, માલૂમ નહિ, લેકીન હૈ યકીં... મુહમ્મદ રફી
૭. ચાંદ કંવલ મેરે ચાંદ કંવલ, ચૂપચાપ સોજા યૂ ના મચલ... સુમન કલ્યાણપુર
ગીત ૧, ૩ અને ૬ શૈલેન્દ્રના, બાકીના હસરત જયપુરીના.

એક'બે મિનિટ વાત કરી શકું, સાહેબ...? મુંબઇથી બોલું છું.''

અવાજ ઉપરથી ફોન કરનારની ઉંમર મારા પિતાતુલ્ય લાગી એટલે મેં ના પાડી. ''સાહેબ કહેશો તો એકે ય મિનિટ નહિ... બાકી બોલો, તમે કોણ બોલો છો?''

''સાહે-સૉરી, અશોકભાઇ, તમારી 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમ ભૂલ્યા વિના વાંચું છું. આજ સુધી એકે ય હપ્તો ચૂક્યો નથી... મને---''

''વડીલ, કામ તો બોલો... હું---''

''જી. તમે ફિલ્મ 'સાંજ ઔર સવેરા' જોઇ જ હોય.. જોઇ છે ને? હું એ ફિલ્મનો પ્રોડયુસર બોલું છું. મારૂં નામ સેવંતીલાલ શાહ. જન્મે પાક્કો શ્વેતામ્બર મૂર્તિપૂજક વણિક છું... આ ફિલ્મ મેં બનાવી હતી..''

હું માની શકતો નહતો. આટલી મોટી વ્યક્તિ મને સામેથી ફોન કરે?

પછી તો રોજ ફોનનો સિલસિલો ચાલુ રહ્યો, ત્યારે ખબર પડી કે, આ જ ફિલ્મે આપણા ગુજરાતી જૈન વણિકને બધી રીતે બર્બાદ કરી નાંખ્યા અને એમણે વાપરેલા શબ્દ મુજબ, 'લિટરલી' ફૂટપાથ પર આવી ગયા. પતનનો પ્રારંભ મેહમુદે કર્યો. જે અમથો ય બહુ તોછડો અને ઘમંડી હતો. આ જ અરસામાં શમ્મી કપૂર સાથેની એની ફિલ્મ 'દિલ તેરા દીવાના' સુપરહિટ ગઇ ને મેહમુદનું કામ દેશભરમાં ધૂમ મચાવી ગયું. ફિર ક્યા...? સેવંતીલાલ સાથે (આખી ફિલ્મમાં કામ કરવાના) રૂ. ૭૦ હજારમાં સોદો થયો હોવા છતાં મેહમુદ ફરી ગયો અને સીધા સવા લાખ રૂપિયા માંગી લીધા. બસ, પછી તો બીજા કોઇ ય છોડે? બધાએ પોતાની ફી જંગી વધારી દીધી. કંઇક બાકી રહી જતું હતું, તે ફિલ્મના જાણિતા વિતરક કપૂરચંદે પૂરૂં કર્યું. ૬-૭ વીકમાં ફિલ્મ ઉતારી લીધી... સારી ચાલતી હોવા છતાં. ક્યાંક ઋષિકેષ મુકર્જી જેવા પ્રણામયોગ્ય દિગ્દર્શક પણ માર ખાઇ ગયેલા. ફિલ્મની વાર્તા અત્યંત ધીમી અને ઘણી અવાસ્તવિક લાગે એવી બનાવવાને કારણે આખા દેશમાં ફિલ્મ બહુ ચાલી નહિ. સેવંતીલાલનું સઘળું લૂંટાઇ ગયું. પણ એમની સાથે રોજની વાતો દરમ્યાન કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી. ચુસ્ત જૈન હોવાને કારણે એ તો કશું અડે પણ નહિ, પણ શૂટિંગ દરમ્યાન આ લોકો માટે નૉન-વૅજથી માંડીને ડ્રિન્ક્સ બધું મંગાવવું પડતું - રોજ અને એ ય તાજ જેવી મોટી હૉટલોમાંથી. સૅટ ઉપર દારૂ પીવામાં ફક્ત ગુરૂદત્ત અને મીના કુમારી જ. કેસ્ટો મુકર્જી ફિલ્મમાં ભલે એક દ્રશ્ય માટે દેખાય છે અને તે ય ઓળખાય નહિ, તો ય શરાબ એને માટે ય મંગાવવો પડતો. જો કે, મેહમુદ દારૂ નહતો પીતો.

એની તો બધાને ખબર હોય કે, આ ફિલ્મમાં ભાઇ-બેનના પાત્રો ભજવનારા મેહમુદ અને મીના કુમારી અંગત જીવનમાં સાળી-બનેવી થતા. મીનાની બેન મધુ સાથે મેહમુદે લગ્ન કર્યા હતા. આ મધુ 'ક્લૅપ્ટોમૅનિયાક' હતી. (એટલે એવા ચોર જે પોતાના કોઇ કામ કે નફા-બફા વગર ગમે ત્યાંથી ચોરી કરી લે. જરૂરી નથી કે, એ રૂપિયા-ઘરેણાં ચોરે... તમારા ઘરે આવ્યો હોય તો, તમારૂં પહેરેલું એક જૂનું ચપ્પલે ય ચોરી જાય!)

''સર... રફી સાહેબની કોઇ વાત કરો ને...? એ કેવા માણસ હતા?'' મને મારા પ્રિય ગાયકશ્રી માટે પૂછવાનું મન તો થવાનું જ હતું!

''સંપૂર્ણપણે ભગવાનના માણસ. હું તો આ એક ફિલ્મ પૂરતો અકસ્માત જ લાઇનમાં આવી ગયો. મારી તો કૅમિસ્ટની શૉપ મહાલક્ષ્મી પર હતી. ત્યાં મારી દુકાને રોજ ફોન કરવા માટે એક ભાઇ આવે અને ફોન, ''લતાજીને આપો... રફી સાહેબને આપો'' એવું ફોનમાં બોલે. હું રફી સાહેબનો પૂરો ભક્ત. થોડી ઓળખાણ વધી એમ મેં એમને રીક્વૅસ્ટ કરી,

''સાહેબ... મારે રફી સાહેબને જોવા છે... એક વાર મને લઇ જશો?''

''લઇ જશો શું કામ...? રફી સાહેબને જ તમારી દુકાન પર કાલે લેતો આવું...''

ઓહ માય ગૉડ... બીજા દિવસે સ્વયં રફી સાહેબને લઇને એ આવી ગયા... હું એવો તો ખુશ થઇ ગયો કે, સાહેબ સાથે શું બોલવું, કેવું સ્વાગતકરવું... કાંઇ હોશ ન રહ્યા...''

''એ ભાઇ કોણ હતા?''

''એમનું નામ એમ.એમ. રેહની હતું. માલા સિન્હા-પ્રદીપ કુમારને '૫૯માં એમણે ફિલ્મ 'દુનિયા ન માને' બનાવી હતી. (હમ ચલ રહે થે, વો ચલ રહે છે, મગર દુનિયાવાલોં કે દિલ જલ રહે થે- મૂકેશ અને 'સજના લગન તેરી સોને ન દે...' - લતા) આગળ જતા એમની સાથે સંબંધ બંધાયો. એક દિવસ મને ખૂબ રીક્વૅસ્ટ કરીને મારી પાસે રૂ. ૧૦ હજાર માંગ્યા. મને માણસ ભલો લાગ્યો એટલે આપ્યા... ૩-૪ દિવસમાં એ પૂરા પૈસા પાછા આપી ગયો.''

''પણ તમે ફિલ્મમાં કેવી રીતે આવ્યા?'' મેં પૂછવાનું બંધ ન કર્યું.

''બસ. એમણે જ એક દિવસ પૂછી લીધું. તમે એકાદી ફિલ્મ કેમ બનાવતા નથી...? માંડ દોઢ-બે લાખનો ખર્ચો છે.''

બસ. એમની નિષ્ઠા ખોટી નહોતી. મારી સમજ ખોટી હતી. એ જે હું ભરાયો એ ભરાયો... સીધો ફૂટપાથ પર આવી ગયો.''

ફિલ્મ ઋષિદાની હોવા છતાં એવી કોઇ ક્લાસિક પણ નહોતી ને સાવ નાંખી દેવા જેવી પણ નહોતી. જો કે, ફિલ્મ જોઇને લાગે એવું કે પૂરી ફિલ્મમાં ઋષિદાનો કોઇ ટચ જ નથી. ફિલ્મ 'પાકીઝા'માં હૉજમાં વાળ બોળીને સુતેલી મીના કુમાર ઉપર અંધારામાં બળાત્કાર કરવા આવે છે, તે અત્યંત કદરૂપા અને લાંબા વિલન જગદિશ કંવલ પાસે ઋષિદાએ આ ફિલ્મની કથા-પટકથા જ નહિ, સંવાદો ય લખાવ્યા. પછી એમાં કઇ બરકત હોય? પણ શંકર-જયકિશનના બેમિસાલ ગીતો ઉપરાંત મીના કુમારી, ગુરૂદત્ત અને મેહમુદની સ્ટારકાસ્ટ મજબુત હતી. પણ મેહમુદને કૉમેડીને બદલે કરૂણ રૉલ અપાયો તેમ જ વાર્તાની ગતિ અત્યંત શિથિલ હોવાને કારણે પ્રેક્ષકોને ખાસ પસંદ ન આવી.

વાર્તા કંઇક આવી હતી.

ઍડવોકેટ મનમોહનકૃષ્ણ અનાથ ભત્રીજી મીના કુમારીને પોતાને ઘેર લઇ આવે છે, જ્યાં તબલાં પાછળ પાગલ એમનો ભાણો મેહમુદ પણ રહેતો હોય છે, મેહમૂદ-મીના વચ્ચે ભાઇ-બેનના સંબંધ બંધાય છે, પણ મનમોહનની દીકરી ઝેબ રહેમાન (કેદાર શર્માની આ શોધનું ફિલ્મી નામ પ્રીતિબાલા રાખવામાં આવ્યું હતું. આજે એ ક્યાં છે, કોઇને ખબર નથી.) એના પ્રેમી જગદેવ સાથે લગ્નની રાત્રે જ ભાગી જાય છે. લગ્ન મુંબઇમાં રહેતા ડૉકટર ગુરૂદત્ત સાથે થવાના હોય છે, પણ ગુરૂદત્ત કે એની માં (પદ્માદેવી)એ ઝેબને જોઇ હોતી નથી. ઝેબે આમ આબરૂની ધૂળધાણી કરી નાંખતા મનમોહન આપઘાત કરવા જાય છે, પણ મેહમુદ એને અટકાવી દે છે અને મીના કુમારીને સમજાવીને એને ઝેબ રહેમાનને સ્થાને ગુરૂદત્ત સાથે પરણી જવાની વિનંતી કરે છે. પણ પેલા લગ્ન અધૂરા હોવાથી મીના ગુરૂને પરણી હોવા છતાં ઝેબને જ ગુરૂની પત્ની માને છે. મનમોહન બનારસમાં એ બન્નેના નવેસરથી લગ્ન કરાવે છે.

એક દિવસ રાઝ ખુલી જતા મીના અને મેહમુદના જીવનમાં ઝંઝાવાતો આવે છે. છેલ્લે સુખદ અંત આવે છે.

એ વાત જુદી છે કે, ફિલ્મની માફક સેવંતીલાલ પણ ભૂલાઇ ગયા. નિષ્ફળતા કોઇ કામમાં આવતી નથી, પણ ફિલ્મના સંગીતે આજ સુધી મને ને તમને મસ્ત રાખ્યા છે. 'અજહૂ ના આયે બાલમા...' તો આજે ય સ્ટેજ ઉપર અનેક પ્રોગ્રામોમાં ગવાય છે. બહુ વખતે આવું બન્યું હશે કે, ફિલ્મનું ટાઇટલ સૉંગ શંકરે નહિ પણ જયકિશને બનાવ્યું હોય! યસ. બન્ને વચ્ચેની આ સમજ હતી કે, ફિલ્મનું થીમ કે ટાઇટલ સૉંગ ફક્ત શંકર જ બનાવે. અહીં જયે બનાવ્યું છે. મને આઘાત લાગે છે, જ્યારે મારાથી પણ વધુ જાણકાર લોકો શંકર અને જયકિશન વચ્ચે સરખામણી કરે છે કે, આ વધુ સારો ને પેલો વધુ સારો. આ નકરી બેવકૂફી છે. સરખામણી તો ઈવન શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે ય ન થવી જોઇએ. કહે છે કે, હમણાં આ બન્નેના પુત્રો એકબીજા સામે જંગે ચઢ્યા હતા કે, 'ફલાણા ગીતો મારા ફાધરે લખ્યા હતા... તારા ફાધરે નહિ!' તમારા બે યની ભલી થાય, ચમનાઓ... અમને સાંભળનારાઓને કોઇ ફર્ક પડતો નથી કે, કયું ગીત હસરતે લખ્યું ને કયું જયકિશને કમ્પૉઝ કર્યું. અમને તો બસ... ગીત ગમવું જોઇએ. આ જ વાતને જરા મોટા ફલક પર લઇ જઇએ તો સંગીત નૌશાદનું શ્રેષ્ઠ કે સી.રામચંદ્રનું? શંકર-જયકિશનનું કે અનિલ બિશ્વાસનું કે મદન મોહનનું? આવા વિવાદો બેવકૂફો કરે છે. આપણને કોઇ ચોક્કસ ગીત ગમે છે, પછી એ કોણે બનાવ્યું એની ફિકર શું કામ કરીએ છીએ? મદન મોહન સહેજ પણ ન ગમતો હોય ને પૂરા કારોબારનું વસીયતનામું ઓપી નૈયરને નામે લખી દીધું હોય તો પણ ફિલ્મ 'અનપઢ' કે 'વો કૌન થી?'ના ગીતો નથી ગમતા તમને? (ભૂલે ચૂકે ય ના ન પાડતા... રસ્તે જતો પાણીપુરીવાળો ય તમારી સામે હસશે...!) યસ. ઓળખાણ-પિછાણ અંગત હોય તો વ્યક્તિ તરીકે કોઇની પણ ટીકા કરો... એ તમારો અંગત પ્રોબ્લેમ છે. શંકર ઓછા બોલો અને ઘમંડી હતો, એવું સાંભળ્યા પછી જયકિશન માટે પણ સાંભળવા મળ્યું કે, ગુજરાતી હોવાનું ગૌરવ તો માય ફૂટ... પોતાને એ ગુજરાતી તરીકે ઓળખાવવામાં ય શરમ અનુભતો હતો... ગુજરાતીઓ સાથે પણ એ ફક્ત હિંદીમાં જ વાત કરો. પ્રોડયુસરોને ધક્કા ખવડાવ્યા વિના એ કામ પણ ન કરતો. '૬૦ના દાયકામાં પણ શંકર-જયકિશનના સિક્કા પડતા હતા. જયકિશન પણ પ્રોડયુસરોને અહંકારપૂર્વક લટકાવતો. એ વાત પાછી જુદી છે કે, ફિલ્મનગરીમાં બધા જ લોકો બિલકુલ પ્રોફેશનલ હોય છે. એ લોકોને ય પ્રોડયુસરોના ખરાબ અનુભવો થઇ ચૂક્યા હોય છે. એ નવાનવા હોય ત્યારે એમને પણ બહુ લટકાવ્યા હોય! જયકિશન પાસે સેવંતીલાલ શાહ આ ફિલ્મ માટે હીરોઇન મીના કુમારીને લીધી છે, એવું કહેતા જ, ''મીના તો બુઢ્ઢી હો ગઇ હૈ.... વો હમારે સંગીત મેં ગાતી હુઇ અચ્છી લગેગી ક્યા?'' આવું ચોખ્ખું જયે પૂછી જોયું હતું. આપણને જાણવી ગમે એવી વાત પાછી એ હતી કે, લતા-રફી વચ્ચે ધૂમધામ ઝગડાના એ વર્ષો ચાલતા હતા અને બન્ને એકબીજા સાથે ગાતા નહોતા, એનો સીધો ફાયદો સુમન કલ્યાણપુર અને ખુદ આશા ભોંસલેને થતો હતો. અહીં પણ આશાએ રફી સાથે ટાઇટલ સોંગ 'યે હી હૈ વો સાંજ ઔર સવેરા...' ગાયું. '૬૪ની એ સાલમાં લતા-રફીનો એક ગીત ગાવાનો ચાર્જ રૂ. ૧૫૦૦/- હતો, આશાનો રૂ. ૧૪૦૦/- અને સુમન કલ્યાણપુર (જન્મ તા. ૨૭ જાન્યુઆરી, ૧૯૩૭)નો રૂ. ૯૦૦/-. સેવંતીલાલ ઓપેરા હાઉસ પાસે ઈમ્પીરિયલ સિનેમાની ગલીમાં આવેલ (મોટા ભાગે) મોટર-સ્પૅરપાર્ટ્સની મોટી શૉપ ધરાવતા સુમનના પતિદેવ શ્રી રામાનંદ કલ્યાણપુરને મળ્યા. સુમનને પૂછીને એમણે ફિલ્મમાં રફી સાથે ગાવાની હા પાડી. જોવાની ખૂબી એ છે કે, બીજે દિવસે સવારે સુમન રૅકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી, ત્યાં રફી હાજર હતા. આપણને અઘરૂં લાગતું આવું મધૂરૂં ગીત, 'અજહૂ ન આયે બાલમા, સાવન બીતા જાાય...' શંકર-જયકિશન પાસે માંડ બે-ત્રણ વખત ત્યાં ને ત્યાં રીહર્સલ કરાવીને રેકૉર્ડિંગ કરાવી લીધું. યસ, 'ચાંદ કંવલ મેરે ચાંદ કંવલ, ચૂપચાપ સોજા, યૂં ના મચલ...'નું રૅકૉર્ડિંગ લતા મંગેશકરે ત્રણ વખત કૅન્સલ કરાવ્યું હતું.. બધો ખર્ચો પ્રોડયુસરને માથે! હૂ કૅર્સ...?

ફિલ્મમાં બારે માસ રોતડો મનમોહનકૃષ્ણ, ગુરૂદત્તની માં બનતી પદ્માદેવી, બારે માસ સફેદ વાળ રાખતો વૃધ્ધ પણ સારો ઍકટર બ્રહ્મ ભારદ્વાજ અને એ જમાનામાં મેહમુદ સાથે કંઇક વધુ પડતી આગળ વધી ગયેલી શોભા ખોટે એક જમાનામાં સાયકલિંગમાં ઈન્ડિયાની નૅશનલ ચૅમ્પિયન હતી. રૂબી પૉલ એ જ પરવિન પૉલ અને એ જ ખલનાયક કે.એન. સિંઘની પત્ની. ક્યારેક જ મધુબાલા જેવી દેખાતી ખૂબસુરત સાઇડ ઍકટ્રેસ ઝેબ રહેમાન અંગે દાયકાઓથી કોઇની પાસે કોઇ માહિતી નથી. માલા સિન્હા - ધર્મેન્દ્રની ફિલ્મ 'આંખે'માં માલા 'ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ, અય જાને-વફા યે ઝુલ્મ ન કર..'માં ગૈર એટલે આ ઝેબ રહેમાન.

ઍની વૅ, સેવંતીલાલે ફરી કદી તો ફિલ્મલાઇનની સામે પણ જોયું નહિ. છેલ્લા ૪૪ વર્ષથી એમણે કોઇ સિનેમા જોઇ નથી કે કોઇ ફિલ્મવાળા સાથે સંબંધ રાખ્યો. બસ... બધું ગૂમાવવા છતાં સેવંતીલાલને અફસોસ મોટો રહી ગયો કે, હું ચુસ્ત જૈન હોવા છતાં મારા પૈસા આ લોકોના પીવા અને માંસાહાર પાછળ ગયા...!

No comments: