Search This Blog

01/08/2015

તીસરી કસમ

ફિલ્મઃ 'તીસરી કસમ' ('૬૬)
નિર્માતા : શૈલેન્દ્ર
દિગ્દર્શક : બાસુ ભટ્ટાચાર્ય
વાર્તા : ફણીશ્વરનાથ 'રેણુ'
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ : ૨ કલાક,
૧૭-મિનિટ્સ-૫૬ સેકન્ડ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, વહિદા રહેમાન, ઇફતેખાર, સી.એસ.દૂબે, એ.કે. હંગલ, અસિત સેન, કૃષ્ણ ધવન, વિશ્વા મેહરા, સમર ચૅટર્જી, પરદેસી, શિવજીભાઈ, રતન ગૌરાંગ, પાછી, નબેન્દુ ઘોષ, કેસ્ટો મુખર્જી, શૈલેન્દ્ર, મૂળચંદ. 


ગીતો
૧. સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ.... મૂકેશ
૨. દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઇ, કાહે... મૂકેશ
૩. સજનવા બૈરી હો ગયે હમાર, ચીઠીયા હો તો.... મૂકેશ
૪. લાલી લાલી ડોલીયા મેં લાલી રે દુલ્હનીયા.... આશા ભોંસલે
૫. આ આ ભી જા, રાત ઢલને લગી, ચાંદ છુપને... લતા મંગેશકર
૬. પાન ખાયે સૈંયા હમારો, સાંવલી સૂરતીયા.... આશા ભોંસલે
૭. ચલત મુસાફિર મોહો લિયા રે પિંજરેવાલી મુનિયા.... મન્ના ડે
૮. મારે ગયે ગુલફામ, અજી હાં મારે ગયે.... લતા મંગેશકર
૯. હાય ગજબ કહીં તારા તૂટા, લૂટા મેરે સૈંયાને... આશા ભોંસલે
ગીત નં. ૨ અને ૮ હસરતના, બાકીના બધા શૈલેન્દ્રના
એ ઘણા વાચકો એ સ્તરે પહોંચ્યા છે કે, ફિલ્મ જોઇ હોય કે ન જોઇ હોય, ફિલ્મ ગમી હોય કે ન ગમી હોય...આ કૉલમમાં અપાતી વિશેષ માહિતીઓથી તેઓ પ્રસન્ન છે.

બાય ધ વે, આ બન્ને અધિકૃત માહિતીઓ પ્રથમ વાર પ્રસિધ્ધ થઇ રહી છે.
અહીં આવી બે 'રૅર' માહિતી આપું છું, જેમાંની પહેલી વાંચીને ખુશ થઇ જવાય એવું છે ને બીજી....લાગણીશીલ વાચકોને-ખાસ કરીને આ ફિલ્મના નિર્માતા અને ગીતકાર શૈલેન્દ્રના ચાહકોને દુઃખ પહોંચાડે એવી છે :

’૬૦-ના દશકમાં આ ફિલ્મ મધ્ય પ્રદેશના ભોપાલ પાસેના ‘બિના’ ગામમાં શૂટ થયેલી છે. થોડું ઘણું શૂટિંગ પોવાઇ–લૅક પાસે ય થયું છે. તમારામાંથી ઘણાએ પોવાઇ–લૅક જોયું પણ હશે. સાવ નાનકડા સ્ટેશન બિના પર રાજ કપૂર, એના બે દોસ્તો, વહિદા, એની સગી બહેન સઇદા અને એની હૅર ડ્રેસર મોડી સાંજે મુંબઇ જવા માટે આ બિના સ્ટેશને આવ્યા. એસી–કોચમાં પોતપોતાની સીટો પર ગોઠવાઈ ગયા. અચાનક બહાર કોઇ વિચિત્ર ઘોંઘાટ સંભળાવા માંડ્યો. ટ્રેન ઉપડી ને પાછી રોકાઇ ગઇ. આવું બે વખત થવાથી આ લોકોએ બહાર જોયું તો સેંકડો વિદ્યાર્થીઓની ભીડ ટ્રેનને રોકી રાખતી ઊભી હતી. એ લોકોને બસ.... એક વાર ‘રાજ કપૂર’ને જોવો હતો. રાજ નીચે ઉતર્યો અને વિદ્યાર્થીઓને મળ્યો. એ લોકો ધૂંધવાયેલા એટલા માટે હતા કે, એમને શૂટિંગ જોવું હતું ને ફિલ્મની પ્રોડક્શન–ટીમે એમને ૪–૫ વાર ઉલ્લુ બનાવીને–જ્યાં શૂટિંગ જ નહોતું, ઐવા કોઇ ભળતા–સળતા સ્થળોના સરનામાં આપી દીધા. ખીજાય તો ખરા ને આ લોકો?

રાજે અકળાઈને કહ્યું, ''ઓકે...મને જોઇ લીધો ને ? વહિદાજી નહિ આવે. એ સ્ત્રી છે. એમને ન મોકલાય.''

''કેમ નહિ? અમે એમના ય ફૅન છીએ. વહિદાજીને બહાર મોકલો નહિ તો ટ્રેન જવા નહિ દઇએ.''

બસ. હવે ગીન્નાયેલા રાજે, ''ના એટલે ના'' કહીને કોચનો દરવાજો ગુસ્સામાં બંધ કરી દીધો. ફિર ક્યા...? ટોળું બગડયું. સખત બગડયું ને ટ્રેન ઉપર મોટા પથ્થરો જ નહિ, લોખંડના સળીયાઓ ટ્રેન ઉપર ફટકારવા માંડયું.

બ...સ! બહોત હો ગયા. રાજનો પિત્તો સિત્યોતેરમા આસમાને. 'હવે તો મારૂં કે મરૂં....'ના ઝનૂન સાથે રાજ ટોળા સામે લડવા જતો હતો, તે એના બન્ને દોસ્તોએ ધક્કો મારીને નીચે પાડી દઇ બૂમ પાડી, ''વહિદાજી...આને સંભાળો...આ હવે જંગલી થઇ ગયો છે.''

હવે પછીની વાત પરફૅક્ટ અનુવાદ સાથે અક્ષરસઃ વહિદાના શબ્દોમાં : ''...એટલે અમે ત્રણ-સઇદા, મારી હૅરડ્રેસર અને હું-રાજજીને સાચેસાચ સીટ ઉપર જબરદસ્તી સુવડાવી દીધા. મારી હૅરડ્રેસર અને હું એમની છાતી ઉપર અને સઇદા રાજજીના પગ ઉપર દબાણપૂર્વક બેસી ગયા. છુટવા માટે એમણે બહુ ધમપછાડા કર્યા ને બૂમો પાડતા રહ્યા, ''છોડ દો મુઝે...છોડ દો મુઝે...!''

પછી તો પોલીસ આવી પહોંચી, યોગ્ય કાગળીયા કરી ટ્રેનને જવા દીધી. એ લોકોના આખા કોચમાં કાચ અને ઢેખાળા, જેની કરચો એમના કપડાં અને વાળમાં પણ બીજે દિવસે મુંબઇ સૅન્ટ્રલ ઉતર્યા ત્યાં સુધી રહી.

બીજો કિસ્સો દર્દનાક છે. આ જ કૉલમમાં અગાઉ પણ હું લખી ચૂક્યો છું કે, શૈલેન્દ્ર પૈસેટકે બર્બાદ થઇ ગયો હતો ને એને બેઠો કરવા આ ફિલ્મ બનાવવામાં આવી, જેમાં વહિદા સિવાય બધા (રાજ કપૂર, અન્ય કલાકારો, શંકર-જયકિશન અને હસરત જયપુરી)એ તદ્દન મફતમાં કામ કરવાનું સ્વીકાર્યું હતું. પણ એ મફત શૈલેન્દ્રને બહુ ભારે પડયું. આ જ ગાળામાં રાજ કપૂરની પોતાની ફિલ્મ 'સંગમ'નું શૂટિંગ અને વૈજ્યંતિમાલા સાથે પ્રેમનું ચક્કર ચાલી રહ્યું હોવાથી 'તીસરી કસમ'ના શૂટિંગમાં એણે મોટી ગરબડો શરૂ કરી. શૂટિંગની તારીખો ન આપે, આપી હોય તો આવે નહિ...એમાં એ જમાનાના રોજના લાખેક રૂપિયાને હિસાબે શૈલેન્દ્ર ધોવાતો ગયો. પૈસા તો એકલી વહિદાને જ આપવાના હતા, પણ ઘરમાં ખાવાના ય પૈસા 'તીસરી કસમ' પાછળ ધોવાઇ ગયા. બિના ગામમાં શૂટિંગ ચાલતું હતું ને વહિદા એકલી બેઠી હતી, ત્યારે શૈલેન્દ્ર રડમસ ચેહરે એની પાસે ગયો. સાચી વાત કરી દીધી, ''વહિદાજી, તમને ચૂકવવા માટે મારી પાસે ફૂટી કોડી ય નથી.'' એટલું બોલીને એ બેશુમાર રડયો. થૅન્ક ગૉડ, વહિદાએ પણ પરિસ્થિતિ સમજીને પૈસા લેવાની ના પાડી...ફિલ્મ તો પૂરી થઇ, પણ પૈસા કમાવવાને બદલે ધોધમાર ખોવાના દહાડા આવ્યા. જેને તે પોતાનો સૌથી અંતરંગ દોસ્ત સમજતો હતો, તે રાજ કપૂરના જન્મ દિવસે ૧૪ ડીસેમ્બરે જ શૈલેન્દ્રએ આખરી શ્વાસ લીધા (૧૯૬૬). મૃત્યુના થોડા જ દિવસો પહેલાં અનિલ બિશ્વાસના સંગીતમાં ફિલ્મ 'છોટી છોટી બાતેં' માટે શૈલેન્દ્રએ લખેલા આ ગીતના શબ્દો વાંચી જુઓઃ ચંદ દિન થા બસેરા હમારા યહાં/હમ ભી મેહમાન થે ઘર તો ઉસ પાર થા/હમસફર એક દિન તો બિછડના હી થા/અલવિદા...અલવિદા...અલવિદા....

પણ આ અંગત વાતોને બાજુ પર મૂકીએ તો ફિલ્મ ઘણી ઉચ્ચ કોટીની બની હતી. આપણે સહુએ જોવી જ જોઇએ એવી. 'ઍક્ટિંગ'માં રાજ કપૂરને સર્વોત્તમ કહેવડાવવા માટે 'તીસરી કસમ' કે 'જાગતે રહો' જેવી હજી બીજી આઠેક ફિલ્મોના નામ આપો, તો સામે છેડે દેવ આનંદ કે દિલીપ કુમારના ડાય-હાર્ડ ચાહકો બેઠા હોય તો એ લોકોમાંથી વિરોધ કોઇ નહિ કરે. કારણ કે, એ બન્ને પાસે ય એક ''ઍક્ટર'' તરીકે મૂલ્યાંકન કરાવી આપનારી આવી જ ક્લાસિક ૭-૮ ફિલ્મો તો હતી જ. આવી સાત-આઠ ફિલ્મોને બાદ કરતા 'ઍક્ટર' તરીકે એ ત્રણે ખોટા માનસન્માનો લઈ ગયા, એ જુદી વાત છે. ઍક્ટિંગ કરતા એ ત્રણેને પોતપોતાની 'મૅનરિઝમ્સ' ઉપર વધુ ભરોસો હતો. દિલીપ એક આખી આંગળી કે અડધી હથેળીથી ચેહરાને ઢાંકે, દેવ આનંદ બે સેકન્ડે હખણો ઊભો ન રહે, આંખો ઝીણી કરે, ડોકી હલાય-હલાય કરે ને રાજ કપૂર પતલો અવાજ કાઢીને, 'જી-જી' કરતો જમણો હાથ ખભા સુધી ³ચો લાય-લાય કરે.

પણ એ ત્રણે ય આજે પણ ગ્રેટ એટલે કહેવાય છે કે, એ લોકોને દાબમાં રાખનારો દિગ્દર્શક મળી જાય, જે એમની કોઇ ઍકસ્ટ્રા હરકતો ચલાવવા ન દે, ત્યારે એ ભારતના આજ સુધીના સર્વોત્તમ 'ઍક્ટરો' બની જતા, જે અહીં રાજ કપૂરે કર્યું છે. સાવ નવાસવા છતાં કલકત્તાથી પૂરા રીસ્પૅક્ટથી આ ફિલ્મનું દિગ્દર્શન કરવા આવેલા બાસુ ભટ્ટાચાર્ય ધી ગ્રેટ બિમલ રૉયના જમાઇ હોવાને કારણે ય બીજા કરતાં વધુ માનસન્માન પામ્યા ને દિગ્દર્શનમાં બિમલ દા જેવા જ સમર્થ. નહિ તો આવા તોફાની ઘોડા રાજ કપૂરને શૂટિંગના પહેલા દિવસે જ કહી દેવાની હિમ્મત કોની હોય કે, ''સર-જી, આપ ગ્રેટ છો, એની ના નહિ...પણ આ ફિલ્મમાં આપને આપની મૅનરિઝમ્સ છોડીને બિલકુલ સ્વાભાવિક અભિનય આપવાનો છે. ઍક્ટિંગ કઈ રીતે કરવી ને સંવાદો ક્યા ટોનમાં બોલવા કે હાવભાવ કાચી સેકંડમાં કેવા બદલવા, એ બધું હું મારે આપને શીખવવાનું ન હોય....'રેણુ' સાહેબની આ નૉવેલ 'મારે ગયે ગુલફામ' વાંચી જાઓ અને 'હીરામન'નું પાત્ર કેવી રીતે ભજવવું જોઇએ, એનો ખ્યાલ આવી જશે...તમારે તો બસ, મન મૂકીને વરસવાનું છે !''

અને એમ જ થયું. 'જાગતે રહો'ના રાજ કપૂરની જેમ અહીં પણ તમને જુદો જ રાજ જોવા મળશે. બિલકુલ ભોળોભલો, ગામડીયો, ઑવરઍક્ટિંગ 'નહિ', છતાં ય પ્રભાવશાળી રાજ કપૂર જોવા મળશે. ફિલ્મ બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ હોવા છતાં, આજ સુધીના કોઇ સર્વશ્રેષ્ઠ કવિ-સંમેલનમાં બેઠા હો, એવા પ્રભાવિત થઇ જવાશે. આ આખો લેખ લખવાને બદલે એક શબ્દમાં જ આખો રીવ્યૂ પૂરો થઇ જઇ શકે એમ છે, ''સ્વાભાવિકતા''. જેમ ઍક્ટર તરીકે મારી સમજ મુજબ, સમગ્ર ભારતમાં દાદામોની એટલે કે અશોક કુમારથી ઉપર અન્ય કોઇની વાત જ થઇ શકે એમ નથી, એમ એક સર્જક તરીકે રાજ કપૂરથી વિરાટ અન્ય કોઇ સર્જક થયો નથી-ફૂલ પૅકેજ...એટલે એમાં હીરો રાજ કપૂર તો ખરો જ, પણ બેમિસાલ દિગ્દર્શક, નિર્માતા, સંગીતજ્ઞા અને ખાસ તો, દિગ્દર્શક ફિલ્મ 'જાગતે રહો'ના શંભુ મિત્રા કે 'તીસરી કસમ'ના બાસુ ભટ્ટાચાર્ય જેવા મળી જાય તો પછી અન્ય કોઇનો એક અભિનેતા તરીકે ય વિચાર કરવાનો આવે નહિ.

રાજ તો એક વ્યક્તિ તરીકે ય તેજસ્વી અને પૂરો પ્રભાવશાળી. એક નાનો દાખલો જ જોઇ લેવા જેવો છે કે, સર્જક તરીકે એણે પોતાની પહેલી ફિલ્મ 'આગ' માત્ર ૨૪-ની ઉંમરે ઉતારી હતી, એ વખતે ય એના વિચારો અને આદર્શો કેવા જાજરમાન હતા ! ''મૈં થીયેટર કો ઉસ ઉંચાઇયોં પર લે જાના ચાહતા હૂં કિ...'' આટલું ય કાફી છે કે, એને એ ઉંમરે થીયેટરના યશસ્વીપણાંનો એહસાસ થઇ ગયો હતો.

રાજ કેવો મહાન ઍક્ટર પણ હતો, એની ઝાંખી આ ફિલ્મમાં અવારનવાર થતી રહે છે. ખાસ તો, અંધારી રાત્રે ઘુવડ, વરૂ જેવા જંગલી જાનવરોના ખૌફનાક અવાજો વખતે એના ચેહરાના હાવભાવ અદ્ભૂત ઝીલાયા છે. વહિદાથી ખુશ થાય ત્યારે શરમાઇને ''ઇસ્સઅઅઅ....'' બોલવાની એની અદાકારી મનોરંજક પણ છે. પ્રાણની બાયોગ્રાફીમાં લેખક બની રૂબેને ગમે તેટલી ધૂપ્પલ ચલાવીને, દરેક રોલમાં વિભિન્ન અવાજ (ડાયલૅક્ટ) કાઢવાની એની ખૂબીઓના ૩૩-ડઝન વખત વખાણો કર્યા છે, જે બેબુનિયાદ છે. જ્યારે 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'ની જેમ રાજે અહીં પણ ટીપિકલ ગામડીયાની બોલી (મધ્ય પ્રદેશની) સ્વાભાવિકતાથી બોલી છે, ''જી, મૈં આપકે લિયે 'ચાહ' લેકર આતા હૂં....'' નોર્મલી, એ જમાના કે એથી પહેલા કે પછીમાં પણ ફિલ્મના હીરો સારૂં ગીત જો બીજા કોઇ સાઇડીને મળ્યું હોય તો એ પોતાના નામે કરાવી લે, પણ અહીં રાજ કપૂરે કૃષ્ણ ધવનને, 'ચલત મુસાફિર મોહો લિયા રે....' ગાવા દીધું છે ને પોતે કોરસમાં બેઠો છે. પરફૅક્ટ તાલમાં એ ગીતની લગોલગ નાની ડફલી વગાડે છે, એના ઉપરથી ખ્યાલ આવે કે, એને સૂર-તાલનું કેવું પરફૅક્ટ જ્ઞાાન હતું. ફિલ્મની વાર્તા આવી હતી :

માંડ ૫૦-૭૦ કાચા ઝૂંપડાવાળા નાનકડા ગામમાં રહેતો હીરામાન (રાજ કપૂર) બળદગાડું ચલાવી ને એના પરિવારનું પેટ ભરે છે. પરિવારમાં એના મોટા ભાઇ (એ.કે. હંગલ) અને ભાભી (દુલારી) અને નાનકડી બાળકી. એક રાત્રે ગઠીયો શેઠ (મૂળચંદ) રાજના ગાડામાં ચોરીનો માલ મોકલાવે છે ને પકડાય છે રાજ. પોલીસ માંડ એને છોડે છે, ત્યારે એ જીવનની પહેલી કસમ ખાય છે કે, હવે પછી ગાડામાં કદાપિ ચોરીનો માલ નહિ લઇ જઉં. બીજી વખત ગેરકાયદેસર વાંસની ખેપમાં પકડાતા બીજી કસમ ખાય છે. દરમ્યાનમાં ગામમાં મેળો ભરાય છે, એમાં ન્યુ ભારત નાટક કમ્પનીની બાઈ હીરાબાઈ (વહિદા રહેમાન)ને પોતાના ગાડામાં 'સવારી' તરીકે બેસાડે છે, પણ એનું રૂપ જોઇને રાજ અને રાજનું ભોળપણ જોઇને વહિદા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. એના દોસ્તો વિશ્વા મહેરા (અસલી જીવનમાં રાજના સગા મામા), કૃષ્ણ ધવન (જેની ઉપર 'ચલત મુસાફિર મોહો લિયા રે...' ગીત ફિલ્માયું છે.) સમર ચૅટર્જી અને પરદેસી રાજથી જેલસ થાય છે, પણ ગામનો જમીનદાર (ઇફતેખાર) રોજ નૌટંકી જોવા આવતા વહિદા પાછળ એક તરફી વાસનામાં ચૂર થઇ જાય છે. એ વહિદાને ધમકી આપે છે કે, 'તું મારી નહિ બને તો હું રાજને મારી નંખાવીશ.' આ ધમકીને સાચી માની લઇને વહિદા અકે તરફો નિર્ણય લઇને રાજને છોડીને જતી રહે છે, ત્યારે ધૂંધવાયેલો રાજ 'તીસરી કસમ' ખાય છે કે, 'અબ કભી કમ્પની કી બાઇ કો ગાડી મેં નહિ બિઠાયેંગે.'

શંકર-જય કિશન....સિર્ફ નામ હી કાફી હૈ ! 'બસંત બહાર', 'સીમા' કે 'આમ્રપાલી'નાં સંગીતમાં પોતાની શાસ્ત્રોક્તતા પુરવાર કરી આપી, તો અહીં લોકસંગીત ઉપર પોતાની પકડ એ હદે સાબિત કરી કે, મૂળ લોકસંગીત આ લોકોની ધૂનો ઉપરથી બન્યું હશે, એવું લાગે ! 'અશોક વાટિકા'માં સીતાજીએ ચૂંટી ચૂંટીને એક એક ફૂલ વીણ્યું હોય, એવું એક એક ગીત શંકર-જયકિશને બનાવ્યું છે.

પછીથી પોતાનું મોટું નામ કમાયેલા આસિસ્ટન્ટ દિગ્દર્શકો બાસુ ચૅટર્જી અને બી.આર.ઇશારા અહીં દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યને આસિસ્ટ કરે છે. ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું વિઝયુઅલ જમાપાસું નૌટંકીના દ્રષ્યોનું છે, જેનું પૂરેપૂરૂં સુપરવિઝન આપણા પ્રખ્યાત કવ્વાલો શંકર-શંભુએ કર્યું છે. તદ્દન અભણ ગામડીયાઓ-જેમણે સ્ટેજ કે પરદો જ જોયો નથી, એમને માટે નૌટંકી કેટલી મોટી વાત બની જાય ? શો શરૂ થતા પહેલા તંબુમાં ચીતરેલા રામ-લક્ષ્મણ-સીતાના ચિત્રો જોઇને એ લોકો કેવા ગૅલમાં આવી જાય છે, એનું ધ્યાન શંકર-શંભુએ બખૂબી રાખ્યું છે. આ બન્ને ભાઈઓની એક એક (મુબારક બેગમ સાથે યુગલમાં એક સહિત) કવ્વાલી પણ શંકર-જયકિશને જ બનાવી હોવા છતાં એની રૅક્ડર્સ બહાર પાડવામાં આવી નહોતી. એમ તો, બહુ ઓછા માનશે કે, આ ફિલ્મના મૂકેશના પ્રખ્યાત ગીત, 'દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઇ....' ગીતનો એક અંતરો સુમન કલ્યાણપુરે પણ ગાયો છે.

યસ. બહુ ઓછી ફિલ્મોના અંતે હીરો-હીરોઇનનું મિલન થતું નથી, તેમાંની એક આ ફિલ્મ.

No comments: