Search This Blog

20/08/2015

જાનમાં ૫૦૦-માણસ આવશે... !

આ વખતે આખો ડીસેમ્બર કે જાન્યુઆરી લગ્નો માટે ખાલી નથી. બધા લગ્નો ફેબ્રુઆરીમાં થવાના.

આ હું તમને બીવડાવતો નથી. કહે છે કે, પેલા બન્ને મહિનાઓમાં લગ્નનું કોઈ મહુરત જ નીકળતું નથી. બધા લગ્નો ફેબ્રુઆરીમાં થવાના. એકાદ વર્ષ પછી દેશના કરોડો બાળકોની જન્મ તારીખો ફેબ્રુઆરીમાં આવવાની ! (સાંભળ્યું છે કે, ફેબ્રુઆરીમાં જન્મનારા બહુ મહાન માણસો બને છે... ભૂલચૂક લેવીદેવી !)

નવાઈ છલોછલ લાગે કે, બેવકૂફ લોકો લગ્નની પાછળ આટલો ધૂમધામ ખર્ચો કેમ કરતા હશે ? દેખાદેખી અને ''અમે પણ કંઈક છીએ'', એ બતાવવાની કેટલી મોટી કિંમતો લોકો ચૂકવે છે ?

એમાં ય, હવે લગ્નગાળાઓમાં નવું ભિખારીપણું શરૂ થયું છે. 'કોના બાપની દિવાળી ?'ને નામે છોકરાવાળા સીધી ધમકી જ આપી દે છે, 'અમારે તો જાનમાં ૪૦૦-માણસ આવશે !' માય ગૉડ... ૪૦૦-માણસો જાનમાં ? ૧૦૦-૧૦૦ રૂપીયાનો ચાંદલો ઠોકીને બીજાના રીસેપ્શનોમાં આઠ જણા જમી આવેલાઓ પોતાના ખર્ચે આ ૪૦૦-ને જમાડવા માંગતા નથી... બધો ભાર કન્યાના બાપને માથે ! જાનમાં લઇ જઇએ એટલે બારોબાર પતી જાય.

છોકરીવાળાઓ તો સદીઓથી લાચાર રહ્યા છે. ૪૦૦-ને બદલે ૧૨૦૦-માણસ જાનમાં આવે, તો ય મૂન્ડી નીચી રાખીને બધું સ્વીકારી લેવું પડે. બહાનું એવું કાઢવામાં આવે છે કે, આપણે જેને જેને ત્યાં જમી આવ્યા હોઈએ, એ લોકોનેય બોલાવવા પડે ને ?

તે ભ'ઈ... તું તારા ખર્ચે રાખેલા રીસેપ્શનમાં બોલાય ને બધાને ? ૪૦૦-ને બદલે ૮૦૦-બોલાય! આ તો બારોબાર કન્યાવાળાને માથે હથોડો... ? આવા ભિખારીઓ જાણતા હોય છે કે, 'કન્યાવાળા છે... ક્યાં જવાના છે ?' અત્યારે લગ્નપ્રસંગે એક થાળી મિનિમમ રૂ. ૩૦૦/-ની થાય છે. આ તો સાવ મામૂલી થાળીની વાત થાય છે, બાકી લગ્નપ્રસંગે એક થાળી મિનિમમ રૂ. ૭૦૦/૮૦૦ની ગણી લેવાની.

સવાલ ખર્ચાનો ય જવા દઈએ, પણ માણસોની દાનત કેવી હલકી થતી જાય છે ? સગાઈથી માંડીને જે કોઈ પ્રસંગે જમાડવાનો ખર્ચો છોકરાવાળાઓને કરવાનો હોય, ત્યાં બેધડક કહી દેશે, ''', કન્યાપક્ષના ફક્ત ૧૨-માણસો જ લાવજો. એથી વધારે નહિ લવાય.'' કન્યાવાળા કાંડા કાપીને બેઠા હોય બિચારા... શું કરે ? વેવાઈવેલાને તકલીફ ન પડે, એટલે પેલા ૧૨-માંથી ય બે-ચારને કાપે. પહેલા તો ગૂંચવાઈ ત્યાં જાય કે, આ ૧૨-માં કન્યાને સાથે લઈ જવાની હશે કે નહિ ? ને આ તરફ, ''જાનમાં અમારા તો ૫૦૦-માણસો આવશે જ !''

તારી ભલી થાય ચમના... બાપાનો માલ છે ? તેં ૫૦૦-માણસો હોટલમાં જમતાં ય જોયા છે ? શું કામ કોઈની લાચારી ઉપર પોતાની જાતને ભિખારી બનાવવા ઉપર ચઢ્યો છે ?

આપણે લોકો કોલેજમાં હતા ત્યારે (ઓહ... એટલું તો ભણ્યા હોઈએ ને ?) યાદ હોય તો યારદોસ્તો સાથે હોટલમાં નાસ્તા-પાણી માટે જતા, ત્યારે બિલ આપણે ન ચૂકવવું પડે, એના બ્રિલિયન્ટ બહાના આવડતા. રોજ તો જાણે હાથ બહાર કાઢો, એમાં ય ખિસ્સામાંથી દસ-વીસ હજારની નોટો સરકી પડતી હોય, એવા મોંઢે કહીએ ય ખરા, ''બે યાર... મેં પૈસા કોને આપી દીધા... ? ઘરેથી નીકળ્યો ત્યારે તો આઠસો પૂરા હતા... !''

દોસ્તો આપણા ય બાપ હોય. અલ્ટિમેટલી, એ બધાની વચ્ચે સૌથી ઓછી બુદ્ધિવાળો હોય, એ બિચારાને બિલ ચૂકવવું પડતું... (કહેવાનો મતલબ, આવા બિલો મેં બહુ ચૂકવ્યા છે !)

આજે જમાનો ઊલટો છે. બધા સાથે ડિનર પર ગયા હોઈએ, ૫-૭ હજારનું બિલ આવ્યું હોય તો એકબીજાને ઈમ્પ્રેસ કરવા બિલ પોતે આપવાની ખેંચાખેંચી થાય છે. હવે સિદ્ધ કરવું ગમે છે કે, આટલું બિલ તો મારે મન સાવ ફાલતુ છે ! બિલ આપણે જ આપવું, એ ઈગોનો સવાલ થઈ ગયો છે.

ઈતિહાસનું પુર્નરાવર્તન થઈ રહ્યું છે. ખુદ મારા પૂજ્ય પિતાશ્રીની જાનમાં માણસો તો કોઈ ૬૦-૭૦ જ હતા, પણ એ જમાનામાં કોઈના પણ લગ્નપ્રસંગમાં જાન મહિનો-મહિનો તો મિનિમમ રોકાતી. મોરબીથી આવેલી જાન જામનગરમાં પૂરો એક મહિનો રોકાણી હતી. (આજની પેઢીના લોકો તો આ વાત સાચી માનશે પણ નહિં !) લગ્ન આઠેક દિવસ ચાલે, પણ બહારગામથી જ નહિ, શહેરમાંથી આવેલા લોકલ મેહમાનો ય અડીંગો જમાવીને જાનમાં મહિનો-મહિનો લહેર કરતા. કન્યા પક્ષવાળાને બધાની રહેવા-જમવાની તો ઠીક છે, દાદાગીરીઓ પણ સહન કરી લેવાની. આંખમાં પાણી નીકળી જાય છે, એ વાત કહેતા કે, મહિનો રોકાયેલી જાન પાછી વળવાની થાય ત્યારે કન્યાપક્ષવાળાએ ફેમિલી સાથે હાથ જોડીને ઉમંગભેર કહેવું પડે, ''પ્રભાશંકરજી... હજી બીજા બે-ત્રણ અઠવાડીયા રોકાઈ ગયા હોત તો... !''

યસ. એવા ય હતા કે, આટલું સાંભળવાની રાહો જોઈને જ બેઠા હોય... ને રોકાઈ જાય !

પણ એ જમાનામાં ય જાનમાં કોઈ ૪૦૦-૫૦૦ લઈને આવતા નહોતા. (કારણ કે, એટલા ટોટલ સગા થતા નહોતા.) મારો સીધો ગુસ્સો આજના કન્યાપક્ષવાળાઓ સામે છે કે, હિમ્મત રાખીને કહી કેમ નથી દેતા કે, 'આપ તો ૧૦૦૦-માણસો લાવી શકો એમ છો, પરંતુ અમારી સગવડ ફક્ત ૫૦-જાનૈયાઓ પૂરતી છે. એથી વધારે અમારા માટે શક્ય નથી.'

બસ. દીકરીનો બાપ એક જ વાતે ફફડી જાય છે કે, પાછળથી એ લોકો જીંદગીભર આપણી દીકરીને સંભળાયા કરશે. માય ફૂટ... ! હિમ્મત એક જ વાર બતાવવાની છે. તમે એમ માનો છો કે, પહેલીવારમાં આટલું બધું ઝૂકી ગયા પછી જીંદગીભર એ લોકોની લાલચ બંધ રહેશે ? ઓન ધ કોન્ટ્રારી, આ તો ૫૦૦-માણસની જાનને ય પહોંચી વળે, એવો ખમતીધર છે, એ હિસાબ માંડીને તેમ જ, દીકરી દીધા પછી તમે ફફડી ગયા છો, એવું પાકું કરી લઈને જીંદગીભર દીકરીને કટાક્ષો સાથે હેરાન કરતા રહેશે અને લાલચો વધતી જશે.

અમારા બ્રાહ્મણો આ કારણે જ સૌથી ઊંચા ગણાય છે કે, દહેજ-ફહેજની વાત જ નહિ. 'અમે માંગીએ નહિ, પણ આપે એટલું લઈ લેવાનું' - વાળું ભિખારીપણું પણ નહિ. બ્રાહ્મણ જમાઈઓ ખુમારીવાળા હોય છે. દીકરો ને દીકરી મેં ય પરણાવ્યા છે, પણ મારા જમાઈ કે દીકરાને એકસરખી ખુમારીમાં જોયા છે. સાસરાવાળાએ કોઈ વાતે ખર્ચો કર્યો હોય તો, બન્ને જણા સામે ડબલ વાળી આપે.

પણ હવે બ્રાહ્મણો ય એવા ઊંચા રહ્યા નથી... ખાસ કરીને, જાનના તોતિંગ ખર્ચા કન્યાવાળાઓને માથે નાંખવામાં. સાલું, કોઈ આપણી ઉપર એક નાનકડો ય ઉપકાર કરી જાય, એ સહેવાય કેવી રીતે ?... સિવાય કે, તમે સામું વાળી આપો. ઉપર જઈને બધો હિસાબ આપવાનો છે, લાલે... !... અકડ કિસ બાત કી પ્યારે ?

લગ્નપ્રસંગોમાં 'વ્યવહાર' શબ્દ બળાત્કારથી ય વધુ બિભત્સ બનતો જાય છે. 'આપણે કોઈના લગ્નમાં જઈ આવ્યા, એટલે આપણે ય બોલાવવા પડે ને ?' તારી બીજી વાર ભલી થાય ચમના. તું વ્યવહાર નહિ સાચવે તો તારા સગાં અને યાર દોસ્તો અમદાવાદના નેહરૂ બ્રીજ ઉપરથી ''હાય રે નટવર હાય હાય...''ના ગગનભેદી નારાઓ સાથે સરઘસ કાઢવાના છે ? અત્યારે તું છોકરો પૈણાઈ રહ્યો છે, એટલે આસમાને ચઢ્યો છે, પણ પાછળ દીકરી તારે ય પૈણાવવાની આવશે, ત્યારે તારી બો'ન પૈણાવવા જેવું મોંઢું થઈ જશે, જ્યારે સામેવાળા કહેશે, 'અમારી જાનમાં ૯૦૦-માણસો તો આવશે જ !'

ઈન ફેક્ટ, લગ્નોમાં સૌથી મોટો ખર્ચો જ જમણવારનો હોય છે. કન્યા અને વર-બન્ને પક્ષે એક પાર્ટી તો બુદ્ધિની લઠ્ઠ નીકળે જ ! આજના ધોરણ પ્રમાણે (આ મિડલ કે હાયર મિડલ કલાસ પુરતી વાત થાય છે.) દાખલા તરીકે કન્યાપક્ષને મિનિમમ રૂ. ૩૦-લાખનો ખર્ચો થાય, તો સામે વર પક્ષને ય ૨૦-લાખ તો થવાના જ છે. સાલી, એટલી બુદ્ધિ કેમ ન ચાલે કે, ૫૦-લાખ દીકરી અને દીકરાને નામે પાંચ વર્ષ માટે જમા કરાવી દઈએ, કે ફક્ત એ બન્નેને હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડ કે અમેરિકા મોકલીએ, અથવા તો બન્નેને એકેક કાર આપીએ, અથવા તો એમના નામનો ફલેટ બૂક કરાવી દઈએ, તો આપણે ચારે માં-બાપો જીવીશું, ત્યાં સુધી આપણા સંતાનો આપણો ઉપકાર અને આભાર માનતા રહેશે... લગ્ન સાદાઈથી બિલકુલ થઈ શકે છે. ધૂમધામમાં તો લોકો જમી જાય ને ઉપરથી વખોડતા જાય, ''આટલો મોટો પ્રસંગ કર્યો... પણ રસોઈ જોઈ ને ? થૂંકી નાંખવી પડે એવી ખરાબ હતી. મઠો ખાઓ એમાં તો મોંઢામાંથી દોરી લટકતી હોય, એવો તાર નીકળતો'તો ! આલતું-ફાલતું મહારાજોને બોલાવો તો આવું જ થાય ને ?''

યસ. ચોંકી જવાનો ખરો મુદ્દો હવે આવે છે. તમે એટલું તો માનશો ને કે, લગ્નો ફક્ત ફેબ્રુઆરીમાં જ હોવાને કારણે ખુદ આપણે રોજના ૭-૮ લગ્નોમાં જવાના આમંત્રણો હશે. એ બધામાંથી જઈ શકાવાનું તો ફક્ત એક માં જ ? મતલબ, બાકીની ૬-પાર્ટીઓએ તો જમવામાં આપણી ગણત્રી રાખી જ હોય, એ બધાને આપણા જેવા એ દિવસોમાં કેટલા બધા મળવાના ? રસોઈનો કેવો જંગી બગાડ થવાનો ? અર્થાત, દરેક લગ્નમાં જમવા માટે ૭૦૦-માણસોનો ઓર્ડર મહારાજને આપ્યો હોય, એમાંથી ૨૦૦-૩૦૦ બાદ કરી નાંખવાના !

... અને કોણ ધ્યાન રાખે છે, તમે ૫૦૦-નો ઓર્ડર આપ્યો છે, એટલે મહારાજો કે ડિનરના કોન્ટ્રેક્ટરોએ ૫૦૦-પ્લેટો જ મૂકી છે ? આપણા ૨૫-માણસોને આ તકેદારી રાખવાનું કામ કેમ નથી સોંપાતું ? કોઈ ગણતું નથી, એ શ્રધ્ધાએ મહારાજો કેવી આસાનીથી આપણું બિલ ડબલ બનાવી શકે ?

સર્વોત્તમ રસ્તો તો એ છે કે, લગ્ન પહેલા કન્યાપક્ષવાળા સીધી રજુઆત કરી દે કે, અમે લગ્ન સાદાઈથી કરવા માંગીએ છીએ. આપણા બન્નેના ફેમિલીઓમાંથી ફક્ત ફર્સ્ટ-જનરેશનને જ આમંત્રણ. બન્ને પક્ષે બધું મળીને ત્રીસેક જણા માંડ થવા જોઈએ. નહિ તો, આજના વરરાજાઓનું ફ્રેન્ડ-સર્કલ જ ૭૦-૮૦ દોસ્તોનું હોય ને જમણવારનો ખર્ચો કન્યાવાળાઓએ કરવાનો છે, એટલે ભિખારી વરપક્ષવાળા દૂરના સગાઓ જ નહિ, એમનું ચાલે તો એમના ધોબી અને હેરકટિંગ સલૂનવાળાઓને ય જાનૈયા બનાવી દે. આપણે એક પૈસો ય બચાવવો નથી, પણ ગામવાળાને 'વ્યવહાર' ખાતર જમાડીને પચ્ચા લાખનું આંધણ કરવાને બદલે, એટલા જ પૈસા દીકરી-જમાઈને ન આપીએ ? સુઉં કિયો છો ?

ભગવાન કોઈને દીકરી ન દેજે, એવી પ્રાર્થના ઘણા લોકો આવા કારણોસર કરતા હોય છે.

સિક્સર
- બ્રાહ્મણો, વૈષ્ણવો, લોહાણા, પારસી કે સિંધીઓને અનામત ક્યારે ?
- આ લોકોમાંથી એકે ય કૌમ 'વોટ-બેન્ક' બની શકે એવી છે ?... તો બાવાજી કા ઠૂલ્લુ... !

1 comment:

D said...

અમને દીકરીવાળાઓને તમે ફરી ડરાવી દીધા સાહેબ!