Search This Blog

23/08/2015

'ઍનકાઉન્ટર' : 23-08-1978

* મોદી સાહેબ આપણા ખાતામાં રૂ. ૧૫ લાખ જમા ન કરાવે, એનો વાંધો નહિ, પણ શાકભાજી તો પંદર રૂપિયે કીલો કરાવે !
- એ તો હવે 'ભીંડે પે ચર્ચા' કે પછી 'ભાજી કી બાત' પ્રોગ્રામો શરૂ થાય પછી ખબર પડે.
(લલિતા ટી. મકવાણા, વડોદરા)

* 'પંખા'ને બદલે 'ઍ.સી.' ક્યારે ચાલુ કરાવશો ?
- બસ. બિલ ભરી આપનારની રાહો જોવાય છે.
(મોનિકા એ. જોશી, રાજકોટ)

* જોતાંવેંત ખ્યાલ આવી જાય, એવો પરણેલા પુરૂષ અને કુંવારા વચ્ચે ફર્ક કયો ?
- હવેના પુરૂષો તો 'અડતાવેંત' પણ પકડાય એવા નથી હોતા.
(તૃપ્તિ ચોક્સી, અમદાવાદ)

* રોહિત શર્મા મારા ફૅવરિટ પ્લૅયર છે. એને માટે તમે શું માનો છો ?
- તમારા ઇખરમાં રહેતો મુનાફ પટેલ મારો ફૅવરિટ પ્લૅયર છે.. તમે શું માનો છો ?
(અશરફ ગોધરાવાલા, ઇખર-ભરૂચ)

* સપનામાં સની લિયોની સાડી પહેરેલી દેખાય, ત્યારે નસીબ સારા કહેવાય કે ખરાબ ?
- એના તો કેટલા ખરાબ કહેવાય..!
(મધુકર માંકડ, જામનગર)

* મહિલાઓને સમજવા પુરુષોએ શું કરવું જોઇએ ?
- આટલા જથ્થામાં મહિલાઓને સમજવા કરતા કોઈ એકને સમજવાનો ધ્યેય રાખવો જોઈએ. ધ્યેય વિના સિધ્ધિ નથી.
(નિખિલ સોની, વડોદરા)

* ઈતિહાસના સમ્રાટ અશોક, ટીવી ફિલ્મોના તેમ જ તમારા વચ્ચે ફરક શું ?
- મેં કલિંગનું યુધ્ધ તો જાવા દિયો, કાળુપુરમાં ય કદી મારામારીઓ કરી નથી.
(મૃગેશ પી. ખત્રી, અમદાવાદ)

* તમારા મતે આઈપીએલ ક્રિકેટમાં સૌથી વધારે ફાયદો કોને થાય છે ?
- ભારતની શાનને ! હવે દુનિયાભરના દેશો આપણા નકશ-એ-કદમ પર ચાલવા માંડયા છે.
(સૅન્કી મેહતા, ગાંધીધામ-કચ્છ)

* પુરુષનું પાકીટ નાનું અને સ્ત્રીઓનું પર્સ મોટું.... બહોત નાઈન્સાફી હૈ...!
- પુરુષોને પાકીટમાં દાઢી કરવાનો સામાને ય રાખવો પડતો નથી.
(દીપક આશરા, ગાંધીનગર)

* તમે કાયમ માટે જામનગર શિફ્ટ થવાના છો, એવું સાંભળ્યું, એ સાચું ?
- રૂલાઓગે, ક્યા... ?
(પારસ મકીમ, જામનગર)

* અચ્છે દિન કબ આયેંગે ?
- કૅસ જોયા પછી કોઈ ડૉક્ટરને વાત કરું.
(વિજય વાલા, લોઢાવા-સોમનાથ)

* ગાંધીનગરના સ્મશાનની દાનપેટી ચોરો ઉઠાવી ગયા...શું મળ્યું હશે ?
- આ બતાવે છે, ચોરોનું ધોરણ કેટલું ઊંચું ગયું છે કે, ચોરવા માટે ય સ્મશાન તો ગાંધીનગરનું જ !
(મધુકર મેહતા, વિસનગર)

* તમે જામનગરને કેમ આટલું ચાહો છો ?
- મારા માટે વિશ્વનું સર્વોત્તમ શહેર જામનગર છે, એટલું કાફી નથી.
(હર્ષ મેહતા, જામનગર)

* ભારત પુરુષ પ્રધાન દેશ કેમ કહેવાય છે ? સ્ત્રીઓને કેમ પૂરતું માન મળતું નથી ?
- એક વાર લગ્ન તો કરીએ છીએ... એનાથી વધારે કેટલું માન જોઇએ છે ?
(ઉત્તમ ઠૂમ્મર, ભેસાણ)

* ૨૫-મી લગ્નતિથિ ઊજવતો પતિ શું વિચારતો હોય છે ? ઍની આઇડીયા, સર-જી ?
- હજી બીજા પચ્ચી કાઢવાના રહ્યા !
(જયેશ અંતાણી, ભાવનગર)

* વાચકોને જેવા જવાબો આપો છો, એવા તમારા પત્નીના સવાલોના જવાબો આપો છો ?
- હા, પણ પકડાઈ ન જવાય એવા !
(રિયા ધોળકીયા, રાજકોટ)

* નાનપણમાં ય તમે આવા રમૂજી હતા કે મનમોહનસિંઘ જેવા ?
- સાચું કહું ? ડૉ. મનમોહનસિંઘ જેટલી શૈક્ષણિક ડીગ્રીઓ આખા વિશ્વમાં કોઇની પાસે નથી, એટલા વિદ્વાન છે. ખોટા હવાડામાં ભરાઈ ગયા, નહિ તો એમની હૈસીયત પણ મરહૂમ ડૉ. કલામથી કમ નથી.
(સંજય મકવાણા, મુંબઈ) 

* ટયુશન-ક્લાસીસ ચલાવનારાઓ પોતાની જાતે પોતાને 'સર' અને 'મૅડમ' કહેવડાવે છે... સુઉં કિયો છો ?
- આઈ ડાઉટ કે એમાંના એકે ય ને 'સર'નો અર્થ ખબર હોય !
(યોગેશ દવે, ગાંધીધામ-કચ્છ)

* ભાજપના સભ્ય થવા માટે 'મીસ કૉલ' ?
- કૉંગ્રેસમાંથી છૂટવા માટે આ વ્યવસ્થા રાખી છે.
(હેમંત અધ્વર્યુ, અમદાવાદ)

'જહાં સોચ, વહાં શોચાલય' એટલે ?
- એનો આધાર રોજ સવારે આ છાપું વાંચવા ક્યાં બેસો છો, એની ઉપર છે.
(વિપુલ ચપલા, વડોદરા) 

* હવે તમે મુંબઈ ક્યારે આવશો ?
- તમારે ય હજી કાંઈ લેવાના નીકળે છે ?
(મનોજ પંચાલ, મુંબઈ)

* ભાજપ સરકાર અમદાવાદનું નામ 'કર્ણાવતી' કેમ કરતી નથી ?
- મુસલમાનો દરેક પાર્ટીને ખૂબ ગમે છે.
(ધવલ સોની, ગોધરા)

* અશોકજી, નસકોરાં બોલાવનાર પોતે ઘસઘસાટ ઊંઘે છે ને મારી ઊંઘ ઉડાડી દે છે..... કોઈ ઉપાય ?
- વાઇફની ઊંઘ ઉડાડી દેનાર વિશ્વમાં બહુ જૂજ મર્દો પેદા થયા છે.... અમારે બધાને તો ઊલટું છે.
(અફરોઝ મીરાણી, મહુવા)

* સ્વપ્ન શ્વેત-શ્યામ ચિત્રપટ જેવા આવતા હોય તો શું કરવું ?
- ગોગલ્સ પહેરીને સૂવું.
(પ્રવિણ વાઘાણી, અમદાવાદ)

* તમારી મુલાકાત કરવી હોય તો શું કરવું ?
- શું કામ મારો એક વાચક ઓછો કરવા માંગો છો ?
(અબ્દુલ રહેમાન બોગલ, ગોધરા)

* મારી કુંડળીમાં લખ્યું છે, પત્નીથી સુખ મળશે. પણ કોની પત્નીથી એ નથી લખ્યું, તો શું કરવું ?
- શાંતિ રાખો ને, ભ'ઇ... આવો સવાલ તમારી પત્ની પૂછે તો મારે શું જવાબ આપવો?
(શાંતિભાઈ ઠક્કર, નવસારી)

* હું ઘણા વર્ષોથી 'ઍનકાઉન્ટર' વાંચું છું, પણ સવાલ પહેલી વાર પૂછ્યો છે. એનું શું કારણ?
- મુન્ના બડા હો ગયા...!
(ધાર્મિક પટેલ, ખંભા)

* 'એબીસીડી'..... 'એનીબડી કેન ડાન્સ' જોયા પછી તમારો ડાન્સ જોવાનું મન થઈ ગયું... કંઈક કરો ને ?
- મને કોઈ નાચવા દેતું નથી. બધા કહે છે, 'તમે કબડ્ડી રમતા હો', એવું નાચો છો !
(સુરજ હરિયાણી, ભાવનગર)

No comments: