Search This Blog

05/08/2015

ભૂતનો ઈન્ટરવ્યૂ

- અમારા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
- થેન્કસ.
- મારો પહેલો સવાલ. શું તમે ભૂત છો ?
- હું તમને દેખાઉં છું ?
- ના.
- તો પછી હું ભૂત છું.
- ઓહ. આઈ એમ સોરી. પણ ભૂત બનવાનો તમને પહેલો વિચાર ક્યારે આવેલો ?
- હું મર્યો ત્યારે.
- આઈ મીન... મરતા પહેલા ભૂત બનવાનું તમે નક્કી કરી લીધું હતું ?
- જીવતેજીવતા હું મારી સાસુના ખભે બચકું ભરી શકું એમ નહોતું... એટલે છેલ્લા ડચકાં ખાતા ખાતા મને વેરના વળામણાં ઉપડયા કે, મરીને ભૂત થઈને આ ડાકણને તો કઈડીશ જ !
- યૂ મીન, તમારી સાસુ પણ ડાકણ છે ?
- એ તો હજી જીવે છે. એણે તો જીવતે જીવતા ડાકણ થવાનો કોર્સ કરી લીધો હતો.
- શું વાત કરો છો ?
- મારા ત્રણે ય સ્વર્ગસ્થ સાઢુઓ પણ મારી જેમ ભૂત થયા છે... એ લોકો સામેના ઝાડ ઉપર રહે છે.
- અમે તો એવું સાંભળ્યું છે કે, તમે લોકો ગમે ત્યારે ગમે ત્યાં ઊડી શકો છો. એક સાસુને કઇડી આવતા વાર કેટલી ?
- એમ કાંઈ બાપાનો માલ છે ? બોલાય છે, ભ'ઈ... બધું બોલાય છે. પ્રેક્ટિકલી બચકાં ભરવા એ કોઈ નાનીમાના ખેલ નથી. ભૂત બનનાકોઈ બચ્ચોં કે ખેલને કી ચીજ નહિ... દાંત તૂટ જાતા હૈ, તો ખૂન નીકલ આતા હૈ !
- ઓહ... ભૂતો ય, અમારા ફેવરિટ 'જાની' રાજકુમારના ડાયલોગ્સની ચોરીઓ કરે છે... ?
- નોનસેન્સ... એ તમારો રાજકુમારેય ઉપર આવ્યો, ત્યારે બહુ સમજાવ્યો'તો કે, 'ભ'ઈ, આ બધી ડાયલોગબાજી બંધ કરીને ભૂત બની જા... રહેવા-પીવાનું ફ્રી !
- યૂ મીન, રહેવાનું ઝાડ ઉપર ફ્રી... પણ તમે લોકો 'પીતા' ય હો છો ? 'છુ લેને દો નાઝુક હોઠોં કો...'
- અફ કોર્સ, અમે લોકો પીએ છીએ પણ... યૂ નો... આ તમારી વ્હિસ્કી કે વોડકા-ફોડકા નહિ... શુદ્ધ લોહી જ અમારૂં જીવન છે.
- સર-જી, તમારામાં પ્રેમો-બેમો જેવું કાંઈ હોય ખરૂં ?
- એનો આધાર નવી આવેલી ડાકણ ક્યા ઘરાણાની છે, એ જોવું પડે !
- હાલમાં કોઈ ડાકણ તમારી પ્રેમિકા ખરી ?
- જીવતો'તો, ત્યારે ઘરમાં એક હતી... પત્ની બની ત્યાં સુધી તો એ માણસ જ હતી.
- તમે અમારા 'ડાકણભાભી'ને બદનામ કરી રહ્યા છો.
- બહુ દયા આવતી હોય તો તમે લઈ જાવ... હું તો પતી ગયેલો છું ને એ એકલી છે. ભૂતોમાં વિધવા-વિધૂર જેવું ના હોય !
- સોરી સર... એ તો અમારા ભાભી કહેવાય ! ઓકે. નેકસ્ટ ક્વેશ્ચયન... ! કહે છે કે, લેભાગુ જ્યોતિષીઓએ જ્વેલર્સને ફોડયા હોય છે, જનરલ પ્રેક્ટિશ્નર ડૉક્ટરોને પેશન્ટ્સ મોકલવા માટે મોટા ડૉક્ટરો કે હોસ્પિટલોએ ફોડયા હોય છે, એમ તમે લોકો ભૂવાઓને ફોડો છો ?
- બુલશીટ... ! તમે ભૂવાઓને જુઓ તો અમારો ડર જતો રહે, એટલા ગંદાગોબરાં હોય છે. બૂમો પાડીને, ડાકલાં વગાડીને કે કાળા ભઠ્ઠા શરીર ઉપર ચૂના લગાડીને અમને ભૂતલોકોને ભગાડી શકાતા હોત તો અમને લોકોને હિંદી ફિલ્મોમાં ય કોઈ કામ ન આપત, યૂ નો !
- સર-જી, એક સૂચન કરી શકું ?
- ગો અહેડ....
- સર-જી, સંખ્યા, આવક અને ધર્મના ધોરણે તમે તો અનામતના પૂરા હક્કદાર છો... લઘુમતિમાં છો. તો પછી સરકાર પાસે તમારો હક્ક માંગતા કેમ નથી ?
- ક્યાંથી માંગે ? બે-ત્રણ વાર અમે લોકોએ (AIBDA) 'ઓલ ઈન્ડિયા ભૂત ડાકણ એસોસિએશન' બનાવીને નવી દિલ્હી ખાતે પાર્લામેન્ટ સામે કાળા વાવટાં ફરકાવીને જંગી દેખાવો કર્યા હતા. સરકારે અમને મળવા એમના પ્રવક્તાઓને પણ મોકલ્યા હતા... પણ જહે નસીબ... ભૂત હોવાને કારણે અમે લોકો એમની નજર સામે હોવા છતાં એમને દેખાયા જ નહિ, એમાં એમનો વાંક છે ?
- તમારામાં જૈન ભૂત, પટેલ ભૂત, બ્રાહ્મણ ભૂત કે લોહાણા ચૂડેલો જેવું કાંઈ હોય ?
- જબાન કો લગામ દો... ભલે અમે ભૂત રહ્યા, પણ અમે ભારતીય ભૂતો છીએ. અમારામાં ઉચનીચ ન હોય.
- યૂ મીન... તમારા લોકોમાં ય દેશદાઝ હોય ? પાકિસ્તાનીઓ આપણા જવાનોને મારી જાય છે, શું એ બધા...
- એ બધા ભૂત નથી થતા... શહીદ થાય છે. હા, વચમાં ભટકતા ભટકતા પાકિસ્તાની સૈનિકોના બે ભૂત ભૂલમાં અમારા ઝાડ ઉપર આવી ચઢ્યા હતા. 'કાયકુ' ને 'ફાયકુ' કરતા'તા... અમારા નટીયા ભૂતે પાછળ બે બચકાં તોડી લીધા... પલભરમાં ગાયબ... લોહીલુહાણ થઈને !
- સર, વન મોર ક્વેશ્ચયન... ભૂતો અને પલિતોમાં ભાજપ-કોંગ્રેસ જેવી સામસામે ગાળાગાળીઓ થાય ખરી ?
- શટ અપ... અમે લોકો ભલે માણસો નથી, એટલે અમને નેતા તરીકે ન બોલાવો... ભૂત થવા છતાં અમે દેશ સાથે ગદ્દારી નથી કરી ને ઈન્ડિયામાં જ રહ્યા છીએ. નહિ તો આ તમારા અમેરિકા-ઈંગ્લેન્ડ ઊડીને વગર વિઝાએ જતા વાર કેટલી ? આખિર, હમારી ભી કોઈ...
- પણ હું માનું છું કે -
- તમે અર્ણબ ગોસ્વામી છો ?
- નો સર...
- તો પછી ઈન્ટરવ્યૂ માટે બોલાવીને ચાલુ જવાબે વચમાં કેમ ઘુસો છો ? એની વે... ગો અહેડ.
- સર લાસ્ટ ક્વેશ્ચયન... આપ લોકો બહારના ઓર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન આપો છો ?
- વોટ ડૂ યૂ મીન... ?
- આઈ મીન... મારે ય મારી સાસુને તમારી પાસે બચકું ભરાવવું છે... એકની સામે એક ફ્રી હોય, તો ય મને વાંધો નથી !

સિક્સર
પાકિસ્તાનમાં યાકુબ જેવો કોઈ ઈન્ડિયન પકડાયો હોત... તો ૨૧-વર્ષ સુધી એને જીવતો રાખ્યો હોત ?

No comments: