Search This Blog

15/08/2015

‘મહલ’ ’(૬૯)

ફિલ્મ : ‘મહલ’ (’૬૯)
નિર્માતા : રૂપકલા પિક્ચર્સ
દિગ્દર્શક : શંકર મુખર્જી 
સંગીત : કલ્યાણજી – આનંદજી
ગીતકાર : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : ૧૭ – રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, આશા પારેખ, અભિ ભટ્ટાચાર્ય, સુધીર ઓઝા, અઝરા, ડૅવિડ અબ્રાહમ, સપ્રૂ , ફરિદા જલાલ, રાજન હકસર, કમલ મેહરા, કમલ કપૂર, ઉમા દત્ત.


ગીતો
૧. યે દુનિયાવાલે પૂછેંગે, મુલાકાત હુઇ, ક્યા બાત હુઇ.... આશા-કિશોર
૨. બડે ખૂબસુરત હો તુમ નૌજવાં, તુમ્હે લોગ કહેતે હૈ... લતા-કોરસ
૩. આઇયે આપકા, થા હમેં ઇન્તેઝાર, આના થા, આ ગયે... આશા ભોંસલે
૪. ઓ તુ ક્યા જાને દિન રાત હમ જીતે હૈ, તેરા નામ લેકે... કિશોર કુમાર
૫. આંખો આંખો મેં હમતુમ હો ગયે દીવાને, બાતોંબાતોં મે... આશા-કિશોર
૬. ફૈંસલા હો જાયેગા બસ આજ યે... હમ તુઝે ઢુંઢ લેંગે... મુહમ્મદ રફી

દેવ આનંદે એવી ફિલ્મોમાં ય કામ કર્યું છે, જેમાં હીરો એને બદલે જ્હોની વોકરને લીધો હોત, તો ય કોઇ ફરક પડયો ન હોત ! આપણે તો એના જાનેજીગર ચાહકો, એટલે એની અદાઓ, એના કપડાં, મીઠડો અવાજ અને હૅન્ડસમ પર્સનાલિટી જોવા એની થર્ડ-ક્લાસ ફિલ્મ જોવા ય જઇએ...

પણ આવી 'મહલ' જેવી ફિલ્મ જોયા પછી એના ઉપરથી ઘણું બધું માન ઉતરી જાય કે, એનામાં ફિલ્મની પસંદગી જેવું કાંઇ હશે ખરૂં કે વાત જાવા દીયો...? કોઇપણ ફિલ્મ સાઇન કરતા પહેલા હીરો કે હીરોઇનને ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચવા મળે છે. 'મહલ'ની સ્ક્રીપ્ટ તો કોઇ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલને આલી હોત તો ય ''હીડ...હીડ'' કહીને ડોબું હડસેલી મારે, એમ આવી વાર્તાને હળગાઇ મારે. '૭૦નો દાયકો બસ.. હાથવ્હેંતમાં જ હતો અને રાજ, દિલીપ, દેવ, રાજેન્દ્ર કે શમ્મી... બધાને પોતાનો કાળ દેખાઇ રહ્યો હતો, ત્યારે જતા જતા એવી કોઇ ફિલ્મ કરતા જવું જોઇએ કે, સદીઓ નહિ તો બેચાર દિવસ તો પ્રેક્ષકોને યાદ રહે ! દેવ આનંદના ડાયહાર્ડ ચાહકો ય કબૂલ કરે છે કે, એના એકના એક મૅનરિઝમ્સ (ચેનચાળા) બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો સુધી જોવા ગમતા હતા, પણ દરેક ફિલ્મે (એની છેલ્લી ફિલ્મ સુધી) એ જ આંખો ઝીણી કરવી, ડોકી ગમે ત્યારે હલાવી મારવી, આંખોના અત્યંત લાઉડ હાવભાવ લાવવા કે એક સીધો સાદો કાગળ વાંચવા માટે ય ચારે ય ખૂણા ઉપર-નીચે ને સાઇડમાં ફેરવી નાંખવાના ને પછી વાંચવો... ઍક્ટિંગ ક્યાં ગઇ મીયાં...?

ને એમાં ય, નિર્માતા-દિગ્દર્શક શંકર મુકર્જીનો તો એ પરમ લાડકો... કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? બારીશ, સરહદ, બાત એક રાત કી, પ્યાર મુહબ્બત, બનારસી બાબુ અને આ મહલ... એની એકાદ બે અપવાદને બાદ કરતા બધી ફિલ્મોમાં દેવ આનંદ હોય. હવે ફરી એક નજર આ લિસ્ટ ઉપર મારી જુઓ.. એકે ય ફિલ્મમાં એકે ય ઠેકાણાં હતા ? દેવ આનંદ હીરોલોગનો કલ્યાણજી- આણંદજી હતો ! આ લોકોને ય મોટા મોટા બેનરો મળ્યા, રાજ-દિલીપ- દેવ કે અમિતાભ-રાજેશ ખન્ના જેવા આખી સદીના સુપરસ્ટારો મળ્યા.. સાલી એક ફિલ્મ તો તમારા નામને જશ અપાવે એવી બનાવી હોત ! રાજુ ભારતનના પુસ્તકમાં લખ્યા મુજબ કંઇક એવો અરથ નીકળે કે, ''કલ્યાણજી- આણંદજીએ પોતાના ઘેર મ્યુઝિકનો ડીપાર્ટમેન્ટલ સ્ટોર ખોલી રાખ્યો હતો, ''બોલો, કેવું ગીત જોઇએ ? હીરો હીરોઇનની પાછળ પડે છે એ...? ખોલો કબાટ ૪-બી... જે જોઇએ એ ધૂન ઉપાડો...!'' હીરોઇનને પર્વત પરથી ભૂસકો મારવા જતા પહેલા એક કરૂણ ગીત ગાવું છે, ખોલો ૩૪ નંબરનું ડ્રોઅર...૪૫- ધૂનો કાઢવાના ભાવમાં આલવાની છે !''

ઘણા પૂછે છે કે, તમારી આ કોલમમાં જે તે ફિલ્મ વિશે થોડું ને બાકીની આનુષંગિક માહિતીઓ વધારે હોય છે. બહુ સાચી પણ અડધી વાત કરી. આવી ફિલ્મ 'મહલ'નું અવલોકનની ભાષામાં લખું તો ક્યાં મુદ્દા ઉપર ચર્ચા કરૂં, જ્યાં સ્વયં દેવ આનંદ કે આશા પારેખના જ ઠેકાણાં ન હોય, ત્યાં અન્યની એક્ટિંગ, સંગીત, કેમેરાવર્ક કે ફિલ્મના કિરદારો વિશે શું લખી શકાય ? જુઓ જરા... વાર્તાનો અંશો :

કલકત્તામાં રહેતો રાજેશ દીક્ષિત (દેવ આનંદ) એની માં (પ્રતિભાદેવી) અને બહેન ચંદા (અઝરા) સાથે ગરીબીનું જીવન જીવે છે. દેવનો કરોડપતિ બોસ (અભિ ભટ્ટાચાર્ય) સારો માણસ છે. અઝરા પોલીસ ઇન્સપેક્ટર (સુધીર)ના પ્રેમમાં છે, જેમના લગ્ન કરાવી આપવા દેવ આનંદ શહેરના ગુંડા રાજન હકસર પાસેથી ૪૦ હજાર રૂપિયા એ શરતે લે છે કે, દાર્જીલિંગમાં દેવ આનંદ અબજોપતિ સેઠ રાજા દીનાનાથ (સપ્રૂ)નો વર્ષો પહેલા ઘર છોડીને જતો રહેલો ભત્રીજા રવિ બનીને જાય. આ બાજુ, ડૅવિડ અબ્રાહમ અને રત્નમાલાની દીકરી રૂપા (આશા પારેખ) સાથે દેવને પ્રેમ થાય છે. દાર્જીલિંગમાં સપ્રૂની સંભાળ રાખવા નર્સ તરીકે ફરિદા જલાલ દેવને સેઠનું ખૂન કરવા રાજી કરે છે, જેથી એ બન્ને અબજોની મિલ્કત વહેંચી શકે. દેવ ના પાડે છે, એ પછી દેવ પોતે જ સેઠના ખૂનમાં ફસાઇ જાય છે. નિર્દોષ છુટવા માટે પોલીસથી ભાગતા ફરતા અને પોતાની નિર્દોષતા સાબિત કરવા ઘણા ધમપછાડા કરે છે, ત્યારે એનો બોસ અભિ ભટ્ટાચાર્ય જ અસલી ખૂની નીકળે છે.

ઇન ફેક્ટ, 'મહલ' આવ્યું, એ જ વર્ષમાં રાજેશ ખન્ના ફિલ્મ 'આરાધના' દ્વારા સુપરસ્ટાર બની ગયો હતો. પાછળ અમિતાભ આવતો હતો. ખન્નાએ દેવ આનંદવાળી પ્રેમલા-પ્રેમલીની પરંપરા ચાલુ રાખી, પણ ખન્નાની જેમ બીજા કોઇ ય ન ફાવ્યા. દેવ 'ગાઇડ' ચાર વર્ષ પહેલા અને 'જ્વેલ થીફ' ('૬૮) પાછળ છોડી આવ્યો હતો. બસ, એક વર્ષ પછી '૭૦-માં એની લાઇફની કમર્શિયલી સૌથી વધુ સફળ ફિલ્મ 'જ્હોની મેરા નામ' આવવાની બાકી હતી. 'હરે રામ, હરે કૃષ્ણ' એના પોતાના નિર્દેશનમાં ચાલી, એમાં બધી મોંકાણ મંડાઇ. ફિલ્મ થોડી સફળ થઇ, એમાં જીવ્યો ત્યાં સુધી દેવના મનમાં ઠસી ગયું કે, એ વિશ્વનો સર્વોત્તમ દિગ્દર્શક પણ છે... બસ, એની છેલ્લી ફિલ્મ 'ચાર્જશીટ' (૨૦૧૧) સુધી એ એના ચાહકોને નિરાશ કરતો રહ્યો.

નહિ તો કેવો સોહામણો અને જૅન્ટલમૅન હતો એ ! વહિદા રહેમાનના ઇન્ટરવ્યુ ફોર્મમાં લંડનની પત્રકાર નસરીન મુન્ની કબીરે બહાર પાડેલા પુસ્તકમાં વહિદા કહે છે, ''હું દેવને મારી પહેલી ફિલ્મ 'સી.આઇ.ડી.' વખતે મળી. કેવો સ્વીટ અને હૅન્ડસમ હતો... આહ ! મેં એમને બોલાવ્યા તો કહે, ''મને દેવ જ કહેવાનું... દેવ સાહબ, દેવજી, આનંદજી, કે એવું કશું કાંઇ નહિ કહેવાનું, માત્ર 'દેવ' જ કહેવાનું.'' ગીતકાર આનંદ બક્ષી માટે ય કાંઇ તગારા ભરી ભરીને વખાણો થાય એમ નથી, પણ બે ચીજો એની પાસે ઉત્તમ હતી. એક તો દરેક ગીત માટે 'મસ્ટ' થઇ ગયેલા, 'પ્યાર, મુહબ્બત, ઇશ્ક,હુસ્ન, જાનેજા. જેવા છીછરા શબ્દોમાંથી ગુલઝારની માફક ફિલ્મી ગીતોને થોડા થોડા ય બહાર કાઢ્યા. અને બીજું મીટર મુજબ ગીત લખી આપવાની ફાવટ આવી ગઇ હોવાથી, વાતચીતને ગીતમાં ફેરવી નાંખવાની આવડત બક્ષીએ ઊભી કરી, જેમ કે... 'અચ્છા તો હમ ચલતે હૈ, ફિર કબ મિલોંગે...?' સાહિર લુધિયાનવીની તોલે તો હજી સુધી કોઇ શાયર આવ્યો નથી. વહિદા રહેમાને દેવ આનંદને પૂછી પણ લીધું હતું, ''નવકેતન''ની ફિલ્મોમાં તો કાયમ સાહિર સા'બ હોય છે... 'ગાઇડ'માં શૈલેન્દ્રજી કેવી રીતે આવ્યા ?'' દેવે કહ્યું, ''શૈલેન્દ્ર એક વાર દિલ્હીથી ફ્લાઇટમાં મારી સાથે હતા અને મારી ફિલ્મોમાં ગીતો લખવાની ઇચ્છા દર્શાવી. મને ય એ ગીતકાર તરીકે ગમતા હતા. બસ, 'ગાઇડ'માં લઇ લીધા.''

જો કે, અસલી વાત એ હતી કે, સચિનદેવ બર્મન અને સાહિર વચ્ચે ક્યારના અબોલા થઇ ગયા હતા. સાહિર ઉઘાડેછોગ ગામમાં એવું કહેતો ફરતો કે, બર્મન જ નહિ, કોઇપણ સંગીતકારના ગીતો મારા લીધે વખણાય છે. કાકા બગડયા. સાહિરને કાયમ માટે પડતો મૂકી દીધો.

'મહલ'માં રાજા દીનાનાથનો કિરદાર કરતો વાંકડીયા લાંબા વાળ, ઘોઘર અવાજ અને ભૂરી આંખોવાળો સપ્રુ (દયાકિશન સપ્રૂ) કાશ્મિરનો બ્રાહ્મણ હતો. એની પત્ની હેમાવતી પણ સ્ટેજ એકટ્રેસ હતી. એની દીકરી પ્રીતિ કે ફાલતુ વિલનગીરી કરીને હોલવાઇ ગયેલો દીકરો તેજ સપ્રૂ ફિલ્મોમાં તો ઠીક, ઘરમાં ય ન ચાલ્યા. બીજો વિલન રાજન હક્સર એના જમાનામાં બે-ચાર ફિલ્મોનો હીરો ય હતો. એની મોટી મોટી આંખોવાળી પત્ની મનોરમા (જાડી) '૪૦ના દશકની ફિલ્મોમાં હીરોઇન તરીકે આવતી 'સત્તે પે સત્તા'માં બહેરીયો બનતો સુધીર મૂળ તો 'ભગવાનદાસ લૂથરીયા' નામે હતો. દિગ્દર્શક મિલન લૂથરીયાનો એ કાકો થાય. સુધીર પણ એક જમાનામાં ઝેબ રહેમાન જેવી હીરોઇન સાથે હીરો તરીકે આવ્યો હતો. ફિલ્મ 'હકીકત'માં મુહમ્મદ રફીનું ''મૈં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા...''આ સુધીર ઉપર ફિલ્માયું હતું. અહી એની પત્ની બનતી એક્ટ્રેસ અઝરા ફિલ્મ 'ગંગા જમના'માં દિલીપના ભાઇ નાસિરખાનની પ્રેમિકા બને છે. એ હજી હયાત છે. શકીલા, જબિન જલિલ, સ્વ.ચાંદ ઉસ્માની, શ્યામા અને નાઝિમા એકબીજાની અંતરંગ સખીઓ. હયાત છે, એ બધીઓ આજે ય એકબીજાને રોજ મળે છે. અઝરા એના વૅસ્ટર્ન લૂક્સને કારણે જૉય મુકર્જી- સાધનાની પહેલી 'લવ ઇન સિમલા'માં વેમ્પનો રોલ કરી ચૂકી છે. તો 'મધર ઇન્ડિયા'માં એ મનોમન સુનિલ દત્તની નિષ્ફળ પ્રેમિકાનો રોલ કરે છે. આ ફિલ્મનો વિલન અભિ ભટ્ટાચાર્ય આમ તો બહુ સજ્જન તરીકે અને ધાર્મિક ફિલ્મોમાં બહુ આવતો. 'દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ...'વાળી ફિલ્મ 'જાગૃતિ'નો એ હીરો હતો. આમ તો, દિલીપ કુમારની ફિલ્મ 'મિલન'માં મૂળ બંગાળી સંસ્કરણ ''નૌકાડૂબી''માં હીરો એ હતો. અલબત્ત, હાઇટ-બૉડી સારા હોવા છતાં, એની સ્ત્રૈણ્ય પર્સનાલિટીને કારણે કશામાં જામ્યો નહિ. સો ઉપરાંત ફિલ્મો કરવા છતાં ! કોમેડિયન ડેવિડ અબ્રાહમ જીવનના અંત ભાગમાં કેનેડા જઇને ગૂજરી ગયો અંગત જીવનમાં ય એ સદા ય હસતો માણસ હતો. એના નામનો કોઇ વિવાદ કદી ઊભો થયો જ નહિ. તો ફરિદા જલાલને ફિલ્મ 'આરાધના'માં રાજેશ ખન્નાની સેકન્ડ હીરોઇનનો રોલ મળવા છતાં લાઇફટાઇમમાં એનો ફાયદો ઉઠાવી ન શકી. તબરેઝ બર્નાવર નામના 'ઝ' ક્લાસની એકાદી ફિલ્મમાં હીરો તરીકે આવેલા માણસને એ પરણી. હીરોઇન થતા રહી ગયેલી બીજી હીરોઇનોની જેમ એની બટકી હાઇટ એને નડી. બહુ ઓછાને ખબર હશે કે, ગુરૂદત્તની ફિલ્મ 'ચૌદહવી કા ચાંદ'માં એ બાળ કલાકાર હતી. જો કે અહી પ્રોબ્લેમ નામને કારણે થયો. ફિલ્મોમાં એક બેબી ફરિદા ઑલરેડી હતી જ. જેને તને ફિલ્મ 'દોસ્તી' કે 'રામ ઓર શ્યામ'માં જોઇ છે. ૨૦૦૩માં તરબેઝ ગુજરી ગયો. આવી ફાલતુ ફિલ્મોના તો કોમેડિયનને ય કેવા સુપરફાલતું હોય ? કમલ મેહરા ગરીબ નિર્માતાઓનો રાજેન્દ્રનાથ હતો, એટલે કે જે નિર્માતાને પોપટલાલ ન પોસાય, એ દારાસિંઘની ફિલ્મોવાળા નિર્માતાઓ કમલ મેહરાને લે... એ વાત જુદી છે કે, ખુદ રાજેન્દ્રનાથને ય એક એક રોલ માંગવા ભટકવું પડતું હતું.

એ જમાનામાં રેડિયો ઉપર આ ફિલ્મ 'મહલ' ના ગીતો થોડા ઘણા ઉપડયા હતા. પુનર્જિવિત થઇને નવાનવા આવેલા કિશોર કુમારને હરકોઇ સંગીતકાર લેવા માંગતો હતો, એમાં રફીનું પત્તું કપાવા માંડયું. એમાં એક કિસ્સો જાણવા જેવો છે. કલ્યાણજી- આણંદજીને ય સલિલ ચૌધરી, સી.રામચંન્દ્ર કે અનિલ બિશ્વાસની જેમ બહુ બન્યું નથી. એમાં દુનિયાભરમાં 'કલ્યાણજી-આણંદજી નાઇટ' ઉજવવા નીકળેલા આ સંગીતકારોએ મુહમ્મદ રફીને પોતાના શો માં ગાવાનો આગ્રહ કર્યો. (આવો આગ્રહ ખૈયામે પણ કર્યો હતો) રફીએ બન્નેને એકસરખો જવાબ આપ્યો, ''તમારા સંગીતમાં મારા ગીતો છે કેટલા..? અને જે છે, એ સ્ટેજ ઉપરથી દાદ મળે એવા કેટલા...? સોરી, હું નહિ આવું તમારા શોમાં.''

બસ...ત્યારથી રફી સાથે બગડયું. લતા મંગેશકર સાથે તો બહુ પહેલેથી બગાડી બેઠા હતા...છેવટે ન ચાલ્યા.

No comments: