Search This Blog

26/03/2014

બુઢ્ઢા સઠીયા ગયા...

આ સાલી ૬૦-પછીની ઉંમર ખૂબ મજ્જાની છે. કહે છે કે જુવાનીના વર્ષો, સ્કૂલમાંથી છુટેલા બાળકોની જેમ ધીંગામસ્તી કરતા રૂમઝુમ દોડતા આવે ને એટલી જ સ્પીડે જતા ય રહે છે, જ્યારે ૬૦-પછીની ઉંમરના વર્ષો વૃદ્ધાશ્રમના વડિલો રાત્રે સુવા જતા હોય એવા સ્ફૂર્તિ વિનાના આવે છે ને પાછા જતા નથી. સ્ફૂર્તિ તો જાવા દિયો, ગામઠી શાળાની લોખંડની ઝાંપલીની જેમ, ખોલો ત્યારે ચું-ચું કરતી હાલકડોલક ખુલે, એમ આપણે ચાલીએ છીએ કે ઊભા, એ આપણે ય નક્કી કરી ન શકીએ. ચાલમાં ઠેકાણાં રહેતા નથી ને ચલગત ઈચ્છો તો ય બગાડી શકવાના નથી.

આ ઉંમરે, સમાજ પણ આપણા શરીરની જેમ ઓરમાયું વર્તન કરતો થાય છે, કેમ જાણે એને યાદ ન હોય કે, એક જમાનામાં આ જ શરીર ઉપર આપણું સાર્વભૌમત્વ હતું ! નજર નહિ, આંખો પુરાણી પ્રેમિકાની જેમ ખરે વખતે દગાબાજ નીકળે. એને માટે દૂર કે નજીકનો કોઈ તફાવત રહ્યો નથી. બે ય સંપી ગઈ છે, એકબીજાને મળી ગઈ છે... દુશ્મનો તો પાછળથી વાર કરે... આંખો તો નજરની સામે વાર કરે છે.

ગાર્ડનનો બાંકડો આપણું 'ઈ-મેઈલ-આઈડી' બની જાય છે. ઘર કરતા ત્યાં વધારે મળીએ. ત્યાં આપણને જોવા કોઈ નવરૂં હોતું નથી... આપણે લોકોને જોયે રાખવા પડે છે. જુવાનીયાઓ આપણી બાજુમાં બેસતા નથી ને આપણી ઉંમરના ડોહાઓ આવીને બેસે, એ સાલા ગંધાયે રાખે છે.

ને તેમ છતાં ય, બહુ તોતિંગ તોફાનોએ ચઢી જવાની ઉંમર હવે ૬૦ પછી શરૂ થાય છે. બાકીનું જીવન આપણી મસ્તીથી જીવવાનો સંકલ્પ કર્યો હોય તો... નહિ તો, બાકીનું જીવન કેમ જીવવું, એના ધોરણો આપણા ફેમિલીવાળા, સગા સંબંધીઓ, યાર દોસ્તો કે રીતિરિવાજો નક્કી કરી આપે છે. જર્સી અને જીન્સ આ ઉંમરે પહેરીએ, તો સારા ન લાગીએ. ૪૦-વર્ષની સુંદર સ્ત્રી સામે એક ટસે તો જાવા દિયો, અડધી ટસે ય ન જોવાય... જોઈએ તો ઘેર બેઠેલી બા ખીજાય ! ''ડોહા... હવે જરા માનમાં રહો... ૭૦ થયા !'' દીકરા અને વહુઓ આપણી સાથે જરૂર પૂરતી વાત કરે. હૂલ્લડ થવાની દહેશત હોય ત્યારે અસામાજીક તત્ત્વોને સરકાર 'અંદર' કરી દે છે એમ, એમના 'ગેસ્ટ્સ' આવ્યા હોય, ત્યારે આપણે ડોસીને લઈને અંદરના રૂમમાં ગરી જવાનું. કોક વાર વળી એક અડધો પેગ 'ડ્રિન્કસ' લેવું હોય તો વહુ બૂમો મારતી આવે, ''પપ્પા, તમે જ બધું ગટગટાવી જાઓ છો, પછી એમને માટે કાંઈ રહેતું નથી.''

કાંઈ બાકી રહી જતું હોય, એમ ડોસી ય પાછી સલાહો આલ આલ કરે, ''કઉં છું... રોજ ગાયત્રીની પંદર માળા કરો આ ઉંમરે... ! ધરમ-ધિયાન કાં'ક તો જોઈએ કે નઈં... ?''

''તારી ભલી થાય ચમની... તારો કૅસ પતી ગયો હશે, બા... ! અમારે તો હજી જૂવાનીમાં બાકી રહી ગયેલી ઘણી ઈચ્છાઓ પૂરી કરવાની છે... તું સુઉં કામ આડી આવશ... ?''

૬૦-માં દાખલ થતા જ, મેં પહેલો નિર્ણય એ લીધો કે, ઉપર જવાનો સમય નજીક આવતો જાય છે, એટલે માથા ઉપરથી જેટલો ભાર ઓછો થાય, એ કરવો. અને ખુશીઓ ને તોફાનમસ્તી પોસાય એટલા છોડવા નહિ. ઉપરનો રસ્તો સીધા ચઢાણવાળો અને ખૂઉઉઉઉ...બ્બ લાંબો છે... 'વહાં પૈદલ હી જાના હૈ' એટલે માથા પરના પોટલાંમાંથી જેટલો ભાર ઓછો કરતા જવાય, એટલો કરવો. ઉપર તો સાલી પાન-સિગારેટની દુકાને ય ન હોય, સોડા ય મળવાની નથી, ત્યાં 'બ્લૅક-લૅબલ' તો બઇની ઝાલરમાંથી મળે ? એટલે, જતા પહેલા આ બધું ટેસથી પૂરૂં કરતા જવું. ૬૦-ઉપર પહોંચ્યા છીએ, એટલે હવે ગમે ત્યારે ઉપરવાળો બોલાવી લેશે... ! ફટ્ટ દઈને તો બહુ ઓછાને બોલાવે છે, બાકીનાઓને તો બિમારીના પલંગ ઉપર વરસોના વરસ લબડાવી રાખીને રિબાવે છે. અર્થાત, હજી હાથ-પગ ચાલે છે ત્યાં સુધી થાય એટલા જલસા કરી લો, મસ્તુભ'ઈ... હોસ્પિટલની છતનો કલર બહુ બૉરિંગ હોય છે ! ઘરના તો ઠીક છે, નર્સો-ડૉક્ટરો ય આપણને વહાલ નથી કરતા. ખબર કાઢવા આવનારાઓ, આપણને હવે ક્યારે કાઢી જવાના છે, એવી પ્રેમાળ ઉત્સુકતાથી મળવા આવે છે. એમના સવાલો, આપણે ગળામાંથી જ નહિ, ખભામાંથી ય હેડકીઓ ખાઈને એવા જલદ હોય છે, ''મસ્તુભ'ઈ... કિમો-થેરાપી પતી ગઈ...''

''તારી ભલી થાય ચમના... હું અહીં કૅન્સરના દર્દી તરીકે દાખલ થયો નથી... ની-રીપ્લૅસમૅન્ટ માટે આયો છું, વાંદરા !'' સાલું હરકોઈ આપણાથી છુટવા માંગતું હોય. હડધૂતીની જાહોજલાલી જુવાનીમાં સહન થાય, આ ઉંમરે નહિ !

યસ. ઉપર જવાની ઉંમર હજી શરૂ પણ નહોતી થઈ, ત્યારનો એક પદ્ધતિ પર જીવું છું. દુશ્મનોને પ્રેમપૂર્વક ભેટતા જાઓ. આપણી પહેલા એ ઉકલી જાય, તો મર્યા પછીના ખોટેખોટા વખાણો કરવા પડે છે, ''સદગતનો સ્વભાવ બહુ સારો હતો... ધાર્મિકવૃત્તિના ય બહુ. અડધી રાત્રે ય આપણા કામમાં આવે. એમના જવાથી સમાજને મોટી ખોટ પડશે.''

આવા હાવ ખોટેખોટા વખાણો કરવા પડે, એના બદલે (એના મરતા પહેલા) પ્રેમપૂર્વક એને પાછો દોસ્ત બનાવીને એના સાચા વખાણ કરવાની સીસ્ટમ ઊભી ન કરીએ ? જેટલું લૂટી ગયો છે ને જેટલો દગો કરી ગયો છે, એટલો હવે તો કરી શકવાનો નથી ને કરે તો ય આપણી પાસે હવે લૂટાવવા જેટલો માલ ક્યાં પડયો છે ? (બે બોટલ તો સ્ટૉકમાં રાખવાની જ, બોસ !)

અમારા જેવી જાહેર-વ્યક્તિઓને દુશ્મન બનાવવા માટે કોઈ પ્રયત્ન જ કરવો ન પડે. સફળતા એ જ દુશ્મનીનું કારણ. આજ સુધી હું કોઈની સાથે ઝગડયો નથી કે કદી ઊંચા અવાજે કોઈની સામે કે કોઈના માટે બોલ્યો નથી ને મારૂં ખરાબ કરનારને પણ કોઈ મહત્વ આપ્યું નથી. મેં પર્સનલી કોઈનું બગાડયું હોય, એવી તો જગતમાં એક પણ વ્યક્તિ નથી, છતાં ય, માત્ર બીજાને ખુશ કરવા મારી સાથે દુશ્મની બાંધી લેનારાઓને તો 'દુશ્મન'નો પ્રતિષ્ઠિત ઈલ્કાબ પણ ન અપાય ને ? દુશ્મન પણ આપણા લેવલનો હોવો જોઈએ ને... ગ્રસફૂલ ! ફખ્ર આપણને થાય કે, 'મારો દુશ્મન પણ કોઈ ઓર્ડિનરી નથી.' આપણા બધાની એ સદનસીબી હોય છે કે, દુશ્મનો ય બહુ ઓર્ડિનરી-લેવલના મળ્યા હોય છે, જેમને 'દુશ્મન' ગણવામાં ગ્રેસ આપણી ઓછી દેખાય !

ઈરાદો એ છે કે, ટૅન્શન, ઈર્ષા, ગુસ્સો, દુશ્મની અને એકલતા છોડીને દુનિયાની ભીડમાં ભળી જવાનું. એકલદોકલમાં દુશ્મનો નીકળી આવે, ભીડમાં તો યારદોસ્તો ય મોટી સંખ્યામાં મળી જાય. હવે જેટલા જલસા થાય એટલા કરી લેવાના, સાધો ! આ ઉંમરે કોઈ આપણા પ્રેમમાં પડી જાય, એ પોસિબલ નથી. પડી પણ જાય તો કેટલે સુધી પહોંચી વળો, એની તમને ય ખબર છે, પણ સુંદર હોય તો જોવામાં કોઈ ખર્ચો આવતો નથી. મન પ્રફૂલ્લિત રહે છે. વિચારો સારા આવે છે. ડોસી સાથે ય સારૂં બનવા માંડે છે. સુંદર સ્ત્રીઓ જોવી ગમે, ત્યાં સુધી જ આનંદથી જીવવા મળવાનું છે. કેસ ખલાસ થઈ ગયા પછી સની લિયોન રાખડી બાંધવા આવે ને હાથ અડી જાય તો ય શરીરમાં લખલખું આવી જશે. આ ઉંમરે સની લિયોન જ નહિ, એની બા ય ગમવી જોઈએ. સુઉં કિયો છો ?

દુનિયા બહુ ખરાબ નથી. બહુ સારી છે. કમનસીબી ક્યારેક વેશ્યાની માફક આપણી પાસે આવીને ભાવ માંગતી હોય, એટલે આખી દુનિયા ખરાબ લાગે... પણ બાકીની દુનિયા બહુ સારી છે. બાલ્કની બહાર જુઓ, તો જગત સામેના બે-ચાર બંગલા પૂરતું ટુંકુ નથી... ક્ષિતિજ સુધી લાખો બંગલા સુધી વિસ્તરેલું છે... એમાંથી હજારો તમને ચા-પાણી પીવા ય બોલાવી શકે છે.

જય હો.

સિક્સર

કેજરીવાલે મીંડાથી શરૂઆત કરી હતી... અને આજે એની પાસે મીંડા જ મીંડા છે !

No comments: