Search This Blog

05/10/2014

ઍનકાઉન્ટર : 05-10-2014

* બધા માણસો મૂર્ખ નથી હોતા... કેટલાક કૂંવારા પણ હોય છે. સુઉં કિયો છો ?
- હા, પણ કેટલાક પરણેલાઓ તો કૂંવારા પણ હોય છે.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* છોકરીઓ માટે 'એ બ્યુટી વિથ બ્રેઈન' કહેવાય છે... છોકરાઓ માટે કેમ નહિ?
- એવી કોઈ છોકરી મળી જાય ત્યારે એ છોકરા માટે, 'એ બ્રેઈન વિથ બ્યુટી' કહેવાય.
(કૌશલ ધામી, ધોરાજી)

* શું કદમાં નાની સ્ત્રીઓની જીભ બહુ લાંબી હોય છે ?
- સ્ત્રીની જીભની વાત નીકળે, ત્યારે એના કદ જોવાતા નથી.
(જીજ્ઞોશ સોની, જૂનાગઢ)

* તમારા લેખો વાંચીને તમારા પત્ની ખીજાતા નથી ?
- પ્રોબ્લેમ એ છે કે, એ કદી ય નથી વાંચતી તો ય ખીજાયે રાખે છે.
(નીલેશ રાયછઠ્ઠા, જામનગર)

* રામે રાવણ માર્યો. કૃષ્ણે કંસને... તો અશોક દવેએ ?
- હું જખ મારૂં છું.
(પ્રવિણ એમ. ધોકીયા, રાજકોટ)

* સાંભળ્યું છે, આપ કદી ગુસ્સે થતા જ નથી ?
- કોણ બોલ્યું એએએએ... ???
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* શોપિંગ મોલમાં પત્ની સાથે ગયા પછી તમારૂં ક્રેડિટ-કાર્ડ ખોવાઈ જાય તો શું કરો છો ?
- અમારામાં તો પત્નીઓ ખોવાય... કાર્ડ તો જીવની જેમ સાચવવા પડે.
(શશીકાંત દેસાલે, સુરત)

* ફિલ્મોમાં હીરોઈનો બોલ્ડ દ્રષ્યો આપતી હોય, એમાં એમના ફેમિલીવાળા બગડતા નહિ હોય ?
- પણ તમારે શું કામ છે એના ફેમિલીવાળાઓને બગાડી ને... ! ઝપોને છાનામાના !
(સુમિત વાઝા, અમરેલી)

* મારે અમેરિકા જવું છે. પણ કોઈ ઓળખતું નથી, તો ઉતરવું ક્યાં ?
- એરપોર્ટ પર.
(મમતા દિલીપ કામદાર, મુંબઈ)

* મારે તમને ભડાકે દેવા છે. શું કરવું ?
- તોપખાનામાં નામ નોંધાવી આવો.
(ઘનશ્યામ સન્તોકી, બદાણપુર-જોડીયા)

* આ લખવા પહેલા તમે શું કરતા હતા ?
- નહોતો લખતો.
(ભરત ગોસાંઈ, મુંબઈ)

* ઓબામાને સ્થાને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે તમે બેસો તો ?
- હું આવું ત્યારે ઘરમાં ય કોઈ ઊભું થતું નથી.
(મિલિંદ પારેખ, નવસારી)

* રાજેશ ખન્નાને બે વર્ષ થઈ ગયા... ડિમ્પલ બાબતે તમારો કોઈ પ્રોગ્રેસ થયો કે...?
- 'ફાઇન્ડિંગ ફેની.'
(રવિ એન. રાઠોડ, મુંબઈ)

* મોદીજી પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી ક્યારે આપશે ?
- બસ. ચીનમાંથી નવરા પડે ત્યારે.
(ચિંતન પી. વ્યાસ,ધોરાજી)

* ગુ.હા. બોર્ડ હવે ૧૪-માળના ફ્લેટો બનાવવાનું છે. બાંધકામમાં ક્ષતિઓ આવશે?
- આવશે તો ગ્રાઉન્ડ-ફલોરવાળાને પહેલી ખબર પડશે.
(ડૉ. સંજય મહેતા, રાજકોટ)

* કહેવાય છે કે, સુરતીઓ લહેરી હોય છે. તમે સુઉં કિયો છો ?
- એ લોકો ગાળો સિવાય બધું વેડફી નાંખે છે.
(કુંતેશ લાઠીયા, સુરત)

* ઋત્વિક રોશન ₹ ૪૦૦-કરોડ ક્યાંથી લાવશે ?
- બસ્સો રૂપિયા મારે ય લેવાના નીકળે છે... !
(રોહિત દવે, હાલોલ)

* તમે ઓબામા સાથે વાતચીત કરી છે ?
- હું અમેરિકા હતો ત્યારે એવા કોક ભાઈ મળવા આયા'તા ખરા... !
(સુફિયાન માંચીયા, ભરૂચ)

* પ્રેમ અને વરસાદમાં સામ્ય શું છે ?
- ખોટો ટાઈમ બગાડયો ને ? આવામાં વરસાદોની રાહો જ ના જોવાય, ભ'ઈ!
(જે.બી. ભાટીયા, મેઘરજ)

* છોકરીની નજીક જતા પહેલા શું ધ્યાનમાં લેવું ?
- બસ. એનો ટેસ્ટ ફાલતું હોય તો કામ બની જાય.
(દીપક અકબરી, જૂનાગઢ)

* અમેરિકાની સ્ત્રીઓ અને ઈન્ડિયાની સ્ત્રીઓ વચ્ચે શું તફાવત છે ?
- એ લોકો ક્યાં તપાસવા દે છે ?
(એકતા પ્રજાપતિ, અમદાવાદ)

* શ્રાવણમાં ઉપવાસનું મહત્વ શું ?
- બાકીના ૧૧-મહિના આપણે કેવું ફાલતું ખાતા'તા, એની ખબર પડે !
(નિકુંજ ગજેરા એમ., સુરત)

* અનુષ્કા શર્માના ચક્કરમાં આખેઆખો વિરાટ... વામન કોહલી બની ગયો...
- હર કૂત્તે કે દિન આતે હૈ... !
(મનન અંતાણી, રાજકોટ)

* લોકો મહાદેવને શ્રાવણમાં યાદ કરે છે... બાકીનું વર્ષ ભૂલી કેમ જાય છે ?
- ભૂલી શકાય એટલા સામાન્ય મહાદેવજી નથી.
(વિશાલ પટેલ, વડિયા-અમરેલી)

* દાદાગીરીથી ભીખ માંગે, એને ભિખારી કહેવાય કે 'ડોન' ?
- બન્ને વિભાગમાંથી મને રદબાતલ ગણવો.
(અફરોઝ મીરાણી, મહુવા)

* શું તમને પ્રેરણા આઈ.એસ. જોહરથી મળી હતી ?
- ના. એણે ચાર વખત લગ્ન કર્યા હતા.
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

* તમારા હાજરજવાબીપણાને જોઈને, હું તમને 'કલીયુગના બિરબલ'નું બિરૂદ આપું, તો બા ખીજાશે નહિ ને ?
- તમારા બા ની મને કેવી રીતે ખબર પડે ?
(રેણુ દેવનાણી, અમદાવાદ)

No comments: