Search This Blog

15/10/2014

ઝાડુનગરી સે આયા હૈ કોઈ ઝાડુગર....

પ્રામાણિક છું. વાઈફ સારી મળી છે, એટલે દાવો કરી શકું છું કે, આજ સુધી મેં ઘરમાં કે રસ્તા ઉપર કદી ય ઝાડુ માર્યું નથી. આપણું એ કામ જ નહિ. પણ જમાનો ખરાબ આવ્યો છે. અખબારોમાં ફોટા પડાવવા કે ટીવી પર ચમકવા માટે મોટા માણસો હાથમાં ઝાડુ લઈને દેશની સેવા કરી હોવાનો ગર્વ કરે છે.

''અસોક, આમ ઊભા સુઉં રિયા છો...? બજારમાં જઈને એક ફગીયો (ઝાડુ) લિ આવો અને આપણા નારણપુરા ચાર રસ્તે ઊભા રઈને ઝાડુ મારવા માંડો...'' સજન મૂળ ઈસ્ટ આફ્રિકાથી આયાત કરેલી પત્ની હોવાથી ત્યાં ઝાડુને 'ફગીયો' કહે છે. અમારા નોકરો ય 'ફગીયો' બોલતા થઈ ગયા છે. બધાને સ્વાહિલી આવડે નહિ, એટલે વાઈફ મહેમાનોના દેખતા મને કહી શકે, ''અસોક, આંઇ ફંગુસા બાકી રય ગીયા છે. ફંગુસા કરી લિયો.'' ભોળા મેહમાનો એમ સમજે કે, આ રૂમમાં પરફ્યૂમ છાંટવાનું રહી ગયું છે, પણ 'ફંગુસા' એટલે જમીન પર આપણે ભીનાં પોતાં (mop) મારીએ છીએ, એ....! (સોરી, 'આપણે' નહિ... 'હું'!)

આજકાલ ટીવી અને અખબારોમાં ઝાડૂ મારતા ફોટા પડાવવા સ્ટેટસ બની ગયું હોવાથી, મારા વિકાસ માટે પત્નીએ મને હાથમાં ઝાડુ પકડીને વિકાસના માર્ગે ચાલી નીકળવાની હાકલ કરી. હાથમાં બ્રીફકૅસ લઈને હું અનેકવાર નીકળ્યો છું, પણ એના ફોટા પાડીને છાપવાની એકેય છાપાએ પહેલ કરી નથી. આ વખતે તો દેશની પ્રતિષ્ઠાનો સવાલ હતો, એટલે ઝાડુ પકડવું પડે એમ હતું. એકલેએકલું ઝાડું લઈને રસ્તા ઉપર ફરી વળીએ તો પ્રજા મને હું જેવો દેખાઉં છું એ જ સમજે... આઈ મીન, ધંધાદારી ઝાકવાળો. પણ બીજા હાથમાં દૂધની કોથળી-બોથળી રાખીને ભલે ને તમે સીજી રોડ ઉપર ઝાડું-પોતાં મારવા જાઓ, વટેમાર્ગુઓમાં એ છાપ પડે કે, ''સાહેબ એક હાથે દેશની સેવા કરી રહ્યા છે ને બીજા હાથે વાઇફની!''

વાઈફનો પ્લાન ખોટો નહતો. આ જ એક તક હતી છાપામાં આપણો ફોટો છપાવવાની. કોઈ નહિ ને, 'અશોક દવે'ના હાથમાં ઝાડુ? વાતો તો મારા ય ગળે ઊતરતી નથી, પણ સવાલ દેશની સેવાનો હતો, એટલે ના પડાય એવું નહોતું. અલબત્ત, કોઈ મારી પાસે હા પડાવવા ય નહોતું આવ્યું, પણ આ એક તક હતી કે, વડાપ્રધાનશ્રીની હાકલને ઝીલવા રોડ પર ઊભા ઊભા ઝાડુ મારો, તો પૉસિબલ છે, એકાદ છાપામાં ફોટો આવી જાય! મારા એવા કોઈ લખ્ખણ નથી કે, વર્ષો પછી બેસણાંની જા.ખ. સિવાય અન્ય કોઈ 'સારા' કામ માટે મારો ફોટો છાપામાં આવે.

અને મારો નિયમ કે, જે કામ કરવું તે પૂરી નિષ્ઠાથી કરવું. ઝાડુ મારવું, એ ય કોઈ ઝાડુ મારવાના ખેલ નથી. એમાં ય બાઝુઓમાં જોર, આવડત, કૂનેહ, દેશ માટે મરી ફીટવાની તમન્ના અને સારા માઈલું ઝાડું હોવું જોઈએ... (આ બધું હોય ને સામે ટીવીવાળો ઊભો ન હોય તો, આમાંનું કાંઈ કરવાની જરૂરત નથી, યારોં!) તેમ છતાં ય, નારણપુરા ચાર રસ્તે પહોંચ્યા પછી આવડતના અભાવે ઝાડુ ઊંધું પકડાઈ ન જાય કે સામેની ફૂટપાથ પર જઈને કોઈ પાનવાળાને પૂછવા જવું પડે કે, ''ઍક્સક્યુઝ મી... શું ઝાડુ ક્રિકેટના બેટની માફક પકડવાનું હોય?''

પરિણામે, યુધ્ધે ચઢતા પહેલા સિપાહી ઘેર બેઠા ખાટલા સામે તલવારો વીંઝવાની પ્રૅક્ટિસ કરી લે, એમ મેં ઘરમાં પ્રેક્ટીસ શરૂ કરી. ચહેરા પર સચિન તેંડુલકર જેવા સ્માઈલ અને હાથમાં ઝાડુ સાથે સાથે મેં સૅલ્ફી પર ફોટો પાડી જોયો. ફોટો સરસ આવ્યો હતો. ૩૬-યુધ્ધો જીતી ચૂકેલો કોઈ ઘાયલ સમ્રાટ રણભૂમિને બદલે બંધ પડેલી મિલના ઝાંપે હાથમાં ખાખી કપડાં પહેરીને લાકડાના ડંડા સાથે ગર્વભેર ઊભો હોય, એવો પ્રભાવશીલ હું લાગતો હતો. મારા તો દરેક ફોટા આવા સરસ જ આવે છે. પણ એકલા સુંદર લાગવાથી ઝાડુજગતમાં તમારું નામ થતું નથી. આવડત પણ જોઈએ. સાવરણા અને ઝાડુ વચ્ચે તફાવત હોય છે. સાવરણો ઢીંચણ પર વળી, જમીન પર એક હાથે ફરકફરક ફેરવવાનો હોય છે, પણ નીચે કચરો હોવો જોઈએ. વળી, એક હાથ ડાબે ને બીજો જમણે ફેરવીને સાવરણો મારી શકાતો નથી. કહે છે કે, એક જ દિશામાં સાવરણો ફરવો જોઈએ., એટલું જ નહિ, વાળેલા કચરાનો એક ઢગલો બનતો જવો જોઈએ. અહીં દસ ઢગલા ને પેણે પચ્ચી ઢગલા કરી મૂકવા, એ સફાઈનું ઉત્તમ ઉદાહરણ મનાયું નથી.

કમનસીબે, ઝાડુ બેઠા બેઠા ને સાવરણો તદ્દન ઊભા ઊભા મારી શકાતો નથી. સાવરણો તમારું ગુમાન સાચવી શકતો નથી, જ્યારે ઝાડુમાં તમે પાણી-પુરી ખાતા હો, એવા ટટ્ટાર બૉડીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શકો છો. સાવરણા કરતા ઝાડુમાં ફોટા ય સારા આવે છે. આપણે ફિલ્મ 'મિલન'ના સુનિલ દત્ત જેવા કોઈ નાવના ખલાસી હોઈએ, એવા સસ્મિત વદને ગીત ગાતા ગાતા ઝાડુ મારી શકીએ છીએ. બન્નેમાં શરીરનો આકાર એક જ રહે છે. પેલામાં નીચે પાણી હોય ને આમાં કચરો હોય, એટલો જ ફરક.

લોકલ ટીવીવાળા આવશે, એની બાતમી પરથી હું મારા ઘરની નીચે શાકવાળાની દુકાન પાસે હાથમાં ઝાડુ લઈને ઊભો રહ્યો. મને જોઈને એને શું ય ઝનૂન ચઢ્યું હશે કે, અંદરથી એ સડેલા શાકભાજીનો કોથળો લઈ આવ્યો અને મારા પગ પાસે ઠાલવી દીધો. આડે-દિવસે કોથમિર-મરચાં ય મફતમાં નહિ આપનાર શાકવાળાએ મને રીક્વૅસ્ટ કરી, ''સાહેબ, ટીવીવાળા આવે તો આપણો ફોટો ય સાથે આવે, એવું કાંઈ કરજો, યાર.''

''સાહેબ તમે...? હાથમાં આ....???'' અમારો ધૂળજી એ દિવસે રજા ઉપર હતો પણ કાને મોબાઈલ અને સ્કૂટર પાછળ એની વાઈફને લઈને નીકળ્યો હશે, તે મને ગેટ પાસે જોયો, એટલે પૂછ્યું. કેટલાક પ્રશ્નો નિરુત્તર રહેવા સર્જાયા હોવાથી મેં એને કોઈ જવાબ ન આપ્યો અને આમે ય, એ કોઈ 'દૂરદર્શનવાળો' નહતો તે હું ઝાડુનો એક છેડો મારા ગાલને અડાડેલો રાખીને સ્મિત સાથે જવાબ આપું, ''હા... મારા હાથમાં આ! મિત્રો, હવે સમય આવી ગયો છે, આપણા હાથમાં મોબાઈલ, ૧૨૦-નો મસાલો કે વાઇફના હાથને બદલે ઝાડુ હોય. રાષ્ટ્રને પ્રગતિના માર્ગ પર લઈ જવું હશે તો, હવે 'બીઆરટીએસ'નો રૂટ નહિ ચાલે. હવે 'કાલે કરીશું'ની પોલી નીતિ પણ નહિ ચાલે... આવતીકાલે પડનારો કચરો આજે જ વાળી લેવાની ધગશ તમામ યુવાન હૈયામાં જોઈશે. મિત્રો, કચરો ફક્ત દેશની અંદર જ નહિ, બહારનો પણ આપણે વાળી લેવાનો છે...''

'બહારનો કચરો' અંગે મારો મતલબ, દેશના સીમાડાઓ ઉપર ભેગો થયેલો કચરો હતો, પણ જાહેરમાં ઊભા ઊભા મારો આવો જુસ્સો સાંભળીને રસ્તેથી પસાર થતા કોઈ બહેન જુદું સમજ્યા, ''ઓ ભ'ઈ... મહિને પાંચસો રૂપિયા આલીસ... બે ટાઈમના કચરા-પોતા જ છે... આ સામેની સોસાયટીમાં રહું છું. ફાવસે? મારા હસબન્ડ બહુ સારા માણસ છે.''
આમાં કેવું હોય છે કે, ટીવીવાળાઓ આવે, એની રાહ જોઈને ઝાડુવાળા હાથે એક ખૂણામાં બેસી રહેવાતું નથી. નક્કી કરેલા લક્ષ્ય મુજબ, ઝાડુ મારવાનું ચાલુ રાખવું પડે છે, નહિ તો શાકવાળાની બા ય ખીજાય... સુઉં કિયો છો? ...કોઈ પંખો ચાલુ કરો. આપણે શું કે પ્રેક્ટીસ-બેક્ટીસ નહિ, એટલે ઝાડુના ચાર લસરકા મારીએ, એમાં હાંફી જઈએ... આ કાંઈ આપણો રોજનો ધંધો થોડો છે?

સોસાયટીવાળા મદદે આવ્યા. મને સમજાવ્યો કે, ટીવીવાળા આવે નહિ ત્યાં સુધી, એકની એક જગ્યાએ વાળવાળ કરવાને બદલે એક આંટો અંદરે ય મારી જાઓ ને... આખરે દેશ પહેલા આપણી સોસાયટી સ્વચ્છ રાખવાની છે.

બસ. એ તો મેં એકલે હાથે આખી સોસાયટી વાળી નાંખી પછી બહારના ઓર્ડરો આવવા માંડયા.

''જરા બાજુ ય આવી જજો ને...!''

No comments: