Search This Blog

08/10/2014

રવિવાર કેમ કાઢવો?

આડા દિવસો તો નીકળી જાય છે... આપણા કોઈ કસબ વિના, પણ રવિવાર ફેમિલી સાથે 'ઉજવવાનો' અવસર છે. અહીં 'ઉજવવું' શબ્દ જવાબદારીપૂર્વક લખ્યો છે કે, અઠવાડીયામાં આ એક દિવસ આવે છે, જેને ભરચક તોફાનો, ઉત્સાહ અને મસ્તીથી... અને તે પણ ફેમિલી સાથે એક તહેવારની જેમ ઉજવવાનો હોય. આ દિવસે નોકરી-ધંધાની કોઈ વાત નહિ, કોઈ મોબાઈલ આવવો ન જોઈએ ને રજા છે તો ઘેર પડી રહેવાને બદલે, ક્યાંક ને ક્યાંક બહાર નીકળી પડવાનું હોય.

...ને હવે જુઓ, આપણા બધાની બિસ્માર હાલત!

આપણે તો રવિવારો ય આખો દહાડો ઘેર બેઠા કાઢવાના. એ જ રૂટિન ઢાંચો. બપોરે જમીને હાલાં કરી જવાના. સાંજે ઉઠવાનું અને પાછા જમીને હાલાં કરી જવાના. આપણા માટે રવિવાર શું ને સોમવાર શું? હૉટલમાં જમવા જઈએ તો, એ બે-ત્રણ કલાકનો મામલો... અને એ ય સાંજે. પણ બપોર આખી શું કરવાનું? બપોર સૂઈ સૂઈને કેટલું સુઈએ? હોટલવાળાને એમ તો ના કહેવાય કે, ''સાંજે અમે અહીં જ જમાવાના છીએ... અત્યારે બે-ઘડી આડા પડવું છે. કોઈ રૂમ-બૂમ કાઢી આલો!!'' હોટલવાળો દયાળુ હોય ને એકાદો રૂમ સુવા માટે કાઢી આલે, તો એ ય વેઈટરોવાળો રૂમ હોય, જ્યાં આપણી બાજુમાં એ લોકો સુતા હોય.

એક જમાનો હતો, જ્યારે એકબીજાના ઘેર જવું ગમતું હતું. એ લોકો આવે તો ય આપણને ગમે. હવે જમાનો એવો આવ્યો છે કે, પરાણે ફોન કરીને કોઈના ઘેર જાઓ તો કોઈ ના પાડતું નથી કે મોંઢા બગાડતું નથી, પણ...ના જાઓ તો કોઈ રાહો જોઈને બેઠું ય હોતું નથી. કોઈને આવી બીવરામણી બતાવો તો બહુ મોટા જીવો બાળીને આપણા ઉપર નારાજ થાય અને ખખડાવે, ''...તો કેમ સીધા ઘેર ન અવાય? અમે ઘેર જ હતા ને તમારે તો આવવાનું જ હોય ને? આવું કરો તો અમને સહેજ બી ના ગમે!''

ને આજે સાલો કાંઈ જવાબે ય ના મળે. બહુ બહુ તો મુસ્કુરાઈને, ''એએએએ...મ?'' કહે. હવે આપણો એવો ભાવ પૂછાતો નથી. ગુસ્સો એવો આવે કે, હવે પછી ઝૂ પાસેથી નીકળ્યા હોઈએ, તો બે-ઘડી ત્યાં મોંઢું બતાવી આવીએ. પણ આવા લોકોના ઘેર તો નહિ જ જવાનું! સાલાઓ, આપણા નહિ આવવાનું ખોટું ય લગાડતા નથી.

પણ હવે, સમજીને રવિવારોએ નથી એ લોકો આપણે ત્યાં આવતા, નથી આપણે એમને ત્યાં જતા. બન્નેના રવિવારો બગડે ને? કોઈને ત્યાં જવામાં રવિવાર બગડવાનું મોટું કારણ એ હોય છે કે, બન્ને પાર્ટીઓ મજો લૂટવાની આવડત વિનાની હોય છે. એકબીજાને ખુશ કરવા શું કરવું જોઈએ, એ આવડત આઈધર-સાઈડ હોતી નથી. આપણે આપણા ઘરથી કંટાળીને ગયા હોઈએ ને સાલાઓ એમની બૅબીનું લગ્ન પત્યું, એના આલ્બમો કાઢીને આપણા ખોળામાં જમા કરાવી દે, જોયે રાખો. આવડી અમથી ચાર ફૂટની બાલ્કનીમાં શું ય વાવી નાંખ્યું હોય એમ, ''મને નર્સરીનો ભારે શોખ...! જુઓ, અહીં તુલસી વાવ્યા છે. આ મની-પ્લાન્ટ છે, ત્યાં લટકે છે એ બોગનવેલ છે... મને બહુ શોખ આ બધું વાવવાનો!'' વળતો હૂમલો કરવા આપણા ઘેરથી તુલસીના કૂંડા ઉચકીને અહીં ના લાવ્યા હોઈએ, એનો આ લોકો પૂરો લાભ ઉઠાવે.

બન્ને ફેમિલી બેઠા પછી એકબીજાને આનંદ આપે, એવી નથી તો કોઈને વાતો કરતા આવડતી કે નથી, ''શું કરવું?'' એનું કોઈને જ્ઞાન હોતું. કાંઈ મેળ ન પડે એટલે ક્રિકેટ, ભૂતપ્રેત, એક્સીડૅન્ટો, ખરીદી ને શોપિંગ-મોલોની વાતો કરવાની... બે કલાક નીકળી જાય! કચ્ચીકચ્ચીને જોર માર્યા પછી, એમના લબૂક છોકરાનું કોક ઠેકાણે ગોઠવાયું હોય, તો મર્યા આપણે! ''અમારો ચીન્ટુ તો ના જ પાડપાડ કરતો'તો... પણ છોકરી સારી હતી ને વળી ઘર સારું હતું, તે મેં'કુ... કરી નાંખો. પણ શું માણસો છે? ચીન્ટુના સસરા તો આખો દિવસ દેરાસરે જ પડયા હોય ને એની સાસુ બિલકુલ આપણા જેવી જ સુંદર દેખાવ અને સ્વભાવની. ખીચડી તો એમના હાથની જ!''

અને તમે ગયા હો, એના મહિના પહેલા જ 'આવા' ચિન્ટુડાનું તૂટયું હોય પછી જોઈ લો ભાયડાના ભડાકા, ''અરે દાદુ, અમારી તે શી મત મારી ગઇ'તી કે, આવામાં પડયા! એ તો પછી ખબર પડી કે છોકરી એક પગે લંગડાય છે. બોલો ભાભી, ઘર તો એવું મેલું મેલું રાખે કે, ટીવી ઉપરે ય ધૂળો ચઢેલી હોય! ને એનો રદબાત્તલ હરામી સસરો...! સાહેબ, બે વાક્યો બોલે એમાં બસ્સો લિટર તો મોંઢામાંથી થૂંક ઉડાડે છે. બચી ગયો અમારો ચિન્ટુ, નહિ તો લગ્ન પછી એમને ત્યાં રસોઈયાનું કામ કરતો હોત!'' ઠેઠ હવે ચિન્ટુ ઉપર આપણી નજર પડે ત્યારે ખબર પડે કે, પેલી છોકરી ભલે લંગડાતી હોય... આ બારદાનને પરણ્યા પછી એમની આખી સોસાયટી લંગડાતી હોત!

પણ બન્ને સાઈડની પબ્લિકને ગમતું હોય તો ય, દર રવિવારે એકબીજાને ઘેર થોડું જવાય છે! ક્લબોની મૅમ્બરશીપ બધાને પરવડતી નથી અને હવે તો અમદાવાદની બન્ને મોટી ક્લબોની હાલત જુઓ... રવિવારોએ ભિખારીઓ માટે દાવત રાખી હોય, એમ લાખો રૂપિયાની ફીઓ ભર્યા પછી ય જમવા (સૉરી... ખાવા) માટે લાઈનમાં રાહો જોવાની. સ્વિમિંગ-પૂલોમાં એકબીજાના જડબાં અથડાય, એટલી ભીડમાં નહાયે રાખવાનું. ક્લબોવાળાએ ભરાય એટલી મૅમ્બરશીપ્સ ભરીને એટલી હદે ભીડ ભેગી કરી મૂકી છે કે અધરવાઇઝ, સોસાયટીમાં ઊંચુ સ્ટેટસ ધરાવનારાઓ રવિવારોએ જમવા માટે અહીં ભિખારીઓ જેવા લાગે છે. જે લોકો ક્લબોમાં મેમ્બરો નથી, એ લોકો શહેરભરની હોટલો ઉપર તૂટી પડે છે ને, 'અમે રહી ગયા ને તમે લઈ ગયા'ની જેમ લાચારીથી એમની નજર સામે બાજુના ટેબલ પર પિરસાયેલા ઢોંસા કે ભાજી-પાઉં ઉપર દયામણી નજરે જોયે રાખે છે. આમ કોઈ જમતું હોય ને બીજાની ડિશમાં જોઈએ તો ઈનડીસન્સી કહેવાય, પણ હોટલ-ક્લબોમાં નજર સામે બેઠેલા ગોરધનને જોવા કરતા બાજુવાળાએ મંગાવેલો ઢોંસો જોવો સારો! સુઉં કિયો છો?

જેમની પાસે ગાડીઓ છે, એ લોકોને ઈશ્વરે કંઈક રાહત આપી છે કે, બે-ચાર ફેમિલીઓ ભેગા મળીને એક દિવસની પિકનિક કરી આવે, એમાં બહુ બહુ તો શહેરથી કોઈ ૪૦-૫૦ કી.મી. દૂરના ફાર્મ પર જવાનું, એ આપણો રવિવાર. ફાર્મ તો બધા પાસે હોય નહિ, એમાં નહિ હોનારાઓની લાચારી એવી જ... પેલો હા પાડે તો એના ફાર્મ પર જવાનું! પણ ફાર્મહાઉસો બહુબહુ તો શિયાળામાં જવાય, આવી ગરમીમાં નહિ! આપણી પાસે તો દરિયો ય નહિ... જો કે, અમદાવાદીઓને દરિયો આપો તો વચ્ચે એક મકાન શેરબજારનું હોય ને બીજો ફાફડા-ગાંઠીયાનો ગલ્લો!

ઈશ્વરની હમણાં સુધી તો કૃપા હતી કે, રવિવારોએ ટાઈમ પાસ કરવા ને ઠંડા થવા શૉપિંગ-મોલો બહુ કામમાં આવતા. લેના-દેના કુછ નહિ... બસ, ઘરનું એસી બંધ કરીને હે ય... ચાર કલાક મૉલના એસીની ઠંડકમાં ફરી આવે, એ અમદાવાદી પધ્ધતિ સાલી પકડાઈ ગઈ, એમાં ભલભલા શોપિંગ-મોલ્સ બંધ થઈ ગયા ને હવે બીજા થાય છે. મૉલવાળાઓમાં ય અક્કલ આવી ગઈ કે, ગુજરાતી ફેમિલી બપોરથી સાંજ સુધી મૉલમાં ફરતું હોય ને દરેક દુકાનવાળાને આશા બંધાય કે, બોકડો આપણે ત્યાં જ આવશે... પણ દાદુ, ગુજરાતીઓ બોકડા બનાવે, બને નહિ! દુકાનમાં આખું ફૅમિલી ઘુસીને અડધા સ્ટાફને કામે લગાડી દે ને સરખી ઠંડક થઈ જાય પછી ધીમે રહીને મરેલા સ્માઈલ સાથે આખું ફૅમિલી બહાર નીકળતા નીકળતા કોક વળી શુભેચ્છા સંદેશો આપતું જાય, ''...હવે નવો માલ ક્યારે આવવાનો છે?'' તારી ભલી થાય ચમના... આખો સ્ટાફ સવારે જ નવો રાખ્યો હતો, એ તમને સમજાવવામાં જૂનો થઈ ગયો... ને તેં એક રૂપિયાની ખરીદી ના ના કરી...! અમેરિકામાં ય આવું જ થાય છે. ત્યાં એને 'વિન્ડો-શોપિંગ' કહે છે.

ટીવી આવી ગયા પછી અનેક મઝાઓની મમ્મીઓના લગ્ન થઈ ગયા છે. નહિ તો, રવિવારોએ આખું ફેમિલી ઘરમાં જ મસ્તમજાની ગેઇમ્સ રમે. કૅરમ તો અમારા ઘરમાં ક્રિકેટની જેમ રમાતું. એમાં ટાઈમ નીકળી જતો. આજે પણ બહુ ભેગા થયા હોય તો ઘરમાં રમવાની ઈનડોર ગેઈમ્સમાં Dumb Charade (હજી આવડયું ન હોય, એવા ગુજરાતીઓ એને 'દમશેરા' કહે છે. થોડા શિક્ષિત ફેમિલીઓ ભેગા થયા હોય તો, ક્વિઝ અને જનરલ નૉલેજની ગેઇમ્સ રમે છે અને થૅન્ક ગૉડ... આવી ગેઈમ્સમાં કંટાળો આવતો નથી ને રવિવાર પસાર થઈ જાય છે.

પણ ઉપર કહ્યું તો ખરું...! હવે એકબીજાના ઘેર ફેમિલીઝ ક્યાં ભેગા થાય છે? રવિવાર કેમ કાઢવો, એના ગણિતો હજી કોઈને સૂઝતા નથી. તમને સૂઝે તો મને જણાવજો.
 
સિક્સર
- તમારો છોકરો તો ભણ્યો નહતો, નોકરી મળતી નહોતી... તો આજે અબજોપતિ કેવી રીતે બની ગયો?
- બસ. એને સાધુ બનાવી દીધો.

No comments: