Search This Blog

03/10/2014

'મેરે હુઝુર' ('૬૮)

- લખનૌ મેં ઐસી કૌન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે...!

ફિલ્મ : 'મેરે હુઝુર' ('૬૮)
નિર્માતા- દિગ્દર્શક : વિનોદ કુમાર
સંગીત : શંકર- જયકિશન
ગીતકાર : હસરત જયપુરી
રનિંગ ટાઇમ : ૧૭- રીલ્સ : ૧૬૫- મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : રાજકુમાર, માલા સિન્હા, જીતેન્દ્ર, જ્હૉની વૉકર, ઝેબ રહેમાન, લક્ષ્મી છાયા, ઇંદિરા બિલ્લી, સુરેખા, નૂરજહાં, મધુમતિ, મીનાક્ષી, શેફાલી, કે.એન.સિંઘ, ડેવિડ, મનોરમા, પરવિન પૉલ, રામમોહન, હરિ શુક્લા, માસ્ટર રિપલ, મજનૂ, કમર ફની અને પ્રેમ પ્રકાશ.


ગીત
૧. રૂખ સે, જરા નકાબ ઉઠાઓ, મેરે હુઝુર.... - મુહમ્મદ રફી
૨. ગમ ઉઠાને કે લિયે, મૈ તો જીયે જાઉંગા.... - મુહમ્મદ રફી
૩. જો ગૂઝર રહી હૈ મુઝ પર, ઉસે કૈસે મૈં બતાઉ.... - મુહમ્મદ રફી
૪. અલ્લા અલ્લા અલ્લા વો લે ગયા ચાંદી છલ્લા.... - લતા-કોરસ
૫. ક્યા ક્યા ન સહે હમને સિતમ, આપકી ખાતિર.... - લતા- રફી
૬. ઝનક ઝનક તોરી બાજે પાયલીયા, પ્રિત કે ગીત.... - મન્ના ડે
૭. મેરી જાં અપને આશિક કો સતાના કિસ સે સીખા.... - આશા- રફી

હસરત જયપુરીના પત્નીને કોઇકે પૂછ્યું, ''તમારા શૌહરે ઇશ્ક-મુહબ્બતના ગીતો તો અઢળક લખ્યા છે, પણ તમારા માટે એકે ય ગીત લખ્યું હતું ?'' ત્યારે એ સન્નારીએ પૂરી અદબથી કહ્યું, ''ગમ ઉઠાને કે લિયે મૈં તો જીયે જાઉંગા, સાંસ કી લય પે તેરા નામ લિયે જાઉંગા...'' ખાસ મારા માટે લખ્યું હતું.''

દર વર્ષે ૧૭મી સપ્ટૅમ્બરે જામનગરના શ્રી. ચંદુભાઇ બારદાનવાલા પોતાના જીગરી દોસ્ત હસરત માટે એક 'સાચો' શ્રધ્ધાંજલિ કાર્યક્રમ ગોઠવતા, જેમાં હસરતનો પૂરો પરિવાર ઉપસ્થિત રહેતો. 'સાચો' એટલા માટે કે, આજકાલ પૈસા બનાવવા માટે સદગત ગાયક- સંગીતકારોના નામે કીડીયારાની માફક શ્રધ્ધાંજલી કાર્યક્રમો ગોઠવાય છે, એમાં બારદાનવાલાનો આ પૂરો વિના મૂલ્યે કાર્યક્રમ હસરત જયપુરીના નામ જ નહિ, પૂરા કામ પર આધારિત રહેતો. અને 'જીગરી દોસ્ત' શબ્દો એટલા માટે કે, મરહૂમ હસરત જયપુરી સાહેબે મરતા પહેલા ઑલમોસ્ટ વસીયતનામામાં લખી દીધું હતું કે, 'મારા મૃત્યુની જાણ કેવળ ચંદુભાઇ બારદાનવાલાને જ કરવી.'

આ ફિલ્મ 'મેરે હુઝુર'માં શૈલેન્દ્રની ગૈરહાજરીમાં હસરતને (મૂળ નામ ઇકબાલ હુસેન) પૂરા ખીલી ઉઠવાનું મોકળું મેદાન મળી ગયું અને તમામ ગીતો એમની કલમથી ઉતર્યા, જેમાંનું એક, 'ગમ ઉઠાને કે લિયે મૈં તો જીયે જાઉંગા...' ફિલ્મના હાર્દસમું ગીત બન્યું.

હસરતની એક નહિ પણ બે ખૂબીઓ ઉપર સલામ કરવાનું મન થાય. એક તો, એના ગીતોમાં માઇલોના સુધી કદી વલ્ગેરિટી કે દ્વિઅર્થી ન આવે ને બીજું, ગીતના શુધ્ધ મીટર પ્રમાણે અક્ષરે અક્ષર લખનારો એ જમાનાનો એ એક માત્ર શાયર. મીટર એટલે ગાયક કે સંગીતકારને લખેલો શબ્દ ગોઠવવા સૂરની આઘાપાછી કરવી ન પડે એ. મજરૂહ સુલતાનપુરી જાતે ને જાતે પોતાને મીટરના બાદશાહ ઘોષિત કરતા, પણ દાખલો જુઓ, ''આપને યાદ દિલાયા તો મુઝે યાદ આયા...'' એ ફિલ્મ 'આરતી'નું ગીત રફીએ શબ્દથી તડપીને કેવું ગાવું પડયું છે ? શબ્દો, 'આપને યાદ દિલાયા...'' છે, પણ હવે એ ગીત ફરી સાંભળશો તો મીટરનો લોચો સંભળાશે. રફીને 'આપને યાદ ''દિલા-આયા'' તો મુઝે યાદ આયા...' ગાવું પડયું છે. વળી ગીતના સ્થાયીમાં બન્ને એકબીજાને 'આપ' થી સંબોધે છે ને અંતરામાં સીધો 'તુંકારો' આવી જાય છે, ''દૂર તક આઉંગી મૈં, 'તુમ' કો મનાને કે લિયે... ''

અફ કૉર્સ, સાહિત્યિક ધોરણો જાળવવામાં તો હસરત કે મજરૂહ બન્ને ઇશ્ક- મુહબ્બતથી આગળ વધ્યા જ નહોતા. બન્નેની વૉકેબ્યુલરી મર્યાદિત હતી, ત્યારે શૈલેન્દ્ર, નીરજ સાહિર લુધિયાનવી કે શકીલ બદાયૂની (પૈસા માટે ન લખ્યું હોય ત્યારે રાજીન્દર ક્રિશ્ન ય ખરો !) તો શબ્દના શાહજાદાઓ હતા. હસરતે શરૂઆત મુંબઇમાં 'બેસ્ટ' બસોમાં કન્ડક્ટરની નોકરીથી કરી હતી અને અભ્યાસ સ્કૂલ સુધીનો.

અહી સ્વ.શૈલેન્દ્રની ગૈરહાજરીને કારણે જયકિશનને ય મોકળું મેદાન મળ્યું છે. આ ફિલ્મમાં તમામ ગીતો જયકિશને બનાવ્યા છે. એમાં ''ઝનક ઝનક તોરી બાજે પાયલીયા...'' પણ કેવું રસીલું સંગીત જયકિશને આપ્યું છે ! રફી સાહેબના ચાહકો માટે તો આ ફિલ્મમાં તરણેતરનો મેળો ઉજવાઇ ગયો છે. થોડી નવાઇ ઉપડે, પણ ફિલ્મમાં લતા મંગેશકરનું એકે ય સોલો ગીત નથી.

પણ ફિલ્મ ''મેરે હુઝુર'' તો એકલે હાથે ઉપાડી છે, આપણા બધાના 'જાની' રાજકુમારે ! એની પર્સનાલિટી, એના કપડાંનો ટેસ્ટ, મફલર, સફેદ શૂઝ, હોઠ બંધ હોય ત્યારે અનેક સંવાદો બોલી શકતી એની ઍક્સપ્રેસિવ આંખો અને ખૂબ ઊંચા વાંચનને કારણે અંદરનું વ્યક્તિત્વ કોઇને પણ લઘુતાગ્રંથિમાં મૂકી દે એવું. યસ. મીડિયાએ રાજકુમારની છાપ એક અતડા, ઘમંડી અને તોછડા માણસની પાડી હતી, જે એની સાથે કામ કરી ગયેલા કલાકારોના મતે બિલકુલ ગલત છે. એ હર કોઇને બોલાવતો નહિ, એ ફિતરતને કારણે આવી છાપ પડી. પણ જે માણસે જીવનભર લિયો ટૉલ્સ્ટૉય, ગાય ડી' મોમ્પાસા, બર્ટ્રાન્ડ રસેલ કે સ્વામી વિવેકાનંદ જેવા સાક્ષરોને વાંચ્યા હોય, એ ફિલ્મોની ફાલતું ભાષા અને ફાલતુ માણસો સાથે કેવી રીતે સેટ થઇ શકે. ઉર્દુનો એ ફક્ત વાચક નહિ, અભ્યાસુ હતો. લખનૌનો નહતો, કાશ્મિરી પંડિત હતો છતાં લખનૌની તેહઝીબ સાથે આખું જીવન જીવ્યો છે. હસવાની વાત એ થાય કે, એ ઑફ-વ્હાઇટ પૅન્ટ નીચે સફેદ શૂઝ પહેરતો ને એ એનો લિબાસે- તકીયા કલામ થઇ ગયેલો, એ જોઇને કોઇ નહિ ને આપણા ર્બબી ગર્લ વિશ્વજીત જીતુભ'ઇ ય સફેદ પેન્ટ નીચે સફેદ શૂઝના રવાડે ચઢેલા. પછી તો ગૅટ પર કોઇએ રોક્યો નહિ હોય, એટલે જીતુ કાળા શૂટ નીચે ય સફેદ શૂઝ પહેરવા માંડયો. તારી ભલી થાય ચમના... મોર તો પિપળાની ટોચ ઉપર કે પિપળાની નીચે ય શોભવાનો છે.. તું મોર બનવાનું રહેવા દે ભાઇ... પિપળો ખરાબ લાગે !

ફિલ્મ બેશક સુંદર બની છે. એના નિર્માતા- દિગ્દર્શક વિનોદ કુમારે આ ફિલ્મ અગાઉ અને પછી ય સારી ફિલ્મો આપી છે. ભા.ભૂ. અને માલા સિન્હાવાળું 'જહાનઆરા' એણે નિર્દેશિત કર્યું હતું. 'મેરે મેહબૂબ', 'જબ યાદ કિસી કી આતી હૈ' 'બ્લૅક-મૅઇલ' અને 'પતંગા' પણ એણે લખેલી ફિલ્મો. 'મેરે હૂઝુર'ની ખાસ વાત એ છે કે, આખી ફિલ્મ મુસ્લિમ- કલ્ચર ઉપર બની હોવા છતાં, જ્હૉની વૉકર અને ઝેબ રહેમાનને બાદ કરતા સહુ હિંદુ કલાકારો છે ને માલા સિન્હા ક્રિશ્ચિયન. પણ આ ફિલ્મ જોનાર લખનૌના નવાબી મુસલમાનો પણ ખુશ થઇ જાય, એવી મુસ્લિમ- તેહઝીબનું વિનોદે ધ્યાન રાખ્યું છે. ઉર્દુ જેવી મીઠડી ભાષાનો સમુચિત ઉપયોગ કર્યો હોવાથી પ્રેક્ષકોને ફિલ્મ અઘરી પડતી નથી. ઊંચા ઘરાણાના લખનવી મુસલમાનોમાં અદબ અને હયા મોટી ચીજો ગણાય તે ધ્યાનમાં રાખીને લખેલી ફિલ્મની વાર્તા મુજબ, માલા સિન્હા એના ૮-૧૦ વર્ષના બાળક માટે ય વિવેક વાપરે છે, ''મુન્ને મીયાં પલંગ પર સો રહે હૈ.''

એજ રીતે, માલા પરસ્ત્રી હોવાથી એની સામે નજર મેળવીને વાત કરવાને બદલે રાજકુમાર અન્યત્ર જોઇને જ વાત કરે છે અને એક તબક્કે તો એના ઘેર આવેલી માલાને રોકવા કેવળ એક જ શબ્દ પણ કેવો લિહાજથી બોલે છે, ''રૂકીયે.''

જે સંવાદોથી રાજકુમાર આજ સુધી ભૂલાતો નથી, તે પૈકીના અનેક સંવાદો અહી સાંભળવા મળે. એ જમાનામાં બહુ ચગેલો સંવાદ, 'લખનૌ મેં ઐસી કૌન સી ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે ?'

વિનોદ કુમારને વાર્તા કહેતા સરસ આવડતી હોવાથી ફિલ્મમાં ઘટનાઓ તરત બદલાતી રહે છે. કોઇ સીન ખેંચવામાં આવ્યો નથી. ફિલ્મની વાર્તા કંઇક આવી છે :

નવાબ સલીમ (રાજકુમાર)ને એક સામાન્ય શાયર અખ્તર હુસેન 'અખ્તર' જીતેન્દ્ર કોક અકસ્માતમાંથી બચાવે છે, એનું ઋણ ચૂકવવા બેકાર બનેલા સલીમને પોતાના ઘરમાં આશરો આપે છે, દૌલત પણ આપે છે, પણ જીતુને એટલાથી ખપતું નથી, એટલે નવાબ સાહેબ જેને પ્રેમ કરે છે, એ હકીમ કે.એન.સિંઘની મોટી દીકરી સલ્તનત (માલા સિન્હા)ના પ્રેમમાં પડે છે. બે કામો એક સાથે પતાવવા સારા. બીજી દીકરી ઝેબ રહેમાન જ્હૉની વૉકરના પ્રેમમાં છે. રાજકુમારનો પ્રેમ એક તરફો છે, એની એને ખબર નથી. ઐયાશ અને શરાબી તરીકે પૂરા લખનૌમાં છાપને કારણે માલા સિન્હાના લગ્ન એની સાથે થતા નથી, પણ શાયર જીતેન્દ્ર સાથે થાય છે. (વાચકો થોભો... માલાનો ફાધર કેવો ડોબો કહેવાય ? જમાઇ તરીકે શરાબી અને ઐયાશ સારો કે શાયર ? બેમાં મૂડીરોકાણ અને જોખમ સરખા ખરા કે નહિ ?) વળી, એકવાર સાથે લગ્ન થઇ ગયા, એટલે આપણા જીતુભ'ઇ ય ઐયાશ બનીને કોઠેવાલી ઇંદિરા બિલ્લીના ચક્કરમાં ફસાઇને એક દીકરાવાળી માલુને તલ્લાક આપી દે છે.

માલાનું જીવન બર્બાદ થઇ ન જાય એ માટે રાજકુમાર એની સાથે લગ્ન કરી લે છે, ત્યાં હવે ભિખારી બની ગયેલો જીતુ પાછો આવે છે. ફિલ્મનો સારો નહિ પણ કરૂણ અંત લાવવા વાર્તા લેખક રાજકુમારને લેવાદેવા વગરનો એક ઍક્સીડૅન્ટમાં મારી નાંખે છે, પણ માલુ જીતુ પાસે પાછી જતી નથી ને જીતુ કબ્રસ્તાનમાં બાકીનું જીવન પૂરૂં કરે છે.

આંખ ઠહારે એવા રંગો વાપરતી ફોટોગ્રાફીને કારણે તો ફિલ્મ સુંદર બની જ છે, પણ નવાઇની વાત છે કે, એકાદ અપવાદને બાદ કરતા વિનોદ કુમારે પુરી ફિલ્મ ઇનડોર સ્ટુડિયોમાં શૂટ કરી છે, એટલે એ જમાનામાં નવી નવી આવેલી ઇસ્ટમૅન કલરની પૂરી લઝ્ઝત નથી મળતી.

ડીવીડીઓમાં મોટા ભાગે ફિલ્મના ટાઇટલ્સ ટુંકા કરી નાંખવામાં આવતા હોવાથી ફિલ્મનું નૃત્ય- દિગ્દર્શન કોણે કર્યું છે, તે ખબર પડતી નથી, પણ ડાન્સીઝ ઘણા સારા છે. લતા અને સાથીઓ સાથેના, ''અલ્લાહ અલ્લાહ અલ્લાહ વો લે ગયા ચાંદી છલ્લા'' હળવો ડાન્સ છે, પણ મન્ના ડે ના ક્લાસિક 'ઝનક ઝનક તોરી બાજે પાયલીયા' મધુમતિ અને લક્ષ્મી છાયાને ડાન્સ- ડાયરેક્ટરે નચાવી નચાવીને દમ કાઢી નાંખ્યો છે.

મજા પડે એવા બે-ચાર યોગાનુયોગો આ ફિલ્મમાં થયા છે : આ ચારે ય ની જન્મ તારીખો વાંચો : રાજકુમાર ૮ ઓક્ટો.૧૯૨૬. જહોની વોકર ૧૧ નવે. ૧૯૨૬. માલા સિન્હા ૧૧ નવે. ૧૯૩૬ અને માલા કરતા છ વર્ષ નાનો જીતેન્દ્ર ૭ એપ્રિલ, ૧૯૪૨. શું મજા પડી, જોઇ જુઓ તો !

મોટા ભાગની ફિલ્મોમાં રીબાયેલા હીરો કે હીરોઇન સીધા આકાશવાણીના રેડિયો સ્ટેશન પર ગાવા ઉપડી જાય છે, જે ઘેર બેઠી હીરોઇને એ જ વખતે રેડિયો ચાલુ કર્યો હોય ને આંખમાં આંસુઓ સાથે સાંભળે ય ખરી. આકાશવાણીના આટલા વર્ષોના ઇતિહાસમાં મને યાદ નથી કે, કોઇ પણ ગાયકનું ગીત 'લાઇવ' બ્રોડકાસ્ટ થાય, પણ 'સન ઑફ ઇન્ડિયા'નું 'દિલ તોડનેવાલે, તુઝે દિલ ઢુંઢા રહા હૈ' હોય, 'બરસાત કી રાત'નું રફીનું 'મૈને શાયદ તુમ્હે પહેલે ભી કહી દેખા હૈ'' હોય, લતાનું 'અજી, બસ શુક્રીયા'નું 'સારી સારી રાત તેરી યાદ સતાયે' હોય કે આ ફિલ્મનું, 'ગમ ઉઠાને કે લિયે...' હોય ! ખુદ લતા કે રફીને ય આકાશવાણીએ સ્ટુડિયોમાં લાઇવ ગાવાનો ચાન્સ નથી આપ્યો.

ઝેબ રહેમાન તમને અત્યારે ને અત્યારે યાદ આવતી હોય તો વાત આગળ વધારૂં. કેવી અપ્રતિમ સુંદર સ્ત્રી હતી એ ને કેવી સી-ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાને કારણે તદ્દન ફેંકાઇ ગઇ ? યાદ હોય તો, માલા- ધરમની ફિલ્મ 'આંખે'માં ''અય જાને વફા યે જુલ્મ ન કર...'' ગીતમાં એનું ગ્લૅમર એને માલા કરતા ય વધારે સ્વરૂપવાન દર્શાવે છે. ફિલ્મ 'જીવન મૃત્યુ' 'જમાને મેં અજી ઐસે કઇ નાદાન હોતે હૈ..' મુજરો ઝેબ ઉપર ફિલ્માયો હતો. સ્નેહલ ભાટકરના મજેદાર સંગીતવાળી ફિલ્મ 'ફરિયાદ'ની એ હીરોઇન હતી. પછી જે હાજી મસ્તાનને પરણી તે સોના ય આ ઝેબ રહેમાનની જેમ મધુબાલાની યાદ અપાવે એવી સૌંદર્યમૂર્તિ હતી.

'મુગલ-એ-આઝમ'ની નીલી આંખોવાળી નિગાર સુલતાનાની દીકરી હિના કૌસર અચાનક સ્મગલર ઇકબાલ મીર્ચીને પરણી ગઇ, એટલે ફિલ્મોમાંથી એ પણ અદ્રશ્ય થઇ. આ ફિલ્મમાં રાજકુમારની બહેન બનતી અભિનેત્રી સુરેખા એક જમાનામાં કે.એ.અબ્બાસની ફિલ્મ 'શહેર ઔર સપના'ની હીરોઇન હતી. એ તો ઠીક, પણ જાડી ગોળમટોળ ને વાતવાતમાં આંખમટક્કા કરતી ડોસી મનોરમા ય એક જમાનામાં હીરોઇન હતી ને શમ્મી કપૂરની ફિલ્મ 'જંગલી'ના વિલન રાજન હકસરને પરણી હતી. એ બન્નેની દીકરી રીટા એકાદી ફિલ્મમાં આવીને હોલવાઇ ગઇ. રાજકુમારના મારા જેવા ચાહક હો, તો તાબડતોબ આ ફિલ્મ મંગાવીને જોઇ નાખોજી.

No comments: