Search This Blog

17/10/2014

'ઉપકાર' ('૬૭) - Part 01

મિસ્ટર ભારતની ફિલ્મ ઉપકાર
- કસમેં વાદેં પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા...?


ફિલ્મ : 'ઉપકાર' ('૬૭)
નિર્માતા : હરકિશન મીરચંદાણી
દિગ્દર્શક : મનોજ કુમાર
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતકાર : ઇંદિવર
રનિંગ ટાઇમ : ૧૭૫-મિનિટ્સ/૧૮ રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : મનોજ કુમાર, આશા પારેખ, પ્રાણ, પ્રેમ ચોપરા, કન્હૈયાલાલ, ગુલશન બાવરા, સુંદર, મોહન ચોટી, ડૅવિડ, અસિત સેન, કામિની કૌશલ, ટુનટુન, મદન પુરી, કૃષ્ણ ધવન, મનમોહન કૃષ્ણ, અરૂણા ઈરાની, માસ્ટર મહેશ, મેહમુદ જુનિયર, રામમોહન, મનમોહન અને ઇંગ્લિશ અભિનેત્રી કેટરીના કિંગ.
ગીત
૧. દીવાનોં સે યે મત પૂછો, દીવાનો પેં ક્યા ગૂઝરી હૈ... - મૂકેશ
૨. મેરે દેશ કી ધરતી સોના ઊગલે ઊગલે હીરેમોતી... - મહેન્દ્ર કપૂર
૩. હર ખુશી હો વહાં, તૂ જહાં ભી રહે, જીંદગી હો વહાં... - લતા મંગેશકર
૪. ગુલાબી રાત ગુલાબી, ગુલાબી રાત કી હર બાત.... - આશા ભોંસલે
૫. આઇ ઝૂમ કે બસંત.... - આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, મન્ના ડે
૬. કસમે વાદેં પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા... - મન્ના ડે
૭. પીલી પીલી સરસોં ફૂલી... - આશા, શમશાદ, મહેન્દ્ર, સુંદર, મોહન ચોટી
૮. યે કાલી યે કાલી રાત હૈ કાલી (બે પાર્ટમાં)... - મુહમ્મદ રફી
ગીત ૧: કમર જલાલાબાદી, ગીત ૨-૩ : ગુલશન બાવરા ગીત ૪,૬,૮ ઇંદિવર અને ગીત ૫ : પ્રેમ ધવન.

ફિલ્મફૅર બેસ્ટ ફિલ્મ : ઉપકાર
બેસ્ટ ડાયરેક્ટર : મનોજ કુમાર
બેસ્ટ સહાયક અભિનેતા : પ્રાણ
બેસ્ટ સ્ટોરી રાઇટર : મનોજ કુમાર
બેસ્ટ ડાયલોગ રાઇટર : મનોજ કુમાર
બેસ્ટ લિરીસિસ્ટ : ગુલશન બાવરા
(મેરે દેશ કી ધરતી માટે)

ટ્રેજી-કૉમેડી એ વાતની છે કે, આ જ ફિલ્મને ભારત સરકારનો ઇ.સ. ૧૯૬૭-ની સાલની બીજા નંબરની શ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો, પણ પહેલા નંબરે કોઇ ફિલ્મને ઍવૉર્ડ નહિ. બહુ ઓછાને ખબર હશે કે, ભારત સરકાર એવી ફિલ્મોને 'શ્રેષ્ઠ ફિલ્મો'ના ઍવૉર્ડ્સ આપે છે, જેમાં સરકારને કાંઈ સમજ ન પડી હોય. વિશ્વાસ ન આવતો હોય તો આજ સુધી સરકારે ઘોષિત કરેલી શ્રેષ્ઠ ફિલ્મોની યાદી જુઓ....ઊંઘમાં બી જવાશે કે, આ શ્રેષ્ઠ ફિલ્મ હતી ?

મૂળ તો રાજેશ ખન્નાને આ ફિલ્મ 'ઉપકાર' માટે સાઇન કરવામાં આવ્યો હતો, પણ એ જ તબક્કામાં એ, યુનાઇટેડ પ્રોડયુસર્સ અને ફિલ્મફૅર આયોજીત ઑલ ઇન્ડિયા ટૅલેન્ટ કૉન્ટેસ્ટ જીતી ગયો, એટલે મનોજ કુમારે એને પડતો મૂક્યો. રાજેશ ખન્નાએ ક્યા રોલ માટે મનોજે પસંદ કર્યો હતો, જાણો છો ? એને બદલે લેવાયેલા પ્રેમ ચોપરાના રોલ માટે. (તો જીવ્યો ત્યાં સુધી ખન્નો હીરોને બદલે ધર્મેન્દ્ર જેને ''કૂત્તેએએએ...'' કહે છે, એવા વિલનના રોલ કરવા કરતો હોત!) મનોજ કુમારની જેમ સુનિલ દત્તે પણ આવું બીજું પાપ કર્યું હતું, અનુક્રમે ફિલ્મ 'રોટી, કપડા ઔર મકાન' અને ફિલ્મ 'રેશમા ઔર શેરા'માં અમિતાભ બચ્ચનને 'શોલે'ના સામ્ભા જેવો ફાલતુ રોલ આપીને ! એ વાત જુદી છે કે, ''તો ય'' બચ્ચન આખરે સુપર સ્ટાર થઇને રહ્યો. બચ્ચન પણ પછી આખી જીંદગી સુનિલ દત્ત કે મનોજ કુમાર સાથે બોલ્યો નથી.

મનોજે પોતે લખેલી વાર્તા કંઇક આવી હતી : એક નાનકડા ગામનો કિસાન મનોજ કુમાર તેના નાના ભાઈ પ્રેમ ચોપરાને વધુ અભ્યાસાર્થે પરદેશ મોકલે છે, જે પાછો આવીને ઘરનો જ ઘાતકી થઇ મનોજ પાસે ઘરની જમીન-જાયદાદમાં ભાગ માંગે છે. દરમ્યાનમાં ૧૯૬૫-માં પાકિસ્તાન સામે આપણું યુદ્ધ ફાટી નીકળતા મનોજ ખેડુત મટીને સૈનિક બનીને યુધ્ધમાં જતો રહે છે, એનો લાભ લઇને પ્રેમ ચોપરા એના કાકા મદન પુરીના સાથમાં ડ્રગ્સ વેચવાના કાળા ધંધામાં પડીને મનોજની મિલ્કત આંચકી લેવાના પેંતરા રચે છે. મનોજ યુદ્ધનો હીરો બનીને વિજય સાથે પાછો આવે છે અને મનોજના બનેવી દ્વારા પ્રેમ ચોપરાને પોલીસમાં પકડાવી દે છે. પ્રેમને પસ્તાવો થતા એ પણ મોટા ભાઇ મનોજના પગલે આદર્શ ભારતીય બનવાનું સ્વીકારી લે છે. આ ફિલ્મના કેટલાક લૅન્ડમાર્કસ પણ થયા. એક તો ૧૯૬૭-માં રીલિઝ થયેલી તમામ ફિલ્મો કરતા સૌથી વધુ ધંધો 'ઉપકારે' કર્યો. એ વખતના લોકપ્રિય વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીએ મનોજની અગાઉની ફિલ્મ 'શહીદ' જોયા પછી મનોજને 'જય જવાન, જય કિસાન' સૂત્ર ઉપર દેશભક્તિની કોઇ ફિલ્મ બનાવવાની શીખ આપી ને મનોજે પહેલી વાર પોતે દિગ્દર્શક બનીને એની આવનારી ફિલ્મોમાં પોતાને માટે 'મિસ્ટર ભારત'નો સ્વલિખિત ઇલ્કાબ પહેરી લીધો. આશા પારેખ પાસે મનોજ કુમારે એક ડૉક્ટરના રોલમાં પરિવાર નિયોજનનો પ્રચાર કરાવ્યો. ખૂંખાર વિલન પ્રાણે પહેલી વાર ખલનાયકી છોડી, તે આ ફિલ્મના મશહૂર 'મલંગ ચાચા'ના રોલથી. એક સમયની હીરોઇન કામિની કૌશલ આ ફિલ્મથી માત્ર મનોજની નહિ, બાકીના તમામ હીરોલોગની પર્મેનૅન્ટ માં બની ગઈ. (કામિનીનું વૃધ્ધત્વમાં 'આ ઉંમરે' મા બનવું કેવળ 'ફિલ્મી' મા સમજવું : સમજાવટ પૂરી)

મૂળ નામ 'હરિકૃષ્ણગીરી ગોસ્વામી' ધરાવતા મનોજ કુમાર અફ કૉર્સ... બે-ચાર ફિલ્મો પૂરતો ખૂબ સારો દિગ્દર્શક હતો. (મારા આ નિવેદનમાં સુધારો કરીને 'બે-ચાર'ને બદલે 'બે-ત્રણ' વાંચવું. એની પ્રણામયોગ્ય ફિલ્મો, 'ઉપકાર,' 'પૂરબ ઔર પશ્ચિમ' અને 'શોર'. (જન્મ તા. ૨૪ જુલાઇ, ૧૯૩૭.... જ્યાં આતંકવાદી ઓસામા બીન લાદેન મરાયો, એ પાકિસ્તાનના ઍબોટાબાદમાં મનોજ જન્મ્યો હતો... મનોજની બાકીની ફિલ્મો જોયા પછી કોઇ કહે છે, ઍબોટાબાદમાં એક લાદેન મરાયો ને બીજો જન્મ્યો...!) મનોજ કુમાર દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજનો ગ્રેજ્યુઍટ છે. મનોજ દિલીપ કુમારની આંધળી નકલ કરીને ન તો મનોજ બની શક્યો, ન દિલીપ ને ન ખાલી કુમાર. નહિ તો એ કોઇ ખોટો 'ઍક્ટર' નહતો. થોબડા ઉપર બબ્બે મિનિટે હાથ મૂકી દેવાથી દિલીપ કુમાર ન બનાય, એનું ભાન તો આજ સુધી નથી પડયું, પણ આવી હવા ભરાઇ ગયા પહેલાની ફિલ્મોમાં એ માત્ર હીરો જ નહિ, 'ઍક્ટર' તરીકે પણ બહુ ગ્રેટ નહિ, તો ય સારો હતો. દેખાવડો તો ખૂબ હતો. દિગ્દર્શક એના કહેવા મુજબ ચાલે એવો ન હોય ને પોતે સારો હોય તો મનોજ પાસેથી ઉત્તમ કામ લઈ શકવાનું સામર્થ્ય મેળવી શકે, એનો દાખલો મનોજની અગાઉની અનેક ફિલ્મોમાંથી મળ્યો છે. ફિલ્મ 'નીલકમલ,' 'આદમી,' 'પૂનમ કી રાત', 'વો કૌન થી ?', 'બેદાગ', 'હરિયાલી ઔર રાસ્તા', 'અનીતા' કે 'દો બદન' જેવી ફિલ્મોના દિગ્દર્શકો એને ડાયરૅક્શનમાં માથું મારવા દે એવા ન હોવાથી, એ ફિલ્મોમાં હૅન્ડસમ મનોજ ઍક્ટર તરીકે પણ બાકાયદા સારો બન્યો હતો. પણ પેલી 'બે-ત્રણ' ફિલ્મોમાં એણે અજબના કરતબ બતાવ્યા, એમાં એ પોતાને ભારતના મહાન દિગ્દર્શકોની હરોળમાં મૂકવા માંડયો એમાં, એણે જ બનાવેલી બાકીની તમામ ફિલ્મો ફક્ત કચરા છાપ નહિ, ભયાનક દુર્ગંધ મારે એવા કચરાછાપ બની. યાદ કરો મનોજે છેલ્લે છેલ્લે બનાવેલી ફિલ્મો.... 'ક્રાંતિ,' 'કલાર્ક', 'પૅઇન્ટર બાબુ,' 'સંતોષ,' 'કલીયુગ ઔર રામાયણ'.... એ તો કોઇએ નામ પણ સાંભળ્યું નથી કે, મનોજે એની છેલ્લી ફિલ્મ 'મૈદાન-એ-જંગ' બનાવી હતી. એ જીવિત છે અને આ લેખ વાંચતી વખતે ઘરનું છોકરૂં ડરી ન જાય, એટલા માટે એવું હિમ્મત કરીને લખી નાંખ્યું છે કે, એ એની છેલ્લી ફિલ્મ હતી. નહિ તો, 'ભલું પૂછવું... હજી ૨૦-૨૫ ફિલ્મો બનાવી નાંખે તો ઘર ઘરની બાઓ કેવી ખીજાય ?'

પણ મહાન દિગ્દર્શકની પાછલી અવસ્થાની આટલી બધી ફિલ્મો ફલૉપ જવા માંડી, એમાં મનોજ દારૂની અંધાધૂંધ લતે ચઢી ગયો, એને રોકવા પત્ની શશી ગોસ્વામીએ ધમકી આપી કે, ''હવે છોડ...નહિ તો હું પીવા માંડીશ...'' મનુને ભાવતું મળી ગયું. ''ખૂબ ગૂઝરેંગી જબ મિલકે બૈઠેંગે દીવાને દો'' મુજબ, પછી તો બન્ને સાથે પીવા માંડયા, તે એટલે સુધી કે, પીતા પીતા હોઠ દુઃખવા આવતા હશે એટલે મનોજ રોકાઇ જતો, પણ શશીનું પીવાનું અખંડ જ્યોતની જેમ ઝળહળતું રહેવા માંડયું. કમનસીબી એ હતી કે, હવે મનોજ પત્નીને હાથ જોડવા માંડયો કે, 'પીવાનું બંધ કર...' આ વાતમાં પછી આગળ શું થયું, એની માહિતી આપણા સુધી પહોંચી નથી. (આપણે ઇચ્છીએ કે, બેમાંથી એકે તો હવે છોડયું હશે. બન્નેના છોડવાની પ્રાર્થના ન કરાય...આપણે એમના ઘેર જઇએ તો ખાલી મોંઢે પાછા આવવું પડે!... સુઉં કિયો છો ?)

અગાઉ ફિલ્મ 'ભાઇ ભાઇ'નો મારો રીવ્યૂ વાંચીને, આશા પારેખના સગા કાકાની અમદાવાદમાં રહેતી દીકરી 'ટીના તિજોરીવાલા'નો મારા ઉપર ફોન આવ્યો હતો કે, આશા પારેખના પિતા અમદાવાદના પાલડી વિસ્તારના પિરાણા ગામે રહેતા હતા, તે હકીકતદોષ છે. એ લોકો ભાવનગર પાસેના મહુવા ગામના છે. એમની વાત સાચી છે. ઇન્ટરનૅટ પર 'વિકીપીડિયા' કે 'આઇએમબીડી' પર મળતી તમામ માહિતીઓ સાચી હોય જ, એવા ભ્રમમાં રહેવા જેવું નથી.

આશા પારેખ બેશક એના જમાનાની ખૂબ અસરકારક ફિલ્મો કરી ગયેલી અભિનેત્રી હતી. એ ખેલદિલ વ્યક્તિ છે. વર્ષો પહેલા, સુરતના એક પ્રોગ્રામમાં અમે બન્ને સ્ટેજ પર સાથે હતા, ત્યારે મારા પ્રવચનમાં મેં આશા પારેખને લક્ષ્યમાં રાખીને કેટલીક હળવી ગમ્મતો કરી હતી. (હાસ્યલેખકો કદી કોઇને ઉતારી પાડવાની મજાકો તો ન જ કરે !) ફંકશન પત્યા પછી મેં એમને પૂછ્યું હતું કે, 'મારી મજાકોથી માઠું નથી લાગ્યું ને ?' તો એમણે પૂરી ખેલદિલીપૂર્વક કહ્યું હતું, "No no... it was enjoyable... Everything in humor goes well with me."

પણ ફિલ્મનગરીમાં બધા એનાથી ખુશ નથી. સૌથી પહેલા ફિલ્મ 'દો બદન'માંથી પોતાનો રોલ આશાએ ટૂંકો કરાવી નાંખ્યો હોવાના આરોપ હેઠળ સિમી ગ્રેવાલે ફરિયાદ કરી. ત્યાર પછી લક્ષ્મી છાયા નામની ગુજરાતી નાગર સ્વર્ગસ્થ અભિનેત્રીએ ફિલ્મ 'મેરા ગાંવ મેરા દેશ'માંથી પોતાનો રોલ ટુંકો કરાવી દેનાર આશાને માફ નહોતી કરી ને છેલ્લે અરૂણા ઇરાનીએ ફિલ્મ 'કારવાં'માં ફરિયાદ એ જ કરી. એ ત્રણેના જવાબોમાં આશા પારેખનો બચાવ સાચો લાગે છે કારણ કે, આશાના કહેવા મુજબ, (૧) સિમીને ફિલ્મ 'દો બદન' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો. (૨) લક્ષ્મી છાયાનો, 'માર દિયા જાય કે છોડ દિયા જાય' ગીત અન્ય ગીતો કરતા વધુ મશહૂર થયું છે અને (૩) ગણી જુઓ....'કારવાં'માં આશા કરતા અરૂણાના ગીતો વધારે છે.

આશા પારેખ રાજ કપૂર અને દિલીપ કુમારને બાદ કરતા દેવ આનંદ ઉપરાંત તત્સમયના તમામ મોટા અને ઈવન સામાન્ય હીરો સાથે બરોબરની ભાગીદારીમાં આવી. એની રાજેશ ખન્ના સાથેની ફિલ્મો ગણો, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સુનિલ દત્ત, વિશ્વજીત, પ્રદીપ કુમાર કે જૉય મુકર્જી સાથે કેટલી બધી સફળ ફિલ્મો કરી. એક ઍક્ટ્રેસ તરીકે ખૂબની વાત એ હતી કે, ઑલમોસ્ટ તમામ ફિલ્મો હીરોઇન ઉપર આધારિત હતી, અથવા હીરોઇન ઉપર પણ ! છેલ્લે છેલ્લે દહાડા ખરાબ આવ્યા હશે કે, સુનિલ દત્ત સાથેની ફિલ્મ 'ભાઇ ભાઇ' જેવી ફિલ્મોમાં એક ઍકસ્ટ્રા જેવો રોલ કરીને ફિલ્મનગરીને સલામ કરી દીધી. પ્રેમ ચોપરાએ હમણાં પોતાની આત્મકથા, 'પ્રેમ નામ હૈ મેરા...પ્રેમ ચોપરા' પ્રકાશિત કરી, ત્યારે મનોજ કુમારે ખાસ ઉપસ્થિતિ આપી હતી. ફિલ્મ 'શહીદ'ના વખતથી આ બન્ને ઉપરાંત મનોજની ફિલ્મોમાં પ્રાણ, મદન પુરી કે કામિની કૌશલ બેશક હોય. વર્ષો પહેલા ફિલ્મ 'ક્રાંતિ'ના આઉટડોર શૂટિંગ વખતે મુંબઇના ગોરેગાંવ પાસેના તુલસી લૅક પાસેના શૂટિંગમાં હું મારા પત્ની સાથે મનોજ કુમારને મળ્યો, ત્યારે શશી કપૂર, ગીતકાર સંતોષ આનંદ અને કૉમેડિયન બિરબલ પણ હતા. એક વ્યક્તિ તરીકે અદ્ભૂત મનોજ કુમારે અમને દોઢ બે કલાક બેસાડી અનેક વાતો કરી. એ જ દિવસે એક ગુજરાતી છાપાના તંત્રી સ્વ. રમણલાલ શેઠ ગૂજરી ગયાના સમાચાર મને મનોજે આપ્યા હતા. (ઊલટી ગંગા!...પત્રકારને સમાચાર વાંચક આપે !!)

મૂળ ફિલ્મની વાતો કરતા કરતા કલાકારોની માહિતીમાં જગ્યા વધુ વપરાઇ ગઇ, એટલે ફિલ્મ 'ઉપકાર' વિશે આવતાં અંકે લખીશું.

PART 02

(સીડી સૌજન્ય : હરેશ જોશી-વડોદરા)

No comments: