Search This Blog

20/09/2015

ઍનકાઉન્ટર : 20/09/2015

* તમને લાગે છે, તમારાથી ય વધુ માથાભારે બીજું કોઇ છે ?
- અમારામાં માથાનો નહિ, મગજનો ઉપયોગ કરવાનો આવે !
(શ્યામ મરડીયા, ભુજ)

* જૂની ફિલ્મોના સંગીતની સરખામણીમાં આજનું સંગીત ?
- નરસિંહ મેહતાના હાથમાં કાંસીજોડાં જ શોભે, ગીટાર નહિ !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* વડાપ્રધાનશ્રી વિદેશોમાં ફરવાનું બંધ ક્યારે કરશે ?
- એ ત્યાં ઇડલી-ઢોકળાં ખાવા ક્યાં જાય છે ?... દેશના કામે જાય છે.
(શકીલ સહેરવાલા, પનવેલ)

* ગરમીમાં પંખો બંધ જ શું કામ કરાવો છો ? ચાલુ કરનારાને કેટલી તકલીફ થાય ?
- સારું, પંખો ચાલુ કરો.
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

* આજની યુવાપેઢી માટે કોઈ સંદેશ ?
- એક જ વાર લગ્ન કરવા હોય તો મિનિમમ દસેક પ્રવાસો કરી આવવા.
(કૃણાલ પરમાર, પેટલાદ)

* હું મારી ઑફિસમાં બેસીને મિસીસ ઉપર થિસીસ લખવા માંગુ છું. કોઈ સંદેશ ?
- એને લાગનારા આઘાતનો કદી વિચાર કર્યો છે ?
(કૌશિક એ. વ્યાસ, સુરત)

* અમે વાચકો તમને પ્રેમથી સવાલો પૂછીએ છીએ, તેના જવાબો તમે ચતુરાઇપૂર્વક આપો છો, કોઈ રહસ્ય ?
- When love and skill work together, expect a miracle.
(દીપ્તિ વિ. પટેલ, અમદાવાદ)

* શ્રીકૃષ્ણ અવતાર લેવાના હતા, તેનું શું થયું ?
- હમણાં કોઈ વાત-બાત થઈ નથી.
(નિલેશ પ્રજાપતિ, માણસા)

* શિક્ષણ લેવા જેવું કે દેવા જેવું ?
- એનો આધાર કેટલા દેવા પડે છે ને કેટલા 'મળે' છે, એની ઉપર છે.
(કિરણ બી. પટેલ, સુરત)

* અમદાવાદમાં રહેનારા જ, 'આજે ગરમી બહુ પડે છે !'નું રટણ કરતા હોય તો શું સમજવું ?
- એ જ કે, ગરમી બહુ પડે છે.
(સિધ્ધાર્થ છાયા, અમદાવાદ)

* તમારું લાડનું નામ શું ?
- યૂ મીન... 'અશોક'થી વધુ સારું નામ બીજું હોઈ શકે, એમ ?
(યજ્ઞોશ કાછીયા, ઠાસરા)

* તમારી અને સ્વ. મોરારજી દેસાઇની જન્મતારીખ એક જ છે... એમના જેવું 'પીવાની' કોઈ આદત ખરી ?
- જેને જેને આ વાતની ખબર પડે છે, એ મારું મોંઢું સૂંઘી જાય છે... રાજી થઇને પાછા જાય છે.
(શાંતિલાલ ઠક્કર, બિલિમોરા)

* 'કાન ખોલીને સાંભળો', એવું ઘણા કહેતા હોય છે. શું કાનને દરવાજા હોય છે ?
- એ બોલતા હોય ત્યારે 'નાક બંધ કરીને' સાંભળવું... પણ નજીક ન જવું.
(રાકેશ ગાભાવાલા, બાકરોલ)

* સિંહ જંગલનો રાજા હોવા છતાં, માથાભારે માણસની સરખામણી વાઘ-દીપડા સાથે કેમ થાય છે ?
- સિંહને હજી એ ખબર નથી કે, એ જંગલનો રાજા છે. એ તો આપણે લઇ બેઠા છીએ.
(મધુકર માંકડ, જામનગર)

* અતિલક્ષ્મી મહાદુ:ખમ.. વાત સાચી ?
- સૂક્ષ્મલક્ષ્મી ય આવે પછી ખબર પડે !
(કાંતિલાલ ખંડોર, મુંબઈ)

* પુરુષો સ્ત્રીઓથી આટલા બધા ડરે છે કેમ ?
- એ બધ્ધાઓ સ્ત્રીઓને 'મમ્મીસ્વરૂપે' જુએ છે, એટલે ડરે છે.
(દીપક આશરા, ગાંધીનગર)

* સલમાનખાન જેવા દારૂડિયા હીરોને ૧૩-વર્ષ પછી અદાલતે બહુ ઓછી સજા કરી, એવું તમને નથી લાગતું ?
- મને લાગેલું તો મારા ઘરમાં ય કોઇને લાગતું નથી.
(અબ્દુલ કરીમ બોકડા, ગોધરા)

* 'પટેલ-અનામત'નું સુરસુરીયું કેમ થઈ ગયું ?
- આનો જવાબ જગતભરના એકે ય પટેલ પાસે નથી.
(માનસી વિશ્વાસ પટેલ, અમદાવાદ)

* આપણે ત્યાં લગ્નમાં ઘોંઘાટ કે ઘોંઘાટમાં લગ્ન થાય છે ?
- લગ્નને શાંતિ સાથે શો સંબંધ ?
(બી.એસ. વૈદ્ય, વડોદરા)

* ૧૦-વર્ષનો છોકરો અંધારાથી ડરે છે, પણ ૧૫-વર્ષનો અંધારું શોધતો હોય છે.. શું કારણ ?
- 'પુરૂષ' બનવા માટે પાંચ વર્ષ કાફી છે.
(હરેશ લાલવાણી, વણાકબોરી)

* નેતાઓ પહેલા બાફી મારે છે, ને પછી ખુલાસો કરે છે કે, 'મીડિયાએ મને ખોટો ટાંક્યો છે', શું સમજવું ?
- ન્યૂસ-ચૅનલો ૨૪-કલાક ચલાવવાની હોવાથી, ગમે તેમ કરીને સમાચારો ભરવા, આપણું મીડિયા તદ્દન ફાલતું વાતોને અને એનાથીય વધુ ફાલતું માણસોને હીરો બનાવી દે છે. કારની બારીમાં બેઠેલા બે બદામના માણસોની સાથે સાથે દોડીને સવાલો પૂછનાર મીડિયાનું મૂલ્ય શું રહ્યું ?
(દેવેન્દ્ર જાની, પેથાપુર)

* લગ્ન અને પ્રેમલગ્ન વચ્ચે શું ફરક છે ?
- પ્રેમલગ્ન મફતમાં પતે છે.
(અફઝલ સુમરા, ભાવનગર)

* તમને આટલા બધા જવાબો આપતા કંટાળો નથી આવતો ?
- એ કંટાળાનું ભાડું સારું મળે છે.
(જય હડવાણી, મોવિયા-ગોંડલ)

* મારો પરિવાર બહારગામ ગયો છે. હું એકલો છુ. મૌજમસ્તી પડી જાય એ માટે શું કરવું?
- એ લોકો પાછા આવે, ત્યારે જવાબો આપવામાં જીભ તોતડાયે ન રાખે, એવા બધા કામો કરવા.
(કમલ ધોળકીયા, રાજકોટ)

* 'પ્રેમ'ના અઢી અક્ષર તો 'વ્હાલ'ના ?
- મતલબ... તમે હજી બીજગણિતથી જ આગળ વધ્યા નથી...! સાયન્સ ક્યારે શરૂ કરશો?
(વર્ષા સુથાર, પાલનપુર)

* પેટ્રોલના ભાવ અવારનવાર ઊંચા-નીચા કેમ થયે રાખે છે ?
- કોક 'હળી' કરતું લાગે છે !
(મઝાહિર કાયદાવાલા, દાહોદ)

* મારે 'અશોક દવે' બનવું છે. એકલવ્ય બનીને આપની પાસેથી શીખતો રહીશ. આપનો ફોટો કે બાવલું મોકલી આપશો ?
- ઘણા લોકો એની ઉપર હાર ચઢાવવા લઈ ગયા છે.
(શબ્બિર ચલ્લાવાલા, મુંબઈ)

No comments: