Search This Blog

25/09/2015

અપના હાથ જગન્નાથ ('૬૦)

ફિલ્મ : અપના હાથ જગન્નાથ ('૬૦)
નિર્માતા-દિગ્દર્શક : મોહન સેહગલ
સંગીત : સચિન દેવ બર્મન
ગીતો : કૈફી આઝમી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
થીયેટર : મોડૅલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો :કિશોર કુમાર, સઇદા ખાન, લીલા ચીટણીસ, નઝીર હુસેન, જગદેવ, નંદ કિશોર, શિવરાજ, સવિતા ચૅટર્જી, રામલાલ, શ્યામલાલ, બ્રહ્મ ભારદ્વાજ, દયાદેવી, બૅબી દેવિકા.



ગીતો
૧. પરમિટ, પરમિટ કે લિયે મર મિટ... કિશોર કુમાર
૨. ઘનશ્યામ, શ્યામ રે બંસી કી તાન સુના... આશા ભોંસલે
૩. અપને હાથોં કો પેહચાન, મૂરખ હૈ ઇન મેં... મુહમ્મદ રફી
૪. બનકે ગુલગુલે, ધો લે તુ આજ અપને મન... કિશોર કુમાર
૫. તુમ જહાં જહાં, હમ વહાં વહાં, જૈસે ગુલ... આશા-કિશોર
૬. દિલ કો સમ્હાલ... યે જીંદગી ઉસી કી હૈ... કિશોર-કોરસ
૭. તુઝે મિલી રોશની, મુઝકો અંધેરા, સારા... આશા ભોંસલે

આપણી ય મજબૂરી છે કે, શોખ રાજા-શહેનશાહોના પાળી રાખ્યા હોય ને આપણા જમાનાની જૂની ફિલ્મો જેવી મળે જ્યાંથી મળે, એ લઇ લેવી પડે. મળે છે તો લગભગ બધી, પણ મોટો પ્રોબ્લેમ જૂની ફિલ્મોની પાયરસી કરનારી ફાલતુ અને બજારૂ કંપનીઓનો છે કે એક ડીવીડીમાં એક સાથે ત્રણ-ચાર ફિલ્મો આપવાની લાલચમાં એ લોકો મોટા ભાગે તો ફિલ્મોના ખાસ ગીતો જ ઊડાડી મારે અથવા/ અને આખેઆખી ઘટના કાઢી નાંખી હોય, પરિણામે અનેકવાર એવું બને કે, જે લાલચથી ડીવીડી આપણે ખરીદી હોય, એ મસાલો જ ગાયબ હોય !

જેમ કે, જૂનાં ગીતોના શોખિનો માટે આ ફિલ્મમાં આમ તો એક કિશોરને બાદ કરતા ફિલ્મનું બીજું કોઈ એક જ આકર્ષણ હોય, તો તે દાદા બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલું, 'તુઝે મિલી રોશની, મુઝકો અંધેરા, સારા જહાં હૈ બદગૂમાં, કોઈ નહિ મેરા યહાં...' (અહીં થોડો બાજારૂ છતાં મીઠો લાગે એવો શબ્દ 'મેરા' આશાએ બડી સિફતથી ગાઈ બતાવ્યો છે.)

અને મેં જ્યારે આઠ વર્ષની ઉંમરે પહેલીવાર આ ફિલ્મ અમારી ખત્રીપોળની થોડે દૂર આવેલી મોડેલ ટૉકીઝમાં જોયેલી, ત્યારથી આજ સુધી આ ફિલ્મનું કિશોરે ગાયેલું કોમિક ગીત, 'પરમિટ... પરમિટ કે લિયે મર મિટ,' બસ, એટલું જ યાદ રહી ગયું હતું.

ગરમ લોહીના ધસમસતા પૂર તો પૂરા બદનમાં કેવા તોફાની આવે કે, આ ડીવીડી-માં આ જ બન્ને ગીતો ગાયબ ! તારી ભલી થાય ચમના... ગુસ્સો ગમે તેટલો આવ્યો હોય, આખી ડીવીડી-ને વાળી-મચડીને મ્હોંમાં ચાવી થોડી જવાય છે ? કોઈ પંખો ચાલુ કરો !

અમથો ય મોહન સેહગલ કોઈ ગ્રેટ ડાયરેકટર નહતો, એટલે આ ફિલ્મમાં કોઈ અપેક્ષા તો અમથી ય રાખવાની નહોતી, છતાં આપણને એમ કે કિશોર કુમાર તો છે ને... ! કંઇક હસાવશે, થોડી ઘણી ગમ્મતો કરાવશે !

માય ફૂટ ! ઍકટર તો જ કાબિલ બને, જો ફિલ્મનો દિગ્દર્શક અથવા સંવાદ લેખક પાસે કૉમેડીની સૂઝ હોય ! કિશોર હોય કે મેહમૂદ, એ લોકો તો પૂતળાં છે. કામ કઢાવવાની કાબિલિયત પેલા બન્નેમાં હોવી જોઇએ. નહોતી... પરિણામે, કિશોરને આ અને આવી મોટા ભાગની બધી ફિલ્મોમાં કેવળ ગાંડાવેડા કરવા પડે છે, જેને આપણે કોમેડી સમજી બેઠા. બીજી બાજુ, કિશોરની જ ફેમિલી ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં દિગ્દર્શન સત્યેન બોઝનું હતું, 'પ્યાર કિયે જા' સાઉથના પાવરફૂલ દિગ્દર્શક શ્રીધરની અને 'પડોસન' સાઉથના જ જ્યોતિસ્વરૂપની ફિલ્મો હતી, ત્યાં તમને અસલી અને પરફૅક્ટ કોમેડિયન કિશોર દેખાય.

આ ફિલ્મમાં કિશોર એક ગરીબ ખજાનચી (રોતડો નઝીર હૂસેન) અને રોતડી લીલા ચીટણીસનો બેકાર દીકરો છે, પણ ભણવામાં ફર્સ્ટ ક્લાસ છે. જેની સામે ગાંડાવેડાં કરીને કિશોર નજરમાંથી ઉતરી જાય છે, તે આ ફિલ્મની હીરોઇન સઇદા ખાનને ખબર પડે છે કે, જેને એ ઉલ્લુનો પઠ્ઠો સમજતી હતી, એ તો પોતાની ક્લાસનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વિદ્યાર્થી છે. સાથે કિશોરને એની બહેન (સવિતા ચૅટર્જી) પણ પરણાવવાની હોય છે, જેનો ખર્ચો કાઢવો શક્ય ન હોવાથી કિશોરના પિતા નઝીર હુસેન પોતાની જ ઑફિસમાંથી પૈસા ગબન કરે છે અને પકડાવાની બીકે ઘર છોડીને અજ્ઞાતવાસમાં નાસી જાય છે. આ બાજુ, બે પાંદડે થવા કિશોર (ગ્રેજ્યુએટ હોવા છતાં) નોકરી ન મળવાથી ધોબીઘાટ પર જઇને ધોબી કામ શરૂ કરે છે. આ સાંભળીને એનો થનાર સસરો (શિવરાજ) તો એને કાઢી જ મૂકે છે. આ બાજુ હીરોઈન સઇદા ખાનના લગ્ન અન્યત્ર ગોઠવાય છે, પણ બારાત આવી ગયા પછી સઇદાને ઝનૂન ઉપડે છે, ઘર છોડીને કિશોર પાસે ભાગી જવાનું, જેમાં કાર-ઍક્સિડૅન્ટ થતા એના બન્ને પગ નકામા થઇ જાય છે. પ્રેમ હોવાથી કિશોર તો એને અપનાવી લેશે, પણ પોતે કિશોર ઉપર જીવનભર બોજ બની જશે, એ ખ્યાલથી સઇદા કિશોરને આ અકસ્માત વિશે ખબર પડવા દેતી નથી. વધુ મેહનત કરવાથી (અપના હાથ જગન્નાથ) કિશોર ધીમે ધીમે ધનવાન ઉદ્યોગપતિ બની જાય છે. કિશોરના મનમાં તો એમ છે કે, સઇદા પરણી ચૂકી છે. અચાનક ફૅકટરી-ઈન્સ્પેકટર (જગદેવ)ના ઘેર કિશોરને સઇદા જોવા મળે છે અને માની બેસે છે કે, એ જગદેવની પત્ની છે. જગદેવ બધો સ્પષ્ટ ખુલાસો કરે છે ને 'ધી ઍન્ડ' આવે છે.

આવી એટલે કે, '૫૦ અને '૬૦ના દાયકાઓની ફિલ્મોનું આર્ટ-ડાયરૅકશન ચર્ચાને યોગ્ય પણ હતું નહિ. સ્ટુડિયોના સૅટ્સ ખબર પડી જાય કે, કાચની બારીને બદલે પ્લાસ્ટિક છે. બારી-દરવાજા ફક્ત બહારની ભીંતો પૂરતા છે, પાછળ બધું ખાલીખમ છે. કૅમેરા-વર્ક પણ તકલાદી. ગીતોનું ટેકિંગ તો દૂરની વાત છે, એક સામાન્ય શોટ લેવા માટે ય કેમેરા ક્યાં ગોઠવવો કે, કેટલો લાંબો શૉટ લેવો, એ બધું ચર્ચામાં લેવાય એવું નહોતું.

બર્મન દાદાને લતા સાથે સળંગ ચાર વર્ષ ('૫૮થી '૬૨) બગડેલું રહ્યું હતું, એટલે બાય ડીફૉલ્ટ આશા ભોંસલે એમની લીડ-સિંગર બની ગઈ, એમાં આશાને ફાયદો પર્મેનૅન્ટ થઇ ગયો. ઓપી નૈયર કે બીજા સંગીતકારોની વાત તો પછી, પણ દાદા બર્મનને તો આમે ય આશા લાડકી હતી ને એમાં ય, ચાર વર્ષ ધૂમ મચાવી દેનાર ગીતો આશાએ ગાયા, એમાં લતા-સચિનનું સમાધાન થઇ ગયા પછી ય આશા તો ત્રિપુરાના રાજઘરાણાના કુમા, શોચિનદેબો વર્મણના સંગીતની કાયમી ગાયિકા થઇને રહી. વચમાં સુમન કલ્યાણપૂરને ય પૂરતા ચાન્સીઝ મળતા રહ્યા. પેલા ચારે ય વર્ષોની ફિલ્મોમાં આશાનું કમ-સે-કમ એકાદ ગીત તો એવું નીકળ્યું જ, જે જૂનાં ગીતોના રસિયાઓને આજપર્યંત કંઠસ્થ છે, તેમાંનું એક એટલે, 'તુઝે મિલી રોશની, મુઝકો અંધેરા...' કૈફીની કલમમાંથી નીકળ્યું હતું.

કૈફી આઝમી સાહિર-શકીલ કે પ્રો.ગોપાલપ્રસાદ 'નીરજ'ની નજીક પહોંચેલો શાયર. એકલી 'જહાનઆરા' કે 'અદાલત' જેવી ફિલ્મો ગણવાની હોત તો રાજીન્દર કિશન પણ એમના લૅવલે પહોંચી શકત, પણ મૂળ સામ્યવાદી વિચારસરણી ધરાવતા કૈફી આઝમી અને તેમના પત્ની શૌકત કૈફી મૂળ તો સ્ટેજના કલાકારો, ફિલ્મોમાં પછી આવ્યા. આઝમી ફેમિલી પહેલેથી રાષ્ટ્રવાદી હતું. મને યાદ છે, બહુ વર્ષો પહેલા લંડનમાં શબાના આઝમીએ પાકિસ્તાની ક્રિકેટ-કેપ્ટન ઇમરાન ખાનનો ઇન્ટરવ્યૂ બીબીસી પરથી લીધો, ત્યારે ઈમરાને મોઢું બગાડીને કહ્યું હતું કે, 'તમારા ઇન્ડિયામાં મુસલમાનોને નીગ્લૅક્ટ કરવામાં આવે છે.' ત્યારે શબ્દાર્થમાં ઉકળી પડેલી શબાનાએ સણસણતો જવાબ આપ્યો હતો કે, 'મિ. ખાન, તમારા પાકિસ્તાન કરતા મુસ્લિમોની સંખ્યા ભારતમાં વધારે છે. ત્યાં કેટલા હિંદુઓને તમે ઉપર આવવા દીધા છે ? અહીં ભારતમાં રાષ્ટ્રપતિ, ટેસ્ટ ટીમનો કેપ્ટન, હોકીનો કેપ્ટન, મુખ્યમંત્રી કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિનું સ્થાન અપાય છે. ભારતમાં હિંદુ-મુસલમાનો વચ્ચે કોઈ ભેદ જોવામાં આવતો નથી.'

શબાના આઝમીનું આ નિવેદન તો ઘણા વર્ષો પહેલા આવ્યું હતું, પણ એના પતિ જાવેદ અખ્તરે તો પાકિસ્તાનથી એનો ઇન્ટરવ્યૂ લેવા આવનારા (ઇમરાન જેવા આક્ષેપો કરનાર) પત્રકારોની ધૂળ કાઢી નાંખી છે, એની ખાત્રી કરવી હોય તો 'યૂ-ટયૂબ' ઉપર જાવેદ અખ્તરનું ફક્ત નામ લખો. આવા ઘણા ઈન્ટરવ્યૂઝ જોવા મળશે.

પણ કોઇને પણ ઇન્ટરવ્યૂ ક્યારેય નહિ આપવામાં બર્મન દાદા એકલા જ હશે ! મુંબઇના ખાર (પરૂં)માં 'ધી જેટ' નામના બંગલામાં રહેતા દાદા બર્મન પત્રકારો તો જાવા દિયો, એમને સામે ચાલીને મ્હોં માંગી રકમ આપવા તૈયાર નિર્માતાઓને ય મળતા નહોતા... સિવાય કે એ નિર્માતાનું નામ અને કામ બિમલ રૉય, ઋષિકેષ મુકર્જી કે દેવ આનંદ સમું હોય. દેવ આનંદ એમને કેવળ સંગીતકાર નહતો માનતો, 'પિતાતુલ્ય' વડિલ માનતો એટલે સુધી કે એની ફિલ્મના સંગીતની જ નહિ, પૂરી ફિલ્મ વિશે ચર્ચા કરતો ને સલાહ લેતો. તો બીજી બાજુ, કિશોરકુમાર બર્મન દાદાના પહેલા ખોળાનો હશે કે, સગા પુત્ર રાહુલદેવ જેટલા જ હક્કો કિશોરને આપ્યા હતા. કિશોર સાચા અર્થમાં દાદા સાથે 'બાળકવેડાં' કરતો, એ ય દાદાને ગમતું. દેવ આનંદની ફિલ્મ 'ઘર નં. ૪૪'માં હેમંત કુમારના ગીત 'તેરી દુનિયા મેં જીને સે, તો બેહતર હૈ કિ મર જાયેં...'ના ઈન્ટરલ્યૂડ મ્યુઝિકમાં વચ્ચે ક્યાંક કૂરકૂરીયું બોલતું હોય એવો અવાજ આવે છે, એ કિશોરનું તોફાન. મૂળ ગીતમાં આવું કશું હતું નહિ અને ફિલ્મમાં પણ આ ગીતમાં આવા કૂરકૂરીયાનો કોઈ રૅફરન્સ આવતો નથી. પણ ચાલુ રીહર્સલે અચાનક આવી ચઢેલા કિશોરે ચાલુ ગીતે દરવાજા પાછળથી આવું, 'કુક્કુઉઉઉ...' બોલાવ્યું. દાદા ચીઢાયા, પણ ખબર પડી કે, આ તો કિશોરની શરારત છે. કારણ ગમે તે હોય, એમને આ 'કુક્કુઉઉઉ...' ગમી ગયું અને સાહિર લુધિયાનવીની પૂરી નારાજગી છતાં ગીતમાં એ રાખ્યું જ !

શું બર્મન દાદાએ પણ એમના જમાનાના સંગીતકારોની જેમ ફિલ્મના એકાદ ગીતને બાદ કરતા બાકીના રદ્દી બનાવીને વેઠ જ ઉતારી હતી ? દાદાના તમે પરમ ચાહક હો, તો પણ માની ન શકો કે, આ ફિલ્મમાં (એમની અગાઉની અનેક ફિલ્મોની જેમ) હદ વગરના વાહિયાત ગીતો બનાવ્યા છે. આશ્ચર્ય કહો અથવા થોડા ગુસ્સાવાળા વાચક હો તો, સનસનાટી એ વાતમાં છે કે, '૪૬-થી '૬૬ સુધીના મૅલડીના એ બે દશકામાં નૌશાદને બાદ કરતા તમામ સંગીતકારોએ આવી કૉમન વેઠ એમની શરૂઆતની લગભગ તમામ ફિલ્મોમાં ઉતારી છે. શંકર-જયકીશન પણ એમાં આવી ગયા. મદન મોહન, ઓપી નૈયર, રોશન, અનિલ બિશ્વાસ, સી.રામચંદ્ર કે હેમંતકુમાર જેવા સંગીતકારોને આ ગુન્હો સરખે હિસ્સે લાગુ પડે છે. આ બધા સંગીતકારોની પ્રારંભની અનેક ફિલ્મો યાદ રહી હોય તો એ યાદ નહિ રહ્યું હોય, કે કઇ ફિલ્મનું એક કે બે ગીત સુંદર બનાવી નાંખ્યા પછી બાકીના તમામમાં વેઠ ઉતરી છે ! ફિલ્મો તે એ વખતની સમજ્યા કે મોટા ભાગની ભંગારના પેટની હતી, પણ સંગીત...? એ નિષ્ફળ જાય, એ માફ ન કરી શકાય એવો...

સૉરી, માફ જ કરવો પડે એવો ગૂન્હો છે. એ તમામ સંગીતકારોના બચાવમાં એટલું કહી શકાય કે, એ લોકો ય સંગીતની સેવા કરવા નહિ, પૈસા કમાવવા મુંબઇ આવ્યા હતા અને હરિફાઈ તપાવેલા લોઢાના ઘડા જેવી ગરમાગરમ હતી, એનો મતલબ એ થયો લે, ગમે તેવો માલ પધરાવી દેવો, એમને પોસાય એમ જ નહોતું. દરેક ગીત માટે એ સહુએ તનતોડ મહેનતો કરી હતી, પણ અહીં ય ફૂટપાથીયા જ્યોતિષી જેવું છે. કયું ગીત સુપરહિટ નિવડશે ને કેટલા રદ્દીમાં જશે, એની પહેલેથી ખબર પડી જતી હોય તો એવા ગીતો કોઈ બનાવે ય ખરૂં ? અર્થાત, દરેક ગીત તાજાં જન્મેલા બાળકની જેમ જન્મથી જ પોતાના જન્માક્ષર લઇને આવ્યું હોય છે. એક જ બાપના પાંચ સંતાનોમાંથી કોણ ચક્રવર્તી બનશે ને કોણ ગૅરેજમાં કામ કરતો હશે, એની કોઈ ગૅરન્ટી ન મળે.

બસ. એ હિસાબે, એ તમામ સંગીતકારોને શકનો લાભ આપવો પડે... સૂઉં કિયો છો ?

No comments: