Search This Blog

30/09/2015

નવી બ્રાન્ચ મેનેજર

(Part 01)

લેડીઝ-સ્ટાફ ખરો એમ તો, પણ વીણી વીણીને એકોએક બુઢ્ઢી થઈ ગઈ હતી. પૂરી બેન્કમાં જરા ય ઝગમગાટ નહિ. ધ્યાન કામમાં જ રાખવું પડે. આળસમાં ય એમની સામે ચાર સેકન્ડ જોવાઈ જાય, તો ઘેર જતા સુધી ખુશ થઈ જાય ને બીજા દિવસથી આપણી સામે જોવાનું શરૂ કરી દે એવી. નવી પાસ થઈને સીધી સીનિયર તરીકે આવતી છોકરીઓનો એટલે જ રોફ વધુ હોય. એક તો, એમની સામે આ બધી ડોસીઓ લાગતી હોય ને એમાં ય, નાની ઉંમરે જોબ મોટી મળી હોય. એટલે ચપ્પલ પણ હાઈ-હિલ્સના પહેરીને બેન્કમાં આવે.

આમે ય, સીનિયર સ્થાને કોઈ સ્ત્રી હોય, એટલે પુરૂષો ઉપર રાજ કરવાની મહીંથી મઝા ખૂબ આવતી હોય. (આવી પોસ્ટવાળીઓના ગોરધનોનું ય ઘરમાં કાંઈ ઉપજતું ન હોય !)... (આ વાક્યમાં 'ગોરધનો' બહુવચનને બદલે એકવચન વાંચવું-રીકવેસ્ટ પૂરી) અરે ભલે આવતી ને ભલે રોફ જમાવતી... આપણને તો કંઈક નવું જોવા મળે ! અહીં તો, કઈ કમાણી ઉપર આખી બ્રાન્ચને બેન્ક ડોસીઓથી ભરેલી રાખે છે ને પછી મેનેજમેન્ટ બૂમો પાડે છે કે, બ્રાન્ચ બહુ ચાલતી નથી... અરે, અમે તો ઠીક, ગ્રાહકોનો સંતોષ, એ જ અમારો સંતોષ હોવો જોઈએ ને ? ઘરથી કંટાળીને બેન્કમાં એ લોકો શું માજીઓ જોવા લાંબા થાય છે ? આપણે તો ઘરમાં ય કાંઈ કમાવાનું નહિ ને બેન્કમાં ય નહિ ! બ્રાન્ચ પાછી એવા એરીયામાં ઠોકી ઘાલી છે કે, બપોરે રીસેસમાં ય બેન્કની બહાર આંખો ઠારવા જઈએ ત્યાં પશુપાલકો ધણ લઈને આવતા-જતા દેખાય ! ઈશ્વર આવી લાચારી કોઈને ન આપે. (આ લાચારી અમારી સમજવી... ઢોરોની નહિ... એ લોકોએ વગર વાંકે અમને જોવા પડે!)

પણ કેશિયર મેહતો ઉમંગ-ઉમંગભર્યા સમાચાર લાવ્યો. સોમવારથી કોઈ તિતિક્ષા નામની તદ્દન ફ્રેશ અને કોઈ પણ એન્ગલથી આપણી બહેન જેવી ન લાગે, એવી બ્રાન્ચ મેનેજર બદલી થઈને આવી રહી છે. સાલું નામ આટલું વજનદાર છે- તિતિક્ષા, તો ચેહરો અને બાકીના અવયવો કેવા નયનરમ્ય હશે ! અડધી બેન્કમાં તો 'નયનરમ્ય' એટલે શું, એનીય ખબર નહિ, પણ ટિકીટ સુંદરતાની લીધી હોય, પછી રીફંડ સાહિત્યનું માંગવા ન જવાય... સુઉં કિયો છો ? ઉપર 'ઉપરવાળા' જેવું કાંઈ ચોક્કસ હશે, કે બ્રાન્ચની તદ્દન ખખડી ગયેલી (પણ એક જમાનામાં તમારી ભાભી બનાવવી ગમે એવી... 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી')કલાર્ક જયાડી રીટાયર થઈ ને આપણી આ તિતિક્ષા આવી... આઈ મીન, આવવાની છે !

સોલંકીની માફક મેં ય સોમવારની સી.એલ. કેન્સલ કરાવી... કદાચ, મારી જ બૉસ તરીકે આવે તો શરૂઆતમાં 'બેન... બેન' કરી શકાય... પણ એક વાર જરી ઘરવટ થઈ જાય પછી તો બોલવામાં અઘરો 'ક્ષા' કાઢી નાંખવામાં વાર કેટલી ? એને 'તિતિ'ય કહેવાશે ને 'તિતુ'ય કહેવાશે. આપણે બેન્કમાં રોજ ક્યાં જંતુનાશક દવાઓ લઈ જવાની છે તે એનું નામ બગાડીને 'તિતલી' કરી નાંખીએ ! આપણને કોઈ જીતુને બદલે 'જીવડું' કહે, તો ચલાવી લઈએ ? પ્રેમ કરવો તો ન્યાયી માપદંડોથી કરવો. સુઉં કિયો છો ?

૨૩-વર્ષની નોકરીમાં બધાને પહેલી વાર રવિવારની રજા નડી... (ફક્ત પુરૂષ સ્ટાફની વાત થાય છે.) એમ તો વાઈફ અને છોકરાઓને લઈને હોટલ-બોટલમાં જમી આવ્યા, પણ એમ કાંઈ ધ્યાન વાઈફમાં રહે ?... અને એ ય આપણી ? પણ વક્ત ને ચાહા તો... ક્યારેક તિતિક્ષાની સાથે ય આમ જમવા આવીશું.

સોમવારે તો અમે બધા જ લગભગ એવરેજ વીસેક મિનિટ વહેલા પહોંચી ગયેલા. નવા સહકર્મચારીને તો પૂરતો સહકાર આપવો જોઈએ, એવું તો નોકરી આપતી વખતે બેન્કની શિક્ષાપત્રીમાં ય લખ્યું હતું. સમજો ને, આખો સ્ટાફ આજે બબ્બે વાર દાઢી કરીને બેન્કે આવ્યો હતો... (પુરૂષ સ્ટાફની વાત થાય છે !) મેં ય વળી પહેલી વાર બ્રાન્ડેડ-શર્ટ-પેન્ટ ખરીદ્યા. વાત ધ્યેય સિદ્ધ કરવાની હોય, ત્યારે આપણે પૈસા સામે જોતા નથી. આ તો એક વાત થાય છે.

હજી એ આવી નહોતી, તો ય કસ્ટમરો તો આમે ય નવરા હોય ને... એક પછી એક આજે જ બધા આવવા માંડયા. એમાંની લેડીઝ અને અજાણી ઉપરાંત સૌથી સુંદર અને યુવાન દેખાતી હોય, એને તિતિક્ષા ધારી લેવાની બધાને શૂળ ઉપડી હતી. આવી ઈન્તેજારી વખતે કસ્ટમરો બહુ ડાહ્યા થતા હોય, ''સાહેબ, કેશ-કાઉન્ટર કેમ હજી ખુલ્યું નથી ?'' તારી ભલી થાય ચમના... તારી માં હજી આઈ નથી ને તને કાઉન્ટરો ખોલવાના ધખારા ઉપડે છે ?

કામમાં કોઈનું ધ્યાન નહિ. સ્ટાફની બુઢ્ઢી લેડીઝો બધી ચોંકે રાખે કે, આજનો માહૌલ જુદો કેમ લાગે છે ? અમારી બેન્કવાળી માજીઓને તો મંદિરોમાંથી ય નિવૃત્ત કરી નાંખવા જેવી છે... એમાંની ત્રણ જણીઓ તો માથામાં તેલ નાંખીને આવે છે. તિતુડી આવશે, પછી આ બધીઓ રોજ રીસેસમાં ચા-નાસ્તો એની સાથે કરવા બેસશે, કેમ જાણે અમારી વાઇફો તો લંચબોક્સમાં સાબુના લાટા મોકલતી હોય !

બપોરે ૧૨ થવા આવ્યા છતાં એ હજી ન આવી, એમાં તો અમે બધા અધમૂવા થઈ ગયા. હળકડી વડે કાનો ખોતરી ખોતરીને થાકવા માંડયા. (પોતપોતાના કાનો સમજવા!)કક્ષા તો એટલે સુધી નીચે ઉતરી ગઈ હતી કે, કોઈ ૪૦-૪૫ વાળી ય અજાણી દેખાય ને દેખાવમાં રામભરોસે હોય... તો ય, 'આ તિતિક્ષા તો નહિ હોય ?' એવી મુંઝવણો ઉપડતી. પગે થોડી લંગડાતી હોય તો ય વાંધો નહિ... મોટું મન !

બરોબર ૧૨ વાગીને ૨૧ મિનિટ અને ૩૬-સેકન્ડે એ આવી. ૩૭-મી સેકન્ડ એને જોવાને કારણે ઘડિયાળમાં જોવાની રહી ગઈ હતી. બધા અર્જુન બની ગયા... લક્ષ્ય એક જ !

ઓન ધ કોન્ટ્રારી, ધારી રાખી હતી, એના કરતા ય છસ્સોગણી વધારે સુંદર નીકળી આ તો ! (અમે તો બેન્કમાં કામ કરીએ, એટલે ગણવામાં ભૂલ થઈ પણ જાય, એટલે છસ્સો ને બદલે આઠસોગણી ય હોય એ તો ! કોઈ પંખો ચાલુ કરો !) મેં ગયા જન્મમાં ૩-૪ પાપો કર્યા હશે તે મારા ટેબલ તરફ જોયું પણ નહિ. સ્વામીજી કહેતા હતા કે, આજકાલની છોકરીઓમાં ટેસ્ટ જેવું કાંઈ હોતું નથી.

મેઈન બ્રાન્ચમાંથી સીનિયર... પેલો ચોકસી એને લઈને આવ્યો હતો, અમારા બધાની ઓળખાણો કરાવવા. અમે તો છેલ્લી દાઢ દેખાય ત્યાં સુધીના સ્માઇલો આપીએ, પણ એના તરફથી સુખ્ખું સ્માઈલે ય નહિ, ફક્ત 'હેલ્લો'. ચોથી મિનિટે ઓળખાણો પતી ગઈ, એટલે 'વેલ થેન્ક યૂ ઓલ... નાઉ લેટ્સ ગો ટુ વર્ક'. એટલું કીધા પછી એ એની કેબીનમાં, સીનિયર ચોક સો બધાને 'હાય' કહીને ઉપડી ગયો અમને દુવિધામાં મૂકીને કે, બેન્કમાં નહિ તો, તિતુ પાસે આપણું ભવિષ્ય કેવું હશે ? પ્રોબ્લેમ પહેલે દિવસે જ થયો. તિતિક્ષા તો બહુ એટલે બહુ કડક સ્વભાવની નીકળી. ઈંગ્લિશ સિવાય તો બોલવાનું નહિ ને આપણને એમાં પહેલેથી ફાંફા. પાછી આપણી ઉંમરે ય નડે ને ? અમે બધા સતત એની ઉપર લક્ષ્ય ચોંટાડીને બેઠા હતા, પણ જેવું એનું મોંઢુ ઊંચુ થાય, એટલે નજર ચોપડામાં !

સાંજ સુધીમાં તો સમજી બધા ગયા કે, કેસ અઘરો છે. પાછી ઉંમર સાલી પેલી બુઢ્ઢીઓને નડતી હોય તો અમે ય ક્યાં અડધી અડધી અને એંઠી કેડબરીઓના બચકાં ભરવાની ઉમરના રહ્યા હતા ! મારે પોતાને ય આમ તો હવે છ જ મહિના બાકી રહ્યા હતા અને ક્રોસ થઈ ત્યારે જે રીતે એ પસાર થઈ હતી, ત્યારે જ ખબર પડી ગયેલી કે, '૮૫-ની સાલમાં આપણે જેવા લાગતા હતા, એવા હવે ૫૭-ની ઉંમરે લાગતા નથી. કેસ પાછો ખેંચી લેવો પડે, એવું એનું આપણા તરફનું વર્તન હતું... સોરી, બધા તરફ એવું વર્તન હતું..... સાલીની બા કેવી રાજી થતી હશે ?

પણ બીજે દિવસે ખચાખચ રોમેન્ટિક ઘટના બની ગઈ... !

(વધુ ફાલતુ હપ્તો, આવતા અંકે) 

સિક્સર
'અગર વો પૂછ લે હમ સે, કિસ બાત કા ગમ હૈ,
કિસ બાત કા ગમ હૈ, અગર વો પૂછ લે હમ સે ?'

(આપણા ભાણાભાઈ રાહુલ બાબાની વેદના)

2 comments:

Unknown said...

Brilliant!!! can't wait for next part 2 !!!

Unknown said...

Brilliant sixer too!!