Search This Blog

23/09/2015

છ કરોડની વીંટી

ઉદ્યોગપતિ રાહુલ શર્માએ ફિલ્મ અભિનેત્રી અસિનને ફક્ત પત્ની બનાવવાના ભાડા પેટે રૂ. ૬ કરોડની ડાયમન્ડની વીંટી ભેટમાં આપી. હાલમાં તમારામાંથી જે છોકરા-છોકરીઓની સગાઇ થઉ-થઉ થઈ રહી છે, એ બધીઓના જીવો ભડકે બળશે ને જેની સાથે સગાઈ થવામાં છે, એ હાવ લુખ્ખો લાગશે. છોકરો તો અસિનને મળ્યો એવો - રાહુલ શર્મા જેવો હોવો જોઈએ. આપણાવાળો તો સાલો પહેરાવશે તો ય અમેરિકન ડાયમન્ડની ૬૦-૭૦ હજારમાં પતાવી દેશે. એનો મતલબ એ પણ થયો કે, તમને છોકરો જ નહિ, છોકરાની માં ય સારી ગોતતા ન આવડી. કેવા શુકનમાં એની માંએ રાહુલને પેદા કર્યો હશે કે, છ કરોડની તો ખાલી વીંટી જ પહેરાવી દીધી. ખાલી નહિ, હીરાથી ઝગમગાટ વીંટી ! આપણા ફાધરોમાં ય લાંબી હોતી નથી. છોકરો ય ગોતી લાવશે તો ગાંધીનગરમાં મહિને ૨૦-૨૫ હજારના પગારવાળો ગોતી લાવશે, એ શું તંબૂરો છ કરોડની વીંટી આલવાનો છે ? રીક્ષાભાડું આલે તોય બહું થયું ! આ તો એક વાત થાય છે.

આ સમાચાર વાંચ્યા પછી, લગ્ન થયાના આજે ૩૯ વર્ષો પછી ય મારાવાળીનો જીવ હળવે હળવે બળે રાખે છે કે, 'મારા ફાધરને સારો જમાઇ...!'

''અસોક... આ સુઉં... ઓલાએ સાચ્ચીને છ કરોડની વીંટી દીધી હશે ?'' હજી હું કાંઈ બોલવા જઉં, ત્યાં એની વાત પૂરી થયેલી નહોતી, ''...વીંટી છ-કરોડની દીધી, તો લગ્ન વખતે નેકલેસું કેટલાના દેસે ? ''

એનો જીવ બળવો વ્યવહારિક પદ્ધતિથી તો વ્યાજબી હતો કે, લગ્નના ૪૦ વર્ષો થવા આવ્યા, છતાં હું ટોટલ છ કરોડ કમાયો નથી. કરોડ એટલે... આઈ મીન, જૂનું સ્કૂટર, અંદરના રૂમનું ફર્નિચર, મારા બે-ત્રણ પાટલૂનો અને થોડું ઘણું સોનું વેચીને, મારી હાલની બધી સંપત્તિઓ ભેગી કરવા જાઉં તો ય એક કરોડ થતા નથી. બધા માલસામાનની ભેગાભેગી મારી ય કિંમત કઢાવવાની હોય તો... બહુ બહુ તો ૧૦-૧૫ હજાર બીજા આવે, પણ છ કરોડ... ઉફ્ફ...!

''અસોક... કાંય નંઈ તો ઈ તો યાદ કરો કે, આપણી સગાઈ વખતે તમે મને સુઉં દીધું હતું ?'' વાઈફ સામે આમ પાછો હું નફ્ફટ ખરો અને એ મને ઓળખી ય ગઈ છે, એટલે એના સવાલના જવાબમાં મેં, રોમેન્ટિક અદામાં ફક્ત ઈશારાથી છ કરોડનું ચુંબન દીધાની યાદ અપાવી.

''સુઉં તમે ય તી દીધ્ધે રાખો છો...?'' એ ખીજાણી, ''એવા ચુંબનું તો ગામમાં હજારો મલતા'તા... તમે મને અમેરિકન ડાયમન્ડુંની ય વીંટીયું નો પે'રાયવી...!''

''ડાર્લિંગ... એ અસિન છે... આપણે એનો ય વિચાર કરવો જોઈએ ને ?'' મારા ફાધરે મને ઘારી લેવા મોકલ્યો હોય ને હું ગોળનો રવો ઉપાડી લાવ્યો હોઉં, એમાં ફાધર તો શું, બા ય ખીજાય, એ અંદાજથી હું ટોણો મારવા જતો હતો, પણ પરિણામોની ધારણાએ જવાબ બદલીને કીધું, ''વાઈફ, એ અસિન છે... આઈ મીન, તું અસિનથી ય વધારે હસિન છો, (વજનને બાદ કરીએ તો) પણ શાસ્ત્રોમાં કીધું છે કે, પાત્ર જોઈને દક્ષિણા દેવાય !''

એ ગૂંચવાઈ ગઈ મારા જવાબથી. તાત્કાલિક ખબર ન પડી કે, મેં એને વખોડી છે કે વખાણ કર્યા છે. આમ જોવા જઈએ તો સારો સસરો શોધવામાં અમે ચારે ય સાઢુભાઈઓ તદ્દન ફેઈલ ગયેલા. એ લોકોનો જવાબ અમારા જવાબને મળતો આવતો હતો, પણ એ લોકોમાં સસરાને બદલે 'જમાઈઓ' શબ્દ વપરાતો.

પણ વાપરી નાંખવામાં આવું વાપરી નંખાય ? કે, છ કરોડની વીંટી તો ફક્ત પહેલી મુલાકાતની રાહુલે અસિનને આપી. આના લીધે આજની યુવતીઓ ઉપર કેવા સંસ્કાર પડે ? છોકરાઓનું જાણે સમજ્યા કે, છ કરોડમાં તો છવ્વીસ વખત સગાઈઓ થાય ને તો ય પાછળ ઘણો માલ વધે ! સુઉં કિયો છો ?

કહે છે કે, આવા અબજોપતિઓમાં કરોડ-દસ કરોડની કાંઈ કિંમત ન હોય. પૈસો હાથનો મેલ છે, એ આપણને બોલવામાં સારું લાગે અને એ ય, ખાસ તો લેણદાર બાકીના પૈસા પાછા માંગવા આવ્યો હોય ત્યારે અબજોપતિઓ માટે પૈસો હાથનો મેલ નથી હોતો... એમનો તો મેલ પણ પૈસો બની જાય છે. ભારતના સૌથી વધુ ધનવાન અંબાણીએ પોતાની પત્નીને આખેઆખું એરક્રાફ્ટ (વિમાન) અને સ્ટીમર જેવું કંઈક આપી દીધું હતું, ત્યારે ય અમારા ઘરમાં એક નાનકડી ઝગડી જેવું થઈ ગયેલું. કારણ કે, એ જ દિવસોમાં મેં અમારી લગ્નતિથિ નિમિત્તે વાઈફને (મારી વાઈફને) ઘરમાં એક્સરસાઈઝ કરવાની સાયકલ ભેટ આપી હતી. આમ તો, પેંડલ મારી મારીને વજન ઉતરાવવાનો અહીં હેતુ હતો, પણ વાઈફની બોડીનું કદ જોતા, એને (પેંડલ મારી મારીને) રોડ પરનો ડામર પાથરવાનું રોલર આપો તો ય કામમાં ન આવે. ખોટા પૈસા ખર્ચવામાં હું માનતો નથી. નહિ તો અંબાણીની જેમ, બીજા દિવસના છાપામાં રોડ-રોલર પાસે સ્માઈલ આપતી વાઈફ સાથે ઊભેલો મારો ફોટો ય છપાત !

આમ જોવા જઈએ તો, હસબન્ડોઝ જ વાઈફોઝને બગાડતા હોય છે. એવા તે શું લટુડા-પટુડા થવાનું હોય ? (કેમ કોઈ મને સપોર્ટ આપતું નથી ? મારી વાતમાં વજન આવતું નથી !) મૅરેજ-એનિવર્સરી આવે ત્યારે બરોબર છે કે, એને ૨૦ ટકા ડિસ્કાઉન્ટવાળી કોઈ સારી હોટલમાં જમવા લઈ જઈએ. પણ બહુ પદવવાની શેની હોય ? અને આ તો સ્ત્રી-સહજ સ્વભાવ છે. પહેલી તિથિએ (લગ્નતિથિની વાત થાય છે, ભૂંડાઓ !) ૪૦-૫૦ હજારની ગિફ્ટ આપી દીધી, પછી બીજી આવતાની સાથે જ ભૂલ સમજાઈ જાય છે કે, આ વખતે ૪૦૦-૫૦૦માં જ પતાવો. ખોટી ટેવો પાડીએ, તો આપણે તો સાલી બહાર પણ ગિફ્ટો આપતા ફરવાનું હોય...! કેટલે પહોંચી વળીએ ? આદર્શ પતિ એને કહેવાય, જે ખુશ બધાને રાખે છતાં સૌથી વધુ રાજી તો વાઈફ જ રહે.

પણ હવે, પહેલા જેવા હસબન્ડોઝ બી ક્યાં થાય છે ? આ જુઓ ને ? છ કરોડવાળી ભેખડ ભરાવતો ગયો ! મને યાદ છે, અમારા જમાનામાં ભેટો અપાતી-નહોતી અપાતી એવું નથી. પણ, આપણા લક્ષણ જોઈને ખુદ આપણને ય થોડી તકેદારી રાખવાનું મન થતું કે, ''આ પહેલી સગાઈમાં આટલું બરોબર છે... ન કરે નારાયણ ને સગાઈ તૂટી ગઈ, તો બીજી, ત્રીજી કે ચોથી વખતે પોસાવું જોઈએ, એવી ગિફ્ટ જ અપાય. સામે છેડે, અમને ય એવું કાંઈ ખુશ થઈ જઈએ, એવું સાળાઓ નહોતા આપતા. હજી આજે ય લગ્નના ૩૯ વર્ષ પછી ય હું સમજી શક્યો નથી કે, અમારી સગાઈ વખતે મારા બંને કરોડપતિ સાળાઓએ મને ગિફ્ટમાં કપડાં સૂકવવાનું (ઈમ્પોર્ટેડ) સ્ટેન્ડ અને ઈસ્ત્રી કેમ ભેટ આપી હશે ? પણ વાઈફ એના ભાઈઓની સ્માર્ટનેસથી આજે ય ખુશ છે. ''મારા ભાયુંની કેવી અગમચેતીયું...! આજે ઈ રીટાયર થિયાં પછી ય ઘરમાં કેટલા કામમાં આવે છે !''

મને જો કે, સાળાઓ નવું નોંધાવેલું 'વેસ્પા' આપશે, એવી ગણત્રી હતી, જે બ્રાન્ડ ન્યુ રૂ. અઢી હજારમાં અને ઓનમાં રૂ. ૬ હજારનું મળતું. (ઇ.સ. ૧૯૭૫-ની વાત છે.) લેમ્બ્રેટાનો કોઈ ભાવ ન પૂછતું. આપણને એમ કે, કોકની બૉ'ન પૈણી નાંખી છે તો બદલામાં, સ્કૂટર પર બેસાડીને તેને ગામમાં ફેરવવી પણ જોઈએ. પણ સાળાઓએ મને સાયકલ ઉપરે ય ટ્રીપલ સવારી કરતા જોયો હતો ને એમને પાકી ખાત્રી પણ હતી કે, બાકીની બેમાંથી એકે ય સવારીમાં એમની બહેન નહોતી. ટૂંકમાં, કોકનું સારું એ લોકોથી જોવાય નહિ ! મારે તો મા-બાપની અસિમ કૃપાથી કોઈ બહેન જ નહોતી, એટલે છ હજાર બચી ગયેલા.

પણ આજના સાળાઓ ય સ્માર્ટ થતા જાય છે. ક્લબ-કલ્ચરને કારણે એમની બહેન બોકડો ય એવો ગોતી લાવે છે કે, સામેથી છ કરોડની વીંટીઓ પહેરાવે. આ લોકોને 'વેસ્પા-બેસ્પા'નો કોઈ ખર્ચો જ નહિ ! તારી ભલી થાય ચમના... લોહી તો એક જ ને ? આ લોકો ય આવા જ બોકડા શોધ્યા હોય, જે એમની બહેનને 'ફેરારી' કે 'બીએમડબલ્યુ' ગિફ્ટમાં આપે કે, લગ્ન પછી વર્લ્ડ-ટૂરમાં મોકલે...!

હવે જો કે, પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. થવાનું હતું તે થઈ ગયું. (આ હું ગુજરાતભરની વાઈફોજોગ સંદેશો આપી રહ્યો છું.) જે મળ્યા છે, એને ચલાવી લો. આમ જોવા જઈએ, તો આ ભાવમાં આવો બીજો મળતે ય નહિ ! રાહુલને જોઈને આપણા મહેશ કે નરેશને ઝૂડી નાંખવાની જરૂર નથી. આ જન્મના કર્યા, આ જન્મમાં જ ભોગવવાના છે. ભોગ તમારા...!

સિક્સર
ભારતના દરેક હિંદુ-મુસલમાનોએ ફરજીયાત જોવા જેવી સુંદર ફિલ્મ 'બજરંગી ભાઈજાન' જોયા પછી સલમાન ખાન અને દિગ્દર્શક કબીર ખાન માટે માન વધી ગયું.

No comments: