Search This Blog

11/12/2015

ફિલ્મ : 'તમાશા' ('૫૨)

નિર્માતા : બોમ્બે ટોકીઝ લિ.,
દિગ્દર્શક : ફણી મજુમદાર
સંગીત : ખેમચંદ પ્રકાશ,
ગીતકાર : ભરત વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
ટોકીઝ :ખબર નથી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, દેવ આનંદ, મીના કુમારી, કિશોર કુમાર, કૌશલ્યા, સુનલિની દેવી, બિપીન ગુપ્તા, રણધીર, એસ.એન. બેનર્જી, હારૂન, શિવરાજ, અમિત બોઝ અને કૃષ્ણકાંત ભૂખણવાલા (સુરત).



ગીતો
૧.રાત મોહે મીઠા મીઠા સપના આયા ... ગીતા દત્ત
૨.કોઈ જલ જલ મરે, કોઈ ફાંસી ચઢે ... આશા ભોંસલે
૩.જબ મીંયા બીવી રાજી તો ક્યા કરેગા કાઝી ... કિશોર કુમાર
૪.ખાલી પીલી કાહે કો અખ્ખા દિન બેઠ કે બોમ મારતા હૈ ... કિશોર કુમાર
૫.જુઠા-સચ્ચા પ્યાર જતાઓ, ઠંડી ઠંડી આંહે ભરો 
૬.ક્યું અંખીયાં ભર આઈ... ભૂલ સકે ન હમ તુમ્હેં... લતા મંગેશકર
૭.અરમાનોં કી નગરી... મેરે છોટે સે દિલ કો તોડ ચલે ... લતા મંગેશકર
૮.ઘૂંઘટ નહિ ખોલૂંગી, નહિ બોલું, મેરે મન મેં ક્યા ... રાજકુમારી
૯.થી જીન સે પલભર કી પેહચાન... આશા ભોંસલે
ગીત નં. ૪ મન્ના ડે અને ૮ એસ.કે. પાલે સંગીત આપ્યું હતું.

દેવ આનંદ, મીના કુમારી કે કિશોર કુમાર... તમે ઓળખી ય માંડ શકો, એવા નાના અને ભોળા છતાં સુંદર લાગે છે. હજી દેવ આનંદે એની પેલી 'ફેમસ' સ્ટાઈલો મારવાનું શરૂ કર્યું નહોતું. હેન્ડસમ તો એ જન્મ્યો એના ય ૨૦-૨૫ વર્ષ પહેલાથી હતો. એટલે જોવો ખૂબ ગમે. મીના કુમારી આમ તો હજી નવીસવી હતી અને 'મીના કુમારી હોવાનો' હજી કૈફ ચઢ્યો નહતો. એટલે કોઇ સૌંદર્યસામ્રાજ્ઞી નહોતી લાગતી. કિશોર કુમાર દેખાવમાં અશોક કુમારનો ભાઈ હોવાને કારણે એક્ટિંગમાં આવ્યો, પણ એને શોખ ગાવાનો જ હતો. એ વખતનો-આ ફિલ્મમાં દેખાય છે એ કિશોર દેખાવમાં બહુ સાધારણ લાગતો. વાળનો જથ્થો પુષ્કળ હોવા ઉપરાંત એમાં તેલ નાંખેલા માથે પાછળ બોચી સુધી લંબાવેલા રાખતો. આપણને સહેજ પણ જોવા ગમે નહિ. પણ એના તોફાનો જોવાથી ગેલમાં આવી જવાય. અહીં મીના કુમારી એને પહેલી વાર બોલાવતા, ''સુનિયે''ના જવાબમાં કિશોર કહે છે, ''નહિ સુનતેએએએ...'' દેવ આનંદ સાથે જોશોખરોશભરી દોસ્તી તો એની પહેલી ફિલ્મ ''ઝીદ્દી''થી થઈ ગઈ હતી. બીજા કોઈ સંગીતકારો કિશોરને ગાયક તરીકે કોઈ ભાવ નહોતા આપતા, ત્યારે એક માત્ર ખેમચંદ પ્રકાશ એને લેતા. અલબત્ત, આ ફિલ્મમાં કિશોરનું ''ખાલી પીલી બોમ મારતા હૈ'' ગીતનું સંગીત મન્ના ડેએ આપ્યું છે. (કમનસીબે, ''ટી'' સીરિઝવાળાઓએ સીડીમાંથી આ ગીત પણ કાઢી નાંખ્યું છે. આખી ફિલ્મમાં એક માત્ર પુરુષ-કંઠ હતો, એ ય ગયો !) કિશોર કોમેડી તો કરતો જ, પણ ગંભીર રોલમાં ક્યારેક તો એ સર્વોત્તમ એક્ટર લાગતો... આખરે, ભાઈ તો દાદામોનીનો હતો. યસ, બહુ વધુ પડતા હાસ્યાસ્પદ દેખાવાની એને હોબી હશે. આ ફિલ્મમાં પણ એણે પહેરેલા કપડાં ભારતની કોઈ સદીમાં કોઈએ પહેર્યા ન હોય એવા છે. એના ઝભ્ભાને તમે ઝભ્ભો કહી ન શકો. લૂંગીની સાઈઝની બે બાંયોવાળો લેંધો અને ગળે મફલર. યાદ હોય તો એની જુની મોટા ભાગની ફિલ્મોમાં એણે મોટા ચેક્સવાળા કે મોટા ફૂલોની પ્રિન્ટવાળા અડધી બાંયના શર્ટ્સ પહેર્યા છે. (આતો તમારી જાણ ખાતર...! અમેરિકામાં ફૂલોની ડીઝાઇનવાળા અને ગુલાબી શર્ટ મોટાભાગે હોમોસેક્સ્યૂઅલ્સ પહેરે છે, જેથી એકબીજાને ઓળખી શકાય !)

વાર્તા રસભરી જણાય છે. અફ કોર્સ, આજે એમાંનું કશું નવું ન લાગે, પણ એ જમાનાની ફિલ્મો જોતા કેટલા ખુન્નસો ચઢે, એવું હું અવારનવાર લખી ચૂક્યો છું. એવી સામાન્ય આ ફિલ્મ નહોતી. દિગ્દર્શક ફણી મજુમદારે એ ધ્યાન રાખ્યું છે કે, પ્રસંગો ઝટ બદલાતા રહે. કેમેરા ચોખ્ખા રહે અને અદાકારો પાસેથી વધારાનું સહેજ પણ કામ નહિ લેવાને કારણે એ બધા પોતપોતાના પ્રમાણભાનમાં રહ્યા છે. વાર્તા લખી તો છે, આપણને બહુ ગમતા એ ગોળમટોળ છતાં ઊંચા અને પડછંદ કાકા એસ.એન. બેનર્જીએ (જેમણે અહીં ટેલીફોન ઓપરેટરનો રોલ કર્યો છે) અને સંવાદો એક જમાનામાં સાહિર લુધિયાનવીના પરમ મિત્ર રહી ચૂકેલા હિન્દીના સુપ્રસિદ્ધ વાર્તાકાર કૃષ્ણ ચંદરે. યસ... સાહિત્યના ચમકારા એમના સંવાદોમાં ઊઘડી આવ્યા છે. વાર્તા કંઈક આવી હતી :

દિલીપ (દેવ આનંદ) એક કરોડપતિ દાદાજી (બિપીન ગુપ્તા)નો લાડકો અને એકલો વારસ હોય છે. નયનતારા (કૌશલ્યા) નામની વેશ્યા અને તેની માં (સુનલિનીદેવી) તથા સો-કોલ્ડ ડાયરેક્ટર (રણધીર) ભેગા મળીને દેવને ફસાવે છે. નયનતારા અશોક કુમાર નામના ફિલ્મી હીરો (અશોક કુમાર) સાથે પણ પ્રેમ કરે જાય છે. અશોક જાણતો પણ હોય છે કે, નયનતારા ઝેરી નાગણ છે, જેણે માત્ર પૈસા ખાતર દેવને ફસાવ્યો છે. દાદાજીને આ વાતની જાણ થતા એ પોતાના ફેમિલી ડોક્ટર (શિવરાજ) સાથે મળીને ગંભીર બિમારીનું નાટક કરી દેવ પાસે પેલી વેશ્યાને છોડીને કોક સારા ઘરની છોકરી આજે ને આજે પેશ કરવાની હઠ પકડે છે, કારણ કે જુઠ્ઠું બોલવામાં માહિર દેવ કહી ચૂક્યો હોય છે કે, એણે નયનતારાને છોડીને સારા ઘરની એક છોકરી પસંદ કરી લીધી છે. તાબડતોબ 'બહુ' લઇ આવવા રણધીર દેવને વેશ્યાબજારમાં લઈ જાય છે. જેથી દેવ ગુસ્સે થાય છે. આમ અચાનક જ, એને મીના કુમારીનો ભેટો થઈ જતા દેવ રીક્વેસ્ટ કરે છે, પોતાના દાદાજીના આખરી શ્વાસો બચાવી લેવા મીના નાટક કરે ! ખાસ કાંઈ સમજ્યા વગર મીના હા-એ-હા કરતી જાય છે, પણ અસલી નાટક તો દાદાજી કરતા હોવાથી અને 'બહુ' તરીકે મીના પસંદ પડી જવાથી વાત્સલ્યથી દાદાજી મીનાને નોકરીને બહાને પણ રોકી રાખે છે. આ બાજુ નયનતારામાં ભરચક ફસાયેલા દેવની નજર સામે એ અશોક કુમાર સાથે ઇશ્કના ગુલ ખિલાવતી પકડાઈ જવા છતાં ડરતી નથી. દેવના પ્રેમપત્રો અને બન્નેના ફોટાઓના જોર પર નયનતારા અને મંડળી દેવને બ્લેક-મેઈલ કરીને ચોખ્ખું કહી દે છે કે, 'હું પ્રેમ તો અશોકને કરું છું, પણ તારામાં મારો રસ તારી ધનદૌલત પૂરતો જ છે.' દેવ ફસાઈ જાય છે અને ચાહવા છતાં મીના કુમારીને પરણવાની ના પાડવી પડે છે. છેલ્લી ઘડીએ અશોક કુમાર આવીને નયનતારાનું નાટક ખુલ્લું પાડીને દેવ-મીનાને બચાવી લે છે.

અહીં એ જમાના પૂરતો એક સવાલ ચોક્કસ પેદા થાય કે, દેવ આનંદ અને મીના કુમારી કેમ ભાગ્યે જ બસ કોઈ... બે-ચાર ફિલ્મોમાં જ આવ્યા ? કદાચ એટલી ય નહિ હોય. શું બન્ને વચ્ચે બનતું નહોતું ? ધંધાદારી કારણો હતા કે ડર પેસી ગયો હોય કે, બન્ને સાથે હીરો-હીરોઈન તરીકે નહિ ચાલે ? પ્રોબ્લેમ ક્યા થા...? અરે, પ્રોબ્લેમ-બોબ્લેમ કુચ્છ નહિ થા ભ'ઈ... દેવ આનંદ થોડો શુકન-અપશુકનમાં માનનારો ખરો ! એક એક મધુરા ગીતોવાળી ખુદ આ જ ફિલ્મ 'તમાશા' બોક્સ-ઓફિસ પર સખ્ત રીતે પિટાઈ ગઈ, એમાં એના મનમાં ઘુસી ગયું કે, મીના સાથે ફિલ્મો નહિ ચાલે ! એ તો વર્ષો પછી, એના મોટા ભાઈ ચેતન આનંદની સમજાવટ પછી મીના કુમારી સાથે ફિલ્મ 'કિનારે કિનારે' કરી, પણ આમાં ય, એક એકથી ચઢિયાતા જયદેવના ગીતો હોવા છતાં ફિલ્મ કંગાળ ઢબે ધોવાઈ ગઈ... બસ ! એ સાચો પડયો !!

ફિલ્મમાં સંગીત તો ખેમચંદ પ્રકાશનું હતું, પણ અધવચ્ચે તબિયત નાજુક થઈ જતા આપણાં મશહૂર ગાયક મન્ના ડેને સંગીતનો કારભાર સોંપાયો અને એમના ખાસ દોસ્ત કિશોર કુમાર પાસે એક તોફાની ગીત ગવડાવ્યું, ''ખાલી પીલી કાહે કો અખ્ખા દિન બૈઠ કે બોમ મારતા હૈ...'' ત્રીજું એક ગીત ''ઘૂંઘટ નહિ ખોલુંગી'' એસ.કે. પાલ પાસે તૈયાર થયું પણ ફિલ્મના ટાઈટલમાં એમને ક્રેડિટ ન મળી અને ફિલ્મમાં પણ દર્શાવાયું નહિ. ફિલ્મો માટે ટી-સીરિઝની સીડી ખરીદતા પહેલા હવે વિચાર કરવો સારો કારણ કે, 'જુઠા-સચ્ચા પ્યાર જતાઓ, ઠંડી ઠંડી આંહે ભરો...' નામનું ગીતે ય સીડીમાંથી કઢાઈ નંખાયું છે. હદ તો ત્યાં થાય છે કે, કિશોરનું એક અન્ય ગીત, 'જબ મીંયા બીવી રાજી તો ક્યા કરેગા કાઝી...' પણ સીડીમાં નથી. ગીતકાર ભરત વ્યાસે લખેલા ગીતોની બંદિશ ખેમચંદે અત્યંત કર્ણપ્રિય બનાવી છે. એક પણ ગીત ફાસ્ટ-ફોરવર્ડ કરાય એવું નથી.

કિશોર કુમારની ઓલમોસ્ટ પહેલી ફિલ્મ (એક્ટર તરીકે) ''આંદોલન''માં એનો ખાસ દોસ્ત અને બારમાસી બુઢ્ઢો અને રોતડો એક્ટર શિવરાજ હતો. શિવરાજ જેટલી સંખ્યામાં બહુ ઓછા ચરિત્ર અભિનેતાઓએ કામ કર્યું હશે. બધા હીરો કે હીરોઈનના બાપમાં એ આબાદ ફિટ થઈ જતો. એ હિસાબે, એ મોટાભાગના હીરો હીરોઇનોનો 'બાપ' હતો ! અહીં ''ઓલમોસ્ટ'' શબ્દ એટલે વાપરવો પડયો છે કે, ઘણી વાર ''ગુગલ''માંથી લીધેલી માહિતી ખોટી હોય છે. મેં ફિલ્મ જોઈ નહોતી પણ હીરો સુજીત કુમાર હતો અને ફિલ્મ ''લાલ બંગલા''માં મૂકેશનું ઉષા ખન્નાએ બનાવેલું ''ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર'' આ કોલમમાં મેં સુજીત કુમારને નામે લખ્યું હતું. એક જાણકાર દોસ્તે ધ્યાન દોર્યું ત્યારે ખબર પડી કે, એ ગીત ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અને સમજો ને-બની બેઠેલા હીરો જુગલ કિશોર ઉપર ફિલ્માયું હતું. એવું જ રાજેશ ખન્નાએ ફિલ્મ ''આનંદ''માંથી સંજીવ કુમારને એટલા માટે કઢાવ્યો હતો કે, ફિલ્મ ''આપ કી કસમ''માં સંજીવ મેદાન મારી ગયો હતો, એ ઇર્ષાને કારણે ખન્નાથી સહન નહોતું થયું. ખન્નો ઈર્ષાળુ બધી રીતે હતો. એની ના નહિ પણ ''આનંદ'' '૭૧માં રીલિઝ થયું હતું અને ''આપ કી કસમ'' '૭૪માં.... તો પછી સંજીવને 'આનંદ'માંથી કઢાવવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે ?

બિપીન ગુપ્તા (જન્મ તા. ૨૧ ઓગસ્ટ, ૧૯૦૫ : મૃત્યુ તા. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧) મૂળ તો બંગાળી માણસ. જન્મ્યા ભલે મેરઠમાં હતા, પણ બૈજુ બાવરા, જાગૃતિ, ગૃહસ્થી, ઘરાના, હમરાહી, સસુરાલ, મમતા, આમ્રપાલી, જીવન મૃત્યુ અને ખિલૌનામાં એમનો અભિનય અને ખાસ તો ઘેઘૂર અવાજ અને સદા ય હસતો ચહેરો આપણને યાદ છે. '૩૮-માં સોતુ સેન દિગ્દર્શિત ''ચોખેર બાલી''માં પહેલી વાર અભિનય એટલા માટે કર્યો કે, ફિલ્મનો હીરો આવ્યો નહિ, એટલે મૂંઝાયેલા ડાયરેક્ટરે સરસ હાઈટ-બોડી અને ખાસ તો અવાજ ધરાવતા બિપીન ગુપ્તાને લઈ લીધા. સાઉથની કોમેડી ફિલ્મ ''તીન બહુરાનીયા''માં પૃથ્વીરાજ કપૂરની નાદુરસ્ત તબિયતને કારણે ડબિંગમાં અવાજ બિપીન ગુપ્તાનો વપરાયો હતો. એમણે કિશોર કુમાર, નિમ્મી અને અભિ ભટ્ટાચાર્યને લઈને '૬૪-માં કોમેડી ફિલ્મ 'દાલ મેં કાલા' પોતે બનાવી હતી. આ ફિલ્મ 'તમાશા'માં તો અશોક કુમારે એમને પોતાના કરતા ય મોટો રોલ આપ્યો છે.

અશોક કુમાર... દાદા મોની ! ઓહ... કેવા ગ્રેટ એક્ટર ! મારા જેવા એમના અધધધ ચાહક હશે, એ સહુ દાદામોનીના ખુશમિજાજ સ્ટાઈલ નહિ... ખડખડાટ હાસ્યના ચાહકો હશે. એ જમાનાના તો એ સુપરસ્ટાર હતા અને ફિલ્મોનું નિર્માણ (આ ફિલ્મની જેમ) પણ કરતા, છતાં મોટા ભાગે એ વિલન-બ્રાન્ડ અથવા આજની સારી ભાષામાં 'એન્ટી-હીરો'ના રોલ કરતા ને તો ય એમની લોકપ્રિયતાને કોઈ આંચ આવતી નહિ. દાદામોની અને પ્રાણની જેમ હજારો ચેઇન- સ્મોકરો ૯૦-૯૦ વર્ષ સુધી જીવ્યા છે....! આ તો એક વાત થાય છે !

એમાં ય, આ એ જમાનો હતો કે દેવ આનંદ અને મીના કુમારી અભિનયમાં ય શાહ-એ-આલમ હતા. દેવને તો તમે જોયે જ રાખો, એટલો સુંદર દેખાય.

મીના દેખાવમાં હજી 'એ' મીના કુમારી બની નહોતી, જે આપણને 'દિલ એક મંદિર' કે 'કાજલ'માં ગમી હતી. છતાં ય એના અભિનયની સૌમ્યતા અને પ્રભાવક આંખો દર્શકોને મૂંઝવી નાંખતી કે, જન્માક્ષર સાથે પ્રેમશંકર મામાને મોકલીને આની સાથે આપણું ગોઠવાવવું કે, અત્યારે ધ્યાન માત્ર ફિલ્મ જોવામાં રાખવું. હકીકત, એ હતી કે વાત મીના કુમારીની આવે તો બદમાશ પ્રેમશંકર મામા ઉપર લગીરેય વિશ્વાસ ન મૂકાય... (...ને મીના ઉપરે ય મૂકાય એમ નહોતું !) આ તો એક વાત થાય છે ! યસ. ઓનેસ્ટલી... એ સમયની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મ જોવાથી અફ કોર્સ તબિયત નહિ બગડે.

ઓન ધ કોન્ટ્રારી ખેમચંદ પ્રકાશના ગીતોને કારણે પણ ફિલ્મ જોવા જેવી ખરી. કમનસીબે આ રાજસ્થાની કાકાને એમનો માલ વેચતા આવડતો નહોતો, એટલે ફિલ્મનું એકે ય ગીત ઈવન આજ સુધી આપણી પાસે પહોંચ્યું નહિ !

No comments: