Search This Blog

05/12/2015

'રજનીગંધા' ('૭૪)

રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેંકે યૂં હી જીવન મેં....
કઇ બાર યૂં ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખાહૈ.....

ફિલ્મ : 'રજનીગંધા' ('૭૪)
નિર્માતા : સુરેશ જીંદલ
દિગ્દર્શક : બાસુ ચૅટર્જી
સંગીત : સલિલ ચૌધરી
ગીતકાર : યોગેશ ગૌડ
રનિંગ ટાઇમ : ૧૨-રીલ્સ
સિનેમા : ??????????? (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, વિદ્યા સિંહા, દિનેશ ઠાકૂર, રંજીતા ઠાકૂર, માસ્ટર ચીકુ, રાજપ્રકાશ, ગોપાલ દતીયા, અંજલિ ઘોષ, અશોક સુરી, વીણા ગૌડ, જેમિની કુમાર, મંજૂ મૈની અને ફિરોઝા કપૂર.




ગીતો
૧. કઇ બાર યૂં ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખા હૈ.... મૂકેશ
૨. રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેંકે યૂં હી જીવન મેં.... લતા મંગેશકર

અમોલ પાલેકર એ જમાનામાં-એટલે, સમજો ને, '૭૦-ના દાયકામાં ઘરઘરમાં લોકપ્રિય થઇ ગયો હતો. કારણ ચોખ્ખું હતું. હિંદી ફિલ્મોમાં પહેલી વાર કોઇ હીરો 'આપણા જેવો' મિડલ-કલાસનો આવ્યો હતો (જેને ઇંગ્લિશમાં The boy next door કહે છે.) અને તે પણ આપણા જેવો જ નોકરિયાત. ગાંધીનગર જતી બસમાં કોક દિવસ જવા જેવું છે. સરકારી કર્મચારીઓથી ભરેલી બસમાં પોતપોતાના ખાતાઓ અને સ્ટાફમાં ચાલતા પૉલિટિક્સ સિવાય બીજી ચર્ચા જોવા ન મળે. અત્યાર સુધીની ફિલ્મોના હીરો આપણાં માનવામાં ન આવે, એવા શક્તિશાળી અને પ્રભાવશાળી હતી, જેને ઇંગ્લિશમાં Larger than life કહે છે. ધર્મન્દ્ર એક સાથે ૫૦-ગુંડાઓને એકલે હાથે ધોઇ નાંખે, અમિતાભ પોતાની લાંબી એક ટાંગ વડે અમરિશ પુરીના જડબામાં એવી લાત મારે કે આટલા પ્રહારમાં અમરીશ ૪૦-ફૂટ દૂર ફેંકાઇ ગયો હોય.

આવી કલ્પનાતીત ફિલ્મો કરતા કોઇ જુદો રંગ બાસુ ચૅટર્જી લઇ આવ્યા ફિલ્મ 'રજનીગંધા'માં. અપેક્ષા નહોતી કે આટલા લૉ-બજેટની ફિલ્મ આટલી બધી હિટ જશે...ગઇ, એટલે આ જ જોડીને ફિલ્મ 'છોટી સી બાત' માં રીપિટકરી અને એનાથી ય વધુ ઉપડી. વાત એ જ હતી....અમોલ પાલેકર મારા-તમારા જેવો સિમ્પલ હીરો, ઇવન કપડાં પણ આખી બાંયનું બટન બીડેલું ઇન્સર્ટ કર્યા વગરનું શર્ટ નીચે, ચંપલ મુસાફરી બસમાં અને પ્રેમિકા સાથે ય વાતો ઑફિસમાં ચાલતા પૉલિટિક્સ અને યુનિયનબાજીની.

પ્રેક્ષકોને અમોલમાં પોતાના દર્શન થવા લાગ્યા. ઋષિકેશ મુકર્જી તો આવા બૅકગ્રાઉન્ડની જ ફિલ્મો પહેલેથી ઉતારતા હતા, ચાહે હીરો રાજ કપૂર (ફિલ્મ 'અનાડી') કેમ ન હોય ? પણ બાસુ ચૅટર્જી-અમોલની જોડીની આ સફળતાએ ઋષિ દા ને પણ આવા જ પ્લૅટફૉર્મ્સ પર ફિલ્મો ઉતારવાના લખલખાં ઉપડયા, પરિણામે 'ગોલમાલ', 'રંગબિરંગી,' ''બાતોં બાતોં મેં'' જેવી ફિલ્મો બીજા ય ઉતારવા માંડયા.

એમ તો અમોલ પોતે પણ જાણતો હતો કે, આવી ફિલ્મો અને આવા હીરો હિંદી ફિલ્મોમાં બહુ લાંબુ ચાલવાના નથી. પ્રેક્ષકોને તો એ જ ઢીશુમ-ઢીશુમવાળી ફિલ્મો જ ગમે. હીરો ઊડતા વિમાનમાંથી સીધો ૧૨૦-કી.મી.ની સ્પીડે હાઇ-વે પર દોડતી ટ્રકમાં ભૂસકો મારીને હીરોઇનને બચાવી લે, એવું અમોલ આપી શકે એમ નહતો. થોડી ઘણી આવી ફિલ્મો કર્યા પછી અમોલ પાલેકર જાતે જ '૮૬માં નિવૃત્ત થઇ ગયો અને હીરોને બદલે ફિલ્મ સર્જક બની ગયો.

ફિલ્મ 'રજનીગંધા' સાહિત્યકાર લેખિકા મન્નુ ભંડારીની સુપ્રસિદ્ધ નવલકથા 'યે હી સચ હૈ' ઉપરથી બની છે. બાસુ દા ને કારણે ફિલ્મ સારી બની છે એમ ચોક્કસ કહેવાય, પણ ફિલ્મની વાર્તા બાબતે સવાલો ઉઠવા જોઇએ. વાર્તા સારી હોવા છતાં એનો અંત ગળે ઉતરે એવો નથી. જૂના (દિનેશ ઠાકૂર) અને હાલના (અમોલ પાલેકર) પ્રેમીઓ વચ્ચે ઝોલાં ખાતી હીરોઇનની દુવિધા સમજી શકાય અને વર્ષો પછી અચાનક મળી ગયેલા જૂના પ્રેમીને હીરોઇન મનથી પોતાનો માની લે અને હાલના પ્રેમીના કોઇ દેખિતા કે વગર દેખિતા દોષ વિના પડતો મૂકવાનો વિચાર પણ હીરોઇન વિદ્યા સિંહાને આવે, એમાં વાર્તા લેખિકાએ સ્ત્રી ચરીત્રને અભડાવ્યું છે. નવા કે જૂનામાં કોઇ નુક્સ દેખાય અને પડતો મૂકે, એ સમજી શકાય, પણ અમોલને છોડીને વર્ષો પછી મળતા દિનેશ ઠાકૂર સાથેના જૂના પ્રેમના સંસ્મરણો વિદ્યાને પરણવા સુધીની કક્ષાએ લઇ જાય, એ જરા વધુ પડતું છે. આ લેખ વાંચતી સ્ત્રીઓને ય પોતાનો ભૂતકાળ હોઇ શકે અને અચાનક ક્યારેક જૂનો પ્રેમી મળી જતો હશે, તેથી કાંઇ હાલના પ્રેમી (કે પતિ)ને કોઇ કાઢી મૂકતું નથી. અને દરેક તબક્કે વિદ્યાનો જૂનો પ્રેમ દિગ્દર્શકે જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કેમ કર્યો છે, તે સમજાતું નથી. વાર્તા લેખિકા ઉપરથી માન તો ત્યારે ઉતરી જાય છે કે, મુંબઈ ગયેલી વિદ્યા દિલ્હી પાછી આવે છે, ત્યાં સુધી દિનેશના નક્કર પ્રેમમાં ડૂબેલી છે અને એ જ ઘડીએ અમોલ પાછો આવતા લેવા-દેવા વગરની દિનેશને ભૂલીને પાછી અમોલની થઇ જાય છે. અહીં તો લેખિકાએ સ્ત્રીઓ ઉપર પુરૂષે કદી વિશ્વાસ ન મૂકવો, એવો સંદેશો આપ્યો છે....અમારા ખાડીયાની ભાષામાં બોલે તો કહેશે કે બોલે છે, પણ આ તો કાંઇ 'બાપાનું રાજ છે ?'

ફિલ્મ બહુ ટૂંકી (૧૨-રીલ્સની) બનાવી છે, એ સારૂં થયું છે. બાસુ દા મૂળ હ્યૂમરના માણસ એટલે એમની ફિલ્મોમાં નાનાનાના ચમકારા તો આવતા રહેવાના (એ પોતે ય એક કૅમિયો રોલમાં દેખાયા છે. પોતાના ફૅમિલી સાથે ફિલ્મ જોવા બેઠેલી વિદ્યાની બાજુમાં બાસુ ચેટર્જી પોતે બેઠા છે ને એમની બાજુમાં અમોલને બેસાડયો છે.) ફિલ્મની પટકથા ઉપરાંત સંવાદો એમણે લખ્યા છે. એક દ્રષ્યમાં વિદ્યાના ભાભી અમોલને પૂછે છે કે, તું વિદ્યા સાથે લગ્ન કરવાનો છું કે નહિ તે કહી દે, જેના જવાબમાં અમોલ નાટકીય અંદાજથી કહે છે, 'હું કેવળ વિદ્યા સાથે જ લગ્ન કરીશ...સિવાય કે બીજી કોઇ મળી જાય !'

પણ સલિલ ચૌધરીના સિમ્પલી આઉટ-ઑફ-ધ-વર્લ્ડ સંગીત અને લતા મંગેશકરના આટલા મધૂરા ગીત 'રજનીગંધા ફૂલ તુમ્હારે...' વખતે ચાલુ ગીતે નાનકડો બાબો આવીને વાર્તા કહેવાની માંગણી કરે, 'આન્ટી, મુઝે તોતે ઔર બંદરવાલી કહાની સુનાઓ, ના !' ને પેલી ના પાડે, એ અધૂરા ગીતે અટકચાળો કરવાની ક્યાં જરૂરત હતી ? વિદ્યાના પાત્રાલેખનમાં કે વાર્તા સાથે આ અટકચાળો થોડો ય સુસંગત નથી. ભારતભરમાં આજે પણ ગવાતું મૂકેશનું, 'કઇ બાર યૂં ભી દેખા હૈ...' પણ લતાના ગીતની જેમ પ્લેબૅકમાં ગવાયું નથી. એવી જ રીતે, અમોલને મિડલ-કલાસનો બતાવે, એમાં એકનું એક શર્ટ ૩-૪ જુદા જુદા દ્રષ્યોમાં શું કામ પહેરાવવું જોઇએ ? સામાન્ય નોકરિયાતો ય આવું કરતા નથી. મૂકેશને આ ગીત માટે સર્વોત્તમ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એમ તો ફિલ્મફૅરનો શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ હીરોનો ઍવૉર્ડ આ ફિલ્મ માટે મળ્યો હતો. પણ આંખ કરતા ય મનને વધુ ખટકે છે વિદ્યા સિંહાના જૂના પ્રેમી તરીકે સ્વ.દિનેશ ઠાકૂરનું કાસ્ટિંગ ! દિનેશ દેખાવમાં માની ન શકાય એટલો ફાલતુ લાગે, એવા કપડાં પહેરે અને ચીતરી ચઢે એવા લાંબા વાળ રાખે, એમાં પ્રેક્ષકો તરફથી દિનેશના પાત્રને થોડી ય સહાનુભૂતિ મળતી નથી. દેખાવમાં એ અમથો ય સાઇડ હીરોને બદલે વિલન જેવો વધુ લાગે છે. અમોલ જેવા હૅન્ડસમ હીરોની સાથે સેકન્ડ હીરો પણ અમોલથી ચઢીયાતો નહિ તો એના જેવો હોવો જોઇએ, જેથી દર્શકોને પણ વિદ્યાની અસમંજસ સમજાય, 'મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં....?'

યસ. '૭૦-ના દશકમાં યુવાનો લાંબા વાળ રાખતા અને તે પણ કોઇ પણ બાજુથી ટ્રીમ કર્યા વગરના. બસ, વાળ જફરીયા જેવા લાંબા હોવા જોઇએ. આપણે ય કદાચ રાખતા હોઇશું (હું નહોતો રાખતો), પણ ફૅશનની સમજ અફ કૉર્સ, યુવાનોમાં આવી નહોતી.

'રજનીગંધા'ની હીરોઇન વિદ્યા સિંહા (જન્મ તા. ૧૫ નવેમ્બર, ૧૯૪૭) મુંબઇમાં ફિલ્મ પ્રોડયુસર રાણા પ્રતાગસિંહાને ત્યાં જન્મી હતી, જે '૪૦-ના દાયકાની ફિલ્મો બનાવનાર નિર્માતા-દિગ્દર્શક મોહન સિંહાના જમાઇ થાય. છેલ્લે છેલ્લે સલમાન ખાનની ફિલ્મ 'બૉડી ગાર્ડ'માં જોવા મળેલી વિદ્યાએ ૩૦-ફિલ્મોમાં (એક ગુજરાતી ફિલ્મ 'જીવી રબારણ' સહિત) કામ કર્યું હતું. 'રજનીગંધા' એની પહેલી ફિલ્મ નહોતી. પહેલી ફિલ્મ 'રાજા કાકા'નો હીરો કિરણ કુમાર હતો. આ પહેલા જ વિદ્યાએ વૅન્કટૅશ્વર ઐયર સાથે લગ્ન કરી લીધા હતા અને જહાનવી નામની દીકરી ઠેઠ ૧૯૮૯-માં જન્મી હતી. જહાનવીનો પતિ બિમાર રહેતો અને '૯૬-માં ગૂજરી ગયો, એ પછી વિદ્યા સિંહા સીડની-ઑસ્ટ્રેલિયા રહેવા જતી રહી, ત્યાં વૃદ્ધ ડૉક્ટર નેતાજી ભીમરાવ સાળુંકે સાથે બેનને પ્રેમ થઇ ગયો ને બન્નેએ ત્યાંના કોઇ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા ને એક દીકરી દત્તક લઇ લીધા પછી તા. ૯ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ વિદ્યાએ ભીમરાવ સામે અદાલતમાં મારઝૂડ અને માનસિક ત્રાસ સાથે છુટાછેડાનો કૅસ ઠોકી દીધો ને ભરણપોષણ જીતી પણ ગઇ.

અમોલ પાલેકર (જન્મ તા. ૨૪ નવેમ્બર, ૧૯૪૪)ને હું કોલકાતાની હૉટેલ ગ્રાન્ડમાં મળ્યો હતો, જ્યાં સુનિલ ગાવસકર આપણા 'ગુજરાત સમાચાર'માં ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝ વિશે લખતો. સુનિલ મને ઇંગ્લિશમાં મૅચનો રોજેરોજનો અહેવાલ લખાવે, જે હું તાત્કાલિક અનુવાદ કરીને અમદાવાદ મોકલી દેતો. એ જમાનામાં 'લાઇટનિંગ-કૉલ્સ' હતા. એ વખતે અમોલની પહેલી પત્ની ચિત્રા સાથે હતી (એ પછી છુટાછેડા લઇને અમોલ સંધ્યા ગોખલેને પરણ્યો) સંદીપ પાટીલને પણ હું એની પહેલી પત્ની સાથે મળ્યો હતો...(સાથે અંશુમન ગાયકવાડ હતો.) રામ જાણે કેમ, બધાની પહેલી પત્નીઓ સાથે જ મારે મળવાનું થતું...કર્ટસીરૂપે, મને તો કોઇએ એવો ચાન્સ આપ્યો નહિ!...આ તો એક વાત થાય છે.

રેખા અને વિનોદ મહેરાવાળી ફિલ્મ 'ઘર'ની વાર્તા દિનેશ ઠાકૂરે (જન્મ ?-?-૧૯૪૭ : મૃત્યુ તા. ૨૦ સપ્ટૅમ્બર, ૨૦૧૨) લખી હતી, જેમાં અડધી રાત્રે ઘેર પાછા ફરતા યુવાન યુગલને ગુંડાઓ ઘેરી લઇ રેખા ઉપર બળાત્કાર કરે છે. બળાત્કાર થયેલી પત્ની સાથે બાકીનું લગ્નજીવન જીવતા કેવા ટૅન્શનો ઊભા થાય છે, એની સુંદર વાર્તા હતી એ! ફિલ્મ 'અનુભવ'માં દિનેશ તનૂજાનો ભૂતપૂર્વ પ્રેમી બને છે અને એના પતિ સંજીવ કુમારની સહમતિ અને રાજીપાથી તનૂના ઘરે આવે છે. હાલનો પતિ અને જૂનો પ્રેમી....એ બે વચ્ચે અટવાયેલી સ્ત્રીની આ વાર્તા બાસુ ભટ્ટાચાર્યે બનાવી હતી. એ વખતે મુંબઇના સૌથી ઊંચા ગણાતા 'ઉષા કિરણ' બિલ્ડિંગમાં રહેતી તનૂજાએ પૂરી ફિલ્મનું શૂટિંગ પોતાના ફલૅટમાં કરવા દીધું હતું. સાંભળ્યા મુજબ, આખું અંબાણી-કુટુંબ પણ 'ઉષા કિરણ'માં રહેતું હતું. ગુલઝારની ફિલ્મ 'મેરે અપને'થી દિનેશ ઠાકૂર ફિલ્મમાં આવ્યો હતો. કાયમ દાઢી અને માંદલા ચહેરાને કારણે ફિલ્મોમાં અભિનયના ખાબોચીયામાં એ કદી તરી ન શક્યો, પણ સ્ટેજ પર નાટકો ઘણા કર્યા હતા.

ફિલ્મમાં વિદ્યાની ભાભીનો રોલ કરનારી અભિનેત્રી વીણા ગૌડ છે. ફિલ્મના પ્રારંભમાં વિદ્યા સિંહાને ચા પીવા લઇને ગયેલો અમોલ પાલેકર એનું ટૅબલ છોડીને એના દોસ્તોમાં મશગુલ થઈ જાય છે, એ દોસ્તોમાં પર્પલ-સ્વૅટર પહેરેલો કલાકાર અશોક સૂરી છે, જેને તમે હવે લગભગ ઘરડા થઇ ગયેલા કલાકાર તરીકે ફિલ્મોમાં સાઇડ રોલમાં જોતા હશે. નાનકડા ચીકુની મમ્મી બનતી સ્ત્રી મંજૂ મૈની છે.

ફિલ્મનું નામ 'રજનીગંધા,' છે અને આ ફૂલો ફિલ્મની વાર્તાનો એક હિસ્સો પણ છે, છતાં ય હું નથી માનતો આપણને ગુજરાતીઓને ઇવન આજે પણ ગુલાબ, ગલગોટો કે મોગરાથી આગળ બીજા એકે ય ફૂલને ઓળખતા આવડતું હોય ! બોટનીનું ભણ્યા હો તો જુદી વાત છે. નહિ તો ઘણાં રજનીગંધા અને નરગિસના ફૂલોને એક ગણે છે ને ઇંગ્લિશમાં એને પાછું કાર્નેશન-ફલાવર્સ કહેવડાવે છે. ત્રણે ય જુદાં ફૂલો છે. રજનીગંધા મોટા ભાગે તો સમૂહમાં અપાતા ફૂલો છે, જેની સુગંધ રાત્રે આવતી હોવાથી એને 'રજનીગંધા' કહે છે. ઈંગ્લિશમાં રજનીગંધાને 'પોલિઆન્ટીસ ટયુબરોઝ' કહે છે. આ તો એક વાત થાય છે બાકી, દાયકાઓ પહેલા અમારી ખડકીમાં રહેતા રજનીકાકીનું મોંઢું છીંકણીથી ગંધાતુ હોવાથી ગામ આખું એમને 'રજનીગંધા'ને નામે ઓળખતું.

No comments: