Search This Blog

16/12/2015

શર્ટનું ઊપલું બટન

લગ્નજીવનનો સૌથી સોહામણો કોઈ તબક્કો હોય તો એ પત્ની એના પતિના પહેરેલે શર્ટે હાથમાં સોય-દોરો લઈને બટન ટાંકી આપતી હોય, એ છે. એમાં ય, બટન ટંકાઈ ગયા પછી મોંઢું બટન પાસે લાવીને દાંત વડે ખેંચીને એ દોરો તોડતી હોય, એવી જાહોજલાલી તો ભગવાનોના વખતમાં ય મળતી નહોતી. એકે ય ભગવાન બટનવાળું કાંઈ કદી ન પહેરતા. ત્યાં સુધીની એ બે-ચાર સેકંડો તો ભાઈ ભાઈ... પરફેક્ટ રોમેન્ટિક હોય છે. (અફ કોર્સ, આ બધું તો જેની પત્નીના મોંઢામાં દાંત રહ્યા હોય એને કામનું.) આ બાજુ ગાજ-બટન તરફડીયા મારતા હોય ને આ બાજુ બન્નેના ગરમ શ્વાસો ફૂવારાની જેમ છુટતા હોય (આપણી બાજુથી ભયના માર્યા કે, સાલી સોય છાતીમાં ઘોંચી ન દે !) અલબત્ત, દૂરથી ઊભા ઊભા અન્ય કોઈ યુગલનું પણ તમે આવું દ્રષ્ય જુઓ તો રોમેન્ટિક બેશક થઈ જવાય... ભલે, પેલા યુગલવાળીને રીક્વેસ્ટ ન કરી શકીએ, પણ ઘેર જઈને તો ઊપલું બટન તોડી નાંખવાના ઝનૂનો તો ક્યા હેન્ડસમ ગોરધનને ન ઊપડે ? (અશોક દવે, કાં તો 'હેન્ડસમ' લખો ને કાં તો 'ગોરધન' લખો... આ બન્ને ચીજો એક વ્યક્તિમાં જોવા ન મળે.)

એ થોડી ક્ષણો આહલાદક હોય છે. આમ સીધીસખણી રહીને એ આટલી નજીક આવે ય નહિ. ઘરની બહારના માપદંડો ગણત્રીમાં લેવાના હોય તો, બટનો બહાર ટંકાઈ આવવા વધુ કિફાયત પડે. આપણે તો રોજેરોજ આપણા બટનો તૂટે ય નહિ. એ તો ઠીક છે. રબારણોએ રસ્તાની દિવાલ ઉપર છાણના પોદળાં સુકાવા ચોંટાડયા હોય, એવા ઘણા ગોરધનોની-ઓશિકામાં કાળું રૂ ભર્યું હોય એવા-છાતીના વાળ હોય, ત્યાં પણ આવા કેસો સફળ થતા નથી. પૂરતા અનુભવોને અભાવે અનેક વાઈફોઝે, બટન છાતીમાં ચોંડવાનું હોય એમ સોય સાથે બટનનો ટાંકો છાતીમાં લઈ લીધો હોય, એમાં ચીસ પાડતો પેલો છત સુધી ઉછળે. નહિ તો જરા સોચો. કેવું મનોહર અને મંગલકારી એ દ્રષ્ય હોય ! આપણે હજી ઓફિસે જઉ-જઉ કરી રહ્યા હોઈએ, પેલી હજી હમણાં જ શોવર લઈને મઘમઘાટ થઈને બાથરૂમમાંથી બહાર આવી હોય. વાઈફને ભેટવાનો આ એક રમણીય ચાન્સ છે. કહેતા મને, રોઇ પડાય એવું દુઃખ થાય છે, કે ગુજરાતના ઘણા ગોરધનો પોતાની વાઇફને ભેટતા ડરે છે, કેમ જાણે ઉનાળામાં લૂ વરસાવતી અને વરાળો કાઢતી ડામરની સડકને ચુંબન કરવાનું હોય ! તૂટેલા બટનની ફરિયાદ સાથે જ એ ક્યાંકથી સોય-દોરો અને બટન લઈ આવે. આપણી ખૂબ નજીક ઊભા રહેવું પડે. ઓફિસ ગઈ તેલ લેવા. રજનીગંધાના ફૂલો આપણને વળગવા આવ્યા હોય એવું લાગે. પણ, એ વખતનો ઊભા રહેવાનો આપણો પોઝ હોમગાર્ડના જવાન જેવો કડક કડક ન હોવો જોઈએ ! મને લાગે છે, અહીં હોમગાર્ડને બદલે લશ્કરના કોઈ મેજર-જનરલની સીમિલી મૂકીએ તો વાત વધુ સારી લાગશે. સુઉં કિયો છો ? જો કે, વાત રોમેન્ટિક બનાવવાની હોય તો લશ્કર-ફશ્કરવાળી વાતો પણ અહીં નહિ શોભે. એના બદલે, એ બટન ચોડતી હોય ત્યારે એના ખભાની ફરતે આપણા બન્ને હાથો વીંટળાવીને ઊભા રહી ઝીણકા-ઝીણકા સ્માઇલો આપવાથી વાત વધુ સુંદરતા પકડશે. એને ભેટવાનો આ કેવો ઉત્તમ તબક્કો છે ? કવિ મિલિંદ ગઢવીનો શેર છે ઃ 'સ્પર્શ આ કેવો હૂંફાળો થઈ ગયો ? ડીસેમ્બરમાં ઉનાળો થઇ ગયો !' આ તબક્કે ખાટાં ઓડકારો ખાવાને બદલે કોક રસીલું ગીત ગુનગુનાવવાનું હોય અને તે પણ 'જીહવા થકી અસત્ય ન બોલે, પર સ્ત્રી જેને માત રે, હોઓઓઓ' નહિ. આવામાં તો 'ચલ બેટા સેલ્ફી લે લે' જ ચાલે. ખોટી વાત છે મારી ?

આપણે કેવા શ્રીનાથજી બાવા જેવી અમીભરી દ્રષ્ટિએ એની સામે જોતા હોઈએ... અલબત્ત, એણે માથામાં તેલ ઠપકાર્યું ન હોય તો ! તાજી નહાઈને બહાર આવી હોય એટલે, એના ભીના વાળ અને આપણી આંગળીઓ... દરમ્યાનમાં દોરો દોરાનું અને સોય સોયનું કામ કરતા જાય, પણ અહીં ટેકનિકલી વાઈફની આંખોમાં જોવું શક્ય ન હોવાથી કેટલાક બિનઅનુભવી હસબન્ડોઝ ડ્રોઈંગ-રૂમની દિવાલ સામે ટગરટગર જોયે રાખે છે. આ પાપ છે... શું સામેના ફલેટમાં કોઈ રહેતું ન હોય ? ત્યાં બે-ચાર મિનિટ આંખો ઠારવાથી શું હૃદયને ઠંડક નથી મળતી ? શું રોજેરોજ બટન ટાંકી આપવાની મજૂરી વાઈફ પાસે જ કરાવવાની ? પ્રેમ અને શર્ટના બટનો તો વહેંચો એટલા વધે... ! ગામમાં બીજી ઓળખાણો ના હોય ? આ તો એક વાત થાય છે.

આપણે ગમે ત્યાં જોતા હોઈએ, એ જુદી વાત છે પણ આ તબક્કે, એનું ધ્યાન પણ આપણી આંખોમાં હોય, એ ઈચ્છનીય નથી, સોય-દોરામાં હોવું જોઈએ. નોટ ઓન્લી ધેટ... શર્ટના બરોબર ગાજ સામેના વિભાગ ઉપર એનું ધ્યાન હોવું જોઈએ. ગાજ-બટન સીધી લિટીમાં ગોઠવાયા ન હોય તો દરજીજગતના કેટલાક નિયમો તો હર કોઈ વાઈફે પાળવા જોઈએ જેમ કે, બટનના ચાર પૈકીના પહેલા ક્યા કાણામાં સોય ઘોંચવાની અને તે પણ પહેલા બહારથી કે કપડાંની પાછળથી ? અને ખાસ તો, બટન ભલે સક્સેસફૂલી ઢંકાઈ ગયું, કોઈએ માર્યો હોય એમ ગોરધનના શર્ટની ઈસ્ત્રી ભંગાવવી ન જોઈએ. બટન ટાંકવું ભલે લલિત કલા વિભાગમાં ન આવતું હોય, પણ શર્ટ ઉપર જીવડું ચોંટયું હોય, એવું કસોકસ બટન પણ ન સિવી મરાય... બા કેવા ખીજાય !

જીવનથી કંટાળેલા કેટલાક ગોરધનો આખેઆખું શર્ટ કાઢીને બટન ચોડવા વાઇફને આપી દેતા જોવામાં આવ્યા છે. આવી નિરસતા લગ્નના એકાદ-બે વર્ષ પછી આવે તો વાંધો નહિ, પણ બહાર કોઈ સામે ન જોતું હોય ને આખું 'પ્રેમ રતન ધન પાયો' ઘરમાં જ પતાવવાનું હોય, એવા બોદાં હસબન્ડોઝ બહુધા આખેઆખું શર્ટ કાઢીને વાઇફને આપી દેતા હોય છે. સંસ્થા માને છે કે, સ્પેરમાં બટન અને બટન ચોડવાવાળી એકાદી રાખી હોય તો, બટન તૂટે ત્યારે તાબડતોબ દરજી પાસે દોડવું ન પડે. દરજી એક બટન ચોડવાના સીધા રૂ. ૧૦/- લઈ લેતો હોય છે... એના કરતા આખું શર્ટ વેચી આઈએ, તો ય બે-પાંચ રૂપીયા મળે... કોઈ પંખો ચાલુ કરો હવે !

સગ્ગી વાઇફ સાથે અનંત વર્ષો સુધી પ્રેમ ટકાવી રાખવો હોય (જો કે, બુદ્ધિનો કોઈ એવો લઠ્ઠ તો ન જ હોય) તો પહેરેલે શર્ટે જ બટન ટંકાવવાનો આગ્રહ રાખો, દરજી પાસે નહિ... વાઇફ પાસે ! આ પદ્ધતિ અપનાવવાથી બટનો ઓછા તૂટે છે અને વાઈફો આપણા માટે બટન વગરના શર્ટો લઈ આવતી થઈ જાય છે.

હું જીવનભર સપના જોતો રહ્યો કે, એક દિવસ મારા શર્ટનું પણ ઊપલું બટન તૂટશે અને એક દિવસ (એટલે કે, એ જ દિવસે) મારી વાઈફ પણ જયા ભાદુરીએ વિજય આનંદને ફિલ્મ 'કોરા કાગઝ'માં ચોડી આપ્યું હતું, એવું એક બટન મને ચોડી આપશે... (જયા ભાભી નહિ... તમારા ભાભી !... ગેરસમજ પૂરી)

પણ હવે તો પહેલા જેવા શર્ટો ય ક્યાં આવે છે કે બટનો તૂટે ! પહેલા જેવી વાઇફોઝે ક્યાં થાય છે કે, બટન ચોડતા આવડતું હોય ? મારી પાસે તો બટન ચોડતા આવડતું હોય એવી વાઈફ ઘરમાં પડી છે પણ બધો માલસામાન આપણે લાવી આપવો પડે અને એ પછી ય કોઈ ગેરન્ટી નહિ કે, સફેદ શર્ટ ઉપર સફેદ બટન જ લાગશે. જૂની દાઝો કાઢવા એ મારી છાતીમાં સોય ઘોંચી દે એટલી ક્રૂર તો નથી, પણ એક બટન માટે એના છવ્વીસ છણકા સાંભળાવાના ન પોસાય.

કોઈ રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલે ક્યાંક કહ્યું છે કે, મનુષ્યે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. એમાં ય, નોકરો અવારનવાર ઘર છોડીને જતા રહે (એમના ઘરો નહિ, આપણું ઘર) એટલે ઘરના બધા કામો એકલે હાથે કરવાથી ઘણીવાર તો વાઈફ ઊંઘતા ઉંઘતા ય થાકી જાય છે. કહે છે કે સુતા પછી એણે એક પડખું બદલવા માટે મિનિમમ ૮૦-કીલો વજન આ બાજુથી પેલી બાજુ ઘસેડવું પડે છે. પાછી આવે ત્યારે બીજા ૮૦-કીલો. હું તો બાજુમાં ગોદરેજના કબાટ સાથે સુતો હોઉં, એવું લાગે... ભરઊંઘમાં મને પગની આંટી વાઈફના પગ ઉપર ભરાવીને સુવાની આદત છે. પણ એનું પડખું હું બદલી ન આપું. એટલે, ઘરમાં હું માનવતાવાદી ખરો અને મારા કામો જાતે જ કરવાનો આગ્રહ રાખું. બટન મારે જાતે ટાંકવાનું હોવાથી પહેરેલે શર્ટે મને ન ફાવે. કાઢવું જ પડે. મારૂં કામ ચોક્કસ ખરૂં, એટલે જે ઘટનાસ્થળે બટન ચોડવાનું હતું, ત્યાં બોલ-પોઈન્ટ પેનથી ટપકું મારી દીધું, જેથી ઉપર-નીચે ટંકાઈ ન જાય. દરજીનો સામાન વેચતા વેપારીએ ચોખ્ખી ના પાડી દીધી કે, લેવું હોય તો આખું બોક્સ લો... એક છુટક બટન ન મળે. મેં કીધું ય ખરૂં કે, હું હાસ્યલેખક છું, દરજી નથી. તો મને કહે, 'તમારા સપના પૂરાં ન થયા, એ મારો વાંક ?' આપણા દેશમાં ખિસ્સાકાતરૂઓ હોય છે, બટન-કાતરૂઓ નહિ અને એ પણ કોઈના પહેરેલે શર્ટે તો નહિ જ... સિવાય કે, કોકની સાથે મારામારી કરીને એના મોંઢાને બદલે શર્ટ ુપર આકરા પ્રહારો કરવાના, જેથી બે-ચાર બતનો છુટા પડી જાય, પણ મારામારીઓ મને ફાવતી નથી. ઘરે પાછો આવીને બટન ગોતવામાં કલાક ગયો.

આમ પાછો હું બુદ્ધિમાન ખરો, એટલે બ્રિટનની રાણીના મુગુટમાં કોહીનૂર હીરો જડવાનો હોય, એનાથી ય અડધી મેહનતે મારા શર્ટ ઉપર બટને ચોડીને રહ્યો.

એ તો સાંજે ઓફિસેથી ઘેર પાછો આવ્યો ને વાઈફ બૂમાબૂમ કરતી હતી કે, ''મારા બ્લાઉઝનું ઉપલું બટન દેખાતું નથી... નવા જ બ્લાઉઝનું બટન ગીયું ક્યાં ?''

આજ સુધી એ શર્ટ મેં બીજી વાર પહેરવા કાઢ્યું નથી.

સિક્સર
- કેમ, તમે લગ્નમાં ન આવ્યા ?
- મારાથી કોઈનું દુઃખ જોઈ શકાતું નથી.

No comments: