Search This Blog

25/12/2015

મોતીયો આયો....

ભારત દેશમાં છેલ્લે છેલ્લે જેનું નામ 'મોતીલાલ' પડી ગયું, એ પડી ગયું. એ પછી કોઇએ આ નામ પાડયું નથી. જ્યાં જઇએ ત્યાં, ''મોતીયો આયો... મોતીયો આયો...'' આવી ભાષા લોકો બોલવા માંડયા હતા, જે આજ સુધી ચાલુ છે. અમારા જમાનાની ફિલ્મોમાં 'મોતી' નામ બહુ બહુ તો ઘોડા કે કૂતરાના પડતા. નૂતનના પિતાતુલ્ય (!) અભિનેતા મોતીલાલ લોકપ્રિય હોવાથી સિનેમા જોવા ગયેલા પ્રેક્ષકો સ્ક્રીન પર મોતીલાલના આવવાની રાહ જોતા, પણ એ આવે ત્યારે કદી ય, ''મોતીયો આયો... મોતીયો આયો'' નામની બૂમો નહોતા પાડતા. હું ભલે સ્વ. મોતીલાલની કક્ષાનો માણસ ન કહેવાઉં (કારણ કે, મારા નામની આગળ હજી 'સ્વ.' લગાડવાનું બાકી છે, છતાં મેં જોયું કે, ખુદ મારા જ દોસ્તો અને સગાઓ મારી ખબર કાઢવાને બદલે, ''હેં..! મોતીયો આયો?'' પૂછી પૂછીને ઘડી ભરતો મારૂં માનસ બદલી નાંખ્યું હતું કે, મારૂં અસલી નામ 'અશોક' નહિ, 'મોતીયો' હશે... પછી અપભ્રંશ થતું થતું 'અશોક' થઇ ગયું હશે!'

મૂળ ભારતીય શબ્દ 'મોતીયા'ને જનાવરો સાથે ચોક્કસપણે કોઇ લેવા-દેવા તો હશે જ, કારણ કે ઇંગ્લિશમાં એને cataract (કેટેરેક્ટ) કહે છે. શક્ય છે, આપણે ત્યાં મોતીયો બોલાય છે... ધોળીયાઓ 'બિલ્લી આઇ.. બિલ્લી આઇ'' બોલતા હશે... 'કેટ'નો એક 'એક્ટ' કાઢી નાંખીને!

કહે છે કે, ઉંમર થાય એટલે એક આંખમાં વહેલો-મોડો મોતીયો પાકે જ. આમાં કુદરત બી ગજબની ફિલ્મ ઉતારે છે. એક તો, 'ભ'ઇની આંખો નબળી લાગે છે'''હવે ઉંમર થઇ કહેવાય'' નામના આ બે રાઝ હવે ખુલી જવાના. છુપાવી રાખવામાં આપણે યુદ્ધે ચઢી જવાના ઝનૂનમાં આવી જતા એ, આ બંને વાતો મારો હાળો આ મોતીયો ખુલ્લે આમ જાહેર કરી દે છે.

મારે ય ગયા અઠવાડિયે મોતીયો ઉતરાવવો પડયો. આ પાછી બીજી ચિંતા! જેને આપણે ચઢવા જ દેવા માંગતા ન હોઇએ, એને 'ઉતરાવવો' પડે... કેમ જાણે આ મોતીયો, રેલ્વેના ટુ-ટિયર કોચમાં ઉપલા માળે સૂતેલા મફતીયા પેસેન્જર જેવો હોય કે એને પરાણે ઉતારવો પડે. ડોકટરો પાસે ય કોઇ સારા શબ્દો નથી હોતા. એ લોકો તો આપણાથી ય આગળ જઇને કહે છે, ''તમારો મોતીયો પાક્યો છે.'' ઉનાળામાં કાચી કેરીઓને પાકતા જોઇ છે, પણ કાચા મોતીયાને સાલું આવું પકવવા કોણ મૂકતું હશે?

આ મોતીયારામ પાછા એકલપેટા નથી આવતા. જોડીમાં આવે છે. એને એક જોડીયો ભાઇ પણ છે. એનું નામ પણ મોતીયો. એક ફ્લેટમાં રહેવા ગયા પછી બાજુમાં બીજો ખાલી અને પોસાય એવો હોય ને આપણે એ ય લઇ લઇએ એમ, બહુધા એ બંને આંખોમાં પાકે છે ને આંખોની બંને અભરાઇઓ પરથી એને ઉતરાવવો પડે છે. આમાં પાછી ડોકટરો એવી વ્યવસ્થા નથી સ્વીકારતા કે, હાલમાં ભલે એકમાં આવ્યો... આપણે ભેગા ભેગો બીજો ય ઉતારી લઇએ, એટલે પછી તમને કાયમની નિરાંત.. સુઉં કિયો છો? ઓન ધ કોન્ટ્રારી, આપણી બીજી આંખ તો કેટરિના કૈફ જેવી હોય એવા વખાણ કરીને ડોકટર કહે છે, ''તમારી બીજી આંખ તો બહુ સારી છે.'' એક સાથે એક સાયકલના બે પંકચરો કરાવો તો ઘણા સાયકલવાળાઓ ડિસકાઉન્ટ આપતા હોય છે, એવું કમનસીબે, મોતીયાના સંદર્ભમાં જોવા મળતું નથી.

ગાઢા ધૂમ્મસ જેવા અફસોસની વાત એ છે કે મોતીયો આપણને આવે, એમાં સમાજ તરફથી અન્ય દર્દીઓ જેવી સહાનુભૂતિ મળતી નથી. બીજા કોઇ રોગને કારણે ખાટલે લાંબા થયા હોઇએ, ત્યારે તો કાલે સવારે જ ઉપડવાના હોઇએ, એવી હમદર્દીથી ખબરકાઢુઓ આપણા કપાળે હાથ ફેરવીને પૂછે છે, ''ક્યારે કાઢી જવાના છે?'' એવું નથી પૂછતા... એના જેવું પૂછે છે, ''ડોકટર સુઉં કિયે છે? બચી તો જવાશે ને?'' આપણને સામટી ચાર હેડકીઓ તો એમના સવાલથી આવી જાય. મોતીયાવાળા ખબરકાઢુઓ નિરાંતે ખબર પૂછે છે, ''ઓય હોય... આ તો ખાલી મોતીયો જ હતો, એમ ને? મને તો એમ કે...'' એમણે બોલેલા આગળના શબ્દો અહીં હું ફક્ત લખવા ય જઉં તો, બાકીની બીજી ચાર હેડકીઓ આ લખતા લખતા આવી જાય.

પણ મને આંખના ખૂબ સારા સર્જન મળી ગયા હોવાથી પોતે અને મારા ફેમિલી પાસે મારા મોતીયાની સારસંભાળ ખૂબ જાળવીને લેવડાવી. ખાસ તો મોતીયાવાળી આંખ ઉપર પ્લાસ્ટિકનો ફૂલેલા- ફૂલેલા વાડકા જેવું ઢંકાવી દઇને એની ઉપર બેન્ડ-એઇડ જેવી પટ્ટીઓ લગાવી દીધી, જેથી એ આંખને નુકસાન ન થાય, પણ વાઇફ જુદુ સમજી. વાડકાવાળી આંખે મારે ફક્ત ૨૪ કલાક રહેવાનું હતું, એમાં એ ખીજાણી, ''તમે ય તી સુઉં... આ ઉંમરે ગામ આખાને આંયખુ માર માર કરો છો? હવે આ હારૂં નો લાગે?'' એ તો જવાબ આપવા મેં એની સામે જોયું, ત્યારે એ શરમાઇ, ''હવે આઘા રિયો.. ઘરમાં વઉ આયવી છે... નથ્થી હારા લાગતા.'' હું સારો નહિ લાગતો હોઉં, એ પોસિબલ છે, પણ એક બંધ આંખે હું ગામ આખાને આંખો મારૂં છું, એ એનો ભ્રમ તૂટી ગયો, એ સારૂં થયું.... હવે ભવિષ્યમાં એને કદી ભ્રમ તો નહિ રહે!... આપણે કાયદેસરના છૂટ્ટા!

આપણે હજી નાનકડી દુકાન શરૂ કરી હોય ને ઇલાકાના મવાલીલોગ આવીને પહેલો હપ્તો ઉઘરાવી જાય, એ જ દિવસથી, ''હવે બીજો લેવા ક્યારે આવશે?'' એ ફફડાટમાં આપણે ગ્રાહકને ય મવાલી સમજીને માલ મફતમાં આપી દઇએ, એમ એક આંખે આવેલો મોતીયો હવે બીજી આંખમાં ક્યારે આવશે, એના ફફડાટમાં હું એક આંખ બંધ રાખીને ય નિરાંતે સૂઇ શકતો નથી. ક્યારે અને ક્યાંથી આવશે, એની ભવિષ્યવાણી તો જગતના સર્વોત્તમ ઓપ્થલ્મોલોજીસ્ટ (આંખના ડોકટર) પણ નથી કરી શકતા... ''પણ આવશે ખરો... મોડો વહેલો!'' એવું કહીને ડોકટરો આપણને બાકીના આયખામાં ય ડરતા રાખે છે. એક આશ્વાસન રહે છે કે, 'આવે જ,એવું નક્કી ન હોય.. ન ય આવે!'' એ ધોરણે આપણે અડધી જ ચિંતા કરવાની રહે... જે હયાત છે એ આંખની. કારણ કે, મોતીયાનો સ્વભાવ પણ નિરાળો છે. એક વાર એક આંખમાં આવી ગયો, પછી એની એ જ આંખમાં બીજી વાર કદી ન આવે. બીજીમાં ચોક્કસ આવી શકે. આ હિસાબે - આટલું જાણ્યા પછી હવે મને ભગવાન શિવજીની મોટી ચિંતા થાય છે. એમને તો ત્રીજું નેત્ર પણ હતું. એ જો ખુલ્યું તો માતા પાર્વતીને દોડધામ થઇ જતી અને રાગ માલકૌંસ ગાઇને ભગવાનના તાંડવ નૃત્યને શમાવવું પડયું હતું.

શિવજીનું જોઇને મને ય એમ થાય છે કે, ઇશ્વરે આપણને પણ બે ને બદલે એક સ્પેરમાં રાખી મૂકવાની ત્રીજી આંખ આપી હોત, તો સંભાવનાઓ ઊભી થાય ત્યારે વાઇફ ઉપર એ ખોલીને તાંડવ- નૃત્ય કરવા માંડવાનું, જેથી એ જીવનભર આપણા કાબુમાં રહે અને બીજી વ્યવસ્થા એ થઇ શકે કે, આવા કોઇ મોતીયા બોતીયા આવ્યા હોય તો પેલી સ્પેરવાળી આંખ કાઢીને ડોકટરને આપી આવવાની, ''જો જો... જરા ઘરના સમજીને બિલ બનાવજો.''

આ એક આંખે મોતીયો આવ્યો, એટલે પેલા ગીતનો અર્થ સમજાયો, ''નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયા છે...''

એટલું વળી સારૂં છે કે, હવે અગાઉની ડોસીઓની જેમ કાળા ડાબલાં જેવા (સાઇડમાં ચામડાના પટ્ટાવાળા) ગોગલ્સ પહેરવા પડતા નથી. કાળા ભમ્મર ગોગલ્સ સાથે આપણું માથુ ગર્વથી નહિ, પણ લાચારીથી વાંકી ડોકે અડધા આસમાન તરફ રહેતું. હાથમાં સફેદ અને લાલ રંગની લાકડી પછાડ પછાડ કરતા જીવનમાં અને રસ્તા ઉપર આગળ વધતા જવાનું. કોઇ પ્રજ્ઞાાચક્ષુને રસ્તો ક્રોસ કરાવતું હોય, એમ કોક આપણો હાથ ઝાલીને હળવે હળવે નૈયા પાર કરાવે, એ દ્રષ્ય મારા માટે અસહનીય હતું. એમ તો ઓપરેશન પછીના પહેલા ૫-૬ દિવસ મેં ય કાળા ગોગલ્સ પહેરી રાખ્યા હતા. અરીસામાં પહેરેલા ગોગલ્સે મારો ચેહરો જોઉ, તો મેક્સિમમ હું ડો. શ્રીરામ લાગુ જેવો અને મિનિમમ, પૂરપાટ ધસી આવતી ટ્રેનના પાટા ઉપર મારી લાલ-સફેદ લાકડી પછાડી પછાડીને પાટા ઓળંગતો હોઉં, એવો લાગતો.

મોટી કોમેડી આંખમાં ટીપાં નાંખતી વખતે થતી. ડોકટરે ચોખ્ખી ના પાડી હતી કે, ટીપાં જાતે નહિ નાંખવાના, એટલે વાઇફને આ કામ સોંપવામાં આવ્યું. એની આંખે મોતીયો નથી પણ અનેકવાર મારા ધ્યાનમાં આવ્યું છે કે, ટૉઇલેટના કમોડમાં ડોલ ભરીને પાણી રેડવાનું હોય ત્યારે-કારણોની તપાસ ચાલુ છે - એ કમોડને બદલે ફર્શ પર ડોલ ઢોળી દેતી. મને ખૂબ ભાવતી દાલ-મખ્ખની બાઉલને બદલે અનેક વાર એણે મારા પેન્ટ ઉપર સીધી રેડી છે. મહીં ઘી વગરની ખાલી કોરી દિવેટ જ પડી હોય ને દિવામાં રેડું છું સમજીને વાઇફે ચમચો ઘી સીધું ભગવાનના પગમાં ઢોળ્યું હોય.

આની પાસે મારી આંખોમાં ટીપાં નંખાવવાના હતા.

પહેલે દિવસે અનુભવને અભાવે એણે ટીપાં મારી મૂછો ઉપર રેડયા, એટલે એનો ખાસ કાંઇ વાંક ન કહેવાય.

પણ બીજી વખત ટીપાં નાંખતી વખતે એણે પૂરી સાવધાની બર્તી. મારા આખા ફેમિલીને બોલાવીને મારા હાથ-પગ જકડીને ટાઇટ દબાવી રાખવાની સૂચના આપી. ''ઇ બોલ બોલ બઉ કરે છે... એના મોઢામાં ય એક ડૂચો દાબી દિયો... પછી હું શરશ રીતે એમની આંયખુંમાં ટીપાં તો ઠીક... તમે કિયો ઇ નાંખી દઇશ.''

ધૂ્રજ્યો હું કે, ક્યાંક મારૂં ફેમિલી આની ફર્માઇશ મુજબ, 'જે કિયો ઇ નાંખી દઇશ'વાળું કાંઇ આના હાથમાં ઝલાવી ન દે.

'જંગ જીત્યો રે મારો કાણીયો'ના હર્ષોલ્લાસ સાથે ટીપું નંખાઇ ગયા પછી ફેમિલીના દરેક ચેહરા સામે ગર્વથી જોતા જોતા છેલ્લે એણે મને પૂછ્યું...''ખુસ્સ... હવે તો ખુસ્સ કે નંઇ...? બરોબર આંખની મિડલમાં જ ટીપું પઇડું છે, ઇ તમે જોયું?''

''હા, જોયું... પણ ટીપું ડાબી આંખમાં નાંખવાનું હતું... જમણીમાં નહિ.''

''આમને બાંધો ફરીથી...!''

સિક્સર
- દિલ્હીમાં એકદી-બગડી નંબરની કારો એક પછી એક દિવસે જ ચલાવી શકાશે. પ્રદુષણ ઘટાડવાનો આવો પ્રયોગ અમદાવાદમાં આવશે?
- એ તો ખબર નથી, પણ ટ્રાફિક નિયમોને ભંગ કરનાર દસની નોટ પકડાવીને છૂટી જાય છે, કે રસ્તા ઉપર થૂંકનારને આકરો દંડ ચૂકવવો પડે, એવા નિયમોનો અમલ થાય તો ય બહુ છે!

No comments: