Search This Blog

18/12/2015

'અપરાધ' (૭૨)

'૭૨-ની સાલમાં તમે કેવા બુદ્ધિશાળી હતા, એ યાદ રહ્યું હોય તો આ ફિલ્મ જોવી ગમે એવી છે.

ફિલ્મ : 'અપરાધ' (૭૨)
નિર્માતા-દિગ્દર્શક : ફિરોઝ ખાન
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતકાર : ઈન્દિવર
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ : ૧૩૭-મિનિટ્સ
થીયેટર : રિગલ સિનેમા (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, પ્રેમ ચોપરા, સિધ્ધુ, કુલજીત, રણધીર, મદન પુરી, મુકરી, ફરિયાલ, ઈફ્તેખાર, હેલન, શ્યામ કુમાર, શેટ્ટી, બ્રહ્મ ભારદ્વાજ, ભૂષણ તિવારી, ટુનટુન, પોલસન, રણવીર રાજ, હબીબ, પાલ શર્મા, હર્ક્યૂલીસ, કૃષ્ણ મહેતા અને સુજાતા.


ગીતો
૧. હમારે સિવા, તુમ્હારે ઓર કિતને ઠીકાને હૈ ?... લતા-કિશોર
૨. તુમ મિલે, પ્યાર સે, મુઝે જીના ગંવારા હુઆ... લતા-કિશોર
૩. હાય, તુમ હો હંસિ વફા તુમકો, મેરી જાં... કિશોર કુમાર
૪. અય નૌજવાં હૈ સબ કુછ યહાં, જો ચાહે લે લે... આશા ભોંસલે
૫. અસ્સલામ... (ગીતકાર : હસરત જયપુરી)... આશા-મહેન્દ્ર

એક જમાનામાં સુંદરતાની નજરથી ય આપણી ભરચક જવાનીમાં આપણે જેની પાછળ પાગલ હતા... (અહીં 'સુંદરતાનો અર્થ 'સેક્સી સુંદરતા' થાય છે.) એ બધી આપણા જમાનાની હીરોઈનોને આજે જોઈએ-ભલે ફોટામાં, તો ચોથા પૅગે ચઢેલી વ્હિસ્કી ય ઉતરી જાય કે, હવે આ હીરોઈનો આટલી કદરૂપી અને તદ્દન સામાન્ય લાગે છે ? સારૂં થયું ને, એ જમાનામાં આપણે બચી ગયેલા ? વહિદા રહેમાન, વૈજ્યંતિમાલા, સાધના, આશા પારેખ કે મુમતાઝો આજે ય હયાત છે અને એ જમાનાવાળી સુંદરતાનો છાંટો ય એકે ય માં બચ્યો નથી. ઉંમર એનું કામ કરે ને જગતની કોઈ સુંદર સ્ત્રી, સૌંદર્યનો અમરપટ્ટો લખાવીને નથી આવી, એ બધી વાત સાચી... સમજવાનું આજની યુવાન અને એવી સુંદરતા સાથે સેક્સી લાગતી, પછી એ હીરોઈનો હોય કે, આપણી સોસાયટીમાં રહેતી બેન ચંપા હોય ! યુવાનીનો એ તબક્કો પૂરો થયો, એટલે ધરતી પર પાછી આવી જાઓ, અમ્માઓ !'

તમે શું માનો છો, કરવું હોય તો આપણા જમાનાની એ બુઢ્ઢી હીરોઈનોને હજી ફિલ્મોમાં કામ ના મળે ? અફ કોર્સ મળે છે, પણ કરી શકે એમ નથી. કારણ કે રૂપની જ્યારે જાહોજલાલી હતી, ત્યારે એમની ફિલ્મોના હીરોલોગથી માંડીને પ્રોડયુસરો આ લોકોની પાછળ ગુલામો થઈને રહેતા. એ સ્ટુડિયોમાં દાખલ થાય, ત્યારથી નિર્માતાઓનું ટેન્શન વધી જતું. એક તો એમની માં સાથે આવી હોય ને બીજું ફાધરનું કિંગડમ હોય, એમ જેને ને તેને, ''આ લાવો'' અને ''તે લાવો''ના સરમુખત્યાર હૂકમો છોડતી ને એક એક હૂકમનું પાલન થતું જ ! આવું સામ્રાજ્ય જોયું હોય, એ જૂની વહિદા કે આશાને આજે હીરોની માં નો રોલ કરવાનો હોય, એ એક એકસ્ટ્રાથી વધુ મહત્વનો તો ન હોય, પણ એ જ સ્ટુડિયોના ચોથા વર્ગના કર્મચારીથી થોડી ય ઊજળી હાલત હોય નહિ. પોતાનો શોટ આવે ત્યારે કોઈ કામદાર બોલાવવા આવે, ''ચલો... સા'બને બુલાયા હૈ.'' પોતાની હવે કોડીની ય કિંમત રહી નથી એનું ભાન પડી ગયા પછી કઈ હીરોઈન ફિલ્મ કરવા આવે ?

મુમતાઝના ત્યારના અને અત્યારના ફોટા મેં જોયા, પછી આટલું બધું લખવું પડયું. મને ચોક્કસ બહુ ગમતી હતી પણ આજની મુમતાઝને જોયા પછી લિફ્ટ નહિ, દાદરો ઉતરીને ધરતી પર પાછા આવી જવું પડયું.

હીરોલોગનું સાવ એવું નહોતું કે, ઘરડા થયા પછી જોવા ય ન ગમે. દિલીપ કુમાર આજે ૯૩-વર્ષની ઉંમરે ય કેવો ગ્રેશિયસ લાગે છે ! રાજ કપૂર પણ હર્યોભર્યો લાગતો. બિમારીને બાજુ પર મૂકીએ તો શશી કપૂર અને છેલ્લા શ્વાસ સુધી રાજેન્દ્ર કુમાર પણ સોહામણા લાગતા હતા. હીરોઈનોમાંથી તો એકે ય એવો ચાર્મ જાળવી શકી નથી... મુમતાઝ પણ નહિ ! એ જ મુમતાઝ એ જમાનામાં-લાડમાં- 'મુમુ' કહેવાતી. ફિરોઝ ખાન આજે એનો વેવાઈ થાય પણ બન્નેની ભરચક યુવાનીમાં સંબંધ વેવાઈવેલાંનો નહતો... આપણને ઈર્ષા આવે એવા હતા. ફિરોઝનો પુત્ર અને મુમુની દીકરીના લગ્ન... તિરાડ... મેળાપ... વગેરે ઊલટાસૂલટી ન્યુઝો આવે રાખતા. છેલ્લે ફિરોઝને નાના પાટેકર સાથે ફિલ્મ 'વેલકમ'માં એના ટાલીયા માથે જોયો હતો, પણ એની જુવાનીના દિવસોની ડેશિંગ પર્સનાલિટીમાં કોઈ ફરક જણાયો નહિ. એ પણ 'ખાન' હતો, પણ જુદી માટીનો ! છેલ્લે એ પાકિસ્તાન ગયો ત્યારે ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા પાકિસ્તાની સત્તાવાળાઓને બરોબરની ચોપડાવીને આવ્યો હતો કે, ''તમારા મુલ્ક કરતા મારા ભારતમાં મુસલમાનો વધુ સલામત છે.''

યસ. એક જમાનામાં રાજકુમાર-દિલીપ-દેવ પોતાની છાતીના વાળ દેખાઈ ન જાય, એ માટે ગળા સુધી શર્ટના બટનો બંધ રાખતા. પછી આ ફિરોઝ ખાનનો નાનકડો યુગ શરૂ થયો, એમાં 'મર્દની છાતી પર વાળ હોય', એવી ફેશન ઘર ઘર ફરી વળી. છેલ્લે સલમાન ખાનની પેઢી શરૂ થઈ, એ લોકોએ રીતસર મહેનત કરીને - ઈશ્વરે જે આપ્યું છે, એવા શરીરમાં સુખી થઈ જવાને બદલે કટિબદ્ધ સ્નાયુઓ બનાવ્યા. શરીરના એક એક અંગને અથાગ કસરતો કરીને વિકસાવ્યા... ખાસ કરીને બાંવડા અને છાતીના મસલ્સ બતાવવા માટે વાળ વચમાં આવતા હતા, તે બધાએ છોલાવી નાંખ્યા. હવેના યુવાનોને છાતી ઉપર ટાલ પડે, તો ચિંતા નથી, ગર્વ છે.

ફિલ્મની વાર્તા એક થ્રિલરની હદોને અડે, એવી મજાની તો ચોક્કસ બની હતી. રામ ખન્ના (ફિરોઝ) જર્મનીમાં યોજાતી ફોર્મ્યૂલા-વન કાર રેસમાં ભાગ લેવા જર્મની જાય છે. ત્યાં એ ચેમ્પિયન પણ બને છે. અહીં મૂળ ભારતની પણ વર્ષોથી યુરોપમાં ઉછરેલી મુમતાઝ નાથ (સિધ્ધુ) નામના ગુંડાની ચુંગાલમાં ફસાય છે. બહુ સિફતપૂર્વક મુમતાઝ જ્વેલર (રણધીર)ની શોપમાંથી રૃા. ૧૫-લાખનો નેક્લેસ ખરીદે છે, પણ પૈસા ચૂકવવાને બદલે એના ડૉક્ટર પતિ (મદનપુરી)ના ક્લિનિક પર એ નેક્લેસ પહોંચાડવાની વિનંતિ કરે છે. રણધીરના પહોંચતા પહેલા મુમુ મગજના રોગોના નિષ્ણાત ડૉક્ટર મદનપુરી પાસે પહોંચીને એવું સાબિત કરી દે છે કે, મારો પતિ (રણધીર) મગજની બિમારીથી પીડાય છે અને ગમે તેને મારો પતિ માની બેસે છે... યહાં તક કિ, વો આપ કો ભી મેરા શૌહર સમઝ લેંગે... ઔર હર એક આદમી કો અપના કસ્ટમર સમઝ કર અપના માલ બેચને પર તુલે હૈ... મદન પુરી આ જાળમાં ફસાય છે. રણધીર હાર લઈને આવે છે અને મદનને મુમુ ખાત્રી કરાવે છે કે, જુઓ, તમને પણ એ મારા પતિ માની બેઠા છે. દરમ્યાનમાં, ''આપ દોનોં બાતેં કરો... મૈં ઈસે ગાડી મેં રખ કે આતી હૂં'' કહીને મુમુ ઊડનછુ થઈ જાય છે. પોલીસે રેડિયો પર કરી દીધેલા એલાનને પગલે મુમતાઝ હાઈ-વે પકડે છે, પણ પેટ્રોલ ખલાસ થઈ જતા દુઃખિયારીઓના આધાર ભગવાન શ્રીરામને બદલે ફિલ્મ રામ ફિરોઝ ખાન મળે છે. બન્ને વચ્ચે પ્રેમ થઈ જાય છે, પણ મુમુ પેલો નેકલેસ ફિરોઝના જેકેટમાં મૂકી દે છે. બન્ને એક જ હોટલમાં ઉતર્યા હોવાથી મુમુના ગુંડાઓનો નાથ (સિધ્ધુ) એ હાર પાછો નહિ લાવવા બદલ મુમુને મારે છે. વાસ્તવમાં ફિરોઝના રૂમમાં જઈને સિધ્ધુની આસિસ્ટન્ટ ફરિયાલ એ હારચોરી લઈ એને બદલે નકલી હાર મુકતી આવે છે. રામ કાર રેસનો ચેમ્પિયન હોવાથી આખું જર્મની એને ઓળખતું હોય છે અને પોલીસ તપાસમાંથી બન્ને હેમખેમ બહાર નીકળી જાય છે. સિધ્ધુ એન્ડ પાર્ટીને લટકતી રાખીને પ્રેમી પંખીડાઓ ઊડીને ભારત આવતા રહે છે, પણ અહીં એનો મોટો ભાઈ (પ્રેમ ચોપરા) મોટો ગુંડો હોવાથી એનો હરિફ શેખ અરબ (હબીબ) પોલીસને માહિતી આપી દે છે કે, ફિરોઝ હીરા લઈને આવી રહ્યો છે. ફિરૂને જેલ થાય છે પણ પ્રેમ ચોપરાના સાથીઓ પૈકીનો હલક્ટ ગુંડો શ્યામ કુમાર જબરદસ્તીથી રામની ફેક્ટરીમાંથી ચોરી કરાવવા ઉપરાંત ચોકીદારનું ખૂન કરે છે, જેનો ઈલ્ઝામ રામ ઉપર આવે છે. એ ઘવાયેલો હોવાથી હોસ્પિટલમાં ખસેડવો પડે છે, જ્યાંથી લાંબી સમજાવટ બાદ પ્રેમ ચોપરા રામને ભગાડી જાય છે ને મુમુને સુરક્ષિત ઠેકાણે પાડી દે છે. આ બાજુ, શેખ અરબનું રૃા. ૫૦-લાખનું સોનું પ્રેમ અને ફિરોઝ લૂટી લે છે, પણ એના બદલામાં શ્યામકુમાર મુમુને ઉઠાવી જાય છે. ૫૦-લાખના બદલામાં મુમુને છોડાવવાની ભાંજગડમાં બધા ગુંડાઓ સહિત પ્રેમ ચોપરા પોલીસને હાથે માર્યા જાય છે ને ફિલ્મ પૂરી થાય છે.

દરેક ફિલ્મ સર્જકની જેમ ફિરોઝને ય એક ધૂન હતી. એણે બનાવેલી મોટા ભાગની ફિલ્મોમાં બરોબર ઇન્ટરવલ વખતે એ જેલમાં જતો કે બહાર આવતો દેખાય. માથે ટાલ પડવા માંડી અને હીરોગીરી છોડવી નહોતી, એટલે લેવા-દેવા વગરની 'કાઉબોય-હેટ' પહેરીને ફરતો. 'ખોટે સિક્કે'ના દિવસો દરમ્યાન તો એ પોતાને ઇન્ડિયાનો ક્લિન્ટ ઇસ્ટવૂડ સમજવા માંડ્યો હતો. આપણને હિંદી ફિલ્મસ્ટારોની આ વાત સમજાય નહિ. તમે પોતાને ગ્રેગરી પેક સમજતા હો કે જુલિયા રોબર્ટ્સ....એમ કેમ નથી માનતા કે, તમે ગ્રેગરી કે જુલિયા કરતા વધુ સુંદર હોઇ શકો છો !

ફિરોઝનો નાનો ભાઈ સંજય ખાન, એનાથી નાનો સમિર અને એનાથી નાનો અકબર ખાન. પૈસો ઘણો હતો આ લોકો પાસે. ફિલ્મનગરીમાં એ વખતે આ લોકો 'ધી ખાન-બ્રધર્સ ઓફ જુહુ' કહેવાતા. સંજય ખાન જેવો વૈભવશાળી બંગલો એ જમાનામાં બહુ ઓછા મુંબઈગરાઓ પાસે હતો. મેં જોયો છે. આજે પણ એ ત્યાં જ રહે છે.

ફિરોઝ હતો ય દિલવાળો. ફિલ્મ બનાવતી વખતે ધૂમ પૈસા ખર્ચવામાં એણે પાછું જોયું નથી. ફિલ્મ 'કુરબાની'માં નવીનક્કોર મોંઘીદાટ કારને અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં અથડાવી અથડાવીને કૂચો કાઢી નાંખે છે, ત્યારે શુટિંગમાં ઉપસ્થિત તમામના જીવો ભડકે બળી ગયા હતા. પણ પ્રેક્ષકો પાસેથી એ પૈસા ફિરોઝે વસૂલ કરી લીધા. એ વખત સુધીના પ્રેક્ષકોએ આટલી મોંઘી કારના આવા ફૂરચા ઊડતા જોયા નહોતા. બધા અંજાઈ ગયા હતા. ફિરોઝ માટે ગમ્મતમાં એટલું કહી શકાય કે હોલીવૂડની વર્ષોથી બહુ જામેલી ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'( જેની એક પછી એક સીક્વલો બહાર પડાતી રહે છે)ની પ્રેરણા ફિરોઝ ખાનની 'કુરબાની'માંથી મળી હશે... !

'૭૦-ના દાયકામાં પુરૂષો કાનની બાજુમાં લાંબા થોભીયા રાખતા (જેને 'સાઈડ-લોક્સ' અથવા 'સાઈડ-બર્ન્સ' પણ કહેવાય) બેલ-બોટમ પેન્ટ્સ આજે હાસ્યાસ્પદ લાગે, પણ આપણે ય બધા 'બોલ મારી અંબે... જય જય અંબે' કરતા સિવડાવી આવતા.

હું હેલનને અમદાવાદમાં રૂબરૂ મળ્યો હતો. મશહૂર અને મરહૂમ શાયર શેખઆદમ આબુવાલા પણ સાથે હતા. રીલિફ ટોકીઝની બાજુમાં કેપ્રી કે એવા કોઈ નામની હોટલ હતી ત્યાં હેલનને મળવા ગયા. ઈન્ટરવ્યૂ લીધો. પૂરી નિખાલસતાથી કહું છું કે, ફિલ્મી લેખક/પત્રકારની મારી ૪૪-વર્ષની કરિયરમાં હેલન જેવી રૂપાળી સ્કીન બીજી કોઈ અભિનેત્રીની જોઈ નથી. હીરોલોગમાં રાજ કપૂર અને શશી કપૂર... સમજો ને, બધા કપૂરો પણ એવા જ ફૂલ ગુલાબી સ્કીનવાળા ! મને ડાઉટ છે કે, હેલનના પોતાના વાળ બહુ આછા અથવા સુંદર સ્ત્રીને શોભે એવા નહોતા કારણ કે, તમે યાદ કરો એ બધી ફિલ્મોમાં હેલને પોતાના વાળને બદલે વિગ જ પહેરી છે. પણ હેલન વાત-વ્યવહારમાં ડીસન્ટ પણ બહુ નીકળી. એ પોતે આટલી 'ધી ગ્રેટેસ્ટ ડાન્સર/એકટ્રેસ એવર ઓફ ઈન્ડિયા' હોવાનું અભિમાન તો જાવા દિયો... એ અત્યંત સાહજીકતાથી અમારી સાથે વાત કરતી અને માન ખૂબ આપતી હતી. કોઈ નખરા નહિ. (મારી સાથે એણે શેઈક-હેન્ડ કર્યા, એ દિવસે ઘેર જઈને મેં એ હાથ ધોયો નહતો... સાલો બદમાશ અશોક... !)

ફિલ્મનગરીની કદાચ હેલન એક માત્ર હીરોઈન હતી, જે કેબરે-ડાન્સ પણ પગમાં હિલ્સ (ઊંચી એડીવાળા ચપ્પલ) પહેરીને કરતી. 'શબિસ્તાન' ફિલ્મથી એને લાવનાર ડાન્સર કક્કુ હતી અને એ વખતની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં કક્કુનો ડાન્સ હોય જ. પણ એક વાર હેલન ફિલ્મોમાં આવી એટલે પ્રેક્ષકો કે પ્રોડયુસરોને સારી ડાન્સર કોને કહેવાય, એની ખબર પડવા માંડી. કક્કુએ ફિગર તો અદભુત જાળવી રાખ્યું હતું, પણ એની કોઈ પણ ફિલ્મ જુઓ, ડાન્સના સ્ટેપ્સ એણે બદલ્યા નહિ. એક જ સ્ટાઈલનો ડાન્સ બધે ! ત્યારે ફિલ્મ 'ઈન્તેકામ' કે 'તીસરી મંઝિલ' કે 'કારવાં'માં હેલનના સ્ટેપ્સ જુઓ... તફાવત ઘેરબેઠા ખબર પડી જશે.

સિધ્ધુ ફિલ્મિસ્તાનની પ્રોડક્ટ હતો. જોય મુકર્જીની પ્રારંભની ફિલ્મોમાં એ અચૂક હોય. જોયના સૌથી નાના ભાઈ શુબિર મુકર્જીને મેં સિધ્ધુ વિશે પૂછ્યું હતું કે, આવો ખૂંખાર વિલન અચાનક કઈ ગુમનામીમાં ખોવાઈ ગયો. એની પાસે ય જવાબ નહતો. આશા-શશી કપૂરવાળી ફિલ્મનો વિલન કૃષ્ણ મેહતા ય ૪-૫ ફિલ્મોમાં આવ્યા પછી આજ સુધી એનું વિઝિટિંગ-કાર્ડ પણ હાથમાં આવ્યું નથી. એવો જ વિલન કુલજીતસિંઘ હતો, જેને બનતા સુધી ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં દેવ આનંદ ખાસ અમેરિકાથી લઈ આવ્યો હતો. થોડી ફિલ્મોમાં દહાડા-પાણી કાઢ્યા પછી, એ ય ગૂમ થઈ ગયો. ફરિયાલ તો એર હોસ્ટેસ હતી અને એક સમયની શશી કપૂરની પણ ફિલ્મ 'બિરાદરી'ની હીરોઈન હતી. એનો ય કોઈ અતોપતો નથી. એવા જ ઉંચા પડછંદ અને કદરૂપા વિલન તેમજ ડાન્સર સુજાતાના નામો ટાઇટલ્સમાં છે. ભાગ્યેજ હકરત જયપુરી પાસે લખાવનાર કલ્યાણજી-આનંદજીએ આ ફિલ્મ માટે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર પાસે ગવડાવેલું કોઇ, ''અસ્સલામ'' નામનું ગીત પણ ડીવીડીમાંથી કપાઇ ગયું છે.

ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું, એટલું લખું, એમાં ય પોણા ભાગના વાચકો સમજી જવાના કે એકે ય ગીતમાં ઠેકાણું નહિ હોય... નથી જ ! એક 'સરસ્વતિચંદ્ર'ના ગીતો શું લખી નાંખ્યા કે ગીતકાર ઈન્દિવર હલકી કક્ષાએ ઉતરવા માંડયા. ફક્ત આ જ ગીતનું મુખડું વાંચો, ''હમારે સિવા, તુમ્હારે ઓર કિતને ઠીકાને હૈ... ?'' હીરોઈન કોલ-ગર્લ હોય તો આવું લખાય.

આ ફિલ્મ ફરીથી ન જોવાય તો ચાલે... સિવાય કે મુમતાઝને જોવાના ચહડકા હજી ચાલુ હોય !

No comments: