Search This Blog

07/02/2016

ઍનકાઉન્ટર : 07-02-2016

*'ઇન્ડિયા'ને બદલે 'ભારત' બોલાવવું જોઇએ કે નહિ ?
- ના. બ્રાહ્મણ કે જૈનને બદલે ''ભારતીય'' બોલાવવું જોઇએ.
(ડૉ. ધવલ કથિરીયા, આણંદ)

* 'ગોરધન' શબ્દ પૂરા શબ્દકોષમાંથી ન મળ્યો.
- ગોરધનને શબ્દકોષમાં નહિ...રસોડામાં શોધવાનો હોય !
(મહેન્દ્ર પરીખ, મુંબઈ)

* ભગવાન બે શાપિત આત્માઓને પતિ-પત્ની કેમ બનાવે છે ?
- જગતના તમામ યુધ્ધો શાંતિ સ્થાપવા માટે થાય છે.
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* ભૂદેવોને અનામતની જરૂર ખરી કે નહિ ?
- હવે આ શબ્દની પણ સૂગ ચઢે છે. (હવે પછી અનામત વિશે સવાલો કોઇ ન પૂછશો.)
(હિમાંશુ શુક્લ, અમદાવાદ)

* ધર્મ અને જાતિના નામ પર થતી લડાઇઓથી દેશની મિલ્કતને કેટલું નુકસાન થાય છે....!
- તો પછી અમારી લડાઇઓ કરવાની હૉબી વાપરવી ક્યાં ?
(દેવાંગ કબુતરવાલા, સુરત)

* તમે હૅર-ડાઇ કરો છો ખરા ?
- ના. કેટલાક લોકો જન્મથી જ હૅન્ડસમ હોય છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* મોદી પાકિસ્તાન સામે લાલ આંખ ક્યારે કરશે ?
- કન્ઝક્ટિવાયટીસ થશે ત્યારે.
(દિવ્યા સાણંદીયા, સુરત)

* 'એક બિહારી, સો ને ભારી...' તો એક ગુજરાતી ?
- પાણી-પુરી ખઇ લે, પછી ખબર પડે !
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)

* સાત દિવસ નૅટ બંધ હતું, ત્યારે તમે શું કર્યું ?
- પોતાની બુધ્ધિથી કામ કર્યું.
(દીપક સોલંકી, નિકોલ)

* ૪૫-૫૦ ની ઉંમર સુધી સુંદર શર્ટ-જીન્સ પહેરનારાઓ એ પછી લેંઘા-કફની ઉપર કેમ આવી જાય છે ?
- લોકલાજને ખાતર એટલું તો પહેરવું પડે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* બપ્પી લાહિરી મહાચોર હોય તો ફિલ્મ 'ઍતબાર'નો ઓરિજીનલ ખજાનો કોનો ?
- આવું એના સંતાનો વિશે પૂછો, તો તપાસે ય કરાવીએ...બાકી તો, 'સારા જહાં હમારા...'
(વિક્રાંત એચ. દળવી, વડોદરા)

* નવી પડોસણ દૂધનું મેળવણ માંગીને સંબંધ શરૂ કરે તો ?
- તમારે ધ્યાન દૂધમાં રાખવાનું... દહીમાં નહિ !
(મધુકર માંકડ, રાજકોટ)

* આપને કાનુડાની જેમ મટકીઓ ફોડતા આવડે છે ?
- એ પછી તો અમારા જમાનામાં મટકીને બદલે પિત્તળના ઘડા આવી ગયા... આજ સુધી માંજમાંજ કરૂં છું.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* મૂર્ખાની નિશાની એ કે, પોતાને બુદ્ધિશાળી માને... મોટા ભાગના નાગરો પોતાને બુધ્ધિશાળી માને છે. તમે સુઉં કિયો છો ?
- નાગરો પોતાને બુદ્ધિશાળી માને છે, પણ બીજાનો ય એટલો આદર કરે છે. મારી મનગમતી કૌમ છે.
(ફાલ્ગુન વૈદ્ય, ઈલિનૉય-અમેરિકા)

* આજકાલ ફૅસબૂક પર બનતા સંબંધો વિશે તમે શું માનો છો ?
- મને એટલી ખબર છે કે, હું ફૅસબૂક, ટ્વિટર, બ્લૉગ કે વૉટ્સઍપ કદી ય વાપરતો નથી...
(હરેકૃષ્ણ સાધુ, સુરત)

* અશોકજી, તમે કેટલું ભણ્યા છો ?
- મને ડર હતો જ કે, ક્યારેક તો ભાંડો ફૂટશે જ...!
(સચિન ભટ્ટ, કોસંબા)

* ...વજન વધારવા શું કરવું જોઈએ ?
- પૈસા ટૅબલની નીચેથી સરકાવવા.
(નિમોશ કાલરીયા, અમદાવાદ)

* તમે કોઇ છોકરીને પ્રેમ કરતા હો, પણ એ આપણને કરે છે કે નહિ, એની ખબર કેમ પડે ?
- આમાં તમે વચ્ચે ક્યાંથી ઘુસી આવ્યા ?
(રજનીકાંત કે. જોશી, સરઢવ)

* પત્ની અને ત્રાસવાદી વચ્ચે શું ફરક ?
- ત્રાસવાદીને બચ્ચીઓ ના ભરાય....!
(વિજય સંઘવી, મુંબઇ)

* ક્રિકેટમાં ફક્ત ૧૧-ખેલાડીઓ જ કેમ હોય છે ?
- ભારત આમ ને આમ હારતું રહ્યું, તો જોનારા ય એટલા જ હશે.
(કુશ કાલરીયા, સિધ્ધપુર)

* મારે એક છોકરી સાથે લગ્ન કરવા છે, પણ છોકરીની ઉંમર નાની પડે છે, તો શું કરવું?
- જોઇ જુઓ...એની મમ્મીની ઉંમરની કોક કૂંવારી ફિટ બેસતી હોય તો.
(નૅલ્સન પરમાર, નવચેતન)

* 'મેરા ભારત મહાન.' તો એ મહાન થશે કે નહિ ?
- સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા...'
(દર્શન સોંડાગર, સુરત)

* શું તમે તમારા લગ્ન પછી ક્યારે ય હસ્યા છો ?
- રૂલાઓગે ક્યા....?
(મહમદ તકી દાતારી, ભાવનગર)

* શું યુવાશક્તિ સારા કામો માટે વપરાઇ રહી છે ?
- 'વૉટ્સઍપ'ને તમે સારૂં કામ નથી ગણતા ?
(અભિજીત પાલેકર, દમણ)

* શું લોકનેતા બનવા માટે લોકોની નજીક રહેવું જરૂરી છે ?
- ચૂંટણી પહેલા બેશક જરૂરી છે. હવે તમે ક્યાંય કિરણ બેદીનું નામે ય સાંભળો છો?
(મિહિર બી. ત્રિવેદી, અમદાવાદ)

No comments: