Search This Blog

10/02/2016

અય જીંદગી...

જીંદગી વિશે હું શું માનું છું, એવી ફાલતુ વાતો હું કરવાનો નથી... તમે શું માનો છો, એની વાતો કરવી છે. હું જે માનું છું, એ મારા ઘરમાં ય કોઈ માનતું નથી (આમ તો રામ કસમ... તમારી ય એ જ હાલત છે !) અને ઘરમાં બધા ચોક્કસપણે માની ગયા છે કે, ''બુઢ્ઢા સઠીયા ગયા હૈ...!''

હાથમાં માઇક કે કલમ મળી, એટલે જે ટેસ્ટનો ઘાણ ઉતારવો હોય, એ મુજબનો માલ અમારા લેખકો- કવિઓ ઉતારે છે. 'જીંદગી એટલે કાગળની હોડી... ઝંઝાવાતી દરિયામાં પલળી પલળીને અશક્ત બની જાય ત્યાં સુધી ઝીંક ઝીલીને તરતી રહે છે...એના જેવી બીજી સેંકડો હોડીઓ એકબીજીને અફળાતી આગળ વધતી જાય છે... જેનું પેટ્રોલ ખલાસ થઈ જાય, એ જીંદગી બસ.. પૂરી થઈ જાય છે....!'

તારી ભલી થાય ચમના. આમાં દરિયો ને હોડકું ક્યાંથી આવ્યા ? કાલ ઉઠીને તું તો એમે ય કહીશ કે, 'જીંદગી બગલનો એક વાળ છે... જેને આપણા ક્રૂર હાથો અને નાપાક પડખા ભેગા મળીને રહેંસતા રહે છે. (પાછું સમજાવે, હાથો એટલે સમય અને સંજોગો અને પડખાં એટલે આ મનખો દેહ ! આપણી જીંદગી આ બન્નેની વચ્ચે ભીંસાતી રહે છે.. એને બહાર નીકળવું છે, પણ નીકળી શકતી નથી...'

તારી બીજી વાર ભલી થાય ચમના... તારે એને બહાર કાઢવી હોય તો એક ઝટકે પેલો વાળ ખેંચી જો, એટલે ખબર પડે કે, જીંદગી જ્યાં છે ત્યાં જ ઠીક છે... બહાર કાઢો એટલે સીધા ઉપર !

અમારા સાહિત્યકારોનું કેવું છે... કે બસ, એવું જ છે ! શબ્દો એમને મળ્યા છે એટલે જેની સાથે ચોકઠું બેસે એમ હોય, એની સાથે સરખામણી કરીને આપણને ઇમ્પ્રેસ કરી શકે. આમાં ખૂબ કામમાં આવે છે, ગુજરાતી વ્યાકરણનો 'સજીવારોપણ અલંકાર'. કોઈ પણ નિર્જીવ પદાર્થને મનુષ્ય કે જીવજંતુદેહ આપી દો... બાત જમ જાયેગી. દા.ત. 'વૉટ્સઍપ' મેસેજો તો અનાથ બાળકો જેવા છે. એમ મેસેજના ફાધર- મધર કોણ છે.. વો કોઈ નહિ જાનતા... બિચારાઓને કોઈ પોતાની પાસે રાખવા તૈયાર નથી, બીજાને પધરાવી દે, છતાં દાતાશ્રીમાં નામ એનું રોશન થાય કે, 'આવો મસ્ત વૉટ્સએપ આપણા સંજયે મોકલ્યો હતો.' હર બચ્ચે કા બાપ કોન હૈ, વો સિર્ફ ઉસકી માં હી બતા સકતી હૈ, એમ આવો વૉટ્સએપ મોકલનાર અસલી કયો મોરલો કળા કરી ગયો છે, એ કોઈ જાણતું નથી... એની માંને...! (સૉરી, આમાં તો માંઓ ય ન જાણતી હોય !)

આ અલંકારથી લખનારને ફાયદો એ થાય છે કે, વાચકો ઇમ્પ્રેસ એકદમ થઈ જાય. ગુલઝાર બે આંખોને જોડકી બહેનો કહે, એ ચાલી બહુ એટલે પછી જ્યાં ને ત્યાં એ 'જુડવા' શબ્દ વાપરતા રહે છે. હવે તો આપણે ય કહી શકીએ કે, 'પગમાં પહેરવાની આપણી ચંપલો જુડવા બહેનો છે..' (તાળીઓ) લોકો ઇમ્પ્રેસ થવાના જ છે. અમારા એક લેખક લખતા, 'એના ટેરવામાંથી ટહૂકા ફૂટયા ને... ને સૂરનું સરોવર ઊભરાણું.'

હું ઇમ્પ્રેસ થઈ ગયો, 'વાહ... આંગળીના ટેરવામાંથી મોરના ટહૂકા ફૂટે ?' જસ્ટ... સેમ્પલ ખાતર મેં મારા ડાબા હાથની આંગળીનું એક ટેરવું નજીકથી તપાસ્યું, કે આમાંથી કાંઈ ફૂટે-બૂટે એવું છે કે નહિ ! દસેદસ ટેરવા ખખડાવી જોયા. એવું તો કાંઈ ન દેખાણું પણ નખમાં થોડો મેલ ભરાયેલો દેખાયો. વધુ તપાસ નિરર્થક હતી કારણ કે, પેલામાં સૂરનું સરોવર ભરાય તો મારા નખના મેલમાંથી સાલું શું શું ભરાય ? કોઈ મને પોતાની બાજુમાં જમવા ય ન બેસવા દે.

હવે તો હું ય કહી શકું ને કે, સાહિત્ય એ શબ્દની રમત સિવાય બીજું કાંઈ નથી. સહુ પોતપોતાની આઇપીએલ-ટીમોમાંથી રમે રાખે છે. શબ્દ-ફિક્સિંગ પણ એમાં જ થાય છે. કોઈ લેખકનું કોઈ પુસ્તક ખૂબ્બજ ગમ્યું, ત્યાં વાત પતી જાય છે. એણે જ લખેલું બીજું ભંગારના પેટનું ય હોઈ શકે. (વાહ અશોક દવે વાહ... કેવો સોલ્લિડ અલંકાર લઈ આવ્યા છો... 'ભંગારના પેટનો !') આમાં લેખકની કમાલ સમજાઇ ખરી ? : (જવાબ - સમજાઇ... ભંગારના પેટની કમાલ સમજાણી ! જવાબ પૂરો) અમારા કાઠિયાવાડમાં આવા અલંકારો શેરીને નાકે નાકે કે પાનના ગલ્લે ગલ્લે સ્યવંભૂ ફરતા હોય છે. ''આ જોયો નંઇ આપણો જાડેજો... ? ઠેરીવાળી સોડાની બોટલની ઘોડે બરોબરનો હલવાણો છે.'' (ગુજરાતી અનુવાદ : 'ઘોડે' એટલે 'જેમ'... 'માફક'...! સૌરાષ્ટ્રમાં લખોટીવાળી સોડાની બોટલો મળે. એ લખોટી આપણે બહારે ય ન કાઢી શકીએ કે, બોટલની નીચે ય ઉતરી ન શકે. અર્થાત્, જાડેજો બાટલની લખોટીની જેમ બરોબરનો ફસાયો છે. બહુ વર્ષો પહેલાં આ કૉલમમાં લખાયું હતું કે, 'કાઠીયાવાડી રસ્તે મળે ને છૂટો પડે પછી ખબર પડે કે, 'ઇ આપણને સુઉં કઈ ગીયો ?'વાતવાતમાં કહી દે, 'જુઓ ભા'આય... ગામમાં તમારા હાટું જી કાંઈ વાતું થાતી હોય... બાકી આપણને તમારા માટે માટે માન છે !' (હાટું એટલે 'માટે')

એમ કહેવાય છે કે, વાત-વ્યવહારમાં તમે કેવી ભાષા બોલો છો એના ઉપરથી તમારા કલ્ચરનો ખ્યાલ આવી જાય. ઇવન, તમે કઈ જ્ઞાતિના છો, એનો ય સંદેશો તમારી બોલી અને ભાષા આપી દે છે. પણ સામાન્ય વ્યવહારોમાં ય શુદ્ધ ઉચ્ચારો સાથે કાળજીપૂર્વક ચોક્કસ શબ્દ ઉપર ભાર મૂકીને બોલનારા મને બહુ બોર કરે છે. સાહિત્યકારો કે સ્કૂલમાં ભાષા ભણાવતા શિક્ષકો વધુ પડતી શુદ્ધતા ઉમેરવામાં આપણને અકળાવી મારે છે. દરેક વિષયમાં સાહિત્યિક દ્રષ્ટાંત આપવું આપણને જરૂરી ન લાગતું હોય, પણ એમનું તો જીવન જ આ છે.

''સર-જી, આપ ચા લેશો કે કોફી ?''

''કોણ હું... ? ઓહ, હું કૉફી લઈશ. જીવનના મધ્યાહ્ને કોફી એક સખીસરીખી સાબિત થાય છે... ખાસ ગરમ હોય નહિ અને મદકમદક સુવાસ દેતી રહે... ને ક્યાંય નડે નહિ !''

તારી ભલી થાય ચમના, તું આખી વાતનો જવાબ એક શબ્દમાં આપી શક્યો હોત, પણ -

- પણ આવાઓ માટેનો ઉપાય આપણા મહાન જગતગુરૂ અશોકાનંદજીએ શોધ્યો છે કે, આવાઓ પાસે તમારું નોનસૅન્સ હોવું બહુ ફાયદેમંદ રહે છે. એની સાથે સીધી વાત જ નહિ કરવાની.

- હા સર-જી.. કૉફી એટલે સાલી એની બૉનને...બસ, કૉફી જ ! તમને ખબર છે, લોખંડના કપમાં કૉફો પીઓ તો કોફો વધુ લોખંડી લાગે !

- કોફો....? હું કાંઇ સમજ્યો નહિં !

- કોફો નહિ કૉફૉ. ઉચ્ચાર કૉઓ-ફો કરવાનો. કૉફો એટલે, યૂ નો... કૉફીનો ગોરઘન... આઇ મીન હસબન્ડ !

- પણ ચા- કૉફીમાં પતિ- પત્ની ક્યાંથી આવે ?

- આવે સર-જી, આવે જો કૉફી તમારી સખીસરખી સાબિત થતી હોય તો અમે તો સીધી વાઇફો જ બનાવીએ ને ?

- ક્ષમ્ય.. પરંતુ, કૉફીનો કપ લોખંડનો શાને કાજે ?

- લીલા ઘાસવાળી ચામડી ઉપર બેઠેલા તકલોભી કબાટો અને હૅરડ્રાયરોને વશ કરવા કૃષ્ણની સૅક્સોફોન વધુ માદક લાગે.... સૉરી, તમે વધુ પૂછો એ પહેલા કહી દઉં, કૃષ્ણ વાંસળી તો વૃંદાવન- દ્વારકાના દિવસોમાં વગાડતા'તા... ને એમાં ય -

- બસ મિત્ર. હું સઘળું સમજી ગયો.

- શું સમજ્યા ?

- ઝાલર...!

સિક્સર
ખૂબ ઝડપથી યુવાન બની ગયેલા કવિ શ્રી.ભાવિન ગોપાણીનો આ શૅ'ર દેશની હાલની સ્થિતિને અડે છે ?

એક માણસ ક્યાંય ઘરડો ના થયો, વાળ ધોળા, કાંસકો રંગીન છે,
કોઈ સો નંબર કરો ડાયલ, બાંકડા પર એકલું ટીફિન છે.

No comments: