Search This Blog

03/02/2016

ઍરલિફટથી વધુ સારી ફિલ્મ હોઇ શકે ? અફ કૉર્સ, નૉટ !

લાઇફમાં પહેલી વાર કોઇ સિનેમા જોતા પ્રેક્ષકોને ભારતનો તિરંગો પરદા ઉપર દેખાય, ત્યારે પ્રણામ કે સલામ કરતા જોયા, અક્ષય કુમારની ફિલ્મ 'ઍરલિફટ'માં. એ હજી યાદ છે કે, અમારા વખતમાં ફિલ્મ પૂરી થાય ત્યારે રાષ્ટ્રગીત દર્શાવાય, જેની ઉઘાડેછોગ અવહેલના થતી જોઇ, એ બંધ કરવામાં આવ્યું. આજે પણ આપણો તિરંગો કે રાષ્ટ્રગીત બહુબહુ તો આપણી ક્રિકેટ ટીમ પરદેશમાં મૅચ શરૂ થતા પહેલા જોવા મળે છે... બાકી તો એ બન્નેને શોધવા પડે. મોટા ભાગના ભારતીયોને તિરંગામાં ઉપર કેસરી આવે કે નીચે, અથવા તો અશોકચક્રમાં કેટલા આંકા છે, અથવા તો ૨૬ જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટ વચ્ચે શું ફર્ક, એ ગૂગલમાં જોઇને કહેવું પડે.

અને.... આપણા દેશનો જ ગૌરવવંતો વર્લ્ડ-રૅકૉર્ડ અને આપણને જ ખબર નહિ ! સદ્દામ હુસેનવાળા યુધ્ધ વખતે કુવૈતમાં રહેતા અને ફસાયેલા આપણા ૧ લાખ ૭૦ હજાર ભારતીયોને 'ઍર ઇન્ડિયા'એ સતત ૫૯-દિવસ અને ૪૮૮-ફલાઇટ્સ દ્વારા સલામતીથી દેશમાં પાછા લાવી આપ્યા, જે એક વિશ્વવિક્રમ છે. આવી અભિમાન લેવા જેવી ઘટના અને મીડિયાવાળાઓએ રાજકારણ, ખૂન, આતંકવાદ, બળાત્કાર અને કૌભાંડો (ને એની પાછી ગ્રૂપ-ચર્ચાઓ !)ના સમાચાર આપે રાખ્યા, પણ ઍરલિફટવાળા સમાચાર દેશમાં કેટલાને પહોંચ્યા ? ઍટ લીસ્ટ, હું નહોતો જાણતો.

બેશક વાંક મીડિયાનો છે, ત્યારે જમીન પર લાંબા થઇ જઇને ફિલ્મ 'ઍરલિફટ'ના તમામ બનાવનારાઓને પ્રણામ કરવા પડે કે, આવા ગૌરવવંતા સમાચાર એણે આખા વિશ્વને આવી સુંદર ફિલ્મ બનાવીને આપ્યા. હીરો માટેની આપણી સમજ હજી સુધી અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકરથી આગળ વધી નથી, ત્યારે આ ફિલ્મ ખુમારીપૂર્વક અસલી જીંદગીના હીરો સની મૅથ્યૂઝની સત્યઘટના સુધી આપણને લઇ જઇ, દેશદાઝ શું છે, એની સમજ આપે છે.

મને હજી એકાદ-બે વીક પહેલા 'ઍનકાઉન્ટર'માં કોઇએ પૂછ્યું હતું, મેં આજ સુધી જોયેલી સર્વોત્તમ ફિલ્મ કઇ ? અને મેં જવાબ આપ્યો હતો, 'મુગલ-એ-આઝમ.' પણ એ એકાદ-બે અઠવાડીયામાં જ મારી આખી સોચ બદલાઇ ગઇ. હવે તો એટલે સુધી કહીશ કે, આજ સુધીની જ નહિ, આવનારી મારી બાકી જીંદગીમાં ય 'ઍરલિફટ'થી વધુ સારી કોઇ ફિલ્મ જોવાની ઇચ્છા નથી. રાષ્ટ્રઝનૂન પેદા કરવાનું એકે ય કામ દેશના તમામ ધર્મોના સાધુમહાત્માઓએ કરી બતાવ્યું નથી. (એમની પોતાની આવક જાય...!) એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. પાકિસ્તાન રોજ આપણા દેશમાં ઘુસીને રાબેતા મુજબ તમાચા મારી જાય છે ને આપણી મોદી સરકાર હજી 'રાધે-રાધે' કરે રાખે છે ત્યારે, 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપીશું'ની ગુલબાંગો છીછરા રાજકારણથી વિશેષ લાગતી નથી, રાજકારણને નામે નપુંસકપણાનો લૂલો બચાવ લાગે છે. અમને કમસેકમ ઝનૂન ચઢે, એવું એક વાક્ય તો બોલો. દુશ્મનો સામે રાષ્ટ્રભક્તિ બતાવવાને બદલે હલકટ રાજકારણ રમતી કૉંગ્રેસ ઉપરથી માન ઉતરી જાય છે. કોંગ્રેસ પણ એટલી જ ધિક્કારને પાત્ર છે કે, દેશની ચારો તરફ આતંકવાદીઓ હાથમાં સળગતો દારૂગોળો લઈને ઊભા છે, ત્યારે તમારી જાત બતાવવાને બદલે દેશભક્તિની તો કોઇ વાત કરો !

અને એટલે જ, આ ફિલ્મ જોયા પછી એ ભાન પડે છે કે, આપણા દેશને જ નહિ, આપણી જાતને બચાવવા આ નિર્માલ્ય રાજકારણીઓ ઉપર સહેજ પણ ભરોસો મૂકાય એમ નથી. જાતને કે દેશને બચાવવા હોય, તો આપણે જ દેશભક્તિ બતાવવી પડશે. હવે એ દિવસો દૂર નથી કે પાકિસ્તાન આપણા ગુજરાતમાંય ઘુસીને મારી જશે. કમ-સે-કમ બે વર્ષ માટે ધર્મ કે ભગવાનને બાજુ પર મૂકી દેશદાઝ ચઢાવીશું તો જ બચી શકીશું. આવી નમાલી રાજનીતિના દેશમાં, આપણા ભારત દેશ માટે ગર્વ મેહસૂસ કરાવતી આ એક જ ફિલ્મ આવી, જેને જોયા પછી એક ઇન્ડિયન હોવાનું અભિમાન ચઢે છે.

આપણે ત્યાં કરમુક્તિ ગુજરાતી ફિલ્મો પૂરતી રહી ગઇ છે, ત્યારે 'ઍરલિફટ' તો જોવા જનાર દરેક ભારતીયનું ય રાષ્ટ્રીય સન્માન થવું જોઇએ, એવી ફીલિંગ્સ તમને પોતાના માટેય થાય. 'ઍરલિફટ' કોઇ ફિલ્મ નથી.... દેશદાઝની આગ ઓકતી તંદુરસ્ત વિચારધારા છે. એક કવિતા છે-સૉરી, કવિતાય નાનકડો શબ્દ કહેવાય.... 'ઍરલિફટ' ભારતના રાષ્ટ્રગીત જેટલું સન્માન્નીય ગૌરવ છે. ફિલ્મનો હીરો કોઇ અક્ષય કુમાર નથી, ફિલ્મ પોતે જ હીરો છે.

એકલા અક્ષય કુમાર કે ફિલ્મના દિગ્દર્શક રાજા મૅનન જ નહિ, 'ઍરલિફટ' સાથે સંકળાયેલા હરકોઇને ભેટી પડવાનું નહિ, પ્રણામ કરવાનું મન થાય. (ભેટી પડવાની છૂટ આપીએ, એટલે ફિલ્મની અત્યંત ખૂબસુરત હીરોઇન નિમ્રત કૌરને ભેટી પડવાનો આદેશ થયો લાગે છે, એમ સમજીને ઘણા તો અત્યારે જ આ છાપું પડતું મૂકીને થીયેટર તરફ ધસી જશે....ભલે જતા... એક વાર ફિલ્મ જોઇ લેશે, તો નિમ્રત કૌરને ભેટવાને બદલે ભારત માતા સરીખી ગણીને એના ય ચરણસ્પર્ષ કરી આવીને ઘેર પાછા આવશે. ખાસ કરીને ફિલ્મના એક દ્રષ્યમાં નિમ્રત ફિલ્મના કાયમી ફરિયાદી રહેતા એક પાત્ર જ્યૉર્જ કુટ્ટી (પ્રકાશ બેલાવડી-જેણે વળી એક અદભુત ફિલ્મ 'તલવાર'માં ફિલ્મનો સર્વોત્તમ રોલ કર્યો હતો)ને ખખડાવી નાંખે છે, ત્યારે આ છોકરી ઉપર ગર્વ થવાનો ફૉર્સ આવી જાય છે.

સદ્દામ હુસેનના આતંકી ઇરાકે કુવૈત પર હૂમલો કરી અને કબ્જે કરી લીધું, એમાં ત્યાં કાયમી રહેતા ૧-લાખ ૭૦-હજાર ભારતીયોના જાન ત્યાંના કુવૈતીઓ જેટલા જ ખતરામાં હતા. ને તો ય પોતાને ભારતીય નહિ, 'કુવૈતી' ગણાવવામાં ગૌરવ લેતા પોણા બે લાખ ભારતીયોએ સાબિત પણ કરી દીધું હતું કે, જે દેશનું ખાઇએ છીએ, તેને દગો નથી કરતા. કૂતરો ય એને ટુકડો નાંખનાર ઉપર કદી કરડતો નથી. પણ સદ્દામ હુસેને કુવૈત કબ્જે કર્યું, ત્યારે એ ભારતીયોને રીયલાઇઝ થયું કે, અહીં આપણે એક નિર્વાસિતથી વિશેષ કાંઇ નથી..... ભારતીય તરીકે એકજૂટ રહીશું, તો ઘેર સલામત પાછા જઇ શકીશું, એવો એહસાસ (આ ફિલ્મ સત્યઘટના ઉપર આધારિત છે) કુવૈતના મૂળ ભારતીય શક્તિશાળી અબજોપતિ બિઝનૅસમૅન સની મૅથ્યૂઝને થાય છે અને સાચા અર્થમાં સની મૅથ્યૂઝ અજાણતામાં જ ત્યાંના ભારતીયોનો મસીહા બની જાય છે ને છેલ્લામાં છેલ્લો ભારતીય ભારત પાછો ન પહોંચે ત્યાં સુધી પોતે કુવૈત રોકાઇ રહે છે.

અક્ષય કુમારે કેવું પ્રણામયોગ્ય કામ આ ફિલ્મમાં કર્યું છે ! એની ફિલ્મ 'બૅબી,' 'હૉલી ડે', 'સ્પૅશિયલ ૨૬' કે 'ગબ્બર' પણ આવી જ રાષ્ટ્રભાવના ઉપસાવે એવી ફિલ્મો હતી, પણ 'ઍરલિફટ' તો ફિલ્મ જ નથી, એક રાષ્ટ્રગાન છે જે તમને ભારતીય હોવાનું માત્ર ભાન જ નહિ, ગૌરવ પણ અપાવે છે.

બહુ ઓછાના ધ્યાન પર એ વાત ગઇ હશે કે, અક્ષય કુમાર (મૂળ નામ, રાજીવ હરિઓમ ભાટીયા) આજથી ૨૪-વર્ષ પહેલા રાખી ગુલઝાર સાથેની ફિલ્મ 'સૌગન્ધ'માં હીરો તરીકે આવ્યો હતો અને આજે ૪૮-વર્ષની ઉંમરે ય શરીરથી પરફૅક્શન સાથે ફિટ છે. એક એક ફ્રૅમમાં આપણે એનાથી અંજાતા રહીએ, એવી પર્સનાલિટી છે. આમિર ખાન કે શાહરૂખ ખાનોએ અસહિષ્ણુતાનું છીછરૂં રાજકારણ રમી પોતાની રાષ્ટ્રીયતા (!) બતાવી દીધી ને પછી 'ધંધો' જાળવી લેવા ભૂલ સુધારી. એ બન્નેની ફિલ્મો જોવા ભારતપ્રેમીઓ જતા નથી, એ જ બતાવે છે કે, આપણે સહિષ્ણુ જરૂર છીએ, મૂર્ખ નહિ. એ બન્નેની સામે સલમાન ખાન (ફિલ્મ 'બજરંગી ભાઈજાન') અને અક્ષય કુમાર જેવાઓને દેશ માટે સંપૂર્ણ ગર્વ છે.

'ઍરલિફટ'ના દિગ્દર્શક રાજા કૃષ્ણ મૅનને આ ફિલ્મ બનાવવા પાછળ કેવી જાત ધસી નાંખી છે, કેવા અસરકારક સંવાદો લખાયા છે ને ક્યાંય 'ફિલ્મી' ન લાગે, એવી વાસ્તવિક રજુઆતને કારણે ફિલ્મ રીલિઝ થવાના પહેલા ચાર જ દિવસમાં રૂ. ૫૦-કરોડ મેળવી લીધા હતા. હજી એ રૂ. ૫૦૦-કરોડની ફિલ્મ બને તો એટલું સમજજો કે, આ રૂપિયા ભારતીયોએ કોઇ ફિલ્મને નહિ, દેશને પાછા આપ્યા છે. ગુસ્સાથી તમે થીયેટરની સીટો ફાડી નાંખો, એવું ઊંધુ કામ આ જ ફિલ્મના ઇન્ટરવલમાં બતાવાતા ફિલ્મ 'મસ્તીજાદે'ના ફાલતુ અને નીચ કક્ષાની કૉમેડી બતાવતા ટ્રેલરે કર્યું છે. હજી તો ઇન્ટરવલ સુધી જોયેલી 'ઍરલિફટ'ના જૂસ્સામાંથી બહાર ન આવ્યા હોઇએ, ત્યાં આવી હલકી ફિલ્મનું ટ્રેલર જોવું પડે એટલે ત્યાં જ બેઠા બેઠા એ ફિલ્મનું નામ બદલીને 'હરામજાદે' કરી દેવાનું મન થાય. ક્યારેક જગતમાં આજ સુધી જોયેલી સર્વોત્તમ સુંદર સ્ત્રીને જોઇ લીધાની બીજી જ પળે કોઇ માળીયા-ભોંયરાનો કાટમાળ જોવો પડે, એવી દશા પ્રેક્ષકોની થાય છે. જેમ 'મુગલ-એ-આઝમ' બીજી નહિ બને, એમ 'ઍરલિફટ' પણ કદીય નહિ બને.

સિક્સર
'અગર પરછાઇયાં કદ સે ઔર બાતેં ઔકાત સે બડી હોને લગે, તો સમઝ લીજિયે, સૂરજ ડૂબને હી વાલા હૈ.'

No comments: