Search This Blog

28/02/2016

ઍનકાઉન્ટર : 28-02-2016

* ગં.સ્વ. ડિમ્પલબેન રાજેશકુમાર કાપડીયાની હવે ઉંમર દેખાવા માંડી છે. તમને ?
- તમારી ઉંમર સુંદર સ્ત્રીઓની બાઓને જોયા કરે એટલી નાની તો નથી લાગતી !
(પંકજ દવે, વડોદરા)

* ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટના વ્યવસાય વિશે શું માનો છો ?
- કાંઇ નહિ. એમને બોલાવવા પડે, એટલું હજી કમાતો નથી.
(જે.કે. શાહ, બોટાદ)

* અમારા જેતપુરના સાડી-ડ્રેસ બહુ પ્રખ્યાત છે. કદી આવ્યા છો ?
- તે હશે..... પણ સાડી અને ડ્રેસમાં હું બહુ સારો ન લાગું.
(મૌલિક ભટ્ટ, જેતપુર-જૂનાગઢ)

* હૉલીવૂડની સ્ટન્ટ ફિલ્મો જેવા રીયલ સ્ટન્ટ જોવા આપણે બૉલીવૂડની 'ડી-ડે' કે 'ફૅન્ટમ' જેવી ફિલ્મો જોવી પડે છે.
- લાખ પ્રયત્નો કરવા છતાં હજી સુધી હૉલીવૂડનો કોઈ નિર્માતા આપણી એકે ય ફાળીયા-બ્રાન્ડ ગુજરાતી ફિલ્મ બનાવી શક્યો નથી.... હિંદીની નકલ કરતા તો સદીઓ નીકળી જશે !
(અનિરૂદ્ધ ચાવડા, વઢવાણ)

* સુખી જીવવાની રીત બતાવશો ?
- રોજ પેટ સાફ આવવું જોઇએ.
(કૌશિક કુમાર, કુવાસણા-મેહસાણા)

* જેટલી ખુશી ફૅસબૂક્સના લાઇક્સ વાંચીને નથી મળતી, એટલી 'ઍનકાઉન્ટર'માં અમારો જવાબ વાંચીને થાય છે... પંખો ચાલુ કરૂં ?
- તમારૂં વાંચન ઘણું ઊંચું કહેવાય ! અમદાવાદ કરતાં જૂનાગઢ ઘણો ઊંચો છે.
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* કૉલેજમાં તમે કાયમ LLB હતા... 'ધી લૉર્ડ ઑફ ધ લાસ્ટ બૅન્ચ.' સાચું ?
- આ માહિતી ગુપ્ત રાખવાની હતી કે, હું કૉલેજ સુધી તો ભણ્યો છું...ને તમે-દોસ્ત દોસ્ત ના રહા.....
(ઈરવિન ક્રિશ્ચિયન, અમદાવાદ)

* તમે રીલાયન્સ જેવી નોકરી કેમ છોડી ?
- પાપી પેટને ખાતર.
(બ્રીજેશ દરજી, અમદાવાદ)

* છાપાંઓમાં આવતી તાંત્રિક અને મેલી વિદ્યાની જાહેરખબરો અંગે કેમ અવાજ ઊઠતો નથી ?
- ખોટાં તો ખોટાં.... સ્વયં પ્રજાએ આવા બે-ચાર જણાને જાહેરમાં ધીબેડી નાંખવા જોઇએ, જેથી બાકીના સીધા થાય !
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

* સ્વ. ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ અને સરદાર પટેલની મૃત્યુતિથિ એક જ દિવસે આવતી હોવા છતાં ફક્ત ઇંદિરાજીને જ વધુ યાદ કેમ કરાય છે ?
- અને એમાં ય આ લોકો, '.... પટેલ તો અમારા જ' એવો પાગલ પ્રચાર કરીને સરદાર પટેલ જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિભાને વામણી બનાવી રહ્યા છે.
(કાંતિલાલ માકડીયા, રાજકોટ)

* આધુનિક નવરાત્રીએ પારંપરિક નવરાત્રીનો છેદ ઉડાડી દીધો હોય, એવું નથી લાગતું ?
- દરેક ગરબામાં દાંડીયાને બદલે ફરજીયાત હાથમાં રાયફલો પકડાવો.... 'જયઅંબે'ને બદલે 'જયભારત' બોલાવો..... બધા છેદો ઊડી જશે !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ફિલ્મ 'બૉબી'માં ડિમ્પલને જોઇને લોકોનો ઉત્સાહ ઉભરતો, એવો આજે સની લિયોનીને જોઇને કેમ નથી આવતો ?
- તમારા સહિત હરએક સજ્જન ડિમ્પલને પોતાની સગી બહેન જેવી માને છે...
(મધુકર માંકડ, જામનગર)

* 'લગ્ન પછી તમે બહુ બદલાઇ ગયા છો !' એવું પત્ની અવારનવાર કહે તો શું સમજવું?
- હિમ્મત હોય તો એક વાર બદલાઇને બતાવો-હાથમાં ખણખણતો ચીપિયો પછાડી, 'અલખ નિરંજન' કરતો કૉલબૅલ વગાડો ને ધાક મારો, ''હા બોલ, હું ખરેખર બદલાઇ ગયો છું.... તારો વિચાર બદલાયો હોય તો બોલ !''
(દીપક આશરા, ગાંધીનગર)

* શું થવા બેઠું છે ? ગુજરાતનું અને દેશનું ?
- સૉરી, તમારા સવાલનો જવાબ ફ્રાન્સ, યા જાપાન કે ચાયનાથી મંગાવ્યો છે... આવી જશે તો સ્કૉટલૅન્ડથી જણાવીશું.
(શૈલેષ યાદવ, મજરા-પ્રાંતિજ)

* પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દેવાનો સમય પાકી ગયો નથી ?
- ઓહ...તમે તો ભારતે યુધ્ધ છેડવું જોઇએ, એવું સૂચન કરતા લાગો છો. સૉરી, હું બ્રાહ્મણ છું, તમે સોની. બાકીના બધા દલિતો, મુસલમાનો, જૈનો, વૈષ્ણવો, પટેલો છે, લોહાણાઓ છે. દેશ ગયો ભાડમાં... પહેલા એ નક્કી થઇ જવા દો કે, અમારા બધામાંથી સૌથી ઊંચું કોણ ? જેમને અનામતો નથી મળી, એ પહેલા મળી જવા દો....
(દર્શન સોની, અમદાવાદ)

* મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપ છોડાવવા ઘણા લોકો પાછળ કેમ પડી ગયા છે ?
- એ લોકો કોઇ પણ સબ્જૅક્ટમાં ધોનીથી આગળ નીકળી શકે એમ નથી, માટે !
(નિશીલ પટેલ, વડોદરા)

* તમને લાડવા ભાવે કે નહિ ?
- તોડતી વખતે હથોડી વળી જવી ન જોઇએ, એવા હોય તો ભાવે.
(તરૂલતા આર. ભટ્ટ, જૂનાગઢ)

* તમારા વાઇફ તમારા લેખો વાંચીને હસે છે ખરાં ?
- એ તો મારૂં વસીયતનામું વાંચીને ય હસી નહોતી.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* પાળેલા કૂતરાઓનું પેટ ખાલી કરાવવા ઘણા લોકો બીજાના ઘરનાં આંગણાં બગાડે છે...શું કરવું ?
-''કૂતરાઓ ભલે અહીં પતાવતા..... તમે ઘરે જઈને કરો,'' એવું ચોખ્ખું કહી દેવાનું.
(દીપ્તિ રાવલ, અમદાવાદ)

* મારે મીડિયા સાથે કામ કરીને સમાજ માટે સારાં કામો કરવા છે. ક્યાં જોડાવું ?
- ઓહ... હું તો સમજ્યો, તમે કોઇ સારુ કામ કરવાનું પૂછો છો !
(સરફરાઝ ચવાણ, ગઢડા)

* સ્ટીવ જૉબ્સની જેમ તમારા ય કોઇ ગુરૂ ખરા ?
- ગુરુ બનાવનારાઓ સ્ટીવ જૉબ્સ કે અશોક દવે બની શકતા નથી.
(અલમીન વસાયા, કાસા-પાલઘર)

No comments: