Search This Blog

05/02/2016

'સીમા' ('૫૫)

ફિલ્મ : 'સીમા' ('૫૫)
નિર્માતા : અમીયા ચક્રવર્તી
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ : ૨ કલાક ૨૫ મિનિટ્સ
કલાકારો : નૂતન, બલરાજ સાહની, શુભા ખોટે, સુંદર, સુરેન્દ્ર, પ્રતિમા દેવી, શિવરાજ, કૃષ્ણકાંત, સુરેન્દર, પરવિન પૉલ, સીમા શાહ, જગદિશ રાજ, મુમતાઝ અલી, જી.બી.સિંઘ અને સી.એસ.દૂબે.


ગીતો
૧. સૂનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની... લતા મંગેશકર
૨. યે દુનિયા હૈ.. હમે ભી દે દો સહારા... મુહમ્મદ રફી- કોરસ
૩. તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે.. મન્ના ડે- કોરસ
૪. બાત બાત મેં રૂઠો ના, અપને આપ કો લૂટો ના... લતા મંગેશકર
૫. કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે, અંધેરા હૈ.. મુહમ્મદ રફી
૬. મનમોહના બડે ઝૂઠે, હાર કે હાર નહિ માને... લતા મંગેશકર

આ કોલમ શરૂ કર્યા પછી આજે પહેલી વાર એવું બની રહ્યું છે કે, ફિલ્મ 'સીમા'માં નૂતન-બલરાજ સાહનીનો અભિનય, શંકર-જયકિશનનું સંગીત અને અમીયા ચક્રવર્તીનું બિમલ રોયની કક્ષાનું દિગ્દર્શન જોયા પછી, હું મારી જાતને આ મહાન લોકો માટે એક અક્ષરે ય લખવા માટે કાબિલ માનતો નથી. પ્રશંસા કરવા માટે ય પાત્રતા જોઇએ, એ સાચું હોય તો આવી અદ્ભૂત ફિલ્મનું મૂલ્યાંકન કરવા માટે હું બહુ નાનો પડું. ખાસ તો, નૂતનનો અભિનય જોયા પછી એવા સપના આવવા માંડયા છે કે, આવતા જન્મે મારી સગી મા ઉપરાંત બીજી વધારાની એક મા તરીકે ભગવાન મને નૂતન જ આપે. બલરાજ સાહનીના ચરણસ્પર્શ કરવા ઝૂકવું જ પડે, એવો એમનો પવિત્ર ચહેરો અને એમની અન્ય કોઇ પણ ફિલ્મ કરતાં 'સીમા'માં એમણે કલાના ચોસઠે ચોસઠ દરવાજા ખોલી નાંખ્યા હતા.

અને તમને હક્ક છે, તમારી દ્રષ્ટિએ હિંદી ફિલ્મોની આજ સુધીની સર્વોત્તમ અભિનેત્રી કોણ છે, એ બેધડક કહી દેવાનો, પણ આ ફિલ્મ 'સીમા'માં નૂતનનો અભિનય જોયા પછી તમારી પાસે કોઇ વિકલ્પ જ રહી જતો નથી, એ સ્વીકાર્યા સિવાય કે, બીજી બધીઓ બેશક નંબર વન... પણ એ નંબર-વનથી ય કોઇને ઊંચું સ્થાન આપવું હોય તો નામ નૂતનનું જ બાકાયદા લેવું પડે. આ છોકરીએ ફિલ્મની પ્રત્યેક ફ્રેમમાં જે હાવભાવ આપ્યા છે, એ પણ કોઇ હીરોઇનને લઘુતાગ્રંથિ આપવા માટે સક્ષમ છે. ચોરીનો આક્ષેપ, કાકા-કાકી (શિવરાજ અને પરવિલ પૉલ)એને ઘરની બહાર કાઢી મૂકે છે. ત્યારે અથવા તો 'હમેં ભી દે દો સહારા...' એ ભિક્ષુક ગીત દરમ્યાન પેલા ભિખારીઓ માટે ફેંકાયેલો રૂપિયાનો સિક્કો રગડતો- ગગડતો નિરાધાર બેઠેલી નૂતન પાસે આવે છે. ઘરમાંથી કાઢી મૂકાયા પછી ભૂખ તો ઠીક, તરસ પણ છુપાવી શકાઇ નથી ને એમાં ય એ સિક્કો શોધતા ભિખારીના છોકરાની નજર ચૂકાવીને,પોતાના પગ પાસે પડેલા એ સિક્કાને પગની નીચે ચોરી છૂપી દાબી દેતા પહેલા, આવી ચોરી કરવી કે નહિ, નહિ કરૂં તો ખાઇશ શું ? ચોરીના ઇલ્ઝામને કારણે ક્યાંય કામ મળતું નથી. એમાં આ બીજી વખત પકડાઇશ તો શું, એ તમામ નૂતન સિવાય, હું નથી માનતો અન્ય કોઇ એક્ટ્રેસ આટલી સાહજીકતાથી લાવી શકી હોત ! એ ઘડીએ રફીના કંઠે શબ્દો ગવાતા હોય છે, 'સતાયે ભૂખ તો ઇમાન ડગમાતા હૈ...' મૂળ સંસ્કાર જાય નહિ, એ મુજબ લાચારીમાં એ સિક્કો પગ નીચે દબાવી દીધો તો હતો, પણ એ ભિખારી (મુમતાઝ અલી)ને પાછો ય આપી દે છે... ભૂખ કરતા ઇમાનદારી કેટલા ઊંચા શિખરો ચઢી ગઇ !

અરે, નૂતનને આ ફિલ્મમાં 'મનમોહના બડે ઝૂઠે...' ગીતમાં ફક્ત લિપ-સીન્ચિંગ (હોઠ ફફડાવવાના) જ હતા. છતાં આજ સુધીની કોઇ પણ હિંદી ફિલ્મના શાસ્ત્રીય રાગ ઉપર આધારિત કોઇ પણ ગીત કરતા સર્વશ્રેષ્ઠ સાબિત થઇ ચૂકેલું આ ગીત ગાતી વખતે લતાના ગળાની નસો કેવી ફૂલતી હશે, એવી નસો ફિલ્મી પરદા પર ફૂલાવવા નૂતન આ ગીતના રીહર્સલોમાં અચૂક જતી અને તાજ્જૂબી ત્યાં થાય કે ફક્ત લિપ-સીન્ચિંગમાં પણ પરદા ઉપર નૂતને એવી નસો ફૂલાવી બતાવી છે, એનો સીધો અર્થ એ થયો કે, નૂતન પણ આવું અઘરૂં ગીત ગાવા માટે સમર્થ હતી, ફક્ત અટકથી જ સમર્થ નહોતી. અને આ મહાન બંગાળી બાબુ અમીયા ચક્રવર્તીએ ઉતારેલી ફિલ્મોના નામો તો વાંચો, 'કઠપૂતલી', પતિતા', 'સીમા', 'દેખ કબીરા રોયા' અને 'દાગ' અને બીજી ય થોડીઘણી ! પણ આટલી જ ફિલ્મોના નામો એટલે લખ્યા કે, આમાંની તમામ ફિલ્મો 'સીમા'ની કક્ષાની હતી. એક 'દેખ કબીરા...'ને બાદ કરતા અમીયાએ માત્ર શંકર-જયકિશનને ય પોતાની કરિયર સોંપી દીધી હતી અને છાપું નજીક લઇને એ ફિલ્મોના નામો ફરી વાંચી જુઓ, આ બન્ને સંગીતકારોએ કેવી જાત નિચોવી દીધી.

હતી...! અને તો ય, હું પૂરતી જવાબદારી સાથે કહું છું કે, હિંદી ફિલ્મોમાં એક પણ શાસ્ત્રીય ગીત 'મનમોહના બડે જૂઠે' (રાગઃ જયજયવંતી)થી વધુ સારૂ બન્યું નથી. એ તો આપણી આખી પેઢી નસીબદાર કે, જે સદીમાં લતા જન્મી હતી, એમાં જ આપણે પેદા થયા, નહિ તો આ ગીતની જેમ આવી કઠિન તાનો બીજી કઇ ગાયિકા (કે ઇવન, ગાયક) મારી શકવાનો હતો ? એક મન્ના ડેનું 'તૂ પ્યાર કા સાગર હૈ ' સાંભળતી વખતે હું રડયો ન હોઉં, એવું હજી સુધી તો બન્યું નથી. એ જ સ્પર્શનું મુહમ્મદ રફીનું 'કહાં જા રહા હૈ, તૂ અય જાનેવાલે...' સાંભળ્યા પછી મન હજી માનતું નથી કે, આવો મહાન ગાયક ગૂજરી પણ જઇ શકે ? આપણા એના માટેના પ્રેમ-ઇબાદતનો કોઇ વિચાર જ નહિ કરવાનો ? અમિતાભ બચ્ચનને ફિલ્મ 'કૂલી' વખતે મોટો અકસ્માત થયો અને એ સાજો થયા પછી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર ફિલ્મ સ્ટાર્સની ક્રિકેટ મેચમાં ભાગ લેવા નૂતન આવી હતી. સ્પોર્ટસ ક્લબમાં મેં એના દીકરા મોહનીશ બહેલને રીક્વેસ્ટ કરી કે, 'મારે મમ્મીનો ઇન્ટરવ્યૂ લેવો છે. રૂમની બહાર બોલાવી શકશો ?' તો એ વિવેકી છોકરાએ ખૂશ થઇને સામી મને રીક્વેસ્ટ કરીને કહ્યું, ''આપ.. પ્લીઝ, થોડી દેર રૂકીયે... મેં મમ્મા કો બુલા લાતા હૂં.'' વાચકો માનશે નહિ,પણ નૂતન તરત આવી અને એવા સૌજન્યથી મારી સામે ઊભી રહી, જેમ સ્કૂલના પ્રિન્સિપાલની સામે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની ઊભી હોય. અદબ વાળી મોંઢું નીચું રાખીને ધીમેથી બોલી, 'જી... પૂછીયે' હું અનેક ફિલ્મ કલાકારોને આવી રીતે રૂબરૂ મળ્યો છું, પણ આવો સાહજીક વિનય અન્ય કોઇની પાસે જોયો નથી.

લતા તો પોતે બનાવેલી ફિલ્મ હોય, એટલી હદે છવાઇ ગઇ હતી ને તો ય સઘળી કમાલ શંકર-જયકિશનની જ. રાગ ભૈરવી પર બનેલા 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની'માં એમણે ઉસ્તાદ અલીઅકબરખાનના સરોદવાદનનો ઉપયોગ કર્યો છે. મુહમ્મદ રફીના બહુ ઓછા જાણિતા થયેલા 'હમે ભી દે દો સહારા કે બેસહારે હૈ' ગીત કોમેડિયન મેહમુદના પિતા મુમતાઝ અલી ઉપર ફિલ્માયું છે. શૈલેન્દ્રના શબ્દો કેવા હલાવી નાંખે એવા લખાયા છે, 'તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ...' પરમેશ્વર તો પ્રેમનો સાગર છે ને આપણી અપેક્ષા એમાંથી એક ટીપું પામવાની જ છે અને તું એ ય નહિ આપે, તો અમે જઇશું ક્યાં ?... 'ખુશી કે ચાર ઝોંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં !

ફિલ્મની વાર્તા કંઇક આવી છે :

મા-બાપનું છત્ર ગુમાવી ચૂકેલ અનાથ ગૌરી (નૂતન) એના દૂરના ગરીબ કાકા- કાકીના જુલમો સિતમ સહી સહીને પણ ઘરની ગુલામડીની માફક કામ કરે જાય ને અપમાનો સહન કરે જાય. ઉપરાંત કમાવી લાવવાનું ફરજિયાત હોવાથી, જે ઘરમાં એ કામવાળી તરીકે નોકરી કરતી હોય છે, ત્યાંનો બીજો નોકર હલકટ બાંકેલાલ (સી. એસ. દુબે) નૂતનને એ જ ઘરમાં ચોરીના ઇલ્જામમાં ફસાવી દે છે. નૂતનને પોલીસ પકડીને લઈ જતા, એની મરજી વગર અનાથાશ્રમમાં જવું પડે છે, જેના સંચાલક બલરાજ સાહની અત્યંત સજ્જન હોવા છતાં, બાંકેલાલની બદમાશીઓથી વિફરેલી વાઘણ બનેલી નૂતન બદલો લેવા ઝનૂને ચડે છે, પણ બલરાજ અને આશ્રમની દીદી (પ્રતિમા દેવી) અને કોમેડિયન સુંદર એને બહાર જવા ન દેતા, એક રાત્રે તે શુભા ખોટેની મદદ લઈ ભાગી જાય છે અને બાંકેલાલને ફટકારી આવે છે. બલરાજની સજ્જનતા એને સ્પર્શી જાય છે. ફિલ્મના અંતે બંને પ્રેમવિવાહના બંધનોમાં બંધાય છે.

શુભા ખોટે ભારતની તાજી તાજી સાયકલ ચેમ્પિયન બની હતી. અમીયા ચક્રવર્તીએ આ ફિલ્મથી તેની આપણને ઓળખાણ કરાવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. અમીયા ચક્રવર્તીએ શુભાની આ સાયકલ-સ્કીલ દર્શકોને બતાવવા જ એક પ્રસંગ ઉભો કર્યો છે, ચોર (જી. બી. સિંઘ)નો સાયકલ ઉપર પીછો કરવાનો. અલબત્ત તેના કારણે પ્રેક્ષકોને એક ફાયદો એ જરૂર થાય છે કે, આખી ફિલ્મમાં પહેલીવાર કેમેરા મુંબઈના અંધેરીના મોડર્ન સ્ટુડિયોઝની બહાર (આઉટડૉર) લઈ જવાયો છે. શુભાના પિતા નંદુ ખોટે મરાઠી નાટયજગતના પીઢ અભિનેતા અને કાકી દુર્ગા ખોટે મૂંગી ફિલ્મોના જમાનાના એક્ટ્રેસ. શુભાનો ભાઈ વિજુ એટલે ફિલ્મ 'શોલે'નો 'કાલીયા'. ગીરગાંવની સેન્ટ ટેરેઝા કન્વૅન્ટમાં ભણેલી શુભાએ મુંબઈની વિલ્સન કૉલેજમાં ઇંગ્લિશ સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ છે. 'દીદી, ખાના ખાઓ ના...' કહેતો નાનો છોકરો મોટો થઇને ફિલ્મ 'વાપસ' (એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ)માં હીરો બનીને, કોઈ ૫- ૭ ફાલતુ ફિલ્મો કરીને હોલવાઈ ગયો હતો. આપણા સુરતના ગૌરવ સમા હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર શ્રી. કૃષ્ણકાંત ભૂખણવાલા અહીં કૅમિયો રોલમાં છે, જે અનાથાશ્રમમાં પોતાની પત્નીને મારવા આવે છે. આજે એ ૯૩ વર્ષની ઉંમરે સુરતમાં જ રહે છે. બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાથી '૭૦ના દશક સુધી મોટા ભાગની દરેક ફિલ્મોમાં તબલા વગાડતો ટાલીયો કલાકાર સુરેન્દર છે, જે અહીં ફિલ્મના પ્રથમ દ્રષ્યમાં બારમાસી રોતડ-ક્લબના સભ્યશ્રી શિવરાજ સાથે દેખાય છે. કૉમેડિયન સુંદરે એની લાઇફનો શ્રેષ્ઠ કિરદાર કર્યો છે. નોર્મલી, સુંદરને તદ્દન ફાલતુ સાઇડી- કૉમિકના રોલ મળતો હોય છે. અહીં તો તેને અર્થપૂર્ણ રોલ મળ્યો છે, જેમ સી. એસ. દૂબેને મુખ્ય વિલનના રોલ ભાગ્યે જ મળ્યા છે અને અહીં તો એની પહેલી જ ફિલ્મમાં ધૃણાસ્પદ ખલનાયકનું એનું પાત્ર મજબૂત રીતે ભજવ્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં ભડવાનો રોલ ભજવતો સી. એસ. દુબે એક્ટર તરીકે ઘણો સારો હતો. એનો એક તકિયા કલામ સંવાદ 'ઢક્કન ખોલ કે' બહુ ફેમસ થયો હતો. યાદ હોય તો મનોજકુમારની ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન'માં ઘઉંનો લોટ ભરેલા ગોદામમાં મૌસમી ચેટર્જી ઉપર બળાત્કાર કરે છે. અલબત્ત, વ્યક્તિગત રીતે, એ સારો માણસ હતો. માત્ર ભાષણો આપીને નહિ, સાચા અર્થમાં એ ગરીબ વિદ્યાર્થીઓના ભણતર માટે ફંડ એકઠું કરીને સંસ્થા ચલાવતો. આઝાદીની લડતમાં એ જેલ જઈ આવ્યો હતો. રેડિયો વિવિધ ભારતી ઉપર રાત્રે નવ કે સવા નવ વાગે વર્ષોથી આવતા 'હવા મહલ'માં એણે ખૂબ નામના મેળવી. (બાય ધ વે, આ ચંદ્રશેખર 'દૂબે' અને 'દવે' એક જ અટક છે. દૂબેનું ગુજરાતમાં અપભ્રંશ થઈને દવે થયું હતું. એમ તો અમારી અસલી અટક 'દ્વિવેદી', પણ અંગ્રેજોને એટલું અઘરું બોલતા ન ફાવે એટલે અપભ્રંશ (distortion) કરીને 'દૂબે' અને પછી 'દવે' કરી નાખ્યું.. ને તો ય હું અમેરિકા ગયો ત્યાં બધા ધોળિયાઓ મને 'ડૅવ' કહીને બોલાવતા... આ જમાનામાં તો સાલી અટકો ય રાખવા જેવી નથી !) એક મોટો ડાઘ અમીયાએ અજાણતામાં રાખી દીધો છે. બધો દારોમદાર નૂતન પર રાખવાને કારણે બલરાજનું પાત્રાલેખન અત્યંત નબળું બન્યું છે કે, આટલો કરોડપતિ હોવા છતાં ફાટલા-તૂટલા કોટ-પાટલૂનમાં અનાથામશ્રમ કેમ ચલાવે ? એ લંગડાતો કેમ હોય છે ? આખી ફિલ્મમાં એના વ્યક્તિત્વમાં વેદના દર્શાવવાનો મતલબ શું ? આ તો એક વ્યક્તિ અને અદાકાર તરીકે આ મહાન માણસ પરદા પર જ્યારે આવે છે, ત્યારે છવાઈ જાય છે. ફિલ્મમાં નૂતન કામવાળીનો કિરદાર કરે છે અને એની શેઠાણીઓ એની શેઠાણીઓ એને મારવાની હદ સુધી તતડાવતી હોય છે, એ વાત આજની કામવાળીઓ સાથે બંધ બેસતી નથી. હા, કામવાળી આપણી વાઇફોને તતડાવતી હોય, એ દ્રષ્યો તો રોજના છે...!

આવી મનોહર ફિલ્મ હજી ન જોઈ હોય તો પૂરા પરિવાર સાથે જોવી જ.

No comments: