Search This Blog

26/02/2016

'નગીના' (૫૧)

ફિલ્મ : 'નગીના' (૫૧)
નિર્માતા :દલસુખ પંચોલી
દિગ્દર્શક:રવીન્દ્ર દવે
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઇમ: ૧૫ રીલ્સ
કલાકારો : નૂતન, નાસીર ખાન, બિપીન ગુપ્તા, ગોપ, શામલાલ, મોહના, હીરાલાલ, ગોલ્ડસ્ટીન.






ગીતો
૧. તૂને હાય, મેરે જખમ-એ-જીગર કો છુ લિયા... લતા મંગેશકર
૨. યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ.... લતા મંગેશકર
૩. કૈસી ખુશી કી હૈ રાત, બલમ મેરે સાથ... લતા મંગેશકર
૪. રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે... સી.એચ.આત્મા
૫. તુમકો અપની જીંદગી કા આસરા સમઝે... સી.એચ.આત્મા
૬. એક સિતારા હૈ આકાશ મેં... સી.એચ. આત્મા
૭. માય ડિયર માય ડિયર... ઓ મમ્મી નહિ... શમશાદ- રફી
૮. હમસે કરો પ્યાર કરો જી, હૅલ્લો... લતા-રફી- કોરસ
ગીત નં.૧,૨,૪ અને ૬ શૈલેન્દ્ર-૩ અને ૫ હસરત-બાકીનાની માહિતી નથી.

હીરોઇનના સ્વાંગમાં નૂતનની આ પહેલી ફિલ્મની એક સનસનાટી વાંચવા જેવી છે.

હીરોઇન હોવા છતાં નૂતનની ઉંમર કેવળ ૧૫ વર્ષની અને આ ફિલ્મ 'કેવળ પુખ્ત વયનાઓ માટે' હોવાથી ફિલ્મના પ્રીમિયરમાં ય નૂતનને ડોરકિપરે પ્રવેશ ન આપ્યો અને બાકાયદા ફિલ્મ જોવા ન મળી. છાતીમાં તીર તો એ સાંભળીને ખૂંચી જાય છે કે, આ ભારત દેશમાં એ જમાનામાં શું આવા ફરજપરસ્ત ડૉરકીપરો હશે ? નહિ તો, મોતીલાલ કે શોભના સમર્થ તો પેલાના ખિસ્સામાં રૂપિયાની નોટ સરકાવવા માટે સમર્થ હતા ! ફેમિલી-ફ્રૅન્ડ તરીકે સિનેમાઘરમાં શમ્મી કપૂરને ય સાથે લઇ જવામાં આવ્યો હતો, પણ નૂતનને થીયેટરમાં જવા ન મળ્યું. ફિલ્મ કોઇ સેક્સી દ્રષ્યોને કારણે 'એડલ્ટ'નહોતી જાહેર થઇ, પણ ૧૯૫૧-ના સરકારી ધોરણો મુજબ, ફિલ્મ હોરરથી ભરપૂર હોવાથી પુખ્ત વયનાઓનું સર્ટિફિકેટ લઇ આવી હતી.

આમ તો કાયદેસરની એની પહેલી ફિલ્મ એની મમ્મી અને ફિલ્મ 'રામરાજ્ય'ની હીરોઇન શોભના સમર્થે ઉતારેલી 'હમારી બેટી' હતી. કહેવાય તો ટાઇટલ રોલ, પણ ફિલ્મની હીરોઇન શોભના પોતે અને શોભનાના અંગત જીવનનો ય હીરો મોતીલાલ. નૂતન માટે જે હીરોએ ફિલ્મ 'તુઝે ક્યા સુનાઉ મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ...'ગાયું હતું, તે હીરો શેખર આ 'હમારી બેટી'માં ય તેનો ટ્રેડિશનલ હીરો હોય છે. નૂતન (જન્મ તા.૪ જૂન, ૧૯૩૬ : મૃત્યુ : ૨૧ ફેબુ્રઆરી, ૧૯૯૧) આ ફિલ્મમાં નૂતનની નાની બહેન તનૂજાને પણ બાળકલાકારનો રોલ મળ્યો હતો. થોડો મનમાં ખટકો લાગે કે, આમ સ્નેહલ ભાટકરે થોડી ફિલ્મોમાં ય ઉત્તમ ગીતો આપ્યા છે અને 'હમારી બેટી'માં ય લતા, મૂકેશ, ગીતા દત્ત અને રાજકુમારી જેવા ગાયકો હોવા છતાં એકે ય ગીત પ્રજા સુધી પહોંચાડી શકાય નહિ. એ તો મુકેશના ડાયહાર્ડ ચાહકો હોય એમને બહુ બહુ તો 'મુહબ્બત ભી જૂઠી, જમાના ભી જૂઠા...' સાંભળ્યું હોય ! શોભનાનો હેતુ નૂતનને સિન્ગિન્ગ- હીરોઇન બનાવવાનો હોવાથી આ ફિલ્મમાં પણ એક સોલો, 'તુઝે કૈસા દુલ્હા ભાયે રી, બાંકી દુલ્હનીયા' ગવડાવ્યું હતું. એ પછી ય વાત કાંઇ જામી નહિ, એટલે શોભનાએ નૂતનને લૉન્ચ કરવા બીજી ફિલ્મ 'છબિલી' બનાવી, જેના ગીતો આજે ય ગમે છે. હેમંત- નૂતનનું ડયૂએટ 'લહેરોં પે લહર, ઉલ્ફત હૈ જવા...'

એ વાત જુદી છે કે, નૂતનને બાકીની જીંદગીમાં સગી મા સાથે અદાલતમાં જીવનભર ઝગડવાનું જ આવ્યું.

તનૂજા દુશ્મન પાર્ટીમાં !

હીરો દિલીપ કુમારનો સગો ભાઇ નાસીર ખાન હતો. એ અને એની હિરોઇન પત્ની બેગમ પારાને ખટકો એ જ વાતનો હતો કે, ખુદ દિલીપ કુમારે નાસીરને આગળ આવવા ન દીધો, હૅન્ડસમ અને ખૂબ ટેલેન્ટેડ તો નાસીરે ય એટલો જ હતો- ખાસ કરીને લોખંડના ગરમ સળીયા જેવો ઘટ્ટ અવાજ અને સુંદર દેખાવમાં એ દિલીપથી કમ નહતો. દિલીપમાં ય રાજ કપૂર અને દેવ આનંદની જેમ 'વ્યક્તિત્વ-ગ્રંથી' ભારોભાર હતી. એટલે જ, દિલીપે કદી નૂતન કે ગીતા બાલી સાથે કામ ન કર્યું. અભિનયની બુલંદીઓમાં તો એ બન્ને ભલભલા 'ઍક્ટર'ને ખાઇ જાય એવી હતી. કાંઇ તકદીરે ય આડું ઉતર્યું હશે તે, એક વિચિત્ર રોગ થવાને કારણે નાસીર ખાનના શરીર પરના તમામ વાળ કાયમ માટે જડમૂળથી ઉખડી ગયા. (પરિણામે, ફિલ્મ 'ગંગા- જમુના'માં એને માત્ર માથે વિગ નથી પહેરવી પડી, પણ આંખોની ભ્રમરો પણ ચીતરાવવી પડી હતી.) બહુ વર્ષો પછી નાસીર ફિલ્મ 'યાદોં કી બારાત' અને વહિદા-સુનિલની બેનમૂન ફિલ્મ 'જીંદગી-જીંદગી'માં જોવા મળ્યો હતો. એની હિરોઇન પત્ની બેગમ પારા એના જમાનાની સાચા અર્થમાં 'સેક્સ-સીમ્બોલ' હતી. એના વન-પીસ રંગીન ફોટા ફિલ્મી- મેગેઝીનોમાં ભરપૂર છપાતા. એ બન્નેનો દીકરો અય્યુબ ખાન અત્યારે ફાલતું ટીવી-સીરીયલોમાં કામ કરે છે. 'દિલ ચાહતા હૈ'માં એ આમિર ખાનના હાથનો મુક્કો ખાય છે. પૈસેટકે બર્બાદ થઇ ગયા પછી પણ નાસીરે હિમ્મત કરીને પોતાની ભાભી સાયરા બાનુ અને સંજય ખાનને લઇને ફિલ્મ 'ઝીદ' બનાવી, પણ અધવચ્ચે જ નાસીરનું અવસાન થઇ જતા ફિલ્મ પૂરી ન થઇ, પણ બનાવનારા પૂરા થઇ ગયા.

૧૯૨૮માં બનેલી મૂંગી ફિલ્મ 'ડૉટર્સ ઓફ ટુડે'માં પહેલી વાર ચમકનાર ખલનાયક હીરાલાલે ૧૪૩- ફિલ્મોમાં ખૂન- બળાત્કારો કર્યા છે. ઘણો સારો એક્ટર, પણ ઍ-ગ્રેડનો વિલન કદી બની ન શક્યો. એના મૉડેલ પુત્ર ઇન્દર ઠાકૂરનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ફિલ્મની આ તો સેકન્ડ હીરોઇન મોહના છે, પણ આખી ફિલ્મમાં મોહના કઇ, એ શોધતા રહેવું પડે. આમ પ્રેમાળ પિતાના કિરદારો થોકબંધ કરનાર અભિનેતા બિપીન ગુપ્તા અહી મુખ્ય વિલનમાં છે. લૉરેન-હાર્ડીવાળા હાર્ડીની નકલ ઉતારવા માટે ફિલ્મોમાં આવેલા કહેવાતા કૉમેડિયન ગોપ અને દીક્ષિતની એક જમાનામાં જોડી હતી. ગોપ કમલાણીએ પહેલી અને છેલ્લી ભૂલ પોતાની નિર્માણ કરેલી ફિલ્મો બનાવવાની કરી, એમાં દેવાળું ફૂંકાઇ જતા, આઘાતથી મૃત્યુ પામ્યો. કોઇ ફિલ્મ અત્યંત ઘટીયા હોય, એનો બહુ વાંધો ન લઇએ કેમ કે, એ વખતની તો ઑલમોસ્ટ બધી જ ફિલ્મો આવી જ ફાલતું હતી પણ આ કોલમના વાચકોએ મારા ઉપર કૃપા કરીને પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઇએ કે, એક આટલી કોલમમાં લખવા માટે અશોક દવેને કેટલો ત્રાસ વેઠવો પડે છે ? (એટલો તો જો કે, આ કોલમ વાંચતા તમે ય વેઠતા હશો... આ તો એક વાત થાય છે !) અહી 'નગીના'માં તો કોઇ મ્હોં- માથું જ ન મળે. એટલે, ફિલ્મની વાર્તાના અંશો લખવા એ જઘન્ય પાપ ગણાશે, છતાં કેટલાક મરવાના થયા હોય, તો હું બચાવી ન શકું, એટલે બે-ત્રણ લાઇનમાં અંશો પતાવી દેવા પડે. ડૉ.શ્રીનાથ (નાસીર ખાન) એના પિતા (શ્યામલાલ- ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદનો સસરો બને છે, તે) ઉપર એક સ્ત્રીની હત્યાનો આરોપ છે અને એ ત્યારના ગૂમ છે. જીવે છે કે નહિ, તેની ય શ્રીનાથને જાણ નથી. પિતાને નિર્દોષ સાબિત કરવા શ્રીનાથ એક બિહામણી હવેલીમાં દાખલ થાય છે, જ્યાં એને અડધી રાત્રે અગાસી ઉપર ચઢીને, લતા મંગેશકરના અવાજમાં 'તૂને હાય મેરે જખ્મે જીગર કો છુ લિયા...' ગાવાના ચહડકા ઉપડયા હોય છે. એ પણ એને બીવડાવવામાં ઉસ્તાદ છે. એ હવેલીનો માલિક બિપીન ગુપ્તા અને તેનો ગુંગો પણ ખતરનાક નોકર શ્રીનાથ ઉપર હુમલો કરે છે, કારણ કે મરનાર સ્ત્રી બિપીનભ'ઇના 'ઘેરથી' હતી અને તેની કિંમતી વીંટીનો અતિ મૂલ્યવાન હીરો (નગીના) શોધવાના એ બધા ધમપછાડા કરે છે. છેવટે પ્રેક્ષકોના સદનસીબે, ફિલ્મનો એક વાર અંત પણ આવે છે.

પણ ચર્ચા કરવા જેવી કોઇ ચીજ આ ફિલ્મે આપી હોય તો શંકર- જયકિશનનું ઍઝ-યૂઝવલ... મધુરૂં સંગીત. એક ગૂન્હો માફ કરીએ તો, ફિલ્મનું બૅકગ્રાઉન્ડ- મ્યુઝિ ભાઇશ્રી જયકિશને વધુ કાંઇ મહેનત કરવાને બદલે પ્રોકોફિયૅવની ફિલ્મ 'પીટર ઍન્ડ વૂલ્ફ'ની સીધી ઉઠાંતરી જ કરી છે, પણ બાકીનું ઘણું બધું ઓરિજીનલ હતું, જેમ કે લતા મંગેશકરનું 'તૂને હાય મેરે જખ્મે- જીગર કો છુ લિયા..' તો '૬૦ના દાયકામાં પણ અમદાવાદના ફિલ્મી- સંગીતના સ્ટેઝ પ્રોગ્રામોમાં નિયમિત ગવાતું. પણ કોણ જાણે ક્યાંથી શંકર- જયકિશનને... ફૉર એ ચેઇન્જ, કુંદનલાલ સાયગલના અવાજની હૂબહૂ નકલ કરી શકતા સિંધી ગાયક ચૈનાની હશમતરાય આત્મા એટલે કે, સી.એચ.આત્માને લઇ આવ્યા ને કેવું મધુરૂં કામ એમના ત્રણ ગીતોમાં લીધું છે. 'રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે...' તો આજતક લોકજીભે છે. આત્માનો કંઠ સંભળાવનાર પહેલા સંગીતકાર તો આપણા ઓપી નૈયર હતા, જેણે વિશ્વપ્રસિદ્ધ નોન- ફિલ્મી ગીત 'પ્રીતમ આન મિલો' ગવડાવ્યું. લોકો એને સાયગલ જ માની બેઠા. પણ આપણી જનરેશનમાં આત્મા પ્રસિદ્ધ થયા વ્હી.શાંતારામની ફિલ્મ 'ગીત ગાયા પથ્થરો ને'માં 'મંડવે તલે ગરીબ કે, દો ફૂલ ખીલ રહે હૈ' થી ! ''મૈં ઘી કા દિયા જલાઉં રે ઘર આઓ'' જેવા નોન ફિલ્મી ગીતો ય જાણિતા થયા. સાયગલને ગુરૂ માનતા હોવાથી પોતાનું મૃત્યુ પણ સાયગલ જેવું જ હોવું જોઇએ, એમ કદાચ માની બેસીને આત્માએ પણ અઢળક દારૂં ઢીંચવા માંડયો અને ગુરૂ પાસે પહોંચી ગયા.

બધાએ ન સાંભળ્યા હોય. એમના નાના ભાઇ ચંદ્રુ આત્માએ પણ એવો જ કંઠ બનાવી સાયગલ- બ્રાન્ડના ગીતો ગાવા માંડયા, પણ આપણા દેશમાં બધું ચાલે, નકલ ન ચાલે, એ ધોરણે ચંદ્રુના ચંદ્ર કદી ખીલ્યો નહિ.

એમ તો લતાના 'યાદ આઇ હૈ, બેકસી છાયી હૈ...' જેવા બીજા ગીતો ય 'નગીના'માં હતા, પણ એ કલૅકટર્સ-સોન્ગ્સમાં આવે.

ગુજરાતી તરીકે કે પાકિસ્તાનના લાહોરમાં મોટું નામ કમાયેલા આપણા હળવદના બ્રાહ્મણ દલસુખ પંચોલીએ આમ પાછી કોઇ નોંધપાત્ર ફિલ્મો બનાવી નહોતી, જેને તમે ક્લાસિકમાં મૂકી શકો. યસ, ફિલ્મ 'આસમાન'થી ઓપી નૈયર, 'ખજાનચી'- 'ખાનદાન'થી નૂરજહાં અને પ્રાણ, ઉપરાંત રમોલા, સ્મૃતિ બિશ્વાસ, કોમેડિયન ઓમપ્રકાશ કે સંગીતકાર ગુલામ હૈદરને ફિલ્મોમાં લાવનાર આ પંચોલી હતા.

યસ. બહુ અભિમાન લેવા જેવું નામ તો નહિ, પણ પંચોલીના ભાણેજ (!) રવિન્દ્ર દવેએ ૧૯૭૧ની સાલમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લઇને એ સમયે ઠપ્પ થઇ ગયેલા ગુજરાતી ચિત્રજગતને ફાળીયા- પાળીયાની અઢળક ફિલ્મો આપવાનો દૌર શરૂ કરાવ્યો, એ પહેલાં હિંદી ફિલ્મો 'સટ્ટા બાઝાર', રાજેશ ખન્ના-બબિતાની 'રાઝ', રાજ કપૂર- સાધનાની 'દુલ્હા-દુલ્હન' અને 'પોસ્ટબોક્સ નં.૯૯૯' જેવી અનેક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. આજની આ ફિલ્મ 'નગીના' પણ તેમની જ. એ વાત જૂદી છે કે, દવે સાહેબ કદી સારી ફિલ્મ બનાવી શક્યા નહોતા- બધી એ જમાનામાં ચાલે, એવી બી-ગ્રેડની જ.

ક્યારેક લલચાઇ જવાય ફિલ્મના નામથી. લતાના 'તૂને હાય મેરે જખ્મી જીગર કો છુ લિયા' જેવા ગીતથી આકર્ષાઇને, 'ઓહ, નગીના કેવી ફિલ્મ હશે !' એવી બેતાબી ફિલ્મ જોયા પછી આપણને મારી મારીને ખોખરા કરી નાંખે છે. જોતી વખતે એટલા બધા સવાલો, આઘાતો અને ગાળો ઊભા થાય કે, 'બનાવનારમાં તો નહોતી.. જોનારે ય શું લેવા આવી ફિલ્મ જોઇ હશે ?' એવા પશ્ચાતાપોનો કોઇ ઉકેલ નથી.

No comments: