Search This Blog

19/02/2016

'આદમી ઔર ઇન્સાન' (૬૯)

ફિલ્મ : 'આદમી ઔર ઇન્સાન' (૬૯)
નિર્માતા : બી.આર.ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : રવિ
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ : ૧૬૮-મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, સાયરા બાનુ, ફીરોઝ ખાન, મુમતાઝ, જહૉની વૉકર, મદન પુરી, મનમોહનકૃષ્ણ, અચલા સચદેવ, કામિની કૌશલ, રૂપેશ કુમાર, અજીત, સુરેખા, ઇફ્તિખાર, નર્મદા શંકર, નાના પળશીકર, અનવર હુસેન, મુબારક મર્ચન્ટ, ગજાનન જાગીરદાર, કરણ દીવાન, કુલજીત, રવિકાંત, રંધાવા, પૂનમ સિન્હા (કોમલ), જગદિશ રાજ, સુરેખા, કેશવ રાણા, મૂલચંદ અને અજીત.

ગીતો
૧. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઈત્તેફાક થી..... આશા ભોંસલે
૨. જાગેગા ઇન્સાન જમાના દેખેગા.... મહેન્દ્ર કપૂર-કોરસ
૩. ઇજાઝત હો તો પૂછે આપ સે, કે મિલકર.... આશા-મહેન્દ્ર
૪. જીંદગી કે રંગ કઇ રે સાથી રે... આશા ભોંસલે
૫. ઇતની જલ્દી ન કરો, રાત કા દિલ તૂટ..... આશા ભોંસલે
૬. ઓ નીલે પર્બતોં કી ધારા, આઇ ઢૂંઢનેકિનારા.... આશા-મહેન્દ્ર
૭. જીંદગી ઇત્તેફાક હૈ, કલ ભી ઇત્તેફાક થી..... આશા-મહેન્દ્ર
૮ બિના સિફારીશ મિલે નૌકરી, બિના રિશ્વત.... મુહમ્મદ રફી
૯ દિલ કરતા, ઓ યારા દિલદારા.... મહેન્દ્ર-બલવીર-જોગિન્દર

બલદેવ રાજ ચોપરા ઉપર એમની સુંદર ફિલ્મો, ગુમરાહ, સાધના, વક્ત, હમરાઝ, ધૂન્દ, ઇત્તેફાક, ઈન્સાફ કા તરાઝૂ અને આજ કી આવાઝ માટે આદર થાય, એ જ ચોપરાએ ઘટીયા ફિલ્મો બનાવવામાં ય મોટું નામ કાઢ્યું હતું. એનો વન-ઑફ-ધ-મોટો દાખલો જ આ ફિલ્મ 'આદમી ઔર ઈન્સાન' છે. ફિલ્મનગરીની આ એક જ નિર્માણસંસ્થા છે, જેનું સ્ટોરી-ડીપાર્ટમૅન્ટ અલગ હતું, છતાં આ ફિલ્મની વાર્તા જોઇને ખૂન્નસ ચઢે છે કે, 'શું સમજતા હશે આ લોકો આપણને ?' મોટી સ્ટારકાસ્ટ લીધી, એટલે પ્રેક્ષકો બેવકૂફ બનશે ? નહોતા બન્યા...એમની જ દાસ્તાન (દિલીપ-શર્મીલા), ઝમીર, (અમિતાભ-સાયરા-શમ્મી) કે ધર્મપુત્ર જેવી કંગાળ ફિલ્મોને પ્રેક્ષકોએ હડધૂત કરીને કાઢી મૂકી હતી.

ફિલ્મની વાર્તા અતિ સામાન્ય હતી :
ધર્મેન્દ્રને ફીરોઝ ખાને સગા ભાઈ જેવી મદદ કરી ભણાવ્યો અને ઇંગ્લેન્ડ મોકલ્યો, એટલું જ નહિ, ડૅમ બનાવવાના પોતાના જંગી પ્રોજૅક્ટનો ઇન-ચાર્જ પણ બનાવ્યો. ફીરોઝના ભાઈ રવિની સગાઈ ધર્મેન્દ્રની બહેન (પૂનમ સિન્હા) સાથે થઇ છે. પણ ધર્મેન્દ્રને ખબર પડે છે કે, ફીરોઝનો આ જંગી પૈસો બેઈમાની અને ભ્રષ્ટાચારથી બનેલો છે, એટલે એ આઘો ખસી જાય છે. ફીરોઝ આ બેવફાઇનો એવો અર્થ કાઢે છે કે, સાયરા બાનૂને ધરમે ઉશ્કેરી છે અને પોતાનાથી છીનવી લીધી છે અને ધરમ સાયરાને છોડી દે, એવી અપેક્ષા રાખે છે. ફીરોઝે પોતાની ઉપર કરેલા ઉપકારોના બદલામાં, ફીરોઝ માટે ધરમ સાયરાને પણ છોડી દેવા તૈયાર છે, પણ ફીરોઝના બેઇમાનીથી છલોછલ ધંધાને સપૉર્ટ કરવા એ હરગીઝ તૈયાર નથી. પોતાના પ્રેમ અને સિધ્ધાંતમાંથી કોનું બલિદાન દેવું, એ મૂંઝવણો પછી ફિલ્મનો અંત આવે છે.

ફિલ્મ આવી હોય, એમાં સંગીત પણ એવું જ થર્ડ-કલાસ હોય ને ? રવિએ પોતાનું નામ ડૂબાડવા ઘણી જહેમત ઉઠાવી હશે. એક ગીત તો મીઠડું બનાવવું હતું ? એમાં ય, ફિલ્મ ચોપરાની હોય, એટલે અમથાય લતા-રફી તો હોય નહિ ! રફી પાસે ય એક ગીત બહુ નબળું ગવડાવ્યું છે. લતા સાથે ચોપરાને પહેલેથી બારમો ચંદ્ર હોવાથી મોટા ભાગની ફિલ્મોમાં આશા ભોંસલે હોય. લતા-રફી સાથે બગડયું હોવાથી '૫૬ સુધીની ફિલ્મોમાં લતા હતી.... રફીને તો રવિએ મનાવ્યા હતા, ફિલ્મ 'વક્ત'નું એક ગીત ગાવા પૂરતા બાકી મહેન્દ્ર કપૂરથી ચલાવવું પડયું, એમાં ગુમરાહ, વક્ત અને હમરાઝને બાદ કરતા ભાગ્યે જ કોઈ શકરવાર નીકળ્યો.

શકરવાર એકલો ફીરોઝ ખાનનો નીકળ્યો હતો. ફીરોઝ ખાનને આ ફિલ્મના 'બેસ્ટ સપૉર્ટિંગ રોલ'નો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. યોગાનુયોગ આ રોલ મૂળ તો ચોપરા-છાવણીના લાકડા 'જાની' રાજકુમારને ઑફર થયો હતો, પણ ધંધામાં 'જાની' કોઇ શેહશરમ રાખે એવો નહતો. સાઈડી રોલમાં કશું કમાવવાનું નથી, એ ગણત્રી સાથે રાજકુમારે રોલ સ્વીકાર્યો નહતો. ખરી હકીકત એ હતી કે, ફિલ્મની શરૂઆતમાં જ રાજકુમારને ધર્મેન્દ્રના ગળામાં ફૂલમાળા પહેરાવવાની હતી, જે 'જાની'ને પસંદ નહોતું. હજી વધારે સાચું કારણ એ પણ હતું કે, ફિલ્મની વાર્તા મુજબ, ધર્મેન્દ્રએ રાજકુમારને થપ્પડ મારવાની હતી. પોતાનાથી ઘણો જુનિયર ધર્મો રાજને લાફો મારી જાય, એ તો એ ક્યાંથી ચલાવી લે....? ફિર ક્યા ? રોલ ફિરોઝને આપવો પડયો.

પણ રાજકુમાર અને ફીરોઝ ખાન-બન્નેની કુંડળીઓ તપાસો તો એ સિંગલ હીરો તરીકે ભાગ્યે જ ચાલ્યા છે. બન્નેએ આખરે તો હીરોઇનથી હાથ જ ધોવાના આવ્યા છે.

ફિલ્મમાં ઠેકાણાં હોય કે ન હોય, બે ચીજો ગમે એવી છે. એક તો, ધરમ પાજી અને ફીરોઝ ખૂબ હૅન્ડસમ લાગે છે. બેમાંથી વધુ સુંદર કપડાં કોણે પહેર્યા છે, તેની શરતો લાગી શકે. ફીરોઝની પર્સનાલિટી ડૅશિંગ હતી. એ ચાલ્યો કેમ નહિ, એના કારણમાં એને જ જવાબદાર ઠરાવવો પડે. શરૂઆતમાં હોમી વાડીયાની સ્ટન્ટ ફિલ્મોમાં હીરો તરીકે આવ્યો, પણ એના ચેહરામાં ક્યાંક ખલનાયકી તત્વ પડયું હોવું જોઇએ, એટલે જ એની સોશિયલ ફિલ્મો તપાસો તો અડધી ફિલ્મે તો વિલન બની ગયો હોય !

સિમી ગ્રેવાલની સાથે 'ટારઝન ગોઝ ટુ ઇન્ડિયા'(૬૨) નામની ઇંગ્લિશ ફિલ્મમાં કામ કરી ચૂકેલ ફીરોઝ (૨૫ સપ્ટૅમ્બર, ૧૯૩૯ : મૃત્યુ ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) ભલે કદી ટૉપ હીરો બની ન શક્યો, પણ સ્ટાયલિશ હતો. એના ચાહકો બહુ ન હોય, છતાં સહુને એ જોવો ગમતો. એના નાના ભાઈ અકબર ખાનની ફિલ્મ 'તાજમહલ'ને પાકિસ્તાનમાં દર્શાવવા માટે એ ત્યાં ગયો, ત્યારે પ્રૅસિડૅન્ટ મુશર્રફે એનું ભારત વિરોધી ઘણું અપમાન કર્યું હતું, ત્યારે છંછેડાયેલા ફીરોઝે અક્ષરસઃ આ શબ્દોમાં પાકિસ્તાનને ઉઘાડું પાડયું હતું.

''મને એક ભારતીય હોવાનું અભિમાન છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમોએ વધુ પ્રગતિ કરી છે. પાકિસ્તાન ઇસ્લામના નામ ઉપર બનેલો દેશ છે, પણ જુઓ....અહીં મુસલમાનો જ મુસલમાનને કાપી રહ્યા છે.'' મુશર્રફે ફીરોઝને કાયમ માટે પાકિસ્તાનનો વિસા રદ કરી નાંખ્યો હતો. અફઘાનિસ્તાનના મૂળ ધરાવતો ફીરોઝ ખાન અફઘાની પઠાણ હતો, પણ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આપણા ગુજરાતના ટેસ્ટ ક્રિકેટર ઈરફાન ખાન (યુસુફ ખાનના ભાઈ) માટે કેવા ઘટીયા શબ્દો વાપર્યા હતા ? ''અરે વો (ઈરફાન) કાયકા પઠાણ..? વો અસલી પઠાણ થોડા હૈ...? અસલી પઠાણ હમ હૈ....''

ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં કોઇ હીરો બરફ ઉપર સ્કીઇંગ જાતે કરતો જોવા મળ્યો છે. અહીં ફીરોજ શીખેલો હોય, એવી સાહજીકતાથી સ્કીઇંગ કરતો દેખાયો છે. સ્વાભાવિક છે, સ્કીઇંગ દેખાય છે એટલું સહેલું નથી હોતું-હાડકાં-પાંસળાં છોલાઈ જાય એવી અઘરી ગૅઇમ છે.

સાયરા બાનુ (૨૩ ઑગસ્ટ, ૧૯૪૪)ના પિતા મીયાં એહસાન-ઊલ-હક્ક એક જમાનામાં 'ફૂલ' (હિંદી) અને 'વાદા' (પાકિસ્તાનમાં) જેવી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એની મમ્મી નસિમ બાનુ ખુદ એક જમાનાની બ્યુટી-ક્વિન કહેવાતી. એની માં (છમીયા બાઇ-ઘરનું નામ શમશાદ બેગમ....(ગાયિકા જુદી). સાયરા ભણી-ગણી લંડનમાં અને પોતાની ૨૨-વર્ષની ઉંમરે એ વખતે ૪૪-વર્ષના દિલીપ કુમાર સાથે પરણી હતી અને આજ સુધી આદર્શ પત્ની બની રહી. લગ્ન પહેલા અને પછી બે તોફાની બનાવો બનવા છતાં. પહેલા બનાવમાં, એ પરિણિત રાજેન્દ્ર કુમારના ધગધગતા પ્રેમમાં હતી અને બન્ને લગ્ન કરી લે, એવા સળગતા સવાલો ઊભા થયા હતા. પણ નસિમ બાનુએ દિલીપ કુમારને મનાવીને-ખાસ તો એ મુદ્દા ઉપર કે આપણી એક મુસ્લિમ છોકરી હિંદુ પાસે જઇ રહી છે અને તે ય પરિણિત. દિલીપે બાજી સંભાળી લેવા સાયરા સાથે પોતાના લગ્ન જ કરી આપ્યા. બીજો બનાવ વધુ ખતરનાક હતો. એ બન્નેના સુખી લગ્નજીવન છતાં, અસ્મા નામની એક સ્ત્રીના પ્રેમમાં દિલીપ ભરાયો હતો અને નૅશનલ-ન્યુઝમાં પણ મોટો ઉહાપોહ થયો હતો (ઈવન, પાકિસ્તાની અખબારોમાં પણ !) પણ સાયરાનો પ્રેમ જીતી ગયો અને દિલીપે અસ્માને રીક્ષામાં બેસાડી દીધી. આજે ૭૧-વર્ષની સાયરા ૯૩-વર્ષના દિલીપ કુમારને એક આદર્શ પત્નીની જેમ સેવા કરી રહી છે.

આમાં એક આડવાતે ય અનાયાસ મૂકાઈ જાય એવી છે. ફિલ્મમાં સાયરા અને કામિની કૌશલ સાથે દેખાય છે. રાજકારણની જેમ ફિલ્મનગરીમાં પણ કોઇ કાયદમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. ગામ આખું જાણે છે કે, એક જમાનામાં દિલીપ-કામિની ગળાડૂબ પ્રેમમાં હતાં. કોઇ ફિલ્મમાં દિલીપની આ હીરોઇન કામિનીનું નામ 'ફૂલવા' હતું, તે દિલીપને એટલું ગમી ગયું હતું કે, વખત એવો આવ્યો કે એને કામિની છોડવી પડી, પણ 'ફૂલવા' કદી ન છોડી... તે આટલે સુધી કે, આજતક દિલીપ ઘરમાં ય સાયરા બાનુને 'ફૂલવા' કહીને બોલાવે છે. સાયરાને બધી જાણ હોવા છતાં, આ ફિલ્મમાં બન્ને સાથે કામ કરી રહ્યાં છે. ધર્મેન્દ્રનો એક શોખ પછી તો પ્રોફેશનલ-ડીમાન્ડ બની ગયો હતો કે, દરેક ફિલ્મમાં એને એક વખત તો જીપ લઇને જતો દરેક ફિલ્મમાં બતાવવો પડે. ગીત વખતે જેમ રાજેન્દ્ર કુમારના હાથ સખણા નહોતા રહેતા, એમ ધરમ ગીત ગાતી વખતે ડાબો પગ તો આપણી જેમ જ મૂકે, પણ રામ જાણે ક્યા કારણથી જમણો પગ સાઇડમાં ગોળ ચક્કર મારીને આગળ ચલાવે....આપણને એક પગે ખોડ લાગે એવો ! અહીં ચોપરાએ એમની ફિલ્મ 'હમરાઝ'માં રાજકુમાર અને વિમી પાસે 'નીલે ગગન કે તલે, ધરતી કા પ્યાર પલે'ની જેમ સાયરા-ધરમ પાસે ય ગીતના એક એક મીસરા વખતે જુદા જુદા કપડાં પહેરાવ્યા છે. અલબત્ત, ગીત વખતના ઝાડપાન, પહાડો, ઝરણાઓ એના એ જ રાખ્યા છે. એમને બદલે આ બન્નેની આજુબાજુમાં ટ્રક, રીક્ષાઓ, ઘરડાં ઘરો કે મ્યુનિ. શાળા નં. ૭ વગેરે વગેરે નથી રખાવ્યા....! ધરમ એ વખતની ફિલ્મોના સંદર્ભમાં બેશક 'માચો' એટલે કે સ્નાયુબદ્ધ હી-મૅન લાગે છે, પણ આજના જમાનાના અક્ષય કુમાર, અજય દેવગણ કે સલમાન ખાનની જેમ 'સિક્સ-પૅક બૉડી'વાળો નથી... થોડી ટમી બહાર નીકળેલી એની ય દેખાય છે, છતાં હૅન્ડસમ તો બેશક લાગે છે. 'જીંદગી ઇત્તેફાક હૈ'ના આશા-મહેન્દ્રના યુગલ ગીતમાં ધર્મેન્દ્ર પિયાનો વગાડવા બેસે છે. એમાં, એની આંગળીઓ અન્ય ફિલ્મોના હીરોની જેમ, લૉજમાં મહારાજ રોટલી વણવા બેઠા હોય, એવી ફેરવે છે.

એક જમાનામાં ચોપરાની ફિલ્મોમાં ગીતો વાર્તાને આગળ વધારનારા હતા. પછીની ફિલ્મોમાં કોઇ જગ્યાએ ગીતની જરૂરત ન લાગે-માત્ર વાર્તા કાપનારા બનવા લાગ્યા. એમાં ય આ ફિલ્મના તો ૯-માંથી એકે ય ગીતને ફિલ્મ સાથે કોઇ લેવાદેવા જ નથી. બધા ય કાપી નાંખો તો ય ફિલ્મ એની એ જ રહે છે. આમ તો ચોપરાની ફિલ્મોમાં વધુ છવાઇ જનારા સંગીતકાર રવિએ ઉતારાય એટલી વેઠ અહીં ઉતારી હોય તો એનો વાંકે ય નથી. ચોપરા પૂરી ફિલ્મનું મહેનતાણું મજૂરીથી ય ઓછું આપતા. અંગત રીતે મેં રવિને પૂછ્યું હતું કે, ''તો પછી આવી ફિલ્મો સ્વીકારો છો શું કામ ?'' તો એમણે પ્રોફેશનલ પણ સાચો જવાબ આપ્યો હતો કે, ચોપરાનો કૅમ્પ વિરાટ હતો અને એમની લગભગ દરેક ફિલ્મ સુપરહિટ જતી, જેથી મારૂં સંગીત પણ એવું જ વેચાતું.

ફિલ્મમાં નવા બનતા ડૅમના બાહરી દ્રષ્યો મનોહર લાગે છે. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાંથી દેશ હજી તાજો જ છુટો થયો હતો અને જે નિર્માતાઓ હવે ઇસ્ટમૅન કલરની ફિલ્મો બનાવવા માંડયા હતા, એમાંના બહુ ઓછાને રંગીન કૅમેરાનો સમુચિત ઉપયોગ કરતા આવડતો હતો, ત્યારે બી.આર. ચોપરાના ત્રીજા ભાઈ ધરમ ચોપરાએ તો બી.આર.ની બધી ફિલ્મોમાં કૅમૅરા અદભુત ફેરવ્યો છે. ચીઝના પૅકની માફક ફૂલતી જતી આજની હીરોઇન સોનાક્ષી સિન્હાની 'મૉમ' પૂનમ સિન્હા એક જમાનામાં હીરોઇન તરીકે 'કોમલ' નામ રાખતી. 'બરખા રાની, જરા જમકે બરસો' એ મૂકેશનું ગીત એના માટે ગવાયું હતું. શત્રુધ્ન સિન્હાને પરણેલી આ સિંધી હીરોઇનને લગ્ન પહેલા જ શત્રુધ્નના રીના રૉય સાથે બેફામ લફરાંની ખબર તો હતી, પણ આવી ખબર હોય ત્યારે સ્ત્રીઓ 'પછીથી' વરજીને સુધારી લઇશું, એમ માનીને ઝૂકાવે છે, પણ પેલી બાજુ રીના રૉય ફરી ગઇ અને પૂનમને પડેલી ખબરનો લગ્નજીવનમાં કોઇ વાંધો ન આવ્યો.

આ ફિલ્મમાં ધર્મેન્દ્રને જહૉની વૉકરની સાથે સફરજનના સૂંડલાની લાંચ આપવા આવેલો રવિકાંત દેવ આનંદની લગભગ બધી ફિલ્મોમાં હોય. પોલીસ-ઇન્સ્પૅક્ટરનો એકનો એક રોલ અનેક ફિલ્મોમાં કરીને 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ'માં ચમકી ચૂકેલો જગદિશ રાજ હીરોઇન અનિતા રાજનો પિતા થાય, પણ અહીં દારૂડીયા મજૂરની ભૂમિકામાં જોઇને ક્ષણ પૂરતી વાસ્તવિકતા લાગે કે, મજૂર અને પોલીસ-બન્નેના જન્માક્ષરો શરાબ સાથે ઘણા મૅચ થાય !

ડૅમ બનવાની સાઇટ ઉપર તે ચિક્કાર પી ને આવે છે અને બીજા ઉઘાડા મજદૂરના પેટ ઉપર થપ્પો મારે છે, એ મજૂર ફિલ્મોનો જાણીતો કલાકાર મૂલચંદ. ધર્મેન્દ્રની સૂચના પછી જગદિશ રાજને નોકરીમાંથી કાઢી મૂકનાર મુકાદમ કેશવ રાણા છે. જ્હૉની વૉકર મીઠાઇ લેવા જાય છે, એ દુકાનદાર રામવતાર છે. ધરમ પાસે મનમોહનકૃષ્ણ ''જરૂરી'' કાગઝાત લાવવા માટે સીક્ટોરિટીના જે ઑફિસર શેરિસંઘને મોકલે છે, તે કલાકાર ઉમા દત્ત છે. એના બદલે 'મોના-ડાર્લિંગ'વાળો વિલન અજીત શેર સિંઘ બનીને જાય છે.

No comments: