Search This Blog

23/03/2016

ફિલ્મી હોળી

આપણે નસીબદાર છીએ કે, હોળીના ફિલ્મી ગીતો નમૂનેદાર અને રમઝટ મચાવી આપતા મળ્યા છે. એમાં નકરો તરવરાટ જ હોય. જોઈ જુઓ, આ સાથેના હોળી ગીતો.. તમને ન ગમે એવું એકે ય ખરું ?

હોળીનો ફાયદો એ કે, પર્સનલી તમે ભલેને માયાવતી જેવા લાગતા હો, રંગાઈ ગયા પહેલાં તમારો મૂળ રંગ કયો હતો, તેની દર્શકમિત્રોને ઝાઝી ખબર પડતી નથી. અર્થાત્, આજે ૬૫-ની ઉંમરે ભલેને હું ઋત્વિક રોશન જેવો ન લાગતો હોઉં... હોળીના દિવસે દુનિયાભરના ઋત્વિક રોશનો અસરાની જેવા જ લાગે છે,એટલો મને સંતોષ! વગર અરજીએ આ દિવસે તમને 'મેક-અપ આર્ટિસ્ટ'નો દરજ્જો મળી જાય છે.

તો ય, આમ જોવા જઈએ તો આપણા તમામ હિંદુ તહેવારો આપણે ફિલ્મોમાં જોઈજોઈને વધુ શીખ્યા છીએ. દિવાળીમાં ફટાકડા કેવી રીતે ફોડવા કે હોળીમાં પિચકારીઓ કેવી રીતે મારવી, એ બધું સ્કૂલોમાં શીખવતા નથી, ફિલ્મો જોઈજોઈને શીખાય છે.. ઉત્તરાયણ તો હમણાં રાષ્ટ્રવ્યાપી તહેવાર થયો,નહિ તો ગુજરાત પૂરતો મર્યાદિત હતો અને ગુજરાતીઓને કાંઈ પણ શીખવા માટે હિંદી ફિલ્મો કે ભાઈલોગોની જરૂર ન પડે... ગુજરાતીઓ ગામ આખાને શીખવાડે એવા છે.

ફિલ્મોની હોળી સ્વ. રાજ કપૂરે મશહૂર કરી, એના પૂના પાસેના લોની ફાર્મમાં તત્સમયના જાણીતા ફિલ્મ કલાકારોને ખાસ લોની બોલાવીને એક અલગ અંદાજથી હોળી રમાતી. આ અલગ અંદાજ એટલે ત્યાં ભરચક કલાકારો ઊમટયા હોય ને એમાં જે મોડો આવ્યો, એની પાસે બધા હૂડૂડૂડૂ 'હોલી હૈ, ભ'ઇ હોલી હૈ'ના નાચગાના અને રમઝટ સાથે દોડી જઈ, એને આખેઆખો ઉપાડીને પાણી અને રંગ ભરેલા તોતિંગ હૉજમાં ડૂબાડવાનો. અફ કોર્સ, એ પહેલા તો સહુ એકબીજાને ડૂબાડી ચૂક્યા હોય ! એ પછીના ફિલ્મી મેગેઝિનોમાં રાજ કપૂરની આ હોળીના ફોટા જોવા વાચકો અંક વહેલો બૂક કરાવી દેતા... ખાસ કરીને, 'ગુજરાત સમાચાર' પ્રકાશિત 'ચિત્રલોક'નો અંક ! કારણ કે, એ ઑલમોસ્ટ છાપાના કદનું આવતું હોવાથી રંગીન ફોટા મોટી સાઇઝના અને સંખ્યામાં જોવા મળે.

આપણને સામાન્ય વાચકો ય રાજ સાહેબની આ હોળીઓ અને ફિલ્મોમાં દેખાતી હોળીઓ ઉપરથી ઘણું બધું શીખ્યા કે, 'હોળી કેમ રમાય?'

ફ્રેન્કલી કહું તો, ત્યાં સુધીની ટ્રેડિશનલ હોળીઓ પિત્તલની પિચકારી અને કેસૂડાના ફૂલમાંથી પાણીમાં બનાવેલા રંગની રમાતી ત્યાં સુધી તો ઇવન ફિલ્મોની હોળી કેવી હોય, એની ય કોઈને ખબર નહોતી, સિવાય કે દિલીપ કુમાર- મીનાકુમારીની ફિલ્મ 'કોહીનૂર'માં ધી ગ્રેટ નૌશાદ સા'બની હોળી- ધૂન પર મુહમ્મદ રફી અને લતા મંગેશકરે, 'તન રંગ લો જી આજ, મન રંગ લો તન રંગ લો..' ગાયું, એ પહેલાં મેહબૂબખાનની ફિલ્મ'આન'માં શમશાદબાઈની રાહબરી હેઠળ આજ સુધીના તમામ હોળી ગીતોમાં રમઝટ અને જમાવટની દ્રષ્ટિએ સર્વોત્તમ કહી શકાય, એવું 'ગાઓ તરાને મન કે જી આશા આઇ દુલ્હન બન કે જી નાચો નાચો મન કે દ્વાર રે છમછમ' ગીતમાં તો લતા- રફી પણ પોતે પ્રત્યક્ષ હોળી રમતા હોય, એવા કમીટ થઈને આ ગીતને રંગરસીલું બનાવ્યું હતું.

ધીમે ધીમે ફિલ્મોમાં આવા વધુ હોળી ગીતો આવતા થયા, એમ એમ લોકોને હોળી પ્રત્યે વધુ સભાનતા આવવા માંડી. પતંગ વિશે કમનસીબે એક તો ફિલ્મો ઓછી બનતી અને બનતી એમાં પતંગને લગતા ગીતો બહુ થોડા અને નહિવત્ રમઝટ બોલાવનારા હોય!

હોળીની બીજી એક ખૂબીલિટી કે, આ એક જ તહેવાર એવો છે જે હસતા હસતા રમાય છે. પતંગ ચઢાવતા મોંઢા ગંભીર રાખવા પડે છે, પણ કપાઈ ગયા પછી તો મોંઢા પરથી નૂર ઊડી ગયા હોય, જ્યારે હોળી તો ઘરની બહાર નીકળતાની સાથે જ ચહેરા ઉપર ભરચક આનંદ- આનંદ લાવી દે છે. દિવાળીના ફટાકડા ફોડતા મોંઢા હસતા રાખવાની જરૂર નથી. જામગરી ચાંપતાની સાથે જ ભાગવું પડે છે. દિવાળી અને ઉતરાયણ બંને ગરમી પહોંચાડનારા છે, જ્યારે હોળી પૂરા બદન ઉપર ઠંડક આપે છે.

હોલી આઇ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચુનરીયા હમાર...

વચમાં થોડી ઘણી હિંદી ફિલ્મોમાં હોળી ગીતો આવતા, છતાં ધૂન કે ડાન્સની દ્રષ્ટિએ એમાં 'વો વાલી બાત' નહિ થી, જેના લીધે ખાસ તો એ ગીત જોવા પ્રેક્ષકો સિનેમા સુધી જાય. શંકર- જયકિશનની ધૂન પર ફિલ્મ 'પૂજા'માં હોળીનું આપણે જોઈતું હતું એવું તરખાટવાળું ગીત તો મળ્યું, 'હોલી આઇ આઇ પ્યારી પ્યારી ભર પિચકારી, રંગ દે ચૂનરિયા હમાર...' પણ હીરો કોઈ નહિ ને ભા. ભૂ હતો, એટલે કે ભારત ભૂષણ. મુખ્યમંત્રીની શપથવિધિને પણ બેસણામાં ફેરવી નાંખી શકે, એવો મનોહર ડાચાવાળો આ અભિનેતા તો હજી સારો લાગે, પણ એની સામે હીરોઈન પૂર્ણિમા ભા.ભૂ.ની વિધવા 'મૉમ' થાય એવા કરુણ ચહેરા સાથે આ ગીતમાં આવી. ગીતનો ચારે બાજુથી કચરો થઈ ગયો. આ પૂર્ણિમા એટલે આજના હીરો ઇમરાન હાશ્મીની સગી નાની.

શંકર- જયકિશનની આહલાદક તર્જ ઉપર મુહમ્મદ રફીએ આખું ગીત તાર સપ્તકમાં ગાયું છે અને એની પાછળ રિધમ- સેક્શન આપણા હાથ-પગની થાપટ ઊભી કરવા કાફી શક્તિમાન છે.

એ વાત જુદી છે કે, આ જ ફિલ્મ અને આ જ હોળીની સિચ્યુએશન ઉપરથી શક્તિ સામંતે 'કટી પતંગ' બનાવ્યું અને રાજેશ ખન્નો હતો તો સ્ફૂર્તિ અને થનગનાટવાળો અદાકાર... ને એમાં ય કિશોરનો કંઠ વત્તા રાહુલદેવ બર્મનની તોફાની તરજ. લતા ગીતનો ગંભીર પાર્ટ ગાય અને કિશોર તોફાની પાર્ટ ને છતાં ય પંચમે એ બંન્ને ભાવોને કેવી સાહજીકતાથી ભેગા કરીને ઉત્તમ હોળીગીત બનાવ્યું છે.

ભીગે ચૂનરવાલી રંગ બરસે...

પછી તો જમાનો આવ્યો અમિતાભ બચ્ચનનો. એ જે કરે, જેવું કરે, તેવું આપણે કરવાનું અને એમાં સદીના આ સૌથી મોટા મહાનાયકે એવી સ્તર વગરની ફિલ્મ અને એવા જ સ્તર વગરના હોળી ગીતોમાં સામેલ થઈને ભારતીય તહેવારની પવિત્રતાને ડાઘ પણ લગાડી દીધો. ફિલ્મ 'સિલસિલા' એના અને એની પ્રેમિકા રેખા વચ્ચેના ગેરકાયદેસર લફરાને 'જસ્ટિફાય' કરાવવા યશ ચોપરાની મદદ લઈને બનાવવામાં આવી હતી. હોળીને નામે પરિણિત અમિતાભ એની પત્નીની હાજરીમાં નફ્ફટ થઈને પરિણીત પ્રેમિકા સાથે વધુ પડતી છૂટ લઈને હોળી રમે છે. રેખાનો પતિ પણ આ બધું નજર સામે જોવા છતાં સોશિયલ- નોર્મ્સ સામે લાચાર છે. બચ્ચને રેખા કે બીજી કોઈ લીટી સાથે લફરૂં હોય, એ એ બન્નેનો પર્સનલ વિષય છે, પરંતુ કેવળ એને જસ્ટિફાય કરવા એક તબક્કે તો પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થાય એ અસહ્ય છે.

પ્રસ્તુત ગીતના ફિલ્માંકનની વાત કરીએ તો ભર તડકે એને શૂટ કરવામાં આવ્યું હોવાથી હોળીની ભીનાશ એમાં દેખાતી નથી.

હોલી ખેલત નંદલાલ બિરજ મેં

મેહમૂદને કેવળ કોમેડિયન ગણવામાં આવ્યો, એ આપણા ફિલ્મ પત્રકારત્વની નબળાઈ છે. જ્હોની વોકર માટે હજી આ નિવેદન ચાલી જાત, પણ મેહમૂદ ન કેવળ કોમેડિયન, પણ અચ્છો કલાકાર પણ હતો. એક 'અભિનેતા' તરીકે એનું મૂલ્યાંકન થયું જ નહિ. એ તો ઠીક, માત્ર કૉમિકમાં લેવા માટે ય, પત્રકારો પાસે સમજ પરિપક્વ નહોતી. મેહમૂદ હિંદી ફિલ્મોનો સર્વોત્તમ'મિમિક્રી- આર્ટિસ્ટ' હતો, પિતા મરહૂમ મુમતાઝઅલીના પગલે એ પણ ખૂબ અચ્છો ડાન્સર હતો. સર્જક તો હતો જ, છતાં એણે બનાવેલી ફિલ્મો કૉમિક હોય કે ગંભીર, દેશને ઉપયોગી કોઈ સંદેશો એની ફિલ્મોમાં રહેતો.

પ્રસ્તુત ગીતમાં વિશ્વવિખ્યાત સિતારવાદક પં. રવિશંકરે એની પાસે મુહમ્મદ રફીના પ્લેબેકમાં બે-ત્રણ અદ્ભુત રચનાઓ આપી છે, એમાંનું આ હોળીગીત શિરમોર ! દ્રષ્યોમાં ક્યાંય હોળી રમાતી દેખાતી નથી, તેમ છતાં ગામનો આ ભોળો છોકરો ગામ જઈને (પોતાને નંદલાલ માનીને) કેવા થનગનાટથી હોળી રમશે,એનું મધૂરું વર્ણન આ ગીતમાં થયું છે. મુહમ્મદ રફીએ આ ગીત પૂરી તળપદી છાંટથી ગાયું છે.

ગાઓ તરાને મન કે જી આશા આઇ દુલ્હન બન કે

'નૌશાદ ઍટ હિઝ બેસ્ટ' એવું છોગું લટકાવવું હોય તો એમની લગભગ તમામ ફિલ્મોને લગાવવું પડે, પરંતુ હોળીની રમઝટ અને પ્રસ્તુત હોળી ગીતમાં ભાગ લેનાર કલાકારો - દિલીપ કુમાર,નાદિરા અને અનેક જુનિયર આર્ટિસ્ટ્સની કારીગરી જોયા પછી બહુ ભણેલાગણેલા હો તો ભલે નાચો-બાચો નહિ પણ ફુટટેપિંગ તો થવાનું, એ ખાત્રી ગેરન્ટીના લેવલ સુધી આપી શકાય. નૌશાદને વંદન કરવા પડે આવું સુંદર અને ભીનું ભીનું હોળી ગીત બનાવવા માટે.

શકીલ બદાયૂનીએ પણ ટિપિકલ ભારતીય સંસ્કૃતિને આધિન રહીને અદ્ભુત હોળીગીત લખ્યું છે. હસતો અને નટખટ દિલીપકુમાર કેવો રૂપાળો અને હેન્ડસમ લાગે છે ! એના આ હેન્ડસમ કે રૂપાળા લાગવા પાછળ કારણ એ પણ હતું કે, એ અરસાની તમામ ફિલ્મોમાં દિલીપ કરુણ પાત્રો અને નિષ્ફળ પ્રેમના રોલ ભજવી ભજવીને માનસિક સમતુલા ખોઈ બેઠો હતો. દિલીપને બાકાયદા માનસિક રોગોના ડૉક્ટરની સારવાર લેવી પડી હતી અને આવા માનસિક આલમમાં ભારતની હોળી જેવો થનગનાટ પેદા કરી આપે એવો બીજો કયો તહેવાર હોઈ શકે ?

આજ મીઠી લગે હૈ તૈરી ગાલી રે...

કોઈ પણ સેક્શનમાંથી વિવાદ જ ઊભો ન થાય, એવું સર્વાનુમતે સર્વોત્તમ પસાર થઈ જાય એવું ફિલ્મ 'નવરંગ'નું ગીત, 'અરે જા રે હઠ નટખટ ના છોડ મેરા ઘુંઘટ, પલટ કે તુઝે આજ દુંગી ગાલી રે...' આજે એ ગીત બનવાના ૫૫- ૫૬ વર્ષ પછી ય તરોતાઝા લાગે છે. પંડિત ભરત વ્યાસના શબ્દો રામ જાણે એમના મનના કયા ખૂણામાંથી એમની મરજી મુજબ, સર્કસના સિંહોની જેમ કવિની આંગળીના ઇશારે એક પછી એક રિંગમાં આવતા ગયા અને આપણે મુગ્ધ થતા ગયા. અને એમાં ય ભળ્યો અન્ના ચિત્તલકર દાદાનો સ્પર્શ- ગળેથી અને સંગીતથી. મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના કંઠ ઉપરાંત સંગીતકાર સી. રામચંદ્રે હોળીના તળપદા રંગોને 'લાઇવ' કરવા વાજીંત્રો પણ પૂરા દેસી ઢબના વગાડાયા છે.

જેણે ફિલ્મ જોઈ હશે, એને આ ગીત દરમ્યાન હોળી રમતો હાથી પણ યાદ આવશે કે, વ્હી. શાંતારામે હોળીની અસર ઉભી કરવા કોઈ તત્ત્વ બાકી રાખ્યું નહોતું. હીરોઇન સંઘ્યાએ વ્હી. શાંતારામ સિવાય કોઈની ફિલ્મોમાં કામ ન કર્યું પણ નૃત્યના જાણકારો હક્કથી કહે છે કે, હિંદી ફિલ્મી નૃત્યોમાં વૈજયંતિમાલા અને હેલન કરતા સંધ્યા એક દોરો ય ઉતરે એવી નથી. બેશક આજ સુધીની હિંદી ફિલ્મોનું સર્વોત્તમ હોળી ગીત ફિલ્મ'નવરંગ'નું આ હતું.

1 comment:

Unknown said...

Dear sir,
The holi song of film Navrang is really one of the bests.It's fantastic that Sandhyaji's steps exact match with elephant's steps & also one person is playing character of two (male & female)......hats off to Shantaramji & also Sandhyaji.

Thanks.
PANKAJ SHAH
Baroda