Search This Blog

08/05/2016

ઍનકાઉન્ટર : 08-05-2016

* જેન્તી જોખમ અને પરવિણભ'ઈ બહુ યાદ આવે છે... ફરી બોલાવો ને ?
- જેન્તીના નામની આગળ 'સ્વ' લાગી ગયો છે અને એવા સ્વ. બીજાના નામોની આગળ ન લાગે, એને માટે પરવિણ મેહનત કરે છે. એ પૂરી થશે, એટલે બોલાવીશું.
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)

તમારી કૉલમ વાંચીને લાગે છે કે, તમે દેશભક્ત તો છો, પરંતુ એકપણ ધર્મ પસંદ કરતા નથી...
- હું ચુસ્ત હિંદુ છું અને એનું મને ગર્વ છે, પણ ઍટ લીસ્ટ.... બે-ત્રણ વર્ષ સુધી ન તો મારો ધર્મ હિંદુ છે, ન બીજા એકે ય ધર્મ માટે મને કોઈ લાગણી છે- સિવાય કે, એ ધર્મ પોતાના અનુયાયીઓને ભારત માતા પ્રત્યેની ચુસ્ત વફાદારી શીખવતો હોય !
(બિરેન શાહ, સુરત)

હવે મોટા ગણી શકાય એવા દેશોએ પણ ભારતની નોંધ અને પ્રશંસા કરવા માંડી છે, છતાં કેટલાક લોકો મોદીનું વાંકુ જ કેમ બોલે જાય છે ?
- એ બધાએ યૂ-ટયુબ પર પાકિસ્તાની ન્યુસ-ચૅનલો જોવા જેવી છે. એ લોકો છુટા મોંઢે પોતાના ભોગે ય મોદીની પ્રશંસા કરે છે.
(ડૉ. ક્રિષ્ના વિષ્ણુ ટીલવા, રાજકોટ)

પાણી-પુરી વિશે અવારનવાર આપ પ્રજાને ચેતવો છો, છતાં લોકો કેમ સુધરતા નથી ?
- માણસ છે... ઘર કરતા બહારનું જમવાનું ભલભલાને હચમચાવી મૂકે છે.
(કૈલાશ ભટ્ટ, અમદાવાદ)

* 'કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ...' વાત સાચી પણ આજકાલ તો બધું ખોયા પછી ય કાંઈ મળતું કેમ નથી ?
- આ મામલે કૉંગ્રેસ પાસેથી થોડું નહિ.. ઘણું બધું શીખવા જેવું છે. મૂળ તો કુછ પામવામાં હતું એ ય બધું ગુમાવ્યું.. છતાં, 'રહેને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા'ના દાવા સાથે મસ્તીથી વધારે ને વધારે ગુમાવતા જાય છે ને ?
(ફાલ્ગુની કસુન્દ્રા, રાજકોટ)

તમે 'ઍનકાઉન્ટર'ના જવાબો ઘેર બેસીને આપો છો કે 'ગુજરાત સમાચાર'ની ઑફિસે ?
- એક પાળેલી ભેંસ રાખી છે... એની ઉપર બેસીને !
(રાકેશ એન. મોદી, મહેસાણા)

આ પહેલા મેં બે સવાલો મોકલ્યા હતા. તમે કેટલા સવાલો પછી જવાબ આપો છો ?
- સવાલ સાથે માંગેલી વિગતો પૂરતી ન લખી હોય, તો એકે ય નો જવાબ ન મળે.
(અશ્વિન મોરે, વડોદરા)

હવે અંગ્રેજો ભારતમાં આવે તો ?
- મારે ફરી એક વાર 'હે રામ' બોલીને નથી મરવું.
(રાહુલ નાકરાણી, સુરત)

આપણા યુવાનો પશ્ચિમી અનુકરણ કરવાને બદલે દેશમાંથી કેમ કાંઈ શીખતા નથી?
-  આપણો યુવાન બેશક બ્રિલિયન્ટ છે. અનુકરણ પણ સર્જનાત્મક હોય, તો ખોટું કાંઈ નથી.
(કપિલ જાની, ઊના-ગીરસોમનાથ)

તમે હાસ્યલેખક ન બન્યા હોત, તો શું બનવાની ઈચ્છા હતી ?
- અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકર જેવા સ્થાને પરમેશ્વરે મૂક્યો છે.. બીજું ક્યાંથી કાંઈ ગમે ?
(નારણ આહિર, ભૂંભલી : ભાવનગર)

માણસ મચ્છરદાનીમાં કેમ સુએ છે ?
- મચ્છર મારવા ત્યાં સહેલા પડે !
(વર્ષા જે. સુથાર, પાલનપુર)

તમે બાબા રામદેવની મૅગી ખાવાનું પસંદ કરો ખરા ?
એ બીજા બાબાઓની જેમ દેશને નીગ્લૅક્ટ કરતા બાબા નથી.
(કુમકુમ ઠાકર, વડોદરા)

તમારા ફ્લૅટનો ચોકીદાર તમને ઓળખે ખરો ?... ંકે આ 'ઍનકાઉન્ટર'વાળા અશોક દવે ?
- ના. એ તો આબરૂદાર માણસ છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

ક્રીમરોલ એના સાંકડાભાગથી ખાવો કે પહોળા ભાગથી ?
- તમારા માટે એને છીણીને ખાવો વધુ આરોગ્યપ્રદ રહેશે.
(ડૉ. અમિતા ચૌધરી, ભાવનગર)

છોકરાઓ બ્રૅકઅપ પછી દેવદાસ બની જાય છે, તો છોકરીઓ ?
- છોકરાઓ એવા લલ્લુ રહ્યા નથી, ભાઈ... એ તો બીજી રીક્ષા પકડી લે છે.
(રાજેન્દ્ર બારીયા, મુવાડા-પાવીજેતપુર)

પાકિસ્તાનનું શું કરીશું ? લાતોના ભૂત, વાતોથી માનશે ?
- વાતો... એટલે જૉક્સ કહેવા તો જઈએ છીએ !
(રાજેન્દ્ર જોશી, નવી મુંબઈ)

તમે 'વૉટ્સએપ'નું શું વિચારી રહ્યા છો ?
- જે વિચારી શકતો હોય, એ વૉટ્સએપ વિશે ના વિચારે.
(નિસર્ગ દીક્ષિત, મહુધા)

નવા નવા પ્રેમમાં પડેલા કોઈ યુવાનને તમે મળ્યા છો ?
- ધારણા ખોટી છે. એવો યુવાન મારે શું કામમાં આવવાનો ?... અને એવી યુવતીના હું શું કામમાં આવું ?
(ભરત ડી. સાંખલા, ડિસા)

લગ્ન કરવાનો ફાયદો સ્ત્રીને કે પુરૂષને ? કેટલા ટકા ?
- આવી ટકાવારી કાઢવા ન બેસે, એને.. સો ટકા.
(ડૉ. વિ. પી. કાચા, અમદાવાદ)

પ્રદુષણ ઘટાડવા અંગે તમારૂં શું માનવું છે ?
- હું જે માનું છું, તે મારા ઘરમાં ય કોઈ માનતું નથી.. રોગ ગૅસથી રસોઈ થાય છે.
(કિશન આહિર, સુત્રાપાડા)

તમે અમેરિકા જઈને આવ્યા, ત્યાંનો અનુભવ કેવો રહ્યો ?
- ...એમ તો એ લોકોને ય ગમ્યું હતું !
(મુહમ્મદકાન પઠામ, મહેસાણા)

સુષ્મા સ્વરાજ પાકિસ્તાન જઈને ઉર્દુમાં બોલી આવ્યા. 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપીશું' એ હાકલની પૂર્તિમાં આ વાત બની છે ?
- બોલને સે ક્યા હોતા હૈ...? આપણે તો એના ઘેર જઈને ઠોકી આવીશું.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

No comments: