Search This Blog

06/05/2016

'પ્રેમ પૂજારી' ('૭૦)

દેવ આનંદે બનાવેલી થ્રિલર : કર્ણપ્રિય ગીતો શત્રુઘ્ન સિન્હા-અમરીશ પુરીની પહેલી ફિલ્મ પ્રેમ પૂજારી

ફિલ્મ : 'પ્રેમ પૂજારી' ('૭૦)
નિર્માતા-દિગ્દર્શક : સચિનદેવ બર્મન
સંગીત : કવિ નીરજ
રનિંગ ટાઇમ : ૨૦ રીલ્સ : ૧૯૨ મિનિટ્સ
થીયેટર : મૉડેલ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, વહિદા રહેમાન, ઝાહિદા, શત્રુઘ્ન સિન્હા, પ્રેમ ચોપરા, અનુપ કુમાર, સિધ્ધુ, નઝીર હુસેન, મદન પુરી, અચલા સચદેવ, સજ્જન, ઉલ્હાસ, માસ્ટર સચિન, શિવપુરી, નાદિયા ગમાલ, અશોક રામપાલ, કર્નલ કી. મનમોહન, રામમોહન, અમરીશ પુરી, ઉમા દત્ત, સુધીર, ઈફ્તેખાર, મીના ચીટણીસ, મધુપ શર્મા, ભગવાન સિન્હા અને મુકરી.ગીતો
૧. દૂંગી તેનૂ રેશમી રૂમાલ, ઓ બાંકે જરા ડેરે આના... લતા મંગેશકર-સાથી
૨. પ્રેમ કે પૂજારી હમ હૈ રસ કે ભિખારી, હમ હૈ... સચિનદેવ બર્મન
૩. ગમ પે ધૂલ ડાલો, કહેકહા લગા લો, અરે કાંટો કી... કિશોર-ભૂપેન્દ્ર
૪. ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝકો લિખી રોજ... કિશોર કુમાર
૫. તાકત વતન કી તુમ સે હૈ, ઈજ્જત વતન કી તુમ સે... મન્ના ડે-રફી-સાથી
૬. રંગીલા રે, તેરે રંગ મેં, યૂં રંગા હૈ, મેરા મન... લતા મંગેશકર
૭. શોખિયોં મેં ઘોલા જાય ફૂલોં કા શબાબ, ઉસમે ફિર... લતા-કિશોર

ફિલ્મોમાં હીરો-હીરોઇન એટલી મોટી ઉંમરે પ્રેમોમાં પડતા હોય છે કે, જીવ આપણો બળે કે, એણે આટલા ઢાંઢા થઇ ગયા ત્યાં સુધી કર્યું શું ? ફિલ્મ '૭૦ની સાલમાં બની હતી ને દેવ ૧૯૨૩માં જન્મ્યો હતો. એટલે આ ફિલ્મમાં એ જીવનનો પહેલો પ્રેમ ઠેઠ ૪૭ની ઉંમરે ૩૨ વર્ષની વહિદા રહેમાન (૩ ફેબ્રુઆરી, ૧૯૩૮)ને કરે છે, અર્થાત આટલી મોટી ઉંમરો સુધી ભ'ઇને કોઇ આપતું નહોતું ને બેનનો કોઇ લેવાલ નહતો !

આપણા જમાનાની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં ઉંમરનો પ્રોબ્લેમ તો બધા હીરો-હીરોઇનને નડયો છે. રાજ કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, મીના કુમારી, માલા સિન્હા... જસ્ટ દાખલો આપું છું, આ લોકોએ ભરયુવાનીમાં હોમગાર્ડ્સના ક્લાસ ભર્યા હતા કે પહેલી વારના પ્રેમમાં પડવા માટે એમને ૪૦-૪૫ વટાવી દીધા પછી પ્રેમો ઊપડે ? પાછા આ લોકો ગાર્ડનોમાં કે પર્વતો ઉપર દોડાદોડી ય નાના બાળકો જેવી કરતા હોય... તારી ભલી થાય ચમના, પેલીને આટલે દૂર ઘસડી લાવ્યો છું ને માઇલોના માઇલો સુધી તમારા બે સિવાય કોઇ દેખાતું નથી, તો આવી શાંતિમાં તારે પહેલું કામ શું કરવું જોઇએ, એ અમારે શીખવવું પડે ? ગીતડાં ફટકારવાની ક્યાં જરૂર છે ? આ તો એક વાત થાય છે.

આવું કાંઇ આપણા જેવાનું સાંભળવું ન પડે, એ માટે શમ્મી કપૂર સમજણો થયો (એટલે વૈજ્ઞાનિક રીતે 'પુખ્ત ઉંમર'નો) ત્યારથી છોકરીઓ સાથે ઘર-ઘર રમવાનું શરૂ કરી દીધું હતું. એ પોતે ય કહે છે, મારી યુવાનીમાં મેં કેટલી છોકરીઓ સાથે પ્રેમો કર્યા છે, એ મને ય યાદ નથી. (અલબત્ત, પેલીનું સ્ત્રી હોવું... અને સુંદર સ્ત્રી હોવું નિહાયત જરૂરી હતું.) દેવ આનંદે તો પોતાની આત્મકથા Romancing with Life માં નિખાલસતાપૂર્વક (અથવા નફ્ફાટાઇપૂર્વક) લખ્યું છે કે, એ ફિલ્મોમાં આવું-આવું કરતો હતો, એ જમાનામાં મુંબઇની લોકલ-ટ્રેનના એક ખાલી ડબ્બામાં એક યુવતી એકલી બેઠી હતી, એની સાથે તાબડતોબ પ્રેમ (!) થઇ ગયો અને ('ટાઇમ ઈઝ મની'ના ધોરણે) એ બન્નેએ ચાલુ ટ્રેનમાં જ સૅક્સના એવા પ્રયોગો કર્યા, જે એણે પોતાની આત્મકથામાં તો બિન્ધાસ્ત લખ્યા છે, પણ અહીં આપણાંથી લખાય એટલા સભ્ય નથી.) રહી વાત શમ્મીની, તો એ પાપા પૃથ્વીરાજના નાટકોમાં કામ કરતો એમાં પરદેશની છોકરીઓ પણ કામ કરતી, એ બધીઓને સરખે હિસ્સે શમ્મી 'ખુશ' રાખતો.

એ દરમ્યાનમાં શમ્મી હજી તો નવોનવો ફિલ્મોમાં આવ્યો હતો, ત્યારે રાજ કપૂર-દિલીપ કુમાર સહિતના હિંદી ફિલ્મસ્ટાર્સ સીલોન (હવેના શ્રીલંકા)માં ક્રિકેટ મેચો રમવા ગયા હતા (ઈ.સ. ૧૯૫૩), ત્યાં શમ્મીએ એક ડાન્સ-શોમાં કૅરો-ઈજીપ્તની બેલી-ડાન્સર નાદિયા ગમાલને જોઇ અને આદતન... જોતાં વ્હેંત પ્રેમમાં પડી ગયો. (આ બધું અશોક દવે નથી કહેતા... ખુદ શમ્મીએ પોતે કીધું છે) ફિલ્મસ્ટારોની ક્રિકેટ-મેચો જાય ભાડમાં, શમ્મીએ નક્કી કરી લીધું કે, પરણવું તો આ નાદિયાને જ !

એ જ શો પછી એ તરત જ નાદિયાને મળવા ગયો. ભ'ઇ હેન્ડસમ તો પૂરબહાર હતા જ, એટલે નાદિયાને ય ગમી ગયા. બન્ને સીલોનમાં ખૂબ સાથે ફર્યા. શમ્મી માટે સમય ખૂબ કિંમતી ચીજ હતી, એટલે એ બગાડયા વિના નાદિયાને મેરેજની ઑફર કરી લીધી... પેલીએ સ્વીકારી પણ ખરી... એટલું કહીને કે, ''અત્યારે તો આપણે બન્ને બહુ નાના છીએ... (નાદિયા બસ, કોઇ ૧૭ની અને શમ્મી ૨૨નો હતો). પાંચેક વર્ષ રાહ જોઇએ. ત્યાં સુધી ય આપણા 'બન્ને' તરફથી પ્રેમ ચાલુ રહ્યો હશે તો પરણીશું.'' શમ્મીને માન્યા વિના છૂટકો નહતો. શમ્મીના કહેવા મુજબ, નાદિયા માની ન શકાય એટલી સુંદર અને સૅક્સી હતી. એની ઉપરથી નજર હટાવવી ય શક્ય નહોતી.

પણ નાદિયાની વાત સાચી પડી. વચમાં પોતાના વતન ઈજિપ્ત જતા મુંબઇ નાદિયા પોતાની મમ્મી સાથે ઉતરી, જ્યાં શમ્મીએ બન્નેનું સ્વાગત કરી મુંબઇની તાજમહલ હોટલમાં ઉતારો આપ્યો, એટલું જ નહિ, રાજ કપૂરની ફિલ્મ 'આવારા'નો લિબર્ટી સિનેમામાં પ્રીમિયર શો હતો, એમાં પણ એ બન્નેને લઇ ગયો. શમ્મીએ પોતાના પિતા, દાદા અને ભાઇઓ... આખા પરિવાર સાથે એ બન્નેનો પરિચય કરાવ્યો અને બીજા દિવસે તો મા-દીકરી ઈજીપ્તની ફ્લાઇટમાં ઉપડી ય ગયા.

પેલીની ધારણા સાચી એટલે હતી કે, પાંચ વર્ષમાં બન્ને એકબીજાને ઑલમોસ્ટ ભૂલી ગયા હતા. શમ્મીએ ગીતા બાલી સાથે અને નાદિયાએ કોઇ ઈજિપ્શિયન સાથે લગ્ન કરી લીધા હતા. નાદિયાના રૂપની પાછળ શમ્મી એટલી હદે પાગલ હતો કે, લગ્ન કરવાની શરતરૂપે જો જીવનભર ઈજીપ્તમાં સૅટલ થવાનું આવે, તો ય એને વાંધો નહતો.... પણ વાત પાંચ વર્ષમાં પૂરી થઇ ગઇ.

એ... નાદિયા ગમાલને જોયા વિના તમારાથી ય ન રહેવાતું હોય, તો દેવ આનંદે આ ફિલ્મ 'પ્રેમપુજારી'માં એને લીધી છે. અદભુત બેલી-ડાન્સ ઉપરાંત નાનકડો છતાં કામનો રોલ પણ આપ્યો છે... કામનો એટલા માટે કે, નાદિયા હેન્ડસમ દેવ આનંદને કહે છે, ''મને કિસ કર...'' પહેલી વારમાં પેલો માનતો નથી (અથવા સમજતો નથી) એટલે નાદિયા બીજી વાર આમંત્રણ આપે છે. છેવટે ભારતીય સંસ્કારોને બટ્ટો ન લાગે અને મેહમાનોનું માને ય સચવાય, એ માટે દેવ નાદિયાના કપાળ ઉપર નાનકડું 'કિસીયું' કરે છે.

'પ્રેમ પૂજારી' દેવ આનંદની એ પછીના આવેલી તમામ ફિલ્મો કરતા ઓછી બકવાસ હતી. ભ'ઇને જ્યારથી પોતાને દિગ્દર્શક માની લેવાની શૂળ ઉપડી હતી, ત્યારથી એ સખણો રહ્યો જ નહિ. ''સાહેબ... તમને મારી આ ફિલ્મ બકવાસ લાગી... અરે, હવે પછીની તો જોજો... મારી બધી બકવાસ ફિલ્મોની ય એ મા હશે...''

'પ્રેમ પૂજારી'ને ઓછી બકવાસ કહેવાના ત્રણ-ચાર કારણોમાં સૌથી મહત્વનું કારણ ફલી મિસ્ત્રીની અકલ્પનીય ફોટોગ્રાફી, બીજું દાદા બર્મનનું 'માય ગૉડ' મ્યુઝિક, ત્રીજું દેવ આનંદ હદ બહારનો હેન્ડસમ લાગે છે અને ખાસ તો છેલ્લી છેલ્લી ફિલ્મોમાં એ પીળું, જાંબલી, ગુલાબી કે એવા રંગોના પાટલૂનો પહેરતો ને એનાથી ય વિચિત્ર રંગોના શર્ટ્સ, એને બદલે આ ફિલ્મમાં તો એના કપડાં અને કલર-કૉમ્બિનેશન્સ પણ ઊડીને આંખે વળગે એવા મનોહર છે.

ચોથું કારણ, કદાચ અજાણતામાં ય દેવ આનંદ આ ફિલ્મને થોડીઘણી થ્રિલર બનાવી શક્યો છે, એટલે આપણને, 'હવે શું થશે ?' એનો ઈન્તેજાર રહે. હજી કદાચ પાંચમું-છઠ્ઠું કારણે ય મળી આવે, પણ ફિલ્મને બકવાસ ગણવાના તો ૩૪ હજાર કારણો છે. હખણા ઊભા નહિ રહેવાના કે ચેહરાને ગમે ત્યાંથી ગમે ત્યારે આડોઅવળો મરડવાના કે ચાલતા-ઊભા રહેતી વખતે ય તમને ખૂન્નસ ચઢી આવે, એવા વાંકાચૂકા વળતા રહેવાનું - જેવા કારણો તો આપણે ગણીએ પણ નહિ, પણ બુધ્ધિ વગરના દ્રશ્યો એણે કેમ લીધા હશે, એ તો પિશોરીમલ જાણે ! (આ એના સ્વ પિતાનું નામ છે.) એક નાનો દાખલો ય કાફી છે.

સમજ્યા કે, કૅમેરામાં પૅરિસનો આયફલ ટાવર બતાવવા દેવ આનંદ ટેક્સીમાંથી પેન્ટિંગનો સામાન લઇને ઉતરે છે, એ પછી ભીડ કાપતો દેવ એ સામાન લઇને-નાનુ છોકરૂં ય ડાઉટ કરે, એવો ચોર હોય, એમ બધાના દેખતા ડરતો-છુપાતો-લપાતો શેના માટે હોટલ સુધી દોડે રાખે છે, તે સમજની બહાર છે. ભારત હિંસાનો વિરોધી છે, પણ બાયલાની માફક દુશ્મનોનો માર ખાધે રાખવાનું ય ભારતની સંસ્કૃતિમાં નથી, એ ભૂલીને દેવ યુધ્ધમોરચે ચીનાઓના ગોળીબારનો જવાબ આપવાને બદલે, હિંદીમાં ખખડાવી નાંખે છે. આ બાજુ, એનો બૉસ ગોળીબારનો જવાબ ગોળીથી આપવાનો હૂકમ કરે છે, તો દેવ એને ય ખખડાવી નાંખે છે, ''એ લોકો ગોળી ચલાવે, એની સામે આપણે ય ચલાવીએ, જવાબમાં એ લોકો વળતો હૂમલો કરે.... અરે, આ બધું ક્યાં અટકવાનું ?'' એનો કૉર્ટ-માર્શલ થાય છે અને પોતાને અહિંસાનો પૂજારી ગણાવતો દેવ આનંદ જેલનો સામનો કરવાને બદલે ભાગી છુટે છે.

હીરો બાયાની જેમ વિલનના હાથનો સીધેસીધો માર ખાધે રાખે, એ તો આજના પ્રેક્ષકો ય સહન કરતા નથી, ત્યાં એ જમાનામાં દર્શકો શું કામ પસંદ કરે ? માત્ર આ જ ફિલ્મ નહિ, દેવની અગાઉની બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોના જમાનામાં ય દેવ મારામારીમાં વિલનોને હાથે ઢીબાતો દેખાય... હજી કાંઇ બાકી રહી જતું હોય, એમ એ દર ચોથી ફિલ્મે બાળકની જેમ મોંઢું બગાડીને રીતસર રડે. અમિતાભ બચ્ચનનું મૂલ્ય પ્રેક્ષકોને અહીં જ દેખાયું. એક તો આવ્યો ત્યારે લોંકડી હતો, છતાં અવાજની બુલંદી અને સ્વભાવમાં જોશોખરોશને કારણે વિલનો એને ઢીબે એ પહેલા એ એમને ઢીબી નાંખે, એમાં દર્શકોને મર્દાનગી લાગતી.

યસ. બર્મન દાદાના કિશોરે ગાયેલા મસ્તમધુર ગીત 'ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે...' સ્વિત્ઝરલેન્ડના મનોરમ્ય લોકેશન્સમાં ઉતારેલું છે, એ ગીતમાં દેવ આનંદ મોર પણ ઝાંખો પડી જાય, એટલો સુંદર લાગે છે. બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મોમાં આપણે જોયેલી એની ગુચ્છાવાળી હેરસ્ટાઇલ ફિલ્મ 'ગાઇડ'થી એણે બદલી હતી, એટલે વધુ દેખાવડો લાગે છે.

વહિદા રહેમાન ફિલ્મોમાં આવી, એ પહેલાની એક માત્ર દેવ આનંદની 'ફૅન' હતી. સાઉથની હોવાને કારણે પરફેક્ટ ડાન્સર તો હોય જ, સાથે સાથે શરીરસૌષ્ઠવ પણ જાળવી રાખ્યું હતું. એ વાત જુદી છે કે, આખી ફિલ્મમાં વહિદાને એક્ટિંગનો કોઇ મોકો મળ્યો નથી. દેવની ફિલ્મોમાં બે જ જણને મોકા મળે. એક્ટિંગનો મોકો એને પોતાને અને બૉર થવાનો પ્રેક્ષકને.

પોતાની પહેલી ફિલમમાં ચમકી રહેલી ઝાહિદા, ધી ગ્રેટ નરગીસની સગી ભત્રીજી હતી. નરગીસના ભાઇ અખ્તર હુસેનની દીકરી. અખ્તરનો બીજો ભાઇ અનવર હુસેન ફિલ્મોમાં ચરીત્ર અભિનેતા હતો, એ આપણે જાણીએ છીએ. ઝાહિદાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ''હું નાનપણથી દેવ સા'બ પાછળ પાગલ હતી. નરગીસજીને કારણે અમારા ફેમિલી સાથે ય અવરજવરના સંબંધ, પણ દેવ સા'બ આવવાના હોય, ત્યારે સવારથી હું પાગલ-પાગલ હોઉં અને આવે ત્યારે રૂમના પરદા પાછળથી એમને સતત જોયે રાખું.'' દેવ આનંદે ઝાહિદાને પોતાની ફિલ્મ 'ગેમ્બલર'માં ય લીધી હતી.

આ ફિલ્મમાં ઝાહિદાની જેમ પહેલી વાર પરદા ઉપર આવવાનું બહુમાન બીજા બે એક્ટરોને ય મળ્યું છે. શત્રુઘ્ન સિન્હા અને અમરીશ પૂરી. અલબત્ત, એ બન્નેના રોલ એકસ્ટ્રાથી વિશેષ નથી.

દેવ આનંદે 'ઑન રૅકૉર્ડ' કીધું છે, એની 'નવકેતન'ની તમામ ફિલમોના ગીતોમાંથી આ ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં લતા મંગેશકરે ગાયેલું 'રંગીલા રે, તેરે રંગ મેં, મૈં રંગાઇ...' એનું સૌથી વધુ માનિતું ગીત છે.

દેવ આનંદની પ્રોડયુસર તરીકે એક ખૂબી જાણવા જેવી છે, જે કમનસીબે રાજ કપૂરમાં ય નહોતી. દેવ જ્યારે પોતાની ફિલ્મ માટે કેમેરા પરદેશ લઇ ગયો છે, ત્યારે ત્યાંના બહેતરીન લૉકેશન્સ ઉપરાંત જે તે દેશના જોવાલાયક મુખ્ય આકર્ષણોને વાર્તામાં વણી લઇને પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધા છે, જેમ કે આ ફિલ્મમાં સ્પેનની બુલફાઇટ, બેલી-ડાન્સરનો અદભુત બેલી-ડાન્સ, લંડનનું મેડમ તુસાડ્ઝ મ્યુઝિયમ, નેપાળ-તિબેટના મનમોહક નઝારા, પેરિસના આયફલ ટાવર, સ્પેનના વાર્તાસમા બાહરી દ્રશ્યો વગેરે. અને આ ગૌરવ માટે તેને કાયમી સાથ મળ્યો છે 'નવકેતન'ના કાયમી કેમેરામેન પારસી ફલી મિસ્ત્રીનો. (જે અભિનેત્રી શ્યામાના પતિ હતા.) એક તો માની ન શકાય એવા બાહરી દ્રશ્યો ઝડપવાના ફલીને આવ્યા, એટલે પિકાસોના હાથમાં પીંછી આવી ગયાવાળી વાત થઇ ગઇ.

ફિલ્મની વાર્તા સારી બનાવી શકાઇ હોત. પંજાબના એક નાનકડા ગામના રીટાયર્ડ અને અપંગ સિપાહી નઝીર હુસેને યુધ્ધમાં ઘણા મેડલો મેળવ્યા હતા, પણ એમનો દીકરો દેવ આનંદ સાવ નમાલો નીકળે છે. એને પરાણે આર્મીમાં ભરતી કરાવવામાં આવે છે, જ્યાં એનું કૉર્ટ-માર્શલ થાય છે. દરમ્યાનમાં જેલમાંથી ભાગી છૂટતા એક તૂટી પડેલા વિમાનમાં બચી ગયેલી ઝાહિદા (જે ચીનની જાસૂસ હોય છે) સાથે સંપર્ક થતા એની સાથે દેવ યુરોપ થાય છે. કારણ કે, દેવને ખબર છે કે, આ લોકો દેશના દુશ્મનો છે. ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી પણ દેવને પકડવા યુરોપમાં પ્રયાસો કરે છે. દરમ્યાનમાં ભારતને પાકિસ્તાન સાથે ય યુધ્ધ થાય છે, જ્યાં દેવ સ્વદેશ પાછો આવીને દેશની સેવા કરવા શત્રુઘ્ન સિન્હા જેવા ૮-૧૦ પાકિસ્તાની ઘુસણખોરોને મારે છે અને પોતાની દેશભક્તિનો પરિચય આપે છે. આને તમે વાર્તા કહો તો વાર્તા-બાકી વચમાં વચમાં વહિદા, મદન પુરી, પ્રેમ ચોપરા ફિલ્મની વાર્તામાં આંટાફેરા કરે રાખે છે.

પ્રોબ્લેમ એ છે કે, સામાન્ય રીતે એ અથવા આ જમાનાની મોટાભાગની ફિલ્મો સરેરાશ ૧૬-૧૭ રીલ્સની હતી... વિચાર કરો, ૨૦ રીલ્સની આખી ફિલ્મ જોતા કેવો ડૂચો નીકળી ગયો હશે ?

No comments: