Search This Blog

29/05/2016

ઍનકાઉન્ટર : 29-05-2016

* કોંગ્રેસ આટલા વર્ષોમાં કામ કરી ન શકી, એ નરેન્દ્ર મોદી અચ્છે દિન લાવવા કેટલા વર્ષો લગાવશે?
-
કોંગ્રેસે કાંઈ નહોતું કર્યું, એ હિસાબે મોદી માટે રસ્તો આસાન છે.
(
મીસ કૅની દોષી, હિંમતનગર)

અમારા ગામમાં ઉધારીયા બહુ છે. શું કરવું?
-
હવે... તમારા વિશે મારે શું સમજવું?
(
સુફિયાન પટેલ, ચાવજ-ભરૂચ)

આ વર્ષે તમારી ૨૯-ફેબ્રુઆરી હતી... શું આયોજન કર્યું હતું?
- બસ... હજી આવી દસ-બાર ૨૯-ફેબ્રુઆરી ખેંચી કાઢવી!
(
કિશોર સોમાણી, રાજકોટ)

બધી મજાકો પતિ-પત્ની ઉપર જ કેમ હોય છે?
-
પુરવાર કરવી ન પડે એટલે!
(
દેવાંગી દેત્રોજા, જામનગર)

મારે બિઝનેસ કરવો છે. શેનો કરાય?
-
શરૂઆત તેલના કૂવા વેચવાથી કરો...
(
આશિત હિંગરાજીયા, રાજકોટ)

વરસાદ પડતા દેડકાં નીકળી પડે, એટલી ઝડપથી એન્જીનીયરિંગ કૉલેજો ફૂટી નીકળે છે...!
-
જે બહુ ફૂટી નીકળતું ન હોય, ત્યાં તમારે જવું.
(
દ્રષ્ટિ ઢેબર, જામનગર)

તમારું 'એનકાઉન્ટર' તમારા ઘરમાં ય કોઈ વાંચતું નથી, એવું ખોટું ન બોલો...
- બસ... તમારો આ સવાલ એમને વંચાવીશ.
(
અનિલ ટી. સુથાર, અમદાવાદ)

છેલ્લા ૫૦-વર્ષોમાં નવા જોશોજૂનુન સાથે દેશભક્તિના કોઈ ગીતો જ કેમ ન આવ્યા?
-
દેશભક્તિ આવે તો એના ગીતો આવે!
(
બાલેન્દુ એસ. વૈદ્ય, વડોદરા)

દિવસ-રાત બીજાની પંચાતમાં કાઢે, એવા લોકોને શું કહેવાય?
- કોંગ્રેસ.
(
કોમલ વામજા, જેતપુર)

૨૬-જાન્યુઆરીની પરેડમાં પરેડ કરતા રાજકીય નેતાઓ વધુ બતાવાતા હતા... એનું શું કારણ?
-
૨૬-જાન્યુ. સદીઓ સુધી આવતી રહેશે... પેલા લોકો આવતી પરેડ સુધી હશે કે નહિ એની કોને ખબર?
(
દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

બૉલીવુડના સ્ટાર્સ કામ કરે છે હિંદી ફિલ્મોમાં અને ઈન્ટરવ્યૂ ઈંગ્લિશમાં આપે છે... શું કારણ?
-
કામ હૉલીવૂડની ફિલ્મોમાં કરે અને ઈન્ટરવ્યૂ હિંદીમાં આપે, એ ય સારું ન લાગે ને?
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

છોકરીના લગ્નની ચિંતા એના માં-બાપ કરતા ગામવાળા કેમ બહુ કરતા હોય છે?
- ચિંતા કરે છે, ત્યાં સુધી જ સારું છે... કોઈ ઉલ્લેખ જ ન થાય, એ સહન પણ નહિ થાય!
(
ઉષા પાંડોર, ઉખારેલી-સંતરામપુર)

ઈન્ટરનેશનલ ડ્રાયવિંગ લાયસન્સ કઢાવવા શું જોઈએ?
-
એક વાહન.
(
આદિલ જરીયા, જૂનાગઢ)

અહીં કેમ કોઈ પણ માંગણી ધરણા, ધાંધલ અને ધમાલ વિના કોઈ સાંભળતું જ નથી?
-
પરણ્યા પછી આવું તો રહેવાનું !
(
મનન અંતાણી, રાજકોટ)

શું એ સાચું છે કે, જે ઘરમાં વડીલો હયાત હોય, એ ઘર મુસિબતોથી સુરક્ષિત હોય?
-
તમારા પૌત્ર-પૌત્રીઓ નસીબદાર કહેવાય!
(
વાહિદ સૈયદ, ધંધૂકા)

અમારા સવાલો ન છાપવાને 'અસહિષ્ણુતા' માની શકાય?
-
સવારે પેટ સાફ ન આવે, એને ય 'અસહિષ્ણુતા' કહેવાની ફેશન થઈ ગઈ છે.
(
રજનીકાંત ઘુંટલા, મુંબઇ)

અમે તમને સવાલ પૂછ્યો હતો, પણ જવાબ ન આપીને તમે અમારી લાગણીઓ છિન્નભિન્ન કરી નાંખી...
-
બહોત ખૂબ... અચ્છા શે'ર હૈ... આગે..?
(
દીપક પટેલ, જૂનાગઢ)

પ્રજાની કઈ વાત તમને આશ્ચર્યચકિત કરે છે?
-
ઉનાળો હોવા છતાં બોલબોલ કરે છે, ''બહુ ગરમી પડે છે, નહિ?''
(
સંજય દવે, શેઠવડાલા-જામજોધપુર)

ટ્રેન ગયા પછી જ ફાટક ખુલશે, એ જાણવા છતાં લોકો હોર્ન કેમ મારે છે?
-
ફાટક ખુલી જાય ને બધા વાહનો જતા રહે પછી હોર્ન મારમાર કરવાનો કોઈ ફાયદો ખરો?
(
રાકેશ પરમાર, કીલ્લાપારડી-વલસાડ)

ભારતને આઈએસઆઈના આતંકવાદથી બચાવવા શું કરવું જોઈએ?
- ઠંડા કલેજાની સોલ્લિડ રાષ્ટ્રભક્તિ.
(
પાર્થ દેલવાડીયા, સુરત)

અમારે તમને મેહમાન તરીકે બોલાવવા છે...
- હાસ્તો... કોઈ મકાનમાલિક તરીકે તો ન જ બોલાવે ને!
(
નરેશ-ફાલ્ગુની પટેલ, નડિયાદ)

તમે કઈ ઉંમરે લેખો લખવાનું શરૂ કર્યું?
-
કાચી ઉંમરે.
(
વાચા સુનિલ પટેલ, અમદાવાદ)

રાહુલ ગાંધીએ તો મોદીને જલસા કરાવી દીધા... સુઉં કિયો છો?
-
જલસા મોદીને કરાવ્યા હોય, એમાં હું શેનો રાજી થઉં..?
(
ડૉ. સુરેશ કે. પટેલ, ડિસા)

સદા ય ખુશ રહેવાની ગુરૂચાવી કઈ?
-
હું તો સદા ય અરીસો જોઉં છું.
(
ફાતેમા મીયાજીવાલા, સિધ્ધપુર)

ચા એને ભાવતી નથી ને કૉફી મંગાવવાની મારી હિંમત નથી, કોઈ ઉપાય?
-
કોઈ ચાવાળીને... આઈ મીન, ચા ભાવતી હોય એને પકડી લાવો.
(
સોહમ બી. દવે, અમદાવાદ)

પ્રેમ નિષ્ફળ જાય તો શું કરવું?
- આવા સંજોગોમાં તો ભ'ઈ સા'બ... લગ્ન કરી લેવા સારા!
(
ભરત લાખણોતરા, સમઢીયાળા-ખાંભા)

No comments: