Search This Blog

04/05/2016

હાય... ફૂસ્સ હાફૂસ

'તમે... કાંદા-લસણ તો ખાઓ છો ને ?' અમને ફેમિલી સાથે જમવા બોલાવવાનું આ આમંત્રણ હતું, પણ હું મૂંઝાયો એટલે ક્લિયર પૂછી લીધું.

'કાંદા-લસણ... આમ તો વાંધો નથી. પણ એની સાથે બીજું ય કાંઈ હશે ને ? આઈ મીન, સબ્જી-કુલચા, પાપડ-બાપડ વગેરે...? કાચે કાચા કાંદા-લસણ હજી સુધી ખાધા નથી, એટલે...'

'શું અશોકભાઈ તમે ય... ! હું તમને એકલા કાંદા-લસણ ખવડાવતી હોઈશ ? આ તો દાળ-શાકમાં...'

વાત ક્લિયર થઇ ગઇ એટલે રાહત થઇ, નહિ તો ગળામાં કાંદો ભરાઈ ગયો હોય, એવા બી જવાય ને કે, ડાયનિંગ-ટેબલ પર પ્લેટોમાં ફૉર્ક-સ્પૂન (છરી-કાંટા) ઘોંચી ઘોંચીને એક એક કાંદુ ખાવાનું અને લસણની કળી દાંતમાં ભરાવીને ખેંચી કાઢવાની... હાય મા! એ લોકો તો પાછું સૉલ્ટ-પેપરનું ય બોલ્યા નહોતા !

પણ થૅન્ક ગૉડ, એ લોકોનો એવો કોઈ ઇરાદો નહતો.

આવા જ ડરથી ગુજરાતીઓ હવે મન મૂકીને મોંઘી હોટલોમાં જમતા થઇ ગયા છે. ૩૫૦/-ની એક સબ્જી એમને ભારે પડતી નથી. આઠ-દસ જણા જમવા ગયા હોય, ત્યાં ૭-૮ હજારનું બિલ તો બહુ સામાન્ય કહેવાય. સર્વિસ-ટેક્સ અને સર્વિસ-ચાર્જ વચ્ચેનો તફાવત એકે ય ને સમજમાં આવતો ન હોવાથી આટલા મોટા બિલ પછી ય વેઇટરને ૨૦૦/- ૩૦૦/-ની ટિપ આપવી ફેશન થઇ ગઇ છે.

સર્વિસ-ચાર્જ શેનો આપો છો, એ જાણો તો ખરા ! દરેકને મહેમાનો પાસે 'પો પાડવો છે અને આ હિપોક્રસી હોટલવાળા ય જાણતા હોવાથી બેસતાની સાથે સ્ટયુઅર્ડ તમને પૂછવા આવે છે, 'સર, મિનરલ-વૉટર ઓર પ્લેઇન ?'' અહીં આટલી મોંઘી હોટલ લઇને બેઠા છો તો ચોખ્ખું (અને મિનરલ વોટર જ) આપવાની તમારી ફરજ છે અને એના તગડા રૂપિયા ગ્રાહક ચૂકવે છે, તો મિનરલ વોટર જેવું ચોખ્ખું પાણી હોટલ તરફથી ફ્રી કેમ ન હોય ? મેહમાનોને આંજી નાંખવા ઉપરાંત, 'અમે કાંઈ એવા ચીકણા નથી' વાળી છાપ પાડવા બિલ ચૂકવનારો સાહ્યબો નથી તો બિલ વાંચતો, નથી વેરિફાય કરતો કે ખરેખર પરાઠા કેટલા આવ્યા, સબ્જી કઇ કઇ અને કેટલી આવી... એ ય ચૅક નથી કરતો. ખાસ તો રોસ્ટેડ કે ફ્રાઇડ પાપડ તો કેમ જાણે હોટલવાળો મફતમાં આપતો હોય એમ બેવકૂફ ગુજરાતીઓ ચેક કરતા નથી.

બધું મળીને દસ પરાઠા તમે ખાધા હોય, એના બિલમાં સીધા ૨૨-મૂકી દે, એ તમે જોવા જવાના છો ? આવું સબ્જીમાં કે બીજી આઈટમોમાં ય બને ને ?

એક જમાનો હતો, જ્યારે હોટલનું બિલ પોતાને ચૂકવવું ન પડે, એના માટે પરમેશ્વરને પ્રાર્થનાઓ કરવી પડતી. બિલ આવે ત્યારે તો બધા નાટકો થાય, 'તમે રહેવા દો... અરે ના હોય... તમારે ના હોય !' એવો આગ્રહ-પૅન્ટના જે પોકેટમાં પાકીટ ન હોય, ત્યાં હાથ ખેંચી ફેરવતા ફેરવતા કરે રાખવાનો, ત્યાં સુધી મેહમાને પૈસા ચૂકવી દીધા હોય !

કબૂલ કરવાના હો તો કરી લો કે, આપણામાંથી ૯૦ ટકા લોકોને હોટલમાં મેનુ પસંદ કરતા આવડતું નથી ને ખાવા મેક્સિકન જોઇએ છે ! 'ઍન્ચીલાડાસ' તો બોલવાનું શીખતા જ મહિનો થયોહતો. સબ-વૅ માં ચીઝ-બટર કે સૉસ જોઇએ એટલા પ્રમાણમાં લઇ શકાય છે. એમાં ગુજરાતીઓ આડેધડ જેટલા દેખાય એ બધા સૉસની ઠોકાઠોક કરે છે. બર્ગર ઉપર ચીઝ નાખ્યું છે કે, નહાવાનો સાબુ ચોપડયો છે, એ પહેલી નજરે ખબર ન પડે. બટરના બે લોંદા તો આખેઆખી ચમચી બોળીને ચાટી જવાના ! પરિણામે, ત્રણ માળ ઊંચું હેમબર્ગર બન્યું હોય. બધું મળીને ૨૦-૨૫ આઈટમો બર્ગર ઉપર પધરાવી હોય. ચીઝના જ પચ્ચી પ્રકાર હોય. મેયોનીઝ અને બટર વચ્ચેના ફરકની જાણ હોત તો ઘેર નહાવા માટે ય મેયોનીઝ મંગાવત ! સબ-વે વાળો આખું બર્ગર પોતાને માથે પછાડે, એવો છેલ્લો સવાલ ગુજરાતીઓ પૂછતા અચકાય નહિ, 'આમાં કાંદા-લસણ તો નહિ આવે ને ?'

હાફૂસ કેરી મારો પ્રાણ છે. હું હાફૂસને જોતા વ્હેંત જ રાહુલ-રાહુલ થઇ જાઉં છું. એ વાત જુદી છે કે, બજારમાં ૬૦૦/-ની ડઝન મળે છે, એટલે જીવનના બધા જ કામો હું જ કરું - હું જ કરું, એ જ અજ્ઞાનતા-એવા ભ્રમમાં પડવાને બદલે હું જાતે કદી હાફૂસ ખરીદવા જતો નથી. યસ, બહારના આમંત્રણો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. યજમાનોનો સંતોષ, એ જ અમારો સંતોષ. આ લેખનો પ્રારંભ થયો, એમાં અમને ફેમિલી સાથે પોતાને ઘેર જમવા બોલાવનારાઓએ ખાસ લાલચ હાફૂસની આપી હતી. 'અમારા અશોકભ'ઇને તો હાફૂસ બહુ ભાવે, એવું એમના કોક લેખમાં વાંચ્યું હતું, એટલે મેં'કું... લાય, આજે આવવાના જ છે તો હાફૂસ જમાડીએ. અમારા એમને કેરી-ફેરી સહેજે ય ન ભાવે...!'

મને એમના '' ઉપર બહુ માન થયું કે, સંસારની સર્વોત્તમ ચીજોથી આ પામર મનુષ્ય અજાણ છે. પણ પાછું ગતાંકથી ચાલુ કરીએ તો બહેને મને, 'તમે કાંદા-લસણ તો ખાઓ છો ને ?' એ જ્યારે પૂછ્યું, ત્યારે ય હું હાફૂસને કાંદા-લસણની સાથે ચાવવાનું સમજ્યો હતો, જે કબૂલ કરૂં છું કે, મારી ભૂલ હતી. કાંદા-લસણ સ્વૈચ્છિક હતા. એકલા ચાવી જવા હોય તો એ લોકોને વાંધો નહતો, માટે જુદી પ્લેટમાં બાજુ પર મુક્યા હતા.

મારી નજર સામે ડિમ્પલ કાપડિયાના બીજી વારના લગ્ન થતા હોય ને હું લાચાર બનીને - કન્યાના ભાઈની જેમ બાજુમાં બેઠો બેઠો પડયો રહું અને કાંઈ કરી ન શકું, એવી હાલત મારી નજર સામે એ ઘરની સ્ત્રીઓ હાફૂસને પાણીથી ધોતી-લૂછતી હતી ત્યારે થઇ. અહીં મારી દાનત જાહેર કરવી મારા હિતમાં તો નથી, પણ મારી ઇચ્છા (દાનત નહિ !) બાકીનુ બધું જમવાનું પડતું મૂકીને કેવળ હાફૂસ ઉપર તૂટી પડવાની હતી. મને તો હાફૂસની છાલ પણ મીઠડી લાગે. ઇશ્વરે હાફૂસના રંગોનું પણ કેવું ધ્યાન રાખ્યું છે ! આમ પીળી, વચ્ચે ક્યાંક લાલ, એકાદ કિનારી પાછી લીલા રંગની ય આવી જાય. અને હાફૂસડીનો તો દેખાવે ય રૉમેન્ટિક અને સેક્સી નહિ ? કેમ કોઈ બોલતું નથી ?... આપણે ફક્ત હાફૂસની વાત કરીએ છીએ...ઘેરથી ગભરાવાનું નહિ !

એમ તો અમે ય વળતા હુમલા તરીકે દોસ્તોને જમવા અમારા ઘરે બોલાવીએ છીએ, પણ વાઈફ પાસે પેપર ગોખાઈ માર્યું હોય કે, ''ઇ... ઠેઠ માણેક ચૉક જઇ આવી... આંબાવાડી અને પ્રહલાદનગર સુધી તપાસ કરી... એકે ય જગ્યાએ હાફૂસના ઠેકાણાં નહિ. નારણપુરામાં વળી એક દુકાનમાં મળતી હતી, પણ ભાવ કેટલો ખબર છે ? ₹ ૭૦૦/-ની ડઝન...! તો ય મેં'કુ... કાંઈ વાંધો નહિ. આપણે ક્યાં રોજ ખાવી છે ! પણ એ ય બહુ પાકી ગયેલી નીકળી એટલે હાફૂસને બદલે છેવટે ૨૦ નંગ તડબૂચ (કલિંગર) લેતી આવી. ખાધે રાખો... ખાધે રાખો... ને વધશે તો છોકરાઓના રમવાના ય કામમાં આવશે.'

આખિર... વો ઘડી આ હી ગઈ. ડાયનિંગ-ટેબલ પર સૌથી પહેલો હું ગોઠવાયો અને એ પણ કિચનની દિશામાં પહેલું મારૂં ટેબલ આવે એ રીતે, જેથી બીજાને પિરસાતી હોય ત્યારે જોઈ રહેવું ન પડે.

'ઓય મા...' એક તીણી ચીસ સંભળાઈ, કિચનમાંથી. કિચનના પ્લેટફોર્મ પરથી હાફૂસનો રસ ભરેલું તપેલું બે હાથે ઉંચકવા જતા લપસી પડયું... બધો માલ જમીનદોસ્ત ! સાલા, અહીં તો જીવો બળીને ભડકા થઇ ગયા છતાં પેલીનો ગોરધન બહુ માયા મમતાથી એને ખભે હાથ મૂકીને પૂછે છે, 'કોશી... તને વાગ્યું નથી ને, ડાર્લિંગ ? અરે, હાફૂસ તો બીજી મંગાઈ લઈશું... તૂં આમ ઢીલી ન થઇ જા...!'

બેવકૂફમાં એટલી અક્કલ નહિ કે, આવે તબક્કે સમયસૂચકતાનું ભાન રાખીને તાબડતોબ બીજી વાઈફ મંગાવી લેવાય... મોંઘા ભાવની હાફૂસ હવે કાંઈ બીજી આવવાની છે ? પછી શું... ? હું તો વગર હાફૂસે ફક્ત કાંદા-લસણ ખાઈને આવ્યો... એમ કાંઈ કોઈનું જમવાનું બગાડાય છે, બા'મણભ'

સિક્સર 
મુકેશ અંબાણીના પુત્ર અનંતે અધધધ...૧૦૫ કીલો વજન ઉતાર્યું, કેવળ સંયમ અને મેહનતના જોર પર ! 
'બેટા... આપણે ૧૦૫ કીલો નહિ ઉતારવાનું... તારૂં તો ટોટલ વજન જ ૮૦-કીલો છે.'

No comments: