Search This Blog

22/05/2016

ઍનકાઉન્ટર : 22-05-2016

* દેશને સામ્યવાદની જરૂર છે. તમે શું માનો છો ?
-
સામ્યવાદને સમજવા જેટલું હું ભણ્યો નથી.
(
આશિષ વ્યાસ, સિહોર)

* હું નવી રાજકીય પાર્ટી બનાવવા માંગુ છું, શું નામ રાખું ?
-
નામ પ્રમાણે મા-બાપની સેવા કરો, એ જ મોટી પાર્ટી આપી કહેવાશે.
(
શ્રવણ વાઘેલા, સનેસડા-બી.કે.)

* આત્મહત્યા કરવાનો સારો રસ્તો કયો ? લગ્ન થઈ ગયા છે.
-
હવે જીવો.
(
અતુલ વી. શાહ, અમદાવાદ)

* તમે સાઉથ ઇન્ડિયાના સંગીત વિશે શું માનો છો ?
-
એ જ કે, હું શું માનું છું, એનો સાઉથમાં ય કોઈ ભાવ પૂછવાનું નથી.
(
જીજ્ઞોશ જોગડા, રાજકોટ)

* આજની શિક્ષણપ્રથા વિશે શું માનો છો ?
-
ખોટી પ્રથાઓ ના પાડવી.
(
મીરાં દવે, જૂનાગઢ)

* આજકાલ દરેકને પોતાનું વજન ઉતારવાનુ ભૂત સવાર થયું છે...
-
હા, પણ એના ભૂવાઓ ચાર્જ બહુ મોટો લે છે.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* પોતાના પ્રવચનમાં શ્રોતાઓ તાળીઓ પાડે, એ દરેક વક્તાને ગમતું હોય છે.. તમારે કેમનું છે ?
-
જ્યાં મચ્છરો બહુ હોય, એવા હૉલમાં મારૂં પ્રવચન ગોઠવાવું છું.
(
વર્ષા સુથાર, પાલનપુર)

* ભગવાન પાસે એક જ વસ્તુ માંગવાની હોય તો શું માંગો ?
-
ભગવાનને પૂછી જોઉં, 'તમારે શું જોઈએ છે ?'
(
નિરવ ડી. મોઢ, પેથાપુર-દાંતા)

* શ્રી નરેન્દ્ર મોદી માટે તમારો આદરભાવ દેખાય છે...
-
મને તમારા માટે ય છે.
(
નીતિન સાવડીયા, ભાવનગર)

* ભારત-પાકિસ્તાનને ફરીથી એક કરવા શું કરવું જોઈએ ?
-
કંઈક સારૂં વિચારો.
(
કેતન સરવૈયા, વલસાડ)

* પ્રેમમાં પડવું કે લગ્નમાં ?
-
આવા વિચારો કરવાને બદલે ચિંતામાં પડો.
(
ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* મારે તમને ખરેખર મળવું છે. શું કરવું ?
-
પહેલા ખોટેખોટું મળી લો.
(
હેમાંગી કાકુ, જામનગર)

* ઈશ્વરમાં માનો છો ?
-
આપણો દેશ ઈશ્વરથી કમ છે ?
(
જયેશ અંતાણી, ભાવનગર)

* મારા મિત્રો મારા સવાલો કરતા તમારા જવાબોના વખાણ વધુ કરે છે ? કેમ ?
-
એ લોકો તમારા જેવા મૅચ્યૉર નથી.
(
પ્રતિક અંતાણી, ભાવનગર)

* કૉંગ્રેસીઓ ૧૦, જનપથની આરતી ક્યાં સુધી ઉતારશે ?
-
દરેક વ્યક્તિએ પોતાના અન્નદાતાની આરતી ઉતારવી જોઈએ.
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* તમારા નિરીક્ષણ મુજબ, મોરબી રાજકોટની બરોબરીએ આવશે ખરૂં ?
-
આવી ગયું છે... હું ક્યાં મોરબીમાં રહું છું ?
(
આકાશ રાચ્છ, મોરબી)

* તમારા ઘરમાં કોનું વધારે ચાલે છે ?
-
મારા પૌત્ર-પૌત્રીનું.
(
તપન પુરોહિત, કોડિનાર)

* દરેક જેઠાલાલની એક બબિતા હોય છે. સુઉં કિયો છો ?
-
એક જ...?
(
અભિષેક ભીમાણી, વાપી)

* નેતા કૂંવારો ભલો કે પરણેલો ?
-
લગ્ન ન કર્યા હોય, એને જ કૂંવારો ન કહેવાય !
(
આસુતોષ સાંખલા, ડીસા)

* સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે... હાથ કે જીભ ??
-
બહેરો હોય તો જીભ.
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* આજ સુધી તમે કેટલા સવાલોના જવાબ આપ્યા હશે ? કોઇ વિગત ખરી ?
-
મારા પાપોનો હિસાબે ય મારે રાખવાનો ?
(
એઆર રહેમાન બોગલ, ગોધરા)

* લગ્ન પછી દીકરો મા-બાપને કેમ ભૂલી જાય છે ?
-
સાસુ-સસરા ય કોઇના માબાપ જ છે ને ?
(
કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* તમે સવાલ વાંચીને પસંદ કરો છો કે ડ્રો કરી ને ?
-
તમે જવાબ વાંચીને પસંદ કરો છો કે ડ્રો કરી ને ?
(
પ્રકાશ સી. ટેલર, વાપી)

* ફૅસબુક પર લોકો વારંવાર પોતાનો ફોટો અપલોડ કેમ કરતા હશે ?
-
કોઈને હસાવવા એ ખોટું કામ નથી.
(
ભાભલુ ખવડ, થાનગઢ)

* 'ઍનકાઉન્ટર'માં તમારો ફોટો કેમ નથી મૂકતા ?
-
વગર ફોટે હું હસાવી શકું છું કે નહિ, એ જોવા.
(
ફિરોઝ મોરાવાલા, સંતરામપુર)

* મોરબીમાં સારો બગીચો કે સારૂં થીયેટર નથી. રાજકોટ જવું પડે છે. તમે કોક નેતાને ભલામણ કરો ને !
-
કોક સારો નેતા મળે તો વાત કરૂં.
(
ડૉ. પુનિત પડસુંબીયા, મોરબી)

No comments: